Facebook ane whatsapp na vadgan in Gujarati Magazine by Priyanka Patel books and stories PDF | ફેસબૂક અને વ્હોટસ્ એપનાં વળગણ

Featured Books
Categories
Share

ફેસબૂક અને વ્હોટસ્ એપનાં વળગણ

ફેસબૂક અને વ્હોટસ્ એપનાં વળગણ

મિત્રો, જ્યારથી આ ફેસબૂક અને વ્હોટસ્ એપની શોધ થઈ છે ત્યારથી માણસનાં જીવનની ગતિ અને દિશા બદલાઇ ગયા છે. ખરેખર તો માનવીની આખી જીવનશૈલીને આ ફેસબૂક અને વ્હોટસ્ એપએ ઘરમૂળથી બદલી કાઢી છે. એક કરોળિયાની જાળાની માફક આ બધી સોશિયલ સાઇટ્સની જાળૉ આપણને ચારેબાજુથી ઘેરી વળી છે. લોકોને એટલી હદે ફેસબૂક અને વ્હોટસ્ એપનો નશો થઈ ગયો છે કે જાણે ફેસબૂક અને વ્હોટસ્ એપથી જ એમનું જીવન ચાલતું ના હોય...! હજુ તો સવાર પડીને એમની આંખો ખૂલી ના ખૂલી ત્યાં જ એમનો ફોન જરૂર ખૂલી જાય, એ પણ સીધુ ફેસબૂક અને વ્હોટસ્ એપ જ. આ બન્ને એપસ્ જાણે ભગવાન ના હોય એમ ઉઠતા વેંત પ્રથમ દર્શન કરશે ફેસબૂક અને વ્હોટસ્ એપના. ઊઠીને વ્હોટસ્ એપમાં ૧૦-૧૫ જણને ગુડ મોર્નિંગનાં મેસેજ ના ઠોકી દે ત્યાં સુધી જપ ના વળે પાછો..! ભઈ... તારા ગુડ મોર્નિંગ કે'વાથી જ બીજાની સવાર પડવાની છે, એવું નથી હો..!!! આ ફેસબૂક અને વ્હોટસ્ એપ શોધાયા એ પહેલા ય બધાની ગુડ મોર્નિંગ થતી જ હતી, તારા વગર ગુડ મોર્નિંગ કહ્યે, ત્યારે ફોનના ડબલા ઉપર રોજ સવાર પડે બધા મિત્રો અને સગા-સંબંધીઓને ગુડ મોર્નિંગ કરવા બેસી જતાં હતાં કે...??? શું ગુડ મોર્નિંગ કે ગુડ નાઇટનાં મેસેજ કરતી વખતે અંદરથી એટલો ઉમળકો હોય છે ખરો દરેક વ્યક્તિને ? આ તો લગ્નમાં કરાતાં ચાંલ્લા જેવું થઇ ગયું છે, બસ સામેવાળાએ ગુડ મોર્નિંગ વિશ કર્યું એટ્લે આપડે કરવું પડે. સામેવાળાએ લાઇક આપ્યું એટ્લે આપડે તો આપવું જ પડે ને...નહીં તો એ શું વિચારે આપણાં માટે..!! નહીં...??? બીજા શું વિચારશે એવું વિચારી વિચારીને આપણે પોતે શું વિચારીએ છીયે, એનો વિચાર તો ક્યાંય હવામાં ઊડી જાય છે..!!! લોકો જે વિચારવાનાં હશે એ વિચારશે, તમને ગમે તો જ લાઇક આપ ભઈ...આ કોઈ રેસ નથી કે લાઇક વધુ મળશે તો જ તમે સુંદર છો એનું સર્ટિફિકેટ મળી જશે. મોઢા ગમે એટલાં સારાં હોય, અંદરનો માંહ્યલો કેટલો સારો છે એ કોણ જોઇ શકવાનું છે? એનું સર્ટિફિકેટ તો આપડે પોતે જ આપી શકીયે...

