Rasodama rangat jamavo in Gujarati Cooking Recipe by Mital Thakkar books and stories PDF | રસોડામાં રંગત જમાવો

Featured Books
Categories
Share

રસોડામાં રંગત જમાવો

રસોડામાં રંગત જમાવો

- મિતલ ઠક્કર

* શીરો બનાવતી વખતે પાણીમાં ખાંડની સાથે અડધો કપ દૂધ નાખો અને એની ચાસણી બનાવો. શીરાના સ્વાદની સાથે તેની પૌષ્ટિકતા વધી જશે.

* ભેળમાં થોડાં તળેલાં શીંગદાણા અથવા ખારી શીંગ નાખવાથી ભેળ સ્વાદિષ્ટ લાગશે.

* વટાણાની છાલનું પાતળું પડ ઉતારીને તેને કોથમીર-ફૂદીનાની ચટણીમાં વાટતી વખતે ભેળવવું. ચટણીનો સ્વાદ, રંગ સારો થાય છે. સામાન્ય રીતે ઘણી વખત ફૂદિના અને કોથમીરની ચટણી બનાવ્યા બાદ તેનો રંગ થોડો કાળો પડી જતો હોય છે. તેમાં જો વટાણાની છાલ નાખવામાં આવે તો તેનો રંગ તો જળવાશે જ સાથે સ્વાદમાં પણ વધારો થશે.

* બટાકાની ચિપ્સ તળતાં પહેલાં તેના પર થોડો ચણાનો લોટ ભભરાવો. તેનાથી ચિપ્સ કરકરી બનશે. સામાન્ય રીતે બાળકો કે મોટેરા બધાને ક્રિસ્પી ચિપ્સ જ વધારે ભાવતી હોય છે. પણ ઘણી વખત ઘરે બનાવતી વખતે ચિપ્સ ક્રિસ્પી બનતી નથી. ત્યારે આ ટિપ્સ ચોક્કસ અજમાવી શકાય.

* માખણને ફ્રીઝમાં સુગંધિત પદાર્થની સાથે ન મૂકશો. તેની વાસ માખણમાં આવશે.

* ઢોકળાને નરમ બનાવવા તેમાં આથો આપતી વખતે મલાઈ મિક્સ કરશો તો ઢોકળા પોચા બનશે.

* ચોખાને માપસર પાણીમાં જ રાંધવા. વચ્ચે ઓસાવી લેશો તો ધોવાણમાં બધા ગુણ ગુમાવશો.
* પલાળેલા સાબુદાણાને મેશ કરી શિંગોડાના લોટમાં ભેળવી તેના ભજીયા બનાવો. તેમાં મરચાં-આદુંની પેસ્ટ વગેરે સ્વાદ મુજબ ભેળવી શકાય.

* કિચનની રોજની વસ્તુઓના ડબ્બામાંની વસ્તુ ખલાસ થાય કે ધોઈને તાપમાં સુકવી લઇને પછી જ વસ્તુ ભરવી. આ રીતે કરવાથી દરેક ડબા વારાફરતી સાફ થઈ જશે.* ચાટ મસાલો તૈયાર કરતી વખતે એમાં થોડું ફૂદીનાનું ચૂર્ણ મેળવી દો. સ્વાદ સરસ આવશે.* ગોળને જૂના માટલામાં ભરીને ઉપર કપડું બાંધી રાખવાથી આખું વર્ષ ગોળ સારો રહે છે.

* જો તમે રાત્રે ચણા પલાળવાનું ભૂલી ગયા છો અને સવારે ચણાનું શાક બનાવવું છે તો કૂકરમાં ચણાની સાથે કાચા પપૈયાના ટુકડા નાખી દો. એનાથી ચણા સરળતાથી પલળી જાય છે.

* ભરેલા શાક બનાવતા સમયે મસાલામાં થોડા શેકેલા મગફળીનો ભૂકો મિકસ કરવાથી શાક સ્વાદિષ્ટ બને છે.

* કિચનની સામગ્રી ભરવા માટે પારદર્શક ડબ્બા રાખો. જેથી કઈ વસ્તુ કેટલી ઘરમાં ભરેલી છે તે ધ્યાનમાં રહે અને શોપિંગ લિસ્ટ બનાવવામાં સરળતા રહે. દરવખતે ડબ્બા ચેક કરવાની જરૂર ન રહે.

* શક્ય હોય તો નોનસ્ટીક પોટ, પેનમાં જ ભોજન પકાવો. જેથી સર્વિંગ બાઉલમાં અલગથી કાઢવાની જરૂર નથી. તેને સીધા જ ટેબલ પર ગોઠવી આપો. તે દેખાવમાં તો સારા લાગે જ છે. સાથે સાથે ધોવામાં પણ સરળતા રહે છે.

