Mara Gandhini Topi Khovani, Mane Mali in Gujarati Drama by Yashvant Thakkar books and stories PDF | મારા ગાંધીની ટોપી ખોવાણી મને મળી

Featured Books
Categories
Share

મારા ગાંધીની ટોપી ખોવાણી મને મળી

મારા ગાંધીની ટોપી ખોવાણી,

મને મળી

-ઃ લેખક :-

યશવંત ઠક્કર

asaryc@gmail.com

© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as MatruBharti.


MatruBharti has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.

પાત્રો

•પક્કાજી : વારંવાર અનશન કરનાર એક સામાજિક કાર્યકર્‌તા

•અવિનાશ : મહત્ત્વકાંક્ષી યુવાન.

•મનસુખ : ગંભીર લેખક.

•ચંચળ : મનસુખનો મિત્ર અને હાસ્યલેખક.

•જ્વાલા ઃ આંદોલનકારી.

•રક્ષા : આંદોલનકારી

•શીતલ : ટી.વી એન્કર

•જનતા : જનતાના સમૂહ માટે જનતા થી જનતા સુધીના પાંચ પાત્રો જે અનુકૂળતા મુજબ વધારી શકાય.

કથા

આ નાટક વર્તમાન ઘટનાઓ પર પ્રકાશ પાડતું એક મૌલિક નાટક છે. તમામ પાત્રો કાલ્પનિક છે. દેશના નેતાઓ, સામાજિક કાર્યકર્‌તાઓ, જનતા વગેરેની માનસિકતાને સમજવા માટેનો આ એક પ્રયોગ છે. આ નાટક દ્વારા, આંદોલનો શંકાના ઘેરાવામાં શા કારણે આવતાં હોય છે એ દર્શાવવાનો અને સમાજમાં બદલાવ લાવવો હોય તો વ્યક્તિએ પોતે પણ બદલવું જોઈએ, એ દૃષ્ટિબિંદુ રજૂ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. દેશમાં અને સમાજમાં જે બની રહ્યું છે એની વાત કરવાની સાથે સાથે જ, ખરેખર શું બનવું જોઈએ એ વાત કહેવાનો આ નાટકમાં હળવાશથી પ્રયાસ કર્યો છે.

મનસુખ અને ચંચળ બન્ને વિરૂદ્ધ પ્રકૃતિ ધરાવતા મિત્રો છે. સંજોગોને અનુકૂળ થવા માટે બંને પોતાની પ્રકૃતિ બદલવાના પ્રયાસ કરે છે. પક્કાજી ભ્રષ્ટાચાર દૂર કરવા માટે વારંવાર અનશન કરનારા એક સામાજિક કાર્યકર્‌તા છે. અવિનાશ એક મહત્ત્વકાંક્ષી યુવાન છે જે ભ્રષ્ટાચારને દૂર કરવા માટેનો ઉપાય લઈને પક્કાજી પાસે આવે છે. અવિનાશ પક્કાજીને સાથે લઈને અંદોલન શરૂ કરે છે. ચંચળ એમની સાથે જોડાઈ જાય છે. અવિનાશ, ચંચળ અને બીજા મિત્રોને વ્યવસ્થા પરિવર્તન માટે સત્તા પરિવર્તન જરૂરી લાગે છે. તેથી તેઓ રાજનીતિમાં પ્રવેશ કરે છે. પોતાની આગવી રાજનીતિથી સત્તા મેળવે છે. ત્યારબાદ વધારે સત્તા મેળવવા સક્રિય બને છે. વિવાદોમાં પણ સપડાય છે. વ્યવસ્થા પરિવર્તન માટે જનતાએ તો હંમેશની જેમ રાહ જ જોવાની રહે છે, એ સંદેશ સાથે નાટક પૂર્ણ થાય છે.

મારા ગાંધીની ટોપી ખોવાણી, મને મળી

અંક પહેલું

દૃશ્ય પહેલું

સ્થળ

પક્કાજીનો ઓટલો. પરદો ઉપડે ત્યારે ચિંતકશ્રી મનસુખ ગણાત્રા આમથી તેમ ચક્કર મારતા હોય. હાસ્યલેખક ચંચળ નાણાવટી, મનસુખ તરફ ડોકું ફેરવી ફેરવીને જોતા હોય. દરમ્યાન પક્કાજીનો ધૂન ગાવાનો અવાજ આવે. ‘રઘુપતિ રાઘવ રાજા રામ સરકાર કો સનમતિ દે ભગવાન.’ પક્કાજી ગાતાં ગાતાં પ્રવેશ કરે. એમનો પહેરવેષ ધોતી, ઝભ્ભો અને ગાંધીટોપી હોય. બંને લેખકો દૂરથી એમના તરફ એકધારા ધ્યાનથી જુએ.

પક્કાજી : ઓટલા પર બેસીને ધૂન ચાલુ રાખે

રઘુપતિ રાઘવ રાજા રામ સરકાર કો સનમતિ દે ભગવાન.

રઘુપતિ રાઘવ રાજા રામ સરકાર કો સનમતિ દે ભગવાન.

રઘુપતિ રાઘવ રાજા રામ સરકાર કો સનમતિ દે ભગવાન.

ચંચળ : મનસુખને મિત્ર મનસુખ, જેના દર્શન માટે આપણે અહીં સુધી લાંબા થયા છીએ એ જ આ પક્કાજીને?

મનસુખ : હા. મિત્ર ચંચળ. એ જ આ પક્કાજી. એકદમ સાદાસીધા અને ફકીર માણસ. લાલચનું નામોનિશાન નહીં. પહેરવા બે જોડી કપડાં. માથે ગાંધી ટોપી. પાથરવા એક ગોદડી. સૂઈ રહેવા એક ઓટલો.

ચંચળ : તને નથી લાગતું કે આ માણસ ભગવાન પાસે સાવ ખોટી માંગણી કરે છે. અરે આપણી સરકારમાં મતિ જ નથી ત્યાં સનમતિની વાત જ ક્યાં રહી?

મનસુખ : મિત્ર ચંચળ, જેવું તારૂં નામ એવી જ તારી સમજણ! ભલા માણસ, આપણી સરકારમાં મતિ છે પરંતુ અવળી મતિ છે. આ માણસ સરકાર માટે સવળી મતિની માંગણી કરે છે.

ચંચળ : હા ભાઈ હા. તું રહ્યો ચિંતક અને હુ રહ્યો હાસ્યલેખક. તારે ચિંતનથી ભરપૂર લેખો લખી લખીને વાચકોને ચિંતા કરાવવાની અને મારે હાસ્યલેખો લખી લખીને વાચકોને મજા કરાવવાની. સમજ સમજમાં ફેર તો હોય જ ને?

મનસુખ : સરકારને બહુમતીની જેટલી જરૂર હોય છે એટલી જરૂર સનમતિની હોતી નથી. સરકાર માટે સનમતિ માંગવાની આ માણસની સમગ્ર માનસિક કવાયત જ નિરર્થક છે. બીજો અગત્યનો મુદ્દો એ છે કે ઓળઘોળ બધો દોષ સરકાર પર નાખી દેવો એ જવાબદારીમાંથી છટકવાની રીત છે. સમાજમાંથી ભ્રષ્ટાચાર આ રીતે સાવ નાબુદ ન થાય.

ચંચળ : તને ખબર છે ને કે આ પક્કાજીમાં ભૂખ્યા રહેવાની કળા ઠસોઠસ ભરેલી છે. પાંચ વરસ પહેલાં આ ડોસાજી ભ્રષ્ટાચારને હટાવવાની પ્રતિજ્જ્ઞા લઈને અનશન કરવા બેઠા હતા. સાત સાત દિવસના અનશન કરીને એમણે ભ્રષ્ટાચારને હટાવ્યો હતો.

મનસુખ : મંત્રીઓને હટાવ્યા હતા. ભ્રષ્ટાચારને નહીં. એ મંત્રીઓની જગ્યાએ જે બીજા મંત્રીઓ આવ્યા એમણે પણ ભ્રષ્ટાચારને આજસુધી પાળ્યો છે. ઉલ્ટાનો વધારે પ્રેમથી પાળ્યો છે. તને નથી લાગતું કે ભ્રષ્ટાચાર પહેલાં કરતાં વધારે તગડો થયો હોય?

ચંચળ : તો શું થઈ ગયું? આ ડોસાજી પણ જાય એવા નથી. એ ફરીથી આંદોલન કરશે. અનશન પર બેસશે. અનશન કરવાનો એમને બહોળો અનુભવ છે. અનશન કરીને બેપાંચ કિલો વજન ઘટાડે પણ પછી પાછા હતા એવા ને એવા જ! એવરગ્રીન! અનશન કરવામાં તો આ ડોસાજી, ગાંધીબાપુનો રેકોર્ડ તોડે એવા છે.

મનસુખ : આંદોલન કરવાથી શાસકો દૂર થાય છે, ભ્રષ્ટાચાર દૂર થતો નથી. ભ્રષ્ટાચારને ખરેખર દૂર કરવો હોય તો દરેક વ્યક્તિએ એને પોતાની જાતમાંથી દૂર કરવો જોઈએ. આ માણસે જો ખરેખર જનતાની સેવા કરવી હોય તો એણે જનતાને આ વાત સમજાવવી જોઈએ.

ચંચળ : હસતાં હસતાં જનતાની સેવા! જનતાની સેવા કરવાનો કારોબાર પણ આજકાલ ધમધોકાર ચાલે છે! આ કારોબારમાં હરીફાઈ પણ બહુ છે હોં. જ્યારે પક્કાજીનો કોઈ હરીફ જોર કરી જશેને, ત્યારે જનતા પક્કાજીનો ભાવ પણ નહીં પૂછે.

મનસુખ : પક્કાજીને વિશ્વાસ છે કે જનતા એને ક્યારેય નહીં ભૂલે.

ચંચળ : ભૂલી જશે. જનતાને એક આદત છે. એને નવું નવું બહુ ગમે. નવી નવી ફેશન, નવાં નવાં ગીતો, નવી નવી ફિલ્મો, નવા નવા સેવકો. જે દિવસે માર્કેટમાં નવા નવા સ્માર્ટ સેવકો આવશે ને તે દિવસે આ ડોસાજીનું પત્તું કપાયું સમજ. આખરે જમાનો માર્કેટિંગનો છે. નેતા હોય કે અભિનેતા હોય, ઉદ્યોગપતિ હોય કે ગાદીપતિ હોય, ડૉક્ટર હોય કે ડોન હોય, દરેકે માર્કેટિંગનો મહિમા સમજવો પડે છે. અને, માર્કેટ જનતાને દોડાવે છે, હસાવે છે, રડાવે છે, ત્રાહિમામ્ ત્રાહિમામ્ બોલાવે છે.

જનતાનો પ્રવેશ. ઝડપથી આવે અને બૂમો પાડે

જનતા : સમુહમાં ત્રાહિમામ્ ત્રાહિમામ્ ત્રાહિમામ્!... ત્રાહિમામ્ ત્રાહિમામ્ ત્રાહિમામ્!

જનતા ૧ : મોંઘવારીથી ત્રાહિમામ્ ત્રાહિમામ્ ત્રાહિમામ્!

જનતા ૨ : અનાજ મોંઘુ. શાકભાજી મોંઘાં. ઘીદૂધ મોંઘાં. કેમ ખવાય? કેમ પીવાય?

જનતા ૩ ઃ ખાધાંપીધાં વગર કેમ જીવાય? કેમ જીવાય? કેમ જીવાય?

જનતા ૪ : માર્કેટમાં તો જવા જેવું જ નથી. કોઈપણ ચીજના ભાવ સાંભળીને ચક્કર આવી જાય છે.

જનતા ૫ : નેતાઓને ખાવાની તાણ નહીં. અમારે ખાવા ધાન નહીં.

જનતા : સમુહમાં ત્રાહિમામ્ ત્રાહિમામ્ ત્રાહિમામ્!... ત્રાહિમામ્ ત્રાહિમામ્ ત્રાહિમામ્!

જનતા બૂમો પાડતી જતી રહે

ચંચળ : જોઈ જનતાની દશા? બિચારી મોંઘવારી અને ભ્રષ્ટાચારને લીધે ત્રાહિમામ્ પોકારી ગઈ છે.

મનસુખ : તું જનતાને બરાબર ઓળખતો નથી. એ એક તરફ ત્રાસ ભોગવે છે તો બીજી તરફ એ ત્રાસમાંથી છૂટવાના રસ્તા પણ શોધી લે છે. ક્યારેક ક્રિકેટની મેચ જોઈને ખુશ થાય છે...

જનતાનો પ્રવેશ કરે અને બૂમો પાડે...

જનતા ૧ : સિક્સર! સિક્સર! સિક્સર! ઉપરાઉપરી ત્રણ સિક્સર!

જનતા ૨ : સાલાઓને ધોઈ નાખ્યા. બરાબરના ધોઈ નાખ્યા. છઠ્‌ઠીનું ધાવણ યાદ કરાવી દીધું.

જનતા ૩ : મને ખબર જ હતી કે ધોની ધુલાઈ કરશે જ. બરાબરની કરી નાખી.

જનતા ૪ : જીતેગા ભાઈ જીતેગા. ઈન્ડિયા જીતેગા. જીતેગા ભાઈ જીતેગા. ઈન્ડિયા જીતેગા. જીતેગા ભાઈ જીતેગા. ઈન્ડિયા જીતેગા.

જનતા ૫ : ભાર...ત માતા કી ...

જનતા : સમુહમાં જય.

જનતા ‘ભારત માતા કી જય’નાં નારા લગાવતી જતી રહે.

મનસુખ : તો આ જ જનતાને ક્યારેક ભક્તિનો નશો ચડે છે ત્યારે કોઈ સ્વામીજીની પાછળ દોટ મૂકે છે.

જનતા ભેદી મહારાજની તસવીર સાથે સમુહમાં પ્રવેશ કરે અને નાચતાં નાચતાં ગાતી જાય...

જનતા : ગોવિંદ બોલો હરે ગોપાલ બોલો... ગોવિંદ બોલો હરે ગોપાલ બોલો... રાધારમણ હરે ગોવિંદ બોલો. ગોવિંદ બોલો હરે ગોપાલ બોલો...

જનતા ૧ : બોલો ભેદી મહારાજની...

જનતા : સમુહમાં જય....

જનતા ભેદી મહારાજનો જયજયકાર કરતી જતી રહે.

મનસુખ : મોંઘવારીથી ત્રાસેલી આ જ ગરીબડી જનતા વરઘોડામાં ડીજેના તાલે ઠૂમકા લગાવે છે.

જનતા સમુહમાં પ્રવેશ કરે નાચતી ગાતી જાય

જનતા : યે દેશ હૈ વીર જવાનોં કા અલબેલોં કા મસ્તાનોં કા ઈસ દેશ કા યારોં ક્યા કહના.... યે દેશ હૈ દુનિયા કા ગહનાપ.

સંગીત વાગતું રહે અને જનતા નાચતીગાતી જતી રહે.

મનસુખ : અને, જનતા વખત આવ્યે કોઈ આગેવાનની હાક સાંભળીને ક્રાંતિ કરવા નીકળી પડે.

જનતા સમુહમાં પ્રવેશ કરે અને સૂત્રો પોકારે

જનતા : ઈન્કિલાબ ઝિંદાબાદ! ઈન્કિલાબ ઝિંદાબાદ! કદમ કદમ પર લડના સીખો, જીના હૈ તો મરના સીખો. કદમ કદમ પર લડના સીખો, જીના હૈ તો મરના સીખો. કદમ કદમ પર લડના સીખો, જીના હૈ તો મરના સીખો.

જનતા સૂત્રો પોકારતી ચાલી જાય

મનસુખ : ક્રાંતિના નામે ગરીબ અને મધ્યમ વર્ગના સો દોઢસો છોકરાઓનો ભોગ લેવાઈ જાય અને પછી પેલો આગેવાન પલટી મારીને નેતા બની જાય અને ભાષણો કરતો થઈ જાય... ભાષણની રીતે ભાઈઓ અને બહેનો, અમે જનતાની સેવા માટે એક નવી યોજના લાવ્યા છીએ. ‘સધ્ધરકાર્ડ યોજના.’ દેશના એકેએક નાગરિકને અમે સધ્ધરકાર્ડ આપીને સધ્ધર બનાવવા માંગીએ છીએ. જેની પાસે આ સધ્ધર કાર્ડ હશે એને રોટી, કપડાં અને મકાન સસ્તાં મળશે. ભાષણ પૂરૂં અને, એ જ બહાદુર જનતા ગરીબડી બનીને સધ્ધર કાર્ડ માટે ઑફિસોમા ધક્કા ખાતી થઈ જાય.

જનતા સમુહમાં પ્રવેશ કરે અને કકળાટ કરે.

જનતા ૧ : રાશન કાર્ડ! ઈલેકશન કાર્ડ! બાકી રહ્યું હતું તો હવે સધ્ધર કાર્ડ!

જનતા ૨ : દર વખતે સરકાર એમ કહે કે, આ છેલ્લું કાર્ડ! આ કાર્ડ પછી કોઈ કાર્ડની જરૂર નહીં રહે. પણ નવી સરકાર આવે એટલે નવું કાર્ડ! ફરી પાછાં લાઈનમાં ઊંભાં રહો અને ધક્કા ખાવ.

જનતા ૩ : આજે સધ્ધર કાર્ડ તો કાલે અધ્ધર કાર્ડ!...કાર્‌ડ જોઈતું હોય તો ઓળખનો પુરાવો લાવો. રહેઠાણનો પુરાવો લાવો. જન્મનો પુરાવો લાવો. સારૂં છે કે જીવતે જીવ મરણનો પુરાવો નથી માંગતા.

જનતા ૪ : કહે છે કે, ભ્રષ્ટાચાર હટાવવા સધ્ધર કાર્ડ જરૂરી છે. પણ આ સધ્ધર કાર્ડ આપી આપીને કોણ સધ્ધર થશે એતો આપવાવાળા જાણે.

જનતા ૫ : કોડાઓ, મોંઘવારી ઘટાડોને. તમારી કાકી પ્યાજ એંસી રૂપિયે કિલો થઈ ગઈ. એનું કાંઈ કરોને. ચૂંટણી આવવા દો ચૂંટણી. અમે તમારી બરાબરની...

જનતા : સમુહમાં બોલે વાટ લગાડી દઈશું.

જનતા ૧ : ચાલો ભાઈ ચાલો..જલ્દી કરો. સધ્ધર કાર્ડની લાઈન લાંબી થઈ જશે.

જનતા કકળાટ કરતી ઝડપથી જતી રહે.

પક્કાજી : (ઊંભા થઈને) અરે! જનતા ભ્રષ્ટાચારથી આટલી આટલી દુઃખી છે અને સરકારને કશી પડી નથી? ભ્રષ્ટાચાર હટાવવા માટે મારે જ કશું કરવું પડશે. ઓ ભાઈઓ, અહીં આવો અને કહો કે જનતા ભ્રષ્ટાચારથી દુઃખી છે કે નહીં?

મનસુખ : નજીક જીને, હાથ જોડીને પ્રણામ પક્કાજી.

પક્કાજી : પ્રણામ ભાઈ.

ચંચળ : મારા પ્રણામ પણ સ્વીકાર કરો.

પક્કાજી : પ્રણામ ભાઈ. આપ બંને કોણ છો? અજાણ્‌યા લાગો છો.