રોજ બધાં એકબીજાને સુવિચારો ફોરવર્ડ કરતાં ફરશે. સારા વિચારો જાણીને એ પોતાના જીવનમાં ઉતારીએ તો જ કામનું. સુવિચારો ખાલી ફોરવર્ડ કરવાથી લોકોનું જીવન સુધરી જવાનું નથી. જીવન ત્યારે જ સુધરે જ્યારે આપડે અંદરથી સુધરીયે. બહારથી બધું કૉપી પેસ્ટ કર્યા કરવાથી લોકોને એવું લાગે છે કે એમનું સ્ટેટ્સ ઊંચું થઇ ગયું પણ અંદરથી તેમનાં વિચારો કેટલા ઉંચા આવે છે એ તો એ લોકો જ જાણે ભઈ...!!! મને તો એટલી નવાઈ લાગે છે કે આખી દુનિયાનાં કરોડો લોકો માત્ર ફેસબૂક અને વ્હોટસ્ એપને નફો કરાવા પોતાનો કિંમતી સમય ફાલતું પોસ્ટ્સ, વિડિયો અને તથ્ય વગરનાં સમાચારો ફેલાવવા વેંડફયા કરે છે. આટલો સમય લોકો પોતાના વ્યવસાય, બાળકો અને માતા-પિતાને આપતાં હોય તો એમનું પોતાનું જીવન કેટલું સમૃદ્ધ થાય? રોજ લોકો એ ટૂ ઝેડ કર્યાના ફોટોઝ અપલોડ કર્યા કરશે. હજુ ઘરથી ૧ કિ.મી દૂર ગયા નથી ત્યાં તો ફેસબૂક પર સ્ટેટ્સ મૂકી દેશે. " આઇ એમ @મેક્ડોનાલ્ડસ્" . "આઇ એમ @ટેમ્પલ". " આઇ એમ @ગાર્ડન." અલા ભઈ, તારે જયાં જવું હોય ત્યાં જા ને...એમાં આટલી હો...હા શું કામ કરે છે? ફરવા જશે એમાં હજાર જાતના પોઝ આપી ફોટા પાડશે ને એ બધાય ફોટા પાછા ફેસબૂક ઉપર અપલોડ કરશે. ફોટા જોઈને બહેનની બહેનપણીઓ ડ્રેસ, હેર સ્ટાઇલ, એસેસરીઝ, મેક-અપ, ચપ્પલ, ગોગલ્સ એ બધુ ઝીણવટભર્યું જોશે અને પાછી ખોટી-ખોટી કમેન્ટ મૂકશે. " લૂકિંગ લવલી", " સો કયુટ". પણ અંદરથી તો એમને એવું જ થતું હોય કે કેટલી બકવાસ લાગે છે, આનાં કરતા તો હું કેટલી સારી લાગું છું..!!! બીજી બહેનપણીઓ આ બધા ફોટોઝ જોઈને અંદરથી બળવા લાગશે. બીજા સાથે કમ્પેરીઝન કરીને વ્યક્તિ શું કામ ઇર્ષાનો ભોગ બનતી હશે? હજુ ૫ મિનીટ પહેલા જ પ્રોફાઇલ ફોટો મુક્યો હોય, એમાં દસ વાર જોઇ લેશે કે કોણે કોણે લાઇક અને કમેન્ટ કરી છે. જો લાઇક વધુ મળશે તો હરખઘેલા બની જશે અને ઓછી મળશે તો દુઃખી થઇ જશે. અલા...ભઈ...બીજા લોકોના હાથમાં તમને દુઃખી કે સુખી કરવાનું રિમોટ કન્ટ્રોલ આપી દેશો તો પછી જીવન જીવશો કેવી રીતે?

