સવારે એક્દમ નોર્મલ રીતે વળી પાછો શ્રેયાએ એને બોલાવવાનો પ્રયત્ન કર્યો.
આજે તો તુ આખી રાત જાગ્યો , શું કરતો હતો?
કામ. એકાક્ષરી જવાબ .
એ તો મને ખબર છે તુ કામ કરતો હતો પણ શું કામ કર્યુ એ પુછુ છું.
કેમ , તે તો કહ્યુ ને કે આ વખતે પહેલેથી તકેદારી રાખજે જેથી પાછળથી ટેન્શન , દોડાદોડી કે ઉજાગરા ના થાય.
ઓહ! શ્રેયા આંચકો ખાઇ ગઈ. તો વાત આમ છે.
સંદિપ, આની આ જ વાત જો તુ સારી અને સાચી રીતે લઈ શક્યો હોત તો મને વધુ ગમત .
જવાબ નથી શ્રેયા તારો . કરુ છું એટલુ બસ નથી? તુ કહે એમ કરવાનુ અને પાછુ તુ કહે એ જ રીતે પણ કરવાનુ?
અને ખરેખર શ્રેયા પાસે આનો કોઇ જવાબ નહોતો.એક હઠ પર આવીને ઉભો હતો એ.કોણ કહે છે કે બાળહઠ,રાજહઠ ,ઋષિહઠ અને સ્ત્રીહઠને ના પહોંચી શકાય ? એથી વધુ દુર્ગમ તો પુરૂષહઠને પહોંચી વળવાનુ લાગતુ હતુ. જો કે રાજ કહો કે ઋષિ મુળ તો પુરૂષ જ ને? એક સાદી સીધી વાતને સ્વીકારવા જેટલી પણ મનની મોકળાશ નહોતી
અને ખરેખર હવે તો એ હઠ પર જ આવીને ઉભો હતો. આખો દિવસ કામમાં રચ્યો-પચ્યો રહેવા મથતો. શ્રેયાના સવાલો પર એકાક્ષરી જવાબ આપવા સિવાય બીજી કોઇ વાત કરવાનુ પણ ટાળતો. કામના ઓઠા નીચે સૌને મળવાનુ પણ ટાળતો. ઘરથી ઓફીસ -ઓફીસથી સાઇટ સિવાય ક્યાંય જવાનુ પણ બંધ કરી દીધુ.શ્રેયા મનથી સોરાયા કરતી. હંમેશા સાથ આપ્યો એ ગમ્યુ પણ સુચન ના સ્વીકારી શકાયુ?
બધાને લાગતુ કે આ નવા થ્રી સ્ટાર હોટલના કામને લઈને એ ખુબ બીઝી થઈ ગયો છે અને આમ જોવા જાવ તો વાત સાચી પણ હતી. એ હોટલના પ્રોજેક્ટ્ને લઈને જે પ્રેસ્ટીજ ઇસ્યુ હતો એ હવે પર્સનલ ઇસ્યુ બની રહ્યો હતો.
બંને વચ્ચે સંવાદ ઓછા થતા જતા હતા ને અંતર વધતુ જતુ હતુ.શ્રેયા પતિ પામવાની મથામણમાં એક સારો મિત્ર ગુમાવી રહી હતી અને સંદિપ જાતને સાબિત કરવાનની મથામણમાં પત્નિ ગુમાવી રહ્યો હતો.
સંદિપ ખુબ કામ કરતો, દિવસ રાત જાણે એક કરી દેવા હોય તેમ સળંગ રચ્યો પચ્યો રહેતો અને શ્રેયા ઉદાસ મને એને જોયા કરતી. સમજણ નહોતી પડતી શું કરે? કઈ કહેવા જાય તો સંદિપ હરીફરીને એક જ જવાબ આપતો ,શ્રેયા હંમેશા તું જ તો ઇચ્છતી હોય છે ને કે હું બસ આમ એકદમ સીન્સિયર બનુ , વ્યવસ્થિત બનુ અને હવે હુ એમ તો કરુ છું પછી તો તને કોઇ પ્રોબ્લેમ ના હોવો જોઇને?
