Shantnu - 3 in Gujarati Fiction Stories by Siddharth Chhaya books and stories PDF | શાંતનુ - પ્રકરણ - 3

Featured Books
Categories
Share

શાંતનુ - પ્રકરણ - 3

‘શાંતનુ’

- સિદ્ધાર્થ છાયા


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


ત્રણ

‘ઓહ ઓકે.’ શાંતનુએ સ્માઇલ સાથે જવાબ તો આપ્યો પણ અનુશ્રી નો હાથ એની સામે લંબાવેલો હતો એ તેનાં ધ્યાનમાં ન આવ્યું એ તો ફક્ત એનો ચુંબકીય ચહેરો જ જોઇ રહ્યો હતો.

લંબગોળ ચહેરો, મોટું કપાળ, લાંબુ નાક, બહુ પાતળા નહી પણ પ્રમાણસર હોઠ પણ અનુશ્રીના ચહેરાનાએસ.પી. હે યુ.તી એની મોટી મોટી આંખો. એ સાઇડમાં સેંથી પાડતી હોવાથી એનાં વાળની એક લટ વારેવારે એની આ મોટી મોટી આંખો સામે આવી જતી હતી અને બસ એજ લટ ને તે વારંવાર પોતાની બે આંગળીઓથી હટાવીને પોતાનાં કાન પાછળ ભરાવી દેતી. બસ એની આ જ ‘અદા’ એ શાંતનુ ને પાગલ બનાવી દીધો હતો, પણ અત્યારે એ પાગલપનમાં એ જરૂરી એટીકેટ પણ ભૂલી રહ્યો હતો.

એક છોકરીએ સામેથી પોતાનો હાથ એની સામે લંબાવ્યો હતો અને શાંતનું ને એનું ધ્યાન પણ ન હતું! પણ અક્ષયનું ધ્યાન જરૂર હતું, એણે ટેબલ નીચે થી પોતાનો પગ શાંતનુ નાં પગ સાથે અથડાવ્યો અને શાંતનુ નું ધ્યાન એની તરફ ગયું. અક્ષયે આંખોનાં ઇશારાથી એને અનુશ્રીનાા હાથ તરફ એનું ધ્યાન વાળ્યું. શાંતનુ ને તરતજ ખ્યાલ આવી ગયો અને એણે અનુશ્રી નો હાથ પકડી લીધો પણ એકદમ ઢીલોઢફ કારણકે એ હજી નર્વસ હતો. અત્યારે જો અનુશ્રી ની જગ્યાએ એનો કોઇ ક્લાયન્ટ હોત તો એણે એનો હાથ એકદમ ટાઇટ પકડ્યો હોત.

‘હું સમરસેટ ન્યુ લાઇફ ઇન્શ્યોરન્સ માં સિનીયર ઇન્શ્યોરન્સ અડવાઇઝર છું.’ શાંતનુ એ અનુશ્રી સામે જોઇને કહ્યું.

‘આઅને હું પણ.’ અક્ષયે ટાપશી પુરાવી પણ સિરતદીપ સામે જોઇને. સિરતદીપે એને કેઝયુલ સ્માઇલ આપ્યું.

‘ઓહ ઓક્કે, હું તમારી સામે નવયુગ માં એઝ અ કસ્ટમર કેર એક્ઝીક્યુટીવ્ઝ ટીમ લીડર તરીકે આજે જે જોઇન થઇ છું, ગઇકાલે ઇન્ટરવ્યુ હતો... આઇ થીંક તમને જ મેં પાર્કિંગમાં અડ્રેસ પૂછ્યું હતું રાઇટ?’ અનુશ્રી એકીશ્વાસે બોલી ગઇ.

‘હા..હા...હજી તમારું કામ શરુ નથી થયું લાગતું.’ શાંતનુ એ વાત બદલી નાખી કારણકે એને ભય હતો કે ક્યાંક અનુશ્રીને ગઇકાલ વાળી બીડીની વાત યાદ ન આવી જાય.

‘અરે હા એક્ચ્યુઅલી ગઇકાલે સારું મુરત હતું એટલે સરે ઓપનીંગ તો કરી દીધું પણ હજી ફર્નીચર નું થોડું ટચઅપ બાકી છે, પ્લસ તમને ખ્યાલ આવી ગયો હશે જ કે સ્ટેશનરી અને બીજી ઇમ્પોર્ટન્ટ વસ્તુઓ પણ હજી નથી આવી એટલે સરે કીધું કે આજે બ્રેક લઇ લો કાલથી વર્ક શરુ કરીશું એટલે જ મેં સિરુ ને બોલાવી લીધી. એ અહી સ્વસ્તિક ચાર રસ્તા પાસે જ એક એડ એજન્સીમાં ઇન્ટરવ્યુ માટે આવી હતી એટલે આઇ થોટ કે અમે બન્ને સાથે જ ઘેરે જઇએ.’ અનુશ્રી એક શ્વાસે જ બોલી રહી હતી અને કદાચ એ આવી રીતે જ બોલતી હશે. ગમે તે હોય એનાં અવાજ અને એનાં ચહેરાથી શાંતનુ ઓલરેડી મંત્રમુગ્ધ થઇ ચુક્યો હતો.

‘સ્વસ્તિક ચાર રસ્તા કઇ જગ્યાએ?’ અક્ષયે સીધું જ સિરતદીપ ને પૂછી લીધું.

સિરતદીપ નાં લુક્સ ટીપીકલ પંજાબી સિક્ખ છોકરી જેવાં જ હતાં પણ હા એની ઉંચાઇ નોર્મલ સિક્ખ છોકરીઓ કરતાં ખુબ ઓછી હતી.

‘ગ્લેમ એડ માં.’ સિરતદીપ ને કદાચ અક્ષયની ઇન્કવાયરી ગમી નહી એટલે એણે ઉડાડી જવાબ આપ્યો.

‘કોણે જયેશભાઇ એ ઇન્ટરવ્યુ લીધો?’ અક્ષયે બાઉન્સર નાખ્યો અને સિરતદીપ ચોંકી ઉઠી.

‘હાઉ ડુ યુ નો હીમ? ડોન્ટ ટેલ મી કે તમે એમને ઓળખો છો?’

અચાનક સિરતદીપ નાં ચહેરાનાં હાવભાવ બદલાઇ ગયાં.

‘મારી બાજુમાં જ રહે છે, આઇ મીન મારાં નેબર છે’ અક્ષયે વિજેતાની અદાથી જવાબ આપ્યો.

‘સિરુ!!’ અનુશ્રી એકદમ આનંદમાં આવીને બોલી.

આ બાજુ શાંતનુ ને તો જાણે હવે અનુશ્રી ને જોવાનું લાઇસન્સ મળી ગયું હતું અને લગભગ અને સતત એની સામે જ જોઇ રહ્યો હતો.

‘ઓ વાઉ! તમે પ્લીઝ એમને મારી રેકમેન્ડેશન કરશો? પ્લીઇઇઇઝ આઇ બેડલી નીડ ધીસ જોબ.’ હવે સિરતદીપ અક્ષયનાં કંટ્રોલમાં હતી.

‘કેમ નહી? વ્હાય નોટ? એક મિનીટ.’ એમ કહી ને અક્ષયે પોતાનાં શર્ટ માંથી પોતાનો સેલફોન કાઢ્યો અને કોઇનો નંબર ડાયલ કરી ને ઊભો થયો અને દરવાજા તરફ ચાલવા લાગ્યો. શાંતનુ, અનુશ્રી અને સિરતદીપ ત્રણેય એકસાથે એની તરફ જોવા લાગ્યાં... બે-ત્રણ મિનીટ પછી અક્ષય તેમની પાસે આવ્યો.

‘મિસ સિરતદીપ બાજવા ને?’ અક્ષયે સિરતદીપ ને પૂછ્યું જો કે જયેશભાઇ સાથે બે-ત્રણ મિનીટ વાત કર્યા પછી એને સિરતદીપનાં નામની ખબર તો હતી જ પણ અજાણી કે જાણીતી છોકરી પાસે પોતાનો ‘માભો’ કેમ પાડવો એની કળા અક્ષયે બરોબરની આત્મસાત કરી હતી.

‘હા એક્ઝેક્ટલી.’ સિરતદીપે ઉત્સાહીત થઇ ને જવાબ આપ્યો. અક્ષય ફરી બારણા તરફ જઇ ને ફરીથી ફોન ઉપર વાતો કરવા લાગ્યો અને લગભગ અડધી મિનીટ પછી પાછો આવ્યો. એનાં મોઢાં પર વિજયી સ્મિત હતું અને સિરતદીપ અચાનક નર્વસ લાગવા લાગી હતી. શાંતનુ અને અનુશ્રી અક્ષય તરફ જોઇ રહ્યાં હતાં.