મનસુખ : હું મનસુખ ગણાત્રા. લોકપ્રિય અખબાર ‘જનતરંગ’નો કટારલેખક છું. મારા લેખો દ્વારા લોકોમાં જાગૃતિ લાવવાનું કામ કરૂં છું.

ચંચળ : મારા આ મિત્ર ‘વિચારભવન’ નામે કટારમાં ગંભીર ગંભીર લેખો લખે છે. મોટાભાગે એ લેખોમાં દેશ અને સમાજની દુર્દશાનું વર્ણન હોય છે. એમને હંમેશા ભૂતકાળ પ્યારો લાગે છે અને વર્તમાન વસમો લાગે છે.

પક્કાજી : સરસ. બહુ સરસ. અને તમે?

ચંચળ : હું ચંચળ નાણાવટી. હાસ્યલેખક છું. જે અખબારમાં આ મનસુખ પોતાના ગંભીર લેખોથી લોકોને દુઃખી દુઃખી કરે છે એ જ અખબારમાં હું મારા હાસ્યલેખોથી લોકોને ખુશ કરૂં છુ.

મનસુખ : મારા આ મિત્રની કટારનું નામ છે ‘જલસાભવન.’ મોટાભાગે એમના લેખોમાં હાહાહીહી જ હોય છે.

પક્કાજી : (હસીને) ખોટું નથી. એ પણ જનતાની સેવા જ છે. જુઓને જનતા બિચારી કેટલી દુઃખી છે! મને લાગે છે કે હવે ફરીથી અનશન કરવાની વેળા આવી પહોંચી છે.

દેખાવે ગંભીર અને સાદો લાગતા અવિનાશનો પ્રવેશ. વજનદાર થેલો નીચે મૂકીને

અવિનાશ : પક્કાજીને પ્રણામ પક્કાજી.

પક્કાજી : તું કોણ છે ભાઈ?

અવિનાશ : હું અવિનાશ છું. તમારી પ્રશંસા સાંભળીને છેક પ્યારીનગરીથી આવ્યો છું. પક્કાજી, તમે ભ્રષ્ટાચારને હટાવવા માંગો છો. હું પણ એને હટાવવા માંગુ છું. જુઓ આ થેલામાં, ભ્રષ્ટાચારી નેતાઓએ કરેલાં કૌભાંડોના પુરાવા છે. આ દસ હજાર કરોડનું જમીન કૌભાંડ. આ સાત હજાર કરોડનું જળકૌભાંડ. આ બે હજાર કરોડનું વાહન કૌભાંડ. સૉરી બસો કરોડનું વાહન કૌભાંડ.

ચંચળ : સૉરી કહેવાની કોઈ જરૂર નથી ભાઈ. કૌભાંડોના આંકડામાં એકાદ બે મીંડાંની વધઘટ થાય તો સામાન્ય જનતાને ખબર પડતી નથી. એને ખબર પડે છે દૂધની થેલીમાં બે રૂપિયા વધે એની. પેટ્રોલમાં પાંચ રૂપિયા વધે એની. એને ખબર પડે છે પ્યાજના ભાવ બમણા થઈ જાય એની.

અવિનાશ : સામાન્ય જનતાના તમામ દુઃખો દૂર કરવાનો ઉપાય મારી પાસે છે.

ચંચળ : એવું? તો પછી તમારા નામની આગળ સુપરમેન, ડુપરમેન, સધ્ધરમેન, અધ્ધરમેન એવું કશું લાગાડોને. સધ્ધરમેન અવિનાશ! કેવું અસરકારક લાગે!

અવિનાશ : નામમાં શું છે? હું કામમાં માનું છું. મારૂં આ કામ જુઓ પછી વાત કરો.

પક્કાજી : પુરાવા જોઈને અરે! આટલી બધી લૂંટ! એને કોઈ રોકનાર નહીં? તારી પાસે આટલા બધા પુરાવા ક્યાંથી આવ્યા?

અવિનાશ : હું જનતાના હકની લડાઈ લડનારો એક સામાન્ય માણસ છું. મારી પાસે માહિતીનો ખજાનો છે. કાયદાની જાણકારી છે. આયોજનની આવડત છે. મિત્રોનો સાથ છે. બસ, તમારી જેવા કોઈ વડીલના આશીર્વાદની જરૂર છે.

પક્કાજી : હું જે બોલું છું એ પાળીને બતાવું છું એટલે લોક મને પક્કાજી કહે છે. જા તને આ પક્કાજીના આશીર્વાદ છે. વિજયી ભવ.

અવિનાશ : માત્ર આશીર્વાદથી નહીં ચાલે. તમારો સાથ પણ જોઈએ.

પક્કાજી : હું તો ફકીર માણસ! હું શું કરી શકું? મારી પાસે દૌલત તો છે નહીં. શુદ્ધ ચારિત્ર્‌ય છે. મજબૂત મનોબળ છે. જનતાના હક માટે જિંદગીના છેલ્લા શ્વાસ સુધી લડવાની ક્ષમતા છે.

અવિનાશ : તમારી લડાઈમાં હું સાથ આપીશ. આજથી તમે મારા ગુરૂ અને હું તમારો શિષ્ય.

શ્લોક બોલીને પ્રણામ કરે

ગુરૂર બ્રહ્‌મા ગુરૂર વિષ્ણુ, ગુરૂર દેવો મહેશ્વરઃ

ગુરૂર સાક્ષાત પરબ્રહ્‌મા, ત્સ્મૈ શ્રી ગુરૂવે નમઃ

પક્કાજી : શિષ્ય અવિનાશ, મને તારો સાથ મંજૂર છે.

બંને ભેટે

અવિનાશ : પક્કાજી, ભ્રષ્ટાચારને હટાવવા માટે દેશમાં કોઈ મજબૂત કાનૂન નથી, એટલે ભ્રષ્ટાચારનો પ્રભાવ ઓછો થતો નથી. દેશમાં એક સંપૂર્ણ કાનૂનની જરૂર છે. એક એવો કાનૂન કે જેને લીધે ભ્રષ્ટાચાર કરનાર નેતાઓ અને અધિકારીઓ ઝડપથી જેલભેગા થાય.

પક્કાજી : સરકાર સંપૂર્ણ કાનૂન બનાવે એ માટે હું આમરણાંત અનશન પર ઉતારવા તૈયાર છું.

અવિનાશ : સંપૂર્ણ કાનૂન સરકાર નહીં બનાવે. આપણે બનાવીશું. આપણે સંપૂર્ણ કાનૂન બનાવીશું અને સરકારને આપીશું. સરકાર એ કાનૂનનો અમલ કરશે.

પક્કાજી : ચાલો ત્યારે આપણે એવો કાનૂન બનાવીએ. ધરમના કામમાં ઢીલ શાને? શું શું જોઈશે એમાં?

અવિનાશ : પક્કાજી, સંપૂર્ણ કાનૂન મારી પાસે તૈયાર છે. આ રહ્યો.

પક્કાજી કાનૂનનો અભ્યાસ કરે

ચંચળ : વાહ! આ બિરાદર, તમે તો રેડીમેડ કાનૂનના વેપારી લાગો છો!

અવિનાશ : ભાઈ, તમે મને જેવોતેવો ન સમજતા. મેં ઘાટ ઘાટનાં પાણી પીધાં છે. કેટકેટલી ઑફિસોની મેં હવા ખાધી છે. ઑફિસોમાં હેરાન પરેશાન થતી જનતાનાં મેં કામ કરાવ્યાં છે. આ થેલો ભરીને સામાન અમસ્તો ભેગો નથી થયો.

ચંચળ : અવિનાશભાઈ, કર્યું કારવ્યું ક્યારેય એળે જતું નથી. તમારી આ મહેનતનો યોગ્ય બદલો પણ તમને મળશે જ. આ તો એક પ્રકારનું રોકાણ કહેવાય. એનો બદલો વ્યાજ સાથે મળશે.

અવિનાશ : મારે કોઈ પ્રકારનો બદલો જોઈતો નથી. જનતાની સેવા એ જ મારો બદલો. પક્કાજી, આજથી પંદર દિવસ પછી આંદોલન શરૂ થશે અને જોરદાર થશે. પ્યારી નગરીના મોટા રંગલીલા મેદાનમાં તમે આમરણાંત અનશન કરશો અને નગરીની જનતા તમને સાથ આપશે. ઈન્ટરનેટ પર આંદોલનનો પ્રચાર થશે. ટીવી પર આંદોલનનું પ્રસારણ થશે. મોબાઈલથી સંદેશા જશે. દેશના લાખો યુવાનો મેદાનમાં હાજર હશે. આ આંદોલન સત્તાપરિવર્તન માટે નહીં હોય પરંતુ વ્યવસ્થા પરિવર્તન માટે હશે.

મનસુખ : પરિવર્તનની હાકલ કરનારા બધા પહેલાં એવું જ કહે છે કે અમારૂં આંદોલન સત્તાપરિવર્તન માટે નથી, વ્યવસ્થાપરિવર્તન માટે છે. પછી લાચાર થઈને કહે છે કે, વ્યવસ્થા પરિવર્તન માટે સત્તાપરિવર્તન જરૂરી છે.

ચંચળ : સત્તાપરિવર્તન થાય એટલે પોતે સત્તા પર બેસી જાય અને પછી વ્યવસ્થાપરિવર્તન જાય મોંઘા ભાવનું તેલ લેવા! આ દેશમાં અત્યાર સુધીમાં થયેલાં આંદોલનોનો આ ટૂંકસાર છે.

મનસુખ : તમે ભેગા મળીને સંપૂર્ણ કાનૂન લાવશો તો પણ ભ્રષ્ટાચારને હટાવી નહીં શકો.. કારણ કે, જેમ કણકણમાં ઈશ્વરનો વાસ છે એમ જનજનમાં ભ્રષ્ટાચારનો વાસ છે.

ચંચળ : સાચી વાત છે. ભ્રષ્ટાચારનું જોર માત્ર સરકારી ધામમાં જ નથી. ખાનગી ધામમાં પણ છે. વેપારના ધામમાં પણ છે અને ધરમના ધામમાં પણ છે.

મનસુખ : આ બધામાંથી ભ્રષ્ટાચારને હટાવવો હોય તો માત્ર કાનૂન કામ નહીં લાગે. એ માટે તો દરેક વ્યક્તિએ પોતાની જાતમાંથી પણ એને હટાવવો પડશે. જનતા પોતે જ પોતાની અંદર ડોકિયું કરે તો જ આ વાત બને.

ચંચળ : એ માટે તો કોણ તૈયાર થાય? દરેક જણ બીજાને સુધારવાની વાત કરે છે. પણ પોતાની વાત આવે તો કહે કે, હું તો માધાની મા જેવો ડાહ્યો!

અવિનાશ : તમે શા માટે બિચારી જનતાનો વાંક કાઢો છો? જનતા તો નેતાઓના પાપે લાચાર થઈ ગઈ છે.

પક્કાજી : અવિનાશ સાચું કહે છે. આજે પહેલી જરૂરિયાત દેશના નેતાઓને સુધારવાની છે. નેતાઓ સુધરશે એટલે જનતા પણ સુધરી જશે. યથા નેતા તથા પ્રજા.

મનસુખ : હું માનું છું કે યથા પ્રજા તથા નેતા. ભ્રષ્ટાચારને ખરેખર હટાવવો હોય તો આંદોલનની શરૂઆત રંગલીલા મેદાનમાંથી નહીં પરંતુ દરેક વ્યક્તિએ પોતાની જિંદગીના મેદાનમાંથી જ કરવી જોઈએ.

અવિનાશ : મિત્ર, તમે અતિશય નિરાશાવાદી છો એટલે તમને અમારા આંદોલન પર વિશ્વાસ નથી.

પક્કાજી : મનસુખજી, તમે નિરાશાવાદી છો એટલે હું તમને અમારા અંદોલન સાથે જોડાવાનો આગ્રહ કરતો નથી. ભાઈ ચંચળ, તમે વિચાર કરી શકો છો.

ચંચળ : હસીને હું તો આશાવાદી પણ નથી અને નિરાશાવાદી પણ નથી. હું તો અવસરવાદી છું. આંદોલનમાં જોડાવાનો અવસર મળ્યો છે તો અવસરનો લાભ લેવા માંગુ છું.

મનસુખ : અરે! ચંચળ, તું આ શું બોલે છે? તું હાસ્યલેખક થઈને આંદોલનમાં જોડાઈશ? અઘરૂં પડશે હો. ભ્રષ્ટાચાર તો દૂર થતાં થશે પરંતુ તું લોકપ્રિય અખબારમાંથી દૂર થઈ જીશ.

ચંચળ : જે થશે તે જોયું જશે. યે જીના ભી કોઈ જીના હૈ મનસુખ?

પક્કાજી : ઉત્તમ. અતિ ઉત્તમ. ચાલો મિત્રો, આપણે તૈયારી કરીએ. પંદર દિવસ પછી ભ્રષ્ટાચાર છે ને આપણે છીએ.

મનસુખ અને ચંચળ એકબીજાને ભેટીને છૂટા પડે.

મનસુખ : આવજે મિત્ર, ગમે એવા સંજોગોમાં પણ તારા ચહેરા પરનું હાસ્ય સલામત રહે એવી આશા રાખું છું.

ચંચળ : આભાર દોસ્ત. હું પણ આશા રાખું છું કે ક્યારેક તો તારા ચહેરા પર પણ હાસ્ય ભૂલું પડશે.

ત્રણે રજા લઈને જાય.

મનસુખ : ઝડપથી અને મોટેથી કાવ્ય બોલે

તમે હાથથી દૂર રાખી કરમને,

કદી શોધશો ના જગતના મરમને

કથા વારતા સાંભળી સાંભળીને,

અહીં લોક ભૂલી ગયા છે ધરમને.

હવે જાય તો જાય ક્યાં એ બિચારી,

ન કોઈ ચહેરો જગ્યા દે શરમને.

સફળતા વિષે ના કહેવાય ઝાઝું,

સહેલું નથી, ભાંગવો છે ભરમને.

બને તો જરા જાતને ઓળખીએ,

પછી ઓળખીશું અમે પણ પરમને.

દૃશ્ય પહેલું પૂરૂં

દૃશ્ય બીજું

સ્થળ

રંગલીલા મેદાન પરનો અનશન માટેનો મંચ. મંચ પર પક્કાજી અનશન પર બેઠા હોય. ટીમના સભ્યોએ જે ટોપી પહેરી હોય એના પર ‘મૈ હૂં પક્કા’ લખ્યું હોય. બોર્ડ પર લખ્યું હોય કેઃ પક્કાજીનાં અનશનનો સાતમો દિવસ. સામે જનતા પલાંઠી મારીને બેઠી હોય. ટીવી પ્રસારણ માટે કેમેરા ગોઠવાયેલા હોય. એકપછી એક ભાષણ થાય.

ચંચળ : અત્રે ઉપસ્થિત જનતાને હાસ્યલેખક ચંચળના નમસ્કાર. સંપૂર્ણ કાનૂન માટેના આંદોલનનો આજે સાતમો દિવસ છે. પરંતુ, આપણા દેશના મિનિસ્ટર નંબર વન ‘શ્રી મોહનપ્યારે’ હજુ નિદ્રાધીન છે. આજની પરિસ્થિતિને અનુરૂપ બેચાર પંક્તિઓ રજૂ કરવાની અનુમતિ માંગુ છું. આખરે એક લેખક છુંને?

મંચ પરથી બીજા સભ્યોના ‘ઈર્શાદ ઈર્શાદ’ના પોકારો. જનતા પણ બોલે...

જનતા : ઈર્શાદ ઈર્શાદ....

જનતા ૧ : થાવા દે ભઈલા થાવા દે. જે મનમાં આવે એ થાવા દે...

જનતા ૨ : એ....આવો મોકો ફરી નહીં મળે. આટલું મોટું મેદાન અને આટલાં બધાં સાંભળનાર, ફરી મળે ન મળે.

હસાહસીના અવાજ પછી ચંચળ કવિતા બોલે

ચંચળ : ચાંદ છૂપ ગયા છૂપ ગયે તારેં, અબ તો જાગો મોહન પ્યારે

મહેંગાઈ કે સબ હૈ મારે મારે, અબ તો જાગો મોહન પ્યારે

હાથ જોડ કે ખડે લોગ સારે, અબ તો જાગો મોહન પ્યારે

આયે હૈ સબ દ્વાર તુમ્હારે, અબ તો જાગો મોહન પ્યારે.

તાળીઓ અને વાહ વાહનો અવાજ

જનતા ૧ : ખુશ થઈને દાદ આપે અને બેસી જાય.

વાહ વાહ! સુંદર મજાનું મજાનું ગીત છે. ચાંદ છૂપ ગયા છૂપ ગયે તારેં અબ તો જાગો મોહન પ્યારે. પણ મોહન જાગશે ખરા?

જનતા ૨ : નહીં જાગે... નહીં જાગે...ને નહીં જાગે. જાગે તો એ મોહન પ્યારે નહીં.

જનતા ૩ : જાગે તો એની ભોમકા લાજે.

ચંચળ : આભાર. પ્યારી નગરીની જનતાનો ખૂબ ખૂબ આભાર.

જનતા ૪ : એમાં તમારે આભાર માનવાનો ન હોય. અમારે તો આ કાયમનું થયું.

ચંચળ બેસી જાય અને જવાલા ઊંભી થાય.

જવાલા : ભ્રષ્ટાચાર સામેની લડતમાં જોડાયેલી જનતાને આ જ્વાલાના નમસ્કાર. મિત્રો, દેશની હાલત આજે કેવી છે? પોલીસ સ્ટેશને કોઈ ફરિયાદ કરવા જાય પણ પોલીસ સ્ટેશનમાંથી પોલીસ જ ગૂમ હોય, એમ દેશની સરકાર ગૂમ થઈ ગઈ છે. સરકાર ઘૂંઘટમાં પોતાનું મોઢું છુપાવતી ફરે છે. આવી રીતે.

દુપટ્ટો ઓઢી લે હસવાના અવાજો

ચંચળ : માઈક હાથમાં લઈને આ દૃશ્ય જોઈને મને સરકારને એક ગીત સંભળાવવાનું મન થાય છે.

મંચ પરથી બીજા સભ્યોના ‘ઈર્શાદ ઈર્શાદ’ના પોકારો. ચંચળ ગીત ગાય

યે પરદા હટા દો જરા મુખડા દિખા દો

હમ વોટ દેને વાલે હૈ કોઈ ગૈર નહીં

અરે હમ ટેક્સ ભરને વાલે હૈ કોઈ ગૈર નહીં.

યે પરદા હટા દો, જરા મુખડા દિખા દો.

તાળીઓ અને વાહ વાહનો અવાજ. ખુશ થયેલી જનતા ૫ ઊંભી થાય અને દાદ આપીને બેસી જાય.

જનતા ૫ : વાહ વાહ! વાહ વાહ! આંદોલનનું આંદોલન અને મનોરંજનનું મનોરંજન. અહીં તો રોજ આવવા જેવું છે.

ચંચળ અને જવાલા બેસી જાય અને અવિનાશ ઊંભો થાય

અવિનાશ : માઈક હાથમાં લઈને પ્યારીનગરીની પ્યારી જનતા, પક્કાજીના અનશનનો આજે સાતમો દિવસ છે. એમની તબિયત બગડતી જાય છે. આખો દેશ ચિંતામાં છે. સિવાય કે સરકાર! હે જનતા, તું જ મને બતાવ. આપણી માંગણી શી છે? એક સંપૂર્ણ કાનૂન, કે જેનાથી આપણી રોજની જિંદગી સુખમય બને. જનતા, તું તો સંપૂર્ણ કાનૂન વિષે જાણે છેને?

