રોબોટ્સ એટેક
ચેપ્ટર 8
મોક્ષની નગરીમાં
ઘણા દિવસોના પ્રવાસ પછી તેઓ તેમના ગંતવ્ય સ્થાને પહોંચ્યા હતા.આખા રસ્તે તેઓ રોબોટથી છુપાઇને ક્યારેક અલગ અલગ ગ્રુપ બનાવીને તો ક્યારેક એકસાથે ભેગા મળીને આ જગ્યા સુધી પહોચ્યા હતા.સાવ એવુ ન હતુ કે તેમને કોઇ જ મુસીબતોનો સામનો કરવો પડ્યો ન હતો.ક્યારેક ખોરાકની તંગી તો ક્યારેક પાણીની સમસ્યા તો ક્યારેક કોઇક વિસ્તારના હવામાનને લીધે કેટલાય લોકોની બિમારી.પણ છતાં પણ તેઓ બધા જ એ જગ્યાએ પહોંચી ગયા હતા,તે પણ સહી સલામત.જ્યારે સમગ્ર દુનિયામાં રોબોટ્સના ડંકા વાગી રહ્યા હતા ત્યારે દોઢ મહિનાની મુસાફરીમાં તેમને એક પણ રોબોટ મળ્યો ન હતો. જે કોઇ ચમત્કારથી કમ ન હતુ.પણ જ્યારે તેઓ આ જગ્યાએ પહોચ્યા ત્યારે તે જગ્યા એવી પરિસ્થિતીમાં ન હતી જેવી તે પહેલા હતી.એક સમયે જેને મોક્ષની નગરી કહેવામાં આવતી હતી તે સુંદર કાશી આજે એકદમ ઉજ્જળ અને વેરાન બની ગઇ હતી.તેની સુંદરતાને જાણે કોઇની નજર લાગી ગઇ હતી.તેમના અહિંયા પહોંચ્યા પહેલા રોબોટ્સ અહીં આવી ચુકયા હતા.જ્યારે ભગવાન શિવની આ નગરીના લોકોએ રોબોટ્સની ગુલામી કરવાનો ઇંકાર કર્યો,ત્યારે તે શેતાનો અહિંયા વિનાશ વેરીને ચાલ્યા ગયા હતા.કેટલાક લોકો જે આ વિનાશમાં બચી ગયા હતા તેમના પાસેથી તેમને આ બધી વાત જાણવા મળી.આખા શહેરમાં ફક્ત એક કાશી વિશ્વનાથનુ મંદીર એમ જ અડગ ઉભુ હતુ.જે સમગ્ર દેશના લોકોની આસ્થાનુ પ્રતિક હતુ.
તેમને એમ હતુ કે આ જગ્યામાં થોડા ફેરફારો કરીને તેને સુરક્ષાની દ્રષ્ટીએ સુરક્ષીત બનાવીને અહિંયા જ રહીશુ પણ અહિંયા તો હવે બધુ જ નિર્માણ નવેશરથી કરવુ પડે તેવી પરિસ્થિતી આવી ગઇ હતી.પણ લાબુ વિચારતા મેજરને લાગ્યુ કે આ જગ્યાએ રોબોટ આવીને વિનાશ વેરીને ચાલ્યા ગયા છે.તેથી તે હવે ફરીથી આ જગ્યાએ ક્યારેય નહી આવે.તેથી અત્યારે તેમના માટે આજ સૌથી સુરક્ષીત જગ્યા હતી.વળી ભગવાન શિવનુ મંદીર એમ જ અડગ ઉભુ હતુ.તેને તેમની શ્રદ્ધામાં વધારો કરી દીધો હતો.બસ હવે તેમને મિ.સ્મિથને આ જગ્યાને પુરી રીતે સુરક્ષીત બનાવવા માટે મદદ કરવા માટે અને થોડો વધારે ખર્ચ કરવા માટે મનાવવાના હતા.પણ તેમને પુરો વિશ્વાસ હતો કે તેમનુ કામ જરુર થઇ જશે.કારણ કે અત્યાર સુધી ભલે યુદ્ધમાં કે તેની પહેલા નસીબે તેમનો સાથ આપ્યો ન હતો.પણ હવે નસીબ અને ભગવાન બન્ને તેમની સાથે હતા.તેઓ અત્યારે ભગવાન શિવની સૌથી પ્રિય જગ્યામાં હતા.કદાચ ડૉ.વિષ્નુની ભગવાન શિવ પ્રત્યેની અપાર શ્રદ્ધાને લીધે જ તેઓએ આ જગ્યા પસંદ કરી હશે.આજે તેઓને નિયતીએ યોગ્ય સમય પર જ અહિંયા પહોંચાડીને તેનો પુરાવો આપ્યો હતો.
