Apurna Viram - 39 in Gujarati Fiction Stories by Shishir Ramavat books and stories PDF | અપૂર્ણવિરામ - 39

Featured Books
Categories
Share

અપૂર્ણવિરામ - 39

નવલકથા

અપૂર્ણવિરામ

શિશિર રામાવત

પ્રકરણ ૩૯

----------------------------------------------------------------------------

બ્રહ્માંડ ધણધણી ઉઠ્યું. અવકાશની વિરાટ ચાદરમાં તિરાડ પડી અને જાણે વિજળીનો પ્રચંડ જથ્થો મસ્તિષ્ક પર ઝીંકાયો.

મોક્ષ ઊભો ને ઊભો ચીરાઈ ગયો.

આ શું બોલી ગઈ મિશેલ? એ સત્ય જે પોતે સાંભળવા માગતો નહોતો?

મોક્ષને થયું કે આ કાળી ઘનઘોર રાતમાં, મઢના કિલ્લાની ઓથમાં, ભડભડતી અગ્નિના પ્રકાશમાં એનું અસ્તિત્ત્વ ક્ષણભરમાં છિન્નભિન્ન થઈ જશે, એનું મોક્ષત્વ કણ-કણમાં વિખરાઈને શૂન્ય થઈ જશે...

...પણ શું છે એનું મોક્ષત્વ? એનું અસ્તિત્ત્વ? એનું “હોવું”?

“નહી!” એ ચિત્કારી ઉઠ્યો, “તું જુઠ્ઠું બોલે છે. માયા! આ છોકરી ફરેબી છે, કોઈક ચાલ ચાલી રહી રહી છે!”

“આમાં કોઈ ફરેબ, કોઈ જૂઠ નથી, મોક્ષ! આ જ સત્ય છે!” માયા વેદનાથી વલોવાઈ ગઈ, “આ જ વાત હું તને કેટલા સમયથી કહેવા મથી રહી છું... અને આ જ વાતથી તું સતત દૂર ભાગી રહૃાો છે. આપણી મરી ચુક્યાં છીએ, મોક્ષ! આપણું મનુષ્યજીવન ખતમ થઈ ચુક્યું છે. તું જેેને જિંદગી ગણે છે એ ફકત એક આભાસ છે, એક ભ્રમજાળ, એક ઈલ્યુઝન જેમાંથી તું બહાર નીકળવા માગતો નથી!”

“ સ્ટોપ ઈટ! જસ્ટ સ્ટોપ ઈટ! ” મોક્ષને લાગ્યું કે એનું માથું ફાટી જશે, “આ શું બકવાસ છે? શાનો આભાસ, શાની ભ્રમજાળ? આપણે હરીએ-ફરીએ છીએ, લોકો સાથે વાતચીત કરીએ છીએ...”

“પણ આપણે કોની સાથે વાતચીત કરીએ છીએ એ તો જરા જો!”

“કેમ? રિતેશ સાથે, રુપાલી સાથે. હજુ હમણાં સુધી એ લોકો આપણી સાથે હતાં...”

“એ લોકો ત્યારે પણ આપણી સાથે હતા જ્યારે કાર માથેરાનની ખીણમાં ફેંકાઈ ગઈ હતી, મોક્ષ! આપણી જેમ અને એ બન્ને પણ છ મહિના પહેલાં દુર્ઘટનામાં મૃત્યુ પામ્યાં છે! તું જેમની સાથે હસે-બોલે છે એ રિતેશ-રુપાલી નહીં, એમના આત્મા છે!”

મોક્ષ આઘાતથી જોઈ રહૃાો.

“મુમતાઝ અને અને લિઝા બન્ને મૃત્યુ પામી છે એ તો તું સ્વીકારે છેને?”

એ કશું બોલી ન શક્યો એટલે માયા આગળ વધી, “મુમતાઝને એના પતિએ શાર્લોટ પોઈન્ટ પરથી નીચે ફેંકી દીધી હતી. લિઝાએ ખીણમાં કૂદીને આત્મહત્યા કરી નાખી હતી...”

“મને ખબર છે!” મોક્ષને ત્રાસ થઈ આવ્યો, “એનાં મોતના પૂરાવા જોયા છે મેં...”

“એકઝેટલી. જરા વિચાર. મુમતાઝ-લિઝા મરી ચુકી છે છતાંય આપણે એમની સાથે શી રીતે કમ્યુનિકેટ કરી શકતાં હતાં? બોલ?કારણ કે એમની જેમ આપણે પણ ભટકી રહૃાાં છીએ... આત્મા બનીને!”

“જૂઠ,જૂઠ! આ મિશેલ તો જીવે છેને! એ તો આત્મા બનીને ભટકતી નથી! છતાંય એ આપણી સાથે શી રીતે વાતચીત કરી શકે છે?”

