૧) બ્રાહ્મણ –શબ્દાર્થ:
બ્રાહ્મણ એટલે બ્રહ્મને જાણનાર.
“બ્રહ્મ” શબ્દના અનેક અર્થ છે, જેવાકે આત્મા, ચૈતન્ય, નિરંજન નિરાકાર પરમાત્મા, વેદ, વિગેરે. એટલે આ સર્વેને જાણનારને બ્રાહ્મણ કહેવાય.
ગુજરાતી ભાષાના સર્વમાન્ય અને આધારભૂત જ્ઞાનકોષ “ભગવદ્દોમંડળ”માં ‘બ્રાહ્મણ’ શબ્દના અનેક અર્થ આપેલ છે, જે ટૂંકમાં નીચે મુજબ છે:
અગ્નિ
આચાર્ય, ગોર
આર્ય પ્રજાના ચાર માંહેના પહેલા વર્ણનો માણસ
સૌથી ઊંચી પંક્તિનો હિંદુ
દ્વિજ, વિપ્ર
પવિત્ર અને જ્ઞાની પુરુષ
રાગદ્વેષ, કલહ, ખોટી નિંદા, ચુગલી, કૂથલી, સંયમમાં અરતિ, વિષયોમાં રતિ, કૂડકપટ, જૂઠ વગેરે પાપકર્મોથી વિરક્ત થયેલો, મિથ્યા માન્યતારૂપી કાંટા વગરનો, સમ્યક્ પ્રવૃત્તિવાળો, પોતાના કલ્યાણમાં તત્પર, કદી ગુસ્સે થતો ન હોય કે અભિમાન કરતો ન હોય તેવો પુરુષ
વિષ્ણુ
શિવનું એક નામ
શુક્રના જેવું તેજસ્વી, નિર્મળ અને શ્વેત મોતી
બ્રહ્મને જાણનાર, આત્મજ્ઞાની
વેદને જાણનાર
તમે જોયું ને કે ‘બ્રાહ્મણ’ શબ્દના બધા જ અર્થ કેટલા ઉચ્ચ અને પવિત્ર છે. એટલા માટેજ આપણા દેશની સમાજ વ્યવસ્થામાં બ્રાહ્મણોને ઊંચું સ્થાન આપવામાં આવ્યું છે, પરંતુ સાથે સાથે તેમની પાસે એવા જ ઉચ્ચ અને પવિત્ર જીવનની અપેક્ષા પણ રાખવામાં આવી છે.
શાસ્ત્રોના આદેશ મુજબ (મનુસ્મૃતિ પ્રમાણે) બ્રાહ્મણોએ
શમ (સંયમ, યોગ),
દમ (ઇન્દ્રિયદમન, ઇન્દ્રિયોને કાબુમાં રાખવી),
તપ (શરીરને કષ્ટકારી વ્રત કે નિયમ, તપસ્યા),
શૌચ (આંતરિક એટલેકે મનની સ્વચ્છતા, શુદ્ધિ અને પવિત્રતા),
ક્ષાંતિ (સહનશીલતા, ક્ષમા, સહિષ્ણુતા),
આર્જવ (સરળતા, પ્રમાણિકતા, નમ્રતા),
જ્ઞાન (શિક્ષણ, અભ્યાસ),
વિજ્ઞાન (તર્કયુક્ત વ્યવહાર અને રૂઢીચુસ્તતાનો અસ્વીકાર),
આસ્તિક્ય (આસ્તિકતા, ઈશ્વર, વેદ અને પરલોકમાં શ્રદ્ધા)
વિગેરેનું પાલન કરવું જરૂરી છે. ટૂંકમાં બ્રાહ્મણ પાસે ઘણા કઠોર નીતીનીયમોના પાલનની અપેક્ષા રાખવામાં આવી છે. તેથીજ આવા નિયમો મુજબ જીવન ગુજારનાર જ્ઞાની અને પવિત્ર બ્રાહ્મણ સમાજમાં પૂજનીય હોય છે.
