પાંચ નાની અદ્ભુત વાર્તાઓ
(ભાગ-૬)
લેખક - અનિલ ચાવડા
૧. એક તુક્કો
ખૂબ જ જૂની વાત છે. એટલી બધી જૂની કે એ વખતે લગભગ પૃથ્વી પર માનવજાતિની માંડ હજી શરૂઆત થઈ હતી. કદાચ હજી થોડાઘણા માણસો જ પૃથ્વી પર હતા.
દરેક માણસ પોતાની રીતે સ્વતંત્ર હતો. પોતાની રીતે કામકાજ કરી શકતો, શિકાર કરી શકતો, લડી શકતો, ઝઘડી શકતો. હરી-ફરી શકતો. સંવનન કરી શકતો. આ જ વખતે કદાચ માણસોનાં નાનાં-નાનાં ઝુંડ બનવા લાગ્યાં હતાં.
સંપૂર્ણપણે સ્વતંત્ર હોવાથી માણસ ખૂબ જ સ્વચ્છંદી અને નિરંકુશ થઈ ગયો. આના લીધે પ્રકૃતિના બીજા જીવથી લઈને માણસોને પોતાને પણ ખૂબ જ નુકસાન થતું. સબળી વ્યક્તિઓ નબળી વ્યક્તિને રંજાડતી રહેતી અને અનેક પ્રકારના - પાર વિનાના અત્યાચારો થવા લાગ્યા.
અમુક ચિંતનશીલ અને બુદ્ધિશાળી લોકો ભેગા થયા. એમને થયું કે આનું કશુંક તો નિવારણ લાવવું જ જોઈએ. બધાએ ખૂબ વિચાર્યું અનેક વખત મિટિંગો કરી. તેમણે વિચાર્યું કે બધા જ માણસો જેનાથી ડરતા હોય એવું કશુંક શોધવું જોઈએ, પણ એવું શું હોઈ શકે તે કોઈને સમજાતું નહોતું. ઘણું બધું વિચાર્યા પછી આખરે તેઓ એક તારણ પર આવ્યા. તેમને થયું કે દરેક માણસ, પછી તે ગમે તેટલો શક્તિશાળી કેમ ન હોય, પણ અમુક ઉંમર પછી તો આખરે તે મૃત્યુ પામે જ છે. માટે આ શાશ્વત સત્યને ધ્યાનમાં રાખીને જ એક તુક્કો ઘડી કાઢવામાં આવે તો કેવું ! આખરે તેમણે એક શબ્દ શોધી કાઢ્યો - ઈશ્વર !
તેમણે સમાજમાં ધીમે ધીમે આ તુક્કાનો પ્રચાર કરવાનું શરૂ કર્યું. તેમણે નક્કી કર્યું કે બીજાનું ખરાબ કરવું તેને પાપ ગણવું અને જે કોઈ, કોઈ પણ વ્યક્તિને કે કોઈ પણ પ્રાણી, પશુ, પંખી કે જીવજંતુને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પણ મદદરૂપ થાય તેને પુણ્ય ગણવું. જે પુણ્ય કરશે તેને ઈશ્વર સ્વર્ગનું અસીમ સુખ આપશે અને જે પાપ કરશે એને ઈશ્વર મૃત્યુ પછી નર્કની ગર્તામાં ધકેલીને આકરામાં આકરી સજા કરશે.
અને, તેમનો આ તુક્કો જબરદસ્ત કામ કરી ગયો !
૨. બારાખડી
સદીઓ પહેલાંની વાત છે. એક પ્રદેશ હતો. આ પ્રદેશમાં કશું જ વસતું નહોતું. તે સાવ ઉજ્જડ હતો. ત્યાં જુદા જુદા સ્વરો અને અક્ષરો રહેતા હતા; પણ એમાંથી કોઈને અંદરોઅંદર બનતું નહોતું. બધા પોતપોતાની રીતે ધ્વનિનો વેપાર કરતા હતા, પણ કોઈનો વેપાર ખાસ જામતો નહોતો. જુદી જુદી હવાની લહેરખીઓ આવતી તેમની પાસે જુદા જુદા ધ્વનિઓ ખરીદવા માટે, પણ કોઈનો ધ્વનિ અર્થમય કહી શકાય એવો નહોતો.
