બપોરનો સમય. તડકો તેના રોદ્ર સ્વરૂપમાં તપી રહ્યો હતો. રોમી સામે રહેલી રેતીથી ભરેલી મરુભૂમિને જોઈ રહ્યો. તેના ધાર્યા કરતા આ કામ ઘણું અઘરું હતું. તેનું મિશન આ અફાટ રેતીના સમુદ્રમાં ખોદકામ કરવાનું હતું. આ કામ માટે તેણે ઘણા વર્ષો સુધી ટ્રેનિંગ લીધી હતી. તેણે આર્કિયોલોજીમાં પી.એચ.ડી. આ કામ માટે જ કરી હતી. બીજા લોકોની જેમ તે પણ જાણવા માંગતો હતો કે જે જગ્યા ઘણા વર્ષોથી રેતીના અફાટ રણ તરીકે પ્રખ્યાત હતી, જ્યાં હજુ સુધી વસવાટ થઇ શક્યો નહોતો, તે જગ્યાની નીચે શું હતું? તેને ભણવામાં આવેલું કે માનવ સભ્યતાનું પારણું આવી જ કોઈ સાઈટ પર બંધાયું હશે. કદાચ આ હજારો ટન રેતી નીચે સભ્યતાની શરૂઆતના અવશેષો મળશે તેવી તેને આશા હતી.
રોમી એકલો નહોતો તેની સાથે તેના પ્રોફેસર પણ હતા. પ્રોફેસરે જ તેને શરૂઆતથી શિક્ષણ આપ્યું હતું. રોમીને પોતાના પરીવાર વિષે કોઈ જાણકારી નોહતી. તે ઘણા સમયથી પ્રોફેસરની દેખરેખ હેઠળ પી.એચ.ડી. કરી રહ્યો હતો. પ્રોફેસર થોડા ધૂની મગજના હતા. રોમી તેમનો પ્રિય વિદ્યાર્થી હતો. એટલે જ્યારે પ્રોફેસરે તેને આ સાઈટ પર ખોદકામ માટે પસંદ કર્યો. ત્યારે તે ખુબ રાજી થયો.
રોમી હજુ વિચારી રહ્યો હતો કે આ હજારો ટન રેતી હટાવતા કેટલા મહિના લાગશે? તેણે પાછળ નજર કરી પ્રોફેસર પોતાની કારમાં બેઠા બેઠા પોતાની પાસે રહેલા કોમ્પ્યુટરમાં સેટેલાઈટનો ડેટા ચેક કરી રહ્યા હતા. તેને ખબર હતી કે સેટેલાઇટના ડેટા પ્રમાણે તે જે જગ્યાએ ઉભો હતો તેની બરોબર નીચે એક તૂટેલો ગુંબજ ધરાવતી ઘણી મોટી ઇમારત હતી. તેમણે સરકાર પાસે ખોદકામ માટે ઘણા સમય પેહલા પરમિશન માંગી હતી પણ કોઈ અગમ્ય કારણોસર તેમને પરમિશન ન મળી. રોમીને સમજ નોહતી પડતી કે કોઈ સરકાર પોતાનો ઇતિહાસ જાણવામાં કેમ રસ નોહતી ધરાવતી?
રોમીને અભ્યાસમાં શીખવવામાં આવ્યું હતું કે ત્રણ હજાર વર્ષ પેહલાની સભ્યતા ઘણી સમૃદ્ધ હતી પછી કોઈ અગમ્ય કારણોસર તે લુપ્ત થઇ ગઈ. તેઓ જે ઇમારતનું ખોદકામ કરવાના હતા તેના વિષે કહેવાતું કે તે ઇમારત શાપિત હતી. કોઈ પરીવારમાં બનેલી દુઃખદ ઘટનાનું તે પ્રતીક હતી. લોકો હજારેક વર્ષ પેહલા આ અફાટ રણને ત્યજી દઈને હિજરત કરી ગયા હતા. તે વખતના દસ્તાવેજો પ્રમાણે ત્યારે આ ઇમારત ખુબ ખરાબ હાલતમાં હતી. ધીરે ધીરે તેને આ અફાટ રણે પોતાનામાં સમાવી લીધી હશે.