૨) બ્રાહ્મણની ઉત્પત્તિ:
ભારતીય ઉપખંડમાં મહત્વના એવા હિંદુ ધર્મની વર્ણવ્યવસ્થા મુજબ સમાજને તેમનાં કર્મો અનુસાર ચાર વર્ણોમાં વિભાજીત કરવામાં આવ્યો છે. છે: બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર.
ઋગ્વેદના “પુરુષસુક્ત” અનુસાર બ્રાહ્મણ વર્ણ બ્રહ્મ/બ્રહ્માજીના મુખ/મસ્તિષ્કમાંથી ઉદભવ્યો હોવાનું માનવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર બ્રાહ્મણો ભગવાનના મુખ/મસ્તિષ્ક સમાન છે, ક્ષત્રિય તેમના હાથ છે, વૈશ્ય તેમની જાંઘ અને શુદ્ર તેમના પગ છે. આ પ્રતીકાત્મક વાતનો અર્થ એ છે કે મસ્તિષ્કના પ્રતિકરૂપી બ્રાહ્મણ સમાજને જ્ઞાન, સમજણ, ડહાપણ અને માર્ગદર્શન આપે. હાથના પ્રતિકરૂપી ક્ષત્રિય સમાજનું રક્ષણ કરે અને પગના પ્રતિકરૂપી વૈશ્ય અને શુદ્ર સમાજના સંચાલનનું કાર્ય કરે. ટૂંકમાં જેમ વ્યક્તિ માટે તેનાં દરેક અંગ જરૂરી છે, તેમ સમાજના આ બધા જ વર્ગ સમાજના યોગ્ય સંચાલન અને વિકાસ માટે જરૂરી છે.
૩) બ્રાહ્મણનાં કર્મો:
શાસ્ત્ર (સ્મૃતિગ્રંથો) અનુસાર બ્રાહ્મણનાં છ કર્મો છે: પઠન, પાઠન, યજન, યાજન, દાન અને પ્રતિગ્રહ.
અર્થાત્ ભણવું, ભણાવવું, યજ્ઞ કરવો, યજ્ઞ કરાવવો, દાન કરવું અને દાન લેવું આ છ કર્મ બ્રાહ્મણનાં કર્મો ગણાય છે. તેથી બ્રાહ્મણને ષટ્કર્મા પણ કહે છે.
૪) બ્રાહ્મણોના જીવનનિર્વાહ માટે શાસ્ત્રોક્ત આદેશો:
પૌરાણિક કાળના હિંદુ સમાજ વ્યવસ્થા માટે રચાયેલ સૌથી અગત્યના ગ્રંથ “મનુ સ્મૃતિ”માં મનુએ કહ્યું છે કેઃ બ્રાહ્મણોએ ઋત, અમૃત, મૃત, પ્રમૃત કે સત્યાનૃત દ્વારા પોતાનો જીવનનિર્વાહ કરવો જોઈએ.
ઋતનો અર્થ છે ભૂમિ ઉપર પડેલા અનાજના દાણા વીણીને એટલે ઉંછવૃત્તિથી કે ખરી પડેલ ડૂંડાંમાંથી દાણા કાઢીને શિલવૃત્તિથી જીવનનિર્વાહ કરવો.
માગ્યા વિના જે કાંઈ મળી આવે તે લઈ લેવું તેને અમૃતવૃત્તિ કહે છે.
ભિક્ષા માગવાનું કામ મૃતવૃત્તિ કહેવાય છે.
ખેતીકામ એ પ્રમૃતવૃત્તિ છે
અને વેપાર એ સત્યાનૃતવૃત્તિ છે.
આ વૃત્તિઓ અનુસાર બ્રાહ્મણ ચાર પ્રકારના કહેવાય છેઃ કુશૂલધાન્યક, કુંભીધાન્યક, ત્ર્યૈહિક અને અશ્વસ્તતિક.
જે બ્રાહ્મણ ત્રણ વર્ષ માટે અન્નાદિ સામગ્રી સંચિત કરી રાખે તેને કુશૂલધાન્યક,
એક વર્ષ માટે સંચિત કરે તેને કુંભીધાન્યક,
ત્રણ દિવસ માટે રાખે તેને ત્ર્યૈહિક
અને જે નિત્ય લાવે ને નિત્ય ખાય તેને અશ્વસ્તનિક કહે છે.
