Rivaj in Gujarati Short Stories by seema mehta books and stories PDF | રિવાજ

Featured Books
  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

  • ખજાનો - 76

    બધા એક સાથે જ બોલી ઉઠ્યા. દરેકના ચહેરા પર ગજબ નો આનંદ જોઈ, ડ...

Categories
Share

રિવાજ

રિવાજ

***

“શું કન્યા જોવા જવા માં પણ કમુરતા નડતા હશે ?”

પોષ મહિના ની એક ઠંડી બપોરે ભાડા ની કાર માં પોતાના બે કાકા -કાકી અને પોતાનાથી નાની બહેન સાથે બેઠેલા રાહુલ ને વિચાર આવી ગયો ,બી.બી.એ.ના પ્રથમ વર્ષ માં અભ્યાસ કરતા અઢાર વર્ષ ના રાહુલ ને પોતાના માટે કન્યા જોવા જવા નો આ પહેલો પ્રસંગ હતો ,કન્યા ના મામા તરફથી તો બારેક દિવસ પહેલા જ બાપુજી ને પત્ર મળી ગયેલો કે "પહેલી ફુરસતે કન્યા જોઈ જાઓ ,અને પછી જો છોકરા ઓ ની ઈચ્છા હોય તો વાત આગળ વધારીએ"

ધનારક પુરા થવાની જ રાહ જોતા હોય તેમ રાહુલ ના પિતા દેવેન ભાઈ એ કન્યા ના મામા ને તરત જ વળતો પત્ર પાઠવી દીધેલો કે"ફલાણા દિવસે રાહુલ તથા ઘર ના બીજા સભ્યો આવી ને કન્યા જોઈ જશે"

પોતાના શહેર થી પચાસેક માઈલ દૂર આવેલા સોમપરા એ જવા નીકળેલ રાહુલે બંને કાકી ઓ ની વચ્ચે જગ્યા લેતા વોકમેન નું નાનકડું સાઉન્ડ કાને ભરાવી ને પાછલી સીટ પર માથું ઢાળ્યું ,ને આપોઆપ એની આંખો મીચાઈ ગઈ , મનોમન એ છોકરી ની કલ્પના કરતો રહ્યો જેની વાતો છેલ્લા દોઢેક મહિના થી ઘર માં રોજ સાંભળવા મળી રહી હતી ,બા એ કોઈ પ્રસંગ માં છોકરી ને જોયેલી, ને જોતા જ આંખો માં વસી ગયેલી ,

જો કે રાહુલ ના સગપણ ની હજી એવી કોઈ ઉતાવળ નહોતી, પણ જ્ઞાતિ માં એક તો આમેય કન્યા ઓ ની કમી, અને તેમાંય સારા ઘરની દેખાવડી કન્યા મળતી હોય તો દીકરાને નોંધી લેવામાં ય માં-બાપ ને જરાય અણધાર્યું નહોતું લાગતું ,પાછું સંતાન માં એક દીકરો ને એક દીકરી ધરાવતા દેવેન ભાઈ માટે તો એક નો એક દીકરો થોડો વહેલો નોંધાઈ જાય એ તો એક લ્હાવા જેવું હતું

“અંજલિ ! નામ તો સરસ છે “રાહુલે મોનમન વિચાર્યું ,પાછળ વર્ષે જ બારમા ધોરણ માં નાપાસ થયેલી અંજલિ રાહુલ થી માંડ પાંચેક મહિના નાની હતી ,નાપાસ થયા પછી એણે અભ્યાસ છોડી દીધેલો એમ બા કહેતી હતી,અને ખરેખર તો રાહુલ પોતે પણ પોતાની ભાવિ પત્ની પાસે થી વધારે ભણતર ની અપેક્ષા નહોતો રાખતો ,90 ના આ દાયકામાં જ્ઞાતિ માંથી બાર પાસ છોકરી મેળવવા માટે જ્ઞાતિ ના દશેક ગામ ખૂંદવા પડે ,અને ગ્રેજ્યુએટ કન્યા મળે એ તો રણ માં પાણી મળ્યા બરાબર ગણાતુ