‘શું થયું?’ સિરતદીપે નર્વસનેસ માં જ અક્ષયને પૂછ્યું

‘તમારું કામ થઇ જશે મેડમ પણ તમે થોડું જતું કરો તો.’ અક્ષયે કીધું.

‘એટલે?’ સિરતદીપે તરત જ સવાલ કર્યો.

‘મિસ બાજવા મનેે બહુ તો ખબર નથી પણ જયેશભાઇ ની વાતો પરથી થોડોક ખ્યાલ છે કે ઇન્ડીયામાં ગ્લેમએડ નું કેટલું મોટું નામ છે. જો તમે તમારી એક્સ્પેકટેડ સેલરી માં થી ફક્ત ત્રણ-ચાર હજાર ઓછાં કરો તો કાલે તમે જ્યારે સવારે દસ વાગે જયેશભાઇ ને મળવા જશો ત્યારે તમારો અપોઇન્ટમેન્ટ લેટર તમને વિધીન પંદર મિનીટમાં મળી જશે.’ અક્ષય જે આત્મવિશ્વાસથી બોલી રહ્યો હતો એનાથી શાંતનુને હવે ડર લાગી રહ્યો હતો. ક્યાંક સિરતદીપ ને ઇમ્પ્રેસ કરવામાં એ એનો અને અનુશ્રીનો ‘કેસ’ બગાડી ન નાખે.

‘હમમ..ઓક્કે હું આજે વીચારી લઉં? સાંજે અનુ સાથે ડિસ્કસ કરી લઉં. હું ક્યારેય કોઇ નિર્ણય એને પૂછ્યા વીના નથી લેતી.’ સિરતદીપ થોડી અવઢવમાં લાગી.

‘ગ્રેટ હું પણ મોટાભાઇ ને પૂછીને જ ઇમ્પોર્ટન્ટ નિર્ણયો લઉં છું. તમે જ્યારે પણ કોઇ ડીસીઝન લ્યો ત્યારે જસ્ટ એક કોલ કરી દેજો આ લો મારું કાર્ડ.’ અક્ષયે પોતાનું બીઝનેસ કાર્ડ સિરતદીપ સામે ધરી દીધું. શાંતનુ સંપૂર્ણપણે બધવાઇ ચુક્યો હતો. એને ખ્યાલ નહોતો આવ્યો કે એનાં માટે એ અને અક્ષય અહીયા આવ્યાં હતાં અને અક્ષય અચાનક પોતાનું ‘સેટિંગ’ કરવા લાગ્યો હતો.

‘વાઉ, આઇ એમ ઇમ્પ્રેસ્ડ, યુ ગાયઝ આર જસ્ટ ફેન્ટાસ્ટિક!’ અનુશ્રી બોલી અને શાંતનુ ને હાશ થઇ, પણ પૂરી નહી એને તો હજી અક્ષય સાથે વાત કરવી હતી કે આ અચાનક જયેશભાઇ નામનું ‘પ્રાણી’ ક્યાંથી પ્રગટ થયું? હજી શાંતનુ આમ વિચારતો હતો ત્યાં જ બોય અનુશ્રી નો ઓર્ડર સર્વ કરવા લાગ્યો.

‘તમે લોકોે ઓર્ડર આપ્યો કે નહી?’ અનુશ્રીએ શાંતનુ સામે જોઇને પૂછ્યું.

‘હા હવે આપીશું.’ શાંતનુએ જવાબ આપ્યો.

આ બાજુ સિરતદીપ અને અક્ષય ની અલગથી કોઇ ચર્ચા શરુ થઇ ચુકી હતી એટલે શાંતનુ અને અનુશ્રી બન્ને એકબીજા સાથે ચર્ચા કરવા માટે ફ્રી હતાં. શાંતનુ તો અનુશ્રી ને મળી ને જ ધન્ય થઇ ગયો હતો અને અત્યારે એને ભૂખ તરસ જેવી કોઇ લાગણી થઇ રહી નહોતી પણ તેમ છતાં કેફે વાળાં ને એમ ન લાગે કે એ એને અક્ષય ટાઇમપાસ કરવા આવ્યાં હતાં અને ખાસ કરીને અનુશ્રી ને કોઇ શક ન જાય કે તેઓ એનો પીછો કરતાં અહિયાં આવ્યાં છે એની ખાત્રી તો એણે કરાવી પડે એમ હતી જ.

‘અક્ષય તું શું લઇશ?’ શાંતનુએ અક્ષય અને સિરતદીપ ની ચર્ચા રોકતાં પૂછ્યું.

‘અમમ..કેપુચીનો?’ અક્ષયે જોઇ લીધું હતું કે સિરતદીપે પણ કેપુચીનો જ મગાવી હતી એટલે આ બધી બાબતોમાં નિષ્ણાત અક્ષયે એ જ મંગાવી. જોકે એને એ કોફી ભાવે છે કે નહી એ ચર્ચા નો એક અલગ વિષય હતો.

‘ઓકે હું ફક્ત ફ્રેશ ઓરેન્જ લઇશ.’ શાંતનુએ પોતાની ચોઇસ કીધી અને ઓર્ડર આપવા ઉભો થયો.

‘વેઇટ ભાઇ, હું ઓર્ડર આપી આવું તમે બેસો.’ અક્ષય તરત ઉભો થયો. એણે શાંતનુ અને અનુશ્રી ને કોઇપણ હિસાબે છુટા પાડવા ન હતાં. અક્ષય ઓર્ડર આપવા ગયો.

‘શાંતનુ, તમે ક્યાં રહો છો?’ અનુશ્રીએ શાંતનુ ને પૂછ્યું. એનાં મોઢે એનાં અવાજમાં પોતાનું નામ પહેલીવાર સાંભળીને શાંતનુ ફરીથી ઢીલો પડી ગયો પણ જવાબ તો એણે આપવાનો જ હતો.

‘હું સેટેલાઇટ... રામદેવ નગર પાસે પેલી ‘આશ્રમ છાવણી’ સોસાયટી છે ને ત્યાં સાગર ટાવરમાં અને તમે?’ શાંતનુએ જવાબ દીધો અને સાથે સાથે અનુશ્રી ને એનું એડ્રેસ પણ પૂછી લીધું.

‘બોપલ ..સૂર્યસંજય હાઇટ્‌સ રો-હાઉસીઝ માં.’ અનુશ્રીએ જવાબ આપ્યો. શાંતનુ ચોંકી ગયો કારણકે ગઇકાલે એ અને અક્ષય આ રો-હાઉસીઝ ની સામે નાં બિલ્ડીંગ માં જ ગયાં હતાં.

‘અનુ આપણે જઇએ? મમ્મા ચિંતા કરતાં હશે’ અચાનક સિરતદીપ બોલી.

‘ઓહ હા આઇ થીંક વી શુડ મુવ નાઉ, શાંતનુ મારી મમ્મી મારી ચિંતા કરતી હશે મેં એને ક્યારનું ય કહી દીધું હતું કે હું અને સિરુ કલાકમાં ઘેરે આવીએ છીએ. સામસામે ઓફિસ છે એટલે હવે તો મળવાનું રહેશે જ?’ અનુશ્રી એ શાંતનુ સામે જોતાં જોતાં કીધું, શાંતનુ ને ના પડવાનો તો કોઇ સવાલ જ નહોતો.

‘શ્યોર, આપણે કાલે મળીએ.’ શાંતનુએ ‘કાલે’ શબ્દ પર ભાર મુક્યો એને હવે અનુશ્રીને રોજ મળવું હતું, કાયમ મળવું હતું.

‘અરે ક્યાં ચાલ્યાં?’ અક્ષય ઓર્ડર આપીને આવ્યો અને સિરતદીપ અને અનુશ્રી ને ઉભાં થયેલાં જોઇને પૂૂછ્યું.

‘અમારે ઘરે જવાનું મોડું થાય છે, હું તમને સાંજે ફોન કરું છું.’ સિરતદીપે સ્મિત સાથે જવાબ આપ્યો.

‘ઠીક છે પણ ૯ પહેલાં કરી દેજો પ્લીઝ, જ્યેશભાઇ રાઇટ ૧૦ વાગ્યે સુઇ જાય છે.’ અક્ષયે સિરતદીપને બાંધી લીધી.

