‘શાંતનુ’
- સિદ્ધાર્થ છાયા
© COPYRIGHTS
This book is copyrighted content of the concerned author as well as Matrubharti.
Matrubharti has exclusive digital publishing rights of this book.
Any illegal copies in physical or digital format are strictly prohibited.
Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.
બે
બીજે દિવસે સવારે શાંતનું જ્વલંતભાઇ નાં આશ્ચર્ય સાથે સવારે સાત વાગે એનાં મોબાઇલમાં એલાર્મ વાગતાં ની સાથે જ પથારી માંથી ઉભો થઇ ગયો. જ્વલંતભાઇ તો હજી રસોડામાં ચા-નાસ્તો બનાવવાં ની શરૂઆત જ કરી રહ્યાં હતાં.
‘ક્યા બાત હૈ શાંતનુ ભાઇ ટાઇમસર ઉઠી ને તમે તો આજે કરી નવી નવાઇ ?’ શાંતનું ને એનાં રૂમ માંથી બહાર આવતાં જોઇ જ્વલંતભાઇ તરત જ બોલ્યા.
‘હા આજે અમે ઓફિસે થોડાં વહેલાં જવાના, પેલી પોલીસીઓ અને એનાં ચેક છે જમા કરાવવાનાં.’ શાંતનુ બગાસું ખાતાં ખાતાં બાથરૂમમાં ગયો.
પ્રાતઃ ક્રિયાઓ અને નહાવાનું સાથે પતાવી અને ઓફિસનાં કપડાં પહેરીને જ એ બહાર આવ્યો. ટેબલ ઉપરની ઘડિયાળ બરોબર ૮ દેખાડતી હતી. શાંતનું ટેબલ પર બેઠો અને એની સામે ફરીથી સેન્ડવીચ પડેલી જોઇને થોડું મોઢું બગડ્યું.
‘પપ્પા ચેન્જ કરો આ કોરી કોરી સેન્ડવીચ નું રોસ્ટર ચાલો ને લઇ આવીએ એક ટોસ્ટર?’ શાંતનું એ ડીમાંડ મુકી.
‘બે દિવસથી હું પણ એજ વિચારતો હતો અને આજે સાંજે જ ગીરનાર મોલ માં જવાનો હતો.’ જ્વલંતભાઇએ વળતો જવાબ આપ્યો. શાંતનુ એ જવાબમાં ફક્ત સ્મિત આપ્યું.
નાસ્તો પુરો કરી ને શાંતનુએ પોતાની બેગ લીધી, શુઝ પહેર્યા અને જ્વલંતભાઇ ને બરોબર સાડા આઠ વાગે ‘આવજો’ કરીને ઘરની બહાર નીકળી ગયો. આજે એ ઘણો વહેલો હતો એટલે શાંતિથી પોતાનું બાઇક ચલાવતાં ચલાવતાં ઓફિસ પહોંચી ગયો અને પોતાનાં ફેવરીટ પાર્કિંગ સ્લોટમાં પોતાનું બાઇક પાર્ક કરી દીધું. માતાદીન એની રાહ જ જોઇ રહ્યો હતો. શાંતનું તરત એની પાસે ગયો અને પછી બન્ને કોમ્પ્લેક્સ ની બહારનાં પેલાં ચા નાં ગલ્લે પહોંચી ગયાં. શાંતનુએ ‘એક આખી’ નો ઓર્ડર આપ્યો અને બાજુનાં પાનનાં ગલ્લા માં થી માતાદીન માટે ‘૩૦૨’ નું બંડલ લઇ ને બન્નેનાં પૈસા ચુકવ્યાં.
બીડી અને લઇ ને એ આગળ વધી રહ્યો હતો ત્યાં જ કાલ વાળી જ ‘પેલી’ છોકરી જેણે એને એનાજ કોમ્પ્લેક્સનું અડ્રેસ પૂછ્યું હતું એ એને સામે થી રસ્તો કોસ કરીને આવતાં દેખાઇ. આજે ફરીથી એ એનાં બિલ્ડીંગ તરફ જ આવી રહી હતી. આ વખતે શાંતનુને પોતાની ‘છાપ’ માટે કોઇ પણ ચાન્સ લેવો ન હતો એટલે એણે ‘પેલી’ રસ્તો ક્રોસ કરી ને પોતાની તરફ આવે એ પહેલાં જ ઝડપથી માતાદીન ને ‘૩૦૨’ છાપનું બંડલ પકડાવી દીધું અને પોતે એનાંથી દુર વ્યવસ્થીત રીતે ઊભો રહી ગયો.
‘પેલી’ આજે ગઇકાલ કરતાં વધુ સુંદર લાગી રહી હતી. પણ આજે એણે કાળા રંગનુું ટ્રાઉઝર, એ જ કલર નો કોટ અને અંદર નેવી બ્લ્યુ કલરનું શર્ટ પહેરેલું હતું, હા એનાં વાળ કાલની જેમ જ કોરાં અને ખુલ્લા હતાં અને કાલની જેમ જ જમણી સાઇડ જ એણે સેંથી રાખી હતી. શાંતનું એકદમ ‘અટેન્શન’ ની પોઝીશનમાં આવી ગયો અને આજે પોતાને ‘પેલી’ દ્ધારા પૂછનારા કોઇપણ પ્રશ્ન માટે પોતાને માનસિક રીતે તૈયાર કરી લીધો. પણ એક પ્રશ્ન અચાનક શાંતનું ને મુંજવી ગયો, કાલે આવી હતી તો આજે કેમ પાછી આવી? ‘પેલી’ એની તરફ વધુનેે વધુ નજીક આવી રહી હતી પણ જ્યારે એ એની તદ્દન નજીક આવી ત્યારે એણે શાંતનું ને જોયો જ નહી અને સીધીજ બિલ્ડીંગ માં ઘુસી ગઇ. શાંતનું પાછળ વળી ને એની તરફ જોઇ રહ્યો.
‘માતાદીન યે કૌન ભૈય્યા?’ શાંતનુએ ‘પેલી’ જોતાં જોતાં માતાદીન ને પૂછ્યું.
‘પતા નહી બચવા, હોગી કોઇ હમકો કા?’ માતાદીને બીડી પીતાં પીતાં જવાબ આપ્યો.
પણ શાંતનુ થી રહેવાયું નહી એણે ચા પીધી નહોતી તોપણ ભરેલી ચા નો પ્લાસ્ટીકનો પ્યાલો ડસ્ટબીનમાં ફેંકીને ‘પેલી’ ની પાછળ લગભગ દોટ મૂકી અને ‘પેલી’ ને હજી પણ લીફ્ટ ની રાહ જોતી અને લાઇનમાં ઉભી રહેલી જોઇ ને એણે હાશકારો અનુભવ્યો. લીફ્ટ માટે રાહ જોતી લાઇનમાં શાંતનું અને ‘એની’ વચ્ચે બીજાં બે જણા હતાં અને લાઇનમાં ઉભા રહેલાં સહુથી પહેલાં વ્યક્તિ અને ‘પેલી’ વચ્ચે બીજાં બે વ્યક્તિઓ હતાં. લિફ્ટમાં પાંચ થી વધુ લોકો અલાઉડ નહોતાં એટલે શાંતનુ અને ‘પેલી’ બન્ને એક જ રાઉન્ડમાં લીફ્ટમાં સાથે આવે એ પોસિબલ નહોતું. લીફ્ટ ભોયરા માંથી ઉપર આવી અને લિફ્ટમાં ઓલરેડી ત્રણ વ્યક્તિઓ હતાં જ એટલે આગળ ઉભેલાં પહેલાં બે વ્યક્તિઓ ને જ લીફ્ટ મેને અંદર આવવા દીધાં. હવે ‘પેલી’ નો નંબર બીજો હતો અને શાંતનુનો પાંચમો.