"આંખો ખોલો ને કાન ને થોડો આરામ આપો કુંવરજી " “મેઈન રોડ પરથી કાર કાચા રસ્તે ઉતરી એટલે મોટા કાકા એ સહેજ મકલતા અવાજે રાહુલ ને ટપાર્યો,ચમકી ને રાહુલે આંખો ખોલી,બારી ની બહાર નજર કરતા"સોમપરા"લખેલું કાંટ ખાધેલું પાટિયું દેખાયું,

"અરે! આપણે પહોંચી ગયા ?"કહેતા તેણે રીસ્ટ વૉચ માં નજર કરી ,ઘરે થી નીકળ્યા એને કલાક ની ઉપર સમય વીતી ગયો હતો ,વિચારો માં રસ્તો કેવી રીતે કપાઈ ગયો તે ખબર જ ના રહી

"ભારે ઉતાવળ ભાઈ તને તો !" રાહુલ તરફ અર્થસભર નજર કરતા કાકી એ હોઠ મલકાવતા વ્યંગ કર્યો ,એ સાંભળી ને પોતે સહેજ સંકોચ થી ખોળા માં પડેલ વોકમેન સમેટવાના કામ માં વ્યસ્તતા બતાવવા લાગ્યો , 16 વર્ષ ની બેન મ્હોં પર હાથ દાબી ને હંસી પડી,

આગળ, ડ્રાઈવર ની બાજુ માં બેઠેલા કાકા એને કન્યાના મામા ના ઘર સુધી જવાનો રસ્તો બતાવી રહ્યા હતા, અંજલિ નું મોસાળ પણ સોમપરા માં જ હતું,એના મામા રવજીભાઈ એ પહેલા પોતાના ઘરે આવવાનું આમંત્રણ બધા ને પાઠવેલુ

પાંચેક મિનિટ માં કાર જયારે રવજીભાઈ ના આંગણે ઉભી રહી ત્યારે એમની જ રાહ જોતા હોય તેમ ડેલી એ થી જ બધા ને આવકાર મળ્યો ,

"તારે જરા હાથ મ્હોં ધોવા હોય તો આ તારું ઘર જ સમજજે "રાહુલ ના ખભા પર હાથ મૂકી ને રવજી ભાઈ એ હેતાળ સ્વરે કહેલું ,પણ એ થોડો સંકોચાઈ ગયો હોય કે પછી અંજલિ ને જોવાની અધીરાઈ ,એણે વિવેક થી ના પાડેલી

ચા પાણી થયા તે દરમ્યાન મામા એ પોતાના છોકરા ને દોડાવી ને બનેવીલાલ ને ત્યાં સમાચાર પહોંચાડી દીધેલા કે મહેમાન આવી પહોંચ્યા છે, અને હું એમને લઇ ને હમણાં ત્યાં આવી પહોંચું છું

ને વીસેક મિનિટ પછી જયારે મામા ની સાથે રાહુલ નો પરિવાર રમણ ભાઈ ને ત્યાં પહોંચ્યો ત્યારે મોટા ડેલા ની અંદર પગ મૂકતાં જ રાહુલ નું મન આંનદીત થઇ ગયેલું,શહેર માં ભાગ્યે જ જોવા મળે તેવડું વિશાળ ફળિયું ,સામે જ બે મોટા રૂમ અને ઓસરી તથા ઓસરી માં જ એક રૂમ સાથે જોડાયેલું મોટું રસોડું ,અને એ જ રીતે ઉપર ના માળે બાંધકામ થયેલું હતું ડાબી તરફ થી એક પથ્થર ની સીઢી ઉપર જતી હતી

બધા નું સ્વાગત કરવા માં આવ્યું ,પુરુષ વર્ગ ને લઇ ને રમણ ભાઈ ઉપર જવા માટે આગળ થયા ,જયારે રાહુલ ની કાકી ઓ અને બહેન ને નીચે જ સ્ત્રી વર્ગ એ રોકી લીધેલ ,અપેક્ષાકૃત મોટા ઓરડા માં રમણ ભાઈ થી એક મોટા તથા એક નાના ભાઈ બેઠેલા ,તે સિવાય બે -ત્રણ વડીલ બેઠેલા ,કૈક શરમાતો ને સંકોચ પામતો રાહુલ કાકા ઓ ની પાછળ અંદર પ્રવેશેલો,બધા ને બેઠક અપાઈ, તે દરમ્યાન તો રવજી ભાઈ નો બારેક વર્ષ નો છોકરો પાણી પણ આપી ગયો

