Rasoima aa pan ajmavi juo in Gujarati Cooking Recipe by Mital Thakkar books and stories PDF | રસોઇમાં આ પણ અજમાવી જુઓ

Featured Books
Categories
Share

રસોઇમાં આ પણ અજમાવી જુઓ

રસોઇમાં આ પણ અજમાવી જુઓ

- મિતલ ઠક્કર

* રસોઈ બનાવતી વખતે ભૂલથી જો તેમાં વધુ પાણી પડી ગયું છે તો તેને જલ્દી ઘટ્ટ કરવા માટે તેમાં ખસખસની પેસ્ટ બનાવીને નાખી દો. તેને ફાસ્ટ ગેસ પર પકવો.

* લીલા કે લાલ મરચાને લાંબા સમય સુધી ફ્રેશ રાખવા માટે પહેલાં તેના ડીંટિયા કાઢી નાખો.
* દૂધને વધારે સમય તાજું રાખવા માટે એને ગરમ કરી તેમાં એલચી વાટીને નાખી રાખો.

* શાકમાં મીઠું વધારે પડી ગયું હોય તો માખણ કે દેશી ઘી મેળવી દો.

* જો ક્યારેક શાક, ગ્રેવીમાં મીઠું વધારે પડી ગયું હોય તો એમાં લોટની નાની-નાની ગોળી બનાવીને નાખી દો. તે ઉકળે પછીથી લોટની ગોળીઓ કાઢી લો.

* ચણાના લોટના પકોડા સ્વદિષ્ટ બનાવવા માટે તેમા ઝીણી સમારેલી મેથી અને થોડું લસણ નાખો.

* ઘરે મલાઈમાંથી ઘી બનાવતી વખતે તેમાં થોડું પાણી છાંટી દો, ઘી સારું બનશે.

* ફ્રિજમાં રાંધેલી વસ્તુઓ મુકો તો તેને ક્લિંગ ફિલ્મ કે ફોઈલમાં પેક કરીને જ મુકો.

* નોનસ્ટિક વાસણોમાં ભોજન પકાવવાનો એક ફાયદો એ પણ છે કે તેમાં તેલ ઓછું વપરાય છે. જે પરિવારના સ્વાસ્થ્ય માટે પણ સારું છે.

* તુલસીને ફ્રિઝમાં રાખવાથી એ આસપાસની અન્ય વાનગીઓની વાસ શોષી લે છે. તુલસીને રાખવાનો શ્રેષ્ઠ ઉપાય એને એક કપમાં પાણીમાં રાખવાનો છે.

* ટોમેટો કેચઅપમાં પણ પ્રીઝર્વેટિવ્ઝ અને વિનેગર મોટા પ્રમાણમાં હોય છે માટે એને ફ્રિઝમાં રાખવાની જરૂર નથી.

* ગરમીમાં લીંબુ સૂકાય જાય છે. આવામાં લીંબુને એક કલાક ગરમ પાણીમાં પલાળી મુકો તેનાથી લીંબુ નરમ પડી જશે અને રસ પણ વધુ નીકળશે.

* ડુંગળી આંખોમાં લાગે છે અને આંસુ નીકળે છે તો તેને રોકવા માટે ચ્યૂઈંગમ ખાવ તેનાથી આંખમાંથી આંસુ નહીં આવે.

* રાંઘતી વખતે શાક કે કઢી બળીને ચોંટી જાય ત્યારે એ ચોંટેલું વાસણ સાફ કરવામાં મુશ્કેલી પડે છે. તેને સરળતાથી સાફ કરવા માટે ડુંગળી છીણીને ચોંટી ગયેલી વસ્તુ પર મૂકો. પછી તેના પર ગરમ પાણી રેડો. ૫ મિનિટમાં વાસણ સાફ થઈ જશે. એલ્યુમીનિયમના બળેલા વાસણોને સાફ કરવા માટે પણ તેમાં એક ડુંગળી નાખીને સારી રીતે ઉકાળી લો. પછી વાસણ ધોવાના પાવડરથી સાફ કરો.

* જો જમ્યા પછી થોડી દાળ બચી ગઈ હોય તો તેને ફેંકવાને બદલે લોટ બાંધતી વખતે તેમાં ઉમેરી દો. રોટલી સ્વાદિષ્ટ અને પૌષ્ટિક બનશે.

* કાંચના વાસણોને ધોવા માટે ગરમ પાણી ઉપયોગમાં લેવું. આથી એની ઉપર લાગેલી ગંદકી આરામથી નિકળી જાય છે.

* ટાઈલ્સ પર પડેલા ડાઘ એમોનિયા અને સાબુના મિશ્રણથી પણ દૂર કરી શકાય છે.