શાંતનુ મનોમન ખુશ તો થયો પણ સાથે સાથે એમ પણ વિચાર્યું કે નેકસ્ટ ટાઇમ પણ લીફ્ટ જો ત્રણ ચાર વ્યક્તિઓ ને ભોયરા માંથી લાવશે તો? પણ આજે કાઇક અજીબ બની રહ્યું હતું. શાંતનુની આગળવાળા નો મોબાઇલ રણક્યો અને એ ‘હમણાં આવું સાહેબ’ એમ કહી ને સીડીઓ તરફ દોડ્યો અને શાંતનું ને અચાનક જ પ્રમોશન મળ્યું. હવે ‘પેલી’ અને એની વચ્ચે એકજ વ્યક્તિ હતી. લીફ્ટ નીચે આવી રહી હતી અને સાતમે માળે જરૂર કરતાં વધુ રોકાઇ પડી. શાંતનુ ની આગળ ઉભેલો વ્યક્તિ પણ કદાચ ઉભો રહી ને કંટાળ્યો હશે અને કાં તો એનું કોઇ અગત્યનું કામ અટકી રહ્યું હશે અથવાતો બહુ ઉપરનાં માળે નહી જવું હોય એટલે એણે પણ લીફ્ટ નો મોહ છોડી અને દાદરા તરફ ચાલતી પકડી. હવે લાઇનમાં ‘પેલી’ અને એની તરત પાછળ શાંતનું.
‘નસીબ ખરાબ હશે તો લીફ્ટવાળો નીચે થી જ ચાર લોકો ને લાવશે’ શાંતનું મનોમન બબડ્યો.
‘પેલી’ એ હવે એનાં ગોગલ્સ માથે ચડાવી દીધાં હતાં અને વારેવારે પોતાનાં જમણા હાથની પહેલી બે આંગળીઓ થી પોતાનાં વાળ સરખાં કરતી હતી. એણે હજી સુધી એકવાર પણ પાછળ જોવાની દરકાર કરી ન હતી. શાંતનું એની પાછળ ‘સલામત’ અંતર રાખીને ઉભો હતો. ‘પેલી’ એ કાલવાળું જ અત્તર પહેર્યું હતું અને એની સુગંધ શાંતનુને આજે પણ ખુબ જ તરબોળ કરી રહી હતી. લીફ્ટ ભોયરામાં ગઇ અને થોડીજ વારમાં લીફ્ટનાં ઇન્ડીકેટરમાં ‘અપ’ એરો દેખાયો અને શાંતનું નાં હ્ય્દયનાં ધબકારા પણ ‘અપ’ થવા માંડ્યા.
શાંતનુ આવો કદાપી નહોતો આવો ઉતાવળો અને છોકરી પાછળ દોડનારો...પણ આજે ખહાર નહી કેમ આ બધું એની મેળે જ થઇ રહ્યું હતું. લીફ્ટ ગ્રાઉન્ડ ફ્લોર પર આવી, લીફ્ટના ઓટોમેટિક દરવાજા ખૂલ્યાં અને શાંતનું નું હ્ય્દય લગભગ ગળામાં આવી ગયું અને લિફ્ટમાં ફક્ત એક જ વ્યક્તિને જોઇ ને બે લગભગ આનંદ થી ગદગદ થઇ ગયો અને મનોમન “યેસ્સ” એમ બોલી પોતાનાં ડાબા હાથ ની મુઠ્ઠી વાળી ને હળવેકથી નીચેની તરફ ખેંચી. લિફ્ટમાં જે એક માત્ર વ્યક્તિ હતો એ ડાબી બાજુ છેક ખૂણામાં ઉભો હતો અને ‘પેલી’ એ એનો વિરુદ્ધ ખૂણો એટલે કે લીફ્ટમેન ની બરોબર પાછળનો ખૂણો પકડ્યો. શાંતનુ પેલાં ડાબી બાજુનાં ખુણાવાળાં વ્યક્તિની બરોબર બાજુમાં ઉભો રહ્યો, ‘પેલી’ સલામત અંતર રાખી ને. પોતાની આંખોનાં જમણાં ખૂણેથી એ સતત ‘પેલી’ ને જોઇ રહ્યો હતો પણ એને ખબર પડે નહી એનું ધ્યાન પણ રાખતો હતો. શાંતનુ અને ‘પેલી’ સાથે બીજી એક વ્યક્તિ પણ લિફ્ટમાં ચડી હતી.
લીફ્ટ ઉપડી અને સીધી બીજે માળે ઊભી રહી ત્યાં પેલો ડાબી બાજુનાં ખુણા વાળો અને શાંતનુ પછી આવેલો બીજો વ્યક્તિ ઉતરી ગયાં. હવે લિફ્ટમાં શાંતનુ, ‘પેલી’ અને લીફ્ટમેન ત્રણ જ હતાં. ‘પેલી’ સતત લીફ્ટના દરવાજા સામે જ જોઇ રહી હતી. શાંતનુ નું હ્ય્દય ખબર નહી પણ કેમ આજે ખુબ જોરથી ધબકી રહ્યું હતું. સતત ‘પેલી’ સામે એ જોઇ રહ્યો હતો. આવું કઠોર આકર્ષણ કદાચ એને રૂપાલી પ્રત્યે પણ થયું ન હતું. આજે એની સાથે એક પછી એક નવી બાબતો કુદરતી રીતેજ બની રહી હતી. ચોથો માળ ગયો અને પાંચમો માળ આવ્યો. લીફ્ટ ઉભી રહી. દરવાજા ખુલ્યા શાંતનું હજી આંખોનાં ખૂણે થી ‘પેલી’ તરફ જોઇ રહ્યો હતો એ લીફ્ટના દરવાજા ખુલતાં જ બહાર નીકળવા માંડી. લીફ્ટમેને શાંતનુ તરફ જોયું. શાંતનું હજી પેલી તરફ જ જોઇ રહ્યો હતો હવે સીધી આંખોથી કારણકે તે લીફ્ટ ની બહાર જઇ રહી હતી. લીફ્ટમેન ને આશ્ચર્ય થયું...
‘તમારે જવું નથી?’ લીફ્ટમેને પાછળ વળી ને કીધું.
‘ઓહ હા’ શાંતનુ જાગ્યો. અને એને નવાઇ લાગી કે ‘પેલી’ પણ કેમ પાંચમાં માળે જ ઉતરી ગઇ?? એ ફરી થી ઝડપભેર ‘પેલી’ ની પાછળ ચાલવા લાગ્યો. શાંતનુને નવાઇ ઉપર નવાઇ લાગી રહી હતી. પેસેજમાં વળીને ‘પેલી’ એની ઓફિસ તરફ જ જઇ રહી હતી. શાંતનુના મનમાં હજારો વિચારો આવવાં લાગ્યાં. જેમકે, ‘પેલી’ કાલે પોતાને બીડી સાથે જોઇ ગઇ હતી તો એની કમ્પ્લેઇન કરવાં જઇ રહી છે શું? કાલે કોમ્પ્લેક્સ માં આવી હતી તો એની ઓફિસનાં કોઇ બંદા એ એની સાથે કોઇ જેવી તેવી હરકત કરી હશે કે શું? આવાં મોં માથાં વિનાનાં સવાલો એનાં મગજમાં સતત આવી રહ્યાં હતાં અને ત્યાંજ એ શાંતનુની ઓફિસ ની સામે આવેલી અને કાલે જ જેનું ઉદ્ધાટન થયું હતું તે ‘પાંચસો ત્રણ’ માં ઘુસી ગઇ. ઓફિસનું બારણું ઝડપથી આપોઆપ બંધ થઇ ગયું. શાંતનુની નજર બારણા ની ઉપર ગઇ અને ‘નવયુગ ઇન્ટરનેશનલ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ’ એવું ઝગારા મારતું બોર્ડ એણે જોયું.
‘ઓહ કાલે બપોર પછી જ આ બોર્ડ માર્યું હશે...મારાં ગયાં પછી.’ શાંતનુ વિચારતાં વિચારતાં પોતાની ઓફિસ તરફ વળ્યો અને અંદર ઘૂસ્યો.