દુનિયાદારી ની વાતો ચાલી ,રાહુલ ના માતા પિતા કેમ ના આવ્યા તે બાબત માં મીઠો ઠપકો આપ્યા પછી એક વડીલે રાહુલ ને બોલતો કરવા માટે એના અભ્યાસ બાબત માં બે ચાર પ્રશ્ન કરેલા ,શાલીનતાથી જવાબ આપી રહેલ રાહુલ નું મન તો અંજલિ ને જોવા ઉતાવળું થઇ રહ્યું હતું ,ક્યારેય અચાનક તેને પૂછવા માં આવેલ પ્રશ્ન નો ધીમા અવાજે જવાબ આપતો રહ્યો,પણ એની દ્રષ્ટિ માં ઉપસી આવેલી અધીરાઈ વારંવાર ડોકિયાં કરી રહી હતી

"અંજલિ ,ચા લાવજે તો દીકરા" અંજલિ ના કાકા એ ઓરડાની બહાર જઈ રવેશ ના કઠેડા પર ઝૂકી ને નીચે જોતા હળવી બૂમ પાડેલી, તે ખુરશી માં સહેજ સરખો બેઠો ,પોતે દરવાજા ની બરાબર સામે નહોતો બેઠેલો ,દરવાજા તરફ જોવા માટે તેને પોતાનો ચહેરો ડાબી તરફ ફેરવવો પડે તેમ હતો ,એટલે કન્યા અંદર આવે ત્યારે પહેલી જ નજરે તેને ઝીલી લેવા તે સાબદો બની ગયેલો , આ રીતે છોકરી જોવી એ તેના માટે પહેલો પ્રસંગ હોઈ તે કંઈક અકથ્ય રોમાંચ અનુભવી રહ્યો હતો ,

દરવાજા પર ઝાંઝરી નો આછો ઝણકાર થયો ને તેણે ચહેરો તે તરફ ઘુમાવ્યો ,નીચું જોઈ ને અંદર પ્રવેશેલી અંજલિ એ પોતાની લાંબી પાંપણ ને સહેજ ઊંચકી ને એક અછડતી નજર રાહુલ તરફ નાખેલી ,સેકન્ડ ના દશ માં ભાગ જેટલા સમય માટે બન્ને ની દ્રષ્ટિ સંધાઈ ને તરત જ એ અનુસંધાન તૂટી ગયું પણ અંજલિ ના હોઠ નો એક ખૂણો મરક્યો હોય તેવો એને ભાસ થયો ,તેનું હ્ર્દય એક ધબકાર ચુકી ગયેલું

તે દૂધ જેવી ખુબ ગોરી નહોતી,ઘઉં ના બાંધેલા લોટ જેવો તેનો રંગ હતો ,પણ એના મ્હોં પર ગજબ ની નમણાશ હતી,બા સાચું જ કહેતી હતી,જોતા જ પહેલી નજર માં ગમી જાય તેવી ,પણ તે વધુ વાર અંજલિ સામે ન જોઈ શક્યો ,ત્યાં બેઠેલા બધા ની નજર જાણે પોતાનો પીછો કરતી હોય તેવો તેને ભાસ થયો ને તેણે પોતાની નજર હટાવી લીધી ,

બધા ને ચાય આપી રહેલ અંજલિ માટે પણ આ પહેલો જ પ્રસંગ હતો ,ગાલ પર શરમ ના શેરડા સાથે તે બધા ને ચાય આપી ચુકી પછી ખાલી રાહુલ બાકી રહ્યો ,એટલે તેણે પ્રશ્ન સૂચક દ્રષ્ટિ થી પોતાના કાકા તરફ જોયું ,