શ્રેયા કેમ કરીને સમજાવે કે આ રીત નહોતી એની વાત સ્વીકારવાની . આ કોઇ ખરા મનની કે સાચા હ્રદયની સ્વીક્રુતિ નહોતી , બસ શ્રેયાની એક વાત લઈને એની પર કરવામાં આવતો કઠુરાઘાત હતો. સંદિપનો અહમ છંછેડાયો હતો . એ શ્રેયાને કઇ પણ કહી શકે , કોઇ પણ સુચન કરી શકે પણ શ્રેયા એમ કેમ કરી શકે? મન મુરઝાતુ જતુ હતું એનુ તો સંદિપ પણ કંઇ અંદરથી રાજી થઈને તો આ બધુ નહોતો જ કરતો ને? ઉદ્વેગનો ભાર બંને વચ્ચે વધતો જ ગયો. હોટલના ઇન્ટીરીયરનુ કામ આગળ વધતુ ગયુ એમ બંને એકમેકની સાથે રહેવામાં પાછા પડતા ગયા.
આગ હોય ત્યાં ધુમાડો તો થવાનો જ. બંને વચ્ચેના તનાવનો ભાર ઘર પર લદાતો જતો હતો. નયનભાઇ અને વિભાબહેનને થોડો અણસાર તો આવી જ ગયો હતો તેમ છતાં મન આટલુ ઝડપથી સ્વીકારવા તૈયાર નહોતુ. વિભાબહેન અને નયનભાઇને સંદિપ સાથે વાત કરી જોવા પ્રયત્ન કરી જોયો પણ કામના ઓઠા હેઠળ એ એમનાથી દૂર રહેવા જ પ્રયત્ન કરતો જેથી કોઇ જવાબ આપવામાંથી એ બાકાત રહે. રહી વાત શ્રેયાની તો વિભાબહેને એને પાસે બેસાડીને પુછવા પ્રયત્ન કરી જોયો અને એમાંથી આખી વાતનો સાર પામી જ ગયા .
હવે શું ? કોઇ ઝગડો નહોતો કે એની સુલેહ કરી શકાય . બેમાંથી કોઇ બાળક નહોતા કે એમને સમજાવી , મનાવી કે પટાવી શકાય. અને જે રીતે શ્રેયાને ઓળખતા હતા એ રીતે એક વાતની ખાતરી હતી કે વાત હજુ એના ઘર સુધી તો નહીં જ પહોંચી હોય. શ્રેયાના સ્વભાવ પ્રમાણે ઘરના પ્રોબ્લેમ ઘર સુધી જ સિમિત રહેવાના હતા તો સંદિપ આમે ય કામના ઓઠા નીચે ક્યાં કોઇને મળતો હતો કે આ ભડકાની ભનક ત્યાં સુધી પહોંચે? નહીતો એના વર્તન પરથી તો ચોક્કસ આ મનભેદની, આ તનાવની વધુ તો નહીં પણ છેવટે આછીય આગ તો ત્યાંય પ્રસરી હોત.
બાહ્ય રીતે બંને પોતાની મેળે બીઝી રહેવાનો યત્ન કરતા તેમ છતાં અંદરથી એક ખાલીપો સર્જાતો હતો ,એક રિક્તતા ઉભી થતી હતી એનાથીય સભાન તો હતાજ. કોણ સાચુ અને કોણ ખોટુ હતુ એની અદાલત ક્યાં ભરાવાની હતી કે એમની સમસ્યાનો કોઇ ઉકેલ આવે? જેમ દિવસો વિતતા ગયા તેમ ખાલીપાની ખાઇ વિસ્તરતી જતી હતી.