આ ચારેય પ્રકારમાં અશ્વસ્તનિક શ્રેષ્ઠ મનાય છે.
૫) બ્રાહ્મણોના વ્યવસાયો:
વર્ણાશ્રમમાં દરેક વ્યક્તિને તેમના વર્ણ મુજબ કામની વહેંચણી કરેલ છે. આદિકાળથી બ્રાહ્મણ સમાજ વર્ણાશ્રમની પ્રથમ પાયરી પર હોવાથી સંસ્કૃતિની જાળવણી અને વિકાસની કામગીરી બજાવે છે અને તેને યથાયોગ્ય વ્યવસાય અપનાવ્યા છે.
બ્રાહ્મણોએ પોતાના ઉચ્ચપદની રક્ષા માટે અત્યંત શુદ્ધ અને પવિત્ર આચરણ રાખવું પડતું. જેનાથી કોઈ પણ પ્રાણીને દુઃખ પહોંચે એવી આજીવિકાનો તેમના માટે નિષેધ છે.
હિંદુ ધર્મ અનુસાર બ્રાહ્મણનાં નિયત કર્મોમાં શિક્ષણ, યજ્ઞ-યાજન અને આધ્યાત્મિક કાર્યોનો સમાવેશ થાય છે. બ્રાહ્મણો પુરાતન કાળથી સનાતન ધર્મનું પાલન કરતા આવ્યા છે અને બ્રાહ્મણોને સુચિત કરાયેલ કામ કરતાં આવ્યા છે, જેમકે વેદનો અભ્યાસ કરવો, ધર્મનું પાલન કરવું અને ધર્મ બતાવવો, વેદોક્ત કર્મકાંડ કરવું, વેદની વિવિધ શાખા જ્યોતિષશાસ્ત્ર, યોગ, સંગીત, ભૌતિકશાસ્ત્ર, ખગોળશાસ્ત્ર, નૃત્ય, અર્થશાસ્ત્ર વગેરેનું જ્ઞાન આપવું.
પ્રાચીનકાળથી જ બ્રાહ્મણોએ વર્ણવ્યવસ્થા અનુસાર વેદાભ્યાસ, કર્મકાંડ, શિક્ષણ જેવા વ્યવસાય અપનાવ્યા હતા. તદુપરાંત બ્રાહ્મણો આદિકાળથી રાજાના સલાહકાર, મંત્રી. અમાત્ય, રાજપુરોહિત કે આચાર્ય તરીકેનું ખૂબ જ સમ્માનીય સ્થાન ધરાવતા આવ્યા છે.
શિક્ષણ : પ્રાચીનકાળથી જ બ્રાહ્મણો બાળકોને શિક્ષા આપી માનવતાનાં મુલ્યોનું જતન કરતા આવ્યા છે. પ્રાચીન ગુરુકુળ પ્રથામાં બ્રાહ્મણો વિવિધ વર્ણનાં શિષ્યોને તેમના વર્ણ મુજબ એટલે કે વૈશ્યપુત્રને અંકગણિત, અર્થશાસ્ત્રનું તેમજ ક્ષત્રિયપુત્રને રાજનિતી, યુધ્ધકળા વગેરે વિષયોનું જ્ઞાન આપતા હતા. હાલ શિક્ષણ ક્ષેત્રનો વ્યવસાય વૈશ્વિક બની ગયો છે.
જ્યોતિષ : શુભ પ્રસંગોનાં શુભ મુહુર્ત કાઢવા કે નવા જન્મેલ બાળકનું કુંડળી બનાવી ભવિષ્યકથન કરવું એ જ્યોતિષશાસ્ત્રનું મુખ્ય કામ છે. આજે પણ ઘણા બ્રાહ્મણ આ વ્યવસાય સાથે સંકળાયેલ છે. જ્યોતિષશાસ્ત્રનો આધાર ખગોળશાસ્ત્ર પર રહેલ હોવાથી બ્રાહ્મણો ખગોળશાસ્ત્રના પણ જ્ઞાતા હોય છે.
