Ek chhokari in Gujarati Magazine by Parth Toroneel books and stories PDF | એક છોકરી

Featured Books
Categories
Share

એક છોકરી

એક છોકરી

દરરોજના નિત્યક્રમ મુજબ આજે સવારે હું બાલ્કનીમાં વાંચવા બેઠો. સુરજદાદાનો સોનેરી કુમળો તડકો આચ્છેરા વાદળોમાંથી ચળાઈને આવતો હતો. તડકાની હૂંફાળી ગરમાશ મારી ત્વચા ઉપર ગળાતી ગળાતી અંદર ઊતરતી હતી. હૂંફાળા તડકાની ગરમાશને લીધે શરીરમાં પ્રસરેલી ઠંડ ઓગળીને ઉડવા લાગી. ઘડીકભર આંખો મીંચી મૂર્તિવંત સ્થિર બેસી રહ્યો. એ ક્ષણમાં ખોળામાં પડેલા નવા પુસ્તકને વાંચવાની તાલાવેલી પણ મુલતવી રાખવાનું જચ્યું. સામેના ઘરેથી ચાલ્યો આવતો સવારની આરતીનો સૂરમય રવ મારા કાનમાં રેલાયો. બંને હથેળી એકબીજા સાથે ઘસી ગરમાશ પેટાવી. હુંફાળી હથેળીનો ચહેરા ઉપર ઘડીક શેક કર્યો. વાટ જોઈને બેઠેલું પુસ્તક હવાના હિલોળે બે-ચાર પાનાં એનીમેળે ખોલી તાકીને બેઠું હતું. મેં પુસ્તક હાથમાં લીધું ને સાયકલની ઘંટડી ખખડી.

ટિંગ ટિંગ ટિંગ.... બીજા-ત્રીજા ધોરણમાં ભણતા ટાબરિયાં પાડોશમાં ટ્યૂશન માટે એમની નાની સાયકલ લઈ આવતા હતા. બીજા પાંચેક ટાબરિયાં દરવાજા આગળ એમની સાવ બાલિશ વાતોમાં ખિલખિલાટ હસતાં હું નિરીક્ષણ કરતો હતો. ટ્યુશન આવતા ટાબરિયાંઓને ઘડીકવાર નિરખી લેવાનું મન થયું. કેટલાક તો નિશાળનો ગણવેશ પહેરી, ખભે ભારેભરખમ દફતર ભરાવી આવ્યા હતા. કદાચ ટ્યુશનથી છૂટી સીધા જ નિશાળ જવાની તૈયારી સાથે આવેલા હશે. એમના બાળપણને જોઈને મારા શૈશવકાળની સ્મૃતિઓ માનસપટ પર તત્ક્ષણ તાજી થઈ ગઈ.

એ ટાબરિયાંઓને મારી નજર નીરખી રહી હતી ને કાનમાં બીજો અવાજ સંભળાયો. અવાજ તો દરરોજ હું સાંભળતો હતો એજ હતો. અવાજની દિશામાં જરીક નજર ફેરવી. શાકની લારીવાળી બાઈ લારીના બે દાંડિયાને ધક્કો મારતી, બેસુરા અવાજમાં શાકની બોંગ પોકારતી એની રોજની બાંધેલી જગ્યાએ આવી ઊભી. શાક લેવા સોસાયટીની એકએક બહેનોના નામ બોલી, કોણ કયું શાક લે છે એનીયે ખાસ જાણકારી રાખતી. સોસાયટીનું મહિલામંડળ કામ પડતાં મૂકી શાક લેવા હાજર થઈ જતું. મિનિટમાં તો મહિલામંડળનું ટોળું શાકની લારીને ઘેરી વળતું. ચારેક રૂપરડી માટેના ભાવ-તાલની રકઝક કરી સવારના શાંત વાતાવરણને ડોહળી કાઢતી.