કાકા નું માથું સહેજ હકાર માં હલ્યું એટલે કપ ભરી ને તેણે રાહુલ તરફ લંબાવ્યો ,નીચું જ જોઈ રાખી ને રાહુલે એ કપ હાથ માં લીધો ,તેને લાગ્યું કે અંજલિ નો હાથ સહેજ કંપ્યો ,પણ એ દરમ્યાન અંજલિ એ ફરીથી એક દ્રષ્ટિ તેના ચહેરા પર નાખેલી ને ફરીથી આંખો મળે તે પહેલા તો ધીમા છતાં ઉતાવળા પગલે તે ત્યાંથી સરકી ગયેલી ,રાહુલ ખાલી દૂર જઈ રહેલ ઝાંઝર નો રણકાર સાંભળી રહ્યો ,આ બધા વડીલો ની હાજરી માં પીઠ ફેરવી ને જઈ રહેલ અંજલિ પર આંખો માંડવાની તેના માં હિંમત નહોતી

તે પછી તો નાસ્તો ય પીરસાયો ને ઠંડુ પણ અપાયું ,બન્ને વખતે અંજલિ જ આવેલી ,પણ પોતાના સંકોચશીલ સ્વભાવ ના કારણે વડીલો ની હાજરી માં રાહુલ એને સારી રીતે નિહાળી ન શક્યો

પરંતુ જેટલી જોઈ શક્યો એટલી પણ પૂરતી હતી હા પાડવા માટે

એ પહેલી ,બીજી,અને ત્રીજી નજર માં એવી ગમી ગઈ હતી કે પોતાના તરફ થી તો ના પાડવાનો હવે પ્રશ્ન જ નહોતો , પણ એક સવાલ તેને મૂંઝવતો હતો સગપણ પછી કેવીક છૂટછાટ મળે તેમ છે?

પોતે શહેર માં રહેતો એનો અર્થ એવો નહિ કે જ્ઞાતિ ના પ્રવર્તતા રિવાજો થી પરિચિત નહોતો ,એ જાણતો જ હતો કે પોતાની જ જ્ઞાતિ શહેર માં જેટલી છૂટછાટ ભોગવે છે તેટલી ગામડાં માં વસી રહેલી જ્ઞાતિ નથી ભોગવતી ,સગપણ બાદ હરવા ફરવા જઈ શકાય એને તો એ પોતે પણ અસંભવ માનતો હતો ,પણ એટલી અપેક્ષા તો ખરી જ કે પોતાની ભાવિ પત્ની સાથે પોતે પત્ર વ્યવહાર કરી શકે ,અને અહીંયા આવે ત્યારે ઘર માં જ પેટ ભરી ને વાતો કરી શકે ,એટલા પૂરતી છૂટ મળે તો એને માટે પૂરતી હતી

પોતાને જ પોતાની વાત હાસ્યાસ્પદ લાગી ,હજી છોકરી અને એના ઘરના એ હા પાડી નહોતી ત્યાં તો પોતે બહુ દૂર ના સ્વપ્નો જોવા લાગેલો ,પણ એ જરૂરી એ હતું ,વડીલો અલકમલક ની વાતો માં જામી પડેલા ,

જાણે પગ છૂટો કરવો હોય તેમ સ્વાભાવિકતાથી ઉભો થઇ ને તે ઓરડામાંથી બહાર નીકળ્યો ,નીચેની ઓસરી નો ભાગ ઉપર ના ભાગે ખુલ્લી અગાસી તરીકે વપરાતો હતો ત્યાં થોડી વાર ચક્કર લગાવ્યું ,નીચે શું થઇ રહ્યું છે તે જોવાની લાલચ છતાં હિંમત ન કરી શક્યો ,તેના મનમાં નાનકડો ઉપાય ઉગી નીકળ્યો હતો પણ અમલ માં મુકવો કે નહિ તે ગડમથલ માં પોતે હતો ત્યાં જ અંજલિ ના મામા ઓરડા માંથી બહાર આવ્યા ,

અને મનોમન કંઈક નીર્ધાર કર્યો હોય તેમ તેણે રવજીભાઈ તરફ અર્થસૂચક હાસ્ય કર્યું ,એનું મન પારખતા હોય તેમ રવજીભાઈ પાસે આવ્યા

"આવું છે અમારું ગામ તો ભઈ" વાત શરૂ કરવાની ઢબે તેમણે કહ્યું ,"તમારા શહેર જેવું તો ના થાય પણ હવાપાણી ચોખ્ખા"

રાહુલે એમની આંખો માં જોયેલું,ખુલી ને વાત કરવાનું આમંત્રણ તેમાં દેખાયું એટલે એની અસ્વસ્થતા થોડી ઓછી થઇ ,"હું કંઈક કહું ?"