કર્મકાંડ : કર્મકાંડ એ બ્રાહ્મણોનો મૂળભૂત અને સંપૂર્ણ વર્ચસ્વ ધરાવતો વ્યવસાય છે. આ વ્યવસાયમાં બ્રાહ્મણો તેમના યજમાનોના શુભ પ્રસંગોએ દેવી દેવતાનું શાસ્ત્રોક્ત રીતે વિધિવત પૂજન કરાવે છે તેમજ શાસ્ત્રોક્ત રીતે યજ્ઞ, હવન, પાઠ, કથા-વાર્તા, લગ્નવિધિ, પૂજાવિધિ, શ્રાદ્ધવિધિ વિગેરે કરાવે છે.
સલાહકાર : વિવિધ ક્ષેત્રેની જાણકારી ધરાવતા હોવાથી પ્રાચીનકાળમાં બ્રાહ્મણો રાજાના સલાહકારની ભૂમિકા અદા કરતા હતા. રાજાશાહી સમયમાં રાજાઓના મંત્રી તરીકે મોટે ભાગે બ્રાહ્મણો જ હતા. અર્વાચીન સમયમાં પણ બ્રાહ્મણોએ રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, મુખ્યપ્રધાન અને અન્ય પ્રધાનોના હોદ્દાઓ તેમજ ઉચ્ચ સરકારી અધિકારીઓનાં પદ સફળતા પૂર્વક સંભાળ્યાં છે.
બૌદ્ધ ધર્મના પ્રચાર વખતે યજ્ઞાદિ બંધ થવાથી ઘણા બ્રાહ્મણોની આજીવિકા નષ્ટ થઈ ગઈ, આથી બ્રાહ્મણો બીજાં કામ પણ કરવા લાગ્યા. તેઓ વૈશ્ય અને ક્ષત્રિયનાં કામ પણ કરવા લાગ્યા. પરાશર સ્મૃતિમાં બધા વર્ણોને ખેડ કરવાની આજ્ઞા છે. આ સિવાય મધ્યકાલમાં બધા વર્ણને શસ્ત્ર ગ્રહણ કરવાનો અધિકાર પણ આપવામાં આવ્યો, એટલું જ નહિ પણ તે વખતે બ્રાહ્મણ શિલ્પ, વ્યાપાર અને દુકાનદારી પણ કરતા. આમ કરવા છતાં તેઓ મીઠું, તેલ, દૂધ, શરાબ અને માંસ જેવા પદાર્થો ન વેચતા. તેમનું ભોજન બીજા વર્ણોથી વધારે શુદ્ધ અને સાત્ત્વિક હતું. ધાર્મિકતા અને આધ્યાત્મિકતાનો તેમનો વિચાર પ્રબળ હતો. રાજનિયમોમાં પણ તેમને ઘણી છૂટ મળતી.
૬) બ્રાહ્મણોની સંસ્કૃતિ:
બ્રાહ્મણ સમાજ સુશિક્ષિત હોવાથી દરેકને જ્ઞાનની વહેંચણી અને સમાન હક તથા તકનો હિમાયતી રહ્યો છે. બ્રાહ્મણ સમાજ હજુ સંયુક્ત કુટુંબ પ્રથામાં માને છે તેમજ સ્ત્રી-પુરુષ, વડિલ અને બાળકો કુટુંબમાં એકસરખું સમ્માનનીય સ્થાન ધરાવે છે. દિકરીને ભણતરમાં તેમજ સમાજમાં દિકરા સમાન દરજ્જો આપવામાં આવે છે અને દહેજ પ્રથાનું દૂષણ પણ હોતું નથી.
દિકરાને કિશોરાવસ્થા પ્રાપ્ત કરતા "યજ્ઞોપવિત સંસ્કાર" આપવામાં આવે છે. યજ્ઞોપવિત સંસ્કાર દ્વારા કિશોરને વેદનું જ્ઞાન મેળવવાનાં હક અપાય છે તેમજ સાંસારિક માતાપિતા ઉપરાંત વેદમાતા ગાયત્રીને માતા તરીકે અને સૂર્યદેવને પિતા તરીકે પૂજન કરવાના સંસ્કાર અપાય છે. આથીજ યજ્ઞોપવિત સંસ્કાર બાદ તે કિશોર "દ્વિજ" (જેનો બીજો જન્મ થયો છે તે) તરીકે ઓળખાય છે.
