Coffee House - 33 in Gujarati Love Stories by Rupesh Gokani books and stories PDF | કોફી હાઉસ - 33

Featured Books
Categories
Share

કોફી હાઉસ - 33

કોફી હાઉસ પાર્ટ – 33

વિષય – લવ સ્ટોરી

રૂપેશ ગોકાણી

(આપણે આગળના પ્રકરણમાં વાંચ્યુ કે કુંજના મૃત્યુના સમાચાર મળતા પ્રવીણ દુઃખી થઇ આવે છે અને બધા જામનગર પાછા આવી જાય છે. કુંજને યાદ કરવામાં પ્રેય તેની સુધબુધ અને રોજીંદા જીવનમાં પણ દેવદાસ જેવો બની જાય છે, ખાવા પીવા કે પોતાના શરીરનું કાંઇ ભાન રહેતુ નથી. કોફીહાઉસ પર પણ તેના આ ગમની સારી એવી વિપરીત અસર દેખાઇ આવે છે. ઓઝાસાહેબ અને બધા તેને સમજાવે છે પણ પ્રેય પોતાના બનાવટી હાસ્ય પાછળ મોટુ દુઃખ લઇને જ બેઠો રહે છે. જામનગમાં ભવ્યાતીભવ્ય કલા મહોત્સવનું આયોજન થાય છે અને પ્રેયને આ બધી વાતની ખબર થતા જ તે દુઃખના પડદાને દૂર કરવાનુ વિચારે છે. એક રાત્રે લાખોટાએ બેઠિ પ્રેય એક ગૃપને જોય છે અને તેમાં તેને પોતાના કોલેજ ગૃપના દર્શન થાય છે અને અચાનક જ કુંજના મુખે અવારનવાર રમતુ ગીત એક લેડી ગાતી હોય છે તેમા પ્રેય ખોવાઇ જાય છે, હવે વાંચીએ આગળ......”

“વાહ, શું સ્વર છે આ લેડીનો!!! જાણે મારી સામે ઉભી કુંજ આ ગીત ગાતી ન હોય તેવો ભાસ થઇ આવ્યો.” પેલા ગૃપ મેમ્બર્સની પાછળ જતો પ્રેય બોલી ઉઠ્યો. તેનુ ધ્યાન પેલી લેડી તરફ જ હતુ. દૂરથી તે બસ તેને જોઇ રહ્યો હતો અને તેનાથી થોડે જ દૂર પાછળ પાછળ જવા લાગ્યો. આખુ ગૃપ કારમાં બેસી નીકળી ગયુ અને પ્રેય તો ચાલતો આવ્યો હતો તે તેનો પીછો કરવો શક્ય ન હતો એટલે ત્યાં ઉભો બસ પેલી કારને જોતો રહ્યો જેમા ગાયીકા બેસી નીકળી ગઇ. પ્રેયને તે લેડીને મળીને તેનો આભાર વ્યક્ત કરવાની અને તેના સ્વરના વખાણ કરવાની તાલાવેલી થઇ આવી.

“આ લેડીને તો હવે શોધવા જ જોશે અને તેના સ્વરના અને ગાયકીના તો વખાણ કરવા જ જોશે, પણ આ ગૃપ મેમ્બર્સને શોધવા કેમ? શું આ બધા કલા મહોત્સવમાં બીજા શહેરથી આવ્યા હશે કે અહી જામનગરના જ હશે? હે ભગવાન, મારી મદદ કરજે આ ગાયીકાને શોધવામાં.” આકાશ સામે મીટ માંડતો પ્રેય ઘર તરફ ચાલી નીકળ્યો.

ચાલતો ચાલતો કોફીહાઉસ પહોંચ્યો ત્યાં રાત્રીનો એક વાગી ગયો હતો. પ્રેસિડેન્ટ હોટેલની ભવ્યતાને બાલ્કની માંથી નીહાળતો પ્રેય ફ્રેશ થઇ પથારીમાં પડ્યો કે તરત જ ઊંઘ આવી ગઇ.