ઓફિસમાં સત્યા અને પ્યુન શંકર સીવાય કોઇ જ આવ્યું ન હતું. ઘડિયાળમાં હજી ૮.૫૫ વાગી રહ્યાં હતાં. શાંતનુને પોતાને નવાઇ લાગી રહી હતી કે આજે તે એક છોકરી પાછળ કેમ આટલું દોડ્યો? એવું તો શું છે ‘પેલી’ માં? એણે કુલરમાંથી પાણી પીધું અને થોડીવાર પછી એને પોતાનું કામ યાદ આવ્યું. નીચે ઝુકી ને પોતાની સિસ્ટમ ચાલુ કરી. પોતાની ગઇકાલે ‘ક્લોઝ’ કરેલી પોલીસી નાં ફોર્મસ, ડોક્યુમેન્ટ્સ અને ચેક્સ વગેરે એણે પોતાની બેગ માંથી ભેગાં કર્યાં. સિસ્ટમ ચાલુ થતાં જ કંપની નું સોફ્ટવેર ચાલુ કરી ને એમાં બધી જ ડીટેઇલ્સ નાંખવા માંડ્યો. દૂર દૂર એનાં મગજમાં હજી પર ‘પેલી’, એનો સુંદર ચહેરો, એની માથામાં પહેલી બે આંગળીઓ ફેરવવાની કે પછી ગોગલ્સ ઉફર ચડાવવાની અદા, લિફ્ટમાં શાંતિ થી ઊભા રહેવા ની સ્ટાઇલ વગેરે હજી પણ એક ફિલ્મની જેમ ચાલી રહ્યું હતું. હ્ય્દય હજી પણ જોર થી ધબકી રહ્યું હતું. એનાં પગ અને હાથ હજી પણ કોઇક અજીબ નબળાઇ મહેસુસ કરી રહ્યાં હતાં. શાંતનુ તેમ છતાં ગમેતેમ પોતાની લાગણીઓ ને એકઠી કરી અને એને મનમાં કોઇક ખૂણે લોક કરી ને પોતાનાં કામમાં ધ્યાન આપી રહ્યો હતો અને ધીમે ધીમે બધી જ પોલીસી ‘ડેટા એન્ટ્રી’ પેલાં સોફ્ટવેર માં કરી રહ્યો હતો.
‘ગુડ મોર્નિંગ બડે ભૈય્યા.’ સવા નવ નાં ટકોરે અક્ષય નો અવાજ આવ્યો. હવે ઓફિસમાં સારાં એવાં લોકો આવી ગયાં હતાં. પણ શાંતનુ નું ધ્યાન તો અક્ષયનાં અવાજથી જ ભંગ થયું. એણે ફ્કત હાથ ઉંચો કરી ને અક્ષયનાં ગુડ મોર્નિંગ નો જવાબ આપ્યો અને પોતાનું કામ કરવા લાગ્યો. આ બાજુ અક્ષય કલબલાટ ચાલુ રાખી રહ્યો હતો.
‘પેલાં મુંબઇ વાળાં સાહેબ નથી આવ્યાં? સત્યા?’ અક્ષયે સત્યા ને પૂછ્યું.
‘સાંજની ફ્લાઇટમાં આવવાનાં છે.’ સત્યાએ રાબેતામુજબ સિસ્ટમમાં એન્ટ્રી કરતાં કરતાં જ જવાબ આપ્યો.
‘વાઉ આજે ફરીથી અનઓફિશિયલી ઓફીશીયલ રજા એમ જ ને?’ અક્ષયે કાલ ની જેમ જ ફરી જોર થી બુમ પાડી.
‘કામ કર બકા કામ.’ શાંતનુ એની જગ્યા એ થી સ્ટેપલર લેવા સત્યાનાં ટેબર તરફ જતાં જતાં અક્ષયનાં માથે ટપલી મારતો અને અક્ષયનાં શબ્દોમાં એનું ‘ટીપીકલ સ્વીટ સ્માઇલ’ આપતાં બોલ્યો.
‘ક્યા બાત હૈ? ક્યા બાત હૈ? ક્યા બાત હૈ? આજ તો આપ બડા મુડવા દીખા રહે હો બડે ભાઇ?’ અક્ષયે ટીખળ ભર્યા સ્વરમાં કહ્યું. શાંતનુના આ એક જ સ્માઇલ થી એને સમજાઇ ગયું કે આજે એનો મિત્ર-કમમોટોભાઇ ખુબ મૂડમાં છે અને હવે એણે એનું કારણ જાણવું જ રહ્યું.
આ બાજુ શાંતનુ, જુદાં જુદાં ટેબલો પર અસ્તવ્યસ્ત પડેલા કાગળો આમતેમ કરતાં સ્ટેપલર શોધી રહ્યો હતો. એણે એની પોલીસીનાં ડોક્યુમેન્ટ્સ એનાં કાલના સેલ્સ રીપોર્ટ સાથે અટેય કરવા માટે આ સ્ટેપલર ની અત્યંત જરૂર હતી. એનું પોતાનું સ્ટેપલર આજે એની સાથે સંતાકૂકડી રમી રહ્યું હતું. ત્યાંજ એણે સત્યા નાં ટેબલ પર સ્ટેપલર જોયું અને તરત જ લઇ લીધું.
‘આ લઉં છું.’ સત્યાની મંજૂરી લીધાં વીના જ એણે સ્ટેપલર ઉપાડી લીધું.
સત્યા ને પોતાની ચીજો પર ખુબ પ્રેમ હતો અને એ કોઇને પણ એ ચીજો ને અડવા પણ નહોતો દે’તો સીવાય કે શાંતનુ, કારણકે શાંતનુ કોઇપણ લીધેલી ચીજ ભૂલ્યા વીના એને પરત કરતો. શાંતનુને એણે ફરીથી પોતાનાં ચીત હકારમાં ડોકું ધુણાવીને જવાબ વાળ્યો.
શાંતનુને રીપોર્ટ ફાઇલ કરવાની ઉતાવળ હતી કારણકે આજે તેણે અક્ષય માટે કામ કરવાનું હતું. એ પોતાનાં ડેસ્ક તરફ જઇ જ રહ્યો હતો અને ઓફિસનું મેઇન ડોર પસાર કરી જ રહ્યો હતો ત્યાં જ એ બારણું ખુલ્યું....
‘એક્સક્યુઝ મી!’ એક મીઠડો અવાજ શાંતનુનાં કાને પડ્યો અને એણે બારણાં તરફ જોયું અને ત્યાં જ એનું ધ્યાન ચોંટી ગયું. ઓફિસનું મેઇન ડોર અધખુલ્લું રાખી ને ‘પેલી’ એ ફ્કત પોતાનું ડોકું જ અંદર નાખ્યું હતું અને એનો હાથ લંબાયેલો હતો અને એનું બાકીનું શરીર બારણાની બહાર હતું.
‘કેન આઇ હેવ અ સ્ટેપલર પ્લીઝ?’ પેલી એ એક જબરદસ્ત સ્મિત કરતાં શાંતનુ સામે જોયું અને શાંતનુ પગથી માથાં સુધી કટકે કટકે ઢીલોઢસ થવા લાગ્યો. અત્યારે તો ‘પેલી’ નો ખુબસુરત ચહેરો ફક્ત બે ફૂટ દૂર જ એની સામે હતો. શાંંતનુનાં એક હાથમાં જ એક સ્ટેપલર હતું અને અત્યારે એની એને ખુબ જરૂર હતી...
‘હેં? હહહ...હા હા યેસ યેસ..વ્હાય નોટ? શ્યોર...કેમ નહી? હમણાં જ આપું...અરે...અક્ષય?? આમને પેલું ...ઓલું... સ્ટેપ...સ્ટેપ...સ્ટેપલર આપ તો!!’ શાંતનુ ફરી બધવાઇ રહ્યો હતો. અક્ષય એની સીટમાંથી ઉભો થઇ ગયો હતો અને બધો તાલ મસ્તીભરી નજરે જોઇ રહ્યો હતો.
‘કેન આઇ ટેઇક ધીસ?’ પેલી દરવાજો ખોલી ને અંદર આવી અને શાંતનુના હાથમાં રહેલાં સ્ટેપલર તરફ આંગળી કરી.
