પિન કોડ - 101
પ્રકરણ-63
આશુ પટેલ
પેલા બન્ને યુવાનો વચ્ચેની વાત સાંભળીને સાહિલ થથરી ગયો. આ લોકો તેને અને નતાશાને મારી નાખવા માગતા હતા અને તે બન્નેની હત્યાને આત્મહત્યામાં ખપાવવા માગતા હતા! તેને હજી તો એ પણ નહોતુ સમજાઈ રહ્યું કે આ લોકોએ નતાશાનુ અપહરણ શા માટે કર્યું છે અને પોતાને પણ શા માટે કેદ કરી રાખ્યો છે.
પેલા બન્ને યુવાનો વાતો કરી રહ્યા હતા. એ દરમિયાન પોતે હજી બેહોશ છે એવો ડોળ કરીને પલંગ પર પડી રહેલા સાહિલના દિમાગમાં અત્યંત તેજ ગતિએ એ વિચારો ચાલુ થઈ ગયા હતા કે આ સ્થિતિમાં તેણે શું કરવું જોઈએ.
* * *
નતાશાએ બાથરૂમના અરીસામાં પોતાનું પ્રતિબિંબ જોયું એ સાથે તેને બીજો આંચકો લાગ્યો. તેના ચહેરામાં પણ ફેરફાર થઈ ગયો હતો! તેની હેરસ્ટાઇલ બદલાઇ ગઇ હતી, તેની આઇબ્રોનો શેપ પણ બદલાઇ ગયો હતો. તેના કાનમાંથી ઇયરિંગ્સ ગાયબ હતા, તેના નાક પર બ્રાઉન કલરનો તલ હતો, તેના નાકમાં પહેરેલી નોઝ રિન્ગ ગાયબ હતી અને એની જગ્યાએ ચૂંક આવી ગઇ હતી અને તેના હોઠના ઉપરના ભાગે ડાબી બાજુએ એક નાનકડો કાળો તલ આવી ગયો હતો!
નતાશાનું દિમાગ ચકરાઇ ગયું. તેણે પોતાનું મગજ કસવાની કોશિશ કરી પણ અંધેરીની ‘ગ્રેસ રેસિડન્સી’ હોટલમાંથી નીકળીને પેલા વાહનમાં બેઠા પછીનું કશું જ તેને યાદ ના આવ્યું. તે ભયંકર હદે ડરી ગઇ હતી. તેને ક્યાં લઇ અવાઇ હતી અને તેની સાથે આ શું થઇ રહ્યું હતું એ વિચારોથી તેને ગૂંગળામણ થવા લાગી. તેને થયું કે તે જોરથી ચીસ પાડીને રડી લે. પણ પોતે અજાણી જગ્યામાં કેદ થયેલી છે અને તેનો દેખાવ બદલાઇ ગયો છે એ આઘાતને કારણે જાણે તેની વાચા હણાઇ ગઇ હતી. તેના ગળે ડૂમો ભરાઇ આવ્યો. તેને સાહિલ યાદ આવ્યો અને સાથે સાહિલે તેને અનેક વાર આપેલી ચેતવણી પણ યાદ આવી ગઇ. તેને પોતાની જાત પર ગુસ્સો પણ આવી રહ્યો હતો કે સાહિલની વાત તેણે માની હોત તો કદાચ પોતે આવી સ્થિતિમાં ના મુકાઇ હોત.