હવે મેજર માટે આગળનુ કામ ખુબ જ મુશ્કેલ હતુ.લોકોને અહિંયા સુધી તો તેમને લાવી દીધા હતા અને તે કામ તો તેમના માટે આસાન હતુ,કારણકે આખી જીંદગી તેમને મિલીટરીમાં વિતાવી હતી.તેથી દુશ્મનથી બચવાની દરેક સ્ટ્રેટર્જી બનાવવામાં તો તેઓ ઉસ્તાદ હતા.પણ અહિંયા પહોંચીને તેમને જોયુ કે અહિંયા તો બધુ જ નિર્માણ નવેસરથી કરવુ પડે તેમ છે અને તેમાં તેમનુ દિમાગ પણ કામ કરી રહ્યુ ન હતુ કારણ કે આ જગ્યાને સુરક્ષીત બનાવવાની હતી પણ એ માટે શુ કરવુ? તેનો તેમને કોઇ જ આઇડિયા નહોતો આવી રહ્યો. મનમાં જ તેઓએ ભગવાનને કંઇક રસ્તો સુઝાડવા માટે પ્રાર્થના કરી.તે જ વખતે તેમનો મોકલેલો એક જાસુસ ત્યાં આવી પહોચ્યો અને તેને તેમને કહ્યુ કે ડૉ.વિષ્નુ આપણી આસપાસ જ છે.એક બે દિવસમાં જ તેઓ અહિંયા આવી પહોંચશે.આ વાત સાંભળીને મેજરના તો દંગ જ રહી ગયા! હજુ હમણા જ તેઓ ઇશ્વરને કોઇ રસ્તો બતાડવા માટે પ્રાર્થના કરી રહ્યા હતા અને રસ્તો તેમને સામેથી જ શોધતો આવી પહોચ્યો.હવે તેમને ઇશ્વર પર પુરી રીતે શ્રદ્ધા બેસી ગઇ હતી.હવે જ્યાં સુધી ડૉ.વિષ્નુ આવી પહોંચે ત્યાં સુધી તેમને આ જગ્યાને પુરી રીતે નવેસરથી નિર્માણ માટે સાફ કરવા માટેના કામમાં લોકોને લગાડી દીધા.
*** ડૉ.વિષ્નુ હજી થોડીવાર પહેલા જ કાશીમાં આવ્યા હતા.અત્યારે રાતના નવ વાગી ચુક્યા હતા.તે અને મેજર બે જ જણ તેમના ટેંટમાં હતા.ડૉ.વિષ્નુને ત્યાં પહોચ્યા પહેલા જ તે જગ્યાની હાલત વિશે અને તેમના લોકો ક્યારે અને કેવા સંજોગોમાં ત્યાં પહોચ્યા તેના વિશે બધી માહિતી મેજરના જાસુસો દ્વારા મળી ચુકી હતી.તેમને મેજરના તેમના જાસુસોને પુરી દુનિયામાં ફેલાવવાના કાર્યની ખુબ જ પ્રસંશા કરી હતી. જે જાસુસો તેમના સમાચાર મેળવવા માટે પુરી દુનિયામાં ફેલાયેલા હતા.તેમને ત્યાં જ રહીને શાકાલ વિશેની બધી ખબરો તેમના સુધી પહોંચાડવા માટેના કામમાં તેમને લગાડી દીધા હતા.અત્યારે ડૉ.વિષ્નુ અને મેજર વર્મા આ જગ્યાનુ નવેશરથી નિર્માણ કેવી રીતે કરવુ અને તેમાં સુરક્ષાની દ્રષ્ટીએ શુ શુ કરવુ તેના વિશે ચર્ચા કરી રહ્યા હતા.ડૉ.વિષ્નુએ કહ્યુ,મેજર સાહેબ આપણે બેજ જણ આ વિશે વિચાર કરીને કંઇક નિર્ણય લઇશુ તો કોઇને કોઇ ખામી કદાચ રહી જશે આપણે આ વાત લોકોની સામે રાખવી જોઇએ અને તેમના વિચારો અને આઇડિયા પણ સાંભળવા જોઇએ.તેનાથી આપણુ કામ ખુબ જ આસાન થઇ જશે અને લોકોને પણ એવુ ના લાગવુ જોઇએ કે તેમની જીંદગીના બધા જ નિર્ણયો આપણે જ લઇ રહ્યા છીએ.મેજરે કહ્યુ,આ તો ખુબ જ સારો આઇડિયા છે.તેથી લોકોમાં પણ થોડુ પોઝીટીવ એટમોસ્ફીયર ઉભુ થશે.ચર્ચા કરતા કરતા રાતના બાર વાગી ગયા હતા.તેથી તેમને સવારે બધાને એકઠા કરીને બધાની રાય લેવાનુ નક્કી કર્યુ અને ત્યારબાદ તેઓ આરામ કરવા માટે ગયા.
