વિચારોની આરત
Part - 5
પ્રદિપ પ્રજાપતિ (પ્રભાત)
1. આપણી શિક્ષણસંસ્થાઓ નિષ્પક્ષ છે ?
જ્યારે શિક્ષણની વાત આવે ત્યારે પક્ષપાતનો મુદ્દો સતત મારા મનમાં ખૂંચે છે. શિક્ષણ પર સૌએ ભાર મુક્યો છે અને શિક્ષણના ઉપયોગ પર પણ ભાર મુકાયો છે પણ શિક્ષણમાં નિષ્પક્ષતા હોવી જોઈએ તેના પર કોઇએ ભાર મુક્યો જ નથી. કોઈ શિક્ષણસંસ્થા ચાલતી હોય અને ત્યાં શિક્ષણ નિષ્પક્ષ રીતે આપવામાં આવતું હોય છે પરંતુ સંસ્થાના સંચાલકો કોઈ પક્ષ સાથે જોડાયેલ હોવાથી તેનો ભોગ આખરે વિદ્યાર્થીઓને જ બનવું પડે છે. એક કૉલેજ શાંતિથી ચાલતી હોય છે અને તેમાં કોઈ પક્ષના કાર્યકરો જઇને વિદ્યાર્થીઓને તે પક્ષમાં જોડવાનો પ્રયાસ કરે છે.આ કેટલે અંશે યોગ્ય કહેવાય ? વિદ્યાર્થીઓને શાળા તથા કોલેજમાં જે શિક્ષણ આપવામા આવે છે એમાં જ નિષ્પક્ષતા હોવી જોઈએ પણ આ વાત પ્રેક્ટિકલ રીતે જોવા જઇએ તો કાંઇક ઊલટું જ જોવા મળે છે. સરસ્વતી માતાના ધામમાં કોઈ પક્ષના લોકો આવે એ શિક્ષણસંસ્થા માટે શરમનો વિષય છે. કોઈ પક્ષ તેના સ્વાર્થ માટે કામ કરતો હોય છે જ્યારે શિક્ષણ એ સર્વગ્રાહી હોય છે. કોઇપણ ધર્મ, જાતિ અને સમુદાય માટે શિક્ષણ એક સામાન હોવું જોઈએ. મોટો સવાલ એ થાય છે કે આપણા શિક્ષણમાં પક્ષપાત કોના લીધે થાય છે ? આ સવાલનો જવાબ આપવો ખૂબ જ મુશ્કેલ છે પણ શિક્ષણસંસ્થાના કોઈ સંચાલક કોઈ પક્ષ સાથે સંબંધ ધરાવતા હોય તો શિક્ષણમાં કોઈ પક્ષનો પ્રવેશ થાય છે. ભાજપ હોય કે કોંગ્રેસ હોય કે પછી ભલે બીજો કોઈ પક્ષ હોય પણ એમને કોઈ શિક્ષણસંસ્થામાં પ્રવેશ કરતા પહેલા સો વખત વિચાર કરવો જોઈએ. શાળા હોય કે કોલેજ એ સરસ્વતી માતાનું મંદીર છે નહીં કે કોઈ ચૂંટણી પ્રચાર માટેનું સ્થળ ! કેટલીક વખત જે પક્ષની સરકાર હોય છે તે પક્ષના કાર્યકરો શિક્ષણસંસ્થામાં જોવા મળતા હોય છે. તેઓ કોઈ સરકારની યોજના માટે આવ્યા હોય તે સમજી શકાય છે પણ પક્ષના હેતુ માટે આવે એ ખોટું જ છે. પક્ષપાત એટલે ભાજપ કોંગ્રેસ જ નહીં પણ બે વિદ્યાર્થીઓ વચ્ચે નીચી જાતિ અને ઉંચી જાતિનો ભેદ કાઢવામાં આવે છે તેને પણ પક્ષપાત કહેવાય ! જ્યારે આપણી શિક્ષણસંસ્થાઓ તટસ્થ બનશે ત્યારે જ સાચું શિક્ષણ મળી શકશે.
2.સમાજની સભાનતા....!