“કારણ કે હું એક પેગન છું, મોક્ષ! અનુભવી પેગન!” મિશેલે શાંત પણ મક્કમ સ્વરે કહૃાું, “મેં કઠોર સાધના કરી છે જેના પરિણામ સ્વરુપે હું મૃત વ્યકિતઓના આત્માઓ સાથે સંવાદ સાધી શકું છું. હું તમને હાડમાંસથી બનેલા સજીવ માણસની જેમ જોઈ શકું છું. તમારી આંખોમાં આંખ મિલાવી શકું છું. ત્રાટક કરવા માટે, તમારાથી સેફ ડિસ્ટન્સ રાખવા માટે તમારી આંખોમાં જોવું ખૂબ જરુરી છે.”

“તું કયા સેફ ડિસ્ટન્સની વાત કરે છે? સેફ ડિસ્ટન્સ જ રાખવું હતું તો અમારાં ઘરમાં શા માટે ઘૂસી?”

“ઘરમાં હું નહીં, ઘરમાં તમે ઘૂસી ગયા હતા, મોક્ષ!” મિશેલની આંખો તગતગી, “...અને તમે ક્યાંય પણ ઘૂસી શકો છો, ક્યાંય પણ જઈ શકો છો કેમ કે તમે અદશ્ય છો, અશ્રાવ્ય છો! તમને કોઈ જોઈ શકતું નથી, કોઈ સાંભળી શકતું નથી, કોઈ સ્પર્શી શકતું નથી. તમે દીવાલો અને બંધ દરવાજાની આરપાર નીકળી શકો છો. તમને કોઈ ભૌતિક અંતરાય નડતા નથી, તમને અંતર અને દિશાના કોઈ બંધનો નથી. તમે રસ્તા પર પસાર થતી કોઈ પણ કારમાં બેસી જાઓ છો. રેસ્ટોરાંમાં, શોપિંગ માલમાં, થિયેટરમાં, બીચ પર હરોફરો છો અને જીવતાજાગતા મનુષ્યોની જેમ વર્તવાનો ઢોંગ કરો છો! પણ તમે ફકત એક આત્મા છો મોક્ષ, હવે તો મનુષ્ય હોવાનું નાટક બંધ કરો!”

મોક્ષ થીજવા લાગ્યો.

હું શરીર નથી, હું મન નથી... હું કેવળ આત્મા છું?

આત્મા...

આત્મા...

આત્મા...

સમગ્ર સમષ્ટિમાં આ એક શબ્દનો પ્રચંડ ઘંટારવ શરુ થઈ ગયો હતો.

...પણ હું આઘાત પામી શકું છું, અપેક્ષાઓ પાળી શકું છું, વૃત્તિઓ અને સંવેગોમાં સળગતો રહી શકું છું. શું આ આત્માના ગુણધર્મો છે? શું આત્મા મનુષ્ય હોવાનો દંભ કરી શકે? ક્રિયા-પ્રતિક્રિયામાં પ્રવૃત્ત થઈ શકે?

મોક્ષ પાછો અસંતુલિત થઈ ગયો, “નો! મેં આખી જિંદગી દંભ અને જૂઠથી દૂર રહેવાની કોશિશ કરી છે. મારે હવે આ બધું શા માટે કરવું પડે?”

“કારણ કે તું એ સત્ય સ્વીકારી શકતો નથી કે સુમન હવે તારી દુનિયાનો હિસ્સો નથી. તું એ માનવા માગતો નથી કે તું એનાથી દૂર થઈ ગયો છે, હંમેશ માટે!” માયાનો અવાજ પીગળ્યો, “તને તારી બહેનનંુ એટલું બધું ઓબ્સેશન છે, એનું ધ્યાન રાખવાની, એને દેખભાળ કરવાની એટલી હદે ચિંતા છે કે તને ખુદને ખબર પડતી નથી તેં માણસ હોવાનો ઢોંગ શરુ કરી દીધો છે!”

“પણ સુમન મને સાંભળી શકે છે, માયા! એ મને રિસ્પોન્ડ કરે છે! હું કેવી રીતે માની લઉં કે હું...”

“સુમન તમને નહીં, તમારા અહેસાસને રિસ્પોન્ડ કરે છે, મોક્ષ!” મિશેલે કહૃાું, “તમારું એક એનર્જી ફિલ્ડ છે, વિશિષ્ટ તરંગો છે. તમે નજીક આવો છો ત્યારે સુમન એને સેન્સ કરી લે છે, સૂંઘી લે છે. તમારી વચ્ચે દિલથી દિલનું સંધાન છે. તમારું બોન્ડિંગ એટલું સ્ટ્રોન્ગ છે કે એ ભલે તમારો અવાજ સાંભળી ન શકે, પણ તમારી હાજરી ફીલ કરી શકે છે. યાદ કરો, આટલા સમયમાં મુકતાબેને કે જોસેફે એક પણ વાર તમારી સાથે વાત કરી? એક પણ વાર તમારી કોઈ વાતનો રિસ્પોન્સ આપ્યો? ના! પણ તમે સતત એ જૂઠમાં રમમાણ રહૃાા કે જાણે સૌ તમને સાંભળે છે, તમારી સૂચનાઓનું પાલન કરે છે!”