નતાશાએ વોશ બેસીનનો નળ ખોલીને જોરથી પોતાના મોઢા પર પાણીની છાલકો મારવા માંડી, જાણે પાણીની છાલકો મારવાથી તેના ચહેરામાં થયેલા ફેરફાર દૂર થઇ જવાના હોય અને તેનો ઓરિજીનલ લૂક તેને પાછો મળી જવાનો હોય! હતાશાની લાગણીને કારણે નતાશાની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. વોશ બેસીનની બાજુમાં લટકતા નેપકીનથી તેને પોતાનો ચહેરો લૂછ્યો. નેપકીન વડે તેના ચહેરા પરથી પાણી લૂછાયું, પણ તેની આંખોમાંથી વહી રહેલા આંસુને કારણે ફરી તેના ગાલ ભીના થવા લાગ્યા. નતાશાએ તેના જીવનમાં ક્યારેય આટલી હદ સુધીની મૂંઝવણ, નિ:સહાયતા, ડર અને અજંપાની એકસામટી લાગણી નહોતી અનુભવી. લોકો બાથરૂમમાં ફ્રેશ થવા જતા હોય છે પણ નતાશા તો બાથરૂમમાં જઇને ફ્રેશ થવાને બદલે પોતાનો ચહેરો અરીસામાં જોયા પછી પોતાના બદલાયેલા શારીરિક દેખાવથી માનસિક રીતે વધુ પડી ભાંગી હતી.
નતાશાને તેની મમ્મી યાદ આવી ગઇ. પપ્પા સાથે ઝઘડીને મુંબઇ આવી ગયા પછી સંઘર્ષના અનેક તબક્કામાંથી પસાર થતી વખતે નતાશા મજબૂત મનોબળ સાથે મુંબઇમાં ટકી રહી હતી. પણ આજે પહેલી વાર તેને અફસોસ થયો કે પોતે ઘર છોડીને કેમ મુંબઇ આવી ગઇ. મહત્ત્વાકાંક્ષી માણસો સંઘર્ષ વ્હોરી લેતા હોય છે, પણ એવા માણસોમાંથી મોટા ભાગના માણસોને તેમના સંઘર્ષના તબક્કા દરમિયાન ક્યારેક તો એવો વિચાર આવી જ જતો હોય છે કે પોતે આ પગલું ભરીને ભૂલ કરી છે. એવી સ્થિતિમાં ઘણા માણસો હાર સ્વીકારી લેતા હોય છે. ઘણા માણસો એક-બે દિવસ કે થોડાં સપ્તાહો કે મહિના સુધી મનોમન દુ:ખી થઇને ઘરભેગા થઇ જતા હોય છે. પણ કેટલાક માણસો થોડી મિનિટોમાં, થોડા કલાકોમાં કે વધીને થોડા દિવસોમાં હતાશા ખંખેરીને પાછા સંઘર્ષ કરવા સજ્જ થઇ જતા હોય છે. નતાશા પણ એ પ્રકારની વ્યક્તિ હતી કે જે હતાશાની લાગણી થોડી વારમાં ખંખેરી નાંખે. પણ અત્યારની સ્થિતિ જુદી હતી. નતાશાના મનમાં કોઇ ઝંઝાવાતની જેમ વિચારો ચાલી રહ્યા હતા. મુંબઈ આવ્યા પછી ભૂખ્યાં પેટે સૂઇ જવાના કે પાસે પૈસા ના હોય ત્યારે દિવસ દરમિયાન દસ-પંદર કિલોમીટર ચાલી નાખવા જેવી તકલીફોનો તો તે સહજતાથી સામનો કરી ચૂકી હતી, પણ અત્યારે તેની સાથે કંઇક ભેદી બની રહ્યું હતું એના કારણે તેના મનમાં ખોફની લાગણી હતી. અને પોતાની સાથે આગળ શું થશે એ ભય તેને એટલી હદે સતાવી રહ્યો હતો કે તેને ડર લાગ્યો કે જાણે તેનું હૃદય ફાટી પડશે. નતાશાને થયું કે પોતે હોંશમાં આવી છે એ વાસ્તવિકતા ના હોય તો સારુ. આ એક સપનું જ હોય અને અચાનક તેની ઊંઘ ઊડે એ સાથે પોતાને પેલી હોટલમાં જુએ. પણ પછી તેને યાદ આવ્યું કે તે હોટલમાંથી તો પોલીસ ટીમ સાથે બહાર નીકળી હતી. એટલે આ સપનું નહોતું, પણ દુ:સ્વપ્ન સમી વાસ્તવિકતા જ હતી. પોતાની ઓળખ મુંબઇ પોલીસની ક્રાઇમ બ્રાંચના ઇન્સ્પેક્ટર રવીન્દ્ર જાધવ તરીકે આપનારા માણસે તેને કહ્યું હતું કે અમે ઓમર હાશમીની ધરપકડ કરી છે અને હવે તમારા પરથી ભય ટળી ગયો છે. પોલીસે ઓમર હાશમીની ધરપકડ કરી હતી અને પોતાના પરથી ભય ટળી ગયો હતો તો પછી પોતે આ અજ્ઞાત જગ્યામાં કેમ પુરાયેલી હતી એ સવાલ રહી રહીને તેના મનમાં ઊઠી રહ્યો હતો અને એ સાથે જ તેની મૂંઝવણ વધુ ઘેરી બનતી જતી હતી.