પ્રાચીનકાળમાં યજ્ઞોપવિત સંસ્કાર બાદ કિશોર સાંસારિક માતાપિતાથી અલગ ગુરુકુળમાં રહીને વેદનું જ્ઞાન પ્રાપ્ત કરતા. પરંતુ સમય જતાં આ પ્રથા બંધ થઇ ગઈ. જેથી હવે બ્રાહ્મણોમાં દેવભાષા સંસ્કૃત અને વેદ વિષેનું જ્ઞાન પણ ઘટતું જોવા મળે છે.
યજ્ઞોપવિત સંસ્કાર બાદ એક કિશોર સાચા અર્થમાં બ્રાહ્મણ બને છે પરંતુ ત્યારબાદ વેદાનુસાર અનિવાર્ય સંધ્યાકર્મ પણ હાલ ઘણા બ્રાહ્મણ ટાળે છે. ઉપરાંત બ્રાહ્મણની ઓળખ સમાન શિખા (ચોટલી) અને જનોઇ (યજ્ઞોપવિત) પણ હવે વિસરાઇ રહી છે.
૭) બ્રાહ્મણોનાં ગોત્ર અને પ્રવર:
ગોત્ર એ બ્રાહ્મણ કુળનો ર્નિદેશ કરતું એક અવિભાજ્ય અંગ છે જે પિતૃપક્ષના મૂળ પૂર્વજ જણાવે છે.
‘ગોત્ર’ શબ્દ કુટંબ, કુળ, વંશ વિગેરે માટે વપરાય છે. ઋગ્વેદમાં ગોત્ર શબ્દ લગભગ છ વાર વપરાયો છે, પણ ત્યાં તેનો અર્થ કુટુંબ થતો નથી. ત્યાં તો તેનો અર્થ ગોપ થાય છે. ધીમે ધીમે તેમાં સમૂહનો અર્થ આવતો ગયો અને ઉપનિષદના સમયમાં તે કુટુંબના અથવા કુટુંબની અટકના અર્થમાં વપરાવા લાગ્યો. તે પછી સૂત્રકાલના સમયમાં સપ્તર્ષિ (કશ્યપ, અત્રિ, વસિષ્ઠ, વિશ્વામિત્ર, ગૌતમ, જમદગ્નિ અને ભરદ્વાજ) અને અગસત્યે મળીને “આઠ ઋષિમાંના ગમે તે કોઇનો વંશજ” એવા અર્થમાં ગોત્ શબ્દ વાપર્યો. આ આઠની સંખ્યા ધીમે ધીમે ૪૯ સુધી પહોંચી. આમ બ્રાહ્મણોને આ ૪૯માંથી કોઈ એક ગોત્ર હોય છે.
શાસ્ત્ર પ્રમાણે જેનાં ગોત્ર એક જ હોય તેનાં લગ્ન થઈ શકે નહિ. જો કે વેદના સમયમાં લગ્ન વિષયમાં આવી બંધી ન હતી. તે વખતે લગ્ન માટે સ્વયંવરની પ્રથા અમલમાં હતી. પરંતુ જેમ જેમ આર્ય લોકો ગંગા નદીની ખીણમાં આગળ વધ્યા તેમ તેમ સૂત્રકાલમાં આવાં ગોત્ર અને પ્રવર ઉત્પન્ન થયાં. સૂત્રલેખકોએ ગોત્ર અને પ્રવરના કૃત્રિમ વાડા બનાવીને લગ્નનું ક્ષેત્ર સંકુચિત કરી નાખ્યું અને આથી સ્વયંવર બંધ પડ્યા.