‘હેં? ... હા હા હા કેમ નહી? કેમ નહી? તો લ્યો ને, પ્લીઝ? શાંતનુ એ સ્ટેપલર એની તરફ લંબાવ્યું. એ એકીટશે એની સામે જોઇ રહ્યો હતો. હાથ-પગ એકદમ ઢીલાં થઇ ગયાં હતાં. હ્ય્દયનાં ધબકારા જરૂર કરતાં દસ ગણી ઝડપથી ધબકી રહ્યાં હતાં. ‘પેલી’ બારણામાં થોડી વધુ અંદર આવી અને પોતાની પહેલી બે આંગળીઓ અને અંગુઠાનાં ખૂણે થી જ શાંતનુના હાથમાં થી સ્ટેપલર નો ઉપર નો ભાગ ખેંચી અને તેને લઇ લીધું.
‘મેં સામે જોબ લીધી છે.. અમારે હજી ઘણી સ્ટેશનરીઝ આવવાની બાકી છે. હું તમને આ દસ મીનીટમાં મનીષ સાથે મોકલાવી દઉં ઓકે?’ આટલું કહી ને ‘પેલી’ શાંતનુને સ્મિત આપી ને ચાલી ગઇ.
શાંતનુ તો ત્યાં ને ત્યાં હિમશીલા ની જેમ ઉભો રહ્યો. ‘પેલી’ ને સ્ટેપલર આપવાની આમ તો એણે હા જ પાડવાની હતી પણ એણે તો એનો મોકો પણ ન આપ્યો. હજી અડધાં એક કલાક પહેલાં એ જેની પાછળ ગાંડાની જેમ દોડ્યો હતો એ અત્યારે ક્યારે એની સામે આવીને ક્યારે જતી રહી એને ખ્યાલ પણ ન આવ્યો. વળી એણે એની સાથે વાત પણ કરી!!
ઓફિસનાં બે-ત્રણ મનચલાઓ શાંતનુનાં નસીબ ને ગાળો દઇ રહ્યાં હતાં. જ્યારે અક્ષયે એકદમ જ પાર્ટી બદલી નાખી હતી. શાંતનુની હાલત જોઇને એને તરત ખ્યાલ આવી ગયો કે હવે એણે એનાં ‘બડે ભૈય્યા’ ને સપોર્ટ કરવાનો છે અને આ બાબતે હવે પછી એણે ગઇકાલની જેમ ‘પેલી’ ને એટલીસ્ટ લાઇન નથી મારવાની...
‘ઓયે હોયે બડે ભૈય્યા ક્યા બાત...ક્યા બાત... ક્યા બાત? યે કબ હુઆ?’ અક્ષયે શાંતનુને ખભે હાથ મૂકી ને પૂછ્યું.
‘શું? શું? શું? કશું નથી યાર’ શાંતનુ ગાઢ નિંદ્રા માંથી જાગ્યો હોય એમ જવાબ આપતાં આપતાં પોતાની ડેસ્ક તરફ ચાલવા લાગ્યો પણ હવે અક્ષય એનો કેડો મુકવાનો ન હતો.
‘ભાઇ બોલો ને યાર, આવું શું કરો છો? આ ‘કાલવાળી’ જ હતી ને ?’ અક્ષય શાંતનુ ની પાછળ પાછળ જ ચાલવા લાગ્યો અને છેક શાંતનુ ની ડેસ્ક સુધી પહોંચી ગયો.
શાંતનુ એ છુપાવવું કે શરમાવું પડે એવુંતો કાઇપણ કામ કર્યું ન હતું તેમ છતાં એ અક્ષય ને અવગણી રહ્યો હતો. વળી ‘કાલ વાળી’ શબ્દ એ એની ઓફિસનાં બીજાં મનચલાઓ નું ધ્યાન એનાં તરફ ખેચ્યું હતું અને એનાંથી એને વધુ ક્ષોભ થઇ રહ્યો હતો. અક્ષય નાં ‘કાતિલ’ સવાલો થી કેમ બચવું એમ વિચારતો જ હતો ત્યાં સત્યાએ શાંતનુ ને બચાવ્યો.
‘આ સ્ટેપલર પાછું તો આપી જશે ને?’ સત્યા એ એની ડેસ્ક પર થી બુમ પાડી. એને એની વસ્તુ પોતાની ઓફિસ નો વ્યક્તિ પણ લઇ જાય એ નહોતું ગમતું તો આ તો સામેની ઓફીસ વાળી કોઇ અજાણી વ્યક્તિ એનું પ્રિય સ્ટેપલર લઇ ગયું હતું એતો એનાંથી ક્યાંથી સહન થાય?
‘હા હા આપી જશે ને? શું કરવા ન આપે?’ શાંતનુ એ એની ખુરશી સત્યા તરફ ફેરવી ને કહ્યું અને મનોમન હાશકારો અનુભવ્યો કારણકે એનાં માટે આના થી અક્ષયનું ધ્યાન તો બીજે દોરવાશે? પણ આ તો અક્ષય હતો એણે તરત ગુગલી ફેંકી.
‘હા સત્યા જરૂર આપશે, બડે ભૈય્યા હમણાં થોડીવાર પછી એને મળવા જશે ને ત્યારે લઇ આવશે હોં? તું ચીંતા ન કર, તું કામ કર હોં બકા!’ અક્ષયે તરત ફીરકી લેવા માંડી.
‘અક્ષય...’ શાંતનુએ કડક નજરે અક્ષય સામે જોયું. જવાબમાં અક્ષયે ફક્ત આંખ મારી.
‘થોડીવાર રાહ જો નહી તો હું હમણાં કોલ ઉપર જઉં છું ત્યારે તને આપતો જઇશ. અક્ષય ત્યાં સુધી તારું સ્ટેપલર આપ મારે રીપોર્ટસ આપવાનાં છે સત્યા ને.’ શાંતનુએ વાત પાડતાં કહ્યું. પણ અક્ષય એમ ક્યાં માને એવો હતો?
‘એક શરતે આપું..મને પણ બધ્ધો જ રીપોર્ટ આપવો પડશે.’ અક્ષયે શાંતનુ ની સામે હસતાં હસતાં કહ્યું. શાંતનુએ આંખ મારી ને હા પાડી દીધી.
અક્ષયનું સ્ટેપલર લઇને શાંતનુએ ફટાફટ રીપોર્ટસની પ્રિન્ટ આઉટસ લઇ અને એને પોલિસીઓ અને ચેક્સ અટેચ કરી અને સત્યા ને આપી દીધાં. આ બધું પતાવતાં એને બીજો અડધો કલાક લાગી ગયો. સત્યાને હવે એનું સ્ટેપલર યાદ આવી રહ્યું હતું એટલે એ વારંવાર શાંતનુ સામે જોઇ રહ્યો હતો. શાંતનુ અક્ષય સાથે સવારે શું બન્યું એ નો ચીતાર એની રીતે આપી રહ્યો હતો. હા પણ એમાં એણે ‘પેલી’ ની પાછળ જે રીતસર ની દોટ મૂકી હતી એ તેને ન જણાવ્યુંં ફક્ત એટલું જ કહ્યું કે એ બન્ને લિફટમાં ભેગાં થઇ ગયાં હતાં અને એ ફક્ત અને ફ્કત કો-ઇન્સીડન્ટ જ હતો. આ ‘કો-ઇન્સીડન્ટ’ શબ્દ પર શાંતનુ એ ખાસ ભાર આપ્યો હતો પણ અક્ષયે ફક્ત આંખ મારી ને એનું પરિચિત તોફાની સ્મિત આપ્યું હતું.
આમનેઆમ કલાક વીતી ગયો હતો. શાંતનુએ પોતાની વાત પતાવી ને હવે આજે એ અને અક્ષય શું કરશે એનો પ્લાન બનાવી રહ્યાં હતાં. જોકે અક્ષય માટે એ બિનજરૂરી ચર્ચા કરી કારણકે એનાં ક્લાયન્ટ્સ સામે શાંતનુ જ બોલવાનો હતો. અક્ષયને વધુ રસ તો શાંતનુ અને ‘પેલી’ વચ્ચે લિફ્ટમાં ભેગાં હોવાં છતાંય આંખો પણ ન મળી અને આમ થયું હોવાં છતાં પણ હમણાં ક્લાકેક પહેલાં જ ‘પેલી’ મંજુરી વીના શાંતનુ નાં હાથમાં થી અધિકાર પૂર્વક સ્ટેપલર કેવી રીતે લઇ ગઇ? એમાં જ હતો.