‘શ્યોર બાય!’ સિરતદીપ અને અક્ષયે હાથ મેળવ્યાં આ જોઇને અનુશ્રી થી યંત્રવત શાંતનુ સામે પોતાનો હાથ લંબાવાઇ ગયો. આ વખતે શાંતનુ ગાફેલ ન હતો એણે તરત અનુશ્રી નો હાથ પકડ્યો અને આ વખતે મજબુત પકડ પણ દેખાડી.

‘આવજો!’ શાંતનુ એ સ્મિત સાથે જવાબ આપ્યો અનુશ્રી એ પણ વળતાં સ્મિત સાથે વિદાય લીધી. કાચની દીવાલો માં થી જ્યાં સુધી અનુશ્રી એની નજરો થી ઓજલ ન થઇ ત્યાં સુધી શાંતનુ એને જોતો જ રહ્યો. એ બન્ને એ કાફે ની બહાર જ ઉભેલી રીક્ષામાં બેસી ગયાં અને રીક્ષા ઉપડી ગઇ.

‘બેસો મોટાભાઇ જ્યુસ પીવો જ્યુસ.’ અક્ષય હસતાં બોલ્યો. એ ઓલરેડી સોફા પર બેસી ગયો હતો. શાંતનું પણ હસતાં હસતાં એની સામે બેસી ગયો. થોડીવારમાં અક્ષય એલોકોનો ઓર્ડર પણ લઇ આવ્યો.

શાંતનુનાં મન પર થી હજી અનુશ્રી નો ‘કેફ’ ઉતર્યો નહોતો એ મૂંગો હતો અને અક્ષય પણ જાણીજોઇને એને ડીસ્ટર્બ કરવા નહોતો માંગતો એને ખબર હતી કે પહેલીવાર જ્યારે ‘કોઇ કોઇ ને’ મળે ત્યારે તેની હાલત શું થાય. શાંતનુએ આવી અભાનાવસ્થા માં જ પોતાનાં જ્યુસ નો ગ્લાસ ઉપાડ્યો અને ધીમે ધીમે એમાંથી સીપ લેવા માંડ્યો અને સવારે જે રીતે તે લીફટ માટે અનુશ્રી પાછળ દોડ્યો હતો ત્યાર થી માંડી ને અનુશ્રી સાથે હમણાં જ થયેલી વાતો ને વાગોળવા લાગ્યો. અચાનક એનું એક બાબતે ધ્યાનભંગ થયું.

‘અરે આ જયેશભાઇ નો શું મામલો છે? તું ક્યાંક લોચાલાપસી તો નથી કરતો ને પેલી સરદારણ ને ઇમ્પ્રેસ કરવા માટે?’ શાંતનુ એ થોડાં ડર સાથે અક્ષયને પૂછ્યું.

‘ના ભાઇ આ વખતે મારો કેસ સેકન્ડરી છે તમારાં અને ભાભી નાં મિલન સુધી હું કોઇ જ ચાન્સ નહી લઉં. જયેશભાઇ ખરેખર મારાં પડોશી છે અને અમે એકબીજાનું ખુબ માન જાળવીએ છીએ. ડોન્ટ વરી, સિરુ..આઇ મીન સિરતદીપ ની નોકરી પાકી જ છે હા પેલો પગાર ઓછો કરવાની વાત એંક બંડલ હતું.’ અક્ષયે આંખ મારતાં કહ્યું.

‘બંડલ? એટલે?’ શાંતનુએ થોડાં ગભરાયેલાં અવાજે પૂછ્યું.

‘જુઓ મોટાભાઇ, મેં જ્યારે જયેશભાઇ ને ફોન કર્યો અને સિરતદીપ વિષે જાણ્યુ તો એમણે કહ્યું કે બહુ ઇન્ટેલીજન્ટ છોકરી છે અને એમનાં દરેક પેરામીટર માં એ એકદમ ફીટ બેસે છે અને એ સિલેક્ટેડ જ છે અને આવતીકાલે સવારે એને ફોન કરી ને બોલાવી લેશે.’ અક્ષય એક શ્વાસે બોલી રહ્યો હતો અને શાંતનુ એ જ સ્પીડ થી એને એકદમ ધ્યાનથી સાંભળી રહ્યો હતો.

‘પણ અહી મારે તમારો અને ભાભી નો પ્રેમ પણ સેટ કરવાનો છે એટલે ભાભી ની ફ્રેન્ડ સેટ એટલે ભાભી પણ સેટ એટલે મેં પણ કહાની માં થોડો ટિ્‌વસ્ટ આપી દીધો. આપણું ઇમ્પોર્ટન્સ પણ મેટર કરે છે બડે ભૈય્યા, એટલે મેં એને આ પગાર ઓછો કરવાની વાત કરી અને સાંજે ફોન કરવાનું કહ્યું. જ્યારે એ ફોન કરશે ત્યારે હું કહીશ કે મેં જયેશભાઇ સાથે વાત કરી લીધી છે અને તમને તમારી મનગમતી સેલરી જ મળશે. સિરતદીપ હેપી એટલે ભાભી પણ હેપી એટલે કાલે તમને થેન્ક્સ કહેવા ભાભી તમને ફરી જરૂર મળશે એટલે વન મોર મીટીંગ વાત પૂરી!’ અક્ષયે પોતાની વાત પૂરી કરી.

‘હમમ...પણ જયેશભાઇ? એ કાલે સિરતદીપને કહી દેશે તો?’ શાંતનુએ પોતાનો શક જાહેર કર્યો.

‘બંધુ જયેશભાઇ આપણી પાર્ટીમાં જ છે યાર, તમારાં મારાં જેવાં!! અને આજે રાત્રે હું ઘેરે જઇને એમને મળવાનો જ છું ને? સો ચીલ!’ અક્ષયે હાથ ઉંચો કરી ને શાંતનુ ને ગેરંટી આપી.

‘ઠીક છે પણ સંભાળી લેજે.’ શાંતનુએ અક્ષયને કીધું.

‘શ્યોર બ્રો! ભાભી સાથે શું વાત કરી જ્યારે હું ઓર્ડર આપવા ગયો હતો ત્યારે?’ અક્ષયે શાંતનુ શાંતનુ ની મશ્કરી નાં સ્વરમાં ઇન્કવાયરી શરુ કરી.

‘અરે આ શું ભાભી-ભાભી ચાલુ કર્યું તે? હજી આ તો ફર્સ્ટ મીટીંગ છે. મને તે પસંદ છે ઓકે પણ હજી તો ઘણી પરીક્ષાઓ પસાર કરવાની છે.’ શાંતનુ બોલ્યો.

‘મિસ્ટર શાંતનુ જ્વલંતરાય બુચ, સોરી તમારું નામ લેવા બદલ, પણ હું અક્ષય વેલજીભાઇ પરમાર તમને તમારાં ઓરેજ જ્યુસ અને મિસ અનુશ્રી મહેતા દ્ધારા ખાલી કરાયેલા આ કોફીનાં આ ગ્લાસ નાં સમ ખાઇ ને કહું છું કે તમને બન્ને ને કોઇપણ ભોગે પતિ-પત્ની બનાવી ને જ રહીશ.’ અક્ષયે ફિલ્મી અદા માં ઘોષણા કરી. જવાબમાં શાંતનુ ફક્ત હસ્યો.

‘ભાઇ હું સીરીયસ છું. તમને ભલે એમ લાગે કે હું સિરતદીપ સાથે મારું સેટિંગ કરતો હતો પણ મારી નજર તમારી બન્ને ઉપર જ હતી અને યુ નો સમથીંગ? તમારી બન્ને ની જોડી ખુબ જામશે!’ અક્ષયે શાંતનુ સામે ‘થમ્સઅપ’ની સાઇન કરી.

‘હમમમ...ખાસ કાઇ નહી બસ ક્યા રહીએ છીએ એ ઇન્ફો જ શેર કરી, એ બોપલ માં રહે છે રવિ ઓસવાલ ની ઓફિસ ની એકદમ સામે નાં રો-હાઇસીગ માં.’ શાંતનુ નાં અવાજમાં આનંદ સમાતો ન હતો.

‘યુ મીન પેલાં સૂર્ય સંજય રો હાઉસ માં ? વાઉ ધેટ્‌સ ગ્રેટ હવે આપણે ત્યાં જવાનું બહાનું મળ્યું નહી ? અક્ષય એકદમ એક્સાઇટ થઇ ગયો.

‘પણ કામનાં દિવસોએ તો એ અહીંજ આપણી સામે જ હશે તો ત્યાં જઇ ને શું ફાયદો?’ શાંતનુએ અક્ષય નો ઉત્સાહ ઠંડો પાડતાં કહ્યું.

‘હા યાર! પણ કોઇવાર તો આપણે જઇ શકીએ ને સન્ડે? કે કોઇ રજાનાં દિવસે? અક્ષયે ઓપ્શન આપ્યો.

