Rajputani - 2 in Gujarati Short Stories by Akil Kagda books and stories PDF | રાજપૂતાણી - 2

Featured Books
Categories
Share

રાજપૂતાણી - 2

રાજપૂતાણી – 2

અને રવિવારે અમે સપરિવાર સલીમને ઘેર જમવા ગયા. સૂમીએ ઘેર બનાવેલ બધું ફરસાણ ડબ્બામાંથી કાઢીને પેક કરીને લીધું, અથાણાની ચાર બરણીઓ લીધી અને બજારથી અમે મીઠાઈ લઈને તેને ઘેર ગયા.

સૂમીએ ઘેરથી નીકળતા પહેલા જ મને ચેતવ્યો હતો, તેને ડર હતો કે ક્યાંક હું સલીમની માનું અપમાન ના કરી બેસું, કે તેમની સાથે તોછડાઈથી ના વર્તુ. તે મારો હાથ પકડીને પ્યારથી બોલી હતી "મગજ ગરમ ના કરતો, લવ તો લવ હોય છે, એમાં પછી જાત-પાત જોવાતી નથી. આપણી જ વાત કર ને..આપણે કોઈની પરવા કરી હતી?"

"લવ વસ્તુ જ અલગ છે, અને લવનું નાટક કરીને કોઈ ભોળી છોકરીને ફસાવવી તે અલગ છે, જોકે તું ધારે છે એટલો હું ખરાબ નથી."

"નથી જ ખરાબ.. એટલે તો હું ઘેરથી તારી સાથે ભાગી આવી હતી, પણ અમુક સમયે તું..ખૈર, છોડ.."

સુમી અને છોકરાઓ આવા લત્તામાં પહેલીવાર આવતા હતા. ગરીબ વસાહત હતી, મોટેભાગે ઝુંપડા અને અમુક જુના એક માળના મકાનો હતા. ગાડી ગલીમાં જઈ શકે તેમ નહોતી. બધા અમને જ જોઈ રહ્યા હતા, અજાણતા જ મારો શ્વાસ અંદર ખેંચાયો ને છાતી ફૂલી. હું નંગા-પુંગા શેરીમાં રમતા બાળકો સામે તુચ્છકારથી જોયું, ને આગળ ચાલ્યો. પાણીના ખાબોચિયા બચાવતા અમે સલીમને ઘેર પહોંચ્યા.

મેં સલીમની માં માટે આધેડ વયની અને ગ્રે કલરના વાળવાળી સ્ત્રીની કલ્પના કરી હતી, પણ સલીમની માં કૃષ્ણાબા માંડ પાંત્રીસની હશે. કૃષ્ણાબા ગોળ ચહેરાવાળી, ગોરી અને સુંદર કહી શકાય તેવી હતી. તેની આંખ પણ સલીમ જેવી જ ભૂરી હતી. તેણે સાડી પહેરી હતી અને ઊંચો અંબોડો બાંધ્યો હતો. તેના કાન, ગળા કે હાથમાં કશું પહેરેલું નહોતું. ઘરમાં પણ ચારે તરફ ગરીબી ડોકિયાં કરી રહી હતી. આઠ-આઠ બાળકો અને એકલી સ્ત્રી.... ગરીબી ના હોય તો જ નવાઈ....

કૃષ્ણાબાની સાડી સફેદ હતી ને ઘસાઈ ઘસાઈને પીળી પડી ગઈ હતી કે પીળી જ હતી ને ઘસાઈ-ઘસાઈને ઝાંખી પડી ગઈ હતી તે સમજવું ખુબ અઘરું હતું. ગમેતેમ, ઘર સ્વચ્છ હતું, ઘર એટલે એક જ મોટો ઓરડો.. બેડરૂમ, લિવિંગરૂમ, જે કહો તે...સામે નાનકડું કિચન, તેની એક બાજુ પાણીની ચોકડી, અને ટોયલેટ હતા.

ઘરમાં ન જેવું રાચરચીલું હતું. ભીંતને અડીને પાતળી-ઘસાયેલી ચાદર પાથરેલી હતી, તેના પર અમને બેસાડ્યા. કોકાકોલા ના પ્લાસ્ટિકના લાલ કેરેટ ઉપર પોર્ટેબલ ટીવી મૂકેલું હતું, અડધાથી વધારે ઓરડાની ઉપર લોખંડની એંગલો અને તેના પર પાટિયા ગોઠવીને માળિયું બાંધેલું હતું, અને એક લોઢાની સીડી લટકતી હતી. છત અને માળીયા વચ્ચે ફક્ત બેસી શકાય તેટલી જ જગ્યા હતી. હું જોતા જ સમજી ગયો કે થોડા બાળકો ઉપર અને થોડા નીચે સુતા હશે.

