Kalpanik Vastavikta - 21 in Gujarati Fiction Stories by Bhargav Patel books and stories PDF | કાલ્પનિક વાસ્તવિકતા - ૨૧

Featured Books
Categories
Share

કાલ્પનિક વાસ્તવિકતા - ૨૧

કાલ્પનિક વાસ્તવિકતા – ૨૧

ભાર્ગવ પટેલ

“લાચાર નહિ, મને મારા મમ્મી પપ્પાની બીક લાગે છે તારા વિષે વાત કરતા, તને તો ખબર જ છે ને!?”

“હા હવે, બધું ખબર જ છે ને”, જેનિશે નિસાસો નાખ્યો.

“આવી રીતે ના બોલ યાર, ચોક્કસ સમય જોઇને હું વાત કરીશ એમની સાથે, આઈ નીડ સમ ટાઈમ, પ્લીઝ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ”, દિવ્યાએ આઝીઝી કરી.

“હું તને સમજુ છું એટલા માટે જ તો તારી સાથે છું ડીયર”

આ વાતચીત લાંબો સમય ચાલી એટલે આ તરફ સંકેતે જેનિશને આવતીકાલે સવારે જ ફોન કરવાનું મન મનાવ્યું.

દિવ્યા અમદાવાદની એક કંપનીમાં સોફ્ટવેર ઈજનેર હતી એ વાતથી આગળ સંકેતને એના વિષે કંઈ જ જાણ નહતી. દિવ્યા જે કંપનીમાં સર્વિસ કરતી હતી એની હેડક્વાર્ટર બેંગ્લોરમાં હતી. એ વખતે દિવ્યા પાસે સંકેતને ભૂલવા માટે એક જ રસ્તો હતો કે તે સતત પોતાના કામમાં વ્યસ્ત રહે જેથી સંકેતની યાદોની ઉલઝન વધે નહિ. આથી દિવ્યા મોટેભાગે કંપનીના કામકાજમાં જ વ્યસ્ત રહેતી.

નવી એપ્લીકેશન અને નવા સોફ્ટવેર બનાવીને કંપની સમક્ષ એનું પ્રેઝન્ટેશન આપવું ઉપરાંત કંપની દ્વારા અપાયેલું કામ નિષ્ઠાથી પૂરું કરવું અને બાકીના સમયમાં મોટાભાઈની, મમ્મીની અને પપ્પાની સંભાળ રાખવી બસ એ ત્રણ જ વાતોમાં પોતાની જાતને ગૂંથાયેલી રાખતી. પોતાને બધું યાદ કરવાનો સમય મળે જ નહિ એનું પૂરેપૂરું ધ્યાન રાખતા દિવ્યાએ ઘરે કામવાળી પણ બંધાવેલી નહિ, અને મમ્મીને કોઈ કામ કરવા દેતી નહિ. આમ દિવ્યા સતત સંકેત સાથેના પોતાના ભૂતકાળને ભૂલવા મથતી રહેતી અને નોંધપાત્ર રીતે ભૂલી પણ ચુકી હતી.

એના કામથી ખુશ થઈને એમના સીનીયર એન્જીનીયર અગ્રવાલ સાહેબે જયારે કંપનીની હેડક્વાર્ટરમાં દિવ્યાને ઊંચું પદ આપવાની ઓફર કરી તો પ્રથમ તબક્કે એણે એ નકારી કાઢી હતી પણ તોય અગ્રવાલે પોતાની કંપનીના ફાયદા માટે દિવ્યાને એક વધુ વાર વિચાર કરવાની સલાહ આપી અને પરિવાર સાથે આ વાત ડિસ્કસ કરવા કહ્યું, કારણ કે અગ્રવાલ જાણતા હતા કે એનું ના પડવાનું મૂળ કારણ એની ફેમીલી જ હતું.

***

“પપ્પા! પપ્પા!, મમ્મી!?, ક્યાં છો તમે?”, એ સાંજે હાથમાં બેંગ્લોર જવાના પરવાના સમાન પ્રમોશન લેટર લઈને મમ્મી પપ્પાને શોધતી દિવ્યાએ ઘરમાં પ્રવેશ કર્યો.

“આવ્યો બેટા”, બાલ્કનીમાંથી એના પપ્પાએ પ્રતિસાદ આપ્યો.

“એક અરજન્ટ કામ છે”, દિવ્યાના શબ્દોમાં ઉન્માદ અને બેચેની બંને ભળેલા હતા.

એના મમ્મી પપ્પા ઉતાવળા પગે એની પાસે આવ્યા,

“શું વાત છે દિવ્યા બેટા?”, એની મમ્મીએ પૂછ્યું.