ખેર, આતો રોજનું હતું એટ્લે હું મોઢું ફેરવી વાંચવામાં લીન થઈ જતો. પણ એ દિવસે મારી નજર એ બાઈને અઢેલીને ઊભેલી એક નાનકડી છોકરી પર પડી. કદાચ શાકવાળીની જ દીકરી હશે એવું અનુમાન મેં મૂક્યું. એ દિવસે પહેલીવાર જ એને જોઈ. એનો નિદોષ ચહેરો, શ્યામલ ત્વચા, જોતાં જ દયા આવે એવો કંગાળ દેદાર. પોપટી રંગનું મેલુ ઘસાયેલું ફ્રૉક અને એને બાંધવા કમર પાછળની બે પટ્ટીઓમાંની એક જ પટ્ટી હતી. જે ગરીબીની ચાડી ખાતી ઝૂલી રહી હતી. એના વિખરાયેલા કોરા કથ્થાઇ-કાળા વાળ લાલ રબડની રિંગથી બાંધેલા હતા. કોઇકે આપેલા કાળા ફાટેલા સ્કૂલ-બુટ પહેરેલા હતા. જે પગની પાનીએથી ચિરાયેલા હતા. એના નાનકડા હાથમાં કશુંક લાલ રંગ જેવુ દબાઈને પકડી રાખેલું હતું. કદાચ ક્યાંકથી જડેલી રમવાની દડી હશે. એની મમ્મીની પાછળ સાડીનો પાલવ પકડી ઊભી હતી. રકઝક કરતી મહિલાઓ અને એની મમ્મીને મૌન બની જોયે જતી. એની મમ્મીએ એ છોકરીને ઊંચા અવાજે છણકો કર્યો ; આઘી ઊભી રે ન મૂઇ... સાડીનો પાલવ ખેંચી દૂર હડસેલી. છોકરી ઊંચા અવાજે ચમકી પડી. ચાર ડગલાં ઝપાટાભેર આઘી ખસી ગઈ. ઠેસ વાગતા ગડથોલું ખાતા ખાતા બચી ગઈ. અસમતલ જમીન પરના ખાડા-ટેકરાની ઢેસ કરતાં, કદાચ એની મમ્મીના ઊંચા અવાજની જ ઠોકર વધુ વાગી હશે...!

ત્યાંથી ખસી એ સહેજ દુર ઊભી રહી. એ ટ્યુશન માટે રાહ જોતાં બાળકોને તાકતી ઊભી હતી. સ્વચ્છ ગણવેશ, તેલ નાખીને પાંથી પાડીને ઓળેલા વાળ, નવા બુટ-મોજા, ભણવાની ચોપડીઓથી ભરેલું દફતર, એકબીજા સાથે વાતો કરતાં. હસતાં-ખેલતા એની જેવડી જ વયના બાળકોને એ અપલક નજરે નીરખતી રહી. હાથમાં પકડેલી લાલ દડીને હોઠ આગળ દબાવી ડૂચો ભર્યો. અરે...! એ તો નાનકડું ટામેટું હતું...! ડૂચો ભરીને પેલા ટ્યૂશનના બાળકોને ઊભી ઊભી આમતેમ ડોલતી જોયે જતી. હું એને જોઈને વિચારતો કે ; એ શું વિચારતી હશે...? શું એને પણ સવારે વહેલા ઉઠી એ બાળકોની જેમ ભણવા જવાની ઈચ્છા થતી હશે...? કે દરરોજ એની માં જોડે ગલી ગલીએ રખડી શાક વેચવાની રઝળપાટ જ કરશે...? એ કુમળી વયની છોકરીની ભાવીની કોરી સ્લેટ પર શું ઘૂંટાશે...? ખેર, એતો હવે ભગવાન જાણે...

થોડીકવારમાં સોસાયટીમાં વિયાયેલી કૂતરીના પાંચેક નાના-નાના ગલૂડિયાં એની પાછળ દોડી આવ્યા. બે કાળા-ધોળા ને ત્રણેક કથ્થાઇ ગલૂડિયાં એની આજુબાજુ એમની મોજમાં મસ્તી કરતાં ખેલવા લાગ્યા. બચુકડા ઠેકડા ભરતા મનફાવે તેમ એકબીજા સાથે ઝઘડતા, એકબીજા પર કુદતા. જે મોઢામાં આવે એ પકડી દોડાદોડ કરતાં. જો ભૂલેચૂકે પણ કોઈએ ઘરનો દરવાજો ખુલ્લો રાખી મૂક્યો તો તો પતી જ ગયું સમજો...! પાંચેય ગલૂડિયાંની ટોળકી રજા લીધા વિના બિંન્દાસ ઘરમાં પેસી જતી. ગલીઓમાં, પગથિયાં પર, કબાટમાં બધેજ ખાંખાખોળા કરતાં. એમની બચુકડી પૂંછ પટપટાવતા નવી નવી ગંધ ઓળખવાનું જાણે શીખી જ રહ્યા હતા. કોઈનું બુટ કે ચંપલ મળ્યું નથી કે મોઢામાં દબાઈ રફુચક્કર...! ભલેને પછી કોઇનું નવું નક્કોર બુટ હોય કે ચંપલ. એમને શું માલૂમ પડે...! એમને તો જાણે રમવા-ચાવવાનું એક રમકડું મળી ગયું.