‘હવે ખયાલી પુલાવ પકવવાના બંધ કરો સાહેબશ્રી અને વટવા નું વિચારો.’ શાંતનુ એ અક્ષયને એનું કામ યાદ અપાવ્યું.

અક્ષય કમને ઉભો થયો. શાંતનુ અને અક્ષયે પોતાની બેગ્ઝ લીધી અને કોફી શોપ ની બહાર આવ્યાં. જવાનું મન તો શાંતનુનું પણ નહોતું કારણ કે જે જગ્યાએ અનુશ્રીને પહેલીવાર મળ્યો અને એની સાથે તો થોડી વાતો કરી એની સાથે લગભગ અડધા કલાકથી વધુ સમય ગાળવા મળ્યો એ જગ્યા છોડીને એમ એમ જવાય? એને અહીં જ રહેવું હતું અનુશ્રી ની યાદો વાગોળવી હતી. પણ નોકરી સાથે એમ નિર્દયતા કરાય? એટલે એણે પોતાનાં પગ તો ઉપડ્યા જ પણ સાથે સાથે અક્ષયનું ધ્યાન પણ પોતાની વાતોથી કામ ઉપર વાળ્યું. એ બન્ને બપોરનાં સમયે વટવા પહોંચ્યા અને પોતાના કામે વળગ્યાં. શાંતનુ અક્ષય માટે પણ એટલી જ મહેનત કરતો જેટલી એ પોતાનાં માટે કરતો. એવું નહોતું કે એ અક્ષયનાં દરેક સંભવીત ક્લાયન્ટ્‌સ પાસે અક્ષયને બદલે પોતે જ બોલતો પણ જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં એ જરૂર બોલતો ખાસ કરીને જ્યારે કોઇ મોટા ક્લાયન્ટ ને ‘ક્લોઝ’ કરવાનો હોય. આજે એ બંને ખુબ ખુશ હતાં. અક્ષયનો ટાર્ગેટ પણ લગભગ પુરો થઇ ચુક્યો હતો.

જતી વખતે રસ્તામાં શાંતનુએ મણિનગરમાં પોતાનાં પણ એક સંભવિત ક્લાયન્ટ ને મળી પોતાનો ટાર્ગેટ પૂરો કરી દીધો હતો એટલે હવે એ આખો મહિનો પોતાની મરજી મુજબ ગમેતે કરી શકે તેમ હતો. આજે કામ પતાવતાં પતાવતાં જ સાંજ પડી ગઇ અને લગભગ ૬ વાગ્યે જશોદાનગર ચાર રસ્તે જ્યારે શાંતનુ અને અક્ષય અડધી-અડધી ચા પીતાં હતાં ત્યારે જ અક્ષયનાં મોબાઇલ પર એક અજાણ્યો નંબર ઝબક્યો.

‘મોટાભાઇ, ભાભી તરફ તમારું એક ઔર કદમ વધારવા માટે તૈયાર રહો.’ અક્ષય હસતાં હસતાં બોલ્યો.

‘એટલે?’ શાંતનુ ચા ની ચૂસકી લેતાં બોલ્યો

‘સિરતદીપ.’ અક્ષય ફક્ત એટલું જ બોલ્યો અને પોતાનાં હોઠ ઉપર આંંગળી મૂકી શાંતનુ ને ચુપ રહેવાની નિશાની દેખાડી અને કોલ રીસીવ કર્યો.

‘હેલ્લો?’ જાણે કશું જાણતો જ ન હોય એમ બોલ્યો.

‘ઓહ હા હાઇ! કેમ છો?’ અક્ષયે શાંતનુ સામે જોઇ ને થમ્સઅપ ની સાઇન કરી અને ફરી વાત કરવા લાગ્યો.

‘હા, વાઉ ધેટ્‌સ ગ્રેટ, પણ તમારે હવે એ ચિંતા કરવાની જરૂર નથી, હમણાં જ મેં જયેશભાઇ સાથે તમારી સેલેરી માટે વાત કરી અને એમને રીક્વેસ્ટ કરી અને યુ નો વ્હોટ ? એ માની ગયાં. કાલે તમે ૧૦ વાગ્યે શાર્પ એમની ઓફિસે પહોંચી જ્જો.’ અક્ષયે એક જ શ્વાસે બધી વાત કરી દીધી.

સામે સિરતદીપ પણ ઇમ્પ્રેસ થઇ ગઇ હોય એવું શાંતનુને અક્ષય નાં ચહેરા પરથી લાગ્યું. અક્ષયે બીજી બે-ત્રણ મિનીટ સિરતદીપ સાથે વાત કરી અને બે વાર અનુશ્રી નું નામ લીધું. શાંતનુ ને હવે ચટપટી થવા લાગી. અંતે અક્ષયે કોલ પતાવ્યો.

‘અનુ ની શું વાત કરી?’ ફોન કપાતાં જ શાંતનુ એ પહેલો સવાલ કર્યો.

‘ઓહો અડધા કલાકની મહેફિલ અને અનુશ્રી માં થી સીધી અનુઉઉઉ? સહી જા રહે હો બડે ભાઇ!’ અક્ષયે શાંતનુ ને આંખ મારી.

‘અરે યાર એમ જ નીકળી ગયું, શું વાત થઇ એનાં વિષે બોલ ને યાર?’ શાંતનુ થી હવે રહેવાતું ન હતું.

‘બીગ બ્રો! એ બન્ને આપણા થી ઇમ્પ્રેસ છે, આઇ મીન ફર્સ્ટ ઇમ્પ્રેશન અને હવે એ આપણાંમા બન્ને ઉપર છે કે આપણે આ ઇમ્પ્રેશન ને કેવી રીતે મિત્રતા માં કન્વર્ટ કરીએ’ અક્ષયે એક જ્ઞાની ‘લવગુરુ’ ની અદામાં શાંતનુ ને જવાબ આપ્યો.

‘એટલે?’ શાંતનુ હજી પણ કન્ફ્યુઝ હતો

‘એટલે એમ કે સિરતદીપ નાં કહેવા મુજબ એ અને અનુભાભી કાફે થી જ્યારે ઘરે રીક્ષામાં ગયાં ત્યારે લગભગ આખે રસ્તે આપણા બન્ને ની જ વાતો કરી અને એ લોકોનાં કન્કલ્યુઝન પ્રમાણે આપણા જેવાં ઠરેલાં અને મેચ્યોર મેલ્સ આજકાલ બહુ ઓછાં મળે છે અને વળી આપણે હેલ્પફુલ પણ છીએ!’ અક્ષય પોતાની આગવી સ્ટાઇલ માં શાંતનુુ ને કહી રહ્યો હતો અને શાંતનુ નાં દિલની ધડકનો વધી રહી હતી અને એનાં રોમેરોમમાં આનંદ છવાઇ રહ્યો હતો.

‘હમમ..તો હવે?’ શાંતનુ થી અમસ્તો જ સવાલ પુછાઇ ગયો.

‘હવે? શું હવે?’ અક્ષયે વળતો સવાલ કર્યો.

‘એટલે એમ કે આજનું તો પતી ગયું. એ ઇમ્પ્રેસ પણ થઇ ગયાં પણ કાલ નું શું?’ શાંતનુ જાણે કે અક્ષયનો વિદ્યાર્થી હોય એમ એને પૂછવા લાગ્યો.

‘જુઓ શાંતનુ’દા હવે આપણે બહુ ઉતાવળ નથી કરવાની જે હશે તે હવે સામે વળી પાર્ટી કરશે. ઇમ્પ્રેશન જમાવવી અઘરી છે જે આપણે ઉપરવાળાની કૃપાથી બહુ સારી રીતે જમાવી ચુક્યા છીએ એટલે હવે ડેસ્પરેશન આપણું કામ બગાડી શકે છે.’ અક્ષયે ફરીથી એક વિદ્ધાન ‘લવગુરુ’ ની અદા દેખાડી.

‘હમમ..રાઇટ અને એને ક્યા ખબર છે કે આપણો મોટીવ શું છે?’ શાંતનુ બોલ્યો

‘એકઝેક્ટલી. એટલે એ બન્ને ને અથવા તો એ બન્ને માંથી કોઇ એકને હવે સામે થી આપણો કોન્ટેક્ટ કરવા દો. એક-બે દિવસ જવા દો નહીંતો પછી આપણે કોન્ટેક્ટ કરીશું. જો સિરતદીપ તો કાલે મને કૉલ કરશે જ જ્યારે એને અપોઇન્ટમેન્ટ લેટર મળશે એટલે એને અને ભાભીને ફરી કેમ મળવું એ હું પાર્ટી નાં બહાને ગોઠવી લઇશ. વળી ભાભી તમારાંથી ક્યાં દુર છે? સામે જ તો છે!’ ‘અક્ષયવાણી’ ચાલુ રહી.