ગોત્રમાં થઈ ગયેલ પ્રખ્યાત ઉત્તમ પુરુષો પ્રવર કહેવાય છે. પ્રવરનો અર્થ છે: જે તે ગોત્રના મુખ્ય પ્રવર્તક ઋષિઓ. દા.ત. જમદગ્નિ ગોત્રના પ્રવર જમદગ્નિ, ઔર્વ અને વસિષ્ઠ ઋષીઓ; ગર્ગ ગોત્રના પ્રવર ગાર્ગ્વ, કૌસ્તુભ અને માંડવ્ય ઋષીઓ.
પ્રવરનો બીજો અર્થ થાય છે: ગોત્ર અથવા કુટુંબની આંતરિક શાખા પ્રશાખા. જેમ કે ગૌતમ ગોત્રના ગૌતમ, ઔતથ્ય અને આંગિરસ ત્રણ પ્રવર છે. ભારદ્રાજ ગોત્રનાં ભારદ્રાજ, બૃહસ્પતિ ને અંગિરા એ ત્રણ પ્રવર છે.
ગોત્ર ઉપનિષદકાળ જેટલાં જૂનાં છે અને પ્રવર ત્યાર પછી દાખલ થયા છે. ઉપનિષદમાં શિષ્ય અને ગુરુનાં નામ ઉપરાંત ગોત્રનાં નામ, જેવાં કે ગૌતમ, વૈયાદ્યપધ વગેરે જોવામાં આવે છે. જયારે પ્રવરનો સંબંધ યજ્ઞ સાથે છે. યજ્ઞમાં યજમાનનું જે ગોત્ર હોય તે જ ગોત્રના ઋત્વિજ (યજ્ઞ કરનાર બ્રાહ્મણ) વગેરે પંસદ કરવામાં આવતા, જેથી યજ્ઞની વિધિ એકસરખી રહે. આ પંસદ કરવાની ક્રિયાને પ્રવરણ કહેવામાં આવતી અને તેમાંથી પ્રવર શબ્દ બન્યો છે.
પ્રવર ઋષિ હમેશા વૈદિક ઋષિ એટલે કોઈ પણ વેદનો ઋષિ હોવો જોઈએ. ગોત્ર ઋષિ હમેશા વૈદિક હોતો નથી. આથી પ્રવર ઋષિ ફકત ૪૯ છે, ત્યારે ગોત્ર ઋષિ અસંખ્ય છે. વળી સામાન્ય રીતે પ્રવરમાં ત્રણ કે પાંચ ઋષિઓ હોય છે, ચાર ઋષિ કોઈ કાળે હોતા નથી.
યજ્ઞ કરતી વખતે યજમાન અને ઋત્વિજ કયા કયા ગોત્ર ને પ્રવરના છે તે બોલાતું. આથી પોતે કયા ઋષિના વંશમાંથી ઊતરી આવેલા છે તે જાણી શકાય. જુદા જુદા વેદ માટે ગોત્ર જુદાં જુદાં નથી.
ઋગ્વેદી, યજુર્વેદી વગેરે બધા બ્રાહ્મણોનું પ્રવર સામાન્ય હોય છે. બ્રાહ્મણ અને ક્ષત્રિયો શરૂઆતમાં સામાન્ય ઋષિઓમાંથી અવતરેલા હોવાથી બ્રાહ્મણ અને ક્ષત્રિયોનું પ્રવર પણ સામાન્ય હોય છે. અથવા ક્ષત્રિયોનું પ્રવર તેના પુરોહિતના પ્રવર પ્રમાણે માનવામાં આવે છે. શરૂઆતમાં પ્રવર યજ્ઞ કરનાર ઋત્વિજોની પસંદગી કરવા માટે જોવામાં આવતું. પણ પાછળથી તેને લગ્નની બાબતમાં પણ જોવામાં આવ્યું અને એક જ ગોત્ર કે પ્રવરમાં લગ્ન નિષેધ ગણાવા લાગ્યાં.
