Sanvednana Sathvare in Gujarati Short Stories by Sultan Singh books and stories PDF | સંવેદનના સથવારે

Featured Books
Categories
Share

સંવેદનના સથવારે

૧. ધર્મ અને જાત.

'આ બધુ શુ છે...?' શસ્ત્રોનાં વેપારીની પત્નીએ પતિને ઘરનો મુખ્ય દરવાજો અંદરથી બરાબર લોક કરી દેતા પુછ્યું.

'જરાય બહાર નીકળવાનું નથી હવે કોઈએ, આ રમખાણો પૂરા ન થાય ને ત્યાં સુધી.' વેપારી આટલું કહીને ખુરશી પર રાંટા પગ કરીને ગોઠવાઈ ગયો.

'ઓહ તો, હવે સમજાયું કે આજે આવા બધા નાટકો થવાના હતા એટલે જ કાલે તમારો શાસ્ત્રોનો વેપાર સારો હતો એમ...?'

'મને શુ ખબર હતી ભાગ્યવાન, બંને જ્ઞાતિના લોકો મારી પાસે આવતા હતા ત્યારે ધર્મની અને ધર્મગ્રંથોની જ વાતો કરતા હતાં. કોઇક કુરાનની પવિત્રતાની વાત કરતું હતુ તો કોઈ ગીતાના ઉપદેશો અને અધ્યાત્મની. પણ કોઇએ એ બધું જાતે કદી વાંચ્યુ જ નહીં હોય એવી મનેય શી ખબર હોય...?' વેપારી શાંત થઈ સુન્ન આંખે પંખા સામે જોઇ રહ્યો.

લાસ્ટ સીન:-

'આ જોઇ કદાચ બિચારા અલ્લા અને ભગવાન બેય માથે હાથ દઇ વિચારતા હશે કે મેં પણ શુ માણસજાત ઘડી છે. કલર અને કવર જોઇને બસ ધર્મને નામે લડ્યા જ કરે છે પણ દોસ્ત આપણી એકરૂપતા વિશેના વિચારો કુરાન કે ગીતામાં કોઈ વાંચે જ ક્યાં છે.'

૨. વિશ્વાસ અને અવિશ્વાસ

'જો સુજીત તને મારા પર વિશ્વાસ નથી એમજ ને...?' એકતા એ ભાતીયુ ભરીને સુજીતની થાળીમાં ભાત નાખતા પૂછ્યું. ત્યારે એના ચહેરા પર એના લગ્ન જીવનના ૧૨ વર્ષનો વસવસો સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો.

'એવું નથી હું તો બસ અમસ્તા જ તને બધું પૂછી લઉ છું.'

'અમસ્તા... અમસ્તુ એટલે શું...? તું કહેવા શુ માંગે છે...?'

'તારા દોસ્તોને મારી પાછળ પાછળ જ્યાં જાઉ ત્યાં મોકલવા એ બસ સામાન્ય વાત છે ને તારા માટે..??' એકતાના અવાજમાં ડુસકાનો અવાજ અને સ્વમાન લુંટાઈ જવાનો આઘાત સીધો જ અનુભવાઈ ગયો.

'શુ થયું...?' સુજીતે બિફિકરાઈ પૂર્વક પૂછ્યું.

'તારા અવિશ્વાસે જ મારા વિશ્વાસ અને મારા સ્વમાન બન્નેનો ભોગ લઇ લીધો...' આનાથી વધુ ન તો એકતા બોલી શકી કે ન તો સુજીત એની વાતમાં ધ્યાન આપી શક્યો. એની આંખોમાં ડોકાતી વેદના એના લુંટાએલા સ્વમાનની ચાડી ખાઈ રહી હતી.

૩. બેગુનાઈ

'તું મારી વાત માનીશ કે મારે બીજો રસ્તો અપનાવવો પડશે...?' સેજલે ઑફિસના સ્ટોર રૂમમાંથી મેઈન રૂમમાં આવતા અનિકેતને કહ્યું.