કૃષ્ણાબા અને સલીમે અમને ખુબ જ આદર અને પ્રેમ પૂર્વક આવકાર્યા. અને આગ્રહ કરી કરીને જમાડ્યું. ખરેખર તેમના પ્રેમથી અમે ગદ ગદ થઇ ગયા, અને અમને અને છોકરાઓને પણ ખુબ જ મજા આવી. બધા બાળકો પણ વિવેકી અને સંસ્કારી હતા. તેમાં પાંચ છોકરીઓ અને ત્રણ છોકરા હતા, સલીમ સૌથી મોટો 20 નો અને બાકીના 13-14 ની આસ-પાસના હતા, તેમાંથી ત્રણ ના નામ મુસ્લિમ હતા. હવે અમારી જિજ્ઞાસા ચરમ પર હતી. કૃષ્ણાબા અને સલીમે જમ્યા પછી બધા બાળકોને ઉપર માળીયા પર મોકલી દીધા. હવે હું અને સુમી તેમની સાથે વાતો કરવા અને બધું જાણવા તલપાપડ થઇ રહ્યા હતા. તે પલાંઠી વાળીને અમારી સામે બેઠા હતા, અમે ભીંતને ટેકે બેઠા હતા. સલીમ તેમના ખોળામાં માથું રાખીને સૂતો હતો, ને કૃષ્ણાબા તેના માથે વાળમાં હાથ ફેરવતા સુમી સાથે આડી-અવળી વાતો કરી રહ્યા હતા.

હું તેમને ખોટું ના લાગે તેમ શબ્દો ગોઠવીને બોલ્યો ''કૃષ્ણાબા, તમે માં, અને તમારા બાળકો, એમાં ત્રણ મુસ્લિમ.. અમને કઈ સમજાતું નથી, જો તમને વાંધો ના હોય તો અમારે જાણવું છે.'' અને મેં સુમી સામે જોયું, સુમી પણ તરત બોલી ''હા, સાચું કહીએ તો અમે એટલે જ આવ્યા છે.''

કૃષ્ણાબાના મોં પર સ્મિત આવ્યું, મને લાગ્યું કે તે સંતોષથી છલોછલ હતું. અમે તેમના બોલવાની રાહ જોતા હતા. થોડીવારે તે બોલ્યા ''આ બધા બાળકો અનાથ છે, અને હું NGO ની પગારદાર નોકર છું.''

''શું? એટલે? આ અનાથ આશ્રમ છે?''

''હા હતું, પણ હવે નહિ, હવે આ અમારું ઘર છે, અને આ બધા મારા પોતાના સંતાન છે.''

''જરા બરાબર સમજાવો...'' સુમી મોં ખોલીને અને આંખો ફાડીને તેમને તાકી રહી હતી.

"આ નવો કોંન્સેપ્ટ છે" કૃષ્ણાબા બોલ્યા "અનાથાશ્રમમાં ઘણા બધા બાળકો હોય, દરેકને સમય પર જમવાનું તેમજ દરેક જરૂરિયાતની વસ્તુઓ મળી રહે છે.પણ પ્યાર-મમતા કોને કહેવાય તેનો અનાથ બાળકોને અનુભવ જ ના થાય.. માં નો ખોળો કેવો હોય? માં ગળે લગાડે ત્યારે કેવો અનુભવ થાય? માં નવડાવે, માં પાછળ દોડી દોડીને જમાડે... માં બચીઓ ભરે, માથે હાથ ફેરવે કે માં ની સોડમાં ભરાઈને સૂવાથી કેવો સ્વર્ગીય આનંદ અને સુરક્ષિતતા અનુભવાય, ઘર કોને કહેવાય? પરિવાર શું હોય છે? વગેરે તેઓની સમજ બહાર જ હોય છે. અને મોટા થયે પણ તેઓ મોટેભાગે લાગણીશૂન્ય જ રહે છે. અને એટલે N.G.O. એ અનાથ બાળકો આ બધાથી વંચિત ના રહે તે માટે આ નવો પ્રયોગ કર્યો હતો. એક ઘર, એક પગારદાર માં અને અનાથ બાળકો.. બધી સગવડ અને વસ્તુઓ N.G.O. પુરી પાડે છે.''

