પ્રકરણ:૯ સ્પેક્ટર્નની ખોજ...!
કેટલા વાગ્યા હશે એની તો ખબર નહોતી, પણ જ્યારે મારી આંખો ખૂલી ત્યારે આકાશ એકદમ સ્વચ્છ હતું. મારા કાને પાણીનાં ધીમા ધીમા હિલોળા સંભળાતા હતા. અમુક પક્ષીઓના ‘કાંવ...કાંવ...’ જેવા અગાઉ ક્યારેય ન સાંભળેલા વિચિત્ર અવાજો સંભળાતા હતા. હોડી પણ સાવ હળવે હળવે હાલકડોલક થતી હતી.
ક્રુઝરવાળા બનાવને લીધે મારું શરીર ખૂબ જ દુખતું હતું. મેં મારી બાજુમાં નજર કરી તો મારા આશ્ચર્ય વચ્ચે પ્રોફેસર બેન અને થોમસ હોડીમાં નહોતા !
પરિસ્થિતિનો તાગ મેળવવા મારે દુખતે શરીરે બેઠું થવું પડે એમ જ હતું. થોડું જોર લગાવીને હું હોડીમાં બેઠો થયો. પણ... આ શું ? એ જ ક્ષણે મારો બધો જ દુખાવો જાણે ગાયબ જ થઈ ગયો.
મેં લગભગ બે-ત્રણ વાર મારી આંખો ચોળી ચોળીને જોયું. મને ખરેખર વિશ્વાસ નહોતો બેસતો.
કિનારાની રેતીમાં બંને હોડીઓ ખૂંપી ગઈ હતી અને એ કિનારો આજુ-બાજુ છેક દૂર સુધી ફેલાયેલો હતો. બરાબર સામે થોડે સુધી આવી જ, કિનારાની સૂકી મુલાયમ રેતીવાળો મેદાની પ્રદેશ હતો અને ત્યાર પછી ઊંચી ઊંચી વનરાજીઓ અને ગાઢ વૃક્ષો ધરાવતું જંગલ શરૂ થઈ હતું હતું.
હકીકત મને ચમત્કાર જેવી લાગી ! અમે જમીન સુધી પહોંચી ગયા હતા ! ગઈ કાલના તોફાનને જોતાં જમીનની આશા મને નહીંવત લાગતી હતી. છેલ્લે ક્રુઝર પાણીમાં ગરકાવ થઈ ગઈ ત્યાર પછી હું થોડો ગભરાઈ ગયો હતો. બિચારા મેક્સનો ક્યાંય પત્તો નહોતો. એવામાં આ બે નાનકડી હોડીના સહારે અમે અમારી જાતને નસીબ અને ઈશ્વર પર છોડી દીધી હતી. પરંતુ નસીબ આખરે અમારી વહારે આવ્યું હોય એમ અમને આ જમીન સુધી પહોંચાડી દીધા હતા.
મેં જોયું તો પ્રોફેસર બેન વધ્યો-ઘટ્યો સામાન તપાસી રહ્યા હતા. એમની બાજુમાં થોમસ ઊભો હતો. તો થોડે દૂર નીચે સુંવાળી રેતીમાં બે જણ થાક્યા-પાક્યા લથબથ થઈને પડ્યા હતા. તેઓ ક્રિક અને વિલિયમ્સ હતા. જ્યારે વોટ્સન અને જેમ્સ અર્ધજાગ્રત અવસ્થામાં બાજુની હોડીમાં પડ્યા હતા.
બસ... અમારા સાત જણા સિવાય આખો વિસ્તાર સાવ સુમસામ હોય એવું લાગતું હતું. જાણે કોઈક બીજી જ દુનિયામાં આવી ગયા હોઈએ એમ અમારા સિવાય એક પણ માનવતત્વની હાજરી નહોતી. સાવ વેરાન વાતાવરણ હતું ને એમાંય અમુક પક્ષીઓના વિચિત્ર-વિચિત્ર અવાજો અને ઝાડ-પાનનાં ખડખડ અવાજો ડરામણા લાગતા હતા.
‘અરે વાહ ! જમીન...’ બાજુની હોડીમાં વોટ્સન બેઠો થતાં બોલ્યો. એનાં હાથમાં હોકાયંત્ર હતું. એ ઝડપથી ઊભો થઈને કિનારા પર કુદ્યો. ઊંડી રેતીમાં એનાં પગ થોડા ખૂંપી ગયા. પછી એ માંડ-માંડ રેતી પર ચાલતો આગળ પ્રોફેસર બેન તરફ ગયો.