એક દિવસ એક અક્ષરે બીજા અક્ષરને કહ્યું, “આપણે બંને સાથે મળીને ધ્વનિની રચના કરીએ તો કેવું?”
“પણ એમાં મને શો ફાયદો?” બીજા અક્ષરે સામો પ્રશ્ન કર્યો.
પહેલા અક્ષરે કહ્યું, “ફાયદો આપણને બંનેને થશે. આપણે બંને એક થઈશું તો બંનેનો સ્વર જોડે મળશે અને કંઈક નવું સર્જાશે. એનો અવાજ બધાને ગમશે અને આપણો ધંધો સારો ચાલશે.”
બીજા અક્ષરને આ વાત ગમી ગઈ. બંનેએ સાથે વેપાર શરૂ કર્યો. થયું પણ એવું જ. બંનેનો ધંધો જામી ગયો. એમને જોઈને બીજા અક્ષરોને પણ થયું કે સાથે મળીને કામ કરવામાં આવે તો નવા નવા અવાજો પેદા થાય છે અને તે અવાજનો અર્થ પણ સરે છે. આથી બીજા અક્ષરો પણ સ્વરને સાથે લઈને એક થવા લાગ્યા. અમુક બે અક્ષરો મળ્યા, અમુક ત્રણ અક્ષરો મળ્યા, અમુક ચાર અક્ષરો મળ્યા. જુદા જુદા અક્ષરો મળીને એકજૂટ થવા લાગ્યા, દરેક પોતાનું એક જૂથ બનાવા લાગ્યા. આ જૂથને અક્ષરોએ ‘શબ્દ’ તરીકે ઓળખાવ્યા.
બધા અક્ષરો ‘શબ્દ’માં મળીને જુદા જુદા અવાજો બનવા લાગ્યા, એમાંથી જુદો જુદો અર્થ કરવા લાગ્યા. ધીમે ધીમે અક્ષરો અલગ અલગ જૂથમાં પણ જતા. દરેક અક્ષર પણ જૂથ બનવા માટે સ્વતંત્ર હતો. જ્યારે જે પ્રકારના અર્થની જરૂર પડે ત્યારે તે પ્રકારના અક્ષરો અને સ્વરો ભેગા થઈને તેવો અવાજ કાઢી આપતા. આના લીધે હવાને ચોક્કસ અર્થમય ધ્વનિ ઉત્પન્ન કરવાનું કામ વધતું જતું હતું. હવાને થયું કે આ ચોક્કસ અર્થમય શબ્દો હું એકલી તો કાયમ ન બોલી શકું એના માટે મારે એક માધ્યમ જોઈએ.
તે દરેક પ્રાણીને અને જીવજંતુને શ્વાસોચ્છવાસ દ્વારા ભીતર જઈને મળતી હતી. તેને થયું કે આ અર્થમય અવાજ કોને આપવા? તેણે ઘણું વિચાર્યું અને છેવટે માનવને પસંદ કર્યો.
ધીમે ધીમે માણસ જુદા જુદા અક્ષરો અને સ્વરોની મદદથી જુદા જુદા શબ્દો બોલવા લાગ્યો અને એના અર્થ પણ બનાવવા લાગ્યો. આના લીધે માણસને પણ એકબીજા સાથે વ્યવહાર કરવાની સરળતા પડવા લાગી. આ જોઈને અક્ષરોને પણ આનંદ આવવા લાગ્યો. પોતાનો આ સિલસિલો તો જામી પડ્યો.
એક દિવસ બધા અક્ષરો અને સ્વરો મળ્યા અને પોતાનું એક આખું મંડળ બનાવ્યું, અને એનું નામ પાડ્યું બારાખડી !