જનતા ૧ : ઊંભી થઈને હોવે. સની દેઓલના હાથ જેવો મજબૂત કાનૂન! ઢાઈ કિલો કા હાથ! મજબૂતી એવી ઠસોઠસ કે ટકે વરસોવરસ. સૂત્રો પોકારે અમને જોઈએ સંપૂર્ણ કાનૂન. તમને જોઈએ સંપૂર્ણ કાનૂન. સૌને જોઈએ સંપૂર્ણ કાનૂન.

અવિનાશ : સરકાર ધારે તો આ કાનૂન ઝડપથી લાવી શકે છે. પરંતુ, નેતાઓની દાનત સાફ નથી. કેટલાક નેતાઓ અમને એવી સલાહ આપે છે કે ‘તમે રાજનીતિમાં આવો, ચૂંટણી લડો, જીતો, સરકાર બનાવો અને પછી જેવો કાનૂન બનાવવો હોય એવો બનાવો.’ જનતા, હું તને પૂછું છું, એમની આ રીત બરાબર છે?

જનતા ૨ : એમને બીજું શું આવડે? ‘કાં લડ ને કાં લડનારો દે. ગજવા અમારા ભરનારો દે.’

અવિનાશ : નેતાઓ તો જવાબદારીથી દૂર ભાગવાની વાત કરે છે. અમે આ લડાઈ રાજનીતિમાં દાખલ થવા માટે નથી લડતાં. અમારે રાજનીતિના અખાડામાં ઉતરવું પણ નથી. પરંતુ, અમે એમને છોડીશું નહીં. કારણ કે અમને તારા જેવી જાગૃત જનતાનો સાથ છે. તું અમને સદાય સાથ આપીશને?

જનતા ૩ : આપીશને? કેમ નહીં આપું? સાથ આપવા તો આવી છું. બાકી આજે તો લાઈટનું બિલ ભરવા જવું’તું.

અવિનાશ : બસ આથી વિશેષ મારે કશું કહેવું નથી. હવે હું પક્કાજીને વિનંતિ કરૂં છું કે એ તને એમનો સંદેશો આપે.

જનતા સમુહમાં સૂત્રો પોકારે...

જનતા : ભાર...ત માતા કી... જય. ભાર...ત માતા કી... જય. ભાર...ત માતા કી... જય. પક્કાજી તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ હૈ. પક્કાજી તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ હૈ. ઈન્કિલાબ ઝિંદાબાદ! ઈન્કિલાબ ઝિંદાબાદ! ઈન્કિલાબ ઝિંદાબાદ!

પક્કાજી : બેઠા બેઠા જ બોલે પ્યારી નગરીની જનતાને મારા પ્રણામ. હું કોઈ નેતા નથી. એટલે મને ભાષણ કરતાં આવડતું નથી. સાદોસીધો ગામડાનો ફકીર માણસ છું. મારૂં કામ રાજનીતિનાં ખેલ ખેલવાનું નથી. તારા હકની લડાઈ લડવાનું છે. જનતા, ખરેખર તો તું આ નગરીની માલિક છે. પરંતુ તારા જ બનાવેલા નેતાઓ આ નગરીના માલિક બની ગયા છે. એની અક્ક્લ ઠેકાણે લાવવાની છે. .

જનતા ૪ : સાવ સાચી વાત છે. ખોટું ન બોલું પક્કાજી. નેતાઓ મત માંગવા આવે છે ત્યારે હાથ જોડીને દોડતા આવે છે. પછી પાંચ પાંચ વરસ સુધી અમને દોડાવે છે. એક ઑફિસેથી બીજી ઑફિસે અને બીજી ઑફિસેથી ત્રીજી ઑફિસે. અલક ચલાણું ચલક ચલાણું પેલે ઘેર ભાણું... અલક ચલાણું ચલક ચલાણું પેલે ઘેર ભાણું.

જનતા ૫ : અલક ચલાણું ચલક ચલાણુંની રમત બહુ થઈ ગઈ. હવે એ રમત બંધ કરાવવી છે.

જનતા : સમુહમાં સૂત્રો પોકારે બંધ કરો બંધ કરો અલક ચલાણું બંધ કરો. બંધ કરો બંધ કરો ચલક ચલાણું બંધ કરો. હોશ મેં આઓ હોશ મેં આઓ... દેશ કે નેતા હોશ મેં આઓ. હોશ મેં આઓ હોશ મેં આઓ... દેશ કે નેતા હોશ મેં આઓ. ભાર...ત માતા કી... જય. ભાર...ત માતા કી... જય

પક્કાજી : આગળ બોલવાનું શરૂ કરે હું તારા હકની લડાઈ આજસુધી મારી રીતે લડતો રહ્યો છું. હવે આ લડાઈમાં અવિનાશ અને બીજાં અનેક મિત્રોનો મને સાથ મળ્યો છે. જનતા, તું તારાં અનેક કામ છોડીને અહી આવી છે એ બદલ તારો આભાર માનું છું.

જનતા ૧ : પક્કાજી, આભાર તો અમારે તમારો માનવાનો હોય. આ ઉમરે તમે આ નગરીના રીઢા નેતાઓની સામે ટક્કર લો છો. બીજું તો શું કહું? હાથ જોડીને વિનંતિ કરૂં છું કે, તબિયત સાચવજો.

પક્કાજી : જનતા, તું મારી તબિયતની ચિંતા ન કરીશ. તારા આવવાથી મને નવી ઊંર્જા મળે છે . મને હંમેશા તારા સાથની જરૂર રહેશે. આવતી રહેજે. આથી વધારે મારે કશું કહેવાનું નથી. ભાર...ત માતાકી જય.

જનતા : સમુહમાં સૂત્રો પોકારે... ઈન્કિલાબ ઝિંદાબાદ! ઈન્કિલાબ ઝિંદાબાદ! ભાર...ત માતા કી જય. ભાર...ત માતાકી, જય.

જનતા ૧ : હું જનતા છું. ક્યારેક ઘેટાં જેવી છું તો ક્યારેક શિવના ત્રીજા નેત્ર જેવી છું. ક્યારેક નિદ્રાધીન છું તો ક્યારેક જાગૃત છું. જેવી જેની જરૂરિયાત!

જનતા ૨ : હું જેવી છું એવી પણ જનતા છું. ગાંડીઘેલી પણ જનતા છું.

જનતા ૩ : હું જાણું છું કે, આ દેશમાં લોકશાહી છે એટલે; મારા નામે, મારા માટે અને મારા વડે અવનવા ખેલ ખેલાય છે. ખેલમાં મને મહોરા તરીકે આગળ કરવી પડે છે. આ અંદોલન એવો કોઈ ખેલ નહીં હોય એવા વિશ્વાસ સાથે કામધંધો છોડીને આ મેદાનમાં આવી છું.

જનતા ૪ : વિશ્વાસ રાખવો એ મારી આદત છે. મેં મોહનલાલ કરમચંદ ગાંધી પર વિશ્વાસ રાખ્યો હતો. જયપ્રકાશ નારાયણ પર વિશ્વાસ રાખ્યો હતો. ક્રાંતિનો વાવટો લઈને નીકળી પડેલા હરકોઈ પર મેં વિશ્વાસ રાખ્યો છે. ધોખા પણ ખાધા છે. છતાય વિશ્વાસ રાખવાની આદત છોડી નથી.

જનતા ૫ : પક્કાજી, આજે તમારી અને તમારી ટીમ પર વિશ્વાસ રાખ્યો છે. હાથ જોડીને તાળીઓ પાડતાં પાડતાં ગાય

મારી લાજ તમારે હાથ પક્કા સંભાળજો રે... મેં તો મૂક્યો છે વિશ્વાસ પક્કા સંભાળજો રે. મારી લાજ તમારે હાથ પક્કા સંભાળજો રે.

જનતા સમુહમાં સૂત્રો પોકારે..

મને જોઈએ... સંપૂર્ણ કાનૂન. તમને જોઈએ... સંપૂર્ણ કાનૂન. સૌને જોઈએ... સંપૂર્ણ કાનૂન.

જનતા, પક્કાજી અને પક્કાટીમ મંચ પરથી અદૃશ્ય થાય. ચંચળ અને મનસુખ દૃશ્યમાન થાય.

મનસુખ : વાહ! ચંચળ વાહ! સામાજમાં પરિવર્તન આવે કે ન આવે તારામાં પરિવર્તન જરૂર આવી ગયું છે.

ચંચળ : હસીને પરિવર્તન એ જગતનો નિયમ છે દોસ્ત. જિંદગીના પણ અનેક રંગો હોવા જોઈએ. હું છાપામાં ગમે એટલું સારૂં લખતો હતો તો પણ મને ઓળખી ઓળખીને કેટલાં ઓળખતાં હતાં. આજે બેચાર ફાલતું વાતો કહી નાખું છું તો પણ જનતા મારી વાહ વાહ કરે છે!

મનસુખ : માફ કરજે મિત્ર ચંચળ. આ માત્ર તારો પ્રભાવ નથી. નટખટ ટીવીનો પણ પ્રભાવ છે. આ નટખટ ટીવીની આદત બહુ સારી નથી. જે દિવસે નટખટ ટીવીનો કેમેરો તારા પર નહીં હોય એ દિવસે તારી હાલત અફીણ વગર અફીણના બંધાણીની થાય એવી થઈ જશે. હજી મોડું નથી થયું. પાછો ફરી જા. જે જનતા તારી વાહ વાહ બોલાવે છે એ જ જનતા તારો હુરિયો બોલાવે એ પહેલાં પાછો ફરી જા.

ચંચળ : પાછા ફરે એ બીજા. હવે તો જે થાય પક્કાટીમનું એ થાય મારૂં. સંપૂર્ણ કાનૂન સિવાય બીજું કાંઈ ન ખપે.

મનસુખ : મોઢું બગાડીને સંપૂર્ણ કાનૂન! આમરણાંત અનશન! ભાષણબાજી! નારેબાજી! આક્ષેપબાજી! લાખોની ભીડ! ભ્રષ્ટાચારને હટાવવા માટે કેટલો બધો ખર્ચ! આ ખર્ચ કોના તરફથી?

ચંચળ : પક્કા ટીમ પાસે બહુ પૈસો નથી. એ લોકો તો સામાન્ય માણસો છે. આ બધો ખર્ચો ફંડફાળામાંથી આવેલા પૈસામાંથી થાય છે. ફંડફાળાનો પૂરેપૂરો હિસાબ એ લોકો આપે છે.

મનસુખ : ફાળાનો મળે નહીં કદી તાળો! ચાલ એ વાતનો જવાબ દે, કે ફંડફાળામાં જે પૈસા આવ્યા છે એમાંથી ભ્રષ્ટાચારથી કમાયેલા કેટલા અને નીતિથી કમાયેલા કેટલા? આમાં એક પણ પૈસો અનીતિનો નહીં હોય એની ખાતરી કોણ કરે? કરવા જાય તો પણ કેવી રીતે કરે? સાધ્ય શુદ્ધ હોય તો સાધન પણ શુદ્ધ હોવું જોઈએને?

ચંચળ : મિત્ર મનસુખ, આ તો ઘાસની ગંજીમાંથી સોય શોધવા જેવી વાત છે. સો ટકા સાધનશુદ્‌ધિ આજના જમાનામાં કોઈ પાળતું નથી. લોકોને વ્યવહારમાં એ શક્ય પણ લાગતું નથી. અને, આ માત્ર આજના જમાનાની રીત નથી. આ તો યુગો યુગોથી ચાલ્યું આવે છે. સારૂં કામ કરવું હોય તો એ દર વખતે માત્ર નીતિથી થતું નથી. માણસે જ નહીં, ભગવાને પણ અનીતિનો સહારો લેવો પડે છે. દાખલા આપું તો અનેક છે. તને ખબર છે ને કે રામે છુપાઈને વાલીનો વધ કર્યો હતો. મહાભારતમાં તો આવાં એનકાઉન્ટરનો કોઈ પાર નથી. કૃષ્ણ ભગવાને અર્જુન પાસે જયદ્રથનું એનકાઉન્ટર કરાવ્યું હતું. કર્ણનું પણ એનકાઉન્ટર કરાવ્યું હતું. ભીમ પાસે દુર્યોધનનું એનકાઉન્ટર કરાવ્યું હતું. શિખંડી પાસે ભિષ્મનું એનકાઉન્ટર કરાવ્યું હતું. ભગવાન જેવા ભગવાનની ટીમ જો નૈતિકતાની ઐસીતૈસી કરતી હોય તો પક્કા ટીમનો શો વાંક?

મનસુખ : ભગવાને લીલા કરી એટલે આપણે પણ કરવાની? આ તો સાધનશુદ્‌ધિની જવાબદારીમાંથી છટકવાનું એક હોઠવગું બહાનું છે.

ચંચળ : ભગવાન હોય કે માણસ હોય. સાધ્ય શુદ્ધ હોય તો વહેવારમાં દરેકે સાધનશુદ્‌ધિનો આગ્રહ જતો કરવો પડે છે. એવું ન કરે તો કામ અટકી પડે. શુદ્ધ સોનાની લગડી, તિજોરીમાં મૂકી રાખવી હોય તો જુદી વાત છે. પણ જો એમાંથી ઘરેણું ઘડાવવું હોય તો એમાં બીજી ધાતુ થોડા પ્રમાણમાં પણ ભેળવવી પડે છે.

મનસુખ : વાહ! સાધ્ય શુદ્ધ હોય તો વહેવારમાં સાધનશુદ્‌ધિનો આગ્રહ જતો કરવો પડે! બસ! ત્યાંથી જ વહેવારમાં અનીતિને આવકારવાની અને નીતિને રવાના કરવાની શરૂઆત થાય છે. ચોવીસ કેરેટનું માપ ઘટતું જ જાય છે અને ભેળસેળનું માપ વધતું જ જાય છે. ભ્રષ્ટાચાર સમાજની જરૂરિયાત થતો જાય છે. જેમ કે, ગરીબો માટે હોસ્પિટલ બાંધવી હોય તો ખોટા ધંધા કરનાર પાસેથી પણ ફાળો લેવો પડે. ભક્તિની સાથે સાથે જ અંધશ્રદ્ધાનો પણ ફેલાવો કરવો પડે. દીકરાને ડૉક્ટર બનાવવો હોય તો ડોનેશન આપવું પડે. ને ત્રેવડ ન હોય તો હરામની કમાણી કરવી પડે. મને તો આ અવિનાશનું સાધ્ય પણ શુદ્ધ હોય એવું લાગતું નથી. આ ભેદી માણસ, પક્કાજીને પકડમાં રાખીને કોઈ મોટો દાવ રમતો હોય એવું લાગે છે. કોઈપણને પક્કાજી સુધી પહોંચવું હોય તો વાયા અવિનાશ થઈને જવું પડે છે.

ચંચળ : વાત એમ છે કે, પક્કાજી એકંદરે ભોળા માણસ છે. બહુ દાવપેચ એમને આવડે નહીં. સામે પક્ષે પ્યારીનગરીની રીઢી સરકાર છે. લોકશાહીનાં મૂળ ચાવી ગયેલા અનેક પક્ષો છે. એ બધાંની સામે ટક્કર લેવી હોય તો અવિનાશ જેવા ચાલાક યુવાનની જરૂર પડે.

મનસુખ : આ પક્કાટીમવાળા ગમે તેમ કરીને રાજનીતિમાં જોડાશે અને ‘કૌન બનેગા કરોડપતિ’ જેવો કાર્યક્રમ શરૂ કરશે. મારી વાત યાદ રાખજે.

ચંચળ : ના ના ના. એવું નથી. એવું નથી. એ લોકો સારા સારા પગારની નોકરીઓ છોડીને આવ્યાં છે. એ લોકોને પૈસાનો મોહ નથી. બધાં ખાનદાન કુટુંબના માણસો છે.

મનસુખ : પૈસાનો મોહ નહીં હોય તો સત્તાનો મોહ હશે.

ચંચળ : એ લોકોને તો સત્તાનો પણ મોહ નથી. એમનું એક જ ધ્યેય છે કે દેશના વહીવટની રસમ બદલી નાખવી. સામાન્ય માણસને રોજ રોજ થતી હેરાનગતિ દૂર કરવી.

મનસુખ : એ તો વખત આવ્યે જ ખબર પડશે. અત્યારે તો એટલું જ કહીશ કે, પીળું એટલું સોનું નહીં. જે ગાંધીટોપી જનસેવાનું પ્રતિક હતી એ જ ગાંધીટોપી સત્તાની ખુરશી સુધી પહોંચવાનો પાસપોર્ટ બની ગઈ હતી. હવે ફેશન જરા બદલાઈ છે. એટલે એ જ ગાંધી ટોપી પર લખાઈ ગયું છે કે, ‘મૈ પક્કા હૂં’

ચંચળ : હું તો એટલું જ કહીશ કેઃ ગઝલ બોલતો હોય એમ

એકસરખા હોય ના અવસર કદી,

આંખને જોવું પડે નવતર કદી.

આજ તો ઊંડે ભલે ડમરી સતત,

લાગણી વરસી જશે ઝરમર કદી.

આ લડત તો સામટું રોકાણ છે.

સામટું એનું મળે વળતર કદી.

ચોપડા લઈને નિરાંતે બેસશું,

આપણાં ખાતાં થશે સરભર કદી.

દૃશ્ય બીજું પૂરૂં

દૃશ્ય ત્રીજું

ટીવી પર વાર્તાલાપ ચાલતો હોય એવું દૃશ્ય. વચ્ચે એન્કર શીતલ. બંને બાજુ વાર્તાલાપમાં ભાગ લેનારાં વચનવિજયજી અને હાસ્યલેખક ચંચળ

શીતલ : નમસ્કાર દર્શક મિત્રો. નટખટ ટીવી તરફથી હું શીતલ, આપ સહુનું અને સ્ટુડિયોમાં પધારેલાં મહેમાનોનું સ્વાગત કરૂં છું. આજની ગરમાગરમ ચર્ચાનો વિષય છે : ‘પક્કાજીનું આંદોલન- કેટલું પાકું, કેટલું કાચું?’ ર્ચામાં ભાગ લેનારાં મહેમાનો છે- સત્તાધારી ‘આદર્શ પાર્ટી’ના મંત્રી શ્રી વચનવિજયજી અને ભ્રષ્ટાચાર હટાવવા માટે મેદાને પડેલી ‘પક્કા ટીમ’ના સદસ્ય અને જાણીતા હાસ્યલેખક શ્રી ચંચળજી. ચર્ચાની શરૂઆત કરીશું પક્કા ટીમના સદસ્યશ્રી ચંચળજીથી. ચંચળજી, શું લાગે છે? હાસ્યલેખ લખવા આસાન છે કે આંદોલન ચલાવવું?

ચંચળ : આસાન તો બેમાંથી એકપણ નથી. બંને કાર્ય કરતી વખતે જનતાને ધ્યાનમાં રાખવી પડે છે. પરંતુ હું એટલું કહીશ કે આંદોલન સાથે જોડાયા પછી મને જનતા સાથે જોડાવાનો વિશેષ મોકો મળ્યો છે.

વચનવિજય : વચ્ચે હસીને બોલે તમારો લેખક તરીકે ક્યાંય ભાવ પૂછાતો નહોતો એટેલે આંદોલનની ચાલુ ગાડીમાં ચડી બેઠા છો.

