Jivan Khajano - 7 in Gujarati Motivational Stories by Rakesh Thakkar books and stories PDF | જીવન ખજાનો - 7

Featured Books
Categories
Share

જીવન ખજાનો - 7

જીવન ખજાનો ભાગ-૭

જીવન પુણ્ય

-રાકેશ ઠક્કર

માનવીની સેવાથી મળે પુણ્ય

એક જાણીતા સંત મૃત્યુ પછી જયારે સ્વર્ગના દરવાજે પહોંચ્યા ત્યારે ચિત્રગુપ્તે તેમને અટકાવીને કહ્યું,''મહારાજ, ઉભા રહો. અંદર પ્રવેશ કરતાં પહેલાં જીવનનો હિસાબ-કિતાબ રજૂ કરવો પડશે.'' ચિત્રગુપ્તની વાત સંતને યોગ્ય ના લાગી. તે નારાજ થઈને બોલ્યા,''આ કેવો વ્યવહાર તમે કરી રહ્યા છો? આબાલવૃધ્ધ બધા જ મને ઓળખે છે.'' ચિત્રગુપ્તે તેમને જાણકારી આપતા કહ્યું,''આપને કેટલા લોકો ઓળખે છે તેનો હિસાબ અમારી પોથીમાં હોતો નથી. અમારી પાસે ફકત કર્મનો હિસાબ-કિતાબ હોય છે.'' સંતના આગ્રહથી ચિત્રગુપ્ત તેમના જીવનના પહેલા ભાગનો ચોપડો જોવા બેઠા. એ જોઈને સંત બોલ્યા,''મારા જીવનનો બીજો ભાગ જુઓ, કેમકે જીવનના પહેલા ભાગમાં તો મેં લોકોની સેવા કરી છે. અને એમના દુઃખ દૂર કર્યા છે. જયારે બીજા ભાગમાં મેં જપ-તપ અને ભગવાનની આરાધના કરી છે. બીજા ભાગના હિસાબ-કિતાબમાંથી તમને જરૂર પુણ્યની માહિતી મળશે.'' સંતની વાત સાંભળીને ચિત્રગુપ્તે તેમના જીવનનો બીજો ભાગ જોયો તો તેમાં કંઈ ના મળ્યું. પાના કોરા હતા. એટલે ફરી શરૂઆતથી તેમના જીવનનો હિસાબ જોવા બેઠા. અને પછી કહ્યું,''મહારાજ, તમારી વિચારધારા ઉલ્ટી છે. તમારા સારા જીવનનો હિસાબ-કિતાબ તો પહેલા ભાગમાં છે.'' એ સાંભળીને સંતે આશ્ચર્યથી કહ્યું,''એ કેવી રીતે બની શકે?'' ચિત્રગુપ્ત કહે,''મહારાજ, તમે જીવનના પહેલા ભાગમાં માનવીઓની સેવા કરી તેમના દુઃખ અને દર્દ ઓછા કર્યા. એ પુણ્યકાર્યોને કારણે તમને સ્વર્ગમાં સ્થાન મળ્યું છે. જીવનના બીજા ભાગનું કોઈ ફળ મળ્યું નથી. કેમકે જપ-તપ અને ભગવાનની આરાધના તમે તમારા મનની શાંતિ માટે કર્યા છે. એટલે તેને પુણ્ય કાર્ય ગણી ના શકાય. જો માત્ર તમારા જીવનના બીજા ભાગ માટે વિચાર કરીએ તો તમને સ્વર્ગમાં સ્થાન મળી શકે નહિ.'' ચિત્રગુપ્તની વાત સાંભળીને સંત સમજી ગયા કે જપ-તપ અને ભગવાનની આરાધના કરતાં સાચું કર્મ સાચા મનથી કરેલી માનવીની સેવા છે.

*

કયાં પુણ્ય હોય છે અને કયાં પાપ હોય છે?

વખતોવખતના અર્થ આપોઆપ હોય છે!

-દાન વાઘેલા

*
પુણ્ય અને પૈસા વચ્ચે એક સામ્ય છેઃ બંને કમાવા મુશ્કેલ છે, પરંતુ બંનેને ગુમાવવાનું બહુ સહેલું છે!

**************

ચોખાની પરખ


વાત એ સમયની છે જયારે વોલ્ટર હાઈન્સ પેજ અમેરિકાની જાણીતી માસિક પત્રિકા વર્લ્ડસ વર્કસના સંપાદક હતા. એ પત્રિકામાં રચના છપાય એ કોઈપણ લેખક માટે સન્માનની વાત ગણાતી હતી. એટલે વોલ્ટર પાસે રચનાઓનો મોટો ઢગલો રહેતો હતો. જાણીતા- અજાણ્યા અનેક લેખકો પોતાની રચના મોકલતા રહેતા. દરરોજ તેમણે અનેક રચનાઓ સ્વીકૃત-અસ્વીકૃત કરવી પડતી હતી.