* જો તમારા ફ્રિજમાં વધુ દિવસના પાકેલા ફળો મુક્યા છે તો તમે તેની જેલ કે જેલ્લી બનાવી શકો છો. તમે તેમાથી કોઈ સારું ડ્રિંક્સ પણ બનાવી શકો છો.

* ચોખાને સફેદ અને ફુલેલા બનાવવા માટે તેને બનાવતી વખતે તેમા થોડા લીંબુંના ટિપા નાખી દો.

* લોટને સુકાતો અટકાવવા ફ્રિજમાં મુકતા પહેલાં તેના પર તેલ લગાવીને ડબ્બામાં બંધ કરીને મુકો.

* ભીંડા કાપવામાં ખૂબ સમય લાગે છે. તેથી જો તમે ઈચ્છો છો કે તમે પહેલાથી જ ભીંડા કાપીને મુકો તો તેને સારી રીતે ધોઈને, સુકાવીને કાપીને નેટબેગમાં મુકી ફ્રિજમાં મુકો. તેનાથી તમે 5 દિવસ સુધી તેને વાપરી શકો છો.

* હવા લાગવાથી મીઠું ભીનું થતું બચાવવા માટે 1/2 ચમચી કાચા ચોખા તેના ડબ્બામાં નાખી દો. મીઠું ભીનું નહીં થાય.

* મીઠું અને ખાંડનો ઉપયોગ કરતી વખતે હંમેશા સૂકી ચમચીનો જ ઉપયોગ કરો. કોશિશ કરો કે પ્લાસ્ટિકની ચમચી હોય. ભીની ચમચી નાખવાથી તેમા ગાંઠ પડી જાય છે.

* શક્કરિયાની છાલ સહેલાઈથી કાઢવા માટે તેને ઠંડા પાણીમાં થોડીવાર ડુબાડીને મુકી રાખો અને પછી તરત ઉકાળી લો.

* લસણ ફોલતાં પહેલાં લસણની કળીઓને નવશેકા પાણીમાં પલાળી રાખવાથી તેના ફોતરાં સહેલાઈથી નીકળશે.
* લાલ મરચું, હળદર, ધાણાજીરું વગેરે મસાલા લાંબા સમય સુધી તાજાં રહે એ માટે તેમાં હિંગનો ટુકડો મૂકી રાખો.
* રાઈ અને મેથી વીણ્યા પછી સાફ કરીને જ ભરવા. રાઈને જરા તેલનો આછો હાથ મારવો.

* કેકને બૅક કર્યા પછી પોલિથિન બેગથી ઢાંકી દો. બીજા દિવસે પોલિથિન બેગ હટાવી લો. અનાથી કેક નરમ બનશે.

* એલચીના દાણા વધારે ઝીણા અને ઝડપથી ખાંડવા હોય તો તેમાં થોડી ખાંડ ભેળવીને ખાંડવા.

* શાક સમારવાના ચાકુ તેમજ માખણ લગાડવાના નાઇફનો ઉપયોગ કર્યા બાદ તરત જ ધોઇ નાખવા. તેને રોજ રોજ એંઠા વાસણ સાથે સાફ કરવા ન મુકવા.

* જો બટાટા , રીંગણા વગેરે શાક કાપતા ભૂરા રંગના થઈ જાય છે તો શાકને કાપીને તરત મીઠાવાળા પાણીમાં નાખી દો. એનાથી એમનો રંગ ભૂરો નહીં થાય.

* ફ્રિજમાં સેમી ફ્રાઈડ પરાઠા પણ રાખી શકો છો. પીરસતા પહેલાં તવા પર ગરમ કરી લેવાના.

* ટામેટાને ફ્રિઝમાં રાખવાથી એનો સ્વાદ ફરી જાય છે. ઠંડી હવાને કારણે ટામેટાની અંદરના કોષોનું વિભાજન થાય છે. તો શું કરવું? ટામેટાને બાસ્કેટ અથવા તો કાચના બાઉલમાં કિચન કાઉન્ટર પર જ રાખવા જોઇએ.

* અનેકવાર ફ્રિજમાં જુદો જુદો સામાન મુકવાથી દુર્ગંધ આવવા માંડે છે. આ દુર્ગંધને દૂર કરવા માટે તેને બેકિંગ સોડાથી સાફ કરો. બેકિંગ સોડાને પાણીમાં ઓગાળી લો. પછી તેનાથી ફ્રિજને સ્પંજ કરો અને પછી ચોખ્ખા પાણીથી લૂછો.

* ડુંગળીનો રસ અને સિરકા બરાબર પ્રમાણમાં લઈને સ્ટીલના વાસણો પર રગડવાથી વાસણો ચમકવા માંડે છે.