રોમી પ્રોફેસર પાસે પોહ્ચ્યો અને બોલ્યો," પ્રોફેસર, સરકારે આપણને સાધનો આપ્યા હોત તો આ માત્ર બે દિવસનું કામ હતું પણ હવે આપણે મજુરો પાસે કામ લેવું પડશે. કદાચ બે ત્રણ મહિના નીકળી જશે ત્યાં સુધી આપણે અહીંયા જ રેહવું પડશે."
"સરકારે આપણને અહીં આવવાની પરમિશન જ નથી આપી તો સાધનો ક્યાંથી આપે? સરકાર કોઈ રહસ્યમય કારણોસર એવું ઈચ્છે છે કે કોઈ અહીં ખોદકામ ન કરે. એવું કહેવાય છે કે જયારે ત્રણ હજાર વર્ષ પેહલાની સભ્યતા નાશ પામી ત્યારે આ ઇમારત સૌથી છેલ્લે બચી ગયેલી અને તે સભ્યતા કેમ નાશ પામી તેના કારણો આપણે જાણીએ તેમ સરકાર નથી ઇચ્છતી." પ્રોફેસરે રોમીને કહ્યું.
"પણ એવું તે કયું કારણ હશે કે જે સરકાર આપણે જાણીએ તેમ નથી ઇચ્છતી" રોમીએ પ્રશ્ન કર્યો.
"ખબર નહીં. આપણે આ કામ બહુ સાવધાનીથી કરવું પડશે. મેં મજૂરોને એકઠા કરી લીધા છે. પેહલા તો કોઈ આ જગ્યાએ આવવા તૈયાર જ નોહતું પણ પછી મેં પૈસા વધારે આપવાનો વાયદો કર્યો એટલે તેઓ તૈયાર થઇ ગયા. જો સામે ગાડીઓ આવે છે તે તેમની જ લાગે છે." પ્રોફેસરે સામે આવતી ગાડીઓ તરફ આંગળી ચીંધી.
***
રોમી ખુબ ઝડપથી ગાડી ચલાવી રહ્યો હતો. તેને બને તેટલી જલદી સાઈટ પર પોંહચવું હતું. તેને ડર હતો કે તેમની છેલ્લા ત્રણ મહીનાની મેહનત પર પાણી ન ફરી ગયું હોય. તેણે, પ્રોફેસરે અને મજુરોએ રાત દિવસ ખોદકામ કરીને ઇમારતની ટોચનો તૂટેલો ગુંબજ બહાર કાઢી લીધો હતો પણ અચાનક રેતીનું ભયંકર તોફાન શરૂ થતા તેમને સાઈટ છોડી દેવી પડી હતી. આજે પાંચ દીવસ પછી તોફાન શાંત થતા તેઓ મજુરો સાથે સાઈટ તરફ જઈ રહ્યા હતા. રોમીને ડર હતો કે ક્યાંક તેમણે કરેલી મેહનત પર ફરી પાછી રેતી ફરી ન વળી હોય. પ્રોફેસર પણ તેની બાજુની સીટમાં ચુપચાપ આવા જ વિચારોમાં ખોવાયેલા બેઠા હતા.
રોમીએ જ્યાં પેહલા તેમણે ટેમ્પરરી તંબુઓ લગાવેલા ત્યાં ગાડી ઉભી રાખી. ત્યાંથી ઈમારતનો અડધો રેતીમાંથી બહાર કાઢેલો ગુંબજ માત્ર સો મીટર દુર હતો. તેને તંબુઓ તો ન મળ્યા પણ તે સામેનું દ્રશ્ય જોઈને આશ્ચર્ય ચકિત થઇ ગયો. સામે અડધા ગુંબજને બદલે રેતીમાંથી અડધી ઇમારત ડોકાઈ રહી હતી. તોફાને તેમનું બે મહીનાનું બાકી કામ માત્ર પાંચ દિવસમાં કરી આપ્યું હતું. પ્રોફેસર અને રોમી એકબીજાને ખુશીથી ભેટી પડ્યા.