મોક્ષનો આંતરસંઘર્ષ તીવ્ર બનતો જતો હતો. શું હું નકરા આભાસમાં જીવી રહૃાો છું? શું વાસ્તવનું જૂઠ અને કલ્પનાનું સત્ય મને એટલાં બધાં સુંદર લાગી રહૃાાં છે કે એના નશામાંથી હું બહાર નીકળી શકતો નથી? નહીં! મોક્ષનું મન માનતું નહોતું. કેટલાય સવાલો, કેટલીય અસ્પષ્ટતાઓનાં પ્રચંડ મોજાં એકધારાં પછડાઈ રહૃાા છે.

“મિશેલ, સાચું બોલજે! તું... તું આ બધું, આ પેગન વિધિ ને અગમનિગમ ને એવું બધું શું કામ કરે છે? તું ખરેખર શું કામ મુંબઈ આવી છે?”

“તમારી પ્રોપર્ટી હડપ કરવા તો મુંબઈ નથી જ આવી, મોક્ષ!” મિશેલ કડવાશથી બોલી ગઈ, “... અને આ હું પહેલી વાર નથી આવી. છ મહિના પહેલાં તમારાં બન્નેનાં મૃત્યુનાં સમાચાર મળ્યા હતા ત્યારે આર્યમાન મુંબઈ દોડી આવ્યો હતો. તે વખતે માથેરાનની ખીણમાંથી તમારી ડેડબોડી ઉપરાંત બીજી બે વસ્તુઓ જડી હતી- એક હેન્ડીકેમ અને સાદો ડિજિટલ કેમેરા! એમાં આખું એકિસડન્ટ અદલ ઝિલાઈ ગયું હતું. તમારી ચીસો, તમારા ચહેરા પરનો આતંક, ડચકાં ખાઈ રહેલાં દેહનું શાંત થઈ જવું, એ ભયાનક ક્ષણો... બધું જ! એક પેગન તરીકે એ વિડીયો ફૂટેજ અને તસવીરો મારા માટે મહત્ત્વની હતી, કારણ કે એમાં તમારાં જીવન અને મૃત્યુની સંધિક્ષણ કેપ્ચર થઈ ગઈ હતી. આર્યમાને બન્ને કેમેરા પછી તમારા બેડરુમમાં મૂકી રાખ્યા હતા જે મારે ચોરી લેવા પડ્યા...”

મોક્ષ સુન્ન થઈ ગયો. દેહનું શાંત થવું, જીવન-મૃત્યુની સંધિક્ષણ... શું છે આ બધું?

“તમારી અંતિમ વિધિઓ પછી આર્યમાને ઓસ્ટ્રેલિયા પાછા જતા રહેવું પડ્યું, પણ થોડા સમય પછી એ ફરી મુંબઈ આવ્યો ત્યારે હું પણ સાથે આવી હતી... અને તે વખતે ઘરની હવા બદલાઈ ચુકી હતી. મેં તરત સેન્સ કરી લીધું કે આ ઘરમાં આત્માનો વાસ છે... તમારા આત્માનો વાસ! સુમન તમને જીવ કરતાં વધારે વહાલી છે એેટલે તમારો જીવ એમાં રહી ગયો હતો!”

મોક્ષ દ્વવી ઉઠ્યો. સુમનનો ઉલ્લેખ માત્ર એને અસહાય, લાચાર બનાવી દેતો હતો.

“...અને તે વખતે મેં બીજી એક વાત પણ સેન્સ કરી લીધી - સુમન પર ઘુમરાઈ રહેલા જોખમની!”

“એટલે?”