"કોઇ પણ છોકરીને આટલુ સમજી શકતો હોય એવો પતિ મળે તો ખરેખર એ એના માટે સદનસીબ ના કહેવાય? બીઝનેસમાં પણ સાથે કામ કરવુ હોય તો બે પાર્ટનર વચ્ચે એક મત કે સમજૂતી હોય તો જ તે આગળ ચાલે છે તો આ તો જીવનની પાર્ટનરશીપ કહેવાય એમાં તમારી વચ્ચે જે હાર્મની છે તે તને બીજા કોઇમાં મળશે જ એવી તને કોઇ ખાતરી છે ?"
શ્રેયાને પપ્પા સાથે થયેલી વાત આજે પણ યાદ હતી. આ સમજૂતી કે આ હાર્મની ક્યાં ગુમાવી બેઠી એ? સંગીતના સાત સૂરોમાંથી કોઇ એક સૂર આઘોપાછો થયો હતો ? કે એ સૂરને એકતાલ કરતો તાર જ તુટી ગયો ?
અનહદ દુઃખ એને કોરી નાખતુ હતું. સંદિપને એના ક્યાં કોઇ સુચનની ક્યારેય જરૂર હતી ? શા માટે એનાથી એ દિવસે ટકોર થઈ ગઇ?
વળી મન પાછુ દલીલે ચઢતુ. એમાં એણે ખોટુ ક્યાં કર્યુ છે ? એટલુ કહી શકવાનો એનેય હક તો હતો જ ને? જો સંદિપ કોઇ સુચન કરે કે ટકોર કરે તો માન્ય રાખતીજ ને? તો આમ કેમ?
"કોઇપણ દિશામાં લેવાયેલો તારો નિર્ણય મને મંજૂરછે. તું મારી અત્યંત કરીબી દોસ્ત હતી અને રહીશ જ."
આવુ જ કંઇક તો સંદિપે એને કીધુ હતુ ને ?
તો આ મંજૂરી ,આ કરીબી ,આ દોસ્તી ક્યાં અટવાઇ ? દોસ્ત વચ્ચે નિખાલસતા ન હોય? દોસ્ત વચ્ચે મતભેદ હોય એ બરાબર પણ આટલી હદે મનભેદ ટકી શકે?
સંદિપ તો કહેતો હતોને કે જીવન સાવ અજાણી વ્યક્તિ સાથે ગોઠવવુ તેના કરતાં જેને આટલા સમયથી જાણતા હોઇએ તેના માટે વિચારવુ એમાં કંઇ ખોટુ નથી.
બસ આટલુ જાણી શક્યા હતા એ બે એકબીજા ને?
સાંજ પડે ઘરની ઓફીસ કમ લાઇબ્રેરીમાં બેઠી બેઠી શ્રેયા કોઇ ઉદ્દેશ વગર આમતેમ પાના ઉથલાવતી જતી હતી કે પછી અજાણપણે ફરી ફરીને મનને ઉથલાવતી હતી?
"સંબંધોમાં વળગણ જેવું ક્યાંથી લાગે સગપણ જેવું.
શાને લાગે ભારણ જેવું,ક્યાં છે કોઈ કારણ જેવું.
આંસું જેવો ખારો નાતો લાવું ક્યાંથી ગળપણ જેવું.
આંખોને કોરુંકટ તારે,મારે કાયમ શ્રાવણ જેવું.
ચાલ ફરીથી રમવા ઘર-ઘર વીતેલા એ બચપણ જેવું
"ઓહ! આ તો મારા મનની જ વાત કે પછી મને જ હવે બધામાં મારુ મન પડઘાય છે?"
