Truck Driver in Gujarati Short Stories by Yashvant Thakkar books and stories PDF | ટ્રક ડ્રાઈવર

Featured Books
Categories
Share

ટ્રક ડ્રાઈવર

ટ્રકડ્રાઈવર

યુવાન શરીરમાં ધસમસતા લોહીની જેમ, ટ્રક રાષ્ટ્રીય ધોરી માર્ગ નંબર આઠ પર દોડતી હતી.

હું ડ્રાઈવરની કૅબિનમાં ડાબી બાજુના ખૂણામાં બેઠો હતો અને ક્યારેક રસ્તા પર, ક્યારેક દૂર દૂર સુધી લંબાયેલાં ખેતરો તરફ તો ક્યારેક કૅબિનની અંદર જ મારી નજર ફેરવી લેતો હતો. મોટા કાચની આરપાર દેખાતાં કેટલાંક દૃશ્યો તો મારી આંખોમાં સમાતાં પહેલાં જ છટકી જતાં હતાં. કશી રોકટોક વગર આવતો પવન, જૂનાં સંભારણાં લઈને આવતો હતો. મને બધું જ અદ્ભુત અદ્ભુત લાગી રહ્યું હતું. વાહનોની ઘરઘરાટી કે હોર્નના અવાજો પણ મને તાલબદ્ધ સંભળાતા હતા. વાતાવરણ જ એવું હતું કે મનગમતાં ગીત હોઠ પર રમવા આવી ચડે. થોડાંક ગીતો મારા હોઠે રમવા આવ્યાં પણ ખરાં! અલબત્ત, બહુ જ હળવે હળવે!

મારી આગળ જ કૅબિનના દરવાજામાં ટ્રકનો કલીનર, પોતાનું અર્ધું શરીર દરવાજાની બહાર રાખીને બેઠો હતો. એ જરૂર પડ્યે પાછળ આવી રહેલાં વાહનોને હાથથી સાઈડ બતાવવાની ફરજ બજાવતો હતો. એનાં કપડાં, કાળા અને ચીકણા પદાર્થો વડે ખરડાયેલાં હતાં. એના માથાના વધેલા વાળ પવનમાં ઊડ્યા કરતા હતા. હું ક્યારેક ક્યારેક એનો પૂરેપૂરો ચહેરો જોઈ શકતો હતો. મને એ ચહેરો જાતજાતની આબોહવાથી ખરડાયેલો લાગ્યો હતો. એ ખરડાયેલા ચહેરાની પાછળ રહેલો અસલ ચહેરો મારી સામે સ્પષ્ટ થતો નહોતો. પરંતુ, મેં મારા સ્વભાવ મુજબ એવી ધારણા બાંધી લીધી હતી કે એ અસલ ચહેરો, નર્યા કલીનરનો જ નહિ; એક ભાઈ, દીકરા, બાપ કે પ્રિયતમનો પણ હશે.

મારી જમણી બાજુએ એક મુસાફર વાતોડિયો સ્વભાવ લઈને બેઠો હતો. એનામાં રહેલા ગામડાના સંસ્કારો છાના નહોતા રહેતા. એણે મને ‘ક્યાં રહો છો?’ ને ‘ક્યાં જાઓ છો?’ જેવા પ્રશ્નો પૂછ્યા હતા. હું પોતે પણ મૂળ ગામડાનો જ માણસ હોવાથી એક જમાનામાં મને એવા પ્રશ્નોના જવાબ હોંશેહોંશે આપવાનું ગમતું હતું. પરંતુ, શહેરમાં લાંબો વસવાટ કર્યા પછી, મને અજાણ્યા સાથે વધારે વાતચીત કરવાના જોખમોથી દૂર રહેવાની ટેવ પડી ગઈ હોવાથી મેં એને ટૂંકા ને ટચ જવાબો આપ્યા હતા. વાતચીતમાં નહિ ઊતરવાની મારી ઇચ્છાને એ માણસ સમજી ગયો હશે, તેથી એણે પોતાની બીજી બાજુએ ખૂણામાં બેઠેલા એક ભરવાડ સાથે વાતચીત શરૂ કરી હતી.