"અરે હા જરૂર ,મને મિત્ર જ માનવાનો"

"અંદર ઘણા બધા વડીલો બેઠા છે,એમની હાજરી માં હું છોકરી,,,આઈ મીન અંજલિ,,એટલે કે તમારા ભાણેજ,,, " શું સંબોધન કરવું તે સુઝકો ન પડતા તે એક્સામટું બોલી ગયો "એટલે હું બરાબર જોઈ નથી શક્યો "કહેતા તે થોડો થોથવાયો "જો આપને વાંધો ના હોય તો હું બે -પાંચ મિનિટ માટે એને એકાંત માં મળી શકું ?"

રવજીભાઈ ના હોઠ પર સ્મિત અને ચહેરા પર થોડી મૂંઝવણ ઉપસી આવી ,બે પાંચ સેકન્ડ તેમણે કાંઈક વિચાર્યું, પછી પોતાના છોકરા ને બોલાવ્યો ,'ને એ જ સાંભળી શકે તેમ કંઈક સૂચના આપી ,પછી રાહુલ તરફ જોયું "તમે આની સાથે જાઓ ,હું કંઈક ગોઠવું છું"

રાહુલ ને ઊંડે સુધી હાશકારો થયો ,અંજલિ ને જોવા માટે પોતે આ પ્રસ્તાવ મુકેલો એવું નહોતું,પોતે તાગવા માંગતો હતો કે આ ઘર માં કેટલે સુધી છૂટછાટ મળી શકે તેમ છે ?પોતાની બુદ્ધિ પ્રમાણે તે એમ માનતો હતો કે જો અત્યારે કોઈ પણ જાતના સગપણ વગર જ એને અંજલિ સાથે બે મિનિટ પણ એકાંત આપવા માં આવે તો એનો અર્થ એ હતો કે સગપણ બાદ તો એ બાબત માં એને ઘી -કેળા હતા ,અને જો મનાઈ કરવા માં આવે તો એનો અર્થ એવો હતો કે "બેટા રાહુલ અહીંયા તારા સ્વપ્નો પુરા થાય તેમ નથી તો પતલી ગલી સે સરક લે"

રવજી ભાઈ નો છોકરો તેને નીચે સુધી દોરી ગયેલો ,નીચે ના એક રૂમ માં તો સ્ત્રી વર્ગ બેઠેલો ,બીજા ખાલી ઓરડા માં તેને બેસાડવા માં આવ્યો

રાહુલ ને નીચે મોકલ્યા પછી રવજી ભાઈ એ બનેવી ને ઈશારો કરી બહાર બોલાવ્યા,અને કહેલું,"જો રમણલાલ ,અત્યારે જમાનો અલગ છે ,તેમાંય છોકરો શહેર નો છે ,આપણે બધા અહીંયા બેઠા છીએ એટલે સ્વાભાવિક છે કે છોકરો-છોકરી એક બીજા સામે જોઈ પણ ન શકે ,બંને ના ભલા માટે હિતાવહ એ છે કે એમને બે ચાર મિનિટ એકબીજા ને જોઈ શકવા જેટલું એકાંત આપવું"

"હા તે તું જ એ પતાવી લે ને ,કાલ ઉઠી ને છોકરા છોકરી ને ફરિયાદ ના રહેવી જોઈએ કે અમે એકબીજા ને જોયા નહોતા" રમણલાલે સાવ સ્વાભાવિક રીતે કહેલું અને પાછા ઓરડામાં ચાલી ગયેલા

નીચે આવી ને રવજીભાઈ એ અંજલિ ને ફળિયામાં બોલાવી "જો ભાણી પેલા ઓરડામાં રાહુલ છે તને ખબર છે ?"