વહેલી પરોઢે ઉઠી, નાહી ધોઇ દાઢીને ટ્રીમ્ડ કરાવી મસ્ત તૈયાર થઇ, ચહેરા પર અનેરી મુશ્કાન સાથે બાલા હનુમાને દર્શન કરી કોફીહાઉસ ખોલી દીધુ. જુની યાદોનો મનમાં અતૂટ મહેલ બનાવી વર્તમાનને અપનાવતો પ્રેય પહેલાની જેમ જ કોફીહાઉસના નિર્જીવ વાતાવરણને સજીવન કરવા તરફ વેગ પકડવા લાગ્યો. વહેલી પરોઢે સુમધુર સ્વરે મશહુર ગાયીકા નીધી ધોળકીયાના શબ્દોમાં કિર્તન વાગી રહ્યા હતા. છેલ્લા એકાદ અઠવાડિયાથી દરેક ટેબલ પર કરમાઇ ગયેલા ફુલના સ્થાને તાજા મઘમઘતા રંગબેરંગી ગુલાબ અને હરિયાળીથી મઢેલા બકેટ આવી ગયા હતા. કોફીહાઉસના હોલમાં વચ્ચે રહેલા ફુવારાના હોજમાં મોગરાના અતરના બે ટીપા નાખતા જ આખા હોલમાં તેની અનેરી ખુશ્બુ પ્રસરી ગઇ, તેને પોતાના શ્વાસમાં ઝીલતા પ્રેયના શરીરમાં અનેરી તાજગી ઉપસી આવી. મેઇન કાઉન્ટરની બાજુમાં જ રહેલા મંદિરમાં સુગંધીદાર અગરબતી અને દિવો કરી તે આજના દિવસની કાંઇક અલગ ઢંગથી જ સરૂઆત કરવાના મુડમાં આવી ગયો. મેઇન એન્ટ્રન્સની સામે પણ બે વેઇટર મારફત તેણે સપ્તરંગી ફુલથી ભાંતવાર ડિઝાઇન તૈયાર કરાવી હતી અને એન્ટ્રન્સની બન્ને બાજુ રીસાઇકલીંગ ફુવારા ચાલુ કરાવી દીધા. દુલ્હન સમાન સજાવેલી ભવ્ય પ્રેસીડન્ટ હોટેલની બરોબર સામે જ રહેલુ “અપના કોફીહાઉસ” પણ કાંઇ ઓછુ ઉતરે એમ ન હતુ. બધુ સુવ્યવસ્થિત ગોઠવણ કરી પોતાની આગવી છટા સાથે તે કેશિયર કાઉન્ટર પર બેસી ગ્રાહકોની રાહ જોવા લાગ્યો. આવનારા વેઇટર્સ અને કેશિયર મહેતાભાઇ પણ કોફીહાઉસની સજાવટને જોઇને આભા બની ગયા.

“સાહેબ આજે લાગે છે કે અમારા જુના સેઠ પાછા આવી ગયા. આજે અમારી ચિંતા દૂર થઇ. હવે આ જ રીતે ફુલની જેમ હરહંમેશ તરોતાજા રહો એવી જ દ્વારકાવાળાને અમારી સૌની પ્રાર્થના.” મહેતા સાહેબે હરખભેર કહ્યુ. “આભાર મહેતાભાઇ. હવે તમે આ જ રીતે પ્રવીણને દરરોજ નીહાળશો.”

બધા વાતચીત કરતા હતા ત્યાં જ ગ્રાહકોની ભીડ જામવા લાગી અને બધા વેઇટર્સ અને સાથે સાથે પ્રેય પણ કામે વળગી ગયો. જોતજોતામાં ગ્રાહકોને સમજાવતા બાર ક્યારે વાગી ગયા તેની ન તો પ્રેયને ખબર પડી કે ન તો કોઇ કાર્યકરોને. “માલાકાકા, હવે મને એક સરસ મજાની ચા પીવડાવો, આજે સવારથી મને ચા મળી નથી.” ગ્રાહકોની ભીડ ઓછી થતા પ્રવીણે હાંશકારો ખાતા કહ્યુ ત્યાં વીસ પચીસેક લોકો કોફીહાઉસની મુલાકાતે આવી પહોંચ્યા, તેને જોતા જ પ્રવીણ ફટાફટ ટેબલ છોડી તેની આગતા સ્વાગતામાં વળગી ગયો. “વેરી નાઇસ પ્લેસ, એમ આઇ રાઇટ?” ગૃપમા બેઠેલી એક છોકરીએ કોફીહાઉસની આભા જોતા કહ્યુ. “યા રોઝી, યુ એબ્સલ્યુટલી રાઇટ.” ગૃપમાં અમુક લોકો તેની ભાષા અને પહેરવેશ પરથી વિદેશી જણાઇ આવતા હતા અને અમુક ભારતીય જણાતા હતા, પણ બધા મુળ ભારતના જ હોય તેમ ગુજરાતી ફટાકથી બોલી રહ્યા હતા. “સર, હીઅર ઇઝ યોર ઓર્ડર.” પ્રવીણ ખુદ ઓર્ડર સર્વ કરતા ગ્રાહકો પર ઇમ્પ્રેશન જમાવવાના ભાવથી બોલ્યો. સ્નેક્સ, કોફીની લિજ્જત માણતા બધા ટેસ્ટના ભરપુર વખાણ કરી પ્રવીણને શાબાશી આપી રહ્યા હતા ત્યારે પ્રવીણની છાતી ગદ્દગદ્દ ફુલવા લાગી.