સવારે ઉઠીને તેમની પ્રાતઃક્રિયા પતાવીને તેમને બધાને બોલાવીને એક જગ્યાએ એકઠા કર્યા અને બધા આવી ગયા પછી ડૉ.વિષ્નુએ કહ્યુ, જુઓ મિત્રો આપણે આ જગ્યાનુ પુનઃનિર્માણ કરીને તેને પહેલા કરતા પણ સુદર નગરમાં રુપાંતરીત કરવાની છે.પણ આપણે આ જગ્યાની પવિત્રતાને ધ્યાનમાં રાખીને સાદગીથી તેનુ નિર્માણ કરવાનુ છે.સાથે સાથે આપણે સુરક્ષાની દ્રષ્ટીએ પણ આ જગ્યાનુ નિર્માણ એવી રીતે કરવાનુ છે કે રોબોટ્સ તો શુ કોઇ પણ દુશ્મન આપણી આ પવિત્ર ભુમી પર આક્રમાણ ના કરી શકે અને ફરીવાર તેની સુદરતાનુ ખંડન ના કરી શકે.એ માટે મારે તમારા કિમતી સુજાવોની જરુર છે.માટે આપણામાંથી જેને પણ જે જે સુજાવો આ જગ્યાને સાદગી,સુંદરતા અને સુરક્ષા માટે યોગ્ય લાગે તે સુજાવો આપ મને જણાવો.તેમાથી જે સુજાવો અમલ કરવા માટે યોગ્ય હશે તેના પર અમલ કરવામાં આવશે અને આ જગ્યાના નિર્માણમાં આપનો એ કિમતી સુજાવ ઉપયોગી થશે.ડૉ.વિષ્નુની વાત સાંભળીને બધા જ લોકો ખુબ જ ખુશ થઇ ગયા. કારણ કે ડૉ.વિષ્નુ બધાની વાત સાંભળવા માગતા હતા તે તેમના નિર્ણયો તેમના પર થોપતા ન હતા.પણ તેમને જાતે જ તેમના હિત માટેના નિર્ણયો લેવા દેતા હતા.ત્યારબાદ એક પછી એક બધા પોતપોતાના સુજાવો આપવા લાગ્યા તેમાંના ડૉ.વિષ્નુને જે યોગ્ય લાગ્યા તેની તેઓ નોધ કરી રહ્યા હતા.બધા લોકો નગરની સાદગી અને સુંદરતા માટે જ પોતાના સુજાવો આપી રહ્યા હતા.સુરક્ષા માટે હજી સુધી કોઇ યોગ્ય સુજાવ મળ્યો ન હતો.ત્યાંજ એક પંદર વર્ષની ઉમરનો એક છોકરો ઉભો થયો અને તેને કહ્યુ,જો આપણે આપણા નગરને સુરક્ષીત રાખવુ હોય તો નગરની ફરતે એક દિવાલનો ઘેરો બનાવવો જોઇએ પણ આ દિવાલ સામાન્ય દિવાલ જેવી નહિ ચાલે.રોબોટ્સ સામે ટકવા માટે એક વિશેસ દિવાલ બનાવવી પડશે.એ માટે આપણે લોખંડની એક એવી દિવાલ બનાવવી પડશે,જે જરુરિયાત હોય ત્યારે છત સુધી બંધ થઇ શકે અને જરુરત ના હોય ત્યારે ફરીથી સાઇડમાં નીચે આવીને છતને ખોલી શકાય.તેની વાત સાંભળીને બધા લોકો તેના પર હસવા લાગ્યા.અને તેને કહેવા લાગ્યા કે એવી દિવાલ કેવી રીતે બની શકે? પણ ડૉ.વિષ્નુ જે તેની વાત ધ્યાનથી સાંભળી રહ્યા હતા તે તેની વાત સાંભળીને વિચારમાં પડી ગયા.તેઓને ગંભીર અને વિચારમાં પડેલા જોઇને બધા લોકો શાંત થઇ ગયા.પછી ડૉ.વિષ્નુ તેમની જગ્યાએથી ઉઠીને તે છોકરાની પાસે ગયા તેમને તેને શાબાશી આપી અને બધાને સંભળાય તેવી રીતે કહ્યુ,ખરેખર બેટા તે ખુબ જ કામનો અને મને પણ વિચારતો કરી દે તેવો આઇડિયા આપ્યો છે.