* બટેટાને ફ્રિઝમાં રાખવાથી એમાંની થાય છે. બટેટાને કાગળની થેલીમાં ઘરમાં ઠંડી અને જ્યાં સૂર્યપ્રકાશ ન આવતો હોય એવી જગ્યાએ રાખવા જોઇએ. પ્લાસ્ટીકની થેલી કરતાં કાગળની થેલીમાં બટેટાને હવા આસાનીથી મળી રહે છે અને એ રીતે જલદી બગડતા નથી.

* બ્રેડને ફ્રિઝમાં રાખવાથી એ બહુ જલદી સુકાઇ જશે. બ્રેડને કિચનના કાઉન્ટર પર જ રાખવા જોઇએ. જો તમે ફ્રિઝમાં બ્રેડ રાખતા હો તો એને સીલ્વર ફોઇલમાં વીંટાળીને મૂકજો કે જેથી એ સુકાઇ ન જાય. એને બહાર કાઢયા બાદ પણ સામાન્ય તાપમાન પર આવે ત્યાર બાદ જ ટોસ્ટ બનાવો કે ખાઓ.

* દાળ રાંધતા સમયે તેમાં એક ચપટી હળદર અને બદામના તેલના ટીપાં નાખવાથી દાળ જલ્દી ચઢી જાય છે અને સ્વાદ પણ સારો લાગે છે.

* કારેલાંનું શાક કડવું ન લાગે તે માટે કારેલાને સમારીને આખી રાત દહીંમાં પલાળી રાખો.

* શાક બનાવતી વખતે તેની ગ્રેવીને ઘટ્ટ બનાવવા માટે તેમાં થોડો ચોખાનો લોટ મિક્સ કરી દો.

* પનીરને નરમ રાખવા તેને બનાવતા પહેલાં ગરમ પાણીમાં થોડીવાર માટે નાખી દો અને પછી તેને ગ્રેવીમાં નાખો.

* મટર - વટાણાનો રંગ લીલો રાખવા માટે તેને ઉકાળતી વખતે ચપટી ખાંડ નાખી દો.

* ફ્લાવર અને બ્રોકલીને કાપીને ટૉવલમાં લપેટીને ફ્રિજમાં મુકો. તેનાથી તેની નરમાશ અને પોષક તત્વ કાયમ રહેશે.

* બરફના ટુકડાને કાચની જેમ સ્વચ્છ અને ચમકદાર રીતે જમાવવા માટે પહેલા પાણીને ઉકાળી લો અને પાણી ઠંડુ કરીને તે પાણીનો બરફ જમાવો.

* પોપકોર્ન બનાવતાં પહેલાં મકાઇના દાણાને થોડી વાર ફ્રીજમાં મૂકી દો.

* સફરજન થોડી વાર કાપીને મૂકવામાં આવે તો તે બ્રાઉન થઈ જાય છે. તેને બ્રાઉન થતાં અટકાવવા માટે એપ્પલ પર લીંબુનો તાજો રસ લગાવો.

* કોઈ પણ પંજાબી સબ્જી બનાવતી વખતે સબ્જીને વઘારતી વખતે તેમાં બધા જ મસાલા નાખી દેવાથી સબ્જીનો સ્વાદ વધી જશે.

* ભજિયાં-પકોડા સ્વાદિષ્ટ બનાવવા માટે ભજિયાંના ખીરામાં ડુંગળી છીણીને મિક્સ કરવાથી ભજિયાં એકદમ સ્વાદિષ્ટ બનશે.

* દહીં સારી રીતે અને ઝડપથી જમાવવું હોય તો દૂધમાં મેળવણ ઉમેર્યા બાદ તેને ઢાંકીને મૂકી દેવું. તેને વારંવાર ખોલીને જોવું નહીં. તેમ કરવાથી દહીં ખાટું થઈ જવા ઉપરાંત તેમાંથી પાણી છૂટું પડશે.

* ફરસી પૂરી બનાવતી વખતે મેંદાના લોટમાં મીઠા, જીરા અને મરીનાં ભૂકાને ઉકાળેલા થોડાંક પાણીમાં ભેળવી તેજ પાણીથી લોટ બાંધવાથી મરી અને જીરૂ ચોંટેલા રહેશે.

* રીંગણામાં ચાર કાપા કરી તેને તળવાથી રીંગણામાં મસાલો તરત ભરાશે અને ભરેલા રીંગણાનું શાક જલદી તૈયાર થઈ જશે.

* કોઇપણ રસાવાળું શાક ઘટ્ટ કરવું હોય તો ઘીમાં શેકેલી ડબલરોટીનો ભૂક્કો તેમાં મિક્સ કરી દો. આનાથી શાક ઘટ્ટ તો થશે જ સાથે સ્વાદિષ્ટ પણ બનશે.