હું હજી હોડીમાં જ બેઠો બેઠો આ બધું જોતો હતો.
‘પ્રોફેસર સાહેબ ! મારું અનુમાન સાચું હોય તો આ “સ્પેક્ટર્ન” જ છે !’ અચાનક શાંત વાતાવરણમાં વોટ્સને ધડાકો કર્યો. એનું આ એક જ વાક્ય સાંભળીને બીજી હોડીમાં સૂતેલો જેમ્સ જાણે સાપ કરડ્યો હોય એમ ઉછળીને બેઠો થઈ ગયો, ‘હેં... સ્પેક્ટર્ન ?’ પછી એણે મારી સામે જોયું. મેં પણ એની સામે જોયું.
બીજી જ ક્ષણે હું અને જેમ્સ પણ હોડીમાંથી ઊતરીને રેતી ખુંદતા ખુંદતા એ લોકો પાસે પહોંચ્યા.
થોડે દૂર રેતીમાં એમ જ પડેલા ક્રિક અને વિલિયમ્સ પણ ‘સ્પેક્ટર્ન’નું નામ કાને પડતાં જ સફાળા ઊભા થઈને આ તરફ આવ્યા.
મને એ જોઈને હસવું આવી ગયું. ‘સ્પેક્ટર્ન’ની પાછળ આ લોકો કેવા ઘેલા થયા હતા !
‘વોટ્સન, તું એમ કેવી રીતે કહે છે કે આ સ્પેક્ટર્ન જ છે ? કદાચ કોઈ બીજો ટાપુ પણ હોઈ શકે. અથવા કોઈ ઉપખંડ પણ હોય.’ ક્રિકે વાતનો દોર ચાલુ કર્યો.
‘ક્રિક, એક વાત તું ભૂલી ગયો લાગે છે.’ વોટ્સને કહ્યું.
‘કઈ વાત ?’ પ્રશ્ન ક્રિકે કર્યો હતો, પણ જવાબ અમને બધાને જાણવા હતા.
‘એ જ કે પ્રોફેસર સાહેબે આપણને જે કહ્યું હતું એ યાદ કર.’ વોટ્સને જવાબ આપતાં કહ્યું. ક્રિક સહિત અમે બધા વિચારવા લાગ્યા. વોટ્સને આગળ ચલાવ્યું, ‘એમણે કહ્યું હતું ને કે આ ‘સ્પેક્ટર્ન’ની આજુબાજુ ઘણે દૂર સુધી કોઈ જ ટાપુ નથી કે બીજી એવી કોઈ જ જમીન નથી.’
‘અં... હા... કહ્યું તો હતું એવું મેં... અલબત્ત એ જ સાચું છે, નક્શા પ્રમાણે અને મારા રિસર્ચ મુજબ “સ્પેક્ટર્ન”ની આજુ-બાજુ લગભગ બસો-ત્રણસો માઈલ સુધી કોઈ જ મોટા ટાપુઓ નથી. બાકી આ અંતરથી આગળ બીજા ટાપુઓ હોઈ શકે છે.’ પ્રોફેસર બેને કહ્યું, ‘પણ વોટ્સન, તું સાબિત શું કરવા માગે છે એ નથી સમજાતું.’
‘આ જુઓ...’ વોટ્સને એની પાસે રહેલું હોકાયંત્ર બતાવ્યું. એમાં નોર્થ(ઉત્તર)નો કાંટો અમે ઊભા હતા એની જમણી તરફ સ્થિર થયેલો હતો.
‘જુઓ...આ કાંટો ઉત્તર તરફ એટલે કે આપણા જમણા હાથ તરફ સ્થિર થયેલો છે, બરાબર ? તો જમણી તરફ ઉત્તર હોય તો આપણે ઊભા છીએ એ જ દિશામાં સામેની તરફ પશ્ચિમ દિશા હશે. ખરુંને ?’ કહીને વોટ્સને એકદમ સામે પશ્ચિમ દિશામાં જોયું.
એનો ગુઢાર્થ હું કળી ગયો હતો. એ શું કહેવા માગતો હતો એ મને સમજાઈ ગયું હતું.