મરક મરક થતા મ્હોં એ અંજલિ એ હકાર માં માથું હલાવ્યું ને નીચું જોઈ ગઈ , એટલે મામા એ આગળ કહ્યું ,"પાણી નો ગ્લાસ લઇ ને ત્યાં જ અને જોઈ લે ,એ કઈ પૂછે તો જવાબ આપજે ને તારે કઈ પૂછવું હોય તો જરાય સંકોચ રાખ્યા વગર પૂછી લેવાનું, તમારા બંને ના ભવિષ્ય નો સવાલ છે ,સમજી ગઈ ?"

હકાર માં માથું હલાવતા તે ત્યાં થી સરકી ગઈ ,ને રવજી ભાઈ એ પાછું પુરુષ વર્ગ માં બેસવા જવાના બદલે સ્ત્રી વર્ગ તરફ પગ ઉપાડ્યા

પાણી નો ગ્લાસ લઇ ઓરડાના ઉંબરા સુધી પહોંચવા માં તો એ જાણે હાંફી ગયેલી ,નીરખી ને ન જોયો હોવા છતાં પહેલી નજર માં જ એ સોહામણો છોકરો આંખો થી સીધો જ હ્ર્દય સુધી પહોંચી ગયેલો , ધબકતા હૈયે તેણે અંદર નજર કરેલી ,તો એને રાહુલ ની પીઠ દેખાઈ ,મેજ પર પડેલા બે ચાર પુસ્તકો માંથી હરકિસન મહેતા નું દળદાર પુસ્તક "જડ ચેતન" હાથ માં લઇ ને એને રસ પૂર્વક પાના ફેરવતો જોઈ ને સુખદ આશ્ચર્ય થયેલું,નાક નું ટીચકું ચડાવતા તેને વિચાર્યું "બાપ રે !ક્યાંક આ સાહેબ પણ મોટા ભાઈ ની જેમ વાંચવાના શોખીન તો નથી ને?'તો તો થઇ રહ્યું ,મારી વાતો કોણ સાંભળશે ?"

દરવાજા માંથી આવતો પ્રકાશ રૂંધાવાથી કે પછી અંજલિ ના ઝાંઝરે ચાડી ખાધી હોય ,પણ રાહુલે અચાનક પાછળ જોયેલું ,અંજલિ ને આવતા વાર થશે તેમ ધારી ને તે ઓરડામાં ખાંખાખોળા કરતો હતો એ અંજલિ કે પકડી પડ્યું એટલે તે થોડો છોભીલો પડી ગયો ,પછી પુસ્તક અંજલિ ને બતાવતા બોલી પડ્યો "આ ,,,આ કોણ વાંચે છે ?"

"મોટા ભાઈ" ધીમા અવાજે બોલતા તે અંદર પ્રેવેશેલી હાથમાં રહેલો ગ્લાસ રાહુલ ને આપવો કે ટિપોઈ પર મુકવો એવી મીઠી મૂંઝવણ નો રસ્તો કરી આપતો હોય તેમ રાહુલે જ ટિપોઈ તરફ ઈશારો કર્યો ,ગ્લાસ મૂકી ને તે ત્યાં જ દીવાલ સરસી ઉભી રહી ગઈ , એકાદ બે સેકન્ડ તો રાહુલ ના ચહેરા સામે માંડ જોઈ શકી પછી પાંપણ જુકાવી ને ફ્લોર ની ટાઇલ્સ સાથે અંગુઠા થી રમત કરવા લાગેલી ,ડાબા ખભા પર તીરછી નાખેલી ડ્રેસ ની ઓઢણી ના છેડા સાથે તેના હાથ ની આંગળી ઓ એ પણ રમવું શરૂ કરી દીધેલું,

એવું નહોતું કે રાહુલ નહોતો શરમાતો ,પણ અંજલિ ની શરમ જોઈને એને મજા આવી ,આંખ ભરી ને પાતળી છતાં સુડોળ અંજલિ ને મન ભરી ને જોઈ ,દશેક સેકન્ડ ની મૌન બંને વચ્ચે રચાયું