સાવ અતિતમાં ખોવાઇ ગયેલી શ્રેયાની નજર ઇશ્ક પાલનપુરીની રચના પર ફરતી હતી કે એના અને સંદિપના સંબંધોના સરવૈયા પર ? ઘડીભર તો શ્રેયાને થયુ કે આ વિતેલો સમય ફરી એક વાર પાછો જ્યાંથી શરૂ થયો હતો એ મુકામ પર એને અને સંદિપને લાવી ને મુકે તો કેવું? સાવ બચપણમાં રમતા ઘર ઘર તો નહીં પણ એમના સંબંધોના શૈશવ પર ફરી એક વાર પગલી માંડવા મળે તો કેવું?
નાની હતી ત્યારે પપ્પા-મમ્મી સાથે ચોરવાડ ગઈ હતી ત્યારે એ રેતીનુ ઘર બનાવતી , થોડુ પાણી લઈ થેપી થેપીને એને મજબૂત બનાવવા પ્રયત્ન કરતી અને પાણીની એક છાલકે એ ઘર હતુ ન-હતુ થઈ જતુ. પપ્પા સમજાવતા એ તો એમ જ હોય , માટીનુ ઘર કોને કહેવાય? અને બીજે આગળ થોડે દૂર જઈને ફરીથી એને ઘર બનાવવામાં મદદ કરતા. આજે પણ મોટી થઈને એણે માટીનુ જ ઘર બનાવ્યુ કે જે એકજ છાલકમાં હતુ ન હતુ થવા માંડ્યુ ? ને હવે તો એના દરિયાલાલે એને ચારે બાજુથી આવરી લીધી હતી ક્યાંય કોઇ કોરી જગ્યા જ ક્યાં હતી કે આગળ થોડે દૂર જઈને બીજુ ઘર પણ બનાવે ? વારંવાર પ્રેમની છાલકે ભીંજવતો એનો સંદિપ , હું તો ખોબો માંગુને એ દઈદે દરિયો...જેવુ વ્હાલ વરસાવતો સંદિપ અત્યારે સાવ કોરાકટ રણ જેવો કેમ? આ સંબંધો- આ સગપણ કોઇ ખાસ કારણ વગર ભારણ જેવુ કેમ બની રહ્યુ?
અંતે અનેક મથામણો પછી એને એવુ લાગતુ હતુ કે હવે એ બંને જણ એક એવા પોંઇન્ટ પર આવીને ઉભા છે જ્યાં પોઇન્ટ ઓફ નો રિટર્નની સાઇન વણલખેલી વંચતી હતી.
***
સંદિપ તો જાણે કશું જ વિચારવા માંગતો જ નહોતો. આ એક એવો મુદ્દો હતો કે જેની તરફેણ કે વિરૂધ્ધમાં કોઇ દલીલો એને સુજતી જ નહોતી અથવા તો એ મન સાથે કે શ્રેયા સાથે એ કોઇ દલીલમાં ઉતરવા જ માંગતો નહોતો. દરેકને કોઇપણ રીતે કન્વીન્સ કરી શકવાની એની ક્ષમતા એના પોતાના મનને જ ક્યાં કન્વીન્સ કરી શકતી હતી કે પછી એ કરવા માંગતો જ નહોતો. વળ ખાયેલુ પતિનુ મન રહી રહીને પત્નિથી દૂર રહેવા માંગતુ હતુ. શરૂઆતમાં અનાયાસે મળેલી તક અને તે પછી પણ આગળ વધતા કેરિયરના ગ્રાફે પેલી "આઇ એમ સમથીંગ "ની ફીલિંગને વધુને વધુ નક્કર બનાવી હતી તો તેમાં કોઇ નહી અને શ્રેયા એને ટકોર કરે? શ્રેયા એને કોઇ સુચન કરે ? બસ મન - અંદરનો એ ગુરૂર અમળાઇ અમળાઇને એ જ વાત પર લાવીને એને મુકતું. શરૂઆતથી લઈને આજ સુધી શ્રેયાની સમસ્યાનો ચપટી વગાડતામાં ઉકેલ લાવતો સંદિપ પોતાના મનની ગુંચ ઉકેલવા તૈયાર જ નહોતો.બસ મન -
શ્રેયાના પહેલા એક્ઝીબીશન વખતે જે રીતે એણે પ્રમોટ કરી હતી એ રીતે તો પોતાને શ્રેયાનો સર્વેસર્વા માનતો થઈ ગયો હતો એટલે શ્રેયાની કોઇ વાત કે સજેશન સમયે જાણૅ શ્રેયા એની સર્વોપરિતા સ્થાપિત કરવા માંગતી હોય એવુ લાગતુ એટલે એ રીતે પણ શ્રેયાને કોઇપણ સાચી વાત એ સ્વીકારવા તૈયાર જ નહોતો.