ભરવાડ પોતાના બંને પગ બેઠક પર જ રાખીને, જાણે પોતાના ઘરના ઓટલે બેઠો હોય એમ નિરાંતે બેઠો હતો. એનો ડંગોરો, ડ્રાઈવરે પહેલેથી જ કૅબિનના આગળના ભાગમાં મુકાવી દીધો હતો. એના ચહેરા પર સુકાઈ ગયેલી નદીઓ જેવી કરચલીઓ પડી ગઈ હતી. બંને ગાલમાં પડેલા ખાડા એના મોઢાના અંદરના ખાલીપાની ચાડી ખાતા હતા. ઘેટાંનો રંગ ધરાવતી મૂછો, એની ઉંમરને માન આપતી હોય એમ નીચે તરફ ઝૂકી ગયેલી હતી. ટ્રકની ઝડપ અને વારંવારના આંચકા છતાંય એના માથા પરનો લાલ ફેંટો અડીખમ રહેતો હતો. એ ભરવાડ પોતાની આંખોમાં, ઘેટાંબકરાંની સાથે વિતાવેલી જિંદગીને સાચવીને બેઠો હોય એમ લાગતું હતું.

મારી બાજુમાં બેઠેલા માણસે પોતાના ખિસ્સામાંથી બીડીની જૂડી ને બાકસ કાઢ્યાં. એણે બીડીવાળો હાથ ડ્રાઈવર તરફ લંબાવ્યો પણ ડ્રાઈવરે ઇશારાથી ના પાડી. એણે કલીનર તરફ હાથ લાંબો કર્યો તો કલીનરે પણ ના પાડી. મારી અનિચ્છાને સમજી ગયો હોય એમ એણે મને આગ્રહ કર્યો નહિ. છેવટે ભરવાડે એનું માન રાખ્યું.

થોડીવારમાં જ કૅબિનમાં તમાકુની ગંધ ફેલાઈ ગઈ. એ ગંધ મને મારા ગામડે લઈ ગઈ. શિયાળાની રાત્રે કોઈને ત્યાં સત્યનારાયણની કથા ચાલતી હોય ત્યારે; દૂર ફળિયામાં ખાટલે બેઠેલા ગામના દરબારો, કુંભારો કે આહીરો તમાકુની આવી જ ગંધ ફેલાવતા…. એ બધું મને સાંભરી આવ્યું.

હું મારા ગામલોકોના ચહેરાઓને યાદ કરવાની રમતે ચડ્યો. નાના ને મોટા, સીધા ને માથાભારે, નબળા ને ખમતીધર એવા કૈંક લોકોના ચહેરાઓને હું એક પછી એક યાદ કરવા લાગ્યો. એ દરમ્યાન મારાથી એ છાનું ન રહ્યું કે, ડ્રાઈવરે મારા ચહેરા તરફ એક નજર નાખી લીધી હતી. એટલું જ નહિ, એણે પોતાના હોઠ પણ મલકાવી લીધા હતા.

ડ્રાઈવર મજબૂત બાંધાનો હતો. એણે લુંગી અને ભડકામણા રંગવાળું ખમીસ પહેર્યાં હતાં. એની દાઢી વધેલી હતી અને મૂછો વળ ચડાવેલી હતી. એનો ચહેરો ટ્રકડ્રાઈવર માટે જરૂરી એવા હાવભાવથી ભરેલો અને ડરામણો હતો. એની મોટી આંખોમાં થાક, કંટાળો ને ઉજાગરો જાણે કે કાયમી ધામો નાખીને પડ્યા હતા. છતાંય એના સ્નાયુબદ્ધ હાથ એની શક્તિ અને સહનશીલતાનું પ્રદર્શન કરતા હોય એ રીતે સ્ટીયરિંગ પર ગોઠવાયેલા હતા. એના વાળ ટૂંકા અને ઊભા ઓળેલા હતા. એણે કપાળ પર મોટો રૂમાલ બાંધેલો હતો. એને જોઈને જ મને એવું લાગતું હતું કે એ ટ્રકડ્રાઈવર જ થવા સર્જાયેલો હતો.

ટ્રકડ્રાઈવર ખાસ બોલતો નહોતો. ટ્રાફિકમાંથી રાહત મળે ત્યારે કલીનર સાથે ડીઝલની કે ટ્રકની મરામત અંગેની કે પછી પાછળ રહી ગયેલી કોઈ ગાડી બાબતની ટૂંકી વાતચીત કરી લેતો હતો. એનો અવાજ પણ એના શરીરને શોભે એવો બુલંદ હતો.

ટ્રકડ્રાઈવર અને કલીનર બંને પોતપોતાની દુનિયામાં એટલા મશગૂલ લાગતા હતા કે જાણે ટ્રકમાં બેઠેલા મુસાફરોનું એમની નજરમાં કોઈ અસ્તિત્વ જ નહોતું.