આપણો સમાજએ પગ લુછણીયા જેવો થઈ ગયો છે. જે રીતે પગ લુછણીયું માણસના પગ સાફ કરે છે પણ એક સમય એવો આવે છે કે પગ લુછણીયું એવું ગંદુ થઈ જાય છે કે તે લોકોના પગ સાફ કરવાને બદલે લોકોના પગ વધારે ગંદા કરે છે ! આપણા સમાજની માન્યતાઓ પણ આવી જ છે. જેવો સમય ચાલતો હોય તેમ સમાજને બદલાતું રહેવું પડે છે પણ આ બદલવાની પ્રક્રિયા સમાજ ક્યાંકને ક્યાંક ભૂલતો જાય છે. સમાજની એક આગવી વિચાર પ્રક્રિયા હોય છે. જેમ એક વ્યક્તિની વિચાર પ્રક્રિયા હોય તેવી જ રીતે આવા એક એક વ્યક્તિ મળીને સમાજની વિચાર પ્રક્રિયાનું નિર્માણ કરે છે. આ વિચાર પ્રક્રિયા સમાજને ચારે બાજુથી અસર કરે છે. આપણા વર્તમાન સમાજની વિચાર પ્રક્રિયા એજ છે જે વર્ષો પહેલા હતી. ત્યારે સમાજ તો હંમેશ બદલાતો રહે છે અને આ વખતે પણ સમાજ બદલાયો પણ સમાજની વિચાર પ્રક્રિયા ના બદલાઈ અને આ જ કારણે યુવાનોની વિચાર પ્રક્રિયા એ સમાજની વિચાર પ્રક્રિયા કરતા જુદી જ છે તેથી યુવાનએ સમાજથી અલગ જ વિચારો ધરાવે છે. આવું થવાનું કારણ એજ છે કે સમાજની સભાનતામાં ઊંડો ખાડો પડ્યો છે જે સમાજને પ્રત્યક્ષ રીતે અસર કરે છે. સભાનતા વિશે તો ખ્યાલ જ હશે પણ સમાજની સભાનતા એટલે શું ? આનો જવાબ સરળ રીતે આપી શકાય છે પણ આ જવાબને સમજવો એટલો સરળ નથી. સમાજની સભાનતા એટલે સમાજ શું કરે છે અથવા ક્યા નિર્ણયો લે છે તે બધી જ વાતો સમાજને ખબર હોવી તે ! આ આખે આખી વાતને એક ઉદાહરણ દ્રારા સમજીએ તો દસ વિદ્યાર્થીઓની એક ટીમ બનાવવામાં આવે અને તેમને એક કામ આપવામાં છે. દસ માંથી સાત વિદ્યાર્થીઓ એક જેવું વિચારે છે અને ત્રણ વિદ્યાર્થીઓ અલગ વિચારે છે ત્યારે એ કામ સાત વિદ્યાર્થીઓના મત પ્રમાણે જ થશે. ત્યારે કંઇક આવું જ આપણા સમાજમાં થાય છે. જેની બહુમતી હોય છે તેનું જ ચાલે છે. એક વ્યક્તિમાં સભાનપણું લાવવું હોય તો સરળ છે પણ આખે આખા સમાજમાં સભાનપણું લાવવું થોડું મુશ્કેલ છે. એક વ્યક્તિ પર આપણે જો ધ્યાન આપીએ તો ખ્યાલ આવશે કે સમાજના મોટાભાગના લોકો એક બીજાને અનુસરે છે. લોકો સમાજના કોઇક પ્રતિષ્ઠિત વ્યક્તિ અથવા કોઈ નેતાને અનુસરતા હોય છે. જો એ વ્યક્તિ કે નેતાની વિચાર પ્રક્રિયામાં બદલાવ લાવવામાં આવે તો કદાચ સમાજમાં ઝડપથી પરિવર્તન આવી શકે છે. આપણા સમાજમાં ઘણી બધી સમસ્યાઓ છે જેનું નિવારણ સભાનતા માત્રથી આવી શકે છે.
3. રાજકારણમાં સત્તા મહત્વની કે સેવા ?