૩. નોકર અને માલિક
એક હતો નોકર. એનું નામ હતું સ્વભાવ. તે મનને ત્યાં નોકરી કરતો હતો. તે ખૂબ જ સારી રસોઈ બનાવી જાણતો હતો. શબ્દ, અર્થ, લાગણી અને ભાવનાઓના જરૂરિયાત પ્રમાણેના મરી-મસાલા ભભરાવીને તીખી, ખારી, ગળી, તૂરી, મોળી, ખાટી, કડવી એમ જુદા જુદા સ્વાદની અનેક પ્રકારની વાનગીઓ તે ચપટીમાં તૈયાર કરી દેતો.
પણ એક તકલીફ હતી. સ્વભાવ જે વાનગી બનાવતો તે તેનું માલિક મન ક્યારેય ખાઈ શકતું નહીં. તેને ત્યાં જે અતિથિ આવતા તેને તે વાનગી આપવામાં આવતી. આ અતિથિ આ વાનગીને આધારે પોતાના સ્વભાવે બનાવેલી વાનગી આ મનને આપતા અને એ જ વાનગી આ મન ખાઈ શકતું. આના લીધે અનેક વાર મનને પ્રોબ્લેમ થઈ જતા.
જ્યારે સ્વભાવ ક્રોધની તીખી વાનગી પીરસતો ત્યારે સામેથી એની કરતાં પણ તીખી વાનગી પીરસાતી જે મનને ખાવી પડતી. જ્યારે જુઠ્ઠી લાગણીઓના ફિક્કા સ્વાદવાળી વાનગી પીરસવામાં આવતી ત્યારે સામે એની કરતાં પણ વધારે કડવાશભરી જુઠ્ઠી લાગણીઓની વાનગી પીરસવામાં આવતી. એ પણ મનને પરાણે ખાવી પડતી. આની કડવાશ દિવસો સુધી તેનામાં રહેતી. આના લીધે મનમાં હંમેશાં કુવિચારોની નાનીમોટી બીમારી રહ્યા કરતી.
એક દિવસ કંટાળીને મને સ્વભાવને કહ્યું, “તું આવી વાનગી કેમ બનાવે છે?”
“પણ હું તો સામેની વ્યક્તિને ગમે તેવી જ વાનગી બનાવું છું.” સ્વભાવે કહ્યું.
“તો પછી સામેની વ્યક્તિ મને આવી તીખી અને કડવી વાનગીઓ કેમ પીરસે છે?” મને કહ્યું.
“એ ખૂબ જ તીખી તમતમતી અને કડવી ઝેર જેવી વાનગીઓ પીરસે છે એટલે હું પણ એવી પીરસવા માંડું છું.” સ્વભાવે કહ્યું.
“પણ એવું શું કામ કરે છે? એના લીધે મારે ભોગવવું પડે છે.” મને કહ્યું.
“તો શું કરું?” સ્વભાવ ગૂંચવાયો.
“સામેની વ્યક્તિ ગમે તેટલી તીખી કે કડવી વાણીની રસોઈ બનાવે પણ તું હંમેશાં પ્રેમ અને લાગણીસભર વાણીથી ભરેલા સ્મિતની જ વાનગી બનાવ. તું પોતાના માટે જે વાનગીની ઇચ્છા ધરાવતો હોય તે જ વાનગી સામેવાળી વ્યક્તિ માટે પણ બનાવ.” મને સ્વભાવને સૂચન કર્યું.
સ્વભાવ પછી તે જ પ્રમાણે વર્તવા લાગ્યો. સામે ગમે તેવી તીખાશ, કડવાશ, તૂરાશ કે ખારાશ આવે તો પણ તે હંમેશાં પ્રેમ તથા લાગણીસભર સ્મિતમય વાણીની વાનગી જ પીરસતો.
આની અસર ધીરે ધીરે થવા લાગી. મનનો રોગ દૂર થઈ ગયો અને મન પછી તંદુરસ્ત રહેવા લાગ્યું.
૪. એક સુંદર છોકરી
એક સુંદર છોકરી હતી. તે એટલી બધી રૂપાળી હતી કે સ્વર્ગની અપ્સરા પણ તેની આગળ પાણી ભરે !