“આ વાત છે”, એણે એક હાથે પ્રમોશન લેટર ઉંચો કર્યો અને બીજા હાથની આંગળીથી ઈશારો કરીને કહ્યું.

એના પપ્પા દોરી વાળા ચશ્માં પહેરતા હોઈ એમણે ચશ્માં આંખે ચઢાવીને જોયું વાંચતા વાંચતા લેટર હાથમાં લીધો અને પૂરો કરીને તરત એમની આંખે ઝળઝળિયાં આવી ગયા, એ ખુશીના આંસુ હતા.

“પપ્પા! શું થયું?”, દિવ્યાએ ગંભીરતાથી પૂછ્યું.

“કઈ નહિ બેટા! તારી પ્રગતિ જોઇને અંદરની ખુશી આંસુ બનીને છલકે છે બસ”, એમણે કહ્યું.

“કોઈ મને કહેશે કે શું થયું એમ?”

“અરે ગાંડી ! મારી છોકરીને પ્રમોશન મળ્યું છે અને એ પણ છેક બેંગ્લોર!”

“બેંગ્લોર?”, સ્થળ સંભાળીને એક માની મમતા દીકરીનું પ્રમોશનની ઉજવણી કરવાનું ચુકી ગઈ.

“કેમ બેંગ્લોરમાં શું વાંધો છે?”, દિવ્યાના પપ્પા એ પૂછ્યું.

“એટલે બધે દુર અને દિવ્યા એકલી?”

“અરે ના મમ્મી! એવું કશું નથી! ત્યાં મારા ઘણા મિત્રો છે જ! તું મારી ચિંતા ના કર”

“હોય કાંઈ? આમ એકલી છોકરીને એટલે બધે દુર મોકલવાની અને તું કહે છે કે ચિંતા ના કર! એમ થોડી ચાલે?”, એમણે માતાસહજ ચિંતા રજુ કરી.

“અરે બેય સંતાનોને પેટે પાટા બાંધીને ભણાવ્યા અને હવે જ્યારે વળતર મળે છે ત્યારે તું આમ મોં ફેરવે છે આમ કેમ ચાલે દિવ્યા?”, દિવ્યાના પપ્પા એની મમ્મીને ઘણા ગુજરાતી કુટુંબોમાં ચાલતી પરંપરા મુજબ દિવ્યાના નામથી જ બોલાવતા.

“એ બધી વાત તમારી સાચી પણ તમને ખબર છે ને કે બેંગ્લોર અહીંથી કેટલું દુર છે? એકલી છોકરી રહેશે ક્યાં? જમવાનું? ટીફીન? એ બધાનું શું?”

“અરે મમ્મી, તું નાહકની ચિંતા કરે છે! ત્યાં બધું જ એકોમોડેશન કંપની આપે છે! સવારની ચાથી માંડીને સાંજે જમવા સુધીનું બધું જ કંપની સંભાળે ત્યાં!”, દિવ્યાએ ચોખવટ કરી.

“હમ્મ્મ્મ! ત્યાં કાંઈ આપણી દિવ્યા ઘરકામ કરવા કે જમવાનું બનાવવા થોડી જાય છે? શું તું પણ!”

“તો બરાબર. પણ તને ફાવશે ને બેટા?”, મમ્મીએ છેલ્લો સવાલ કર્યો.

“ફાવશે તો ખરું જ ને! અને મહીને બે મહીને એક વાર તો ઘરે આવીશ જ ને મમ્મી!”, આટલું કહેતા દિવ્યાને ગળે ડૂમો ભરાઈ આવ્યો પણ તે સ્વસ્થ રહી. એ એની મહત્વકાંક્ષાને પોષવા માંગતી હતી. એના મમ્મી પપ્પાને એક સારી રીટાયર્ડ લાઈફ આપવા માંગતી હતી. સંકેત જેવો પ્રેમ બીજા કોઈ છોકરા સાથે થશે નહિ એમ વિચારીને હાલ પુરતો લગ્નનો વિચાર એણે માંડી જ વાળ્યો હતો.

“બરાબર. ક્યારથી શિફ્ટ થવાનું કહે છે એ લોકો?”, પપ્પાએ પૂછ્યું.

“પપ્પા, એ લોકો આવતા મહિનાની ૧૫મીએ મને ત્યાં હાજર થવાનું કહે છે”

“ઠીક છે, પણ પછી તારા મે...રેજ માટે.....”, મમ્મીએ પોતાની એમના મત મુજબ એક મહાન કહી શકાય એવી ચિંતા વ્યક્ત કરી.