માર્ક ઝુકરર્બગ જેણે ફેસબૂક શોધ્યું અને વ્હોટસ્ એપ હમણાં ખરીદી લીધું એય આપણાં બધાં જેટલો હરખઘેલો નથી થતો જેટલા આપણે બધાં ફેસબૂક અને વ્હોટસ્ એપ પાછળ ગાંડા થયા છીયે. ફેસબૂક અને વ્હોટસ્ એપની ઉપયોગિતા નથી એવું જરાય નથી. ફેસબૂક સ્કૂલ-કૉલેજનાં છૂટા પડી ગયેલાં મિત્રોનો ફરી મેળાપ કરાવે છે. તેનાથી દૂરના સંબંધીઓનાં ખબર ખૂબ ઝડપથી મળતાં રહે છે. ફેસબૂક અને વ્હોટસ્ એપ પર મિત્રો તેમજ સંબંધીઓ સાથે વિડિયો ચેટ કરી શકીયે છીયે. આ બન્ને એપસ્ પર લોકો પોતાનાં ધંધાની એડવરટાઇઝ આપી પોતાનો ધંધો વધારી શકે છે. ફેસબૂક અને વ્હોટસ્ એપ દ્રારા ઘણા સામાજિક વિષયો અને બાબતોમાં જાગરૂકતા લાવી શકાય છે. પરંતું હદથી વઘુ કોઈ પણ વસ્તુ કે બાબત ઝેર સમાન છે. આખો દિવસ ફેસબૂક અને વ્હોટસ્ એપ પર પડ્યાં પાથર્યા રહેવું અને મિત્રો સાથે ગપાટા મારવા માટેનું સાધન ના બની જવું જોઈયે. હજુ સ્કૂલમાં જ ભણતા હોય ત્યાં ફેસબૂક એકાઉન્ટ ખોલી દેતાં હોય છે બાળકો અને દુનિયાભરના અજાણ્યા માણસોને મિત્રો બનાવી ફાલતું વાતો કર્યે રાખતા હોય છે, એમાં ભણવાનું જાય ખાડામાં...!!!

હમણાંથી લોકોમાં સ્ટ્રેસનું પ્રમાણ વધ્યું છે. ઘણી વ્યક્તિઓ માનસિક રોગોના દર્દીઓ બની ગઈ છે. એ આ ફેસબૂક અને વ્હોટસ્ એપનાં લીધે જ. લોકો પોતાના જરૂરી કામો પડતાં મૂકીને બસ એકલા ફેસબૂક અને વ્હોટસ્ એપ લઈને બેસી જાય છે. બિનજરૂરી વાતો, ખબરો, અફવાઓ, તથ્ય વગરની જાણકારીઓ ચારે બાજુએથી ઠલવાતી રહે છે આ ફેસબૂક અને વ્હોટસ્ પર. કેટલીય કંપનીઓની જાહેરખબરો ફેસબૂક પર જોવા મળે. જોતાવેંત એ વસ્તુઓ ગમી જાય. તેને લેવા મન લલચાય અને જરૂરી ના હોય એવી વસ્તુઓની લોકો ખરીદી કરી દે છે. જરૂરી કામ પાછળના પૈસા બિનજરૂરી વસ્તુઓ ખરીદવા ખર્ચાઈ જાય છે, એમાં એમની ચિંતામાં વધારો થાય છે. વ્હોટસ્ એપ પર લોકો જાતજાતના ગ્રુપ બનાવીને બેસી જાય છે. શું કર્યું, શું ખાધું, શું પીધું, ક્યાં ફરવા ગયા, શું રસોઈ બનાવી એ બધાની પિસ્ટપેષણ કરે રાખે આખો દિવસ. ૧૦-૧૫ ગ્રુપ તો એમ જ હોય. દરેક ગ્રુપમાં ચેટ ચાલતી હોય પાછી. તમે કેટલા ગ્રુપમાં ચેટ કર્યા કરો આખો દિવસ? એમાં મગજ બિચારું લેવાઈ જાય કે નહીં? કાંઈ કામ કર્યા વગર ફેસબૂક અને વ્હોટસ્ એપ આપણને થકવાડી દે છે, આપણાં શરીર અને મગજ બન્નેને. હા, અમુક ઉપયોગી માહિતિ, ટિપ્સ કે ખબર મેળવવા જરૂર ઉપયોગ કરીયે પણ માત્ર ઓટલા- ચર્ચાની જેમ આખો દિવસ એકબીજાને પોસ્ટ્સનો કચરો ઠાલવે રાખીયે તો એનો કોઈ મતલબ નથી.