તે એક નગરમાં રહેતી હતી અને જુદાં જુદાં ઘરના દરવાજા પાસેથી પસાર થયા કરતી હતી. તેને થતું હતું કે કોઈ આવીને તેનો હાથ પકડે અને પોતાના ઘરે લઈ જાય.
આ યુવતી જુદા જુદા સમયે બધા જ માણસોના ઘર સામેથી પસાર થતી, છતાં અમુકને તો એ દેખાતી પણ નહીં. એ તો પોતાની ધૂનમાં જ મશગૂલ રહેતા. અમુક પુરુષોને આ સુંદરી દેખાતી ખરી, પણ તે સામેથી ક્યારેય એને બોલાવતા નહીં. બધા ઘર વાસીને ઘરમાં જ બેસી રહેતા. ખબર નથી શું કારણ હતું, કોઈ તેનો હાથ ઝાલવા બહાર નહોતું આવતું, બધાને એમ હતું કે જો છોકરી સામેથી બારણે ટકોરા મારે તો એને આવકારીએ.
પણ એવું થતું નહીં. આખરે કંટાળીને તેણે એકાદ-બે માણસના બારણે ટકોરા માર્યા, પણ એ વખતે એ વ્યક્તિઓ કોઈ આળસ અને પ્રમાદ નામની સ્ત્રીના પ્રેમમાં ડૂબેલી હતી.
એક દિવસ આ નગરમાં એક યુવાન આવ્યો. તેણે આ છોકરીને જોઈ. જોતાંની સાથે જ તે આ છોકરીના પ્રેમમાં પડી ગયો. એને થયું કે આ છોકરી તો કોઈ જાદુ જેવી છે. તેને પામીને તો આખી દુનિયા પામ્યાનો સંતોષ મળે તેમ છે.
છોકરાએ સામેથી આ છોકરીને બોલાવી, મંદ સ્મિત કર્યું.
છોકરી પણ મંદ સ્મિત કરતી તેની પાસે આવી. જેવી છોકરી તેની પાસે આવી કે તરત જ છોકરાએ અપનાવી લીધી.
છોકરાએ પૂછ્યું, “તારું નામ શું છે?”
છોકરીએ મંદ સ્મિત કરતાં કહ્યું, “તક !”
૫. મૂર્ખતાની મૂર્ખાઈ
એક હતી મૂર્ખતા. એને પોતાની મૂર્ખામી પર ખૂબ જ પસ્તાવું પડતું હતું.
એક વાર એને થયું કે મારે મારી મૂર્ખામી દૂર કરવા માટેનો રસ્તો શોધવો જ જોઈએ. તેણે ભગવાનનું તપ કરી ભગવાનને પ્રસન્ન કરી ભગવાન પાસે જ પોતાના પ્રશ્નનો ઉત્તર મેળવવાનું નક્કી કર્યું. ખૂબ તપ કર્યા પછી ભગવાન પ્રસન્ન થયા એટલે મૂર્ખતાએ ભગવાનને પૂછ્યું- “હે પ્રભુ! મારે મારી મૂર્ખામી દૂર કરવા માટે શું કરવું જોઈએ?”
પ્રભુએ સ્મિત કરતાં કહ્યું, “તારામાંથી તું તને બાદ કરી દે.”
મૂર્ખામીને કશું સમજાયું નહીં. એણે પૂછ્યું- “શું?”
“ખાલી થઈ જા.” પ્રભુએ ફરીથી કહ્યું.
“એટલે?” મૂર્ખતા ફરી ગૂંચવાઈ.
“ઓગળી જા.” પ્રભુએ હજી એક વાર કહ્યું.
“પણ હું ક્યાં બરફનો ટુકડો છું પ્રભુ, તે ઓગળી જાઉં? તમે એક કામ કરો, પહેલાં મને બરફનો ટુકડો બનાવી દો...” મૂર્ખતાએ કહ્યું.
પ્રભુએ કહ્યું, “તથાસ્તુ.”