એક વખત એક લેખકનો એમને પત્ર મળ્યો. તેમાં લખ્યું હતું કે ગયા સપ્તાહે તમે મારી રચના સખેદ પરત કરી દીધી. મારો દાવો છે કે તમે મારી રચના વાંચી જ નથી. મારું માનવું સાચું જ હતું કે તમારા જેવા સંપાદકો પોતાના કામમાં પ્રામાણિક હોતા નથી. એની પરિક્ષા માટે મેં મારી વાર્તાના વચ્ચેના પાનાંને ચોંટાડી દીધા હતા. તમે જયારે મને વાર્તા સખેદ પરત કરી ત્યારે પણ એ પાનાં ચોંટેલા જ હતા. મતલબ કે તમે મારી વાર્તા આખી વાંચી જ નથી. આ બાબત તમારા વ્યવસાય પ્રત્યેની અપ્રમાણિકતા છે. અને એ સાબિત થાય છે કે તમે સારા લેખકોને બદલે મસ્કા મારતા લેખકોને પત્રિકામાં વધુ સ્થાન આપો છો.

લેખકનો પત્ર વાંચીને વોલ્ટરે જવાબ આપ્યો, ''મહાશય, તમારું જ્ઞાન હજુ કાચું છે. માટલામાં ચોખા પાકી ગયા છે કે નહિ તે જોવા માટે એક જ દાણાને તપાસવો પડે છે. આખા માટલાના ચોખાને જોવાની જરૂર રહેતી નથી. જો પહેલો ચોખાનો દાણો કાચો છે તો બાકીના બધા જ દાણા કાચા હશે.''

આ જવાબ વાંચીને લેખકને પોતાની વાત પર શરમ આવી. લેખકે વિનમ્રતાથી માફી માંગતો પત્ર લખી વોલ્ટરને કહ્યું કે આજથી તમે મારા ગુરૂ છો. તમે નાનકડા ઉદાહરણથી મને મોટું જ્ઞાન આપ્યું છે. હવે હું માટલાના બધા જ ચોખા પાકે એવો પ્રયાસ કરીશ. મેં જ્ઞાનમાં તમને ઓછા આંકવાની કોશિષ કરી તેનો મને અફસોસ છે.

*
બોલ્યા પંડિત પતંગિયું જોઈ,

'કયારે પકડું, ને જ્ઞાન આપી દઉં!'

*

જનનીની ગોદમાં અને ગુરૂની છાયામાં જે જ્ઞાન અને આનંદ મળે છે, તે વેદોમાં ગોથા મારવા છતાં મળતું નથી.
****************

સમયનું મહત્વ

આ ઘટના એ સમયની છે જયારે ભારતમાં સ્વતંત્રતા આંદોલન જોર પકડી રહ્યું હતું. ગાંધીજી ગામોમાં ફરી ફરીને અને સભાઓ યોજીને સ્વરાજ અને અહિંસાનો સંદેશ આપી રહ્યા હતા. એક વખત એમણે સભાનું આયોજન કર્યું. જેનું સંચાલન એક સ્થાનિક નેતાએ કરવાનું હતું. ગાંધીજી સમયની બાબતે બહુ ચોક્કસ હતા. તે સમયસર સભાના સ્થળે પહોંચી ગયા. અને લોકો આવીને ગોઠવાઈ ગયા. પરંતુ જે સ્થાનિક નેતાએ સંચાલન કરવાનું હતું એ જ આવ્યા ન હતા. લોકો આતુરતાથી એ નેતાની રાહ જોઈ રહ્યા હતા.

નેતા પીસ્તાળીસ મિનિટ પછી સભા સ્થળ પર પહોંચ્યા ત્યારે તેમને નવાઈ લાગી. સભા ચાલી રહી હતી. તેમણે મંચ પર પહોંચીને આયોજકને પૂછયું કે તેમના વગર સભા કેમ ચાલુ કરી દીધી? પણ આયોજકે કોઈ જવાબ આપ્યો નહિ.

ગાંધીજી એ નેતાના હાવભાવ પરથી સ્થિતિ સમજી ગયા. અને મંચ પર જઈને કહ્યું કે મને માફ કરજો પણ જે દેશના અગ્રણી નેતા જ સમય કરતાં પીસ્તાળીસ મિનિટ મોડા પહોંચશે ત્યાં સ્વરાજ પણ એટલું મોડું આવશે. આમ વિચારીને મેં સભા શરૂ કરી દીધી. કેમકે તમારી મોડા આવવાની આદત ધીમે ધીમે અન્ય લોકોને પણ લાગી શકે. મારું માનવું છે કે લોકોએ એકબીજાની સારી વાતો શીખવી જોઈએ, ખરાબ નહિ.

ગાંધીજીની આ વાત સાંભળીને નેતાજીને મોડા પડવા બદલ શરમ આવી. તેમણે એ જ ક્ષણથી સંકલ્પ કર્યો કે તે સમયનું મહત્વ સમજશે. અને પોતાનું દરેક કાર્ય સમયસર કરશે.