“કહું છું...” મિશેલે ઊંડો શ્વાસ લીધો, “એક વાર હું બીચ પણ ફરતી હતી ત્યારે મુકતાબેનને એક માણસ સાથે ઝઘડતા જોયાં. એ ગણપત હતો, એનો વર, જેનાથી એ વર્ષો પહેલાં અલગ થઈ ગયાં હતાં. શું વાતચીત થઈ રહી હતી એ તો મને સમજાયું નહીં, પણ બન્ને સુમનનું નામ વારે વારે લઈ રહૃાાં હતાં. ગણપતની ફરતે જે પ્રકારનું નેગેટિવ એનર્જી ફિલ્ડ રચાયું હતું એ જોઈને હું સતર્ક બની ગઈ. ગણપત વિશે તપાસ કરાવી તો ખબર પડી કે એ તદ્દન નઠારો માણસ છે. મેલી વિદ્યા ને અલૌકિક તત્ત્વોની વિનાશક શકિતઓમાં એને બહુ રસ પડતો હતો. મને ખબર પડી કે એ કોઈ અઘોરીના સંપર્કમાં છે, એના લગભગ રાઈટ હેન્ડ જેવો છે. અઘોરી દુનિયાની નજરે તો બિઝનેસમેન હતો, પણ અગોચર વિદ્યામાં ઘણો આગળ વધી ચુક્યો હતો... અને મને જ્યારે બાતમી મળી કે અઘોરી મુંબઈનાં બે માસૂમ બાળકોને બલિ ચડાવી ચુક્યો છે ત્યારે હું ચોંકી ઉઠી. આ બલિ એણે શવસાધના માટે ચડાવી હતી. હવે એ વર્જિન છોકરીની તલાશમાં હતો - વજ્રોલી તરીકે ઓળખાતી વિધિ માટે. વજ્રોલી કરનાર પુરુષ સ્વકેન્દ્રી હોય તો સ્ત્રીનાં શરીરને કેવળ એક સાધન તરીકે જુએ છે. સ્ત્રીની વૈચારિક તાકાત જેટલી મંદ હશે, વજ્રોલી કરવામાં એને એટલી આસાની રહેશે. અઘોરીને સુમનમાં બેય વસ્તુ મળતી હતી - વર્જિન શરીર અને અવિકસિત દિમાગ! એ વખતે તો મેં કંઈ ન કર્યુર્ - ”

“કેમ ન કર્યું?” મોક્ષ ઉગ્ર થઈ ગયો, “તું જાણતી હતી કે સુમન પર ખતરો છે તો પણ તેં કોઈ પગલાં ન ભર્યાં?”

“કારણ કે સુમન તમે બનાવી રાખેલા સુરક્ષા કવચમાં સુરક્ષિત હતી, મોક્ષ! તમે સતત આત્મા બનીને એની આસપાસ ઘુમરાયા કરતા હતા. તમે અઘોરી વિશે કશું જાણતાં નહોતાં, પણ અજાણપણે તમે સુમનની આસપાસ એક પ્રોટેકિટવ વાલ ઊભી કરી દીધી હતી, જેને કારણે અઘોરી કે બીજું કોઈ એની નિકટ ફરકી શકે તેમ નહોતું...”

મોક્ષ અવિશ્વાસથી જોઈ રહૃાો. માયાએ પૂછ્યું,“પછી?”

“હું ઓસ્ટ્રેલિયા ગઈ, પેગન વિદ્યાની ધાર ઉતારી, આર સાધના કરી, આર શકિતશાળી બની. પૂરી તૈયારી સાથે પાછી મુંબઈ આવી... અને તે વખતે પહેલી વાર આપણો આમનોસામનો થયો!”

માયાને યાદ આવ્યું. મિશેલ સાથે પહેલી વાર ભેટો થયો તે રાતે પતિ-પત્ની હોટલ તાજની ઝોડિયેક ગ્રિલ રેસ્ટોરાંમાંથી પાછાં ફર્યાં હતાં.

“તંુ વાતને ઘુમાવી રહી છે, મિશેલ!” મોક્ષે કહૃાું, “જો તને સુમનની ખરેખર ચિંતા હતી તો અમને કહી શકી હોત, અમારી સાથે વાતો શર કરી શકી હોત. એને બદલે પહેલી રાતથી જ તું આક્રમક બનીને અમને ડરાવવાની કોશિશ કરી રહી છે...”

“આ આક્રમતા ફકત એક મુખવટો હતો, મોક્ષ! હકીકત તો એ હતી કે હું તમારાથી સખ્ખત ડરતી હતી, અંદરથી ફફડતી હતી.”

“વોટ?” મોક્ષને આશ્ચર્ય થઈ આવ્યું, “તારે શા માટે અમારાથી ડરવું જોઈએ?”

“કારણ કે હું તમારી સચ્ચાઈ જાણતી હતી, તમને જોઈ શકતી હતી, તમારી સાથે કમ્યુનિકેટ કરી શકતી હતી. મેં તમારા જ ઘરમાં નહીં, તમારી અલૌકિક દુનિયામાં પ્રવેશ કર્યો હતો...! અને જ્યારે કોઈ પણ બહારનું નવું વણબોલાવ્યું તત્ત્વ આવી ચડે ત્યારે પહેલી પ્રતિક્રિયા પ્રતિકારની હોવાની. તમે મારા પર અટેક કરી શક્યા હોત, મને નુકસાન પહોંચાડી શક્યા હોત...”

“તું હજુય ખોટું બોલી રહી છે, મિશેલ! આઈ ડોન્ટ ટ્રસ્ટ યુ...”