' રાજકારણ ' આ શબ્દ જ અનોખો છે. કેટલાક લોકોને આ શબ્દથી જ નફરત હોય છે કેમ કે તે લોકોના અનુભવ પણ એવા જ હોય છે. કેટલીક ભૂતકાળની પરિસ્થિતિને કારણે જ રાજકારણ લોકોની નાપસંદ બની ગયુ છે. રાજકારણમાં નેતૃત્વ અને સેવા ધર્મનું મહત્વ છે પણ આજના રાજકારણમાં સેવા શબ્દ જ એક મજાક તરીકે લેવાય છે. આપણી વાર્તાઓમાં પણ કેટલીક જગ્યાએ રાજકારણ જોવા મળે છે પણ એ હકારાત્મક સંદેશ આપે છે. આપણી મોટા ભાગની બાળ વાર્તાઓમાં રાજાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એક વાર્તા જોઈએ તો એક ગામમાં ખૂબ જ સારો રાજા હતો અને તે પ્રજાની સેવા કરતો અને એક વખત ગામમાં ભયંકર વરસાદ પડ્યો અને ગામમાં પૂર આવ્યું. તે સમયે રાજા પ્રજાની રક્ષા માટે સૌપ્રથમ ઉભો રહ્યો અને રાજાના કારણે ગામ લોકોનો જીવ બચી ગયો. ત્યારે આપણને સેવાનું મહત્વ અને રાજાનું એટલે કે નેતાનું શું કર્તવ્ય હોય છે તે શીખવી જાય છે.
વર્તમાન સમયનું રાજકારણ ખૂબ જ વિચિત્ર થઈ ગયું છે. કેમ કે અત્યારના રાજકારણમાં નેતાઓને પ્રજાની સેવામાં રસ જ નથી. આપણી સંસદનું એક સત્ર ચલાવવા માટે કરોડો રૂપિયાનો ખર્ચ થતો હોય છે અને પૈસા પ્રજાના જ હોય છે. ઘણીવાર તો એવું લાગે છે કે લોકશાહીની વ્યાખ્યા નેતાઓ માટે જુદી જ છે. નેતાઓ લોકશાહીને નેતાશાહી સમજીને પોતાનું ધાર્યું જ કરવામાં માનતા હોય છે ! સમગ્ર નેતૃત્વમાં સાક્ષીભાવ હોવો જોઈએ જેથી કોઈને પણ અન્યાય ન થાય પણ અહી આ વાત તો જુદી જ સાબિત થાય છે. કોઈપણ સત્તાધારી પક્ષ હોય કે વિપક્ષ હોય તેઓનો મૂળ હેતુ પ્રજાની સેવાનો હોવો જોઈએ. આપણા દેશના નેતાઓનો સર્વે કરીએ તો ઘણી અજાણી વાતો જાણી શકાય છે. દેશમાં આટલી બધી સંખ્યામાં યુવાનો છે તો દેશના રાજકારણમાં પણ યુવાનોની બહુમતી હોવી જોઈએ. કેટલાક નેતાઓ અભણ છે અને કેટલાકનું વ્યક્તિત્વ જ નકારાત્મક છે. મારા મત મુજબ તો IIT અને IIM માં જવા માટે ખૂબ જ અઘરી પ્રવેશ પરીક્ષા લેવામાં આવે છે તે જ રીતે રાજકારણમાં જવા માટે પણ એક પ્રવેશ પરીક્ષા હોવી જોઈએ અને આવી પ્રવેશ પરીક્ષામાં નેતાની બધી જ ખામીઓ અને ખુબીઓને માપવામાં આવે ! ત્યાર બાદ એ પરીક્ષાનાં સર્ટિફિકેટ પરથી પ્રજા પોતાનો મનપસંદ નેતાને ચૂંટવામાં આવે ! આવું કરવાથી આપણને એક સાચો અને સારો નેતા મળી શકશે. ભારતના રાજકારણમાં જ્યાં સુધી યુવાનોનો પ્રવેશ નહીં થાય ત્યાં સુધી રાજકારણ અને સેવાનો હેતુ અધુરો જ રહેશે.