Ajnabi in Gujarati Short Stories by Prafull shah books and stories PDF | અજનબી

Featured Books
Categories
Share

અજનબી

અજનબી

પ્રફુલ્લ આર શાહ

વાચક રાજ્જા, તમે કલ્પના કરો કે તમે મસ્ત મજાની તમારી મનગમતી હોટલમાં બેઠા છો.હોટલનું ઈન્ટીરીયર તનમનને હરી લેતું હોય,ચાંદનીના ઉજાશ જેવો પ્રકાશ, સુમધુર આહ્ લાદક સંગીત ઝરણાંની જેમ વહેતું હોય, પવનની લહેરની જેમ વેઈટરો મીઠું મધુરું ઝાકળ શું સ્મિત લઈને ટહેલતા હોય અને કસ્ટમરો ખુશીખુશીથી પૂછતાછ કરતાં હોય..

બસ આવું જ વાતાવરણ હોટલ મધુવનનું હતું. વચ્ચેનાં એક ટેબલ પર ત્રીસ વરસનો દેખાવડો યુવાન બેઠો હતો.વાઈટ એન્ડ બ્લેક શર્ટ પેન્ટનું કોમ્બીનેશન, ડાબા હાથનાં કાંડામાં સોનેરી ધડિયાળ એનાં વ્યક્તિત્વને ખીલવતું હતું. જમણા હાથ તરફ બ્રાઉન રંગની ફાઈલ, ફાઈલ ઉપર ફુલ સ્કેપ કાગળો હતાં. તે મહાશયનું નામ ઓવીન્દો હતું. ઊંડા વિચારોમાં હતો, કશુંક લખે, લીટા પાડે, કાગળનો ડૂચો કરી ડાબા હાથની પાસે પડેલી પ્લાસ્ટીકની થેલીમાં ભરતો. કંટાળાના ભાવ મોં પર ઉપસી આવતાં. વેઈટરે આવી લેમનજ્યુસ મૂક્યો.સલામ કરી ચાલતી પકડી! કાનમાં ઈયર ફોન લગાવી જમણા હાથની આંગળી ટેબલ પર રમાડવા લાગ્યો.ગીતની ધૂન પર ડાળીએ લટકતાં પાંદડાંની જેમ મંદ મંદ ગતિએ ઝૂલતો હતો કોઈને ખબર ના પડે તેમ!

બરાબર એની સામેનાં ટેબલ પર બેઠેલી આકર્ષક યુવતી શાલીની એને કુતૂહલતાથી જોયા કરતી હતી.વારેઘડીએ રમકડાં જેવો આયનો એનાં પાકીટમાંથી બહાર કાઢી પોતાનો મેકઅપ જોયા કરતી હતી. બેચેન નજર આસપાસ ફર્યા કરતી હતી. મોટાભાગનાં ટેબલ પર વેઈટરોની અવરજવર, કૌટુંબિક વાતો અને હાસ્યની છોળ ઉડતી હતી. પેલી યુવતી ઊભી થઈ ,સામેનાં ટેબલ પર હસતાં હસતાં બેઠક લેતાં પૂછ્યું, " હું અહીં બેસી શકું છું? મારું નામ શાલીની".

" મેડમ, બેઠાં પછી પરમીશન માંગો છો અને ના પાડીને તમારું અપમાન કરવું શોભાસ્પદ તો ના કહેવાય ને! "

" થેંક્સ, તમારા જેવા સમજદાર, સજ્જન વ્યક્તિ માટે."

મૌનની છવાઈ ગયેલી આભામાં બંને જણનાં નાજુક મુખડે સ્મિતની પાતળી રેખા વીજળીનાં ચમકારાની જેમ ચમકી અલોપ થઈ ગઈ.

" તમારી પાસે બેસવાનું કારણ એ જ કે તમે કદાચ ચિત્રકાર છો એવું મારું માનવું છે. એમ આઈ રાઈટ મિસ્ટર?" ઓવીન્દો" હસતાં હસતાં તેણે શાલીનીની મૂંઝવણ દૂર કરી.

" હા, તો મિસ્ટર ઓવીન્દો , તમે ક્યારનાં કાગળ પર કશુંક લખતા કે લીટા પાડતાં હતાં કે ચિતરતા હતા, જે હોય તે, પછી માઈલ્ડ ગુસ્સાથી કાગળનો ડુચો જે રીતે કરતાં તે જોઈ મારું નાજુક હૈયું લોહીલુહાણ થઈ જતું!"

" હું ના ચિત્રકાર છું, ના કવિ કે લેખક. જે તમે સમજો છો તે હું નથી. ધીસ ઈઝ જસ્ટ ફોર યોર ઈન્ફોરમેશન . એટલે તમારો ભારેખમ મેકઅપ વાળો ચહેરો ચિતરવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. આઈ હોપ યોર કનફ્યુઝન ઈઝ ક્લીયર્ડ ".

" થેંક્સ.મને લાગે છે કે હું અહીં બેઠી છું તે તમને ગમ્યું નથી. કદાચ તમે કોઈની રાહ જોઈ રહ્યાં છો."

" ફરી વાર તમારી ધારણાં ખોટી પડી છે."

" એટલે મારી કંપની તમને ગમી છે કેમ ખરું ને?"

" મેડમ, તમે બે પ્રશ્નો પૂછ્યાં હતાં. જવાબ એકનો આપ્યો છે."

" એટલે.."

વચ્ચેથી તેને કહ્યું, " મેડમ, હું કોઈની રાહ જોતો બેઠો નથી."