'જો સેજલ મારી સાથે આવી વાત ના કર... મેં તારી સાથે કોઈ જાતની બળજબરી તો નથી જ કરી.' અનિકેતે ઑફિસના ટેબલ પર બેસીને સામે બેઠેલી સેજલને કહ્યું. થોડા દિવસો પહેલા વારંવાર પ્રેમનો ઇઝહાર કરતી સેજલની આંખોમાં એને નફ્ફટતા દેખાઈ રહી હતી.

'ખરેખર બન્યું શું છે, એ તો તારા અને મારા સિવાય જાણે જ કોણ છે.'

'એટલે, તું કહેવા શુ માંગે છે...?'

'તું સારી રીતે સમજી શકે છે, અનિકેત હવે તું કઈ નાનું બાળક તો છે નઇ. સમાધિથી લઈને સંભોગ સુધીનું જ્ઞાન તો છે તને..' સેજલ એની સામે જોઇને વેધક નજરે બોલી.

'પણ આ કેમેરા...' અનિકેતે ઓફિસમાં લાગેલા કેમેરા તરફ આંગળી ચીંધતા કહ્યું.

'તું કેટલો ભોળો છે ને અનિકેત, કેમેરા તો માત્ર ચહેરા બતાવે છે. કોઈની નિયત કે કોઈનું વ્યક્તિત્વ આ બિચારા કેમેરાઓ નથી બતાવી શકતા. કેમેરા માત્ર ઑફિસના કલાકો પૂરતું બતાવશે, મારા મનમાં શુ છે અથવા ઓફીસ શિવાય શુ બન્યું છે એ બધું નઇ બતાવી શકે. અને હા તારી બેગુનાઈને પણ કદાચ આ જ કેમેરા ગુનાહિત જાહેર પણ કરી દેશે. સમય આવે જોઈ લેજે...' સેજલ ખંધુ સ્મિત વેરતા બોલીને ત્યાંથી ચાલી નીકળી હતી.

‘તું સાચી છે સેજલ, કે આ કેમેરાઓ કોઈની નિયત નથી રેકોર્ડ કરી શકતા.’ અનિકેત નતમસ્તક રહીને બધું જોઈ રહ્યો હતો.

૪. ઈશ્વર કણકણમાં છે...

"પણ તું ભગવાનને કેમ નથી માનતો...?" આકૃતિએ પાસે બેઠેલા શ્યામની હાથની હથેળીને સહેજ દબાવતા પૂછી લીધું...

"શુ કામ હું માનું ભગવાનને, આ પથ્થરો, કબરો, મૂર્તિઓ, સમાધિઓ, આરસપહાણના મંદિરો, મસ્જિદો, ચર્ચો, ગુરુદ્વારા કે ગમે તે કેમ ન હોય. હું શું કામ જાઉં ક્યાંય જ્યારે હું જાણું છું કે ઈશ્વર, અલ્લાહ, જીજસ અને બધાજ માન્યતાઓમાં મનાતા મારી સાથે જ છે..."

"એટલે તું કહેવા શુ માંગે છે...?" સ્નેહા અચંબાભેર શ્યામને તાકી રહી હતી.

"તું જે સમજે છે, પણ સ્વીકારવા નથી માંગતી એ જ..." શ્યામે સહેજ આકાશ તરફ જોતા કહ્યું "શુ આ ઈશ્વર, અલ્લાહ અને જીજસ સૃષ્ટિના કણકણમાં વ્યાપ્ત નથી...??"

"હા..."

"તો પછી અઢી મણના મારામાં અને તારામાં એ કેમ ન હોય..." શ્યામે એ પછીની ઘણી પળો સુધી આભને તાક્યા કર્યું હતું અને સ્નેહા પણ એના હાથને જરાક કસીને બેસી રહી હતી. એ ઈશ્વરના અસ્તિત્વને હવે બરાબર સમજી ચુકી હતી.

૫. પ્રેમ અને વિશ્વાસ

'પણ તું આજકાલ તો મને જવાબ સુધ્ધાંય નથી આપતી... એવું કેમ...?' અહમદે હિરની આંખોમાં આંખ પરોવીને કહ્યું. અત્યાર સુધીના સબંધોને જોતા આજ પ્રથમ વખત જ રસ્તામાં આંતરીને અહમદે એને પૂછી લીધું.