“બસ, આ જ વાત છે! યુ ડોન્ટ ટ્રસ્ટ મી. યુ ડોન્ટ ટ્રસ્ટ એનીબડી, મોક્ષ! તમે મૃત્યુ પામી ચુક્યા છો અને આત્મા બનીને ભટકી રહૃાા છો એ હકીકત પર જ જો ભરોસો મુકી શકતા ન હો તો મારા પર કેવી રીતે વિશ્વાસ મુકી શકવાના હતા? જ્યાં સુધી તમે જાત સામે કબૂૂલાત ન કરી લો ત્યાં સુધી આપણી વચ્ચે સંવાદ શક્ય જ નહોતો. હું પછી માયા સાથે થોડી ઘણી દોસ્તી કરી શકી, કેમ કે માયા સત્ય સમજતી હતી, સ્વીકારતી હતી! પણ તમારી જીદ અને બહેન પ્રત્યેના પ્રેમ સામે માયા પણ લાચાર થઈ ગઈ હતી.”

મોક્ષ શૂન્ય થઈ ગયો. શું મિશેલ સાચું કહેતી હતી? એને યાદ આવ્યું, માયાએ કેટલીય વાર એને હકીકત સમજાવવાની ભરપૂર કોશિશ કરી હતી, પણ પોતે મૃત્યુ પામીને સુમનથી અલગ થઈ ગયો છે તેના કલ્પના માત્રથી વેદનાથી આતંકિત થઈ જતો, ચિત્કારી ઉઠતો, પીડાઈ ઉઠતો... અને એની તકલીફ જોઈને માયા થંભી જતી. ધાર ઓળંગીને સત્યના ઈલાકામાં પહોંચવાને બદલે એ અધવચ્ચેથી પાછો વળી જતો. કદાચ હજુય ખાસ બદલાયું નહોતું. એટલેસ્તો આ વિષયથી દૂર ભાગતો હોય તેમ એણે જુદી જ વાત ઉચ્ચારી, “પણ તેં આર્યમાનથી શા માટે બધું છુપાવ્યું?”

“તમને કેમ લાગે છે કે મેં આર્યમાનથી કશુંય છુપાવ્યું છે, મોક્ષ? એ બરાબર જાણે છે કે હું મુંબઈ અઘોરીથી સુમનને બચાવવા આવી છું! અને આર્યમાન એ પણ જાણે છે કે આજે અત્યાર સુધીમાં એ ઉદ્દેશ પાર પડી ગયો હશે! એ બસ આવવો જ જોઈએ.”

“મિશેલ, એક મિનિટ!” માયાએ કહૃાંુ, “અઘોરીને કેમ ખબર ન પડી કે તું પણ અગમનિગમની જાણકાર છે?”

“મને એ જ વાતનો સતત ફફડાટ રહૃાા કરતો હતો. સદનસીબે અઘોરીને મારી સચ્ચાઈની જાણ ન થઈ. હા, એને ભાસ જરુર થતો હતો કે મારામાં કશુંક અસાધારણ તત્ત્વ છે, પણ એને તે પકડી ન શક્યો. ગણપતને લપેટમાં લઈને હું એના થકી અઘોરી સુધી પહોંચી ગઈ, એનો ભરોસો જીત્યો, આજ્ઞાંકિત શિષ્યા હોવાનો ઢોંગ કરતી હતી. બિલકુલ આસાન નહોતું આ. મધરાતે સ્મશાનમાં જઈને જનાવરનું માથું વાઢ્યું છે, ગરમ લોહી પીધું છે, નગ્ન મડદા પર બેસીને શવસાધનાની ખોફનાક વિધિ કરી છે! પણ નસીબ મને સાથ આપતું હતું. એટલે જ ગણપત પણ એકદમ યોગ્ય સમયે મરી ગયો. એ અઘોરીનો ખબરી હતો. એ જો જીવતો હોત તો અહીં મઢ આઈલેન્ડમાં મેં આટલા બધા ફિરંગીઓને એકઠા કર્યા છે તે બાતમી ચોક્કસ અઘોરી સુધી પહોંચાડી દીધી ગઈ હોત અને અઘોરી કદાચ એલર્ટ પણ થઈ ગયો હોત!”

કાળો ઓવરકોટ પહેરેલાં અને દુનિયાભરના દેશોમાંથી ઉતરી આવેલાં પેગન સ્ત્રીપુરુષો મોક્ષ-માયાને તો જોઈ શકતાં નહોતાં, પણ અધ્ધર જીવે મિશેલનો એકપક્ષી સંવાદ અધ્ધર જીવે સાંભળી રહૃાાં હતાં.

“આ બધાં મારી માફક પેગન છે. ખાસ મારી મદદ કરવા આવ્યાં છે. અઘોરીને જાળમાં ફસાવવા મેં એને તાજા મડદાંની લાલચ આપી હતી. અઘોરીએ વિચાર્યું હતું કે અહીં આવીને વોચમેન જોસેફની દીકરી રીનીની ડેડબોડી પર શવસાધના કરશે. એને બદલે અત્યારે એ ખુદ ડેડ બોડી થઈને પડ્યો છે!”