‘સમજ્યો ને તું?’ શાંતનુ નાં અવાજે અક્ષય નું ધ્યાન તોડ્યું.
‘હા મોટાભાઇ, તમે છો પછી મારે શું ચિંતા?’ અક્ષયે હસતાં હસતાં કહ્યું.
‘સુધરી જા અક્ષુ ...’ શાંતનુ એ અક્ષયને થોડી સલાહ આપવાનું શરુ કર્યું ત્યાં જ સામે વળી ‘પાંચસો ત્રણ’ નો પટાવાળો ઓફિસમાં ઘુસ્યો.
‘આ સ્ટેપલર.’ પેલો બોલ્યો અને દરવાજા પાસેનાં જ ડેસ્ક પર સ્ટેપલર મૂકી દીધું. અક્ષય તરત પોતાની જગ્યાએ થી ઉભો થયો અને રીતસર ની દોટ મૂકી અને ડેસ્ક પરથી સ્ટેપલર લઇ લીધું.
‘થેન્કસ મનીષ.’ અક્ષયે પેલાં ને કહ્યું. આ એજ પ્યુન હતો જેને ગઇકાલે અક્ષયે આઇસ્ક્રીમ ખાધાં પછી પાણી આપવાનું કહ્યું હતું અને એ બગડ્યો હતો.
‘હું મનીષ નથી.’ પેલાએ ફરી થી કાલ વાળી જ ગુસ્સેલ નજર થી અક્ષય સામે જોયું.
‘ઓહ ઓકે પણ મેડમ તો એમ કહી ને ગયાં હતાં કે મનીષ આપી જશે?’ અક્ષયે વાત લંબાવતાં કહ્યું.
‘મનીષ તો સ્ટેશનરી લેવા ગયો છે.’ પેલાએ થોડાંક નરમ થઇ ને જવાબ આપ્યો. હજી એની ઉંમર ઓછી હતી, કદાચ ૧૮-૧૯ થી વધુ ન હતી.
‘તો તારું નામ શું છે?’ અક્ષયે ઇન્કવાયરી ચાલુ રાખી એનાં મનમાં કોઇ બીજી જ યોજના આકાર લઇ રહી હતી.
સત્યા ને એનું સ્ટેપલર વધુ સમય એનાંથી દુર રહે એ પોસાય એમ ન હતું એટલે તરત ઉભો થયો અને આ બન્ને વચ્ચે ચાલતી ચર્ચા દરમ્યાન પોતાનું સ્ટેપલર એણે અંકે કરી લીધું.
‘મનોજ.’ પેલાએ હવે પોતાનો ટોન વ્યવસ્થીત કરી લીધો હતો.
‘અરે હાઆઆઆ...હવે યાદ આવ્યું, મનીષ કાં તો મનોજ બન્ને માં થી કોઇ પણ આવી ને આપી જશે એવું મેડમ બોલ્યાં હતાં...અમ્મ્મ.. શું નામ મેડમ નું? હું ભૂલી ગયો, એમણે કહ્યું તો હતું.’ અક્ષયે પોતાની ઇન્કવાયરી ચાલુ રાખી.
આખો સ્ટાફ અક્ષયને ઓળખતો હતો. છોકરીઓ વિષે ની માહિતી કેવી રીતે કઢાવવી એમાં એ એક્સપર્ટ હતો એટલે બધાં મૂછમાં હસી રહ્યાં હતાં. જેમનું આ ચર્ચામાં સીધુંજ ધ્યાન હતું એલોકો પણ અને જે લોકો કમ્પ્યુટર પર કામ કરી રહ્યાં હતાં એ લોકો પણ. પરંતુ શાંતનુ ઉંચો નીચો થઇ રહ્યો હતો. એને અક્ષય ની આ બધી ઇન્કવાયરી બેચેન બનાવી રહી હતી કારણકે એને પોતાની ઇમેજ ‘પેલી’ સામે ખરાબ થાય એ પોસાય એમ નહોતું. કારણકે અક્ષયની આ ઇન્કવાયરી ની જાણ ‘પેલી’ ને થાય તો એક જ ફ્લોર પર રોજ મળવાનું હોવાથી એની સામે પોતાની પહેલી જ ઇમ્પ્રેશન ડાઉન થઇ જશે એ બાબત એને બેચેન કરી રહી હતી, પણ આમ જુવો તો અક્ષય એનું જ કામ કરી રહ્યો હતો, કારણકે ‘પેલી’ નું નામ તો એણે પણ જાણવું હતું.
‘મેડમ આજે જ જોઇન થયાં છે..નામ ખભર નથી..હું તો હમણાં જ ઓફિસે આયો અને એમણે મને આ સ્ટેપલર તમને આપી જવાનું કીધું.’ મનોજે પોતાની મજબૂરી જણાવી.
‘ઓહ ઓક્કે.’ અક્ષયે નિરાશા નો સુર છેડ્યો.
‘હું જઉં?’ મનોજે મંજુરી માંગી.
‘હા શ્યોર...કાઇ કામ હોય તો કે’જે હોં બકા?’ અક્ષય બોલ્યો.
અક્ષય કરતાં શાંતનુ વધુ નીરાશ થયો. કોણ જાણે કેમ પણ હવે તેને ‘પેલી’ નું નામ પણ જાણવું હતું. રૂપાલી ભટ્ટ પછી આ પહેલી કોઇ છોકરી હતી જેણે એને માથાથી પગ સુધી જકજોડી નાખ્યો હતો... અને કદાચ રૂપાલી થી પણ વધુ.
‘ચાલો મોટાભાઇ છેક વટવા જવાનું છે, નીકળીએ?’ અક્ષયે શાંતનુ નું ધ્યાનભંગ કર્યું.
‘હમમ..ચલ’ શાંતનુ બોલ્યો અને એણે પોતાની બેગ ઉપાડી. આ બાજુ અક્ષયે પણ પોતાની બેગ લઇ લીધી.
‘સત્યા કાલ ની જેમ જ આજે પણ અમે નહી આવીએ.’ અક્ષયે શાંતનુ કાઇ બોલે એ પહેલાં જ પોતાનો નિર્ણય સત્યા ને જણાવી દીધો.
બન્ને પોતાની ઓફીસ ની બહાર નીકળ્યાં. સાંજે પાછાં નહી આવીએ એ બાબત શાંતનુ ને ગમી નહોતી એટલે ઓફીસ ની બહાર આવતાં જ એણે અક્ષય નો ઉધડો લીધો.
‘કેમ સાંજે આવવાની ના પાડી? તારે મને પૂછવું તો હતું? મમારે કાલનું પ્લાનિંગ કરવું હતું યાર.’ બહાર નીકળીને પેસેજમાં ઘૂસતાં જ શાંતનુએ થોડો ગુસ્સો દેખાડતાં કહ્યું.
‘બડે ભૈય્યા એ તો કરજો જ પણ સાથે સાથે લાઇફ નું પ્લાનીગ પણ કરો.” અક્ષયે શાંતનુ થી વિરુદ્ધ દીશા માં જોતાં જોતાં કહ્યું.
‘એટલે?’ શાંતનુએ અક્ષય સામે જોઇને સવાલ કર્યો.
‘એટલે આમ જુવો’ અક્ષયે લીફ્ટ તરફ ઇશારો કર્યો. પોતાનાં જ ફ્લોર પર ઉભી રહેલી લીફ્ટ માં ‘પેલી’ ઘુસી રહી હતી. શાંતનુ તરતજ એકદમ ધ્યાનથી એની ગતિવિધિઓ જોવા લાગ્યો. લીફ્ટ નાં દરવાજા લીફ્ટમેને બંધ કાર્ય અને લીફ્ટ નીચે ની તરફ ગઇ. અક્ષય ઝડપ થી લીફ્ટ નાં દરવાજા પાસે ગયો, શાંતનુએ લગભગ એ જ ગતિ થી એનો પીછો કર્યો. લીફ્ટ નું ઇન્ડીકેટર ‘ય્’ પર અટકી ગયું.