* મેથી કે પાલકની ભાજીના પરાઠા બનાવતી વખતે પહેલાં ભાજીને ગરમ પાણીમાં પલાળી લો. ત્યાર બાદ તેને ગ્રાઈન્ડ કરી લો. પછી આ ગ્રેવીને લોટમાં ભેળવીને કણક બાંધો. આ રીતે તૈયાર કરેલા પરાઠા સ્વાદિષ્ટ લાગશે. કેટલીક વખત મેથીના થેપલા બનાવતી વખતે મેથી થેપલામાંથી છૂટી પડી જતી હોય છે. ડાયરેક્ટ ગ્રેવીનો ઉપયોગ કરવાથી આ સમસ્યા નહીં રહે. અને સ્વાદ પણ વધી જશે.

* ઘી બળી જાય તો તેમાં કાચું બટાટું નાખી હલાવવાથી ઘી સાફ થશે.

* કાબુલી ચણા બાફતી વખતે એક ચમચી સાકર ઉમેરવાથી ચણા જલ્દી બફાઈ જશે.

* પાંદડાયુક્ત ભાજી રાંધતી વખતે તેમાં ચપટી ખાવાના સોડા અને મીઠું નાખવાથી ભાજી જલદી ચઢી જશે અને ભાજી લીલીછમ રહેશે.

* દાળ-શાકમાં મીઠું વધારે પડી ગયું હોય તો તેમાં લીંબુ નીચોવી દેવું જેથી ખારાશ ઓછી થઈ જશે.

* શીશીમાં થોડો જામ વધ્યો હોય તો તેમાં ઠંડું દૂધ તથા વેનિલા એસેન્સ નાંખવું. ઠંડો મિલ્ક શેક તૈયાર થઇ જશે.

* ક્રીમને ખટાશવાળું બનાવવા માટે એક કપ ક્રીમમાં અડધી ચમચી લીંબુનો રસ ભેળવી ખૂબ હલાવો.

* બરફી નરમ થઇ ગઇ હોય તો થોડી વાર ફ્રિજમાં મૂકી દો.

* ગ્રેવીનો રંગ ઘેરો લાગે એ માટે તેમાં ચપટી કોફી નાખો.

* દાળવડા બનાવતી વખતે પહેલાં દાળ ક્રશ કરી પછી તેમાં મીઠું નાખો. દાળવડા ક્રિસ્પી બનશે.

* બટાકાના પાપડ બનાવતી વખતે તેમાં ચપટી ખાવાનો સોડા ઉમેરવાથી પાપડ ક્રિસ્પી થાય છે.

* ઉપમામાં ઝીણી સમારેલી કોબી નાખવાથી ઉપમા સ્વાદિષ્ટ લાગે છે. ઉપમામાં આપણે ઝીણી સમારેલી ડુંગળી, ટામેટાં અને ક્યારેક વટાણા પણ ઉમેરતાં હોઈએ છીએ. ઉપમામાં નવો સ્વાદ લાવવા માટે તમે ક્યારેક તેમાં કોબીને પણ ઝીણી સમારીને અથવા તો છીણીને ઉમેરી શકો છો.

* મિક્સરની જારમાંથી મસાલાની ગંધ દૂર કરવા માટે તેમાં થોડો સૂકો લોટ નાંખી મિક્સી ચલાવી દો.

* પરોઠા બનાવતી વખતે લોટમાં એક બાફેલું બટાકું અને ચમચી અજમો નાંખશો તો તે સ્વાદિષ્ટ બનશે. અને પરોઠા માખણથી શેકશો તો તે કુરકુરા અને સ્વાદિષ્ટ બનશે.

* અંકુરિત અનાજને ફ્રીઝમાં મુકતા પહેલાં તેમાં એક ચમચી લીંબુનો રસ મિક્સ કરી દો, આવું કરવાથી તેમાં વાસ નહીં આવે.

* ઘી બનાવ્યા બાદ તેનું કીટુ ફેંકી ન દેતા તેનો ઉપયોગ કરીવાળા શાકમાં લેવાથી તેની સોડમ અને સ્વાદ વધી જશે.

* મેંદાની કચોરી, સમોસા કે ફરસી પૂરી બનાવવા દહીં અને ગરમ ઘીથી લોટ બાંધો.

* ઘણીવાર સમોસા કે ઘૂઘરા તળતી વખતે ફાટી જતા હોય છે એને ટાળવા સમોસા કે ઘૂઘરામાં સોયથી એક બે કાણા પાડી દો. તેનાથી માવો બહાર પણ નહીં આવે કે ફાટશે પણ નહીં. આપણે જ્યારે કોઈ પણ વાનગીને તળીએ ત્યારે તેમાં હવા ભરાઈને તે ફૂલે છે. સમોસા અને ઘૂઘરામાં જો તમે વધારે માવો ભર્યો હશે તો ચોક્કસથી તે ફાટવાની સંભાવના રહે છે. આથી જો તેમાં કાણું પાડેલું હશે તો તેમાં હવા ભરાશે નહીં. અને તમે ધીમા તાપે એકદમ ક્રિસ્પી તળી શકશો.