કૃષ્ણાબા થોડીવાર અટક્યા, અને ફરી બોલ્યા "મેં પણ આ નોકરી લીધી. અમને આ ઘર ભાડે લઇ આપ્યું અને હું થોડા દિવસ અનાથાશ્રમમાં બાળકો સાથે રહી, જેથી તેઓ મને ઓળખી શકે, અને હું પણ બાળકોને સાચવવાની પ્રાથમિક વસ્તુઓથી પરિચિત થાઉં. પછી મને કોઈપણ પાંચ બાળકોને લઇ જવા કહ્યું. મેં પાંચ બાળકો પસંદ કરી લીધા, પણ બાકીના ચાર માંથી એક છોકરી મારા પગે વળગી ને રડવા લાગી. ત્યાં કામ કરતા માણસે તે બાળકીને ઘસડીને મારા પગથી છૂટી કરી, મેં તેને તમાચો મારી દીધો ને બાળકીને તેની પાસેથી ઊંચકી લીધી. બાકીના બાળકોના પણ માસુમ, ગરીબડા ચહેરા અને આંખમાં આંસુ હું જોઈ ના શકી, અને હું બધા જ નવે નવ બાળકોને લઇ આવી.મને ઘણું સમજાવવામાં આવી કે એકલે હાથે નવ બાળકો નહિ સચવાય, પણ હું માની નહિ. છેલ્લે મને એમ પણ કહેવામાં આવ્યું કે પગાર વધારે મળશે નહિ, જેટલો નક્કી કર્યો છે, તે જ મળશે. મેં કહ્યું કે પૂરતો છે."

હું અને સુમી આંખો ફાડીને તેમને તાકી રહ્યા હતા ને તેમને સાંભળી રહ્યા હતા. તેમની સીધી-સાદી, સરળ ભાષા અને વાતોમાં અમને એક મહાન સ્ત્રીના દર્શન થતા હતા. તેઓ આગળ બોલ્યા "અને અને બે મહિનામાં તો મને બાળકો સાથે અને બાળકોને મારી સાથે એટલી માયા ને મમતા બંધાઈ ગઈ કે બે મહિના પછી મેં પગાર લેવાનો બંધ કર્યો, પોતાના જ સંતાનોને પ્યાર કરવાનો અને સાચવવાનો પગાર લેવાય?

અને છેલ્લા ત્રણ વરસથી તો અમે આ ઘરનું ભાડું પણ NGO થી લેતા નથી. મોટાભાગનો ખર્ચ હું કામ કરીને અને આ મારો દીકરો કોલેજ પછી છુટ્ટુ કામ કરીને જ કાઢી લઈએ છીએ. છુટ્ટુ કામ એટલે મહેનત, મજૂરી જ સમજો ને... મારો જીવ બળતો ને તેની સાથે ઝઘડતી પણ ખરી, પણ તે માનતો જ નહિ. પણ જ્યારથી તમે નોકરીએ રાખ્યો છે, ત્યારથી મને સલીમની જરાય ચિંતા નથી. તે તમારા બંનેના વખાણ કરતા થાકતો નથી. અને બીજું કે અમને એક બાંધી આવક તો મળશે જ તેવા ભરોસાને કારણે અમને ઘણી રાહત રહે છે. આ મારા દીકરાને પ્રોફેસર બનવું છે, બસ તે ભણી લે એટલી જ વાર છે, પછી અમે દીકરીઓની શાદી પણ કરીશું."

મારા ગળામાં કશો ડૂચો ફસાયેલો હોય તેવું મને લાગ્યું. સુમી કૃષ્ણાબાને તાકી રહી હતી, સુમીની આંખો ભીની હતી, સુમીની આંખ ત્યારે પણ ભીની થઇ હતી, અને તેણે મને જડ, લાગણી વગરનો અને પથ્થરદિલ કહ્યો હતો ને મારી સાથે ત્રણ દિવસ બરાબર બોલી પણ નહોતી, જયારે મેં સલીમના પગારમાંથી 250 રૂપિયા ત્રણ કાચના ગ્લાસ ફોડી નાખવા માટે કાપી લીધા હતા.

કાચના ત્રણ ગ્લાસ મારી સુમીના આંસુ કરતા કિંમતી નહોતા, સુમી માટે હું કઈ પણ કરી શકું, પણ તે દિવસે જાણે કેમ હું તેના આંસુ સામે પણ મક્કમ રહ્યો હતો, ને કહ્યું હતું "મારી વાતમાં બોલીશ નહિ, આવા નાના લોકોને કઈ રીતે ટ્રીટ કરવા તે હું સારી રીતે જાણું છું."