કોઇ વળી એવી શુભ ઘડી આવતી તો એને શ્રેયાની વાત સાચી પણ લાગતી. કામને લઈને શરૂઆતથી જે સતર્કતા ન રાખી હોય ત્યારે પાછળથી જે ટેન્શન થતા એ એણે પણ અનુભવ્યા જ હતાને? અને એ સમયે શ્રેયાએ પોતાનુ કામ અટકાવીને એનુ કામ પુરુ કરવા સાથ આપ્યો હતો એ પણ એટલુ જ સાચુ હતુને? તો પછી શ્રેયાને પુરો હક હતો કે એ એની ખામી તરફ ધ્યાન દોરી જ શકે તો પછી એ એની ટકોર કેમ સહી ના શક્યો ? જો એ શ્રેયાને કઈ પણ કહી શકે તો શ્રેયા એની અર્ધાંગીની હતી ,એની પૂરક હતી તો શ્રેયાની કોઇ વાતને કમ સે કમ એણે તોડી તો નહોતી જ પાડવી જોઇતી. એવુ પણ લાગતુ પણ વળી પાછો અંદરનો અને અંતરનો અહં મદારીના કરંડીયામાં પુરાયેલા નાગની જેમ ફુત્કાર કરી લેતો. અને આમ ને આમ એ શ્રેયાને ટાળતો જ ગયો.
સારુ હતુ કે બંને પોતાના કામને લઈને માનસિક રીતે રોકાયેલા હતા અથવા રોકાયેલા છે એવા બહાના હેઠળ મનને આશ્વતરાખતા. અને સમયને ક્યાં કોઇની પડી છે કે એ ઘડીભર પોઝ મુકીને કે જીવનની રફ્તારને રિવાઇન્ડ કરીને પેલી નિરપેક્ષ દોસ્તીની મનગમતી ક્ષણો પર એમને પાછા લાવીને મુકે? બાંધેલી ઇમારતને જમીનદોસ્ત કરવામાં એટલી વાર નથી લાગતી જેટલી એને તૈયાર કરવામાં લાગે છે, સરસ મઝાના રંગરોગાન પર એક કુચડો મારીને એને ખરાબ કરતા એટલી વાર નથી લાગતી જેટલી ચાર દિવાલોને સજાવતા લાગે છે.હજુ તો જેના પરના રંગ -રોગાન લીલાછમ હતા એવી દાંપત્યની એ દિવાલોના રંગ એકદમ જ ફિક્કા પડવા માંડ્યા.
શ્રેયાને આજે ય યાદ હતુ માળીકાકા ઘણાબધા કુંડાને આમથી તેમ ફેરવતા રહેતા. નાનકડી શ્રેયાને એમની આ મજૂરી સમજાતી નહોતી. રામદીનકાકા એને સમજાવતા,
"બિટીયા , યે બડે હી નાજુક પૌધે હે ઇસકો કડી ધૂપમેં રખનેસે યે મુરઝા જાતે હૈ. ઇસે છાંવમે હી રખના ઠીક હૈ."
આજે એવી કોઇ એવી જ કડી ધૂપમાં એનો નાજુક પ્રેમ મુરઝાવા માંડ્યો હતો અને એ એને કોઇ શીળી છાયામાં ખસેડીને સુકાતો રોકી શકતી નહોતી.