‘અને પ્રોફેસર સાહેબે કહ્યું હતું એમ નક્શામાં દર્શાવ્યા પ્રમાણે ‘સ્પેક્ટર્ન’ સાઉથ અમેરિકાથી પશ્ચિમ દિશામાં એકદમ સીધો આવેલો છે. આજુબાજુ કોઈ મોટી જમીન કે ટાપુ નથી, તો આનો અર્થ સમજ્યા દોસ્તો ?’ વોટ્સન ઉત્સાહમાં આવી જઈને થોડે દૂર દેખાતા જંગલ તરફ જોતાં બોલ્યો.
એની વાત સાંભળીને બે ઘડી તો બધા ઉત્તેજિત થઈ ઉઠ્યા. જો આ સ્પેક્ટર્ન હશે તો એ કેટલી આનંદની વાત હશે – એવું જ અત્યારે બધા વિચારતા હતા.
‘એક મિનિટ વોટ્સન...’ પ્રોફેસર બેને અચાનક કહ્યું. એ અમારા જેટલા ઉત્સાહમાં નહોતા લાગતા. વોટ્સને તેમની સામે જોયું.
‘એવું ન પણ બને, વોટ્સન. કદાચ આપણે જે ભૂ-ખંડ પર ઊભા છીએ એ ખરેખર કોઈ મોટો ટાપુ ન હોય અને નાનો એવો જમીનનો ટુકડો હોય એવું પણ બને ને...’ પ્રોફેસરે શંકા વ્યક્ત કરતાં કહ્યું. પણ પછી જાણે વીજળીનો કરંટ લાગ્યો હોય એમ તેમણે ઝડપથી પોતાનો ભીનો થઈ ગયેલો થેલો ખોલ્યો અને એમાંથી નક્શો અને એન્ડરસનની ડાયરી બહાર કાઢ્યાં.
સાવ ભીના થઈ ગયેલા નક્શો અને ડાયરીને હાથમાં પકડતાં પ્રોફેસર બેને મોં બગાડ્યું. પછી એ નક્શો તથા ડાયરીને નજીકમાં ઉપસી આવેલા ચપટા ખડક પર પાથર્યા જેથી સૂરજના તાપને કારણે એ સુકાઈ જાય. તેમણે ડાયરીના બધાં જ લખાણવાળા પાનાં ડાયરીમાંથી છૂટા કર્યા અને પછી પાથર્યા જેથી બધા પાનાં એક સાથે સુકાવા માંડે.
‘છોકરાઓ, આપણે આ નક્શા અને ડાયરીના લખાણો ઉપરથી નક્કી કરીશું કે આ સ્પેક્ટર્ન ટાપુ છે કે નહીં, ઓ.કે. ?’ પ્રોફેસરના મુખ પર આછું સ્મિત ફરકી ગયું, ‘વોટ્સન સાવ ખોટો હોય એવું પણ નથી. એનો તર્ક સાચો પણ હોય. કારણકે ક્રુઝર-દુર્ઘટના વખતે હું સતત મેક્સને સ્પેક્ટર્ન તરફના અક્ષાંશ-રેખાંશ પર જ સુકાનને સંભાળી રાખવાની સૂચનાઓ આપતો હતો અને એણે એ કરી પણ બતાવ્યું. એણે છેક સુધી સુકાનને એ જ દિશામાં રાખ્યું. હવે ધારો કે પાછળથી તોફાનના અટક્યા પછી પવને પશ્ચિમ તરફનું જોર પકડ્યું હોય અને એમ આપણી બંને હોડીઓ પવનવેગે પશ્ચિમમાં આગળ વધી હોય અને અહીં સુધી આવી પહોંચી હોય એવું પણ શક્ય છે ને !’
પ્રોફેસર બેનની વાત સાંભળીને મારા શરીરમાં કંઈક વિચિત્ર ઉત્તેજના છવાઈ ગઈ. પણ સાથે જ મેક્સની યાદ પણ આવી ગઈ. એ બિચારો અત્યારે ક્યાં હશે ? કઈ હાલતમાં હશે ? જીવિત હશે કે મૃત ? આવા બધા પ્રશ્નોની ઝડી મારું મગજ વરસાવવા લાગ્યું હતું.
આશરે એકાદ કલાક પછી પ્રોફેસરે સપાટ ખડક પર સૂકવેલા નક્શો અને ડાયરીના પાનાંઓને અડી જોયું. એ લગભગ સુકાઈ ગયાં હતાં. એ જોઈને પ્રોફેસરના ચહેરા પર ચમક પથરાઈ ગઈ. એમણે ત્યાં જ ઊભા ઊભા નક્શો ખોલ્યો.