“નાના ” લોકો….?? આજે હું આ "નાના" લોકોની સામે વામણો લાગી રહ્યો હતો. મને હીનભાવ થવા લાગ્યો..મારાથી ક્યાંક રડી ના પડાય, એટલે હું પાણી પીવાના બહાને ઉભો થઇ ગયો. ક્યાં હું દંભ અને મોટી મોટી વાતોની, સમાજ સુધારણાની, જાત-પાત ના પૂર્વગ્રહોની વાતોમાં રચ્યો-પચ્યો રહેનાર અને ક્યાં આ કૃષ્ણાબા જેવા વ્યક્તિઓ... ચુપચાપ કામ કરી નાખનાર, સંસ્કારી અને મજબૂત ભવિષ્યનો પાયો નાખનાર...

કૃષ્ણાબા એ ખરેખર ક્ષત્રિય ધર્મ નિભાવ્યો હતો, એક વીરાંગનાને છાજે તે રીતે પોતાની જુવાની હોમીને ખુબ જ અઘરા મોરચે લાકડાની તલવારથી લડી બતાવ્યું હતું, એટલું જ નહિ, જીતી પણ બતાવ્યું હતું. પોતાના અરમાનો, ઈચ્છાઓ મારીને પુરી જવાની અનાથ બાળકો માટે ઘસી નાખવી... સાલા કેવા કેવા લોકો હોય છે.....

સુમી ભાવવિભોર થઈને ઉભી થઇ, અને બોલી "કૃષ્ણાબા, મને સાચે જ તમારા પગે લાગવું છે."

તે સાંભળીને સલીમ માં ના ખોળામાંથી ઊંચો થઈને બોલ્યો "સુમીબેન થોભો, પહેલા પુરી વાત સાંભળી લો, વાત સાંભળ્યા પછી ક્યાંક તમને પગે લાગવાનો પસ્તાવો ના થાય..."

"એટલે?"

"કશું નહિ, હું તો બસ...મજાક કરું છું."

પાણી પીને હું થોડો સ્વસ્થ થયો હતો. ફરી કૃષ્ણાબાની સામે આવીને બેઠો, ને પૂછ્યું "કૃષ્ણાબા, તમને NGO વાળા ક્યાં મળ્યા હતા? ને કેવી રીતે બધું ગોઠવાયું? ને તમે કેમ આ નોકરી કરવા તૈયાર થયા?''

''જેલમાં મને મળવા આવ્યા હતા''

''જેલમાં?'' અમે બંને અચંબાથી તેમને તાકી રહ્યા હતા.

''હા, હું ત્રણ વરસ જેલમાં હતી, મેં ખૂન કર્યું છે.''

અમને બંનેને શોક લાગ્યો, સલીમ હસતા હસતા બોલ્યો ''જોયું સુમીબેન? હવે તમને થાય છે ને કે પગે ના લગતી તો સારું...''

મેં બોલ્યો '' મારુ તમારા પ્રત્યેનું માન જરાય ઓછું થયું નથી, તમારા જેવી કરુણાની મૂર્તિ એમ ને એમ કોઈ નું ખૂન કરે નહિ, જરા ડિટેલમાં કહો.''

કૃષ્ણાબા કશું બોલતા નહોતા, તે છત સામે તાકી રહ્યા હતા, અને અચાનક છત પર તેમનો ભૂતકાળ છપાયો હોય, ને તેને વાંચતા હોય તેમ છત તરફ તાકીને બોલ્યા –

''અઢાર વર્ષ ની હતી ને મારા લગન થઇ ગયા, અને ઓગણીશ પણ પુરા નહોતા કર્યા ને વિધવા પણ થઇ ગઈ. એક્સીડેન્ટમાં મારા પતિ માર્યા ગયા. તેમના મોત પછી પણ હું સાસરીમાં જ રહેતી હતી. અમારો બહોળો અને સંયુક્ત પરિવાર હતો. ત્રણ જેઠ, જેઠાણીઓ, ભત્રીજાઓ, ભત્રીજીઓ, સાસુ, બધા જ...

બધા મને ખુબ સારી રીતે અને દીકરીની જેમ જ રાખતા હતા,. અમારી વાડી અને ખેતરો હતા, ટૂંકમાં અમે સુખી-સંપન્ન હતા. હું ખુબ ખુશ હતી. મને મારી 15 વરસ ની ભત્રીજી એટલે કે મારા જેઠની દીકરી સાથે મારે ખુબ બનતું, અમે કાકી-ભત્રીજી નહિ પણ સહેલીઓ હતી. અમે ખુબ વાતો કરતા, ફરતા અને ધીંગા-મસ્તી કરતા. ઘણીવાર અમે બપોર પછી અમારી વાડીએ જઈને બેસતા, ત્યાં ફરતા અને ઝુંપડા જેવા ફાર્મ-હાઉસમાં વાતો કરતા અને મોડી સાંજે પાછા ફરતા.