મોક્ષ-માયાએ નજર કરી. પેલું નિષ્ચેષ્ટ માનવશરીર હજુ એમ જ ચત્તુપાટ પડ્યું હતું.

“યેસ! આ જ છે એ... અઘોરીબાબા ગોરખનાથ!” મિશેલના અવાજમાં વિજયનો ગર્વ હતો.

“તેં એને બિલકુલ ખતમ કરી નાખ્યો?” મોક્ષ અસ્થિર થવા માંડ્યો હતો, “કોઈ પણ માણસની હત્યા કરવી ગંભીર અપરાધ છે, મિશેલ!”

“પણ અમે એના શરીરને સ્પર્શ પણ ક્યાં કર્યો છે?” મિશેલના હોઠ પર સ્મિત આવી ગયું, “પચ્ચીસ પેગનોની સામુહિક માનસિક તાકાતથી એનું હ્ય્દય ધબકતું બંધ થઈ ગયું છે, બસ. ઈટ્સ અ નેચરલ ડેથ! પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પણ આ જ આવશેે!... અને રીનીને ઊની આંચ ન આવે તે માટે મેં એને આપણાં ઘરે તેડાવી લીધી છે. એની સુરક્ષા માટે ખાસ વિધિ પણ કરી છે.”

બન્ને વિસ્ફારિત થઈને જોતાં રહૃાાં.

હવે આખો ઘટનાક્રમ સ્પષ્ટ થઈ ગયો હતો.

આઠ વર્ષ પહેલાં મોક્ષ અને માયાનાં લગ્ન થયાં હતા...

લગ્નનાં પહેલાં પાંચેક વર્ષ તેઓ પસંદગીપૂર્વક નિઃસંતાન રહૃાાં હતાં. પછી મોક્ષને અઢાર મહિના માટે અમેરિકા જવાનું થયું...

માયા પણ સાથે જવાની હતી. પહેલું બાળક અમેરિકામાં જ કન્સીવ થાય ને જન્મે એવું આયોજન હતું....

પણ માયાએ મોક્ષની પરવાનગી લીધા વગર સુમનની ગર્ભાશય કઢાવી નાખ્યું ને પતિ-પત્ની વચ્ચે તીવ્ર ઘર્ષણ થઈ ગયું...

મોક્ષ માયાને મૂકીને એકલો અમેરિકા ચાલ્યો ગયો...

દોઢ વર્ષ બાદ દેશ પાછા ફરીને એણે માયાની ક્ષમા માગી. જે કંઈ થયું તેને ભુલી જવાનો બન્નેએ નિર્ણય લીધો...

પતિ-પત્ની માથેરાન ગયાં. દોઢ વર્ષની એકલતાનું સાટું વાળતાં હોય તેમ એકમેકને પ્રેમમાં તરબોળ કરી નાખ્યાં...

પણ નવી જિંદગી શરુ કરે તે પહેલાં જ, માથેરાનથી પાછાં ફરતી વખતે કાર ખીણમાં ઊથલી પડી ને બન્નેએ જીવ ગુમાવ્યો...

છ મહિના પહેલાં આ દુર્ઘટના. દેહ તો ગયો પણ આત્મા સુમનની આસપાસ ભટકતો રહૃાો...

દુર્ઘટનાના થોડા સમય બાદ મિશેલ ઈન્ડિયા આવી. એણે ઘરમાં મોક્ષ-માયાના આત્માનો વાસ છે તે સત્ય સૂંઘી લીધું. સુમન પર અઘોરી ગોરખનાથના રુપમાં જોખમ તોળાઈ રહૃાું છે તે પણ પકડી લીધું...

ઓસ્ટ્રેલિયા જઈને એ થોડાં અઠવાડિયાં પછી એ પાછી ભારત આવી. મોક્ષ અને માયાનો સામનો કર્યો. અઘોરીને પોતાની જાળમાં ફસાવ્યો ને આખરે એનો પ્રાણ ખેંચી લીધો!

કેટલીય વારે મોક્ષની સ્તબ્ધતા તૂટી. આ વખતે એના અવાજનો રણકો બદલાઈ ચુક્યો હતો, “સમજાતું નથી શું કહું, મિશેલ. તેં સુમનનો જીવ બચાવ્યો છે... કેવી રીતે તારા આભાર માનું...”