‘અં... જુઓ... અહીં દક્ષિણની તરફ નીચે બે ખાસ્સા મોટા ખડકોની બનેલી કોતરો છે બંને થોડા થોડા અંતરે આવેલી છે.’ તેમણે નક્શા પર એ જગ્યાએ આંગળી મૂકતાં કહ્યું, ‘એટલે જો આ ટાપુ સ્પેક્ટર્ન છે કે નહીં એ નક્કી કરવું હોય તો સૌથી પહેલાં આ બંને ખડકોવાળી જગ્યા શોધવી પડે.’
‘હા તો હું અને વિલિયમ્સ તપાસ કરી આવીએ.’ જેમ્સે આતુરતાથી કહ્યું. પ્રોફેસર બેને થોડું વિચાર્યું, પછી કહ્યું, ‘ઠીક છે. તમે બંને આ તરફના કિનારેથી શરૂ કરો. અને શોધ પૂરી થાય પછી બરાબર આ જ જગ્યાએ આવી જજો. આ જંગલનાં પ્રવેશ પાસે. ઓ.કે. ? નાઉ ગો. હવે આપણે મોડું નથી કરવું.’
પ્રોફેસર બેનની સંમતિ લઈને જેમ્સ-વિલિયમ્સ ખડકો શોધવા નીકળી પડ્યા. વળી એક વિચાર મને એવો પણ આવ્યો કે જો આ ટાપુ સ્પેક્ટર્ન નહીં હોય તો અમે પાછા લીમા કઈ રીતે જશું ? પરંતુ હાલતુરત આ સવાલને મેં મનમાં જ દબાવી દીધો.
આ દરમિયાન મેં અમારો સામાન ચેક કર્યો. જોઈને હું થોડો નિરાશ થઈ ગયો. અમારો થોડો મહત્વનો સામાન ક્રુઝની દુર્ઘટના વખતે પેસિફિકના પાણીમાં વિખેરાઈ થઈ ગયો હતો. એમાં અક્ષાંશ-રેખાંશ માપક, દારૂગોળો, બોમ્બ, થોડાં હથિયારો, વાસણો વગેરે જેવો સામાન અમે ખોઈ નાખ્યો હતો. બાકી બચેલા કપડાં, બિસ્તર, ટેન્ટ એ બધું સંપૂર્ણ રીતે ભીંજાઈ ગયું હતું. અલબત્ત, ખોરાકને એરટાઈટ ડબ્બામાં રાખ્યો હોવાને કારણે એ કોરો જ રહ્યો હતો.
પ્રોફેસર બેન પેલા એન્ડરસન સાહેબની ડાયરીના જુદા કરેલા એક-એક પાનાં ધ્યાનથી તપાસતા હતા. બરાબર એ જ વખતે મને પાણીની તરસ લાગી. મેં નીચે પડેલી પાણીની બોટલ ઉઠાવી અને પાણી પીવા માટે મોં ઊંચું કર્યું. સામેનું દ્રશ્ય જોતાં અચાનક મારી બધી જ તરસ જાણે એ ક્ષણ પૂરતી છીપાઈ ગઈ ! દૂર-દૂર ગાઢ, લીલાછમ જંગલની વચ્ચેથી પર્વતની ટોચ જેવું એકદમ ધૂંધળું દેખાયું.
‘પ્રોફેસર બેન ! જલ્દી જુઓ !’ મેં બૂમ પાડી એટલે પ્રોફેસર એનું કામ પડતું મૂકીને મારી તરફ આવ્યા. મેં આંગળી ચીંધીને સામેની તરફ ઉંચે જોવાનું કહ્યું. એમણે જરીક વાર આંખો ઝીણી કરીને જોયું. પછી બાજુમાં પડેલા એક થેલામાંથી દૂરબીન કાઢ્યું અને આંખે ચડાવ્યું.
‘પહેલો પુરાવો, એલેક્સ !’ એ આનંદથી ચિલ્લાઈ ઉઠ્યા, ‘નક્શામાં બતાવ્યું છે એમ જ આ પર્વત જંગલની વચ્ચેથી ડોકિયું કરી રહ્યો છે... સ્પેક્ટર્નની શંકા હવે સાચી પડતી દેખાય છે, એલેક્સ !’
સ્પેક્ટર્ન – શબ્દ સંભળાતાં જ વોટ્સન, ક્રિક અને થોમસ આ તરફ આવ્યા. તેઓએ પ્રોફેસર બેનનું વાક્ય સાંભળી લીધું હશે એવું મને લાગ્યું. બધાનાં ચહેરાઓ પર હું ખુશીની લહેર જોઈ શક્યો હતો.