૮) બ્રાહ્મણોની મુખ્ય શાખાઓ:
બ્રાહ્મણોની મૂળ આજીવિકા કર્મકાંડ હોવાથી મહદઅંશે આખા ભારતમાં વિવિધ સ્થળોએ સ્થાયી થયા છે. પરંતુ વૈદિક કાળની શરૂઆતમાં બ્રાહ્મણો સિંધુ અને સરસ્વતી નદીની આસપાસના વિસ્તારમાં એટલેકે ઉત્તર ભારતમાં જ વસવાટ કરતા હતા. ઉત્તર ભારત અને દક્ષિણ ભારત વચ્ચે દુર્ગમ વિંધ્યાચળ પર્વતમાળા અને નર્મદા નદી હોવાથી ખાસ અવરજવર થતી નહોતી. પરંતુ મહાન ઋષિ અગસ્ત્ય તેમના શિષ્યો સાથે વિન્ધ્ય પર્વત વટાવીને દક્ષિણમાં પહોંચ્યા અને ત્યાં જ વસવાટ કર્યો અને વૈદિક સંસ્કૃતિનો પ્રચાર-પ્રસાર કર્યો. તે પછી રામાયણના સમયમાં ઋષિ વિશ્વામિત્ર પણ તેમના શિષ્યો સાથે દક્ષિણ ભારતમાં આવેલ દંડકારણ્યમાં વસ્યા. આથી દક્ષિણ ભારતમાં પણ વૈદિક સંસ્કૃતિ તથા સનાતન ધર્મનો ફેલાવો થયો અને બ્રાહ્મણોનો વસવાટ પણ વધ્યો.
શાસ્ત્રાનુસાર ભારતમાં વસતા બ્રાહ્મણોને પંચગૌડ અને પંચદ્રવિડ એમ બે ભાગમાં વિભાજીત કરાયા છે. ઉત્તર ભારતના કાશ્મીર, અવધ, પંજાબ, ઉત્તર પ્રદેશ, બંગાળ, ઓરિસ્સા વગેરેમાં વસતા બ્રાહ્મણો પંચગૌરમાં સમાવિષ્ટ કરાયા છે. જ્યારે ગુજરાત, રાજસ્થાન, તમિળનાડુ, કેરળ, મહારાષ્ટ્ર, કર્ણાટકમાં વસતા બ્રાહ્મણો પંચદ્રવિડમાં સમાવિષ્ટ કરાયા છે.
પંચગૌડની પાંચ પેટા જ્ઞાતિ છે: કાન્યકુબ્જ (કનોજ પાસે રહેતા), સારસ્વત (સરસ્વતી નદીકાંઠે વસતા), મિથિલ (મિથિલા ક્ષેત્રના), ઉત્કલ (ઉડીશામાં વસતા) અને ગૌડ (શેષ). પંચદ્રાવિડની પણ પાંચ પેટા જ્ઞાતિ છે: મહારાષ્ટ્ર (મહારાષ્ટ્રમાં વસતા), તેલંગ (આન્ધ્રમાં વસતા), કર્ણાટ (કર્ણાટકમાં વસતા), ગુજ્જર (ગુજરાતમાં વસતા) અને દ્રવિડ (શેષ).
અગિયારમી સદીમાં ગુજરાતના સોલંકી રાજા મૂળરાજે સિદ્ધપુરમાં રુદ્રમહાલય નામનું વિશાળ શિવાલય બનાવરાવ્યું. તેની પ્રતિષ્ઠા સમયે કનોજ, કુરુક્ષેત્ર વગેરે ઉત્તરીય પ્રદેશોથી હજાર બ્રાહ્મણોને બોલાવ્યા અને ગામ આદિ આપીને તેમને ગુજરાતમાં જ વસાવ્યા. ઉત્તરમાંથી આવવાને લીધે તેઓ ઔદીચ્ય કહેવાયા અને ગુજરાતમાં વસવાથી પાછળથી તેમની ગણના પણ દ્રવિડોમાં થઈ ગઈ, જેઓ મૂળભૂત રીતે ગૌડ બ્રાહ્મણો છે.