‘ચલો દાદરા ઉતરી જઇએ.’ અક્ષય બોલ્યો.
શાંતનુએ વગર વિરોધ કરે કદાચ પહેલીવાર એનો ‘આદેશ’ માન્યો અને બન્ને ઝડપ થી દાદરા ઉતરવા માંડ્યા અને જેવાં ગ્રાઉન્ડ ફ્લોર પર પહોંચ્યા એવાં જ મેઇન ગેટ તરફ લગભગ દોડ્યા. પાર્કિંગ માં પહોંચીને આજુબાજુ જોયું તો ‘પેલી’ અને બીજી કોઇ છોકરી સાથે સામે ની તરફ જવા રસ્તો ક્રોસ કરી રહી હતી અને બન્ને અત્યારે રોડ ડીવાઇડર પર ઊભી હતી. હવે શાંતનુ કે અક્ષયે એકબીજાને કશું કહેવાનું જ ન હતું. બન્ને સ્વયં સંચાલિત એ લોકો ની પાછળ દોડ્યાં... પેલી બન્ને છોકરીઓ હવે સામેનો રસ્તો ક્રોસ કરી ને સામેનાં શોપિંગ સેન્ટરમાં આવેલાં ‘બીગ કોફી મગ’ નામનાં કોફી શોપમાં ઘુસી ગઇ. આ બન્ને એ પણ એમની પાછળ પાછળ જ રસ્તો ક્રોસ કર્યો પણ હવે શાંતનુએ અક્ષયનો હાથ પકડ્યો અને એને રોક્યો.
‘બે મિનીટ ઉભો રહે, એ લોકોને એમ ન લાગવું જોઇએ કે આપણે એમનો પીછો કરી રહ્યાં છીએ. એક કામ કર આ ચાવી લે અને મારું બાઇક લઇ આવ અને અહિયા પાર્ક કરી ને પછી અંદર જઇએ.” શાંતનુ થોડુંક હાંફતાં હાંફતાં અને અક્ષય સામે પોતાનાં બાઇક ની ચાવી લંબાવતાં એવીરીતે બોલ્યો, જાણે કે તે અને અક્ષય કોઇ ક્રિમીનલ નો પીછો કરતાં હોય?
‘ક્યા બાત હૈ બાય ગોડ, બડે ભૈય્યા... તમે તો એક્સપર્ટ નીકળ્યાં.’ અક્ષયે શાંતનુ ને ખભે ટપલી મારી અને તરતજ લક્ષ્મણ ની જેમ જ રામ નો આદેશ માનતો એ ફરી થી રોડ ક્રોસ કરી ને પોતાની ઓફીસ નાં કોમ્પ્લેક્સ તરફ ગયો.
શાંતનુ ને પોતાને ખબર નહોતી કે એ આમ કેમ કરી રહ્યો છે પણ બસ એ આમ કરવા મજબુર થઇ રહ્યો હતો...ઓટોમેટીકલી! એ છોકરીમાં કોઇ પ્રચંડ આકર્ષણ હતું જેણે શાંતનુ જેવા પોતાની ખરી ઉમરથી પણખુબ મેચ્યોર એવાં છોકરાંને એનો પીછો કરવા મજબુર કરી દીધો હતો. થોડીવારમાં જ અક્ષય શાંતનુ ની બાઇક ને સિગ્નલ થી ‘યુ ટર્ન’ લઇને શાંતનુ જ્યાં ઉભો હતો એ કોમ્પ્લેક્સ નાં પાર્કિંગમાં પાર્ક કરી દીધી.
‘ચલ’ હજી અક્ષય હેલ્મેટ ઉતારે એ પહેલાં તો અધીરો થયેલો શાંતનું કોફી શોપ તરફ ચાલવા લાગ્યો.
‘એક મિનીટ એક મિનીટ ભાઇ.’ અક્ષયે શાંતનુ નો ખભો પકડી ને રોક્યો.
‘તમારે એક પ્રોમિસ આપવું પડશે પછી જ આપણે અંદર જઇશું.’ અક્ષયે શાંતનુ ની આંખમાં આંખ નાખી ને કહ્યું.
‘કયું પ્રોમિસ?’ શાંતનુ થોડો આશ્ચર્ય પામ્યો.
‘એ પ્રોમિસ કે જ્યાં સુધી તમે આને મારી ભાભી નહી બનાવો ત્યાં સુધી તમે એનો પીછો નહી છોડો.’ અક્ષયે પોતાનું ચિતપરિચિત સ્માઇલ આપ્યું.
‘વ્હોટ?’ શાંતનુએ મોટું આશ્ચર્ય આપ્યું.
‘બડે ભૈય્યા ગઇકાલ થી આ મિનિટ સુધી એનાં માટે તમારી આંખોમાં મે એક તોફાન જોયું છે. હું તો આવાં કેટલાય નાના તોફાનો કરી ચુક્યો છું પણ તમારાં મન માં...સોરી દિલમાં તો આ છોકરી તરફ એક વાવાઝોડું આકાર લઇ રહ્યું છે. જો તમે સીરીયસ હોવ તો જ આપણે આગળ વધીએ. દુનિયામાં અક્ષયો તો બહુ છે ભાઇ, પણ શાંતનુઓ બહુ ઓછાં છે. પ્રોમિસ મી તમે એને પોતાની બનાવી ને જ રહેશો.’ કોફી શોપ તરફ આંગળી ચીંધતા અક્ષય બોલ્યો.
‘વ્હોટ રબીશ, અક્ષય એવું કાઇ જ નથી.’ શાંતનુ એ થોડો નર્વસ જવાબ આપ્યો.
‘અહાં જો એવું કાઇ જ નથી તો એની પાછળ દોટ કેમ મૂકી? ભાઇ, ઘણીવાર ઉપરવાળો આવી બધી બાબતોમાં ઇશારો કરે છે આપણે જ ગધેડા થઇ ને એને ગધેડો માનીએ છીએ અને આવાં ઇશારાઓ અવોઇડ કરીએ છીએ. ભાઇ, માનો ન માનો આ કોઇક ઇશારો તો છે જ, પ્લીઝ પ્રોમિસ મી અધર વાઇઝ વટવા એઝ પર પ્લાન!!’ અક્ષય આ વખતે જરા વધુ મજબૂતી થી પોતાનો કેસ મૂકી રહ્યો હતો.
‘અરે યાર તું કેમ આટલો સીરીયસ થઇ ગયો મને એ ગમી ગઇ છે બસ, બીજું કાંઇજ નહીં.’ શાંતનુ એ ફરી થી અક્ષયને અવોઇડ કરવાની કોશિશ કરી.
‘દુનિયાની લગભગ બધી જ પ્રેમ કહાણીઓ અટ્રેકશન થી જ ચાલુ થાય છે ભાઇ, લવ એટ ફર્સ્ટ સાઇટ યુ સી?’ અક્ષય નાં આ જવાબ નો જવાબ આપવો શાંતનુ માટે પણ મુશ્કેલ હતો.
‘પેલી’ ને જ્યારથી જોઇ હતી ત્યાર થી જ એનાં દિલોદિમાગ ઉપરાંત બાકીના શરીરમાં પણ કોઇ અજીબ હલચલ થતી હતી અને રૂપાલીનો કિસ્સો એણે હવે રીપીટ કરવો ન હતો એટલે કે મનમાં ને મનમાં જ પ્રેમ કરી ને હવે આને જવા નહોતી દેવી અફકોર્સ ઇફ લક પરમીટ્સ
‘અને સંબંધ વધારવાની કોશિશ કરવામાં વાંધો શું છે? બહુ બહુ તો ‘પેલી’ ના પાડશે અને એ દુનિયાનો અંત તો નહી જ હોય ને ? વળી હવે તો રોજ મળવાનું થશે ક્યાં સુધી મારી જાતને ઉલ્લુ બનાવીશ? આનાં જેવ સુંદર છોકરી લાઇફ પાર્ટનર બને તો ચાન્સ લેવામાં શું વાંધો છે?’ શાંતનુએ મનોમન વિચાર્યું.