*
સમય તુંયે કેવો રહ્યો ભાગેડુ કે,

અહીં કોઈને તારા પગલાં જડયાં છે?

-ભરત ત્રિવેદી

*

તમને જીવન પ્રત્યે પ્રેમ છે? જો હા, તો પછી સમય ગુમાવશો નહિ, કારણ કે જીવન સમયનું બનેલું હોય છે. જે સમયને વેડફે છે તેને સમય વેડફે છે.

********************

આદર્શ અધ્યાપક

જાણીતા સ્વાતંત્ર્ય સેનાની સૂર્યસેનની નિમણૂક બંગાળના એક મોટા વિદ્યાલયમાં થઈ હતી. તેઓ સ્વાભિમાની અને આદર્શવાદી અધ્યાપક હતા. એક શિક્ષક તરીકે તે વિદ્યાર્થીઓમાં બહુ લોકપ્રિય થઈ ચૂકયા હતા. વિદ્યાર્થીઓના દિલમાં તેમના માટે બહુ માન અને આદર હતા. સૂર્યસેન તેમની પ્રેરણા હતા.

એ દિવસોની આ વાત છે જયારે વિદ્યાલયમાં પરીક્ષા ચાલી રહી હતી. તેમની નિરીક્ષક તરીકે નિમણૂક થઈ હતી. તેમની જે વર્ગમાં ફરજ રાખવામાં આવી હતી તેમાં અંગ્રેજ આચાર્યનો પુત્ર પરીક્ષા આપી રહ્યો હતો. તેમના માટે બધા વિદ્યાર્થી સરખા હતા. એટલે તે વર્ગમાં પોતાની ફરજ બજાવી રહ્યા હતા ત્યારે તેમણે જોયું કે આચાર્યનો પુત્ર નકલ કરી રહ્યો છે. તેમણે તરત જ તેને રંગેહાથ પકડી લીધો. અને પરીક્ષામાંથી ઉઠાડી મૂકયો.

પરીક્ષા પૂરી થઈ અને પરિણામની રાહ જોવાવા લાગી. ઘણા અધ્યાપકોએ સૂર્યસેનને સલાહ આપી કે આચાર્યના પુત્રને ભલે પરીક્ષામાંથી ઉઠાડી મૂકયો પણ ગમેતેમ કરી પાસ કરી દેજો. નહીંતર નોકરી જશે. સૂર્યસેને કોઈ જવાબ આપ્યો નહિ.

સમયસર પરિણામ જાહેર થયું. તેમાં આચાર્યનો પુત્ર એક વિષયમાં નાપાસ જાહેર થયો. બીજા અધ્યાપકો ડરી ગયા. તેમને થયું કે સૂર્યસેનની નોકરી હવે ગઈ. બધાં અંદરોઅંદર ચિંતાથી વાત કરતા હતા ત્યારે આચાર્યનું સૂર્યસેન માટે કહેણ આવી ગયું. સૂર્યસેનને તેમણે મળવા બોલાવ્યા હતા. સૂર્યસેન આચાર્યને મળવા તરત ગયા.

આચાર્યએ સૂર્યસેનનું સ્વાગત કર્યું અને કહ્યું કે, 'મારા માટે ગૌરવની વાત છે કે વિદ્યાલયમાં તમારા જેવા આદર્શવાદી અને કર્તવ્યનિષ્ઠ અધ્યાપક છે જેમણે મારા પુત્રને દંડ કરતી વખતે કોઈ શેહશરમ ના રાખી. સાચું કહું? જો તમે મારા પુત્રને નકલ કરતો પકડયા પછી પાસ કરી દીધો હોત તો હું તમને નોકરીમાંથી કાઢી મૂકત.''
એમની વાત પર સૂર્યસેને હસીને પોતાના ખિસ્સામાંથી એક કાગળ કાઢયો અને બતાવતા કહ્યું, ''સાહેબ, જો તમે મને તમારા પુત્રને પાસ કરવા મજબૂર કર્યો હોત કે આજે પણ એ માટે બોલાવ્યો હોત તો હું મારું આ રાજીનામું આપને હમણાં જ આપી દેત.'' સૂર્યસેનની વાત સાંભળીને આચાર્યના મનમાં તેમના માટેનું સન્માન વધી ગયું. અને બોલ્યા, ''આવા શિક્ષકો જ શ્રેષ્ઠ વિદ્યાર્થીઓ આપી શકે છે. જે કોઈના દબાણ કે શેહશરમ વગર એક શિક્ષક તરીકે પોતાનું કર્તવ્ય નિભાવે છે.''*
શિક્ષકમાં શૈક્ષણિક ક્ષમતા તો હોવી જ જોઈએ પણ સાથે સાથે જીવન પ્રત્યેનો ઉચ્ચ આદર્શપૂર્ણ અભિગમ પણ હોવો જોઈએ. જે પુસ્તકમાંથી શીખી શકાતું નથી તે શિક્ષકના જીવન દ્વારા શીખી શકાય છે.

****************