પીળી રેતી વચ્ચે એ સફેદ તૂટેલી ઇમારત સફેદ મોટી જેવી લાગતી હતી. ઈમારતના દરવાજા પર કોતરણી કરેલી હતી. તેના દરવાજા સામે બે મિનારાઓ પડી ગયેલા હતા. પડેલા મિનારાઓના પથ્થર દરવાજા તરફ જવાના રસ્તા પર પડેલા હતા.
પ્રોફેસરે અને રોમીએ મજૂરોની મદદથી થોડા કલાકોમાં જ દરવાજા સામેના પથ્થર દુર કરી દીધા. તેઓ ઇમારતની દીવાલો પરની કોતરણીને થોડીવાર અચમ્બાથી જોઈ રહ્યા. અંદર પોહચેલા એક મજૂરે બધાને અચાનક અંદર બોલાવ્યા. અંદર પણ દીવાલો પર સુંદર નકશીકામ હતું. રોમીની નજર ઉપર અડધા તૂટેલા ગુંબજ તરફ ગઈ. ગુંબજનો એક મોટો પથ્થર ઇમારતના મુખ્ય ખંડમાં બરોબર વચ્ચે રહેલી કબર પર આડો પડેલો હતો. તે પથ્થર તરફ ફર્યો અને તેને ઉચકવા લાગ્યો. બીજા મજૂરો પણ તેની મદદે આવ્યા.
અચાનક પથ્થર એક મજુર હાથમાંથી છટકી ગયો અને તેનું બધું વજન રોમીના હાથ પર આવતા તેનો હાથ પથ્થરની નીચે ફસાઈ ગયો. રોમીને દુખાવો ન થયો કદાચ પથ્થરની નીચે શું છે તે જાણવાની અધીરાઈમાં તે પોતે પોતાનું દર્દ ભૂલી ગયો. બધાએ મળીને પથ્થર દૂર કરતા નીચે એક ભોંયરું જોવા મળ્યું.
રોમી અને પ્રોફેસર ઉતાવળે પોતાની ટોર્ચ ચાલુ કરીને ભોંયરામાં પ્રવેશ્યા. અંદર બીજી બે કબર હતી. તેમના પગ નીચે વેરાયેલા સિક્કાઓ પર પડ્યા. મજૂરો પણ તેમની સાથે ભોંયરામાં પ્રવેશ્યા. એક મજૂરના હાથમાં એક બોર્ડ હતું જે કદાચ તે ઇમારતની બહારથી લાવ્યો હતો. જેના પર અંગ્રેજી માં લખ્યું હતું : "વેલકમ ટુ તાજમહલ"
પ્રોફેસરે ભોયરાની જમીન પર પડેલો, જુના અખબાર જેવો લાગતો કાગળનો ફાટેલો ટુકડો ઉઠાવ્યો અને વાંચ્યો. તેના પર લખ્યું હતું, " પરમાણુ યુદ્ધની શરૂઆત…."
રોમીને અચાનક પોતાના હાથ પર પડેલો ઘાવ યાદ આવ્યો. તેણે પોતાના હાથ તરફ નજર કરી તેના હાથમાંથી લોહી નોહતું નીકળી રહ્યું. તે પોતાના શર્ટની ફાટેલી બાંય ચડાવી અને પોતાના ઘાવ નું નિરીક્ષણ કરવા લાગ્યો. તેની ચામડી ઉતરી ગઈ હતી અને અંદર હાડકું દેખાવાને બદલે એક સ્ટીલનો સળીયો અને કેટલાક વાયરો બહાર આવી ગયા હતા. સ્ટીલના સળીયા પર લખેલું હતું : "રોબોટ ઓન મિશન-1(રો.ઓ.મી.)"
-: સમાપ્ત :-