પણ ના, સાવ એવું નહોતું. ટ્રકડ્રાઈવરની નજરમાં મારું અસ્તિત્વ તો હતું જ. એણે પોતાની અણીદાર નજર મારા ચહેરા પર નાખી હતી. જે મારા ધ્યાનમાં આવી ગયું હતું. વળી એણે પોતાના હોઠ પરનો મલકાટ છુપાવવા ધાર્યો હોય તો પણ મારાથી છૂપો રહ્યો નહોતો.

ત્યારબાદ એની એવી નજર, મેં એક નહિ પણ ત્રણત્રણ વખત પકડી પાડી. ને ત્રણેય વખતના એના હોઠ પરના મલકાટે મને ગડમથલમાં મૂકી દીધો. મને થયું કે નક્કી, ‘મારા ચહેરા પર એવું કશું છે જે જોઈને ડ્રાઈવર વારંવાર મલકાય છે.’ મેં મારા ચહેરા અને માથા પર મારો હાથ સહજતાના ડોળ સાથે ફેરવી લીધો. પરંતુ, મારા હાથમાં કશું જ વાંધાજનક આવ્યું નહિ. ‘ડ્રાઈવર શું જોઈને પોતાના હોઠ મલકાવતો હશે?’ એ પ્રશ્ન મારા મનને મૂંઝવવા લાગ્યો.

હું અટકળો બાંધતો હતો એ દરમ્યાન કલીનરે ભાડું ઉઘરાવવાનું શરૂ કર્યું. મારી બાજુમાં બેઠેલા બંને મુસાફરો પાસેથી ભાડું લીધા પછી એણે મારા તરફ હાથ લાંબો કર્યો. હું મારા ખિસ્સામાંથી પૈસા કાઢતો હતો એ જ વખતે ડ્રાઈવરે એને કહ્યું કે: ‘એમનું ભાડું નથી લેવાનું.’

હવે તો મારા આશ્ચર્યનો પાર નહોતો. હું ડ્રાઈવર તરફ એકીટશે જોઈ રહ્યો. એનું ધ્યાન ગાડી ચલાવવામાં હતું. મેં માન્યું કે એને મજાક સૂઝી હશે. બાકી, મારી પાસેથી ભાડું ન લેવાનું કોઈ કારણ નહોતું. કલીનર તો ફરીથી બારીમાં ગોઠવાઈ ગયો હતો. ડ્રાઈવર ફરીથી મારી સામે જુએ ત્યારે કારણ પૂછી લેવાની અધીરાઈ સાથે હું એમ જ બેસી રહ્યો.

ટ્રાફિકમાંથી રાહત મળતાં એણે જ મને પૂછ્યું : ‘ઓળખાણ ન પડી ને?’

‘ના.’ મેં કહ્યું.

‘આપણે બહુ વખતે ભેગા થયા છીએ. પણ હું તો તમને તમે ટ્રકમાં ચડ્યા ત્યારથી જ ઓળખી ગયો છું.’

એના ચહેરાની અંદરથી પરિચિત ચહેરાને શોધી કાઢવા માટે હું મારી સ્મરણશક્તિની ધાર કાઢતો રહ્યો…

‘તમે ભણવામાં દર વર્ષે પહેલો નંબર લાવતા હતા ને?’ એણે પૂછ્યું.

‘હા.‘ મારાથી હસી પડાયું.

‘તમારી યાદશક્તિ તો બહુ તેજ હતી ને?’ એણે હસતાં હસતાં પૂછ્યું. એના પ્રશ્નમાં રહેલી મજાક મારાથી છાની ન રહી.

‘હા.’ મારે જવાબ આપવો પડ્યો.

‘પણ હું તો ડફોળ હતો. અબઘડી વાંચેલું અબઘડી જ ભૂલી જાઉં એવો.’ એણે કહ્યું.

ટ્રાફિકના કારણે અમારી વાતચીત અટકી ગઈ. મને માત્ર એટલો ખ્યાલ આવ્યો કે, આ માણસ ક્યારેક મારી સાથે ભણ્યો હશે.

... મને કશું ચોક્કસ યાદ આવતું નહોતું. મેં એટલાં ગામો ને એટલી નિશાળો બદલી હતી કે સાથે ભણનારા તમામને યાદ રાખી શક્યો નહોતો. કેટલાકનાં નામ યાદ હતાં તો એમના ચહેરા ભૂલી ગયો હતો. તો વળી કેટલાક ચહેરા યાદ હતા તો એમનાં નામ ભૂલી ગયો હતો.

‘તમારે ક્યાં ઊતરવું છે ’ એણે મને પૂછ્યું.

‘કરજણચોકડી.’ મેં કહ્યું.