'મારે તારી કોઈ વાત નથી સાંભળવી...' હિરે એમજ ગુસ્સાભર્યા શબ્દોમાં કહિ દીધું.

'ઓહ એવું તો મેં શુ કર્યું...?'

'તને મારા શરીર સિવાય, કોઈ જ રસ નથી એમ જ ને.'

'તો હવે તને એવું લાગે છે એમ...'

'એવું ના હોય તો વારંવાર કેમ મને બોલાવી બોલાવીને હેરાન કર્યા કરે છે.'

'એટલે તને બોલાવ્યા કરવું એ જ મારો ગુન્હો છે હવે એમને...' અહમદે ફરી એક વાર કહ્યું અને પછી એની સામે જોઇને વાત આગળ વધારી 'શુ તને કોઈ જાતના અધિકાર ભાવ વિના ચાહતા રહેવું એ પણ ગુન્હો છે...? તને કોઈ જાતના બંધનોમાં બાંધ્યા વગર, રોકટોક કર્યા વગર, તારી દરેક ઈચ્છાઓને મંજૂરી મળે એમ કરેલું વર્તન, તું મારી સામે પણ કોઈકની સાથે હાથમાં હાથ નાખીને ઉભી હોય તેમ છતાં તારી ખુશીઓનો માન આપવાની મારી ભવનાઓ કદાચ આ બધી જ મારી ભૂલો છે, એમ ને...?'

'બસ હવે નાટકો ન કર...' હિરે એની વાતનો જવાબ વાળતા કહ્યું. અને વિરુદ્ધ દિશામાં જોઈ રહી.

'ઓકે, જેના માટે તું આ બધા નાટકો કરી રહી છે ને... જીવનમાં ક્યારેક એ વ્યક્તિની સામે કોઈક અજાણ્યા વ્યક્તિનો હાથ માત્ર પકડીને ઉભી રહી જોજે... એના પ્રેમ અને મારી ભાવનાઓનો તફાવત તને જાતે જ સમજાઈ જશે... કદાચ ત્યારે તને મારી લાગણીઓ સમજાશે, પણ કદાચ... ત્યારે તારી પાસે પછતાવા સિવાય કોઈ વિકલ્પ નહીં હોય.' અહમદ આટલું કહીને ત્યાંથી નીકળી ગયો. એના દિલમાં મચેલી ઘમાસાણ એના ચહેરાની સુન્નતા પર સ્પષ્ટ વર્તાઈ રહી હતી.

૬. ઓલ્ડએજ હોમ

"આ મહેસાણા પણ સાવ બકવાસ સીટી છે. કંટાળી ગયો છું શોધી શોધી ને... પેલા બેય ડોસડોસીને ઘરડાઘરમાં મુકીદેવા પત્નીને વાયદો કર્યો છે પણ, અહી સવારની સાંજ પડી પણ હજુ સુધી મને એક પણ ઓલ્ડએજ હોમ નથી મળ્યું. ક્યારેક થાય છે અહિં તો રહેવાય જ નહીં. પણ જોબ અહિં છે અને જવું પણ ક્યાં...?" કારમાંથી ઉતર્યા અભિજિત બીજુ પાણીનું પાઉચ પીતા પીતા ગલ્લાવાળાને કહ્યુ. લગભગ ત્યારે ૨ વાગી રહ્યાં હતાં.

'શુ યાર સાહેબ, આટલી બધી સુવિધાઓ છે છતા તમે કહો છો કે કાઈ જ નથી. હું ને મારા માતાપિતા પહેલા ગામડે સાવ નાની ઝૂંપડીમાં રહેતાં. બિચારા મને ભણાવી પણ નહતા શક્યા. પણ એમનું સપનું મહેસાણા આવવાનું હતુ એટલે હવે અહિં ખાસ એમનાં માટે મકાન ભાડે લીધુ છે. મહેસાણા શહેરે મારા માતા પિતાને ખુશી આપી છે એથી વધું શુ જોઈએ મારે.' ગલ્લાવાળાએ જાણે ખુશીનાં આંસુ વહાવતા કહ્યુ.

'કેટલા પૈસા થયા...?' પેલો યુવાન સ્તબ્ધ થઈ ગલ્લાવાળાને જોતો જોતો બબડ્યો.