ચંચળ : મને મારી વાત પૂરી કરવા દો. વચનવિજયજી. તમને પણ બોલવાની તક મળશે. ઉતાવળા ન થાવ. વચ્ચે ન બોલાય એટલી સભ્યતા પણ તમારામાં નથી? તમારા જ પક્ષમાં તમારી છાપ કેવી છે એ જાણો છોને? તમારી પાર્ટીનું દિવસે દિવસે જે પતન થઈ રહ્યું છે એને માટે જે પરિબળો જવાબદાર છે એમાનું એક પરિબળ છે તમારો આ બકબકિયો સ્વભાવ. થૂંકવું અને થૂંકેલું ચાટવું એ તમારી એકમાત્ર વિશેષતા છે.

વચનવિજય : તમારા લખાણની વાત કરો. તમને લેખક તરીકે કોણ ઓળખે છે? લેખકોમાં કોઈ જાણે નહીં ને હું મોટો લેખક! એકાદ છાપાવાળાને દયા આવી છે એટલે તમારૂં કચરા જેવું લખાણ છાપે છે અને તમારૂં ગાડું ચાલે છે.

શીતલ : વચનવિજયજી, ચંચળજીની વાત પૂરી થાય પછી હું તમારી પાસે જ આવું છું. હા ચંચળજી, તમારી વાત પૂરી કરો.

ચંચળ : હું એમ કહેવા માંગું છું શીતલ, કે વર્તમાન સાહિત્યનું ક્ષેત્ર પણ સરકારનો પાળેલો પોપટ છે. જે માત્ર સરકારને પસંદ પડે એવું જ બોલે છે. એ વાત સાચી છે કે સરકારની દયા પર નભતાં સામયિકોમાં મારૂં લખાણ છપાતું નથી. એમાં તો બેસણામાં બેઠા હોય એવા સોગ્િાયા નેતાઓના ફોટા છપાય છે. માત્ર સરકારના ગુણગાન ગવાય છે. આભાર પક્કાજીનો કે જેમણે મને એમના અંદોલનનાં મંચ પર માઈક સોપ્યું અને, મને મારા ક્રાંતિકારી વિચારોને જનતા સમક્ષ રજૂ કરવાની તક આપી. આંદોલન ની વાત કરૂં તો...

શીતલ : આંદોલનની વાત સાંભળવા હું તમારી પાસે ફરીથી આવીશ. વચનવિજયજી ક્યારના કશું કહેવા આતુર છે. કહો વચનવિજયજી, પક્કાજીના અનશનનો આજે બારમો દિવસ છે. પક્કાજીની તબિયત કથળતી જાય છે. તમારી સરકાર શું ઈચ્છે છે?

વચનવિજય : શીતલજી, પકકાજીની તબિયતની જેટલી ચિંતા અમને છે એટલી પક્કાટીમને નથી. એ ટીમમાં કોણ છે? જેમને નોકરીમાંથી કાઢી મૂક્યા હોય એ લોકો છે. એમનો ઈરાદો સાફ નથી. રંગલીલા મેદાનમાં એ નવરા લોકો ભેગા થઈને ભવાઈ કરે છે

ચંચળ : ભવાઈ તો તમે લોકો કરો છો સરકારમાં રહીને..

વચનવિજય : મોટા અવાજે ચંચળ ચંચળ ચંચળ. અતિચંચળ, તમે મને વચ્ચે નહીં બોલવાની સભ્યતા શીખવાડતા હતા. એ સભ્યતા હવે તમે શીખો. મને મારી વાત પૂરી કરવા દો.

ચંચળ : જેવા સાથે તેવા.

જ્યાં જેની નહીં જરૂર, ત્યાં એનું નહીં કામ.

ધોબી બિચારો શું કરે, જ્યાં દિગંબરોનું ગામ.

વચનવિજય : તમારી ફાલતું શાયરીઓ પક્કાજીના મંચ પરથી લલકારજો. તમે ક્યાં બેઠા છો અને શા માટે બેઠા છો એ યાદ રાખો.

શીતલ : ચંચળજી, તમે એમને બોલવા દો. આ ગંભીર ચર્ચા છે. ચર્ચા ભટકી ન જાય એ જોવાની અરજ આપણા બધાંનિ છે. હા, વચનવિજયજી, તમે તમારી વાત આગળ વધારો.

વચનવિજય : શીતલજી, હું એમ કહેવા માંગુ છું કે, પક્કાજીની ટોળકી એમના રાજકીય સ્વાર્થ ખાતર પક્કાજીનો ઉપયોગ કરી રહી છે. અમારી સરકારને બદનામ કરવા માટે તમાશા કરી રહી છે. પક્કાજીને તો વારેવારે અનશન પર ઉતરવાની ફાવટ છે. પક્કાટીમ એમની એ ફાવટનો દુરૂપયોગ કરી રહી છે.

ચંચળ : તમને નેતા લોકોને ખાવાની ફાવટ આવી ગઈ છે. એટેલે તમને અટકાવવા માટે પક્કાજીએ વારેવારે અનશન પર ઉતરવું પડે છે. નેતા લોકોને એક કે બે મોઢે નહીં પણ અનેક મોઢે ખાવાની ફાવટ આવી ગઈ છે. ખાવા માટે તમે લોકોએ અનાજ તો ઠીક પણ કાગળ, કોલસો, ઘાસ કશું જ છોડયું નથી. હું તો એમ કહીશ કે આકાશ, વાયુ, જળ, અગ્નિ, પૃથ્વી એ પંચમહાભૂતમાંથી એક પણ તત્ત્વને છોડયું નથી.

વચનવિજય : લેખક મહાશય, તુક્કાબાજી તમારા હાસ્યલેખમાં ચલાવજો. અહીં નહિ. અહીં જે વાત કરો તે...

શીતલ : માફ કરજો. વચનવિજયજી, મારે તમને રોકવા પડે છે. આ ગરમાગરમ ચર્ચા આગળ ચાલશે. પરંતુ એ પહેલા લઈશું એક નાનકડો વિરામ.

એન્કર અને ચર્ચા કરનારાઓ દેખાતાં બંધ થાય. એ સાથે જ મંચ પર જનતા દેખાય.

જનતા ૧ : બાર વેંતનું ચીભડું અને તેર વેંતનું બી! આ નટખટ ટીવીનો નાનકડો વિરામ ખરેખર નાનકડો નથી હોતો. વળી એ વિરામમાં પણ આપણને તો વિરામ મળતો જ નથી. આપણે તો મને-કમને જાહેરાતોનાં પવિત્ર દર્શન કરવાં જ પડે છે.

જનતા ૨ : ક્યારેક તો એવું લાગે કે ટીવીનો મુખ્ય કાર્યક્રમ જાહેરાત બતાવવાનો છે. એને દર્શકોની દયા આવે તો વચ્ચે વચ્ચે થોડોઘણો બીજો કાર્યક્રમ બતાવી શકે છે!

જનતા ૩ : નટખટ ટીવીની આજની ચર્ચાનો વિષય છેઃ ‘પક્કાજીનું આંદોલન-કેટલું પાકું, કેટલું કાચું?’ પણ આ તો એકબીજા પર દાઝ ઉતારવાનો કાર્યક્રમ લાગે છે.

જનતા ૪ : નટખટ ટીવી પરની ચર્ચાઓ તો આવી જ હોય. ભજિયાંની દુકાને જીને સુદર્શનની ફાકી માંગો તો મળે ખરી?

જનતા ૫ : મને તો આ નટખટ ટીવીની બાઈ, બસ પકડવા દોડાદોડી કરતી હોય એવી લાગે છે. એટલી ઉતાવળી કે એકેયની વાત પૂરી નથી થવા દેતી. જબરી બાઈ છે. જાનવરોને લડાવતી હોય એમ એ ચર્ચામાં ભાગ લેનારાઓને લડાવે છે. અને, જેવો જાહેરાતનો સમય આવી જાય કે ધડ દઈને ચર્ચાને બ્રેક મારી દે છે. એન્કરના ચાળા પાડે લઈશું એક નાનકડો વિરામ!

જનતા ૧ : નાનકડા વિરામમાં જ મોટી કમાણી! નટખટ ટીવી પોતે પાર વગરની જાહેરાતો કરે છે અને ઉપરથી નૈતિકતાની મોટી મોટી વાતો કરે છે.

જનતા ૨ : ખટમલ બાબાની પોલ પણ ખોલે અને ખટમલ બાબાનો દરબાર પણ બતાવે. કયા સમાચારને દબાવવા અને કયાને ચગાવવા, કોની તરફેણ કરવી અને કોનો વિરોધ કરવો, કોના વખાણ કરવા અને કોની વગોવણી કરવી, આ બધાં ખેલ એને આવડે.

જનતા ૩ : ચાલો ચાલો. એ લોકોનો ખેલ ફરીથી ચાલુ થશે. આપણી ચર્ચા બંધ કરો.

ટીવી પરની ચર્ચા ફરીથી શરૂ થાય. જનતા બેસી જાય.

શીતલ : વિરામ પછી આપ સહુનું સવાગત છે. સંપૂર્ણ કાનૂનની માંગ સાથે બાર દિવસથી અનશન પર બેઠેલા પક્કાજીની તબિયત કથળતી જાય છે. વચનવિજયજી આરોપ લગાવી રહ્યા છે કે, પક્કાજીના જીવના જોખમે પક્કાટીમ સરકારને બદનામ કરવાનો ખેલ ખેલી રહી છે. આ ખેલ પાછળનો પક્કાટીમનો રાજકીય સ્વાર્થ છે. ચંચળજી, વાત સાચી છે?

ચંચળ : ચોરો કો સારે નજર આતે હૈ ચોર. એમને દરેક બાબતમાં અમારો રાજકીય સ્વાર્થ દેખાય છે. પરંતુ એમને ખ્યાલ હોવો જોઈએ કે, અમે રાજનીતિ સાથે જોડાયેલાં નથી. સામાજિક આંદોલન સાથે જોડાયેલાં છીએ. દેશની જનતા ભ્રષ્ટાચાર અને મોંઘવારીથી દુઃખી દુઃખી થઈ ગઈ છે. આ સંજોગોમાં દેશમાં સંપૂર્ણ કાનૂનની સખત જરૂર છે. પરંતુ દેશના નેતાઓ સંપૂર્ણ કાનૂન બનાવવા માંગતા નથી કારણ કે જો સંપૂર્ણ કાનૂન લાગુ થાય તો એમનો ખોરાક બંધ થઈ જાય એમ છે.

વચનવિજય : લેખક મહાશય, તમારે છાપામાં તમારો એક ફાલતું લેખ છપાવવો હોય તો પણ એ લેખને ચોક્કસ પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. તમે મેદાનમાં ડિસ્કો કરતાં કરતાં એ લેખ છપાવી નથી શકતા. આ તો કાનૂન બનાવવાની વાત છે. કાનૂન બનાવવાની અને પાસ કરાવવાની ચોક્કસ પ્રક્રિયા હોય છે. એમાં લાવ્ય ઘોડો અને કાઢય વરઘોડો, એવી ઉતાવળ ન ચાલે. કાનૂન મેદાનમાં ન બને. એને માટે ચોક્કસ જગ્યા હોય છે.

ચંચળ : એ જગ્યા પર તમારી જેવા ખડડૂસ નેતાઓએ કબજો જમાવ્યો છે.

વચનવિજય : જો તમને એવું લાગતું હોય તો તમે એ જગ્યા પરથી અમને દૂર કરો. ચૂંટણી લડો. જીતો અને સરકાર બનાવો. પછી જેવા કાનૂન બનાવવા હોય એવા બનાવો. અમારી ક્યાં ના છે.

ચંચળ : અમે રાજનીતિના કાદવમાં પડવા માંગતા નથી.

વચનવિજય : કેમ? ચૂંટણીમાં હારી જવાનો ડર લાગે છે? રાજનીતિ હાસ્યલેખ લખવા સહેલી નથી હો. રાજનીતિમાં આવવું હોય તો પહેલાં જનતાનાં કામ કરવા પડે.

શીતલ : મોટેથી બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે. દર્શક મિત્રો, મારે ચર્ચા અટકાવવી પડે છે. નટખટ ટીવીને અત્યારે આધારભૂત સૂત્રો દ્વારા જે સમાચાર મળી રહ્યા છે એ મુજબ પક્કા ટીમ આગળની રણનીતિ નક્કી કરવા માટે ‘ચર્ચાભવન’માં જશે. બાર બાર દિવસો થઈ ગયા હોવા છતાં સરકારનાં જિદ્દી વલણમાં કોઈ ફેરફાર થયો નથી. પક્ક્કાજીની નબળાઈ વધતી જ જાય છે. મેદાનમાં લોકોની હાજરી ઘટતી જ જાય છે. આ સંજોગોમાં પક્કાટીમ કોઈ નવી રણનીતિ નક્કી કરશે એવી જાણકારી અમને પ્રાપ્ત થઈ છે. થોડી વારમાં જ અમે તમને લઈ જીશું રંગલીલા મેદાન પર. પરંતુ એ પહેલાં લઈશું એક નાનકડો વિરામ.

એન્કર અને ચર્ચા કરનારાઓ દેખાતા બંધ થાય. એ સાથે જ જનતા દેખાય. જનતા પોતાનો પ્રત્યાઘાત આપે...

જનતા ૧ : અમને ખબર જ હતી કે રાજનીતિના અખાડામાં પડયાપાથર્યા રહેતા નેતાઓ પક્કા ટીમને એમ સહેલાઈથી દાદ નહીં આપે. હવે એમાં બુદ્‌ધિજીવીઓ અમારો વાંક કાઢે છે. કહે છે કે, ‘જનતા નમાલી છે. જનતા મેદાનમાં હાજરી ઓછી આપે છે એટલે પક્કાટીમ ઢીલી પડી છે.’

જનતા ૨ : લો કરો વાત! બેત્રણ દિવસથી અમારાથી રંગલીલા મેદાનમાં ઓછું જવાય છે એટલે અમે નમાલાં થઈ ગયાં!

જનતા ૩ : આ બુદ્‌ધિજીવીઓને બેઠાં બેઠાં બોલવું છે. જનતા એમની મરજી મુજબ ચાલે તો જનતા શાણી! ન ચાલે તો ગાંડી! એમની ગમતી ફિલ્મ ચાલી જાય તો જનતા કદરદાન અને એમને ન ગમતી ફિલ્મ બસો કરોડની કમાણી કરી જાય તો જનતા અકકલ વગરની!

જનતા ૪ : એમના ગમતા નેતાને આપણે ચૂંટણીમાં જીતાડીએ તો આપણે જાગૃત અને હરાવીએ તો આપણે ડફોળ!

જનતા ૫ : ચાલો રંગલીલા મેદાનભેગાં થઈએ. અરેરે! આવી શી ખબર! નહીં તો ત્યાજ પડયાંપાથર્યાં રહેત! પણ આપણેય બીજાં કામ હોયને?

જનતા ૧ : આપણને સંતસ્વામી દોરે. નેતા દોરે, બજારના જાણકાર દોરે, આરોગ્યના સલાહકાર દોરે. ક્રાંતિના કરનારા દોરે. આપણે તો અનેકના દોરવાયા દોરાવાનું.

જનતા ૨ : આપણને અનેક ચેનલોવાળું ટીવી બેસાડે તો ગમે ત્યારે રણકતો મોબાઈલ દોડાવે.

જનતા ૩ : આપણે આટલું આટલું કરીએ તોય બુદ્‌ધિજીવીઓ આપણું કડકમાં કડક વિરેચન કરી નાખે.

જનતા ૪ : ચહસીને વિરેચન ન કહેવાય. એને વિવેચન કહેવાય.

જનતા ૩ : તો વિરેચન કોને કહેવાય?

જનતા ૪ : પેટમાંથી કચરાનો નિકાલ થયા એને.

જનતા ૫ : પેટમાંથી કચરાનો નિકાલ થાય એને વિરેચન કહેવાય અને દિમાગમાં કચરો ભેગો થાય એને વિવેચન કહેવાય. ચાલો આપણે રંગલીલા મેદાન પર પહોંચીએ. જોઈએ તો ખરાં કે, પક્કાટીમનું વિરેચન થાય છે કે વિવેચન થાય છે.

જનતા ૧ : કે પછી એનું કોઈની સાથે નવું કનેકશન થાય છે!

હસાહસી સાથે જનતા અદૃશ્ય થાય. મનસુખ પ્રવેશ કરે.

મનસુખ : સ્વગત ભીડ એ મેદાનનો આત્મા છે. કોઈપણ હેતુ માટે મેદાનનો સહારો લેનારને ભીડ ઓછી થાય તે પાલવે નહીં. પછી એ વેપારી હોય, કથાકાર હોય, કલાકાર હોય, નેતા હોય કે પછી અંદોલન કરનારા હોય. તમામનું જોર ટીઆરપીને આધીન હોય છે. અને ભીડ ક્યારે કઈ તરફ દોટ મૂકે એનું કાંઈ નક્કી નહીં. ભીડ ક્યારેક હરખપદુડી થાય તો ક્યારેક રીસાઈ જાય! વખત આવ્યે ભીડમાં ભળી જનારે ભીડને વગોવતી વખતે વિચાર કરવો જોઈએ કે,

કેમ બંધાતો નથી સંબંધ એવો,

કે પટોળા પર પડેલી ભાત જેવો.

અંશ એનો છું છતાં એને વગોવું,

હું કરૂં છું ભીડને અન્યાય કેવો!

દૃશ્ય ત્રીજું પૂરૂં.

દૃશ્ય ચોથું

રંગલીલા મેદાન. ચર્ચાભવનમાં ટીમના સભ્યો વચ્ચે ચર્ચા. અનશનથી નબળા પડેલા પક્કાજી સુતા હોય. બાકીના સભ્યો ઊંભા હોય

પક્કાજી : ધીમા અવાજે ધૂન ગાય રઘુપતિ રાઘવ રાજારામ, સરકાર કો સનમતિ દે ભગવાન.

અવિનાશ : પક્કાજી, ભગવાન આ સરકારને સનમતિ આપે એવું લાગતું નથી. હવે તો જનતા આપણને બહુમતી આપે એ જ એક માર્ગ બાકી છે.

જ્વાલા : હસીને અવિનાશ, તમે તો જાણે આપણે ચૂંટણીમાં ઊંભા રહેવાનાં હોઈએ એવી વાત કરો છો.

અવિનાશ : જ્વાલા, હું પૂરી ગંભીરતાથી કહું છું કે, હવે આપણે રાજનીતિમાં પ્રવેશ કરવો જ જોઈએ.

પક્કાજી : ધીમા આવાજે રાજનીતિ? દેશમાં સાચી રાજનીતિ ક્યાં છે? જનતા પાસે સત્તા ક્યા છે? રાજનીતિમાં પક્ષાપક્ષી છે. ગંદકી છે. આપણે તો એ ગંદકીથી દૂર રહેવાનું છે.

જ્વાલા : પક્કાજીની વાતમાં દમ છે. રાજનીતિ આપણો વિષય નથી. આપણે આંદોલન કરી શકીએ. રાજનીતિ આપણને ન આવડે.

અવિનાશ : ન આવડે તો શીખીશું. પણ આપણાંથી હવે પક્કાજીની જિંદગીને વધારે જોખમમાં ન મૂકાય.