‘થોડી વાર છે. ત્યાં સુધીમાં યાદ કરો. આપણે જયહિંદ વિદ્યાલયમાં આઠમું ને નવમું ધોરણ સાથે ભણ્યા હતા.’

એણે મોટાભાગનું રહસ્ય ખોલી નાખ્યું હતું. હવે હું એને ન ઓળખી શકું તો એ મારી ભયંકરમાં ભયંકર નિષ્ફળતા હતી. મારી સાથે આઠમા અને નવમા ધોરણમાં ભણનારા વિદ્યાર્થીઓને હું યાદ કરવા લાગ્યો. મને કેટલાક ચહેરા યાદ આવ્યા પરંતુ એ ચહેરાઓનો ડ્રાઈવરના ચહેરા સાથે મેળ ખાતો નહોતો.

કરજણચોકડી નજીક ને નજીક આવી રહી હતી. હું વીસ વર્ષો પહેલાંના સમયમાં ડૂબકી મારીને તેમ જ મારી તમામ માનસિક શક્તિને દાવમાં મૂકીને ડ્રાઈવરને ઓળખી કાઢવા માટે ઝઝૂમવા લાગ્યો. પરંતુ, ડ્રાઈવરના ચહેરા સાથે મેળ ખાય એવો ચહેરો યાદ આવવાના બદલે બીજા જરૂર વગરના ચહેરાઓ મારા સ્મરણપટ પર આવીને મને ડોકવવા લાગ્યા. મારી સ્થિતિ ખૂબ જ દયાજનક થઈ ગઈ હતી.

નજર સામે કરજણચોકડી દેખાતાં જ મેં મારા પ્રયત્નો પડતા મૂકીને કહી દીધું : ‘યાર, ઓળખાણ નથી પડતી.’

‘હત્ત તેરીકી!’ એણે પોતાના કપાળ પર હાથ પછાડ્યો ને ચોકડી પાસે રસ્તાની સહેજ બાજુમાં ટ્રક ઊભી રાખી દીધી,

‘હું શંકર ડી. રાઠોડ.’ એણે હસી પડતાં કહ્યું : ‘હું તમારી પાછળની પાટલી પર બેસતો હતો. તમારામાંથી ચોરી કરી કરીને પાસ થતો હતો.’

‘અલ્યા. શંકર તું!’ મેં ઊભા થતાં કહ્યું. મારી નવાઈ અને ખુશીનો પાર નહોતો. મારી સાથે ભણનારો એક શરારતીમાં શરારતી છોકરો પૂરાં વીસ વર્ષો પછી એક ટ્રકડ્રાઈવર તરીકે મારી નજર સામે હતો. એ ઘણો બદલાઈ ચૂક્યો હતો અને મારાથી ઓળખાયો નહોતો.

‘યાર શંકર, તું તો સાવ બદલાઈ ગયો છે! જરાય ઓળખાય એવો નથી રહ્યો.’ મેં કહ્યું.

‘તમે પણ ક્યાં નથી બદલાયા? તોય હું ઓળખી ગયોને?’ એણે કહ્યું. એણે જાણે મૂછોને વળ દેવાનું જ બાકી રાખ્યું હતું.

નીચે ઊભેલા મુસાફરો અને કલીનર, હું નીચે ઊતરું એ માટે અધીરા થઈ ગયા હતા. શંકર સાથે વધારે વાતો થાય એવા સંજોગો જ નહોતા. એ પોતે પણ ઉતાવળમાં હોવાનું સમજી શકાતું હતું. હું એની સાથે હાથ મેળવીને નીચે ઊતરી ગયો. નીચે ઊભેલા લોકો ટ્રકમાં ચડી ગયા પછી મારી અને શંકરની નજર એક થઈ. એણે હાથ ઊંચો કરીને ‘આવજો’ કહ્યું. મેં પણ સામો હાથ ઊંચો કર્યો ને એણે ટ્રક ઉપાડી.

હું ટ્રકને જતી જોઈ રહ્યો. ટ્રકની પાછળ ‘ફિર મિલેંગે’ એવું લખ્યું હતું, પરંતુ, ક્યાં મળવું એની નહોતી શંકરને ખબર કે નહોતી મને. ટ્રક દેખાતી બંધ થઈ એટલે મેં પગ ઉપાડ્યા.

હવે... હું હતો, મારું મન હતું ને મનમાં શંકરનો સણસણતા તીર જેવો સવાલ હતો: ‘તમારી યાદશક્તિ તો બહુ તેજ હતી ને?’

[સમાપ્ત]