'૬ રૂપિયા થયા, મારે પાછું સામે ઘરડા ઘરમાં ટિફિન આપવા જવું છે. એક ઓળખીતા ગામનાં કાકા જેનાં ખોળામાં રમેલો એમનો નાલાયક દિકરો એમને અહિં છોડી ગયો છે. મારા બાપા કે છે એય તારા પીતા સામાન છે.' ગલ્લાવાળાએ કહ્યુ. ત્યારે પેલા યુવાનને ક્યાંક ખોવાયેલો જોઇ ફરી પુછ્યું 'તમે શોધતા શુ હતાં સાહેબ?'

'કાઈ નઇ...' પેલો યુવાન એટલું બોલ્યો ત્યારે અભણ ગલ્લાવાળો ફાટી આંખે એની સામે જોઇ જ રહ્યો. એ એસી લગાડેલ ગાડીમાં ફરતા અને શોધખોળમાં જેમતેમ બબડતા યુવાનની આંખોમાં ઝળહળીયા બઝેલા જોઈ રહ્યો હતો.

૭. પુસ્તકનું જ્ઞાન

'ધર્મના નામે લડવાની મેં તને કેટ કેટલી વાર ના પાડી છે. કુરાન મેં લિખા હે બોલતા તો રહેતા હે. પર કભી અપની અક્કલ લગા ઓર ઇસે પઢ ઓર સમજ ભી તો લે...' ઈશાનના અબ્બા એને સમજાવી રહ્યા હતા ત્યારે એમના હાથમાં કુરાનનું લીલા પૂંઠાવાળું પવિત્ર પુસ્તક હતું.

'અરે રહીમ છોડના બચ્ચા અભી ના સમજ હે, ઉસે ઇન સબમે ભલા ક્યાં સમજ આને વાલા હે.' પડોશ વાળા મંગલ ભાઈ એટલું કહેતા કહેતા ઇશાનને એમના ઘરમાં લઇ ગયા હતા.

'અબ્બા કાઈ સમજતા નથી, મંગલ અંકલ...' ઈશાને માસૂમિયત ભરેલી આંખે કહ્યું.

'શુ...?' સહેજ અટકીને 'શુ નથી સમજતા તારા અબ્બા...'

'એ કહે છે, ધર્મના નામે લડવું ખોટું છે.'

'તારા પિતા સાચું જ કહે છે ને બેટા...'

'પણ કુરાનમાં લખેલું છે ને કે ઝેહાદ...’ ઇશાન અટક્યો.

‘ક્યાં તુમ્હારા કુરાન કિસીકા ખૂન બહાના પુણ્ય કા કામ માનતા હે.’ મંગલભાઇ શાંત રહીને બોલ્યા.

‘નહી તો.’

‘તો પછી તારે સમજી જવું જોઈએ ને કે આ ઝેહાદ શબ્દને ખોટી રીતે દર્શાવાઈ રહ્યો છે. અને માણસને માણસનો દુશ્મન બનાવી દેવાઈ રહ્યો છે.’

‘ફિર સચ ક્યાં હે...?’

‘જો કુછ આબ તક સિર્ફ તુને સુના હે તું ખુદ ઇસે પઢકર દેખ ક્યો નહિ લેતા. સારે મતલબ તું ખુદ ઢૂંઢ કયો નહિ લેતા...’ મંગલભાઇએ આટલું કહી એક જુનું પુસ્તક એની સામે ધર્યુ.

ઇશાન એ પુસ્તકના કવર પરના શબ્દો વાંચી રહ્યો હતો. ત્યાં લખ્યું હતું ‘કુરાન-એ-શરીફ’. ઇશાન એ મૂંઝવણમાં હતો કે આખર આજ પુસ્તકના આધારે થતી વાત સમજવા આ જ પુસ્તક કેમ..? જયારે મંગલ ભાઈ એ વાતે ખુશ હતા કે આ વાંચ્યા પછી ઇશાન જરૂર સમજી શકશે.

*****

સુલતાન સિંહ ‘જીવન’

+૯૧-૯૯૦૪૧૮૫૦૦૭

આપના પ્રતિભાવ જરૂર સૂચવશો....