આમ ને આમ સાથે રહેવાનો કોઇ મતલબ ખરો? વારંવાર એ એના મનને પુછ્યા કરતી. અગ્નિની સાક્ષીએ ફેરા ફર્યા ત્યારે કલ્પના ક્યાં હતી કે એ અગ્નિમાં એ દોસ્તીની આહુતિ દઈ રહી છે? સંદિપ ખરેખર ઉમદા દોસ્ત હતો. તુટતા લગ્નજીવનની સાથે શ્રેયાને એ મૈત્રી, એ દોસ્તને ગુમાવાની વેદના વધુને વધુ સતાવી રહી હતી.કોની સાથે એ શેર કરે? પપ્પા અને તે પછી સંદિપ જ તો હતો જેની સાથે એ ખુલ્લા દિલથી વાત કરી શકતી. મમ્મી કરતા ય પપ્પાની એ વધુ નજીક હતી પણ અત્યારે તો આમાં કોઇને એ કશુ જ કહેવા માંગતી નહોતી.
મનના કોઇ એક ઉંડાણમાં છાની આશા હજી જીવીત હતી ,આ કદાચ વાવાઝોડુ જ હોય જેણે હાલમાં તો એની દુનિયા વેરણ-છેરણ કરી મુકી છે પણ એ પસાર થઈ જતા વળી પાછુ હતુ તેમ અકબંધ એ ગોઠવી દેશે. ધીમે ધીમે એ આશા ય ઠગારી લાગવા માંડી.
સંદિપનુ કામ પુરુ થવાના આરે હતુ. કામ ખરેખર ખુબ સરસ થયુ હતુ. બેહદ વખણાયુ હતુ .અને વધુમાં તો શ્રેયા ઇચ્છતી એમ સમય કરતા વહેલુ પત્યુ હતું. સંદિપનુ નામ લોકોમાં વધુ જાણીતુ થયુ અને આ વખતેય શ્રેયા સિવાય એની પાછળનુ ટેન્શન કોઇને ના દેખાયુ.
મન મોતી ને કાચ એકવાર તુટે પછી એ ક્યારેય સંધાતા નથી. કેટલીય વાર આવુ વાંચ્યુ હતુ પણ જાણ્યુ તો આજે જ. દિવસો વિતતા હતા એમ મૌનની અભેદ દિવાલ વધુ ને વધુ ગાઢી બનતી ચાલી.
***
સંદિપ ક્યારેક ખપ પુરતુ બોલી લેતો પણ એમાં જાણે કોઇ ત્રાહિત વ્યક્તિ જેવો અજાણ્યો ભાવ અનુભવાતો. અકળામણ તો એ પણ એટલીજ અનુભવતો. ક્યારેક વાતનો મોટુ સ્વરૂપ અપાઇ ગયુ હોય એવો મનોમન વિચાર આવી જતો. વાતનુ વતેસર થઈ ગયા પછી એને વાળી લઈ શક્યો હોત પણ પેલો અહં ફુંફાડા મારીને એને એમ કરતા રોકતો. જેમ જેમ શ્રેયા એને બોલાવવા પ્રયત્ન કરતી તેમ તેમ એ વધુને વધુ અક્કડ બની જતો. અને હવે તો શ્રેયાએ પણ બોલવાનુ ઓછુ કરી નાખ્યુ હતુ. આજ સુધી તો ઠીક છે કે કામના ભારણ હેઠળ એને અને સૌને ટાળવાના પ્રયત્નો કરતો રહ્યો પણ આમ ક્યાં સુધી ચાલશે? શ્રેયા વગર, શ્રેયાના સુચન વગર કે શ્રેયાની મદદ વગર પણ એ કામ પાર પાડી શક્યો હતો , એનો ગુરૂર, એનો અહં સંતોષાયો હતો પણ એ કામનો આનંદ કેમ નહોતો થતો?