* જો ચોખા બાફતી વખતે સાધારણ બળી જાય, તો તેને ફેંકશો નહી. બસ ભાતને તાપ પરથી ઉતારીને તેની ઉપર સફેદ બ્રેડ દસ મિનિટ માટે મુકી દો. આ ભાતમાંથી બળેલી ખુશ્બુ ખતમ કરી દેશે અને ભાત ફરીથી ખાવા લાયક બની જશે.

* જો તમે ગરમીમાં દૂધને ફ્રીજમાં મુકવાનું ભૂલી ગયા હોય અને દૂધ ફાટવાનો ભય હોય તો તેમાં થોડો ખાવાનો સોડા નાખી દો. દૂધ નહીં ફાટે.

* ખાટા દૂધમાંથી તમે પનીર બનાવી શકો છો. દૂધમાં થોડો સોડા કે લીંબું નાખો અને ધીમા તાપ પર દૂધને ગરમ કરી લો. જ્યારે દૂધ ફાટી જાય તો તેનું બધું પાણી ગાળી લો. પનીર તૈયાર છે.

* મરચાના ડબ્બામાં થોડી હીંગ નાખી દો. એનાથી મરચા વધારે સમય સુધી સુરક્ષિત રહેશે.

* દાળ ઉકાળતી વખતે તેમાં થોડું તેલ નાખીને પકવો અને વચ્ચે વચ્ચે હલાવતા રહો. દાળ સારી અને ટેસ્ટી પણ બનશે.

* પુરી ક્રિસ્પી બનાવવા માટે લોટ બાંધતી વખતે તેમા એક ટેબલસ્પૂન રવો અને થોડો ચોખાનો લોટ સારી રીતે મિક્સ કરી દો.

* લીંબુમાંથી વધુ રસ કાઢવા માંગો છો તો તેને 15 સેકંડ માટે માઈક્રોવેવમાં મુકી દો.

* પાનવાળા શાકને હંમેશા પેપરમાં લપેટીને મુકો તેનાથી તે તાજા રહેશે. આ શાક બે દિવસથી વધુ ફ્રિજમાં ન મુકશો.

* ખાંડને ભેજથી બચાવવા માટે કાચના વાસણમાં જ મુકો. ખાંડ ખૂબ જલ્દી પાણી શોષી લે છે.

* પ્રેશર કૂકરની રિંગ ઢીલી થઇ ગઇ હોય તો તેને થોડો સમય ફ્રિજમાં મૂકી દેવાથી તે ફરી વપરાશમાં લઇ શકાશે.

* ધાણા સારી રીતે સમારાય એ માટે ચપ્પુના બદલે કાતરનો ઉપયોગ કરો.

* રસગુલ્લા ફાટી જતા હોય તો માવામાં થોડો રવો અને મેંદો સરખા પ્રમાણમાં લઇને મિકસ કરો. જેથી રસગુલ્લા ફાટશે નહીં.

* રસોઇ બનાવ્યા બાદ રસોડામાં ફિનાઇલનું પોતું કરવું. ડાઈંનિંગ ટેબલ પર બેસો કે જમીન પર, જમ્યા પછી તે સ્થાન પર ફિનાઈલનું પોતું જરૂર લગાવવું. આવું કરવાથી માખીઓ થતી નથી.

* ચાસણી બનાવતી વખતે કઢાઇમાં માખણ લગાવી દેવાથી ચાસણી સરસ બનશે.

* ડુંગળી અથવા કાંદાને ફ્રિઝમાં રાખવાથી એ નરમ થઇ જાય છે. ફ્રિઝને બદલે એને ઠંડી અને અંધારી જગ્યાએ રાખવા જોઇએ. હા, એક વાત ખાસ ધ્યાનમાં રાખજો કે કાંદા અને બટેટાને સાથે નહીં રાખતા. સાથે રાખવાથી એ જલદી બગડશે.

* જો તમે ઘણી બધી શાકભાજી બજારમાંથી લાવ્યા છો અને થોડી બચી ગઈ છે તો તેને ફેંકશો નહી. તેને સુકાવીને તેનું અથાણું બનાવી લો. કે પછી આ શાકભાજીને ફ્રાઈ કરી લો અને ફ્રિઝમાં મુકી દો.

* લીંબુના રસને જો 15-20 દિવસ સુધી રાખવો હોય તો તેના રસને બરફ જમાવવાની ટ્રેમાં નાખીને જમાવી લો. જ્યારે જરૂર પડે ત્યારે ઉપયોગ કરો.

* માખણ ફ્રિજરમાં જામી ગયું છે તો તેને નરમ કરવા માટે નાના નાના ટુકડામાં કાપી નાખો.