* * *
મુંબઈ પર થયેલા હુમલાઓની જવાબદારી હું લઉં છું. મુંબઈ પર ખોફ વરસાવવા માટે અલ્લાહે અમને પસંદ કર્યા છે એ અમારા માટે ફખ્રની વાત છે. ભારતમાં ઇસ્લામનું શાસન નહીં આવે ત્યાં સુધી અમે શાંત બેસવાના નથી. આ દેશ પર મુસ્લિમોની સલ્તનત ચાલતી હતી એ સમય અમે પાછો લાવવા માગીએ છીએ. કાફરોએ મુસ્લિમ શાસકો પાસેથી આ મુલ્ક પચાવી પાડ્યો હતો અને સદીઓથી કાફરો આ દેશના મુસ્લિમોને નડી રહ્યા છે. આ સ્થિતિનો અમે અંત લાવીશું. બહુ ટૂંક સમયમાં આ મુલ્કમાં અમારુ શાસન આવશે અને શરિયા કાનૂન લાગુ પડશે. આ હુમલાઓ તો કઈ જ નથી. હવે અમે જે કરવાના છીએ એ આ હુમલાઓથી અનેક ગણું ખોફનાક હશે. મુંબઈની જેમ આ મુલ્કના બીજાં શહેરોમાં પણ અમે આતંક મચાવી દઈશું. અલ્લાહના આદેશથી અમે જેહાદ શરૂ કરી છે. અમારા સૈનિકો આ મુલ્કના ખૂણેખૂણામાં ફેલાઈ ગયા છે. અમારા સૈનિકોના ખોફથી બચવું હોય તો આ મુલ્કના તમામ કાફરોએ ઈસ્લામ ધર્મ અંગિકાર કરી લેવો પડશે. નહીં તો એમણે કમોતે મરવાની તૈયારી રાખવી પડશે...’
વૈશ્ર્વિક સ્તરે ફેલાઈ ગયેલા ખતરનાક આતંકવાદી સંગઠન આઈએસના સુપ્રીમો અલતાફ હુસેનની વીડિયો ક્લિપ એક ટીવી ચેનલ પર પ્રસારિત થઈ રહી હતી. એ પ્રસારણ જોઈ રહેલા અલતાફ હુસેને રીમોટની મદદથી ટીવી ચેનલ બદલી. ત્યા પણ તેના વીડિયોનું જ પ્રસારણ થઈ રહ્યું હતું. તેણે ભારતની મોટા ભાગની અને પશ્ર્ચિમી દેશોની પણ ઘણી બધી ચેનલ્સ બદલીને જોઈ લીધું. તમામ ટીવી ચેનલ્સ પર ઊડીને આંખે વળગે એવા ‘બ્રેકિંગ ન્યૂઝ’ અને ‘એક્સક્લુસિવ’ શબ્દો સાથે તેણે મોકલેલો વીડિયો વારંવાર પ્રસારિત થઈ રહ્યો હતો. થોડી વાર માટે બીજા ન્યૂઝ પણ પ્રસારિત થઈ રહ્યા હતા.
અલતાફ હુસેન સર્ફિંગ કરી રહ્યો હતો એ દરમિયાન અચાનક ભારતની એક ટીવી ચેનલ પર એક ‘બ્રેકિંગ ન્યૂઝ’ શરૂ થયા એ જોઈને તેના ચહેરા પર સ્મિત આવી ગયું.
(ક્રમશ:)