ગલૂડિયાં એ છોકરીના પગની આગળ–પાછળ કોઈ જાતના ડર વગર રમતા-રમતા એના પગ ઉપર ચડી જતાં. એની જોડે દોડી આવેલા નાના-નાના ગલૂડિયાંને જોઈને પહેલીવાર એના હોઠ પર ખીલી આવેલુ સ્મિત મેં જોયું. નીચે બેસીને ગલૂડિયાં ઉપર વ્હાલભર્યો હાથ પસવારવા લાગી. ગલૂડિયાં પણ અજાણ્યાનો સ્પર્શ થતાં જ બે પગે ઉભડક બેસી જતાં. છોકરીની સામે ચકળવકળ કાળી માસૂમ આંખે જોયે જતાં, ને ટચૂકડી રુવાંટીદાર અડધી કાળી-ધોળી પૂંછ પટપટાવા લાગતાં. છોકરીનો હાથ એ ગલૂડિયાંના નાનકડા રેશમ જેવા માથા પર પસવારતા એ આંખો મીંચી દઈ બેસી રહેતું. એને પણ કદાચ એ સુંવાળો અને એના જેવો જ નિર્દોષ સ્પર્શ ગમતો હશે. બાકીના ત્રણેક ગલૂડિયાં એમની મસ્તીમાં જ ખેલતા કુદતા છેક શાકની લારી નીચે પહોંચી ગયા. જાણે પક્કડ-દાવનો ખેલ ખેલતા હોય...!

મહિલામંડળ શાક સાથે મસાલો (કોથમીર-ધાણાની પુળી) લેવાનો અચૂક આગ્રહ રાખતી. પછી જ ત્યાંથી વેરાઇને છૂટી પડતી. લારીવાળી બાઈ નીચે ઝઘડતા ગલૂડિયાંને હટ...હટ... નેકળો ઓયથી...સાલો પેધી પડ્યો સ તે.... ખાલી હાથમાં કશુક મારવાનો ઈશારો કરી તગેડી મૂક્યાં. એની મમ્મીનો અવાજ સાંભળતા જ ગલૂડિયું રમાડવામાં મગ્ન છોકરી ફફડાટમાં ઊભી થઈ ગઈ. એની મમ્મીએ છોકરીને ગલૂડિયાં પર હાથ ફેરવતા જોઈ જતાં ધમકાવી. સાલી મૂઇ...! કુતરા રમાડે સે...! એવા ગોબરા હાથે જો શાકને અડી સે તો તારી ખબર સે... ખોં થસે ખોં મૂઇ...! થોડીક ક્ષણો પહેલા ગલૂડિયાં પર હાથ પસવારતા એનો ચહેરો ફરકતી ધજાની જેમ ખીલી ઉઠ્યો હતો, ને હવે કઠોર શબ્દોના વાકબાણથી એનો માસૂમ ચહેરો મુરજાઈ ઉતરી પડ્યો. પાંપણો ઢાળી નજર નીચી કરી દીધી. હાથમાં નાનો ડૂચો ભરેલું ટામેટું એની કોમળ હથેળીમાં દબાઈ જાણે સંતાડી લીધું. ખરી પડેલા ખુશીના ભાવ વેરતી વેરતી એની મમ્મી પાછળ ચાલવા લાગી. નજર પાછળ કરીને ગલૂડિયાંઓને રમતા-ખેલતા જોઈ લેવા મનમાં ઈચ્છાની કૂંપળ ફૂટી. થોડાક ખચકાટ સાથે એણે પાછળ નજર ફેરવી જોયું. પેલું કાળું-ધોળું ગલૂડિયું એણે રમાડયું હતું એ એની પાછળ નાનકડા ડગ ભરી એનો પીછો કરતું દોડતું હતું. જાણે એને એ ઘડીકના હૂંફાળા સ્પર્શની માયા લાગી ગઈ હોય. એ છોકરી એને રાખશે, રમાડશે, માથા પર હાથ પસવારશે એવી ઈચ્છાથી ઘેલું મન એને સોસાયટીના છેક નાકે દોડાવી લઈ ગયું. છોકરીની તરસેલી શુષ્ક નજર એણે રમાડેલા ગલૂડિયાં પર પડતાં જ ખુશીની ચમક એની આંખોમાં રેલાઈ. સુકાયેલા હોઠ પર ભીનું સ્મિત ખીલી આવ્યું. ચહેરા પર આંનદીત ભાવ ક્ષણભરમાં પથરાઈ ચહેરો હરખાઈ ઉઠ્યો. ગલૂડિયું એનો પીછો કરતું કરતું એના પગ આગળ આવી ઉભડક બેસી ગયું. છોકરી સામે માયાળું આંખે જોઇને પૂંછ પટપટાવા લાગ્યું. જાણે કહેતું હોય કે ; માથા પર હાથ પસવારી મને રમાડો ને !