‘ઓકે, પણ તારે મારો વિશ્વાસ કરવો પડશે હું પુરતી કોશિશ કરીશ પણ જો વાત ન બને તો એવું ન માનતો કે ...’ શાંતનુ એ હસીને કહ્યું.
‘ઓક્કે ડન, થેંક્સ બડે ભાઇ અને હું કાયમ તમારી સાથે જ હોઇશ.’ અક્ષયે પોતાનો હાથ લંબો કર્યો અને શાંતનુએ તરત પકડી લીધો.
‘એમાં કહેવાનું ન હોય અક્ષય, યુ આર ઓલરેડી ટેકન ફોર ગ્રાન્ટેડ. ચલ હવે જઇશું નહી તો આ બધી મહેનત પર પાણી ફરી જશે.’ શાંતનુએ અક્ષયને આંખ મારતાં કહ્યું.
‘ઓહ શ્યોર સર, વ્હાય નોટ? બટ આફ્ટર યુ’ અક્ષયે કોફી શોપ તરફ એર ઇન્ડિયા નાં ‘મહારાજા’ ની જેમ ઝૂકીને ઇશારો કર્યો અને બન્ને હસતાં હસતાં કોફી શોપ તરફ વળ્યાં.
કોફી શોપમાં ઘૂસતાં જ એનાં જોરદાર ‘એ.સી’ ની ઠંડી હવા એ બન્ને ને તરબોળ કરી દીધાં. અંદર ઘૂસતાં જ બન્ને ની નજરો ‘પેલી’ ને શોધવા માંડી પણ શાંતનુ ની પહેલાં ‘ચકોર’ અક્ષયે એને શોધી કાઢી. એણે તરત જ શાંતનું નો ખભો દબાવ્યો કારણકે શાંતનુ વિરુદ્ધ દિશામાં ‘પેલી’ ને શોધી રહ્યો હતો એને એણે તરત જ અક્ષય સામે જોયું. અક્ષયે આંખોમાં ઇશારાથી એને ‘પેલી’ જે ટેબલ પર બેઠી હતી એ દેખાડ્યું અને વધુ કોઇ વાત કર્યા વગર બન્ને એની સામે જ પણ થોડેક દુર મુકેલાં એક ટેબલ પર બેસી ગયાં.
શાંતનુ આ બાબતે અક્ષય કરતાં ઓછો અનુભવી હતો એટલે એ એવી ખુરશીમાં બેસવા જતો હતો જ્યાં થી ‘પેલી’ એને સીધી રીતે જોઇ ન શકે પણ અક્ષયે તરત જ પરિસ્થિતિ સંભાળી લીધી અને શાંતનુ બેસે એ પહેલાં પોતે જ એ ખુરશી પર બેસી ગયો. શાંતનુએ થોડાં આશ્ચર્ય સાથે અક્ષય સામે જોયું. અક્ષયે બેસી જાવ એવો ઇશારો કર્યો. સામેની ખુરશી પર બેસતાં જ તેને ખ્યાલ આવી ગયો કે અક્ષયે કેમ પોતાને અહીં બેસાડવા મજબુર કર્યો કારણકે ‘પેલી’ નો ચહેરો હવે બિલકુલ એની સામે હતો. એ હજી પણ વારેવારે પોતાની લટ પોતાની પહેલી બે આંગળીઓ થી એનાં કાન પાછળ ધકેલી રહી હતી. અક્ષય આ બધા જ તાલ જોઇને મનોમન હસી રહ્યો હતો પણ એને શાંતનું નું મિશન પણ પૂરું કરવું હતું.
‘પેલી’ એની મિત્ર સાથે વાતોમાં એકદમ મગ્ન હતી અને એનું ટેબલ જોતાં શાંતનુ ને લાગ્યું કે હજી તેણે કાં તો કોફીનો ઓર્ડર આપ્યો ન હતો અને કાં તો એનો ઓર્ડર હજી સર્વ નહોતો થયો.
‘આપણે ઓર્ડર આપવો છે ? એમનેમ તો ક્યાં સુધી બેસીશું?’ શાંતનુએ અક્ષયને પૂછ્યું.
‘થોડીવાર રાહ જોઇએ ભાઇ, અહિયા એવું કશું નથી કે આવો એટલે તરત જ ઓર્ડર આપવો. ભીડ પણ નથી ઇક્કા દુક્કા લોકો જ છે એટલે આ લોકો ઓર્ડર આપવા ફોર્સ પણ નહીં કરે. એ લોકોનો ઓર્ડર આવવા દયો પછી આપણે આપીએ. પણ ત્યાં સુધી વાતો કરતાં રહો. ‘એને’ અને શોપ વાળાં ને એમ ન લાગવું જોઇએ કે આપણે અહીયા ખાલી ટાઇમપાસ કરવા કે કોઇ બીજાં કામ માટે આવ્યાં છીએ.’ અક્ષયે અનુભવ પ્રમાણે સલાહ આપી.
‘હમમ..વટવા નાં તારા ક્લાયન્ટ વિષે વાત કરીએ, ટાઇમ પણ પાસ થશે અને કોઇને ડાઉટ પણ નહી જાય, લાવ એની ફાઇલ આપ.’ શાંતનુ સાવ નિર્દોષતાથી બોલ્યો.
‘ધન્ય હો બડે ભૈય્યા, અહીં આવાં વાતાવરણમાં પણ તમને જમનાદાસ એન્ડ જેઠાલાલ સુજે છે? આપણે છોકરી પટાવવા આવ્યાં છીએ ક્લાયન્ટ્સ નહી!’ અક્ષય થોડો ગુસ્સે થયો.
‘ઓક્કે, ઓક્કે’ શાંતનુએ આંખ મારી. ત્યાં જ એનું ધ્યાન ‘પેલી’ નાં ટેબલ પર પડ્યું જોયું તો એ બેઠી નહોતી શાંતનુ ને શોક લાગ્યો પણ ધ્યાનથી જોયું તો ‘પેલી’ ની સાથે જે છોકરી આવી હતી એતો ત્યાં જ બેઠી હતી એટલે એને થોડી શાંતિ થઇ પણ તે ‘પેલી’ ને શોધવા આજુ બાજુ, અમદાવાદી ભાષામાં ‘ડાફોળિયાં’ મારવા લાગ્યો. ત્યાંજ એનું ધ્યાન કાઉન્ટર પર ગયું અને જોયું તો ‘પેલી’ કોફી શોપ નાં સર્વિસ બોય ને પૈસા આપી રહી હતી.
‘અક્ષય...અક્ષય...અક્ષય...ઓર્ડર...ત્યાં.’ શાંતનુ એ અક્ષયને આંખના ઇશારે દબાયેલાં સ્વરે પાછાં વાળીને જોવાનું કહ્યું. અક્ષયે પાછું વળી ને પેલો આખો સીન જોયો.
‘ઓક્કે તમે હવે ઓર્ડર આપવા જાવ...’ અક્ષયે શાંતનુ ને લગભગ હુકમ જ કર્યો.
‘હ..હહ... હું?’ શાંતનુ થોડો ગભરાયો.
‘અરે ખાઇ નહી જાય...જાવ, જલ્દી.’ અક્ષયે ફોર્સ કર્યો.
‘ઓક્કે!’ એમ કહેતાં જ શાંતનુ ઉભો થયો પણ જોયું તો કાઉન્ટર ખાલી હતું.