નાના બાળકોને ય હવે ફેસબૂક અને વ્હોટસ્ એપ ચલાવતા શીખવવું નથી પડતું. નાની ઉંમરમાં બાળકો માટે ફેસબૂક અને વ્હોટસ્ એપ ખતરારૂપ છે. એમનું મગજ હજુ વિકસિત અવસ્થામાં હોવાથી વધુ સંવેદનશીલ હોય છે. નાના બાળકો માટે ફેસબૂક અને વ્હોટસ્ એપ તો શું, ફોન જ ખતરારૂપ છે. બને ત્યાં સુધી બાળકોને આ સોશિયલ સાઇટ્સથી દૂર રાખવા જોઈયે પણ બાળકના માતા-પિતા જ આ ફેસબૂક અને વ્હોટસ્ એપ પાછળ એટલાં ઘેલા હોય છે કે એ પોતે શું સમજાવે એમનાં બાળકોને કે બેટા, વધુ પડતું ફેસબૂક અને વ્હોટસ્ એપ સારું નહીં...!!! આ બધી સોશિયલ સાઇટ્સથી બાળકો એટલાં અંજાઇ જાય છે કે તેઓ મોટા થવાનો આનંદ માણી શકતાં નથી. તેઓ મેદાનમાં કે મિત્રો સાથે ઘરની બહાર રમવા જતા નથી. અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પર સોશિયલ સાઇટ્સની નકારાત્મક અસરો પડે છે. એમનાં માર્ક્સ ઓછા થવાં લાગે છે. તેઓ ઓછું કોન્સનટ્રેટ કરી શકે છે. લોકો એકબીજાને ઓછા મળે છે અને ટેક્સ્ટ વધુ કરે છે. તહેવારો અને પ્રસંગો ઉપર એકબીજાને મળીને કે ફોન પર વિશ કરવાને બદલે ફોરવર્ડ મેસેજ મોકલી દે છે. એમાં જ તહેવારોનો ખરો આનંદ જતો રહ્યો છે.

ફેસબૂક અને વ્હોટસ્એ પ્રેમ કરવાની મઝા બગાડી મૂકી છે. પહેલા પ્રેમમાં છોકરાં-છોકરીઓ એકબીજાને પ્રેમપત્રો મોકલતા. છોકરો છોકરીને પ્રેમપત્ર લખે. પછી છોકરી એનો જવાબ આપવા છોકરાને પ્રેમપત્ર લખે. એક પછી એક પ્રેમપત્રોથી છોકરાં-છોકરીઓ ધીમે-ધીમે એકબીજાની નજીક આવતાં. આજના જમાનામાં પ્રેમ પણ ઇન્સ્ટન્ટ થઇ ગયો છે. છોકરો-છોકરી એકબીજાની સાથે ઓનલાઈન જ વાતો કરે. એમાં પ્રેમની ખરી મઝા જ જતી રહે. એકબીજા સાથે બન્ને કેટલી વધુ ચેટ કરે છે એનાં પરથી જ અત્યારે પ્રેમ મપાય છે. ૨૪×૭ દિવસ કનેકટેડ રહેતાં લોકો એકબીજાથી ખરેખર તો દૂર જવા લાગે છે. જ્યારથી ફેસબૂક અને વ્હોટસ્ આવ્યું છે ત્યારથી બ્રેક-અપ અને છૂટાછેડા પણ વધુ પ્રમાણમાં થવાં લાગ્યાં છે. કેમ કે છોકરાં-છોકરીને એમ જ લાગ્યાં કરે છે કે એમનો પાર્ટનર કોઈ બીજા સાથે તો રીલેશનશીપમાં નથી ને? એકબીજાના ફ્રેન્ડ્સ વિશે ખૂલાસાઓ આપવા પડે છે એકબીજાને. ફેસબૂક અને વ્હોટસ્એપે માણસમાં વિશ્વાસનું પ્રમાણ ઘટાડી દીધું છે. પતિ-પત્ની વચ્ચે પણ અવિશ્વાસ વધી ગયો છે. જો પતિ ગેરહાજર હોય તો પત્ની તેનો મોબાઇલ ચેક કરવા લાગશે. જોશે કે ફેસબૂક અને વ્હોટસ્ એપ પર કોઈ બીજી છોકરી સાથે ચક્કર તો નથી ચાલતું ને..! નહીં તો પછી પતિ, પત્નીનો ફોન ચેક કરશે કે કોની કોની સાથે એ વાતો કરે છે. એકબીજાનો ફોન ચેક કરવો પડે એ હદે આ ફેસબૂક અને વ્હોટસ્ એપે સંબંધોમાં અવિશ્વાસ વધારી દીધો છે.