‘એ તો હું સમજી ગયો પણ આ અચાનક આપણે આપણે શું છે? તું ક્યારથી આમાં આવ્યો? તું તો મારું સેટિંગ કરવાનો હતો ને?’ શાંતનુએ અક્ષયની ફીરકી લેવાની ચાલુ કરી.

‘હા પણ મને ક્યાં ખબર હતી કે ભાભી સાથે સિરુ પણ આટલી સ્માર્ટ નીકળશે?’ અક્ષયે આંખ મારતાં જવાબ આપ્યો.

‘જો મિસ્ટર ‘લવગુરુ’ હું સ્વાર્થી નથી પણ એ છોકરી સાથે જરા સંભલ કે. જેમ બપોરે તે મને કીધું હતું એમ હું તને અત્યારે કહી રહ્યો છું કે જો તું સીરીયસ હોય તો જ આગળ વધજે.’ શાંતનુ એ ચેતવણીના સ્વરમાં અક્ષયને કહ્યું.

‘બસ ને મોટાભાઇ? નાના ભાઇ ની કિંમત કરી લીધી ને? સીરીયસલી, આઇ એમ ઇમ્પ્રેસ્ડ વીથ હર પણ હું બહુ ફોર્સ નહી કરું. મને ખબર છે એ ભાભી ની ખાસ દોસ્ત છે એટલે જો હું...” અક્ષય બોલ્યો.

‘એમ નથી અક્ષુ, કોઇપણ છોકરી જો ગમી જાય તો સીરીયસલી એની સાથે આગળ વધવું જોઇએ. હું તારા જેવો અનુભવી નથી પણ બે દિવસની અનુ પ્રત્યેની મારી ફીલિંગ્સ થી હું આવું વિચારી રહ્યો છું. જો તને એ ખરેખર ગમતી હોય તો જ એની સાથે આગળ વધજે, એટલે નહી કે એ અનુ ની દોસ્ત છે પણ એટલે કે એ એક છોકરી છે.’ અક્ષય આગળ કાઇ બોલે એ પહેલાં જ શાંતનુ એ એની વાત કાપી લીધી.

‘ડોન્ટ વરી બ્રો, મને એ પહેલી નજરમાં ગમી છે પણ હું ધીરે ધીરે આગળ વધવા માંગુ છુું. હું પણ હવે થાક્યો છું ફલર્ટ કરી કરી ને. લેટ્‌સ સી...’ અક્ષયની વાત માં ઘણાં વખતે સચ્ચાઇ દેખાઇ જે શાંતનુ ને ખુબ ગમ્યું.

બન્ને પોતાની વાત અને ચા ખતમ કરીને શાંતનુનાં ઘર તરફ ઉપડ્યા. શાંતનુએ અક્ષયને એનાં ઘેરે છોડ્યો અને પોતાને ઘેરે આવ્યો. મનમાં એ વિચારી રહ્યો હતો કે શું આજે તેનાં અત્યારસુધી નો આ સહુથી શ્રેષ્ઠ દિવસ હતો? કદાચ હા. કારણ કે અચાનક એ અનુશ્રીનાં કિસ્સામાં ફક્ત એક જ દિવસમાં આટલો આગળ વધી જશે એની એને કલ્પના જ ન હતી. હજી ગઇકાલ સુધી એણે જેને જોઇ પણ નહતી અને જ્યારે જોઇ ત્યારે એની પાછળ પાગલ થઇ ને દોડ્યો એ છોકરીનું નામ જાણવા એ કેટલો મરણીયો બન્યો હતો એ આમ અચાનક એનું નામ તો કહી દે પણ એનાંથી ઇમ્પ્રેસ પણ થઇ જાય? અનબીલીવેબલ! શાંતનુ જ્યારે આમ વિચારી રહ્યો હતો ત્યાં જ એનાં ઘરનું બારણું આવી ગયું અને એણે ડોરબેલ વગાડી. જ્વલંતભાઇ એ હસતાં મોઢે બારણું ખોલી ને એમનાં જ અંદાજમાં શાંતનુને આવકાર આપ્યો.

‘અરે આવો આવો શાંતનુભાઇ, આજે તો તમને બહુ વાર થઇ? ઘડિયાળમાં જ્યારે જોયા સાડાસાત ત્યારે જ મને થયું કે ચાલો કરું તમારી સાથે ફોન પર વાત.’ જ્વલંતભાઇએ પ્રાસાનુપ્રાસ શરુ કર્યા.

‘કામે ગયો હતો વટવા અને એટલેજ ઘેરે આવવાના કલાકો થયા વધવા’ શાંતનુએ મહામહેનતે પ્રાસ બેસાડ્યો.

જ્વલંતભાઇ શાંતનુ નાં પિતા કરતાં દોસ્ત વધુ હતાં લગભગ અક્ષય ની જેમ જ એટલે એમને શાંતનુના ચહેરા પર ની ખુશી સ્પષ્ટ દેખાતી હતી પણ એને એ બાબતે કશું જ પૂછવાનું એમને યોગ્ય ન લાગ્યું. શાંતનુ પણ આખા દિવસનો થાકેલો હતો એટલે એ શુઝ ઉતારી ને સીધો બાથરૂમ માં ન્હાવા જતો રહ્યો. ન્હાઇ અને ફ્રેશ થઇ ને એણે ટીવી ની ચેનલો બદલતાં બદલતાં જ્વલંતભાઇને પ્રાસાનુપ્રાસ માં નહી પણ સાદી રીતે આખા દિવસનો ચીતાર આપ્યો જો કે એમાં અનુશ્રી ને લગતી કોઇ જ વાત નહતી.

‘અક્ષય મહારાજ ઘણાં દિવસથી ઘેરે નથી આવ્યાં શાંતનુ એણે પૂછો તો કે અંકલ થી કોઇ ભૂલ-બુલ થઇ છે કે શું?’ જ્વલંતભાઇએ શાંતનુને પૂછ્યું.

‘તમે જ કૉલ કરો ને પપ્પા.’ શાંતનુ એ પોતાનો સેલફોન લંબાવતાં કહ્યું.

‘આજે નહી કાલે કરીશ એને સરપ્રાઇઝ આપીશ, એને તમે કહેતાં નહી.’ જ્વલંતભાઇ બોલ્યાં.

‘શ્યોર.’ શાંતનુ એ હસી ને જવાબ આપ્યો.

રાતનું ભોજન લઇને બન્ને ફરીથી ટીવી જોવા બેઠાં અને રોજ ની જેમ રાત્રે સાડાદસે ‘ગુડ નાઇટ’ કહીને એક બીજાનાં રૂમમાં સુવા જતાં રહ્યાં. રૂમમાં ધ્રૂસતા જ શાંતનુ ની નજરની સામે ફરીથી અનુશ્રી છવાવા લાગી અને એની સાથે કરેલી વાતો. એની વાતો કરવાથી સ્ટાઇલ, એની જુદી જુદી અદાઓને એ વાગોળવા લાગ્યો. એનાં ચહેરા પર એક સ્મિત છવાઇ ગયું. શાંતનુ એ એલાર્મ ચેન્જ કરવા પોતાનો ફોન ઉપાડ્યો કારણકે આવતીકાલે એને ઓફિસ જવાની કોઇ જ ઉતાવળ નહોતી. જે કામ કરવાનું હતું એ અક્ષયે કરવાનું હતું એટલે એણે પહેલાં તો એનો એલાર્મ સાત માંથી સાડાસાત કરી નાખ્યો પણ એને અચાનક યાદ આવ્યું કે આજે એ ઓફિસે વહેલો ગયો હતો અને અનુશ્રી એને લગભગ પોણા નવ વાગે એની ઓફિસનાં બિલ્ડીંગ ની નીચે મળી હતી.

‘એનો મતલબ એમ કે અનુશ્રી કદાચ રોજ આ ટાઇમે જ આવશે એટલે કાલે પણ એમ જ... અને હવે તો ઓળખાણ પણ થઇ ગઇ છે એટલે પાર્કીંગ થી લઇ ને, લિફ્ટમાં અને પેસેજમાં છેક ઓફિસ પહોંચું ત્યાં સુધી એની સાથે વાત થશે...રાઇટ!’ શાંતનુએ મનોમન વિચારી લીધું અને એલાર્મ ફરીથી સવારે સાત ઉપર સેટ કરી દીધો. ઓશીકે માથું તો મુક્યું પણ આજે એમ ઊંઘ ક્યા આવવાની હતી. એટલે એણે ક્યારેક ડાબે તો ક્યારેક જમણે તો પછી ક્યારે ઊંધા પડખે ફરી ફરી ને માંડ માંડ ઊંઘ લાવવાની કોશીશો કરી. છેવટે મધરાત નજીક આવતાં આવતાં એની આંખ લાગી ગઇ.