" શાલીની કહેશો તો હું શરમાઈ નહીં જાઉં"

" તમારું વ્યક્તિત્વ તમારી ઓળખ છે. તમે સામે વાળાને શરમાવી નાખો એ તો ચોક્કસ છે."

" આ કોમેન્ટ છે કે કોમ્પલીમેંટ ?"

"દરેક સવાલના જવાબ હું નથી આપતો."

" પણ હું આપું છું ."

" એ તમારી આઈડેન્ટીટી છે.." શાલીની ઉલઝનમાં મુસ્કુરાતી એને જોઈ રહી હતી.મનોમન વિચારતી હતી કે અહીં તો એક ગ્લાસ બિસલેરીનો પણ નહીં મળે.સાવ થીજી ગયેલા બરફ જેવો છે. આની જગ્યાએ બીજો કોક હોત તો એકાદ બોટલ બીયરની પેટમાં ઝોલાં ખાતી હોત.

" તમે એકલા આવ્યા છો કે ..."

વચ્ચેથી હસતાં હસતાં શાલીનીએ કહ્યું કે એકલા એકલા હરવુંફરવું અને કોઈ કંપની ગોતવી અને ડીનર કે લંચ પેલાના જોખમે કરી છૂટાં પડવું."

" વાહ! આ શોખ છે કે પ્રોફેશન"

" હોટલમાં લંચ,ડીનર લેવું શોખ હતો. પણ હેન્ડસમ મને જોઈ ભમરાની જેમ ઈશારા કરતાં હોય તો લાભ કોણ છોડે?"

" સરસ"

" શરૂઆતમાં તેઓ પતાવતાં મને, હવે હું પતાવું છું. નજર ફેરવો, કોકને કોક તમને દેખાશે!"

" વેરી સ્માર્ટ. આ રીલેશનશીપની દોર ક્યાં સુધી લંબાય ?"

" મને ખાત્રી હતી તમે આવું પૂછવાનાં! ફોર યોર ઈન્ફોરમેશન ., અપ ટુ મેન્ટલી. નો ફીજીકલી"

" સરપ્રાઈઝલી! નવું સાંભળ્યું! "

" સર, મુંબઈ શહેરમાં ગામ,ફેમિલી છોડીને વસનારાની સંખ્યા નાની નથી. આવી એકલદોકલ વ્યક્તિ ને માનસિક મનોરંજન અમે શબ્દો દ્રારા પૂરું પાડીએ છીએ.પ્યોર વેજ !" શાલીનીએ ભાવુકતા સાથે કહ્યું. " ચાલો ત્યારે તમારી રજા લઉં છું . "

" બોર થયા હશો."

" બિલકુલ નહીં. મારે મારું સામ્રાજ્ય છે. એ ચલાવા માટે હું સ્પષ્ટ છું. મને ના ગમે તો ના કહેવામાં વાર નથી લાગતી." કહી તે ઊભો થયો . શાલીની એને જતો જોઈ રહી. એની જમણી બાજુ એક કેબીન હતી. તે તેમાં પ્રવેશ્યો.

તે સમજી ના શકી કે આ મહાશય કોણ હતું. પોતાની જાતને ટોકી રહી હતી ખોટી પસંદગી કરવા બદલ! થોડીવારે એનાઉન્સમેન્ટ થયું કે કોમ્પ્લીમેન્ટ જ્યુસ કાઉંટર ચાર પર સર્વ થઈ રહ્યું છે. એકપછી એક સૌ કોઈ તે તરફ જવા લાગ્યા. શાલીની પણ ઊભી થઈ તે તરફ ગઈ. તેની નજર કેબિન તરફ ગઈ. કેબિનમાં ઓવીન્દો ફાઈલો ચેક કરી રહ્યો હતો. જ્યુસનો ગ્લાસ લઈ તે ટેબલ પર બેઠી. સ્ટ્રો લઈ જ્યુસ હલાવતી રહી. ધીમે ધીમે ડીમ લાઈટ રૂપસુંદરીની જેમ છવાઈ ગઈ. ફ્લોર પર સુરીલાસૂરમાં સૂર પાણીનાં પરપોટાની જેમ તરવા લાગ્યાં. શાલીની ઊભી થઈ ફ્લોર તરફ સરકી. એને પણ ડાન્સ કરવાની તીવ્ર ઈચ્છા થઈ આવી.પણ લાચાર હતી કંપની વગર. એક બાજુ ઊભી રહીને મજા લઈ રહી હતી.

કેબિનમાંથી ઓવીન્દો બહાર નીકળ્યો. એની આજુબાજુ ચારપાંચ જણનું ટોળું હતું. સૌ એને સલામ કરી રહ્યાં હતાં. અચાનક એની નજર શાલીની તરફ પડી. તે તે તરફ ગયો.

" ગુડ આફ્ટરનુન મેડમ. તમારી કંપનીને કારણ મારો ખોવાઈ ગયેલો મૂડ પાછો આવ્યો.આજનું લંચ મારા તરફથી તમને કોમ્પ્લીમેન્ટરી . માફ કરજો,જરુરી કામને લીધે તમને કંપની નહીં આપી શકું. મિસ્ટર સ્ટીફન, શાલીની મેડમ આપણાં મહેમાન છે. પ્લીઝ ટેક કેર."

કહેતાં ઓવીન્દો ઝડપથી નીકળી ગયો. શાલીનીને જાણવા મળ્યું કે ઓવીન્દો આ હોટલનો માલિક હતો.

સમાપ્ત