મારુ માનવુ છે ત્યાં સુધી મોટરનો અને લોખંડના મજબુત પાર્ટીશનનો ઉપયોગ કરીને તે કહ્યુ તે પ્રમાણેની દિવાલ આપણે બનાવી શકીશુ.પણ એ માટે આપણે બધાએ ખુબ જ મહેનત કરવી પડશે એ માટે તમે બધા તૈયાર છો? બધાએ એકી સાથે એક અવાજમાં કહ્યુ,હા....... અમે બધા તમારી સાથે છીએ.એ સાથે જ ડૉ.વિષ્નુની જે મુખ્ય ચિંતા હતી તે એક નાનકડા છોકરાએ દુર કરી દીધી. બધાના ગયા પછી મેજરે ડૉ.વિષ્નુને પુછ્યુ,ડૉ.તમે આ બધાને દિવાલ વાળી વાત માટે કહી તો દીધુ પણ શુ એવી દિવાલ ખરેખર બની શકશે? ડૉ.વિષ્નુએ હસીને કહ્યુ,એ તો મે પણ હજુ સુધી વિચાર્યુ નથી કે આ આઇડિયા સક્સેસ જશે કે નહિ પણ આપણે એકવાર પ્રયત્ન તો કરવો જ જોઇએ.આપણે જો સત્યના પક્ષે છીએ તેનો આપણને જો વિશ્વાસ છે તો પછી દુનિયાની કોઇ તાકાત આપણને રોકી નહિ શકે.ઇશ્વર પણ આપણા કાર્યમાં આપણો સાથ આપશે.તમે એ બધી ચિંતા છોડો એ બધુ મારા પર છોડી દો અને તમે મિ.સ્મિથ સાથે વાત કરીને આપણે જે પણ મટિરીયલની જરુર છે તે મટિરીયલ,ખોરાક અને જરુરી કેશ વગેરે બધુ જલદીથી જલદી મંગાવી લો.મેજરે કહ્યુ,હા મે એ માટેનુ લિસ્ટ લગભગ બનાવી લીધુ છે,પણ સુરક્ષા માટે જરુરી હથિયારો અને બીજી વસ્તુઓનુ લિસ્ટ હજુ બનાવવાનુ બાકી છે.હુ હમણા જ તે બનાવીને એક માણસને લિસ્ટ સાથે રવાના કરી દઉ છુ.ત્યારપછી ડૉ.વિષ્નુ પણ તેમના કામે લાગી ગયા અને મેજર પણ લિસ્ટ બનાવવાના કામમાં વ્યસ્ત થઇ ગયા.
જ્યાં સુધી સામાન આવ્યો ત્યાં સુધીમાં ડૉ.વિષ્નુએ કાશીની રચના કેવી રીતે કરવી તથા સાદગી અને સુરક્ષા બન્ને જળવાઇ રહે તે રીતે તેમને કાશીનો નકશો બનાવવાનુ કામ શરુ કરી દીધુ.તે માટે તેમને બે ત્રણ યુવાનોને પણ તેમની સાથે કામમાં રાખી લીધા હતા.બે જ દિવસમાં તેમને કાશીને એક પૌરાણિક નગરના જેવી રચનામાં ફેરવવા માટેનો નકશો તૈયાર કરી દીધો હતો.એ માટે તેમને જુના શહેરની સરખામણીમાં સુરક્ષાની દ્રષ્ટિએ થોડા ફેરફાર કરીને તેના ક્ષેત્રફળ અને ઘેરાવામાં પણ થોડા ફેરફાર કર્યા હતા.નવી રચના પ્રમાણે ગંગા નદી નગરની બહારની તરફ રહી જતી હતી તેથી લોકોને થોડુ દુખ થાય તેમ હતુ.પણ એ તરફ દિવાલ બનાવવાથી તેમની સુરક્ષા વધારે મજબુત બની જવાની હતી.પણ દિવાલ નદીને અડીને જ હતી.તે માટે તેમને દિવાલ ખુબ જ મજબુત બનાવવી પડે તેમ હતી.સાથે સાથે તેમને નદીની દિશામા પુરતી સુરક્ષા મળી રહેવાની હતી.નગરની અંદરની રચના પણ તેમને પૌરાણિક ઢબે જ કરવાનુ વિચાર્યુ હતુ.