જ્વાલા : પક્કાજીની તો મને પણ ચિંતા થાય છે. પણ, પક્કાજીને આપણે વિનંતી કરીએ કે, તેઓ હાલ અનશનને વિરામ આપે.

પક્કાજી : જ્વાલા, તમે મારી ચિંતા ન કરો. હું હજી હાર્યો નથી. તમે લોકો હારી ગયાં હો એમ લાગે છે. શિષ્ય અવિનાશ, તું પણ...

અવિનાશ : હાથ જોડીને ગુરૂજી, હું પણ હારી ગયો છું. મને માફ કરો. તમારે જે સજા કરવી હોય તે કરજો. પણ હવે અનશન ખતમ કરી દો.

ચંચળ : હાથ જોડીને પક્કાજી, અનશન ખતમ કરી દો. દેશના નેતાઓ ભ્રષ્ટાચાર હટાવવા રાજી નથી. એ લોકો નમતું નહીં મૂકે.

પક્કાજી : મિત્ર ચંચળ, જનતાને મારા અનશનનું મહત્ત્વ સમજાવનાર તું જ આવી વાત કરે છે? ગાંધીજીનાં અનશન સામે અંગ્રેજોએ નમતું મૂક્યું હતું. એ ભૂલી ગયો?

ચંચળ : પક્કાજી, મને યાદ છે. પરંતુ, એ અંગ્રેજો હતા અને આ સવાયા અંગ્રેજો છે. તમારા અનશનની મજાક ઉડાવે છે. તમારા પર શંકા કરે છે.

પક્કાજી : કરવા દેવાની. એક કાનેથી સાંભળીને બીજા કાનેથી કાઢી નાખવાની.

અવિનાશ : ગુસ્સામાં અમારી મજાક ઉડાવે છે. અમને મદારી કહે છે. ભવાયા કહે છે. અમારાથી હવે વધારે સહન થાય એમ નથી. રીઢા નેતાઓ અમને અનશનનું મેદાન છોડીને રાજનીતિના મેદાનમાં આવવા માટે પડકારે છે. અમારૂં લોહી ગરમ થઈ રહ્યું છે.

જ્વાલા : અવિનાશ, તમે એ લોકોને ઓળખતા નથી. એ લોકો આપણને ઉશ્કેરે છે જેથી આપણે આંદોલનનો માર્ગ છોડીને રાજનીતિને રવાડે ચડીએ.

અવિનાશ : હું એ લોકોને સારી રીતે ઓળખું છું. એ લોકોની તાકાત સત્તાની ખુરશી છે. એ ખુરશી ઝૂંટવી લેવા સિવાય આપણી પાસે બીજો કોઈ માર્ગ નથી.

રક્ષા : ને ખુરશી ઝૂંટવાશે તો એ જ લોકો આપણા નચાવ્યા નાચશે. જેમ મદારીના નચાવ્યા બંદરો નાચે એમ.

જ્વાલા : અને એવું પણ બને કે, એ લોકોના નચાવ્યાં આપણે નાચીએ. આપણો હેતુ શો છે? યાદ કરો. ભૂલી નહીં જાવ. આપણો હેતુ સંપૂર્ણ કાનૂન લાવવાનો છે.

રક્ષા : અમે એ હેતુ ભૂલ્યાં નથી. પરંતુ એ હેતુ સફળ થાય એ માટે આપણી પાસે સત્તા હોવી જરૂરી છે.

પક્કાજી : આપણી લડાઈ વ્યવસ્થાપરિવર્તન માટે છે. સત્તાપરિવર્તન માટે નહીં.

અવિનાશ : જે લોકો સતા પર છે એ લોકો વ્યવસ્થાપરિવર્તન માટે રાજી નથી. એમને સતા પરથી દૂર કરવા જ રહ્યા. આપણે વ્યવસ્થાનો હિસ્સો બનીને વ્યવસ્થાને સુધારીશું.

જ્વાલા : વ્યવસ્થા તો સુધરતાં સુધારશે. તમે લોકો બગડી જશો. સત્તાધીશોને સત્તા પરથી દૂર કરવા હોય તો જનતાને આપણે જાગૃત કરીશું. પરંતુ, આપણે સત્તાને માર્ગે જવાની જરૂર નથી. અવિનાશજી, હું તમારી સાથે સહમત નથી.

ચંચળ : હું અવિનાશ સાથે સહમત છું.

રક્ષા : હું પણ અવિનાશ સાથે સહમત છું.

પક્કાજી : તમે લોકોએ નક્કી કરી જ લીધું છે તો હું રોકનારો કોણ? તમે તમારે માર્ગે. હું મારા માર્ગે.

અવિનાશ : અમે તમારો સાથ માંગીએ છીએ. ગુરૂજી, અમને તમારા આશીર્વાદની જરૂર છે.

પક્કા : હું આશીર્વાદ આપી શકું. સાથ ન આપી શકું. હજી કહું છું કે સત્તાનો માર્ગ સારો નથી. રાજનીતિ સારી નથી. એમાં નરી ગંદકી છે.

ચંચળ : ગંદકી સાફ કરવી હોય તો ગંદકીમાં ઉતરવું પડે. .

જવાલા : રાજનીતિમાં ઉતરશો તો તમારે રોજ રોજ નવા દાવપેચ ખેલવા પડશે. અને, તમે એવું કરશો તો એમનામાં અને તમારામાં ફરક નહીં રહે.

અવિનાશ : અમે દાવપેચ ખેલ્યા વગરની રાજનીતિ કરીશું. અમારી રાજનીતિ સીધી અને સરળ હશે. ડગલે ને પગલે જનતા અમારી સાથે હશે. પછી દાવપેચ ખેલવાની જરૂર જ નહીં રહે.

પક્કાજી : સો વાતની એક વાત. આપણે અલગ અલગ માર્ગે જવાનું છે. તમે ખુશીથી રાજનીતિના માર્ગે જી શકો છો. હું કાલે સવારથી મારા અનશનને વિરામ આપીશ. દેશમાં સંપૂર્ણ કાનૂન લાગુ ન પડે ત્યાં સુધી મારી રીતે લડાઈ લડતો રહીશ. તમે આ કાર્યક્રમની અત્યારે જ જાહેરાત કરી દો. હાથ જોડીને આ ચર્ચાનો અંત લાવીએ.

દૃશ્ય ચોથું પૂરૂં

દૃશ્ય પાંચમું

રંગલીલા મંચ. પક્કાજી નાની બાળાને હાથે લીંબુનું પાણી પીને અનશન સમાપ્ત કરે અને હાથ જોડે. સામે જનતા બેઠી હોય.

અવિનાશ : અત્રે ઉપસ્થિત જાહેર જનતાને મારા પ્રણામ. સંપૂર્ણ કાનૂન માટેની બાર બાર દિવસની લડતને આજે અમારે વિરામ આપવો પડે છે. પક્કાજીએ બાર બાર દિવસથી અન્નનો એક દાણો મોમાં મૂક્યો નથી. અમે ચિંતિત છીએ. નગરની જાગૃત જનતા, તું ચિંતિત છે. પરંતુ, જેને જાગૃત કરવા માટે આ અંદોલન ચલાવ્યું એ નેતાઓ શું કરે છે?

જનતા ૧ : અમને બધી ખબર છે. એ લોકો પાર્ટીઓમાં બે મોઢે ખાય છે. પોતે આઠસો રૂપિયાની થાળી જમે છે. મોટો ઓડકાર ખાઈને કહે છે કેઃ ‘આ નગરમાં ખાવાનું મોંઘુ નથી. પાંચ રૂપિયામાં પેટ ભરીને ખાવાનું મળે છે.’

જનતા ૨ : મળે છે બાવાજીનું ઠુલ્લું! એ લોકો પક્કાજીનાં અનશનની મજાક ઉડાવે છે. અમારાથી આ સહન નથી થતું. વખત આવ્યે અમે એ લોકોને જોઈ લઈશું. મત માંગવા આવશે ત્યારે કહીશું કે, લો બાવાજીનું ઠુલ્લું!

અવિનાશ : બાર બાર દિવસો થઈ ગયા છતાં અમને સંપૂર્ણ કાનૂન માટે સરકાર તરફથી યોગ્ય જવાબ મળ્યો નહીં. આ પરિસ્થિતિમાં અમારે પક્કાજીને અનશનનો અંત લાવવાની વિનંતી કરવી પડી. અમારી વિનંતીને માન આપીને પક્કાજીએ આજથી અનશનને અંત નહીં પણ વિરામ આપ્યો છે. આ સિવાય પણ અમે એક અગત્યનો નિર્ણય કર્યો છે. જેની જાહેરાત અમારા મિત્ર ચંચળ કરશે.

ચંચળ : પ્યારી જનતા, તારા હક માટેની લડાઈનો આ અંત નથી. લડતનો એક તબક્કો પૂરો થયો છે. બીજા તબકાની શરૂઆત હવે થશે. એ લડતમાં પણ અમને તારો સાથ મળશે એવો અમને વિશ્વાસ છે. તું જાણે છે કે, આ દેશના નેતાઓ તરફથી અમને વારંવાર રાજનીતિમાં આવવા માટે પડકાર ફેંકવામાં આવે છે. પૂરતો વિચાર કર્યા પછી અમે એમનો પડકાર ઝીલી લેવાનો નિર્ણય કર્યો છે. અમે ટૂંક સમયમાં એક નવા પક્ષની રચના કરીશું. જનતા, અમે તને સાથે રાખીને જ પ્યારીનગરીની આવનારી ચૂંટણી લડીશું અને જીતી બતાવીશું. દેશના નેતાઓ અમને રાજનીતિના પાઠ શીખવાની સલાહ આપતા રહ્યા છે પરંતુ હવે અમે એમને રાજનીતિના પાઠ ભણાવીશું. એવા પાઠ ભણાવીશું કે એમને જિંદગીભર યાદ રહી જાય. બોલો ભાર...ત માતા કી જય.

ચંચળ બેસી જાય.

જનતા : સૂત્રો પોકારે ઈન્કિલાબ ઝિંદાબાદ!ઈન્કિલાબ. ઝિંદાબાદ પક્કાજી તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ હૈ. પક્કાજી તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ હૈ

જવાલા : જનતા જનાર્દનને જ્વાલાના પ્રણામ. આ પ્રસંગે મારે વિશેષ કહેવાનું નથી. માત્ર એટલું જ કહેવાનું છે કે, પક્કાજી અને હું રાજનીતિમાં જવાની ઈચ્છા ધરાવતાં નથી. હા, અમે તારા હક માટેની લડાઈ અમારી રીતે લડતાં રહીશું. અમે માનીએ છીએ કે રાજનીતિ કરવી એ અમારા વશની વાત નથી. અમારાં જે મિત્રો રાજનીતિના માર્ગે જવા માંગે છે એમને અમારા તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ. પક્કાજી વધારે બોલી શકે એમ નથી છતાં એમના મનની વાત કહેવા માંગે છે. ફરીથી જનતા જનાર્દનને પ્રણામ કરીને વિરમું છું.

પક્કાજી : મારા અનશનને વિરામ આપવા બદલ જનતા મને ક્ષમા કરે. પરંતુ મારી લડાઈ પૂરી નથી થઈ. જ્યાં સુધી દેશમાં સંપૂર્ણ કાનૂન લાગુ નહીં પડે ત્યાં સુધી હું મારી લડત લડતો રહીશ. હું ફરીથી આવીશ. અવિનાશ અને જે મિત્રોએ રાજનીતિમાં જવાનું નક્કી કર્યું છે એમને મારા આશીર્વાદ છે. પરંતુ એમને એટલું જરૂર કહીશ કે, સંભાળજો, તમે જે રસ્તે જી રહ્યા છો એ રસ્તે નર્યો કાદવ જ છે. ડાઘ લાગશે લાગશે અને લાગશે જ. બસ, જનતાનો આભાર માનું છું. ભાર...ત માતા કી જય.

પક્કાજી અને જ્વાલા એક તરફ જાય અને અવિનાશ, રક્ષા અને ચંચળ બીજી તરફ જાય. જતાં જતાં ધૂન બોલતાં જાય.

પક્કાજી : જ્વાલાની સાથે રઘુપતિ રાઘવ રાજા રામ, અવિનાશ કો સનમતિ દે ભગવાન. રઘુપતિ રાઘવ રાજા રામ, અવિનાશ કો સનમતિ દે ભગવાન.

અવિનાશ : ચંચળ અને રક્ષા સાથે રઘુપતિ રાઘવ રાજા રામ, જનતા કો સનમતિ દે ભગવાન. રઘુપતિ રાઘવ રાજા રામ, હમ કો બહુમતિ દે ભગવાન...

જનતા : ધૂન ગાય રઘુપતિ રાઘવ રાજા રામ, સબ કો સનમતિ દે ભગવાન. રઘુપતિ રાઘવ રાજા રામ, સબ કો સનમતિ દે ભગવાન.

જનતા ૩ : આ તો ભગવાન પાસે માંગવા ખાતર માંગવાની વાત છે. બાકી, ભગવાન એમ બધાંને સનમતિ દેતો હોય તો તો આટલી બધી ઉથલપાથલ થાય જ કેમ?

જનતા ૪ : આટલો ભ્રષ્ટાચાર! આટલી મોંઘવારી! આટલા ખૂનખરાબા! અને આ પક્કાજીના આટલા અનશન! બિચારાએ આ ઉમરે આટલા અનશન કર્યા તોય આપણા હાથમાં શું આવ્યું? એક નવો રાજકીય પક્ષ! આટલા પક્ષો ઓછા હતા તે એક નવો!

જનતા ૫ : આપણે તો મોંઘવારી ઘટે એનાથી મતલબ છે. ખૂનખરાબા અટકે એનાથી મતલબ છે. અવિનાશને એની રીતે કરવા દો. પક્કાજી ભલે આરામ કરતા.

જનતા સૂત્રો પોકારે

જનતા : અવિનાશજી, તુમ આગે બઢો. હમ તુમ્હારે સાથ હૈ. અવિનાશજી, તુમ આગે બઢો. હમ તુમ્હારે સાથ હૈ. પક્કાજી તુમ આરામ કરો, હમ તુમ્હારે સાથ હૈ.

જનતા ૧ : અવિનાશજી, તુમ આગે બઢો, હમ ઘર જાતે હૈ. હમ ઘર જાતે હૈ, બહોત સારે કામ બાકી હૈ.

જનતા જાય

ખાલી મંચની સામે મેદાનમાં મનસુખ અને ચંચળ પ્રવેશ કરે

મનસુખ : મિત્ર ચંચળ, આવી ગયાને ઠેકાણે? વ્યવસ્થાપરિવર્તનને માટે સત્તાપરિવર્તનનું બહાનું? તમે રાજનીતિને હાડય હાડય કરનારાઓ હવે રાજનીતિના અખાડામાં આવશો?

ચંચળ : મિત્ર મનસુખ, મરજી ન હોવા છતાં પાંડવોને કૌરવોની સામે લડાઈ લડવી પડી હતી, એ ઘટના યાદ છેને? કૃષ્ણ ભગવાને પણ અર્જુનને લડાઈનું મહત્ત્વ સમજાવ્યું હતું. મને લાગે છે કે, તારે ગીતાનો અભ્યાસ કરવો જોઈએ.

મનસુખ : કૃષ્ણ! અર્જુન! ગીતા! અને ગીતાનું મનને ભાવે એવું અર્થઘટન! રાજનીતિમાં આ કોઈ નવો ખેલ નથી. બીજા લોકો આ ખેલ ખેલે જ છે. તમે લોકો પણ આ જ ખેલ ખેલશો? સમજ પરિવર્તન માટે સત્તાપ્રાપ્તિ સિવાય બીજો કોઈ માર્ગ નથી?

ચંચળ : બીજા જે માર્ગ છે એ આસાન નથી. લાંબા છે. એ માર્ગે મુકામે પહોંચતા વાર લાગે. સત્તા હોય તો વ્યવસ્થા પરિવર્તન ઝડપી બને. વહીવટ બીજા ચલાવે અને આપણે ચલાવીએ એમાં ફેર તો પડેને?

મનસુખ : વહીવટ ચલાવવાના નિયમો પાળશો ખરાને? કે પછી શુદ્ધ સાધ્યને બહાને નિયમોમાં છૂટછાટ લેવાનું પસંદ કરશો? સત્તા મળશે તો એને ટકાવવાનો પડકાર ઊંભો થશે. વધારે સત્તાની લાલચ થશે. સાધ્ય એક તરફ રહી જશે અને સાધનોમાં અટવાઈ જશો. ખટપટ, દાવપેચ, આક્ષેપબાજી આ બધું કરવું પડશે.

ચંચળ : અમે જેની પાછળ પાછળ ચાલીએ છીએ એ અવિનાશ નોખી માટીનો માનવી છે. એ ખટપટ, દાવપેચ, આક્ષેપબાજીની રાજનીતિમાં માનતો નથી.

મનસુખ : તમારા અવિનાશની આંખોમાં મને તો સત્તા માટેનું સપનું દેખાય છે. એ ભલે શરીરથી તગડો નથી. પણ મનથી તગડો છે. જોયું નહીં? આટલો આટલો વગોવાયો તો પણ મેદાન છોડીને ભાગ્યો નહીં. અને ભાગ્યો તો કઈ તરફ ભાગ્યો? સીધો પ્યારીનગરીના સિંહાસન તરફ. એનો માર્ગ પહેલેથી જ નક્કી હશે. ‘મુકામ પ્યારીનગરીનું સિંહાસન, વાયા પક્કાજી થઈને.’ અર્ધો રસ્તો કપાઈ ગયો છે. અર્ધો બાકી છે. મને તો લાગે છે કે, ગળે મફલર વીંટાળીને ઘૂમતો આ લઘરવઘર માણસ કશી નવાજૂની કરશે જ. મોટેથી

એક સામે હવે અનેકની હાર છે,

આયનો તોડવા હાથ તૈયાર છે.

આજ અફવા કહો ને હસી લો ભલે,

આવતી કાલના આ સમાચાર છે.

અંક પહેલો પૂરો

અંક બીજો

દૃશ્ય છઠ્‌ઠું

શહેરનો ચોક. અવિનાશ અને એના સાથીદારો જનતા સમક્ષ ‘માનવ પાર્ટી’નો પ્રચાર કરતાં હોય. માટે ટોપી હોય. ગળે મફલર હોય. ટોપી પર લખ્યું હોયઃ ‘મૈ ર્હૂં માનવ’ સૂત્રો બોલતા હોય... ‘માનવ પાર્ટી ઝિંદાબાદ. ઝિંદાબાદ ઝિંદાબાદ માનવ પાર્ટી ઝિંદાબાદ. વોટ ફોર મફલર. વોટ ફોર મફલર. વોટ ફોર મફલર’.

અવિનાશ : ઝિંદાબાદ ઝિંદાબાદ.

ચંચળ : ‘માનવ પાર્ટી’ ઝિંદાબાદ.

અવિનાશ : ઝિંદાબાદ ઝિંદાબાદ.

રક્ષા : ‘માનવ પાર્ટી’ ઝિંદાબાદ.

ચંચળ : જનતાને પ્યારીનગરીની પ્યારી જનતા, તને માનવ પાર્ટી વતી હાસ્યલેખક ચંચળના નમસ્કાર.

જનતા ૧ : નમસ્કાર. તમે તો પેલા પક્કા ટીમ વાળા કે નહીં? અમે તમને બધાંને રંગલીલા મેદાનમાં જોયાં હતાં.