“મોક્ષ! આભાર મારો નહીં, માયાનો માનો કારણ કે સુમનનો જીવ ખરેખર તો એણે બચાવ્યો છે. હું સુમનને અઘોરીના ઘરે સુધ્ધાં લઈ ગઈ હતી, કારણ કે મને ખબર હતી કે એના શરીરમાં ગર્ભાશય નથી.. અને ગર્ભાશય વગરની સ્ત્રી સાથે વજ્રોલી વિધિ શક્ય જ નથી! અફકોર્સ, સુમનને અઘોરી પાસે થોડી વાર માટેય એકલી મૂકવામાં જોખમ હતું જ, પણ આ જોખમ ગણતરીપૂર્વકનું હતું કેમ કે તો જ અઘોરીનો મારા પરનો વિશ્વાસ દઢ થાત અને તો જ એ શવસાધનાની લાલચમાં અહીં મઢ આઈલેન્ડ સુધી લાંબો થાત! બાકી સુમનની સર્જરી વિશે તો આર્યમાને અમારી રિલેશનશિપના શરુઆતના ગાળામાં જ વાત કરી દીધી હતી. આર્યમાને મને એ પણ કહેલું કે આ સર્જરીને લીધે તમારાં લગ્નજીવનાં તિરાડ પડી ગઈ હતી...”

મોક્ષે ભીની નજરે માયા તરફ જોયું. એની આંખો તરલ થઈ ચુકી હતી.

“બસ, કશું જ કહેવાની જરુર નથી!” માયાનો અવાજ કંપ્યો, “પણ આજે મારે તને એક વાત જરુર કહેવી છે. સુમનની સર્જરી પછી તું મને મૂકીને એકલો અમેરિકા જતો રહૃાો એ પણ સારું જ થયું, કારણ કે જો હું પણ સાથે આવી હોત તો આપણું બાળક જન્મી ગયું હોત... અને માથેરાનના અકસ્માતમાં આપણી સાથે આપણું બાળક પણ જીવતું રહૃાું ન હોત. જે કંઈ થાય છે અથવા જે કંઈ નથી થતું તે બધું સારા માટે જ હોય છે, મોક્ષ!”

“પણ મેં તને મા બનવાના સુખથી વંચિત રાખી દીધી, માયા!”

“નેકસ્ટ ટાઈમ!” માયાએ હસવાનો પ્રયત્ન કર્યો, “તું ફરી મને મળજે, જો નેકસ્ટ લાઈફ જેવું કશુંય હોય તો... અને જો તું મારાથી બોર ન થઈ ગયો હો તો!”

“હું તને જરુર મળીશ, માયા!” મોક્ષ રડી પડ્યો, “મારે મળવું જ પડશે! તને કેટલો બધો પ્રેમ કરવાનો હજુ બાકી રહી ગયો છે!...હું ફરીથી તને પ્રપોઝ કરીશ, તું ફરીથી હા પાડજે!”

સમાન અનુભૂતિનું સુખ. સમાન વેદનાનું દુખ અને કેટલાય ચડાવઉતાર પછી એક અમાનવીય પરિમાણમાં પહોંચી ગયેલાં સહજીવનનો અલૌકિક આનંદ...

એ જ વખતે આર્યમાન દેખાયો. ઢાળ ચડીને હાંફતો એ સ્થળ પર પહોંચી ગયો. પેગનોના સમૂહને, અઘોરીના નિષ્ચેષ્ટ શરીરને એ વિસ્ફારિત નજર જોતો રહૃાો.

“તું બિલકુલ કરેકટ ટાઈમ પર આવ્યો છે, આર્યમાન. મિશન એકમ્પ્લીશ્ડ!” મિશેલે કહૃાું, “અઘોરી ઈઝ નો મોર!”

“થેન્ક ગોડ!” આર્યમાને કહૃાું, “અને અઘોરીનું યંત્ર?”

“યંત્ર તો ભગવાન જાણે ક્યાં ખોવાઈ ગયંુ છે... બટ આઈ એમ લકી. યંત્રની જરુર પડે તે પહેલાં જ અઘોરીનું રામનામ સત્ય થઈ ગયું!”

“...અને મોક્ષ? માયા?”

“એ બન્ને અહીં જ છે. તારી સામે જ ઊભાં છે! મોક્ષનો આત્મા હવે શાંત થઈ ચુક્યો છે, આર્યમાન. એનો ઉચાટ, એની ચિંતા બધું નાશ પામ્યું છે.”

આર્યમાન હવામાં અસહાય તાકતો રહૃાો.

“તું ભલે એમને જોઈ શકતો નથી આર્યમાન, પણ એ તને જોઈ શકે છે. યુ કેન ટોક ટુ હિમ.”