ત્યાં ઉભા ઉભા જ ‘પેલી’ નાં ટેબલ તરફ જોયું તો એ ફરીથી ત્યાં બેસી ગઇ હતી અને ફરીથી એની સાથે આવેલી બીજી છોકરી સાથે વાતે વળગી ગઇ હતી. એનો એ રૂપાળો ચેહરો શાંતનુ નાં શરીરનાં તમામ પૂર્જાઓ ઢીલાં કરી રહ્યો હતો. નિષ્ફળ ગયેલાં ખેલાડીની જેમ શાંતનું લગભગ પોતાની ખુરશીમાં ફસડાઇ પડ્યો.
‘કેમ શું થયું? જાવ!’ અક્ષયને હજી બદલાયેલા સીન ની ખબર ન હતી.
‘એ પોતાની સીટ પર આવી ગઇ છે.’ શાંતનુએ દબાયેલાં અવાજમાં
કહ્યું.
‘ઓહ ઓક્કે, કોઇ બાત નહી ફીર કભી સહી.’ અક્ષયે શાંતનુ ને સાંત્વના આપતાં કહ્યું.
પણ શાંતનુ ને એમ લાગ્યું કે પોતે એક બહુ મોટી તક ગુમાવી ચુક્યો છે અને ફાટફાટ થતાં ‘એ.સી’ માં પણ નર્વસનેસ ને કારણે એને થોડો પરસેવો થવાં માંડ્યો. પણ આજે ઘણું બધું પહેલીવાર બની રહ્યું હતું. આજે શાંતનુ પહેલીવાર કોઇ છોકરી ની પાછળ દોડ્યો હતો. આજે શાંતનુ ને પહેલીવાર કોઇ છોકરીએ આંખમાં આંખ પરોવીને વાત કરી હતી. આજે શાંતનુ પહેલીવાર અક્ષયનો હુકમ પણ વગર વિચારે માની રહ્યો હતો. શું આ ઉપરવાળા નો એ જ ‘ઇશારો’ છે જેની વાત અક્ષય હમણાં થોડી વાર પહેલાં જ કરી રહ્યો હતો?
કદાચ હા! કારણકે શાંતનુ ને અક્ષયની ‘ઇશારા’ વળી વાત માનવા પર મજબૂર કરે અને તેને વધુ નર્વસ બનાવે એવી પળ એની આજુબાજુ જ હતી.
‘હેય!’ શાંતનુ આ બધું વિચારી જ રહ્યો હતો ત્યાં એની સામેની બાજુ થી એક અવાજ આવ્યો અને જોયું તો ‘પેલી’ તેની સામે હાથ હલાવી તેને કઇક કહી રહી હતી.
શાંતનુ ને પોતાની આંખો પર વિશ્વાસ ન બેઠો. અક્ષય પણ પાછળવળીને આશ્ચર્ય ભરી નજરે આ બધું જોવા લાગ્યો કારણકે એની લાઇફમાં ઘણીવાર કોશિશો કરવા છતાં કોઇ છોકરીએ તેને હજી સુધી સામેથી બોલાવ્યો ન હતો. શાંતનુ તરત પોતાની ખુરશી પરથી ઉભો થયો અને એમ કરતાં જ એની લેપટોપ વાળી બેગ જે એનાં ખોળામાં હતી એ નીચે પડી. એ ખુરશી ખસેડીને થોડો આગળ વધ્યો ત્યાં જ એ બેગનો બેલ્ટ શાંતનુ નાં પગમાં ભરાઇ ગયો હવે શાંતનુ થી એક ડગલું પણ આગળ વધી શકાય એમ નહોતું.
‘વ્હાય ડોન્ટ યુ ગાયઝ જોઇન અસ?’ ‘પેલી’ એ ફરી હાથ હલાવતાં થોડું જોરથી કહ્યું.
‘શ્યોર, વ્હાય નોટ?’ શાંતનુ પહેલાં અક્ષયે જવાબ આપ્યો પણ એણે શાંતનુ ની પરિસ્થિતિ નો તાગ મેળવી લીધો.
‘વેઇટ અ મિનીટ.’ એમ કહી ને અક્ષય નીચે ઝૂક્યો અને શાંતનું નાં પગ માં થી બેગ નો ભરાયેલો બેલ્ટ કાઢી ને એને મુક્ત કર્યો. ટેબલ પર પડેલી પોતાની બેગ અને શાંતનુ ની બેગ એમ બન્ને બેગ એણે પોતાનાં ખભે મૂકી અને શાંતનુ ને આ વખતે મહારાજા ની જેમ નહી પણ અમસ્તો જ હાથ નો ઇશારો કરી ને આગળ વધવા કહ્યું.
‘પેલી’ અને એની સાથી જ્યાં બેઠાં હતાં એ એક્ચ્યુઅલી કોફી શોપ નો ખૂણો હતો અને એ ખૂણાને કવર કરવા એ લોકોએ એક અર્ધ ગોળાકાર સોફો મુક્યો હતો અને એની સામે એક ટેબલ અને એક ખુરશી મૂક્યાં હતાં. ‘પેલી’ આ સોફા પર બેઠી હતી અને એની સાથી સામે ખુરશીમાં બેઠી હતી જે પાછળ વળી ને શાંતનુ અને અક્ષયને નીરખી રહી હતી.
‘પ્લીઝ હેવ અ સીટ.’ ‘પેલી’ એ અતિ આકર્ષક સ્મિત સાથે શાંતનુ ને પોતાની તરફ સોફા પર બેસવાનો ઇશારો કરી ને આમંત્રણ આપ્યું અને અક્ષયને બીજી સાઇડ બેસવાનું કહ્યું. શાંતનુ પોતાનાં નસીબ નો આભાર માનતો રહ્યો. અત્યાર સુધી ફક્ત એક જ વાર વાત થઇ હતી. ‘પેલી’ નો અવાજ આમ સાવ નોર્મલ છોકરીઓ જેવો સાવ પાતળો નહોતો પણ તેમ છતાં કઇક અલગ અને મીઠો અથવા તો અંગ્રેજીમાં જેને ‘હસ્કી’ કહેવાય એવો જરૂર હતો.
‘સિરુ, આ મારી ઓફીસ ની સામે જ જોબ કરે છે. આજે સવારે જ મળ્યાં અમે લોકો. યુ નો, અમારે ત્યાં હજી પણ બધું બહુ મેસ્સી છે, યુ વોન્ટ બીલીવ અમારે હજી સુધી સ્ટેપલર જેવી મામુલી વસ્તુ નથી આવી બોલ! એટલે હું આમને ત્યાં સ્ટેપલર લેવા ગઇ હતી.’ પેલી એ શાંતનુ ની ઓળખાણ પોતાની મિત્ર સાથે કરાવી. જવાબમાં શાંતનુએ ‘સિરુ’ તરફ ફિક્કું હાસ્ય ફેંક્યું કારણકે હ્ય્દય તો ધબકારા કરી રહ્યું હતું...જોરદાર અવાજ સાથે.
‘ઓહ ઓકે.’ પેલી એ હસીને જવાબ દીધો અને અક્ષય નું ધ્યાન યંત્રવત એની તરફ વળ્યું.
‘હોપ અમે તમને ડીસ્ટર્બ નથી કરી રહ્યાં.’ શાંતનુએ વિવેક કર્યો હવે એ નોર્મલ થઇ રહ્યો હતો.
‘અરે નો નો, ગુડ કંપની ઇઝ ઓલ્વેઝ વેલકમ નહી સિરુ...? બાય ધ વે યુ આર મિસ્ટર...?’ ‘પેલી’ એ શાંતનુ નેે એનું નામ પૂછ્યું.
‘શાંતનુ...શાંતનુ બુચ, આ મારો કલીગ અને મિત્ર અક્ષય પરમાર અને તમે?’ શાંતનુ એ જે રીતે જવાબ આપ્યો જેમાં ‘પેલી’ નું નામ જાણવાની ઉત્કટતા ચોખ્ખી દેખાઇ આવતી હતી.
‘શી ઇઝ સિરતદીપ બાજવા મારી ખાસ ફ્રેન્ડ એન્ડ આઇ એમ અનુ...અનુશ્રી મહેતા!’ કહીને અનુ એ પોતાનો હાથ શાંતનુ તરફ લંબાવ્યો!
પ્રકરણ બે સમાપ્ત