ચંચળ : અરે વાહ! તો તો તમે લોકો અમને સારી રીતે ઓળખતાં હશો? કેવું લાગ્યું હતું અમારૂં કામ?

જનતા ૨ : જોરદાર! તમે લોકો ત્યાં હતાં ત્યારે તમારાં માથાં પર ટોપી તો આવી જ હતી. પણ લખાણ જરા જુદું હતું. એ વખતે તમારી ટોપી પર લખ્યું હતું કે : ‘મૈ ર્હૂં પક્કા’ અને હવે તમારી ટોપી પર વંચાય છે : ‘મૈ ર્હૂં માનવ’! તમે લોકોએ ખરી પલટી મારી હો.

ચંચળ : મારવી પડી. પણ તમને મારો સવાલ છે કે, તમે લોકો આ નગરીના નેતાઓથી કંટાળી નથી ગયાં?

જનતા ૩ : કંટાળી ગયાં છીએ. બહુ જ કંટાળી ગયાં છીએ. હેરાન પરેશાન થઈ ગયાં છીએ. એટલે તો રંગલીલા મેદાનમાં આવતાં હતાં.

ચંચળ : હવે મારી વાત ધ્યાનથી સાંભળો. ક્રિકેટની રમતમાં ખેલાડીઓ બદલાય છે. ન રમતા હોય એને રવાના કરાય છે. ફિલ્મના કલાકારો બદાલાય છે. ન ચાલતા હોય એ ઘેર બેસી જાય છે. અરે! સૈનિકો ગમે એટલા તગડા હોય તો પણ એમણે ઉમર થયે નિવૃત્તિ લેવી પડે છે. પરંતુ, આ દેશના નેતાઓ! ગમે એટલા જૂના થાય તો પણ ફાટેલી નોટની જેમ ચલણમાંથી જવાનું નામ નથી લેતા. મારી વાત ખોટી છે?

જનતા ૩ : વાત તો સાચી છે.

ચંચળ : તો પછી એ નેતાઓને ઘેર બેસાડોને. ચૂંટણી આવી છે. મારો પલટી.

જનતા ૩ : પલટી તો મારીએ પણ પછી કોની સામેનું બટન દબાવીએ? વિકલ્પ હોવો જોઈએને?

ચંચળ : વિકલ્પ છે. અમારી ‘માનવ પાર્ટી’ સારામાં સારો વિકલ્પ છે. પાર્ટીનું નિશાન છે ‘મફલર’. ‘મફલર’ની સામેનું બટન દબાવજો. અમારાં ઉમેદવારોને ધ્યાનથી જોઈ લો. બધાં તાજા ગલગોટા જેવાં છે. ને પાછાં સીધાંસાદાં. તમારાં સુખે સુખી અને દુઃખે દુઃખી થાય એવાં.

જનતા ૪ : આ કામ સારૂં કર્યું. જેવાં અમે એવાં તમે. અમને એમ લાગે છે કે, તમને એક મોકો તો આપવો જ જોઈએ. અત્યારે જે નેતાઓ છેને એ બધાએ અમને મતના બદલામાં મોંઘવારી આપી છે.

ચંચળ : આ દેશના નેતાઓને અભિમાન છે કે, સરકાર ચલાવતા એમને જ આવડે. એરે! સરકાર ચલાવવી એ કાંઈ વિમાન ચલાવવા જેવું અઘરૂં કામ નથી. અમે એવી રીતે સરકાર ચલાવીશું કે તમને લોકોને જરા સરખોય હડદો નહીં લાગે. તમને એવું લાગશે જ નહીં કે સરકાર ચાલે છે.

જનતા ૫ : પણ સરકાર ચાલશે તો ખરીને?

ચંચળ : ચાલશે. ટનાટન ચાલશે. એવી ચાલશે કે જાણે નદીમાં નાવ ચાલતી હોય. સરરર! સરરર! સરરર!

જનતા ૫ : પણ નદીમાં પાણી જ ન હોય તો?

ચંચળ : નદીમાં પાણી લાવવું એ કાંઈ મોટી વાત નથી. એકવાર અમારી સરકાર આવવા દો. નદીમાં પાણી તો શું દૂધ લાવી દઈશું.

જનતા ૧ : નળમાં પાણી લાવી દેશો? વચન આપો છો?

અવિનાશ : વચન હું આપું છું. તમારા નાળામાં પાણી આવશે અને એ પણ મફતમાં આવશે. બોલો ‘માનવ પાર્ટી’...

જનતા : સમુહમાં ઝિંદાબાદ! ઝિંદાબાદ!

જનતા ૨ : મત માંગવા તો કેટલાંય આવે છે પણ આટલા દિલથી કોઈ આવતું નથી. અમારાં દુઃખદર્દનો તો પાર નથી. બધાં તો દૂર નહીં કરી શકો. પણ તમારી દાનત પર ભરોસો રાખવાનું મન થાય છે.

અવિનાશ : તમારાં દુઃખદર્દ એ માત્ર તમારાં નથી. અમારાં પણ છે. આપણે મળીને એને દૂર કરીશું.. ઈમાનદારીથી વહીવટ કરવો એ અઘરી વાત નથી. અમે કરી બતાવીશું. અમને તમારો સાથ જોઈએ. તમારાં મત જોઈએ.

જનતા ૩ : મત તો મળશે. ઢગલે ઢગલા મળશે. અમારૂં વચન છે.

ચંચળ : ચાલો એ વાત પર આપણે જનતારાસ રમીએ.

બધાં ગાતાં જાય અને રાસ રમતાં જાય.

જાગે છે રે જાગે છે નગરીની જનતા જાગે છે.

હે માંગે છે રે માંગે છે હક પોતાનો માંગે છે.

પાણીની પાછળ ખર્ચો રે કેટલો

હે...ખર્ચામાં રાહત માંગે છે...નગરીની જનતા જાગે છે.

વીજળીના બિલમાં વધારો કેટલો

હે... બીલમાં ઘટાડો માંગે છે ... નગરીની જનતા જાગે છે.

દાનવના વહીવટથી થાકી છે જનતા

હે...માનવનો વહીવટ માંગે છે ...નગરીની જનતા જાગે છે.

હે... જાગે છે રે જાગે છે નગરીની જનતા જાગે છે.

રાસ રમતાં રમતાં માનવ પાર્ટીના સભ્યો અને જનતા વિદાય લે અને મનસુખ અને ચંચળ પ્રવેશ કરે.

મનસુખ : હાથમાં માનવપાર્ટીની ટોપી હોય મારા ગાંધીની ટોપી ખોવાણી, મને મળી. મારા ગાંધીની ટોપી ખોવાણી, મને મળી.

ચંચળ : મિત્ર મનસુખ, તે તો મને બાળપણ યાદ કરાવી દીધું. મારા મામાની ટોપી ખોવાણી, મને મળી. મારા મામાની ટોપી ખોવાણી, મને મળી.

મનસુખ : એ તો નાનાં ભૂલકાંની રમત. જ્યારે આ તો રાજનીતિના ખેલાડીઓની રમત. મારા ગાંધીની ટોપી ખોવાણી, મને મળી. મારા ગાંધીની ટોપી ખોવાણી, મને મળી. રાજનીતિના મેદાનમાં આ રમત વર્ષોથી રમાય છે. ટોપીની એ રમત હવે તમે પણ રમો છો.

ચંચળ : તું કહેવા શું માંગે છે? તારૂં ચિંતન સીધેસીધું રજૂ કરને.

મનસુખ : સાંભળ. અંગ્રેજો સામેની લડાઈમાં ગાંધીટોપી સાદાઈનું પ્રતિક હતી. એ જ ગાંધીટોપી આઝાદી પછી કેટલાક નેતાઓ માટે સત્તા મેળવવા માટેનું સાધન બની ગયું હતું. જેને ગાંધીટોપી મળી એને જલસા થઈ ગયા હતા. એ લોકોએ ગાંધીટોપી ધારણ કરીને ભ્રષ્ટાચારને પાળ્યોપોષ્યો અને ઉછેર્યો. પછી તો એક સમય એવો પણ આવ્યો કે, ગાંધીટોપી દંભનું પ્રતિક ગણાવા લાગી. એ ટોપી પહેરાનાર નેતાઓ જનતાની નજરમાંથી ઉતરી ગયા. સમય જતાં નેતાઓએ ગાંધીટોપીને બાજુ પર મૂકી દીધી. એ જ ગાંધીટોપી પક્કાજીને મળી અને એમણે ધારણ કરી લીધી. ગાંધીટોપીને ફરી માનસન્માન અપાવ્યાં. એ ટોપી પછી અવિનાશ અને એનાં સાથીદારોને મળી. એમણે ટોપી પર ચિતરાવ્યું કે, ‘મૈ હૂં પક્કા’. વળી જરૂરિયાત બદલાઈ એટલે એમણે ટોપી પરનું લખાણ બદલાવીને ચિતરાવ્યું કે, ‘મૈ હૂં માનવ’. ગાંધી ટોપી ફરીથી સત્તા તરફ જવાનું સાધન બની ગઈ.

ચંચળ : તારે જે માનવું હોય તે માન. પરંતુ, એ પણ હકીકત છે કે, જે ટોપી પહેરેલો ગામડાનો કોઈ માણસ પ્યારીનગરીમાં મજાકને પાત્ર બનતો હતો એ જ ટોપી પહેરીને આજે માનવ પાર્ટીના જુવાનિયા રાજનીતિને નવો રંગ આપી રહ્યા છે.

મનસુખ : તમારા માટે ટોપી એ માત્ર ટોપી નથી રહી. જાહેરાત કરવા માટેનું પાટિયું બની ગઈ છે. જેના પર જરૂર પડે એમ લખાણ બદલાવી શકાય.

ચંચળ : અમારી ટોપી અમારા માટે એ માથાનો મુગટ છે. એવી જ રીતે આ સાદુંસીધું મફલર અમારા માટે ગળાનો નવલખો હાર છે. પ્યારીનગરીની બજારમાં આમ તો મંદીની અસર હતી. પણ બે ચીજોમાં તેજી આવી ગઈ છે. એક ચીજ ‘માનવટોપી’ અને બીજી ચીજ ‘માનવ મફલર’. રહી વાત લખાણ બદલવાની, તો હું કહીશ કેઃ

ગઝલની રીતે બોલે

“મૂર્ત્િાઓને કદી ખોડવી પણ પડે,

મૂર્ત્િાઓને કદી તોડવી પણ પડે.

વાટમાં આવતી ધર્મશાળા સમી,

લાગણીને કદી છોડવી પણ પડે.

માણસો માંગતા રોજ વાતો નવી,

રોજ નોખી કથા જોડવી પણ પડે.

સખ્ત હાથે કદી કામ લેવું પડે,

આંજણીને કદી ફોડવી પણ પડે.”

મિત્ર મનસુખ, પ્યારીનગરીની સરકાર, જનતાની આંખમાં આંજણીની માફક ખટકી રહી છે. હવે એને ફોડયા વગર ચાલે એમ નથી. હવે તો એક જ વાત. વોટ ફોર મફલર. વોટ ફોર મફલર. વોટ ફોર મફલર.

દૃશ્ય છઠ્‌ઠું પૂરૂં

દૃશ્ય સાતમું

જનતા માતાનો દરબાર. બોર્ડ માર્યું હોય કેઃ ‘આ જનતા માતાનો દરબાર છે’ જનતાને માતાજી તરીકે એક સિંહાસન પર સમુહમાં બેસાડી હોય. માનવ પાર્ટીના વારાફરતી સભ્યો જનતા જાણે

માતાજી હોય એમહાથ જોડીને વિનંતિ કરે. જનતા માતાજી તરીકે જવાબ આપે.

ચંચળ : તાળીઓ પાડીને પ્રાર્થના ગાય

મોટા ચોકની મોજાર બેઠી જનતા જોને.

એનો મહિમા અપાર બેઠી જનતા જોને..

દાનમાં દેશે સરકાર બેઠી જનતા જોને.

હવે નહિ લાગે વાર બેઠી જનતા જોને.

ભરીને મોટો દરબાર બેઠી જનતા જોને.

એનો અમને આધાર બેઠી જનતા જોને.

હાથ જોડીને હે માડી જનતા. તારી કૃપાની જરૂર છે. આમ તો ચૂંટણીમાં તેં અમારી પર કૃપા કરી જ છે. પણ કૃપા ઓછી પડી છે. એટલે અમે મૂંઝાયાં છીએ.

માનવ પાર્ટીના સભ્યો હાથ જોડીને પ્રાર્થના ગાય.

સભ્યો :

ઓ જનતા ભજીએ તને મોટુ છે તુજ નામ

તારા આંગણે આવિયાં થાય અમારાં કામ.

મત આપી હસાવ તું, પાડતી નહીં ના

સરકાર અમે બનાવીએ જો તું પાડી દે હા.

ચંચળ : હે માડી, પ્યારીનગરીની ચૂંટણીમાં અમને સરકાર બનાવવા જેટલી બહુમતી નથી મળી. પરંતુ, આદર્શ પાર્ટીએ અમને વગર માંગ્યે બિનશરતી ટેકો બારોબાર જાહેર કર્યો છે. તો અમે શું કરીએ? ચૂંટણી ફરીથી થવા દઈએ કે પછી સરકાર બનાવીએ?

જનતા ૧ : હસીને સરકાર બનાવી જ દેવાયને ગાંડા. મળ્યો છે મોકો તો મારો ચોકો.

ચંચળ : નાચે માડીએ હા પાડી. જનતા માએ સરકાર બનાવવા માટે હા પડી.

માનવપાર્ટીના સભ્યો ખુશ થઈને નાચવા લાગે

રક્ષા : હે મા, ચૂંટણીમાં અમે જે પાર્ટીની વિરોધમાં પ્રચાર કર્યો હતો એ પાર્ટીના ટેકાથી અમે સરકાર બનાવીશું તો તુંમે નારાજ તો નહીં થાયને?

જનતા ૨ : તમે ટેકો માંગ્યો નથી. હાથોહાથ ટેકો લીધો નથી. વિરોધી પાર્ટીએ એની ગરજે તમને બારોબાર ટેકો જાહેર કરી દીધો છે તો એમાં હું શા માટે નારાજ થાઉં? તમે જલ્દી જલ્દી સરકાર બનાવો અને વીજળીનાં બિલ ઓછાં કરો. મફત પાણી આપો. મારો તો સીધો હિસાબ છે. જે વહેલો તે પહેલો.

ચંચળ : હે માડી, તેં મારા જ મનની વાત કરી છે. હું તો માનું જ છું કે, અમારે સરકાર બનાવવી જ જોઈએ. પણ આ અવિનાશને થોડી મૂંઝવણ છે.

જનતા ૩ : તમે લોકો જે કરો છો એ મારી સેવા માટે જ કરો છો. પછી મૂંઝવણ શાની?

અવિનાશ : જનતા મા, મેં ચૂંટણી પહેલાં તને વચન આપ્યું હતું કે, સરકાર બનાવીશું તો અમારી તાકાત પર બનાવીશું. કોઈનો ટેકો લઈશું નહીં, કોઈને ટેકો આપીશું નહીં. હવે, સરકાર બને એ માટે આદર્શ પાર્ટી અમને ભલે બારોબાર ટેકો જાહેર કરતી હોય, પણ ગમે તેમ તોય ટેકો તો ખરોને? મેં તને આપેલું વચન તૂટી ન જાય?

જનતા ૪ : બસ? એટલી અમસ્તી વાત! અરે! અત્યાર સુધી નેતાઓએ મને કેટલાય વચનો આપ્યાં છે અને તોડયાં છે. મને વચનોની કોઈ નવાઈ નથી. તેં જે વચન આપ્યું એ તૂટી જય તો ભલે તૂટી જાય.

અવિનાશ : પણ જનતા મા, જેની નીતિ સામે અમે લડયા હોઈએ, જેની સામે અમે ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા હોય એની જ મદદથી સરકાર બનાવીએ એ નૈતિકતાનો ભંગ ન કહેવાય?

જનતા ૫ : ભંગ તો કહેવાય. પણ હવે શું થાય? તારી ભૂલ તો થઈ છે. રાજનીતિમાં જો આટલી બધી નૈતિકતાનો આગ્રહ રાખવો હતો તો બોલતાં પહેલાં વિચાર કરવો જોઈતો હતો. હવે જો એ નૈતિકતાની વાત કરશો તો સરકાર બનાવી રહ્યા!

અવિનાશ : તારૂં કહેવું શું છે? અમે સરકાર ન બનાવીએ?

જનતા ૧ : મેં ક્યાં ના પડી છે! નૈતિકતાનું નાડું તેં પકડયું છે. એ છોડવું કે નહીં એ તારે નક્કી કરવનું છે. મારે તો સસ્તી વીજળી જોઈએ. મફત પાણી જોઈએ. જલ્દી જલ્દી સરકાર બનાવો અને કરો કંકુના.

અવિનાશ : એ તો અમે સટ્ટાક દઈને કરી દઈશું.

જનતા ૨ : બસ ત્યારે. તમે લોકોએ મને જેટલું માન આપ્યું છે એટલું માન આજસુધીમાં કોઈ નેતાઓએ આપ્યું નથી. હું તમારી ભક્તિથી પ્રસન્ન છું.

ચંચળ : ખુશ થઈને નાચે જનતા માડી પ્રસન્ન થઈ ગઈ. જનતા માડી પ્રસન્ન થઈ ગઈ. બોલો જનતા માતાની જય. જનતા માતાની જય. ચાલો હવે જનતા માતાની આરતી ઉતારીએ.

જનતા માતાની આરતી ઉતારે અને ગાય

ઓમ જય જનતા માડી ઓમ જય જનતા માડી

મુસીબત અમારી ટાળી, મુસીબત અમારી ટાળી...

ઓમ જય જનતા માડી

માનવપાર્ટી અને જનતા મંચ પરથી દેખાતાં બંધ થાય. મનસુખ અને ચંચળનો પ્રવેશ

મનસુખ : હસીને ચંચળ, સરકાર બનાવવાની તમારી તાલાવેલી જોઈને મને એક વાર્તા યાદ આવે છે. એક ગામમાં એક પરિવારની વહુ રિસાઈને ઘેરથી નીકળી ગઈ. જતાં જતાં પ્રતિજ્જ્ઞા લેતી ગઈ કે, હવે તો મને આખું ઘર મનાવવા આવશે તો જ પાછી આવીશ. એ તો પાદર જીને બેઠી. આખો દિવસ ભૂખી ને તરસી બેસી રહી પણ કોઈ મનાવવા ન આવ્યું. સાંજે એ પરિવારની ભેંસ વગડેથી ચરીને ઘર તરફ પાછી આવતી હતી. વહુને થયું કે હવે જો આ તક ચૂકી ગઈ તો ભવિષ્યમાં ફરી તક નહીં મળે. એટલે એ ભેંસનું પૂંછડું પકડીને ઘરભેગી થઈ. ઘેર આવીને કહે કેઃ મારે તો આવવું જ નહોતું. પણ આ ભેંસ મને લેતી આવી.

ચંચળ : મનસુખ, જનતાએ અમને સરકાર બનાવવાની રજા આપી છે. આ એક નવા પ્રકારની રાજનીતિ છે.