આમ જોવા જાવ તો શ્રેયાની વાત જરાય ખોટી તો નહોતી જ . શ્રેયાની વાતને એ સરખી રીતે લઈ જ શક્યો હોત. પણ હવે પાછા વળવાની કોઇ શક્યતા દેખાતી નહોતી. શ્રેયાએ પોતાની જાતને કાચબાની જેમ અંદર સંકોરી લીધી હતી અને લાગણીઓ પર ઢાલ જેવુ , સખત પત્થર જેવુ કવચ ધારણ કરી લીધુ હતુ. જેનો ભાર હવે રહી રહીને સંદિપને લાગવા માંડ્યો. બળબળતા રણમાં ચાલ્યાની લ્હાય હવે ઉઠવા માંડી પણ જાણે હવે વાત હાથ બહારની લાગતી હતી. શ્રેયાએ જ્યારે જ્યારે બોલાવવા પ્રયત્ન કર્યો ત્યારે જે અકડાઇ રાખી એ જ હવે નડવા લાગી.
યાદ આવતુ હતુ ,નાનો હતો ત્યારે એક વાર મમ્મી સાથે રિસાઇને જમવાના ટેબલ પરથી મ્હોં ફુલાવીને ઉભો થઈ ગયો હતો. મમ્મીએ બોલાવ્યો પણ જીદ પર આવીને એ વખતે તો ના જ આવ્યો. પણ પછી ભૂખ સહન ન થતા મમ્મી કામ કરતી હતી ત્યાં એનુ ધ્યાન પડે તેમ કોઇને કોઇ બહાનુ કાઢીને આંટા મારવા માંડ્યા . વિભાબહેને જાણીને થોડીવાર તો એની પર ધ્યાન ન આપ્યુ ત્યારે ય બાળમાનસમાં એક વાત તો સમજાઇ ગઈ કે માંગ્યા માન મળતા હોય ત્યારે મોં ના ફેરવી લેવાય.
આજે ફરી એ જ સ્થિતિ પર આવીને ઉભો. એની માની લીધેલી ભૂલ પર શ્રેયાએ કેટલી વાર એને મનાવવા પ્રયત્ન કર્યો પણ એની પોતાની જીદને લઈને એ વખતે માંગ્યા માન પર મ્હોં ફેરવીને ઉભો રહ્યો અને હવે અત્યારે અંદરથી મન ઝંખતુ હતુ કે શ્રેયા એની સાથે વાત કરે. એના સફળ થયેલા પ્રોજેક્ટ અંગે , હવેથી શરૂ થતા નવા કામ અંગે એની સાથે ચર્ચા કરે.
"સંદિપ, તારી અને શ્રેયા વચ્ચે શું થયુ છે એની મારે કોઇ ચર્ચા નથી કરવી પણ આવી રીતે ક્યાં સુધી ચાલશે? એનો કોઇ અંત ખરો? આમ સાથે રહેવાનો કોઇ અર્થ ખરો?"
અંતે નયનભાઇએ સંદિપને ઓફીસમાં બોલાવીને વાર કરવા પ્રયત્ન કર્યો. સંદિપ પાસે આનો કોઇ જવાબ જ ક્યાં હતો કે એ આપે?
ક્યાંયથી ય અટકી ગયેલી વાત આગળ વધતી જ નહોતી. ગળામાં કાંટો ફસાયો હતો અને એના લીધે ડચુરો બાઝ્યો હતો એ ન તો અંદર ઉતારી શકાતો હતો કે ન તો એ બહાર પાછો ધકેલી શકાતો હતો. ગુંગણામણ થતી હતી પણ કહે કોને?
સંદિપે નયનભાઇની વાત પર વિચારી લીધુ. સાચી તો વાત હતી આવી રીતે ક્યાં સુધી ચાલશે? એનો કોઇ અંત હતો?