બીજા બે દિવસમાં જ તેમને મંગાવેલો સામાન આવવાનો શરુ થઇ ગયો.સામાન થોડો થોડો કરીને રોબોટ્સના ધ્યાનમાં ન આવે તે રીતે મિ.સ્મિથ મોકલાવી રહ્યા હતા.આ તરફ ડૉ.વિષ્નુની ઇંસ્ટ્રક્શન પ્રમાણે બધા લોકો આવેલા સામાનમાંથી આગળનુ કામ કરી રહ્યા હતા.જે પ્રમાણે સામાન આવતો જતો હતો તે પ્રમાણે કામ આગળ વધી રહ્યુ હતુ.લોકો ખુબ જ ઉત્સાહથી કામ કરી રહ્યા હતા.પહેલા જે લોકો પોતાના નાનામાં નાના કામ માટે રોબોટનો ઉપયોગ કરતા હતા તે લોકો હવે થોડા જ મહિનાના આ સમયમાં તેમના કામો તો જાતે કરતા થઇ ગયા હતા અને સાથે સાથે જાહેર કામોમાં પણ ખુબ જ ઉત્સાહથી કામ કરી રહ્યા હતા.રોબોટ્સના હુમલામાં આ એક જ વાત સારી બની હતી કે હવે લોકો આત્મનિર્ભર બની ગયા હતા.તેઓને જે નાનપણથી પોતાના કામો બીજા પાસે કરાવવાની જે ખરાબ આદત પડી ગઇ હતી અને તેના લીધે તેઓ આળસુ બની ગયા હતા,તે ખરાબ આદત હવે છુટી ગઇ હતી.હવે તેઓ ખરા અર્થમાં મનુષ્ય બન્યા હતા.અહિંયા આવ્યા પછી તેમનામાં બીજા લોકોને મદદ કરવાના અને પોતાના પહેલા સમાજ અને બીજાનુ ભલુ જોવાના ગુણો કેળવી શક્યા હતા.સાથે સાથે લોકોના એકસાથે કામ કરવાને લીધે તેમનામાં ભાઇચારા અને બંધુત્વની અને એકબીજા પ્રત્યેના સમર્પણની ભાવના આવી હતી. ખરા અર્થમાં કહીએ તેમનામાં ફરી એકવાર માનવતાનો જન્મ થયો હતો.
ડૉ.વિષ્નુ આ બધા ફેરફારો જોઇ રહ્યા હતા.તેમને પણ ખુશી થઇ રહી હતી કે લોકો એકબીજા સાથે હળીમળી રહ્યા છે.જે કળીયુગની પ્રબળ ભાવના લોકોમાં પહેલા હતી તેનો અહિંયા સાફ રીતે અભાવ જોઇ રહ્યા હતા.તેઓ પણ દિવાલ બનાવવાના કામમાં ખુબ જ વ્યસ્ત રહેતા હતા.આખો દિવસ બધા જ લોકો એકસાથે હળીમળીને કામ કરતા હતા.અહિંયા ઉંચ-નીચ,અમીર-ગરીબ એવો કોઇ ભેદ ન હતો.સવારે બધા એક સાથે મળીને પોતપોતાના માનેલા ઇશ્વરને પ્રાર્થના કરતા હતા અને ત્યારબાદ કામ શરુ કરતા હતા. સાંજે પણ બધા પ્રાર્થના કરીને એકસાથે જ જમવા માટે બેસતા હતા.ડૉ.વિષ્નુ અને તેમનો પરિવાર,મેજરનો પરિવાર અને તેમનો આ બીજો વિશાળ પરિવાર બધા જ લોકો એકસાથે મળીને ભોજન કરતા હતા. ત્યારબાદ પોતપોતાના વારા પ્રમાણે બધા ચોકી માટે જતા હતા.
ડૉ.વિષ્નુ અને મેજર કાશીના પુન:નિર્માણના ભગીરથ કાર્યમાં લાગેલા હતા.લોકોમાં પણ ડૉ.વિષ્નુના આવ્યા પછી ઉત્સાહ બેવડાઇ ગયો હતો.પણ હવે શુ આ કાર્યમાં ફરી કોઇ વિઘ્ન આવશે કે ડૉ.વિષ્નુ અને મેજરે ઉપાડેલુ આ કાર્ય કોઇ વિઘ્ન વિના પાર પડી જશે? એ જાણવા માટે વાંચો રોબોટ્સ એટેકનુ આગળનુ ચેપ્ટર.