મનસુખ : વાહ! આ ભેંસનું પૂછડું પકડી લેવાની નવા પ્રકારની રાજનીતિ! ગમે તેમ તોય રાજનીતિ! રાજનીતિમાં તો જે જીત્યો એ સિકંદર. એમાં પારદર્શિતા, નૈતિકતા, સિદ્ધાંત, મુદ્દા, અંતરાત્માનો અવાજ, આ બધા મેકઅપ કરવાના પદાર્થો છે. તમારી મનવ પાર્ટી તો જન્મથી જ સુખ લઈને આવી છે. પહેલી જ ચૂંટણીમાં બીજા નંબરે પાસ. પણ વિરોધી પાર્ટીના ટેકાથી પહેલે નંબરે પાસ! પ્રિન્સીપાલ જેવી જનતા મહેરબાન તો મફલરધારી અવિનાશ પહેલવાન! હવે એ પ્યારીનગરીના મુખ્યમંત્રી ન બને તો જ નવાઈ.

દૃશ્ય સાતમું પૂરૂં

દૃશ્ય આઠમું

રંગલીલા મેદાન. મંચ પરથી અવિનાશનું પ્રવચન. સામે જનતા બેઠી હોય. જનતા અવિનાશની દરેક વાતનો પ્રતિભાવ આપતી હોય. સૂત્રોનો અવાજઃ...

જનતા : સમુહમાં ભાર...ત માતા કી જય. ભાર...ત માતા કી જય. અવિનાશજી, તુમ આગે બઢો, હમ તુમ્હારે સાથ હૈ. મુખ્યમંત્રી તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ હૈ. ઈન્કિલાબ ઝીંદાબાદ! ઈન્કિલાબ ઝિંદાબાદ!

અવિનાશ : પ્યારીનગરીની જનતાને મારા પ્રણામ. પ્યારીનગરીના મુખ્યમંત્રી તરીકેના શપથ લીધા પછી હું તારી સમક્ષ હાજર થયો છું. તારો અને મારો સંબંધ કેટલો અતૂટ છે! ઈશ્વરની લીલા કેવી ન્યારી છે! આ જ રંગલીલા મેદાન હતું. આ જ મેદાનમાં તારા હક માટે અમે આંદોલન ચલાવ્યું હતું.

જનતા ૧ : હોવે. અમને યાદ છે. તમે પક્કાજીની અડોઅડ બેસતા હતા અને પક્કાજીના કાનમાં ગુચપુચ ગુચપુચ કરતા હતા.

અવિનાશ : આ જ મેદાનમાં અમે રાજનીતિમાં કૂદી પડવાનું નક્કી કર્યું હતું. અમે તો અનુભવ વગરનાં હતાં. પણ તેં અમારા પર પ્રેમ દાખવ્યો, વિશ્વાસ દાખવ્યો. ચૂંટણીમાં જીત અપાવી.

જનતા ૨ : અવિનાશજી, અમે તમને જે અપાવવાનું હતું એ અપાવી દીધું. તમારે અમને જે આપવાનું છે એ યાદ રાખજો.

અવિનાશ : યાદ છે. મફત પાણી અને સસ્તી વીજળી તને બેત્રણ દિવસમાં જ મળી જશે.

જનતા ૨ : ઈન્કિલાબ ઝિંદાબાદ! ઈન્કિલાબ ઝિંદાબાદ! મફત પાણી ઝિંદાબાદ! મોંઘી વીજળી મુર્દાબાદ!

અવિનાશ : ચૂંટણીમાં અમારી ‘માનવ પાર્ટી’ને બહુમતિ મળી નહોતી. એટલે અમે સરકાર બનાવી શકીએ એમ નહોતા. ‘આદર્શ પાર્ટી’એ અમને વગર માંગ્યે બારોબાર ટેકો આપીને સરકાર બનાવવા માટે ફરજ પાડી ત્યારે અમે ‘જનતા દરબારમાં’ તને પૂછવા આવ્યાં હતાં કે, ‘અમે સરકાર બનાવીએ કે નહીં?’ ત્યારે તેં હા પાડી અને અમને હિંમત આપી. એનું જ આ પરિણામ છે કે, આજે હું પ્યારીનગરીના મુખ્યમંત્રી તરીકેના શપથ લઈને તારી સમક્ષ તારો આભાર માનવા ઊંભો છું.

જનતા ૩ : સરકાર બનાવવા માટે પૂછવા આવ્યાં હતાં એ સારી વાત છે. પણ અમે સમજીએ છીએ કે, વારેવારે તમે અમને પૂછવા આવવાના નથી. છાનુંછપનું પતાવવા જેવું કામ અમને પૂછ્‌યા વગર પતાવી જ દેવાના છો. વાંધો નહીં. અવિનાશજી, તુમ આગે બઢો, હમ તુમ્હારે સાથ હૈ.

અવિનાશ : જનતા, હું પૂરી નમ્રતા સાથે કહીશ કે, આ માત્ર અમારી જીત નથી. આ માત્ર અવિનાશની જીત નથી. આ તારી જીત છે. આ આપણી જીત છે.

જનતા ૩ : જીત થઈ છે પણ અધૂરી થઈ છે. પૂરી જીત હજી બાકી છે. હજી તો સત્તાપરિવર્તન થયું છે. વ્યવસ્થાપરિવર્તન હજી બાકી છે. તમે રાજનીતિમાં આવ્યા પછી તમે પોતે પણ અવ્યવસ્થાનો જ એક ભાગ થઈ ચૂક્યા છો. એટલે આમ તો જીતમાં પણ તમારી હાર છે.

અવિનાશ : આજે અમે પ્યારીનગરી તરફની વફાદારીના શપથ લીધા છે. પરંતુ હે જનતા, તારે પણ શપથ લેવા પડશે. ચાલ, હું કહું એવા શપથ લે.

જનતા ૪ : આ વળી નવું. બોલો.

અવિનાશ : હું શપથ લઉં છું કે જિંદગીમાં કદી લાંચ લઈશ નહીં અને આપીશ નહીં.

જનતા : સમુહમાં હું શપથ લઉં છું કે જિંદગીમાં કદી લાંચ લઈશ નહીં અને આપીશ નહીં.

જનતા ૫ : પણ લાંચ લીધા વગર કોઈ કામ ન કરે તો?

અવિનાશ : તો લાંચ માટે માટે હા પડી દેવાની. સેટિંગ કરીને પછી અમને ફોન કરજે. અમે એમને રંગે હાથ પકડીશું.

જનતા ૫ : એનો મતલબ એ થયો કે લાંચ માંગવામાં આવે એવી શક્યતા ખરી. મુખ્યમંત્રીજી, એવું ન બને કે લાંચ માંગવાની કોઈ હિંમત જ ન કરે અને કામ કરી દે? ન અમને તકલીફ ન તમને તકલીફ. સેટિંગ કરવું હોય તો એવું કરજો.

અવિનાશ : તારો સુઝાવ ઘણો સારો છે. ધ્યાનમાં લેવામાં આવશે. બીજી ખાસ એ વાત કહેવાની કે અમે સાદાઈથી રહીશું. આજે અમે લોકો ટ્રેન, બસ કે રિક્ષામાં બેસીને અહી આવ્યાં છીએ.

જનતા ૧ : સારી વાત છે. નટખટ ટીવીએ તમારી સાદાઈનો પ્રચાર બહુ જ કર્યો છે. હવે સાદાઈની વાત એટલી જ કરજો કે જેટલી પાળી શકાય. નહીં તો નટખટ ટીવી જ તમારી મોંઘી ગાડીઓનું, મોટા બંગલાનું કે મોંઘા કપડાંનું લાઈવ ટેલિકાસ્ટ કરશે. ટ્રેન, બસ કે રિક્ષામાં એકાદ દિવસ માટે આવવું એ અલગ વાત છે અને રોજ આવવું એ અલગ વાત છે. તમારે જે રીતે આવવું હોય એ રીતે આવજો. ટ્રાફિક જામ ન થાય એ ધ્યાનમાં રાખજો.

અવિનાશ : હું મારા મિત્રોને વિનંતી કરૂં છું કે કોઈ ભૂલેચૂકેય ધમંડ ન કરે.

જનતા ૨ : એ વાત પાયાની કરી. તમારી પાર્ટીના એક બે જણાં ગરમી કરે છે. એમાંય તમારા લેખક શ્રી ચંચળ નાણાવટીને તો વગર પીધે જ ચડી જતી હોય એવું લાગે છે. એને જરા ટોકજો. તમે લોકો પણ જો ટીવી પર તમારા વિરોધીઓ સામે વડકાં અને ડાચિયાં જ કરવાના હો તો તમારામાં અને બીજા નેતાઓમાં ફેર ખરો?

અવિનાશ : જનતા, તું ચિંતા ન કરીશ. અમે ગરીબ અને મધ્યમ વર્ગનાં માણસો છીએ અને રહીશું. ગરીબ અને મધ્યમ વર્ગને ક્યારેય નહીં ભૂલીએ.

જનતા ૩ : કોઈ નેતા ગરીબ અને મધ્યમ વર્ગને ભૂલતો નથી. એના સહારે જ રાજનીતિ થાય છે. એની વાતો કરતાં કરતાં જ અમીર બનાય છે. તમે શું કરશો એ જોવાનું બાકી છે.

અવિનાશ : હે જનતા, હું ભગવાનમાં નહોતો માનતો પણ માનતો થઈ ગયો છું. જે મેદાનમાં અમે સરકાર સામે લડાઈ લડતાં હતાં ને એ જ મેદાનમાં અમે સરકાર બનાવીને તારી સામે ઊંભાં છીએ. આ ચમત્કાર નહીં તો બીજું શું છે?

જનતા ૪ : ભગવાન ભરોસે રાજ ચાલતું હતું એટલે અમે તમારા પર ભરોસો રાખ્યો છે. હવે તમે બધું ભગવાન ભરોસે ન છોડતા. માનવ છો તો માનવ તરીકે કરવા જેવું કરજો. ચમત્કારની આશા ન રાખતા.

અવિનાશ : હે જનતા, તને ભલે માનવામાં ન આવે પણ મને કે આ દેશની હવામાં દૈવી તરંગો વહેતા થયા હોય એવું લાગે છે.

જનતા ૫ : મોબાઈલના ટાવરો બહુ વધી ગયા છે. તરંગો એના છે. બાકી, દૈવી તરંગોની વાતો કરનારા તરંગ બાબાઓની સમાજમાં કમી નથી.

અવિનાશ : જનતા, હવે હું મારી ચિંતાની વાત કરૂં છું. તારી અપેક્ષાઓ ઘણી છે. ક્યારેક તો ડર લાગે છે.

જનતા ૧ : અમારી અપેક્ષાઓને તમે જગાડી છે. હવે ડરવાની વાત ન કરો તો સારૂં. અમને જે વચનો આપ્યાં હતાં એ પૂરાં કરો. અમારી તકલીફો વહેલી તકે દૂર કરો.

અવિનાશ : બધી તકલીફો દૂર કરવામાં તો વાર લાગશે. અમારી પાસે જાદુઈ છડી તો છે નહીં.

જનતા ૨ : આ જાદુઈ છડી વાળો ડાયલોગ જૂનો થઈ ગયો છે. તમારી પહેલાંનાં નેતા પણ આ જ ડાયલોગ મારતા હતા. અમે ખોટી ઉતાવળ તો નહીં કરીએ. વાત એમ બની છે કે, નટખટ ટીવીવાળા તમને બધું ફટાફટ કામ કરનારા ‘નાયક’ તરીકે બતાવે છે.

અવિનાશ : નટખટ ટીવી ક્યારેક વધારે પડતું બતાવે છે. એને લીધે અમને પણ મુશ્કેલી પડે છે.

જનતા ૩ : નટખટ ટીવી ગમે તેવું તોય કામનું છે. તમારી વાહ વાહ કરવામાં એણે બાકી નથી રાખ્યું. વખત આવ્યે વગોવવામાં પણ બાકી નહીં રાખે. એ વાહ વાહ કરશે ત્યારે વહાલું લાગશે અને વગોવશે ત્યારે ભાડૂતી લાગશે.

અવિનાશ : જનતા, અમે તો કશું નથી. સામાન્ય મફલરધારી માણસો છીએ. તારા સાથ વગર અમે કશું નહીં કરી શકીએ.

જનતા ૪ : અમારો સાથ તો રહેશે જ. પણ વાતવાતમાં બધું અમારા પર ન નાખતા. તમારી સામાન્ય બુદ્‌ધિનો ઉપયોગ કરજો અને ન કરવા જેવા કામમાં અમારો સાથ ન માંગતા.

અવિનાશ : જરૂર. જરૂર. હવે અમે રજા લઈએ?

જનતા ૫ : રજા લેતા પહેલાં મોંઘવારીની વાત તો કરો. ભૂલી કેમ જાવ છો?

અવિનાશ : મોંઘવારી માટે તો બધું જોવું પડશે. અમારાથી થાય એટલું તો અમે કરી દીધું છે.

જનતા ૫ : એમ નહીં. આ શાકભાજીનું શું? પ્યાજનું શું? પ્યાજ તો મુખ્ય છે.

અવિનાશ : હસીને પ્યાજ વગર જીવી ન શકાય?

જનતા ૫ : કેવી રીતે જીવી શકાય એ પ્યારીનગરીનાં આગલાં મુખ્યમંત્રીઓને પૂછી જોજો. તમે પણ પ્યાજનું ધ્યાન રાખજો. આ તો તમે સામાન્ય જનતાના મંત્રી છો એટલે કહું છું કે, ભલે ગમે તેટલા ઓવરબ્રીજ બાંધ્યા હશે, ભલે ગમે તેટલા રોડરસ્તા બનાવ્યા હશે કે ભલે ગમે તેટલા બાગબગીચા બનાવ્યા હશે પણ પ્યાજ મોંઘી થશે તો બધું જશે અક્કલ ખાતે ઉધાર!

અવિનાશ : મને એ સમજ નથી પડતી કે પ્યાજને તું આટલું બધું મહત્ત્વ શા માટેઆપે છે!

જનતા ૧ : કારણ કે પ્યાજ આપણું રાષ્ટ્રીય કંદમૂળ છે.

અવિનાશ : હું એ બાબત વિચારીશ.

જનતા ૨ : વિચારજો અને બને તો દરેક પ્યારીનગરીનાં દરેક પરિવારને રોજ પાંચસો ગ્રામ પ્યાજ મફત મળે એવી યોજના લાવજો.

અવિનાશ : હું એ બાબત પણ વિચારીશ.

જનતા ૩ : આમાં વિચાર કરવા જેવું છે જ નહીં. લોકસભાની ચૂંટણી પણ તમે લડવાના છોને? દેશના દરેક પરિવાર માટે પાંચસો ગ્રામ પ્યાજવાળી યોજના તમારા ઘોષણાપત્રમાં રાખજો. મોટો ફાયદો થશે. અમને યાદ કરશો.

અવિનાશ : કપાળે હાથ દઈને હું એ બાબત પણ વિચારીશ. હવે અમે રજા લઈએ અને કામે ચડીએ.

જનતા ૪ : હા એ વાત સાચી. અત્યાર સુધીની વાત અલગ હતી. પણ હવે તો. સરકાર બનાવીને બેઠા છો. કામ તો કરવું પડશે.

અવિનાશ : સાચી વાત છે. હવે અમે જીએ.

જનતા ૫ : આવજો. અમારા તરફથી ‘વિશ યુ બેસ્ટ લક.’

અવિનાશ : આભાર. ફરી મળીશું.

જનતા : ફરી મળીશું જનતાના દરબારમાં. જો જનતા દરબાર બંધ નહીં થઈ જાય તો.

દૃશ્ય આઠમું પૂરૂં

દૃશ્ય નવમું

એકાંતમાં મનસુખ અને ચંચળ બંને મિત્રો મળતા હોય એવું દૃશ્ય. મનસુખ એના સ્વભાવ વિરૂદ્ધ બિન્દાસ્ત વર્તન કરે. તો સામા પક્ષે ચંચળ એના સ્વભાવ વિરૂદ્ધ ગંભીર વર્તન કરે

મનસુખ : હસીને કેમ છો શ્રીમાન ચંચળજી? માનવ પાર્ટીના પ્રવક્તા! લોકસભાની તાજનગર બેઠકના ઉમેદવાર! પાર્ટીબાર્‌ટી તો આપો. કે પછી લુખ્ખા ભાણે આશીર્વાદ?

ચંચળ : હું આજે આ શું જોઈ રહ્યો છું? મિત્ર મનસુખ, તારા ચહેરા પર હાસ્ય?

મનસુખ : સાથે શું લઈ જવાનું છે દોસ્ત? ચાર દિનકી ચાંદની ફિર અંધેરી રાત! ખાઈપીને જલસા કરો યાર! ગીત ગાય જિંદગી એક સફર હૈ સુહાના, યહાં કલ ક્યા હો કિસને જાના. હુડલઈ હુડલઈ હુડલઈ ....

ચંચળ : મિત્ર મનસુખ, તેં નશો તો નથી કર્યોને?

મનસુખ : મને નશો જ ચડયો છે. મસ્તીથી જીવવાનો. આજસુધી ગંભીરતાને પાળી. હવે ગંભીરતાને તાણી જાય ગામના કૂતરા. મેં તો હવે માત્ર હાસ્યલેખો લખવાનું જ નક્કી કર્યું છે. આજકાલ તો દેશમાં એવી એવી ઘટનાઓ બને છે કે રમત રમતમાં બેચાર હાસ્યલેખો લખાઈ જાય.

ચંચળ : હું શું સાંભળી રહ્યો છું? મનસુખ, તારા મોઢે આવી વાતો? તારી ગંભીરતા ક્યા ગઈ?

મનસુખ : ગંભીરતાનો વાળ્યો ગોટો અને મૂકી દીધી એકબાજુ. જિંદગીભર ગંભીરતાનો ભાર વેઠ્‌યા પછી મારામાં અક્કલ આવી કે આ દેશમાં જો કોઈ માણસ પૂરી ગંભીરતા સાથે જીવવા જાય તો એ માણસ પાગલ જ થઈ જાય. આ દેશની આબોહવા જ એવી છે કે ભલભલા વિદ્વાનોની હોશિયારી કામ ન લાગે. તેં જોયું નહીં? આ દેશમાં અર્થશાસ્ત્રનો વિદ્વાન મંત્રી એટલું પણ નક્કી નથી કરી શકતો કે, પ્રજાને કુટુંબ દીઠ વર્ષમાં સસ્તા દરે ગેસના કેટલા બાટલા આપવા જોઈએ? છ, નવ કે બાર? પણ જો બેતાલીસ વર્ષનો કોઈ બાબો નક્કી કરે કે બાર બાટલા જોઈએ તો એ બાબાભાઈની વાહવાહ વાહવાહ વાહવાહ!

ચંચળ : જનતાની આવી પરિસ્થિતિ જોઈને તને, મને, બધાંને દુઃખ થવું જોઈએ. તારે તો એ વિષે ચિંતન કરવું જોઈએ. આ પરિસ્થિતિ પર પ્રકાશ પાડવા માટે ગંભીર લેખો લખવા જોઈએ. એના બદલે હાહાહીહી કરવાની?

મનસુખ : કેમ ન કરૂં? હાહાહીહી કરવાનો હક માત્ર તને જ છે? મારે સોગ્િાયું મોઢું રાખીને જ જીવવાનું? એ દિવસો ગયા. હવે તો દેશનું જે થવું હોય એ થાય. સમાજનું જે થવું હોય એ થાય. કેટલું માથે લઈને ફરવાનું? હેં? અરે! જનતાનું પણ જે થવું હોય એ થાય. એ સાલી ઊંંધું ઘાલીને દે ઠોકમઠોક કરતી હોય ત્યાં મારે એની ફિકર કરવાની? બહુ કરી. હવે બસ! થોડું અટકીને અરે યાર! હું જ બકબક કરૂં છું . ને તું તો કાંઈ બોલતો જ નથી! ભાઈ ચંચળ, હું આ શું જોઈ રહ્યો છું? આ તારૂં ઉતરેલું કઢી જેવું મોઢું?