પણ, છોકરીને એની મમ્મી હમણાં તતડાવી પાડશે એવી બીકની સોટી વીંઝાઇ. હાથમાં ખાધેલુ અડધું ટામેટું બાજુના ઓટલા પર મૂકી દીધું. ટામેટું જોઈને ગલૂડિયું બચુકડા ઠેડકા ભરતું ઓટલા પર ચડી ગયું. નાનું ટામેટું એના નાનકડા મોઢામાં દબાવી લીધું. ગલૂડિયાંના રુંવાટીદાર માથા પર વ્હાલભર્યો હાથ પસવારી બિલ્લી પગે ઝાપટાંભેર દોડી ગઈ. –

‘માસી... મને તમારી સંગાથે રોજ શાક વેચવા લઈ જશો...!’

એ છોકરીએ માસી કહ્યું....?!!!? – આ વાતની મને નવાઈ લાગવા કરતાં તો, એ છોકરીએ જે શબ્દો ઉચ્ચાર્યા એ સાંભળી મારી ભ્રમરો કપાળે ખેંચાઇ ગઈ.

એ છોકરીની માસી એ રુક્ષ અવાજમાં કહ્યું : ઓવ... લઈ જ્યોય, પણ જો કુતરો-બુતરોન હાથ લગાડી ગંઘાતી થઈ સન તો તારી ખેર નહીં હા..., આ અગઉ કઈ દઉં સુ તન...

છોકરીનો ચહેરો તુચ્છ વાકબાણોથી ફરી મુરજાઈને ખરી પડ્યો. પાછળ વાળીને જોયું તો એ ગલૂડિયું સોસાયટી બહાર નિકડી છોકરીને તાકતું ઉભડક બેઠું હતું. જાણે એ છોકરી પાછી એને રમાડવા આવશે એની વાટ જોતું...! છોકરીના ચહેરા પર આછું સ્મિત ફરક્યું ને સરી પડ્યું. એ છોકરીને બીજી ગલીમાં શાક વેચવા જતી જોઈને મારી નજર સ્થિર થઈ ગઈ... બાલ્કનીમાં બેઠા બેઠા મારા મનમાં એક પછી એક વિચારો ગૂંથાવા લાગ્યા...

ઘડીકની અજાણી મૌન મુલાકાત અને હૂંફાળો પ્રેમાળ સ્પર્શ કેવી દોસ્તીના તાંતણાંથી એકમેકના દિલના તાર ગુંથી દેતું હોય છે... ભગવાને પ્રેમનું કેવું અનેરું બંધન દરેક જીવ માત્રમાં મૂક્યું છે... એકવાર જોડાઈ ગયા બાદ એને જ ઝંખતું મન ક્યાંનું ક્યાં લઈ જતું હોય છે... એના જ વિચારોના વમળોમાં એની છબી વાગોળતું વાગોળતું ફર્યા કરે. બીજા બધા બંધનો તોડી નવા બંધનોમાં બંધાવા અને એમાં જ રાચવા પ્રેમઘેલું બની જાય...

પણ એ છોકરીના ભાવિનું શું...? માસી સાથે શાક વેચતી એ છોકરીનું એ વાક્ય ક્યાંર જો સુધી મારા કાનમાં પડઘા પાડતું ગુંજતું રહ્યું. એના કોરા ભાવિ પર શું ઘૂંટાશે એનો પડઘો શું એના જ એ વાક્યમાં ઢબુરાયેલો હતો...!??

ભાવિના કોરા કાગળ પર કેવી વાસ્તવિક્તા ચીતરાશે...! અને એમાં કેવા કેવા રંગોની કઢંગી રંગોળી પુરાશે એતો ચિત્રગુપ્તના ચોપડામાં નોંધાયેલી પડી હશે. કર્મમાં કોણ મીનમેખ કરી શકે એવું છે...!

ખેર, વાંચનનો ઘણો સમય નિરીક્ષણમાં વીતી ગયો એનું ભાન થતાં જ મેં ચોપડી હાથમાં લઈ વાંચવાનું શરૂ કર્યું,… પણ મન એ છોકરીના વિચારોના વમળોમાં ડહોળાઇ ચૂક્યું હતું. આ વલયો શાંત કરવા જાતને કહ્યું ; લાવ વિચારોનું શાબ્દિક–સ્ખલન કરી કાગળ ઉપર ઉતારી લઉં. પછી જ આ હિલોળે ચડેલું મન ઠારે પડશે…

***

Writer – Parth Toroneel.