એક જાતનું રમકડું માણસના હાથમાં ૨૪ કલાક ને ૭ એ દિવસ રમતું રહે છે. અને એ રમકડામાં રહેલા ફેસબૂક અને વ્હોટસ્ એપને થોડી વાર પણ છોડવું ગમતું નથી લોકોને. આને એક જાતનું વળગણ જ કહી શકાય. પહેલાના જમાનામાં લોકોને ભૂત-પ્રેતનાં વળગણ લાગતા હતાં જ્યારે અત્યારના જમાનામાં ફેસબૂક અને વ્હોટસ્ એપનાં વળગણ લાગેલા છે. વ્હોટસ્ એપમાં તો ભગવાનના ફોટા કે મંત્રો લખી લોકો એવી પોસ્ટ્સ કરશે કે હનુમાનજીની આ પોસ્ટ ૧૦ લોકોને ફોરવર્ડ કરો. આજ રાતે જ કંઇક સારા સમાચાર મળશે તમને, નહીં ફોરવર્ડ કરો તો તમને હનુમાનજી નુકશાન કરાવશે. અરે ભઈ... આમ પોસ્ટ્સ ફોરવર્ડ કરવાથી જ જો બધું સારુ થતું હોત તો લોકો આખો દિવસ આવી પોસ્ટ્સ કરીને જ સફળ ના થઈ જાત કંઈ કર્યા વગર જ? ભગવાન માણસનું હંમેશા સારુ જ ઈચ્છે છે, એ શું કામ નુકશાન કરાવે આપણને? ભણેલા-ગણેલા લોકો આવી પોસ્ટ્સ ફોરવર્ડ કરે ત્યારે આપણને આશ્ચર્ય થાય કે શું આ લોકોને ભણેલા ગણવા કે અભણ...!!! આવી પોસ્ટ્સ ફોરવર્ડ કરવાથી ભગવાન પણ બિચારા ઉપર રહયાં રહયાં માથું ફૂટતા હશે કે સાલું...આ માણસને મેં મગજ શું કામ આપ્યું છે? આવી એમનાં નામે અંધશ્રદ્ધા ફેલાવવા...!!!

આજકાલ અવનવી સેલ્ફી લઇને એને ફેસબૂક અને વ્હોટસ્ એપ પર મુકવાનો જબરો ક્રેઝ લાગ્યો છે લોકોને. ટ્રેન ઉપર સેલ્ફી લેવી, પર્વત ઉપર પડી જવાય એટલી ઊંચાઈએથી સેલ્ફી લેવી, ઊંડી નદીની નજીકથી સેલ્ફી લેવી, આ બધી ખતરારૂપ જગ્યાએથી અમુક વાર બેલેન્સ જતું રહે છે એમનું અને તેમનો સેલ્ફી લેવાનો ક્રેઝ ઘણીવાર તેમનાં મોતનું કારણ બને છે. શું આ સેલ્ફી આપણાં જીવનથી વધુ કિંમતી છે મિત્રો..? ફેસબૂક અને વ્હોટસ્ એપનું આટલું બધુ વળગણ ખરેખર ચિંતાજનક બાબત છે. લોકો એકબીજાની વધુ નજીક આવવાને બદલે વધુ દૂર થઇ ગયા છે. ઘરનાં સભ્યો વચ્ચે સંવાદિતા ઓછી થતી જાય છે. ઘરનાં સભ્યો ટી.વી સામેય પોતાના ફોનમાં માથું ઘુસાડેલાં જોવા મળે છે. ટી.વી. ટી.વીનું કામ કરે ને એ બધાં એમનું (ફોનમાં ચેટ)...!!! પાસે બેસેલા ઘરનાં સભ્યની ખબર નહીં પૂછે પણ અમેરિકા રહેતી બહેનપણીનાં છોકરાનો છોકરો શું કરે છે એની ખબર પૂછવામાં બીઝી હશે...

હવે એ દિવસો દૂર નથી જ્યારે લોકો માણસની અંતિમવિધી વખતના ય ફોટા લઇ ફેસબૂક પર ત્યાં હાજર રહેલ મિત્રો અને સગાસંબંધીઓને ટેગ કરી પોસ્ટ લખશે. "@ક્રીમેટૉરીયમ" વિથ ૨૦૦ અધર્સ..!!! "