હા, હતોને! અને એક દિવસ એણે નક્કી કરી લીધુ ખરેખર આમ સાથે રહેવાનો તો કોઇ અર્થ રહેતો નહોતો.
શ્રેયાને તો આમ પણ જાણે કોઇ પરાયા ઘરમાં રહેતી હોય એવુ લાગ્યા કરતુ હતું. નયનભાઇ કે વિભાબહેન સાથેનો વ્યહવાર તો એવો જ સામાન્ય ઉષ્માભર્યો હતો પણ મન અંદરથી મુરઝાઇ રહ્યુ હતુ. માળીની માવજત તો એની એ જ હતી પણ પાણી વગર છોડ સુકાઇ રહ્યો હતો, પાન વિલાઇ રહ્યા હતા .લચીલા લુમઝુમ કરતા ઝાડ કરતા સુકાઇને ક્ષીણ બની રહેલા એ સાંઠીકડાનો ભાર વધુ ને વધુ સાલતો હતો હતો.
અને જો આમ જ વારંવાર બનવાનુ હોય તો એ ક્યાં સુધી ચુપ રહી શકવાની હતી ? ક્યારેય એવુ નહી બને કે એની વાત સંદિપને સાચી કે સમજવા જેવી લાગશે?અને કશું પણ કહ્યા પછી જો આમ જ પરિસ્થિતિ સર્જાવાની હોય તો એનો છેડો ક્યાં જઈને અટકવાનો? નથી જોઇતી એ ડચકા ખાતી, ખોડંગાતી લુલી ક્ષણીક પળો જેમાં અરસપરસ સ્વતંત્રતાની , કહેવાતા માન સન્માનની ટક્કર એના દાંપત્યને બોદુ કરે.
અને નક્કી કર્યા મુજબ ઝાઝી હોહા વગર સેપરેશનના સમયને ઓળંગીને પરસ્પર સંમતિથી આજે બંને છુટા પડી ગયા ત્યારે શ્રેયા પોતાની જાત પરનો કાબુ ગુમાવી બેઠી. ગાડીમાં બેસતાની સાથે એ મન મોકળુ કરીને રડી પડી. આટલા સમયનો ડૂમો એના બંધ તોડીને બહાર આવી ગયો. આસ્તેથી આવીને સંદિપ બારણુ ખોલી એની બાજુમાં બેસી ગયો. થોડી ક્ષણો એમ જ વિતી ગઈ.
"આપણે ક્યાં ખોટા પડ્યા સંદિપ?"
આજે આટલા લાંબા સમય બાદ એ સંદિપ સાથે બોલી શકી.
"આપણે નહીં , શ્રેયા હું ખોટો પડ્યો અને કદાચ ઓછો પણ પડ્યો."
સંદિપ પણ હળવો ફુલ બની ગયો. અને હળવેકથી શ્રેયાનો હાથ થામી લીધો. પતિ જે સ્વીકારી ન શક્યો એ ફરી એક વાર દોસ્ત બનીને કહી શક્યો.
"કાયમ હુ તને કહેતો અને આજે પણ કહીશ જસ્ટ બ્લો વીથ ધ ફ્લો. જે બની ગયુ એને યાદ કરીને દુઃખી થવા કરતા એને ભુલીને આગળ વધવાનુ.જે પરિસ્થિતિ આપણા હાથમાં નથી એમાં વહી જવામાં જ શાણપણ છે અને શાન પણ. આજે પણ તુ મારી કરીબી દોસ્ત છું અને રહીશ શ્રેયા."
"લેટ્સ હેવ ડીનર ટુ ગેધર એન્ડ સેલિબ્રેટ અવર ઓલ્ડ રિલેશન્શીપ વન્સ અગેઇન ઇન અ ન્યુ વે."
શ્રેયા હસી પડી અને સંદિપે કાર સીધી કામા તરફ લઈ લીધી.
સમાપ્તઃ