આજે ફરીવાર સાતનાં ટકોરે ઉઠેલા શાંતનુ ને જોઇને જ્વલંતભાઇ ને નવાઇ તો લાગી પણ મનોમન વિચારી લીધું કે કામ હશે. ગઇકાલ ની જેમ જ શાંતનુ ફટાફટ તૈયાર થઇ ને બ્રેકફાસ્ટ કરવા ટેબલ પર આવી ગયો. જ્વલંતભાઇ પાસે એનાં માટે સરપ્રાઇઝ હતું. આજે એમણે શાંતનુ માટે ટોસ્ટર માં સેન્ડવીચ બનાવી હતી.

‘વાઉ મસ્ત મસ્ત પપ્પા.’ શાંતનુ ખુબ રાજી થઇ ગયો. બસ એનો આ જ રાજીપો જ્વલંતભાઇને શેર લોહી ચડાવતો. એ મરકી ઉઠ્યા.

નાસ્તો પતાવી ને શાંતનુ છાપું વાંચવા માંડ્યો એક પાનું ફેરવતાં શાંતનુ નું ધ્યાન ઘડિયાળ પર ગયુ અને આઠ ને વીસ જોઇને શાંતનુ ને અનુશ્રી દેખાવા માંડી અને છાપાનો લગભગ ડૂચો કરી ને એ પોતાનાં શુઝ લઇ આવ્યો અને પહેરતાં પહેરતાં જ બોલ્યો...

‘પપ્પા, હું જાઉં છું, બાય.’ શાંતનુ ની ઉતાવળ જોઇને જ્વલંતભાઇને થોડી ફિકર થઇ.

‘ધ્યાન રાખજો, બહુ કામ છે?’ જ્વલંતભાઇએ દરવાજા તરફ દોડતા શાંતનુને પૂછ્યું.

‘હા બોમ્બે થી સર આવે છે, વહેલુ પહોંચવાનું છે.’ શાંતનુ દોડતા દોડતા દાદરા ઉતરવા માંડ્યો.

‘અરે સંભાળજો.’ ચિંતાતુર જ્વલંતભાઇ બોલ્યાં.

જ્વલંતભાઇએ શાંતનુ ને પહેલાં તો આવો અધીરો-ઉતાવળો ક્યારેય જોયો ન હતો. એમને ક્યાં ખબર હતી કે એ પહેલાં એમનો પુત્ર કોઇ છોકરીની પાછળ પણ પહેલાં ક્યા દોડ્યો હતો? બાઇક ને કીક મારીને લગભગ પંદરેક મીનીટમાં એની ઓફિસનાં બિલ્ડીંગ નાં પાર્કિંગ માં પહોંચીને પોતાની રોજની જગ્યા એ પોતાનું બાઇક પાર્ક કરી દીધું. માતાદીન તો જાણે કે એની રાહ જ જોઇ રહ્યો હતો.

‘કા હો સાંતનું બબુઆ? આજકલ બડી જલ્દી જલ્દી ઓફિસવા આ રહે હો? કૌનો બડા કામ મીલ ગવા હૈ કા?’ શાંતનુ એને ચા અને બીડી પીવડાવશે જ એમ માની ને એ મેઇન ગેઇટ તરફ આગળ વધવા લાગ્યો પણ શાંતનુ નો કોઇ બીજો જ પ્લાન હતો. એને આજે ચા ની કીટલી પાસે ઉભું રહેવું ન હતું. અનુશ્રીને ફીલ કરાવવું હતું પણ હજી તો ફક્ત આઠ ને ચાળીસ થઇ હતી. જો એ કાલનાં સમયે આવે તો પણ હજી દસેક મિનિટ ની વાર હતી.

‘ચલો માતાદીન ચાય ઔર બીડી પીલાતા હું આજ મેરી ચાય પીને કી ઇચ્છા કુછ કમ હૈ ?’ શાંતનુ એ માતાદીન ને કહ્યું, એને લાગ્યું કે હજી દસેક મિનિટ્‌સ ની જો રાહ જોવાની હોય તો એ માતાદીન ને ચા અને બીડીનું બંડલ અપાવી ને ફરીથી પાર્કિંગ નાં કોઇક ખૂણે છુપાઇ જશે અને અનુશ્રીની રાહ જોશે.

‘કા બબુઆ આપ ચાય નહી પીઓગે તો હમે અચ્છા નાહી લગેગા.’ માતાદીને વિવેક કર્યો.

‘અરે ઐસા નહી હૈ મુજે ઝરા ઝરૂરી કામ હૈ.’ શાંતનુ એ એઝ યુઝવલ ચા વાળાને અને પછી પાન નાં ગલ્લાવાળાને પૈસા ચૂકવ્યા. રોજ નો ક્રમ હોવાથી એલોકો એ પણ તરત જ માતાદીન ને ચા અને બીડીનું બંડલ ધરી દીધું. શાંતનુ માતાદીન ને છોડી ને યોગ્ય જગ્યા શોધવા લાગ્યો. ઘડિયાળમાં ઓલરેડી આઠ ને પચાસ થઇ હતી.

શાંતનુએ બિલ્ડીંગની ડાબી બાજુ જ્યાં બિલ્ડીંગ નું ટ્રાન્સફોર્મર હતું એનાં ખચકામાં સલામત જગ્યા શોધી લીધી. અહીંથી તે બિલ્ડીંગ નું એન્ટ્રન્સ સીધું જોઇ શકતો હતો અને એનાં પર કોઇનું ધ્યાન પડે એવું પણ ન હતું. શાંતનુ થોડો આકુળવ્યાકુળ થઇ રહ્યો હતો..થોડો નહી જરૂર કરતાં પણ વધુ. ઘડિયાળ હવે આઠ ને પંચાવન દેખાડી રહી હતી અને અનુશ્રી નાં આવવાનાં કોઇ જ ઠેકાણાં ન હતાં. શાંતનુ ને ફરીથી મોં-માથાં વિચારો આવવા માંડ્યા. એણે તો એટલી હદે વિચારી લીધું કે અનુશ્રીએ રાજીનામું આપી દીધું હશે અને આજે એ નહી આવે. એનું આવું માનવું કદાચ યોગ્ય હતું કારણકે હવે તો નવ વાગી રહ્યાં હતાં. કાલેતો અનુશ્રી આઠ ને પચાસે જ આવી હતી તો આજે કેમ??

‘અરે સાંતનુ બાબા? ઉપર નાહી ગયે કા? ઇધર કૌનો છુપ્પમ છુપાઇ ખેલ રહે હો કા? માતાદીને શાંતનુ ને ચીડવ્યો.

‘નહી નહી વો એક ફોન કરના થા ઇમ્પોર્ટન્ટ, પર લીફ્ટમેં નેટવર્ક નહી આ રહા થા તો ઇધર આ ગયા અબ ઉસકે ફોન કી રાહ દેખ રહા હું.’ શાંતનુએ માતાદીન થી પીછો છોડાવવા મનમાં આવ્યો એ જવાબ આપ્યો.

‘ઠીક હૈ ઠીક હૈ.’ માતાદીને પણ વધુ પુછપરછ ન કરી કારણે અત્યારે એનો રાઉન્ડ મારવા નો સમય હતો. એ ફરી થી પોતાનાં કાયમના સ્થળે જવા ફર્યો અને હજી થોડાંક ડગલાં ભર્યા હશે ત્યાં વળી શાંતનુ તરફ પાછો આવ્યો.

શાંતનુ ને ન ગમ્યું પણ એની પાસે માતાદીન ને નારાજ કરવાનું ન તો કોઇ કારણ હતું કે ન તો એને અવોઇડ કરવાનું એટલે એણે પોતાની એક નજર એન્ટ્રન્સ પર જ રાખી અને ખોટે ખોટો કોઇને કૉલ કરવા માંગતો હોય એવી એક્ટિંગ કરવા લાગ્યો. ફક્ત ચોવીસ કલાકમાં કેટલો બદલાઇ ગયો હતો શાંતનુ?