“આજે અહી માન્યતા આવી હોત તો પાંચેય આંગળીઓ ચાટતી રહી જાત.” ગૃપમાંથી એક લેડી બોલી. “યા, ૧૦૦% રાઇટ.”

પ્રવીણને તે લોકોની વાતમાં રસ પડ્યો તે ફુલ આસપાસ ભમરો ઉડે તેમ તે લોકોની આસપાસ મંડરાવા લાગ્યો અને તેમની વાતો પર કાન આપવા લાગ્યો. કાલે બહુ મજા આવી નહી તળાવની પાળે? માન્યતાના શબ્દોમાં ગજબનો જાદુ હતો. હું તો તેમા ખોવાઇ જ ગઇ હતી.” “હાસ્તો વળી, માન્યતાને તો સીંગીંગ કોમ્પીટીશનમાં પાર્ટીશીપેટ કરવાની જરૂર છે.” કોઇ અજાણ્યો માણસ પણ તેના અવાજનો દિવાનો બની જાય તેટલો મધુર અવાજ હતો તેમનો, શું નામ કહ્યુ તમે તે લેડીનું?” પ્રવીણે વચમાં પોતાનો અભિપ્રાય રજુ કરતા પુછી લીધુ. “એક્સક્યુઝ અસ, તમે કોની વાત કરી રહ્યા છો?” ગઇ કાલે તમારા ગૃપથી થોડે દૂર જ હું બેઠો હતો ત્યારે એ મેડમના સ્વરે તો મને પણ તેમનો ફેન બનાવી દીધો હતો.” પ્રવીણે કહ્યુ અને ગઇકાલનું ગીત ગુનગુનાવા લાગ્યો. “વાહ જનાબ, તમારા સ્વરમાં પણ કાંઇક અલગ જ દર્દ છે મિસ્ટર. જરા ઊંચા સ્વરે ગાઇ અમને બધાને સંભળાવો.” ગૃપના બધા લોકો સ્નેક્સ અને કોફીને પડતા મુકી પ્રેયને સાંભળવા કાન દઇને બેસી ગયા અને પ્રવીણે આંખ બંધ કરી તેની પ્રિયતમાને યાદ કરતા ગઇ કાલનુ જ ગવાયેલુ રોઝા ફિલ્મનું “યે હંસી વાદીયા......”ગીત શરૂ કર્યુ મનની આંખો સામે જાણે તેની દિલરૂબા બેઠી છે અને પ્રેય તેને ઉદ્દેશીને પોતાનું દિલ-એ-બયાન કરી રહ્યો હોય તેમ તેનો અવાજ તેની ભીતરમાંથી નીકળી રહ્યો હતો. પુરા કોફીહાઉસમાં પ્રેયનો અવાજ ગુંજવા લાગ્યો. બીજા ગ્રાહકો પણ નાસ્તો પડતો મૂકી પ્રેયને સાંભળવામા મંત્રમુગ્ધ બની ગયા. પ્રેય એ આખુ ગીત ગાઇ નાખ્યુ. ગીત પુરુ થતા જ કોફીહાઉસમાં રહેલા તમામ લોકો ઉભા થઇ તાળીઓ વગાડવા લાગ્યા. પ્રવીણે જોયુ કે અમુક છોકરીઓની આંખમાં આંસુઓ ઝલકી ઉઠ્યા હતા. “વાહ, માનવુ પડે તમારુ. મને તો એમ જ હતુ કે માન્યતા જેવુ કોઇ ગાઇ જ ન શકે પણ એ જ ગીત આજે તમારા મોઢે સાંભળતા સમજાયુ કે માન્યતાથી પણ કોઇક ચડિયાતુ છે ખરુ. વેલ ડન. હેટ્સ ઓફ ટુ યુ સર.” પ્લીઝ, આટલા વખાણ ન કરો. આ તો જરાક જુની યાદોમાં ખોવાઇ ગયો હતો, એક્સક્યુઝ મી.” પોતાની આંખમાં કાંઇક પડી ગયુ હોવાનો ઢોંગ કરતો તે ત્યાંથી નીકળી ગયો.

To be continued……

કોણ છે આ માન્યતા??? ક્યાંથી આવી છે આ માન્યતા? શું માન્યતા પ્રેયના જીવનમાં કાંઇ નવીન વણાંક લાવી શકશે? હજુ તો પ્રેય એ માન્યતાને જોઇ પણ નથી, માત્ર તેનો અવાજ સાંભળ્યો છે ત્યાં તેનો દિવાનો બની ગયો છે, તેને જોયા પછી શું પ્રેય તેની પ્રેયાંશી કુંજને ભૂલી જશે???? શું પ્રેય અને કુંજ વચ્ચો આટલો ગહેરો પ્રેમ માન્યતાના એક ગાયનથી તૂટી જશે??? જાણવા માટે વાંચજો કોફીહાઉસનો આગલો પાર્ટ.....