ચંચળ : મારૂં મોઢું હવે કાયમ એવું જ રહેશે. કાયમ માટે?

મનસુખ : કેમ? શું થયું? તને માનવપાર્ટીમાંથી કાઢી મૂક્યો?

ચંચળ : ના એવું કશું નથી બન્યું. મેં પોતે જ નક્કી કર્યું છે કે હવેથી હાહાહીહી બંધ. હાસ્યલેખો લખવાનું બંધ. લખવા તો ગંભીરતાથી ભર્યા ભર્યા લેખો લખવા. જનતા બિચારી દુઃખદર્દથી પીડાતી હોય ત્યારે મારા જેવો સંવેદનશીલ માણસ કઈ રીતે હાહાહીહી કરી શકે?

ચંચળ : સંવેદનશીલ? અને એ પણ તું? મને લાગે છે કે નશો તો તેં કર્યો છે.

ચંચળ : મેં નશો નથી કર્યો. મને મારા જીવનનું ધ્યેય સમજાઈ ગયું છે.

મનસુખ : અત્યારે તો તારા જીવનનું ધ્યેય એ જ છે કે લોકસભાની ચૂંટણીમાં તાજનગરની બેઠક પરથી ચૂંટણી લડવી અને જીત મેળવવી. બરાબરને?

ચંચળ : જનતાની ભલાઈ માટે એ જરૂરી છે.

ચંચળ : જનતા જનતા જનતા! શ્વાસે શ્વાસે જનતા! મિત્ર ચંચળ, માનવ પાર્ટી સાથે જોડાયા પછી તને પણ મન ફાવે ત્યારે જનતાને વચ્ચે લાવવાની ચાલાકી આવડી ગઈ છે. રાંધવા જેવું બંધ બારણે રાંધી નાખો છો ત્યારે જનતા યાદ નથી આવતી?

ચંચળ : મિત્ર મનસુખ, જનતાની ભલાઈ માટે અમારે જે પણ કરવું પડશે એ અમે કરીશું.

મનસુખ : ચંચળ, તું જનતામાંતારી છાપ સુધારવા માટે ભલે પ્રયત્ન કરી રહ્યો હો. તને શાયરીનો ઘણો શોખ છે એટલે એક શાયરી રજૂ કરૂં છું. ઈર્શાદ ઈર્શાદ તો કર. કે પછી એને માટે જનતાને પૂછવા જવું પડશે?

ચંચળ : ઈર્શાદ.

મનસુખ : ફીકું ફીકું પણ તારૂં ઈર્શાદ ચાલશે. સાંભળ...

સચ્ચાઈ છુપ નહીં સકતી બનાવટ કે અસૂલોં સે,

ખુશ્બૂ આ નહીં સકતી કભી કાગજ કે ફૂલોં સે.

ચંચળ : મિત્ર, ગરીબ જનતાના નસીબમાં તો કાગળના ફૂલો પણ નથી. એ તો બિચારી ગંદાં નાળાંનાં કિનારે જેમતેમ જીવી રહી છે. મને તો એમની જિંદગીમાં ખુશ્બૂ આવે એની ચિંતા છે.

મનસુખ : વાહ! રાજનીતિની ભાષા બોલતાં બરાબર આવડી ગયું છે.

ચંચળ : મને તો જનતાનાં દુઃખદર્દ સમજતાં આવડી ગયું છે.

મનસુખ : ખરેખર? કે પછી માનવ પાર્ટીએ આવું બોલવાની ટ્રેનીંગ આપી છે?

ચંચળ : મારા પરિવર્તનને તું મજાકમાં લઈ રહ્યો છે પણ હકીકત એ છે કે હું બદલાઈ ગયો છું. મને મારા જીવનનું ધ્યેય સમજાઈ ગયું છે.

મનસુખ : કોણે સમજાવ્યું? કોઈ ગુરૂ મળી ગયા ?

ચંચળ : સામાજિક કાર્યકરોએ સમજાવ્યું. તને ખબર હશે કે, મારા કેટલાક જૂના હાસ્યલેખોનાં કારણે હમણાં મોટો વિવાદ થયો હતો. સામાજિક કાર્યકરોને મારૂં અમુક લખાણ વાંધાજનક લાગ્યું હતું. એમને એમાં સમાજના અમુક વર્ગનું તેમ જ મહિલાઓનું અપમાન થતું હોવાનું લાગ્યું હતું.

મનસુખ : એ તો તું હવે રાજનીતિની ભેખડે ભરાણો છો એટલે. ચાર વર્ષો પહેલાં તારાં જે લખાણો પસ્તીમાં ગયાં હતાં એ જ લખાણો હવે ટીવીના પરદા પર ચમકવા લાગ્યાં છે. હવે તું તારા ભૂતકાળથી પણ છૂટકારો નહીં મેળવી શકે. તારી માનસિકતા કેવી હતી અને હવે કેવી છે એની સતત તપાસ થતી રહેશે. આજ સુધી તેં કેટલાય હાસ્યલેખો લખ્યા પરંતુ એનું વિવેચન કોઈએ ન કર્યું પણ હવે તારા એકેએક શબ્દનું વિવેચન થશે.

ચંચળ : ભલે થાય. મને વાંધો નથી. હું એ જોખમ સામે મારી જાતને તૈયાર કરવા માંગું છું. માટે જ મેં ગંભીરતા તરફ જવાનું પસંદ કર્યું છે. મેં મારાં જૂનાં લખાણો વાંચ્યાં ત્યારે મને ખ્યાલ આવ્યો કે, એ ખૂબ જ છીછરાં હતાં. એ વાંચીને જનતાને ભલે થોડુંઘણું હસવા મળ્યું હોય પરંતુ એનાથી જનતાનું ખાસ ભલું થયું નથી. એટલે મેં જનતાની જાહેરમાં માફી માંગી લીધી છે. જનતાની સાક્ષીએ, હવે એવા લેખો નહીં લખવાના શપથ લીધા છે.

મનસુખ : ચંચળ લાભ વગર ચંચળતા છોડે નહીં. માફી માંગવી જરૂરી હતી એટેલે માંગી છે. માનવ પાર્ટીની રાજનીતિ એમ કહે છે કે જરૂર પડયે જનતાને ન હોય ત્યાંથી વચમાં લાવી દેવી.

ચંચળ : તું મારો જૂનો મિત્ર છે. તને મારા પર કટાક્ષબાણ છોડવાનો અધિકાર છે. પરંતુ માનવ પાર્ટીનાં પ્રવક્તા તરીકે હું પૂરી ગંભીરતા સાથે કહીશ કે, અમારે જનતાની ભલાઈ માટે જ રાજનીતિમાં આવવું પડયું છે. પણ, મને તારૂં પરિવર્તન સમજાતું નથી. તારૂં ચિંતન ક્યા ગયું?

મનસુખ : હસીને ચિંતન કરી કરીને થાક્યું મગજ, હવે તો ગાંડાં કાઢી કાઢીને જ જિંદગી પૂરી કરવી છે. આ સમાજમાં જીવવું હોય તો થોડાઘણા ગાંડાં કાઢતાં આવડે તો બહુ થઈ ગયું.

ચંચળ : મનસુખ, મને તારી અંદરની પીડાનો અહેસાસ થાય છે. કોઈ માણસથી પીડા સહન ન થાય ત્યારે આપોઆપ જ એનાથી હસી પડાય છે. પછી એને હકીકતને હસી કાઢવાની ફાવટ આવી જાય છે. તારા પરિવર્તન પાછળનું રહસ્ય પણ આ જ છે.

મનસુખ : લે કર વાત! આ વળી નવું જ્જ્ઞાન? કોણે આપ્યું?

ચંચળ : જિંદગીએ આપ્યું. ગંભીર થઈને તું મારો ખાસ મિત્ર હોવા છતાં તને જે વાત નથી કહી એ આજે કહું છું. હું સાવ નાનો હતો ત્યારે મારા પપ્પા ગુજરી ગયા હતા. એ એક કારખાનામાં કારીગર હતા. એક અકસ્માતમાં એમનો ભોગ લેવાઈ ગયો. વળતરમાં જે થોડીઘણી રકમ મળી એનાથી ઘર ચાલે એમ નહોતું. એટલે મારી મમ્મીએ લોકોનાં ઘરકામ કર્યાં. વહેલી સવરે ઊંઠીને ઘેર ઘેર દૂધની થેલીઓ પહોંચાડી. ભણવાનો ખર્ચ કાઢવા માટે હું વહેલી સવારે લોકોને ત્યાં અખબાર પહોંચાડવા લાગ્યો. ડગલે ને પગલે અમારે અન્યાય અને અપમાન સહેવા પડતાં હતાં. બિચારી મમ્મી મારાથી એનાં આંસુ છુપાવતી હતી અને હું મમ્મીથી મારાં આંસુ છુપાવતો હતો

ચંચળ ભાવુક થઈ જાય. મનસુખ એને આશ્વાસન આપતો હોય એ રીતે એના ખભે હાથ મૂકે. ચંચળ વાત આગળ વધારે.

ચંચળ : સમય મળ્યે હું અખબાર પર ઊંડતી નજર ફેરવી લેતો હતો. એક દિવસ મારી નજર એક લેખ પર પડી. હું આખો લેખ વાંચી ગયો. મને બહુ સારૂં લાગ્યું. એ લેખ જાણીતા હાસ્યલેખક શ્રી નરેશજીનો હતો. પછી તો એમના લેખ વાંચવાની મને આદત પડી ગઈ. ધીમે ધીમે મને સમજાવા લાગ્યું કે, એમના હાસ્યની પાછળ એક સહન ન થઈ શકે એવી પીડા છે. લેખક એ પીડાને વ્યક્ત કરવા માટે હાસ્યનો સહારો લે છે. આંસુને પી જવાની લેખકની એ કળા મને પણ આવડતી ગઈ. હું પણ લેખક હાસ્યલેખક બની ગયો. જે અખબારનો હું ફેરિયો હતો એ જ અખબારમાં હું લેખક બની ગયો. .

મનસુખ : જો તું હાસ્યલેખનને કળા જ માનતો હો તો હવે એનાથી દૂર જવાનું કોઈ કારણ? રાજનીતિના રવાડે શા માટે?

ચંચળ : વ્યવસ્થા બદલવા માટે. મને છેલ્લા કેટલક સમયથી સતત એવું લાગતું હતું કે, માત્ર હાસ્યલેખો લખીને બેસી રહેવું એ તો તીરે ઊંભાં ઊંભાં તમાશો જોવા જેવી વાત છે. એટલે જ્યારે પક્કાજીના આંદોલનમાં જોડાઈને સક્રિય બનવાની તક મળી ત્યારે મેં એ તક ઝડપી લીધી.

મનસુખ : હસીને અને પછી રાજનીતિમાં જોડાવાની તક ઝડપી લીધી. પરંતુ, આ બધા ખોટા ધમપછાડા છે. વ્યવસ્થા એમ બદલાવાની નથી.

ચંચળ : બદલાશે દોસ્ત બદલાશે. વિશ્વાસ રાખ.

મનસુખ : વિશ્વાસ કોણ કોના પર રાખે? અહીં તો ડગલે ને પગલે શપથ લેવાય છે અને શપથ તોડાય છે.

ચંચળ : છતાંય જનતા વિશ્વાસ રાખે છે.

મનસુખ : સાચી વાત છે. જનતાને પણ વારંવાર બદલાતી આબોહવા માફક આવી ગઈ છે.

ચંચળ : મનસુખ, હું જાઉં છું. પાર્ટીની મીટિંગ છે.

મનસુખ : ખુલ્લામાં છે કે પછી બંધબારણે છે?

ચંચળ : જનતાના ભલા માટે અવિનાશાજીને જ્યાં જરૂરી લાગી હશે ત્યાં? અરે હા, આવતા સોમવારે પક્કાજીના ઓટલે જ જવું છે. પક્કાજીના આશીર્વાદ લેવા છે. તું સાથે આવીશને?

મનસુખ : તું જ્યાં કહે ત્યાં આવવા તૈયાર છું.

ચંચળ : માનવ પાર્ટીમાં આવી જાને.

મનસુખ : એ નહીં બને. તું ભલે રાજનીતિના ચકડોળે બેઠો મારે નથી બેસવું. મને ચક્કર આવે.

ચંચળ : આવજે મનસુખ, હું જાઉં છું. સોમવારે મળીએ.

મનસુખ : ભલે. આવજે અને સંભાળજે.

ચંચલ અદૃશ્ય થાય.

મનસુખ : ચસ્વગત મગજનું દહીં થઈ જાય એવી વાત છે. માનવ પાર્ટીની ખરેખર જનતાનું પાલન કરવા માંગે છે કે પછી સત્તાનું? ચંચળ ખરેખર બદલાયો છે કે બદલાયો હોવાનો ઢોંગ કરે છે કે પછી માનવ પાર્ટી ચૂંટણીમાં જીતાડવા માટે ચંચળનું રિનોવેસન કરી રહી છે. ચંચળની ક્યાં વાત કરવી? હું પોતે પણ બદલાયો છું કે પછી હકીકતથી ભાગી રહ્યો છું? બીજું કશું કરી શકતો નથી એટેલે ક્યારેક સમાજને બદલવાના તો ક્યારેક સમાજને હસાવવાના ધમપછાડા કરી રહ્યો છું? સવાલો ઘણા છે. તપાસ ચાલુ છે. જાત તપાસ પણ ચાલુ છે અને ચાલુ રહેશે. અત્યારે તો એક કામ છે, ‘જનતરંગ’ માટે એક સરસ મજાનો હાસ્યલેખ તૈયાર કરવાનું. અને બીજું કામ છે પક્કાજીના ઓટલે જવાની તૈયારી કરવાનું.

મનસુખ અદૃશ્ય થાય. એ સાથે જ દૃશ્ય નવમું પૂરૂં.

દૃશ્ય નવમું પૂરૂં

દૃશ્ય દસમું

સ્થળ

પક્કાજીનો ઓટલો. પક્કાજી બેઠા હોય. સામે નીચે જવાલા બેથી હોય. મનસુખ અને ચંચળ પ્રવેશ કરે.

ચંચળ : પ્રણામ પક્કાજી.

મનસુખ : પ્રણામ પક્કાજી.

પક્કાજી : કોણ? અરે! ચંચલ તું? અને આ તારો ચિંતક મિત્ર. ગંભીર લેખ લખનારો, શું નામ?

ચંચળ : મનસુખ. પરંતુ હવે મારો આ મિત્ર ગંભીર લેખ નથી લખતો. હાસ્યલેખ લખે છે.

પક્કાજી : હાસ્યલેખ તો આ ચંચળ લખતો હતોને?

મનસુખ : હા. પણ હવે એ હાસ્યલેખના બદલે ગંભીર લેખ લખે છે.

પક્કાજી : અચ્છા! આ તો જબરી ઉથલપાથલ!

મનસુખ : પક્કાજી, દુનિયા ઉથલપાથલનો સરવાળો છે. નહીં તો ક્યાં એ રંગલીલા મેદાનની ભીડ અને ક્યાં આ તમારો એકાંતવાસ!

જ્વાલા : બિલકુલ સાચી વાત. જુઓને, જે સત્તા પર હતા એ સડક પર આવી ગયા છે અને જે સડક પર હતા એ સત્તા પર આવી ગયા છે. અને એક બીજી વાત, આ ચંચળની માનવ પાર્ટીનાં લોકો તો સત્તાની ખુરશી પરથી પણ ઊંભાં થઈને સડક તરફ દોટ મૂકે છે! એમનો સડકપ્રેમ અતૂટ છે.

ચંચળ : જવાલાજી, અમારો જનતા સાથેનો નાતો અતૂટ છે. જનતા સડક પર હોય છે એટલે અમારે સડક તરફ દોડવું પડે છે.

જવાલા : તમારે સડક અને સતા બંનેમાં પગ રાખવા છે.

ચંચળ : એ અમારી નવી રાજનીતિ છે.

જવાલા : વાતવાતમાં જનતા અને વાતવાતમાં નવી રાજનીતિ! તમે લોકોએ જબરો દાવ માર્યો છે.

ચંચળ : અમે જે કાંઈ કરીએ છીએ એ જનતાની ભલાઈ માટે કરીએ છીએ. અમારા વિરોધીઓ અને નટખટ ટીવી ભેગા મળીને ખોટા વિવાદ ઊંભા કરે છે.

પક્કાજી : ઠીક છે. વિવાદનો ફેંસલો પણ જનતા જ કરશે. બોલ ભાઈ ચંચળ, અહી સુધી આવવાનું કોઈ ખાસ કારણ?

ચંચળ : પક્કાજી, આપના આશીર્વાદ જોઈએ છે.

પક્કાજી : શાને માટે?

જ્વાલા : લોકસભાની ચૂંટણીમાં જીતવા માટે. પક્કાજી, તમારો ઉપયોગ હવે જાણે આશીર્વાદ આપવા પૂરતો જ રહ્યો છે.

ચંચળ : હું એવું નથી માનતો. પક્કાજીના મંચ પરથી જ મને નવી દિશા મળી હતી. જનતાથી પરિચિત થવાની તક મળી હતી. પક્કાજી, આપણા માર્ગ ભલે જુદા પડયા હોય પરંતુ આપણું લક્ષ એક જ છે. જનતાની સેવા કરવાનું. હું જનતાની સેવા કરવા માંગુ છું. મને આશીર્વાદ આપો.

પક્કાજી : જનતાની સેવા કરજે જા. મારા આશીર્વાદ છે. ખુશ?

ચંચળ : એકદમ ખુશ.

પક્કાજી : હવે ધૂન ગાઈએ. બોલો.. રઘુપતિ રાઘવ રાજા રામ...

ચંચળ : રઘુપતિ રાઘવ રાજા રામ, સબ કો સનમતિ દે ભગવાન.

પક્કાજી : ગલત. ગલત નહીં બોલો. બોલો .. રઘુપતિ રાઘવ રાજા રામ, મુઝ કો સનમતિ દે ભગવાન. ભગવાન પાસે દરેક જણે પોતાને માટે સનમતિ માંગવાની છે.

મનસુખ : આ તમે મુદ્દાની વાત કરી. હું તો કહી કહીને થાકી ગયો કે, કોઈપણ વ્યક્તિએ બીજાંને સુધારતાં પહેલાં પોતે સુધરવાની જરૂર છે. પણ કોઈ માને તોને!

પક્કાજી હવે માનશે. જાગ્યા ત્યાંથી સવાર. ચાલો શરૂ કરો. મોડું નથી થયું.

બધાં : રઘુપતિ રાઘવ રાજા રામ, મુઝ કો સનમતિ દે ભગવાન.

બધાં આગળ આવે અને ગાય.

રઘુપતિ રાઘવ રાજા રામ,

મુઝ કો સનમતિ દે ભગવાન.

મુઝ કો સનમતિ દે ભગવાન,

મુઝ કો સનમતિ દે ભગવાન.

રઘુપતિ રાઘવ રાજા રામ,

મુઝ કો સનમતિ દે ભગવાન.

ધૂન ચાલુ હોય અને નાટક પૂર્ણ થાય.

-----સમાપ્ત------