‘ઉપરાંત આ એન્ડરસનની ડાયરીના પાનાઓમાં પણ સ્પેક્ટર્નની આબોહવા તથા વાતાવરણ વિશે જે કંઈ પણ માહિતીઓ આપી છે એવું જ થોડું ઘણું વાતાવરણ અહીં પણ વર્તાય છે.’ પ્રોફેસરે એક ડાયરીનું એક પાનું લઈને વાંચવા માંડ્યું, ‘જુઓ...વિષમ આબોહવા, સૂર્યનો ભરપુર તાપ, છતાં વાતાવરણમાં ભેજમિશ્રિત ઠંડક, કિનારાની રેતી એકદમ સૂકી ને સુંવાળી...’
‘લગભગ આમાંનું બધું જ અહીં છે, પ્રોફેસર !’ થોમસ બોલી ઊઠ્યો. પ્રોફેસર બેન કંઈ બોલ્યા નહીં. એમને તો બસ પેલી ખડકોવાળી બે કોતરો શોધવા ગયેલા જેમ્સ-વિલિયમ્સની રાહ જોવી હતી. એમણે થોમસને માત્ર એક હળવું સ્મિત આપ્યું.
લગભગ એકાદ કલાક પછી મેં પશ્ચિમ-દક્ષિણ બાજુ જોયું તો જેમ્સ-વિલિયમ્સ પાછા ફરતા દેખાયા. એમનો જવાબ જાણવા અત્યારે અમારા સૌનું હ્યદય ઝડપથી ધબકી રહ્યું હતું. વચ્ચેથી જ તેઓ દોડ્યા અને દોડતાં-દોડતાં જ વિલિયમ્સે જોરથી બૂમ પાડી, ‘ચિંતા છોડો ભાઈઓ ! બંને ખડકો મળી આવ્યા છે !’
અને વિલિયમ્સના વાક્યએ તો જાણે અમારા સૌમાં એકસામટી ખુશીઓ ભરી દીધી હોય એમ અમે આનંદથી ઝૂમી ઉઠ્યા. પ્રોફેસર બેનના ચહેરા પર પણ હવે સંતોષ છવાયો હતો.
***
મારી માન્યતા ખોટી પડી હતી. એ મધ્યમ કદનાં ખડકની બનેલી બે ગુફાઓ હતી. બંને ખડકોમાં અંદરની બાજુ બખોલ જેવું પોલાણ હતું. નક્શામાં જેવા ખડકો ચીતર્યા હતા એનાં કરતાં આ ખડક ક્યાંય મોટો હતો.
હાલપૂરતો અમે બધો સામાન આ એક ગુફામાં ગોઠવી દીધો. આવો જ બીજો ખડક થોડે દૂર ધૂંધળો ધૂંધળો દેખાતો હતો. પણ ત્યાં સુધી જવાની જરૂર નહોતી, કારણકે આ ગુફા જ ખાસ્સી મોટી હતી. સામાન ઉપરાંત અમે સાતેય જણ આરામથી એમાં સમાઈ શકીએ એવી.
અત્યારે સાંજ પડી ચૂકી હતી. આજની રાત અમે અહીં આ ગુફામાં જ વિતાવાનું નક્કી કર્યું હતું. હવે આ ‘સ્પેક્ટર્ન’ હોવાની આશા ધીમે ધીમે જોર પકડવા લાગી હતી.
અમે ગુફામાં ઠંડીથી ઠુંઠવાતા બેઠાં હતા. વચ્ચે એક સરસ તાપણું કરવામાં આવ્યું હતું. સૌ કોઈ અત્યારે મેક્સને યાદ કરતા હતા. પ્રોફેસર બેને કહ્યું હતું કે ઈશ્વરની ઈચ્છા હશે તો મેક્સ ગમે ત્યાંથી આવી પહોંચશે, બસ અત્યારે મુદ્દો એટલો જ હતો કે આ ટાપુ ‘સ્પેક્ટર્ન’ છે કે નહીં એ સંપૂર્ણ રીતે સાબિત નહોતું થયું. જે એક-બે પુરાવાઓ મળ્યા હતા એનાથી કામ ન ચાલે, એટલે આવતી કાલે સવારથી આ મુદ્દા પર કામે લાગી જવાનું હતું.
***