“જો મમ્મી! હમણાં એ વાત ચાલુ ના કરીશ, હું મને સંતોષ મળે એ રીતે સેટ થાઉં પછી જ પરણવાનું વિચારીશ”, એમને વાત વચ્ચે જ અટકાવીને દિવ્યાએ કહ્યું.

“અને એ સંતોષ માટે અમારે કેટલી રાહ જોવી પડશે હજી?”

“હું સામેથી કહીશ તમને, એની ચિંતા ના કરશો”

“સારું હવે, આજકાલની છોકરીઓને સમજાવવા જેવું જ નથી કશું”, એની મમ્મીએ નિસાસો નાખ્યો.

“જો આ તો બધું બોલ્યા કરશે! તું તારી જવાની તૈયારી કર. પથિક આવતો જ હશે મેં એને બજાર મોકલ્યો છે કામથી, એની પાસે મીઠાઈ મંગાવી લઉં! લેટ્સ સેલીબ્રેટ”, દિવ્યાના પપ્પા એની મમ્મી કરતા થોડી ઓફબીટ વિચારસરણી ધરાવતા હતા. તેઓ સંતાનને મરજી મુજબ જીવવા દેવામાં માનતા હતા. એટલે જ મોટા દીકરા પથિકને ગાડરિયા પ્રવાહમાં વહીને સાયન્સ ના લેવડાવતા કોમર્સ લેવડાવ્યું હતું અને પરિણામસ્વરૂપ આજે એ સીએ હતો.

આ રીતે દિવ્યાનું બેંગ્લોરગમન સંભવ થયું.

***

“બોલો મિત્ર મહાશય! ગઈકાલે રાત્રે ખુબ મિસ્કોલ્સ જોયા તમારા! એટલી બધી શું યાદ આવી ગઈ દોસ્તની?!”, પોતાની વ્યંગકટાક્ષ શૈલીમાં બીજે દિવસ સવારે જેનિશે ફોન કરીને સંકેતને પૂછ્યું.

“ક્યાંના દોસ્ત હવે, ભાવિ ભાભીના ગુલામ એમ બોલ”, અહી સંકેત પણ ઓછો નહતો. દોસ્તને બે ચાર સંભળાવો નહિ કે એની સાથે દલીલમાં ના ઉતરો ત્યાં સુધી દોસ્તી પાક્કી ના કહેવાય.

“હા હા હવે! કામ અને વ્યક્તિગત મામલામાં બંનેમાં હું ક્યારેય કોમ્પ્રો નથી કરતો. કામના સમયે કામ અને ઘરના સમયે ઘર”

“સત્ય વચન જ્ઞાનીપુરુષ, પણ ધ્યાન રાખો કે આપ હજી અપરિણીત આઈ મીન બેચલર જ છો! હાહાહા”, આટલા ટેન્શનમાં પણ સંકેત જેનિશ સાથે હળવા મૂડમાં વાત કરી શકતો હતો જે કદાચ એના જેનિશ પરના વિશ્વાસના લીધે શક્ય હતું.

“ઓકે ઓકે! હવે કામની વાત કર, કેમ ફોન કર્યો હતો? મને લાગે છે કે અરજન્ટ વાત હશે. પેલા કેસમાં કોઈ ક્લુ??”, જેનિશ હવે વાત પર આવ્યો.

“એક્ચ્યુલી કલુ નહિ પણ મજબુત કડી મળી છે, મને આ બધી વાતની કશી ખબર નહતી પણ ગઈકાલે રાત્રે જ બધું ક્લીયર થયું”, સંકેતે કહ્યું.

“એટલે? શું ક્લીયર થયું?”, જેનિશ સહજ આશ્ચર્ય સાથે બોલ્યો.

સંકેતે ગઈ રાત્રે વિશાલ અને અમી સાથે થયેલી વાતોના હાઇલાઈટેડ મુદ્દાઓ જેનિશ સામે વર્ણવ્યા. જેનિશે પોતાની ડાયરીમાં એક પછી એક સારાંશ નોંધ્યા અને કહ્યું,

“આ કેસ હદ કરતા વધારે કોમ્પ્લીકેટેડ લાગે છે. મને ઇન્સ્પેક્ટર જાડેજાનો કોઈ કોન્ટેક્ટ મળી શકે? મારે એમને પણ થોડું પૂછવું પડશે યુ નો! અને પ્રાઈવેટ ડિટેકટીવ હોવાના લીધે પોલીસવાળા અમને ઓછી માહિતી આપે છે. તું એમની પાસેથી હું કહું એ માહિતી લાવી આપી શકે?”