‘અરે સાંતનુ બાબા, ઉ કલ આપ હમસે પૂછત રહે ના મૈડમ કે બારે મેં? જો પરસો આઇ થી? અરે ઉ તો આપ કે સામને પાંચસો તીન મૈ હી નોકરી માં લગી હૈ.’ માતાદીને એટમ બોમ્બ ફોડ્યો અને શાંતનુ અવાક રહી ગયો!

‘ક્યા?’ શાંતનુ ફરી થી બધવાઇ ને બોલ્યો...

‘હા વો આજ સુબો આઠ બજે હી આ ગઈ થી ઔર હમસે પૂછને લગી કે પાર્કિંગ મેં કોઈ સેફ જગા બતાઓ તાકી ઉનકી સ્કુટી કો કુછ નાં હો. અબ તો ઈ રોજ કી બાત હો ગઈ ના ?’ માતાદીન એની વાત જણાવી રહ્યો હતો.

‘ફીર?’ શાંતનુથી રહેવાયું નહી.

‘ફીર આપસે પૂછે બગૈર આપકે પાર્કિંગવા કે બગલવાલી જગા દેદી. ઉકા નામ અનુસ્રી મૈડમ હૈ, હમકો સૌ રૂપિયા ભી દીયા. હમ બોલે આપ ફિકર ના કરો આપકે સ્કુટી કી જિમ્મેદારી અબ હમાર હૈ. સાંતનુ બાબા આપકો કોઇ હર્જા નહી ના હૈ અગર આપકી બાઇક કે બગલ મૈ સ્કુટી રહે તો? આપ તો પુરા દિન બહાર રહેતે હૈ ઔર ઉનકો છ બજે તક આફિસ મેં હી રહના હૈ અગર આપ કો તકલીફ હોગી તો હમ હૈ ના? અડજેસ્ટ કર લેંગે.’ માતાદીન વગર રોકાયે બોલી રહ્યો હતો.

શાંતનુનાં મગજમાં માંડ માંડ બત્તી થઇ. એ નકામો અનુશ્રી ની રાહ જોઇ રહ્યો હતો. એ તો ઓલરેડી આઠ વાગ્યા ની એની ઓફિસમાં આવી ચુકી હતી. એને નવાઇ લાગી કે આટલી વહેલી? પણ એની સ્કુટી પોતાનાં બાઇક ની બાાજુમાં જ? આ વાત એને ખુબ ગમી ગઇ. માતાદીન હજી એનાં જવાબ ની રાહ જોઇ રહ્યો હતો અને શાંતનુનું ધ્યાન એ તરફ ગયું.’

‘અરે માતાદીન ભૈય્યા ઇસ મૈ ક્યા બાત હૈ? કિસીકે કામ આના તો અચ્છી બાત હૈ ના? ઔર આપ જીસ તરહ મેરી બાઇક કા ખયાલ રખતે હો વૈસે હી ઉનકી સ્કુટી કા ભી રખના ઠીક હૈ?’ શાંતનુ બોલ્યો અને માતાદીન નાં ખભે હાથ મૂકી સ્મિત આપી ને લીફ્ટ તરફ દોડ્યો.

લીફ્ટ આજે જાણે કે એનાં માટે જ ઉભી હતી શાંતનુ દોડીને લીફ્ટ માં ઘુસી ગયો. પાંચમાં માળે પહોંચતા જ એ તેજ ગતીએ પોતાની ઓફિસ તરફ ચાલવા માંડ્યો અને જોયું તો એનાં પેસેજ નાં છેક છેવાડે જ્યાં એક મોટી બારી હતી ત્યાં અનુશ્રી એનાં સેલફોન પર કોઇ જોડે વાત કરી રહી હતી. શાંતનુએ ‘પાંચસો ત્રણ’ તરફ જોયું તો ઓફિસ પર તો તાળું માર્યું હતું.

‘ઓફિસ પર તો તાળું છે તો આ અત્યારથી અહીયાં કેમ?’ શાંતનુ વિચારવા લાગ્યો.

એની ઓફિસ તો રોજની જેમ ખુલી ગઈ હતી પણ નજર સામે અનુશ્રી હતી તો અંદર કેમ જવાય ? એણે થોડો વીચાર કરીને પોતાની ઓફિસનું બારણું અડધું ખોલી ને પોતાની બેગ ફ્રન્ટ ડેસ્ક પર મૂકી દીધી અને અનુશ્રીનાં કોલનાં પુરા થવાની રાહ જોવા લાગ્યો. અનુશ્રીની પીઠ એનાં તરફ હતી. શાંતનુની ઓફિસ થી અનુશ્રી જ્યાં ઉભી હતી એ જગ્યા સારી એવી દુર હતી. શાંતનુ પોતાની ઓફિસનાં બારણે જ ઉભો રહ્યો. પાંચ થી સાત મિનીટ પછી અનુશ્રી ની વાત પૂરી થઈ હોય એમ લાગ્યું. એ પોતાની મૂળ પોઝીશનથી ઉંધી ફરી અને પોતાનાં ફોનમાં કંઈક કરવા લાગી એનું ધ્યાન હજી સુધી શાંતનુ પર નહોતું પડ્યું. શાંતનુ ને પણ એ એની રાહ જોવે છે એવું લાગવા દેવું ન હતું. એટલે જ એ જાણે પોતાની ઓફિસમાં ઘૂસતો હોય એવી રીતે પોતાની ઓફિસનો દરવાજો પકડીને ઉભો રહ્યો. અંતે અનુશ્રી એ પોતાનો ફોન લોક કર્યો અને પોતાની ઓફિસ તરફ જોયું જે હજી પણ બંધ જ હતી અને પછી એની નજર શાંતનુ પર પડી.....

‘હેય શાંતનુ!’ શાંતનુ ને જોઇને અનુશ્રી એ બુમ પાડી. શાંતનુ ને તો આ જ જોઇતું હતું.

‘ઓહ હાઇ!’ શાંતનુ જાણે કે ઓફિસમાં ઘુસી રહ્યો હોય અને અચાનક એનું ધ્યાન અનુશ્રી તરફ ગયું હોય એવી એક્ટિંગ કરી. બે દિવસમાં એ આવી અદાકારીનો માસ્ટર થઇ ગયો હતો. અનુશ્રી એની તરફ જ આવી રહી હતી પણ શાંતનુ ને એની ઓફિસના મજનુઓ થી એને દુર રાખવી હતી એટલે એણે પણ અનુશ્રી તરફ થોડી મજલ કાપવાની શરુ કરી.

‘કેમ છો?’ શાંતનુ એ અનુશ્રી ને પૂછ્યું હવે એની નર્વસનેસ દુર થઇ ગઇ હતી.

‘બસ મજામાં.’ અનુશ્રી એ પોતાની લટ સરખી કરતાં સ્મિત આપતાં જવાબ આપ્યો.

‘તમારી ઓફિસ તો હજી બંધ છે.’ શાંતનુએ પૂછ્યું પણ એણે અનુશ્રી ને એ નહોતુ કળાવા દેવું કે એને ખબર છે કે તે આઠ વાગ્યા ની અહી આવી ગઇ છે.

‘હા સાડા નવ વાગે ખુલશે, આઇ નો પણ હું થોડી વહેલી આવી ગઇ આજે ઓફિશિયલી પહેલો દિવસ ને? એટલે રિસ્ક ન લેવાય.’ અનુશ્રી એ જવાબ આપ્યો. શાંતનુને ‘થોડી વહેલી’ શબ્દ કઠ્યો પણ વિચાર્યું કે એની પર્સનલ મેટરમાં એને શુંય

‘સોરી ઓલ મેલ્સ પ્લીઝ, નહીતો કાલથી તો તમને મારી ઓફિસમાં જરૂર બેસાડત.’ શાંતનુએ વિવેક કર્યો.

‘ઓહ નો ઇટ્‌સ ઓકે કાલથી તો હું પણ સાડાનવ ની આસપાસ જ આવીશ.’ અનુશ્રી એ ફરી સ્મિત આપ્યું અને શાંતનુ ફરીથી અડધો અડધો થઇ ગયો. પણ હવે આગળ શું વાત કરવી એ તેને સુઝતું ન હતું. શાંતનુ ની આ તકલીફ અક્ષયે દુર કરી.

‘કેમ છો મેડમ? ગુડ મોર્નિંગ શાંતનુ’દા.’ અક્ષયે એની ઇમેજ મુજબ જ પોતાની બોલકી એન્ટ્રી કરી.

‘હેય..હાઇ અક્ષય..રાઇટ? ગુડ મોર્નિંગ.’ અનુશ્રી એ અક્ષયને જવાબ આપ્યો.

‘જી હા..અનુ મેેમ.’ અક્ષય હસતાં હસતાં બોલ્યો.