"તમે કેટલું ભણ્યા ?" ખબર હોવા છતાં રાહુલે નિરર્થક સવાલ કરેલો ,કદાચ એમાં અંજલિ નો અવાજ સાંભળવાની લાલચ પણ હતી

"બ,,બાર" અંજલિ માંડ બોલી શકી પછી ઉતાવળે ઉમેર્યું ,"નાપાસ"

એની એ થોથવાહટ પર રાહુલ હંસી પડેલો ,તો અંજલિ એ મ્હોં પર હથેળી દબાવી ને પોતાનું હાસ્ય છુપાવવા નો નિષ્ફ્ળ પ્રયાસ કર્યો ,ફરીથી પાંચેક સેકન્ડ માટે બન્ને વચ્ચે મૌન છવાયું ,પણ એ દરમ્યાન બંને એક બીજાની આંખો માં જોવાનો પ્રયાસ કરતા રહ્યા ,પછી ઓચિતું રાહુલ ને ભાન થયું કે પોતે બે પાંચ મિનિટ વાત કરવાની અનુમતિ લીધેલ છે, ક્યાંક નોવેલ માં વાંચેલું એક વાક્ય યાદ આવતા તેણે હિંમત કરી ને પૂછી જ નાખ્યું

"જો આપણું સગપણ થાય તો તમને કોઈ વાંધો તો નથી ને ?"

આ સવાલ જ નિરર્થક હતો ,જો અંજલિ ને કોઈ વાંધો હોય તો પણ એ રાહુલ ના બદલે પોતાના ઘર આ લોકો ને કહે તે સ્વાભાવિક હતું ,પણ અંજલિ ના મ્હોં પર ધસી આવેલી લાલાશ અને ગાલ પર ના શરમ ના શેરડા ઓ એ રાહુલ ને મનગમતો જવાબ આપી દીધેલો ,આ પ્રશ્ન મજાક માં પુછાયો છે કે ખરેખર રાહુલ પોતાનું મન કળવા માંગે છે તે ખાતરી કરવા અંજલિ એ દ્રષ્ટિ ઉઠાવી ને રાહુલ ની આંખો માં જોયું ,તો એમાં મીઠાસ ની સાથે સહેજ કુતુહલ પણ જોવા મળેલું

રાહુલ ને જવાબ આપવો જરૂરી નથી એ જાણતી હોવા છતાં અનાયાસ જ જ ડોકું હલાવી ને તેણે ના કહી,

રાહુલ ની હ્ર્દય ઉછળી ને જાણે ગળે આવી ગયું ,છતાં સમજ્યો ના હોય તેમ તેણે મસ્તી ભર્યા સ્વરે પ્રશ્ન કર્યો "શું" ?

"ના " અંજલિ ને જાણે કોઈ અજ્ઞાત તત્વ જવાબ આપવા મજબુર કરતુ હોય તેમ તે સહેજ ઊંચા અવાજે બોલી ગઈ પછી સહસા પોતે દાંત નીચે જીભ કચડી નાખી ને મનોમન બોલી "બાપરે અંજલિ બાફી માર્યું ,હવે આ સાહેબ શું નું શું ધારી લેશે "

એ એક શબ્દ માં બધું મેળવી લીધું હોય તેમ રાહુલે સંતોષ થી માથું હલાવ્યું ,બોલી ગયા પછી અંજલિ ને હવે રાહુલ સામે જોવાની ત્રેવડ નહોતી ,ફરીથી બંને મૂંગા થઇ ગયેલા ,

"આ શરમ ની મારી અહીંયા ક્યાંક ઢગલો થઇ ને પડી ના જાય "મનમાં હાસ્ય કરતા રાહુલે વિચાર્યું પછી વાતચીત આટોપવા માંગતો હોય તેમ પૂછ્યું "તમારે કઈ પૂછવું છે"?