“ઉમ્મ્મ! મારો તો એમની સાથે કોઈ કોન્ટેક્ટ નથી પણ હા! મેં કહ્યું તેમ અમીએ જયારે એનો પીછો થયો ત્યારે તપાસ માટે એમનો સંપર્ક કર્યો હતો, એટલે એ લાવી આપે કદાચ, આઈ મીન અમી અને હું બંને સાથે જઈએ તો કંઈક થઇ શકે એમ છે”, સંકેતે ખુલાસો કરતા કહ્યું.

“અચ્છા! વિશાલને સમીર નામના શખ્સનું ઘર અને મહેમુદને મળ્યાની જગ્યા બરાબર યાદ છે ને? અને ખાસ તો પેલા મુસ્લિમ લોખંડ ભંગારવાળાનો ચહેરો વગેરે પણ યાદ છે ને?”, જેનિશે મગજના ચક્કરો ઘુમાવવાનું ચાલુ કર્યું.

“હા! લગભગ તો એને બધું યાદ છે, એ બધું જલ્દી ભલે તેવો છે નહિ! પણ એની યાદશક્તિ પર પુરેપુરો વિશ્વાસ મૂકી શકાય કે નહિ?”

“કદાચ એના પરથી આપણને કોઈ સુરાગ કે કોઈ બંધબેસતી કડી મળી પણ શકે, આવા કેસમાં તમે કશું જ ચોક્કસપણે ના કહી શકો”, જેનિશે કહ્યું.

“હમ્મ્મ્મ બરાબર! તને શું લાગે છે કે તારે આ કેસમાં....”, સંકેત પોતાનું વાક્ય પૂરું કરે એ પહેલા જેનિશે પૂરું કરતા કહ્યું, “બરોડા આવવું પડશે કે નહિ એમ જ ને?”

“હા”

“એ ડીપેન્ડ કરે છે જાડેજા તરફથી જે માહિતી મળે છે એના પર. જો મામલો હું ધારું છું એના કરતા વધારે કોમ્પ્લેક્સ હશે તો આઈ હેવ ટુ બી ધેર ઓબવિયસલી”, જેનિશે સ્પષ્ટતા કરી.

“સારું આજે સાંજે જ હું અને અમી પેલી વાતની આગળ તપાસ કરવાના બહાને ઇન્સ્પેક્ટર જાડેજાને મળવા લહેરીપુરા પોલીસ સ્ટેશન જઈશું”

“ઓકે ધેન, રાત્રે તું મને તમારી મીટીંગનો રીપોર્ટ આપે છે, રાઈટ?”

“સ્યોર”

ફોન મુકાયો અને તરત સંકેતે અમીને ફોન કરીને સાંજે જાડેજા સાહેબ પાસે જવા માટે તૈયાર રહેવા કહ્યું. સંકેતે વિશાલને પણ સાંજે એમની સાથે આવવા જણાવ્યું. હવે પ્રશ્ન એ હતો કે ત્રણેય જણ સાથે ઘરની બહાર નીકળે તો ઘરે મુકેશભાઈ અને અસ્મિતાબેનને કારણો શું આપવા? સંકેત કે અમી બંનેમાંથી એકેય એમને ખોટી ચિંતા ના કરે એટલે આ વાતની ભનક સરખી લાગવા દેવા નહતા માંગતા. બધું સમુસુતરું પાર પડે અથવા તો કોઈ એવી પરિસ્થિતિનું નિર્માણ થાય કે એમને જણાવવું જ પડે એવું હોય ત્યાર પછી જ કહેવું એવું બંનેએ મનોમન નક્કી કર્યું હતું.

***

એ સાંજે પથિક મીઠાઈ લઈને આવ્યો પછી ચારેય જણે અવનવી વાનગીઓ આરોગી અને દિવ્યાનું પ્રમોશન ઉજવ્યું. દિવ્યાની મમ્મીના મનમાં થોડીક ચિંતા હજીયે ઘર કરીને બેઠી હતી.

મહિનો વીત્યો અને દિવ્યાએ અમદાવાદ છોડીને બેંગ્લોરની ધરતી પર પગ મુક્યા અને સપનાની પાંખો ફેલાવી. એણે બેંગ્લોર જોબ ચાલુ કરી એ વખતે એને ખબર નહતી કે જેનિશ સાથે એની મુલાકાત કેવી રીતે ક્યાં અને ક્યારે થશે! ઇન ફેક્ટ એ તો એમ જ માનતી હતી કે હવે પોતે સંકેત સિવાય કોઈના પ્રેમમાં પડી નહિ શકે......

(ક્રમશઃ)