૯) બ્રાહ્મણોની પેટા શાખાઓ:
ઈ. સ. ૬૦૦થી ૧૦૦૦ સુધી બ્રાહ્મણો ભિન્નભિન્ન જાતિઓમાં વિભિન્ન થયા જણાતા નથી. તે સમય સુધી બ્રાહ્મણોનો ભેદ શાખા અને ગોત્રનો ઉલ્લેખ કરવાથી થતો હતો. કોંકણના બારમી સદીના લેખમાં બત્રીશ બ્રાહ્મણોનાં નામ દીધાં છે, જેમનાં ગોત્ર છે પણ શાખા નથી. તેમાં બ્રાહ્મણોનાં ઉપનામ પણ આપ્યાં છે. બારમી શતાબ્દિમાં આવાં ઉપનામોનો પ્રયોગ ઘણો થતો. જેમકે, દીક્ષિત, રાઉત, ઠાકુર, પાઠક, ઉપાધ્યાય, પટ્ટવર્ધન. શિલાલેખોમાં પંડિત, દીક્ષિત, દ્વિવેદી, ચતુર્વેદી, આવસ્થિક, માથુર, ત્રિપુર, અકોલા, ડેંડવાણ આદિ નામ મળે છે. તે નામો સ્પષ્ટ રીતે તેમનાં કાર્ય અને વસવાટ સ્થાન પરથી પડયાં હોય તેમ લાગે છે.
પાછળથી આમાંનાં ઘણાં ઉપનામ ભિન્નભિન્ન જાતિઓમાં પરિણમ્યાં. આ જાતિભેદ ક્રમશઃ વધતો ગયો. તેને વધવામાં બે ત્રણ બીજાં કારણોએ પણ સહાયતા આપી. જેમકે, ભોજનભેદને લીધે માંસાહારી અને શાકાહારીના મોટા ભેદ બની ગયા. આજ રીતે ભિન્નભિન્ન રીતરિવાજો અને વિચારોને લીધે પણ ઘણા ભેદ પેદા થયા. દાર્શનિક ભેદથી પણ ભેદ થયા. આથી જાતિભેદ વધતાં વધતાં આજ બ્રાહ્મણોની અનેક જાતિઓ થઈ ગઈ છે. આમાંથી બ્રાહ્મણોની ચોરાશી પેટા જ્ઞાતિઓ માન્ય ગણાય છે. એટલા માટે ગામના બધાજ બ્રાહ્મણોને જમવા માટે બોલાવવામાં આવે ત્યારે તેને ‘બ્રહ્મચોરાશી’ કહેવામાં આવે છે.
આ બાબતમાં એક રસપ્રદ હકીકત છે કે સને ૧૯૭૮માં રાજકોટના પૂર્વ રાજવી મનોહરસિંહજીએ બ્રહ્મચોરાશીનું આયોજન કર્યું હતું, તે વખતે તેમણે બ્રાહ્મણદીઠ ૨૫ પૈસાની દક્ષિણા આપી હતી ત્યારે દક્ષિણામાં જ રૂ. ૩૪ હજાર વપરાયા હતા.
બ્રાહ્મણોની ચોરાશી પેટા જ્ઞાતિઓમાં નાગર (૬ પેટા ન્યાત), મોઢ (૬ પેટા ન્યાત), શ્રીગોડ (૪ પેટા ન્યાત), ઔદીચ્ય (૩ પેટા ન્યાત), મેવાડા (૩ પેટા ન્યાત), શ્રીમાળી, સોમપુરા, સારસ્વત, સાંચોરા, લાડ વિગેરેનો સમાવેશ થાય છે. જોકે હાલમાં તો અનેક નવી પેટા જ્ઞાતિઓ ઉમેરાઈ ગઈ છે, જેને લીધે કુલ પેટા જ્ઞાતિઓની સંખ્યા ૧૦૦થી પણ વધુ હોવાનું માનવામાં આવે છે. ભારતનાં વિવિધ રાજ્યમાં વસતા બ્રાહ્મણો ગોત્ર ઉપરાંત તેમની પેટાજ્ઞાતિથી ઓળખાય છે. બ્રાહ્મણો મુખ્યત્વે પોતાની પેટાજ્ઞાતિમાં જ વૈવાહિક સંબંધ બાંધતા હોય છે.
(બ્રાહ્મણ ઈતિહાસની વધુ માહિતી માટે વાંચો પ્રકરણ ૨)