પણ એ સખ્તાઈ થી હોઠ બીડી ગયેલી ,જાણે બોલવા જ ના માંગતી હોય ,ખાલી નકાર માં માથું હલાવ્યું

"સારું તો તમે જઈ શકો છો "તે બોલતા તો બોલી ગયો પણ પછી યાદ આવ્યું કે પોતે અંજલિ ના ઘર માં ઉભો છે ,એટલે ઝડપથી ઉમેર્યું "આઈ મીન હું જાઉં ! "

પણ રાહુલ ની ઈચ્છા અત્યારથી જ શિરોમાન્ય હોય તેમ ગભરુ હરણી ની માફક નાસી છૂટવું હોય તેમ તે સડસડાટ ઓરડાની બહાર નીકળી ગયેલી

બે ચાર સેકન્ડ તે સ્તબ્ધ થઇ ને ઉભો રહ્યો ,હાથ માં પકડેલ પુસ્તક પણ એની જગ્યા એ મુકવાનું યાદ ના રહ્યું હજી તે બહાર આવ્યો ત્યાં જ બીજા રૂમ માંથી કાકી બહાર આવ્યા

"કેવું રહ્યું "?આંખો ઉલાળી ને તેમણે ઈશારામાં જ પૂછ્યું

બીજું કોઈ જોઈ ના જાય તે રીતે મરક મરક હંસતા રાહુલે અંગુઠો ઊંચો કરી ને "થમ્બ્સ અપ" ની સંજ્ઞા કરી પોતાની સહમતી જણાવી તે સાથે જ એમના મ્હોં પર આનંદ છવાઈ ગયો

રાહુલ ને અંજલિ તો ગમી જ હતી ,સાથે એ વાત ની પણ ધરપત હતી કે અંજલિ નું ઘર નવી વિચારસરણી ધરાવતું હતું ,પોતાને જોઈતી હતી તેટલી મર્યાદિત છૂટછાટો માં સગપણ પછી વાંધો આવે તેમ નહોતો,તેવું તેને લાગેલું ,

તો પેલી તરફ રસોડામાં માર્બલ ની પાટ ને ટેકો લઇ ને ઉભેલી અંજલિ એ ઊંડો શ્વાસ લીધો ,તેનું હ્ર્દય જોર જોરથી ધબકી રહ્યું હતું ,મુગ્ધાવસ્થા નો આ પહેલો મોકો હતો જયારે પહેલી જ નજર માં તેને કોઈ આટલી હદે ગમ્યું હોય,રસોડામાં કંઈક મુકવા આવેલી માં પણ દીકરી ના મ્હોં પરની રતાશ જોઈને બધું સમજી ગયેલી ,છતાં ફરજ ના ભાગ રૂપે પૂછતી હોય તેમ એના મસ્તક પર હાથ ફેરવી ને હેતાળ અવાજે પૂછી લીધું

જવાબ માં પોતે મરક મરક થતા ચહેરા ને બંને હાથ ની હથેળી માં છુપાવી દીધેલો ,માં એ વ્હાલથી તેને પડખામાં દબાવી

બંને પરિવારે પોતપોતાના સંતાનો ને પૂછી લીધું પછી સગપણ માં ખાલી ઔપચારિકતા બાકી રહેતી હતી ,રાહુલ ના કાકા એ ભાવિ વેવાઈ ને મોટાભાઈ ને ત્યાં આવવાનું નિમંત્રણ આપ્યું ,જેથી આગળ ની વાત નક્કી થઇ શકે ,મનમાં સોનેરી સ્વપ્નો લઇ ને પોતાની ભાવિ વાગ્દત્તા સાથે ચોરી છુપી થી નજરો મેળવી ,જવાબ માં એક શરમાળ સ્મિત મેળવી ને રાહુલ કાર માં બેઠો ત્યારે પોતાનાથી પાંચેક જ મહિના નાની મુગ્ધા ના પ્રેમ માં પટકાઈ ચુક્યો હતો

કાર માં વાગી રહેલ ગીત જાણે બંને જુવાન હૈયા ના મનના શબ્દો નો જ પડઘો પાડતું હતું

"રોજ શામ આતી થી,મગર ઐસી ન થી

રોજ રોજ ઘટા છાતી થી,મગર ઐસી ન થી

યે આજ મેરી જિંદગી મેં કૌન આ ગયા "

(ક્રમશઃ)