‘અરે થેન્કસ અક્ષય.. આઇ મીન સિરુ માટે, કાલે સાંજે એનો કૉલ હતો.’ કહીને અનુશ્રીએ પોતાનો હાથ અક્ષય સામે લંબાવ્યો.

‘અરે થેન્ક્સ શેના મારી ડ્યુટી હતી.’ અક્ષયે એક ખંધુ સ્મિત શાંતનુ સામે કરી ને અનુશ્રીનો હાથ પકડીને ખુબ હલાવ્યો. શાંતનુ ને અક્ષયના બધાં જ ‘ફંદાઓ’ની ખબર હતી અને એને ખબર હતી કે અક્ષય એને ચીડવતો હતો.

‘એ બરોબર છે પણ એને આ જોબની ખાસ જરૂર હતી. એનાં ફાધર ત્રણ મહિના પહેલાં જ એક એક્સીડન્ટને કારણે પેરેલાઈઝડ થઈ ગયાં છે અને એક નાનો ભાઈ છે જે હજી તો ભણે છે એટલે આખા ઘરની જવાબદારી એનાં પર છે.’ અનુશ્રીએ સિરતદીપ ની આખી કહાણી ટૂંકમાં કહી દીધી.

‘ઓહ સો સેડ. અનુ મેમ આ તો મને ખબર ન હતી પણ જો આ વાતની મને પહેલે થી જ ખબર હોત તો તો હું જરૂર એમનાં માટે મહેનત કરત. જયેશભાઇ મારાં ખાસ મિત્ર છે.’ અક્ષયે જવાબ આપ્યો. શાંતનુ ને આ બધું જે થઇ રહ્યું હતું એ ગમી રહ્યું હતું.

‘સો નાઇસ ઓફ યુ અક્ષય. હજી કાલ સુધી આપણે બધાં એકબીજા ને ઓળખતાં પણ ન હતાં અને અચાનક તમે કાફે માં આવ્યાં જ્યાં લકીલી હું અને સિરુ બેઠાં હતાં અને એનું કામ થઇ ગયું. કેવી અજબ વાત છે ને?’ અનુશ્રીએ વળી પોતાની લટ સરખી કરતાં કહ્યું. એની આ ‘અચાનક કાફે માં આવવા વાળી વાત’ પર અક્ષય અને શાંતનુ બન્ને ને થોડુંક હસવું આવી ગયું પણ બન્નેએ કંટ્રોલ કર્યો.

‘લાઇફ ઇસ લાઇક ધેટ અનુશ્રી, જેને તમે વર્ષો થી ઓળખતાં હોવ એ તમારી મદદે ન આવે અને જેને તમે ગઇ પળ સુધી ન ઓળખતાં હોવ એ તમને અચાનક મદદ કરી જાય એવું બને.’ શાંતનુ ને ગમેતેમ આ ચર્ચામાં ઝુકાવવું હતું એટલે એને જેવી આવડી એવી ફિલોસોફી ઝાડી. પણ અનુશ્રી ને એ ગમી હોય એવું લાગ્યું.

‘એક્ઝક્ટલી શાંતનુ, હું પણ આ જ ફિલોસોફી માં માનું છું.’ અનુશ્રી નું ધ્યાન શાંતનુ શાંતનુ તરફ વળ્યું અને એણે એની સામે જોયું. શાંતનુ એ કદાચ પહેલીવાર અનુશ્રી ની આંખોમાં પરોવી અને સ્મિત આપ્યું.

‘ચલો હવે ફિલોસોફી બાજુમાં મુકો શાંતનુ સર અને અનુશ્રી મેમ, સિરતદીપ ને કહેજો કે મારે તો પાર્ટી જોઇએ એનાં ફર્સ્ટ સેલરી ડે પર.’ અક્ષયે માંગણી કરી.

‘શ્યોર વ્હાય નોટ? સેલરી ડે સુધી રાહ જોવાની ક્યાં જરૂર છે? કાલે જ રાખીએ? સેટરડે પણ છે તો ડીનર કરીએ ક્યાંક?’ અનુશ્રી એ સામે થી ઈન્વીટેશન આપ્યું.

‘એક મિનીટ, એક મિનીટ..દરેક બાબત માં લેડીઝ ફર્સ્ટ બરોબર છે પણ આ ડીનર પાર્ટી હું અને બડે ભાઇ જ આપશું ઓકે?’ અક્ષયે પોતાનો અનુભવ કામે લગાડ્યો.

‘હા એક્ઝેક્ટલી અત્યારે તો અમારો જ વારો.’ શાંતનુ પણ અક્ષય ની વાત સાથે સંમત થયો.

‘ના, ના, સિરુને જોબ મળી છે ને એટલે અમેજ પાર્ટી આપશું.’ અનુશ્રીનો આગ્રહ મજબુત હતો.

‘ના..ના...ના.. કાલે ભાઇનો બર્થડે છે એટલે પાર્ટીતો ભાઇ જ આપશે.’ અચાનક અક્ષય બોલ્યો અને શાંતનુને પણ યાદ આવ્યું કે કાલે એટલેકે આઠમી મે એનો જન્મદિવસ છે.

‘ઓહ વાઉ, ધેટ્‌સ ગ્રેટ...અમ્મ...ઠીક છે આ વખતે જવા દઉં છું પણ સિરુ ની ફર્સ્ટ સેલરી વખતે અમે જ પાર્ટી આપીશું ઓકે? ચલો મારી ઓફિસ ખુલી ગઇ સી યા..’ અનુશ્રી શાંતનુ અને અક્ષય ને આવજો કરતાંં પોતાની ઓફિસ માં ચાલી ગઇ.

શાંતનુ અને અક્ષય એકબીજા સામે જોઇ રહ્યાં. શાંતનુ ની વાર્તા જરૂર કરતાં વધુ જ ઝડપે આગળ વધી રહી હતી કે શું? શું આમ થવું શક્ય હતું? શું શાંતનુ જેવાં શરમાળ છોકરાની ની કોઇ પ્રેમ કહાણી શક્ય છે? અને જો શક્ય છે તો શું એ અનુશ્રી જોડે? શાંતનુ સ્વગત આવું જ કઇક વિચારી રહ્યો હતો. એ અક્ષય સાથે પોતાની ઓફિસમાં ઘુસી જ રહ્યો હતો ત્યાં જ અનુશ્રી એ પાછળથી અવાજ આપ્યો.

‘અરે શાંતનુ, કેન આઇ હેવ યોર નંબર પ્લીઝ? આજે તમે ફિલ્ડ પર જતાં રહો તો કાલે ક્યા મળવું એ ફોન પર જ નક્કી કરીશું ને?’ અનુશ્રી ની આ માંગણી શાંતનુ માટે ખુબ નવાઇ પમાડે એમ હતી. અક્ષય પણ ધીમેધીમે મરકી રહ્યો હતો.

‘શ્યોર પ્લીઝ, લખો, નાઇન થ્રી ડબલ...’ શાંતનુ એ પોતાનો સેલ નંબર અનુશ્રી ને આપવા લાગ્યો.

‘ઓક્કે, હું તમને મિસ્ક કોલ આપું છું તમે સેવ કરી લો.’ અનુશ્રી એ પોતાનાં સેલ ફોન માં થી શાંતનુ નો નંબર ડાયલ કર્યો.

શાંતનુ નાં મોબાઇલ પર ‘ઘર’ ફિલ્મનું કિશોરકુમારે ગાયેલું ગીત ‘ફીર વહી રાત હૈ..’ વાગ્યું અને અનુશ્રી નો નંબર દેખાયો એને એમ લાગ્યું કે અનુશ્રી હમણાં કોલ કટ કરશે પણ અનુશ્રી આ રીંગટોન સાંભળી ને મંત્રમુગ્ધ થઇ ગઇ હોય એવું લાગ્યું. શાંતનુ નાં મોસ્ટ ફેવરીટ સોંગ્સ માંનું આ ગીત હતું અને એટલે જ એણે આ રીંગટોન મહિનાઓ થી બદલી ન હતી.

‘હમમમ...ઘર..વાઉ! એનાં બધાં જ ગીતો મારા ફેવરીટ છે, વે ટું ગો શાંતનુ.’ અનુશ્રી એ પોતાનો હાથ લંબાવ્યો.

શાંતનુએ પળ ની પણ રાહ જોયા વિના એનો હાથ પકડી લીધો.

ગીત ની “હો... રાત ભર ખ્વાબ મૈ દેખા કરેંગે તુમ્હે...” લાઇન વાગી અને કોલ આપોઆપ કટ થઇ ગયો!!

-ઃ પ્રકરણ ત્રણ સમાપ્ત :