તે દિવસે પણ મારી ભત્રીજી મારી પાસે આવીને બોલી "ચાલને કાકી, વાડીએ જઈએ...પણ મારે થોડું કામ બાકી હતું, એટલે મોડે જવાનું કહ્યું, પણ તે છણકો કરીને બોલી કે "તું ના આવ, હું તો જાઉં છું. મેં પણ કહ્યું કે હા, તું જા, કામ પતે એટલે હું પણ તારી પાછળ જ આવું છું."

કામ પતાવીને હું એકલી વાડીએ આવી. અમારો બુઢ્ઢો માળી કમ ચોકીદાર નહોતો. મારા કોઈ જેઠ પણ જોવાયા નહિ, જો કે તે લોકો તો કોઈક જ વાર અને કામ પૂરતા જ આવીને જતા રહે છે. તેઓ મોટેભાગે ખેતરે જ રહે છે. મારી ભત્રીજી પણ દેખાઈ નહિ, જરૂર તે ફાર્મ હાઉસમાં વાંચતી હશે. તેને અચાનક અવાજ કરીને ડરાવી દેવા માટે હું દબાતે પગલે ફાર્મ હાઉસના દરવાજે પહોંચી, ને ઝડપથી ધક્કો મારીને બારણું ખોલી નાખ્યું...હું સહેજ મોડી પડી હતી...

અંદર જોયું તો મારી ભત્રીજી જમીન પણ ટૂંટિયું વાળીને પડી હતી, તેના વાળ પીંખાયેલા અને મોં ને હાથ પર ઉઝરડા પડ્યા હતા, અને તેનો ઘાઘરો ઊંચે ચઢેલો હતો, ને, ને તે પાટલુન ચડાવી રહ્યો હતો....

ઘડીના છઠ્ઠા ભાગમાં હું સમજી ગઈ કે શું બન્યું છે. પેલો કશું વિચારે કે કશી હરકત કરે તે પહેલા હું એ વીજળીની ઝડપે બારણાં પાછળ મુકેલો પાણી વાળવાનો પાવડો ઉઠાવ્યો ને તેની ઉપર ખાબકી... પાટલુન હજુ પહેરાયું નહોતું, તેના પગ અટવાયા ને તે નીચે પડ્યો. મેં બે હાથે પાવડો ઊંચો કર્યો ને મારામાં હતી એટલી તાકાતથી ઝીંકી દીધો...પાવડાની લોઢાની જાડી પ્લેટ તેની ગરદન અને ખભાની વચ્ચે અડધા કરતા વધારે ઘુસી ગઈ... પાવડો પાછો ખેંચ્યો તો તેનું માથું ધડ પર ફક્ત ચામડીને સહારે લબડી રહ્યું હતું. લોહીનો ફુવારો ઉડ્યો, તેના ગરમ અને ગંદા લોહી થી હું રંગાઈ ગઈ. પહેલા જ ઘા માં તે ઉંહકારો પણ કર્યા વગર મરી ચુક્યો હતો, પણ હું રોકાઈ નહિ, તેનું પેટ ફાડીને આંતરડા બહાર ના લબડી પડ્યા ત્યાં સુધી હું મારતી રહી."

કૃષ્ણાબાનો ચહેરો પસીનાથી નીતરી રહ્યો હતો. જાણે હમણાં જ તે નરાધમને મારી રહ્યા હોય તેમ તેમની આંખો પથ્થર જેવી થઇ ગઈ હતી. સલીમ ઉઠીને પાણી લાવ્યો, થોડીવારે તે સામાન્ય થયા.

''પછી??''

પણ તે કશું બોલ્યા નહિ, ને સામે દીવાલ પર તાકી રહ્યા.

સલીમ બોલ્યો, ''પછી કશું નહિ, ભત્રીજી હજુ પંદર વરસની જ હતી ને શિયળ ગુમાવી ચુકી હતી. બદનામી, તે સમયનો સમાજ... આ કલંક સાથે જીવાશે? સમાજ જીવવા દેશે? કોણ લગન કરશે? એવું બધું વિચારીને માં એ તેને આખા પિક્ચરમાંથી જ હટાવી દીધી. તે જાણે ત્યાં હાજર જ નહોતી... અને નરાધમે પોતાના પર બળાત્કારની કોશિશ કરી હતી, એટલે મારી નાખ્યો, એવું બતાવવામાં આવ્યું... તો પણ માં ને ત્રણ વરસની જેલ થઇ.

સમાપ્ત.