આર્યમાનનો ચહેરો તરલ થવા માંડ્યો. એનો અવાજ તૂટી ગયો, “મોક્ષ, મારા ભાઈ...! હું તને હંમેશા એક વાત કહેવા માગતો હતો. આજે કહું છું. જો, છેલ્લે છેલ્લે આપણા સંબંધમાં ભલે કડવાશ આવી ગઈ હતી, પણ મેં ક્યારેય તારું બૂરું નથી ઈચ્છ્યું... એન્ડ આઈ મિસ્ડ યુ, ખાસ કરીને ઓસ્ટ્રેલિયા ગયા પછી. આઈ ઓલવેઝ લવ્ડ યુ, મોક્ષ! પ્લીઝ ડોન્ટ હેટ મી! અને એક વાત પ્લીઝ યાદ રાખ... સુમન મારી પણ નાની બહેન છે, મને પણે એ એટલી જ વહાલી છે. હું એની પૂરતી કાળજી લઈશ. સુમનની ચિંતા કરીને તું પ્લીઝ દુખી ન થયા કરતો...”

મોક્ષની આંખો ફરી ભરાઈ આવી. નાના ભાઈને જોરથી આલિંગનમાં લઈને વહાલ કરવાની તીવ્ર ઈચ્છા જાગી, પણ એ લાચાર હતો.

માયા એની પાસે ગઈ. ભરપૂર આદ્રતા સાથે એ બોલી,“આપણી વિદાય લેવાનો સમય આવી ગયો છે, મોક્ષ! હવે જીદ ન કરતો, હવે ના ન પાડતો!”

મોક્ષ વલોવાઈ ગયો. એ કશું ન બોલ્યો. ફકત એની આંખો ટપકતી રહી. વેદનાનો આ પારાવાર ક્યાંય સુધી વહેતો રહૃાો. એનાં રુદનમાં લાખો-કરોડો પ્રકાશવર્ષ દૂર ઝુલતા ગ્રહો અને નક્ષત્રો ભીંજાતા રહૃાાં. કોઈએ એને રોક્યો નહીં કારણ કે આ સત્યના સાક્ષાત્કારની ક્ષણ હતી. કેટલીય વારે મોક્ષ અટક્યો. પછી કષ્ટપૂર્વક બોલ્યો, “બસ એક છેલ્લી વાર સુમનને જોઈ લઉં? મળી લઉં? પ્લીઝ?”

માયાનો અવાજ રુંધાયો, “નહીં મોક્ષ! તું એને મળીશ તો પાછો ઢીલો પડી જઈશ. તારે સુમનની માયા છોડવી જ પડશે... અને આર્યમાને હમણાં શું કહૃાું, તેં સાંભળ્યુંને? હી લવ્સ હર! સુમન આ બન્ને પાસે સલામત રહેશે. તેં જોયું ને, સુમનની સુરક્ષા માટે મિશેલ કઈ હદ સુધી જઈ શકે છે!”

મિશેલે હકારમાં મસ્તક હલાવ્યું. માયાએ કહૃાું, “હવે કશું જ ન વિચાર. મોક્ષ. આપણો દહોત્સર્ગ તો ક્યારનો થઈ ગયો હતો. હવે આપણને સાચા અર્થમાં મુકિત મળી રહી છે, આપણા મોક્ષ થઈ રહૃાો છે...”

“તું બરાબર કહે છે...” મોક્ષ આંસુ લુછીને ભીનું ભીનું હસ્યો, “આપણે જવું જોઈએ... પણ કેવું હશે આપણું હવે પછીનું જીવન, માયા? એ અલ્પવિરામ નહીં હોય. એ પૂર્ણવિરામ પણ નહીં હોય. ચાલ, એક અપૂર્ણવિરામ બનીને કશેક ઝુલ્યાં કરીશું!”

મિશેલની આંખો છલકાઈ ઉઠી, “અલવિદા મોક્ષ! અલવિદા માયા!”

મોક્ષ અને માયાએ એકમેકની સામે જોયું. કશુંક વહૃાું ચાર આંખો વચ્ચે. બીજી જ ક્ષણે તેઓ સંકોચાઈને તેજબિંદુ બની ગયાં ને જોતજોતોમાં આસમાન વીંધીને પેલે પાર જતાં રહૃાાં.

...અને સમગ્ર બહ્માંડમાં છલકાવી દેતી વાણી ગુંજવા લાગી.

નૈનં છિન્દન્તિ શસ્ત્રાણિ નૈનં દહતિ પાવકઃ

ન ચૈનં કલેદયન્ત્યાપો ન શોષયતિ મારુતઃ

આત્માને શસ્ત્રો છેદી શકતાં નથી, અગ્નિ એને સળગાવી શકતો નથી, પાણી એને પલાળી શકતું નથી, વાયુ એના સૂકવી શકતો નથી...

ગુંચળાતા, ઊછળતા, તરતા, ડૂબતા, ધૂમ્રસેરની માફક ફેલાતા, સૂર્યની જેમ પ્રકાશતા, વલયની માફક વર્તુળાકાર ગતિ કરતાં આ શકિતશાળી શબ્દો સીમાહીન બ્રહ્માંડમાં પ્રસરી ગયા...

(સંપૂર્ણ)