Coffee House - 32 in Gujarati Love Stories by Rupesh Gokani books and stories PDF | કોફી હાઉસ - 32

Featured Books
Categories
Share

કોફી હાઉસ - 32

કોફી હાઉસ પાર્ટ – 32

વિષય – લવ સ્ટોરી

રૂપેશ ગોકાણી

(આપણે આગળના પ્રકરણમાં વાંચ્યુ કે શ્રીમાન મહેરા ધ્વનીને કુંજન સાથે જે કંઇ અઘટિત બન્યુ તેની વિગતે વાત કરે છે. આ બધુ સાંભળી ધ્વની સહિત બધા ભાંગી પડે છે પરંતુ પ્રેય સુતો હોવાથી તેને કંઇ જાણ થતી નથી. બધા હવે એ વિચારે ચડે છે કે પ્રેયને આ વાત કહેવી કે નહી. અંતે બધા એ નિર્ણય પર આવે છે કે હાલ કુંજ સાથે જે કંઇ પણ બન્યુ તેનાથી પ્રેયને અવગત ન કરવો. આ બધી ચર્ચા ચાલતી હોય છે ત્યાં ઉપરના રૂમમાંથી કંઇક પડવાનો અવાજ સંભળાતા બધા ઉપર તરફ દોડે છે, હવે વાંચીએ આગળ.....)

“હાશ....... સારૂ છે પ્રવીણ્યો ઊંઘે છે, નહી તો અત્યારે આપણામાંથી કોઇ એવી હાલતમાં નથી કે તેનો સામનો કરી શકે.” ઓઝાસાહેબે પ્રવીણની બાજુમાં પડેલા ફ્લાવર પોટ પર ઊંઘમાં તેનો હાથ લાગવાથી જમીન પર પડેલો જોતા કહ્યુ.

***

“અરે પ્રવીણ્યા, ક્યારે ઉઠ્યો તુ? અમને ખબર જ ન પડી.” ઓઝાસાહેબે આંખના આંસુઓ પર ખુશીનો પડદો પાડતા પુછ્યુ. “બસ કાકા, થોડી વાર થઇ ઉઠ્યો છું. શું થયુ? બધાના ચહેરા કેમ પડેલા દેખાય છે? ઇઝ એવરીથીંગ ઓલરાઇટ ધ્વની?”

“યસ, ઓલ ઇઝ વેલ. પ્રેય. ચલ તુ ફ્રેશ થઇ જા, હું બ્રેકફાસ્ટ બનાવી આપુ.” કહેતા ધ્વની પોતાના આંસુ છુપાવવા પીઠ પાછળ ફેરવી નીચે જવા લાગી. “ધ્વની, કેમ આ રીતે વર્તન કરે છે? જે થવાનુ હતુ તે થઇ ગયુ, આમ પણ મને ખબર છે કે મારા નસીબે હંમેશા મારી સાથે પરાયા જેવુ જ વર્તન કર્યુ છે, ઘણા ડામ સહન કર્યા છે, એક ઘા વધુ.” બોલતા બોલતા પ્રવીણના શબ્દોમાં પણ ભીનાશ તરી આવી. “અરે અરે પ્રવીણ્યા, આમ કેમ ઉદાસ થાય છે? હજુ આપણી આશા જીવંત છે, આપણને કુંજ મળશે જ. તુ ચિંતા ન કરતો હા, દિકરા.” કહેતા ઓઝાસાહેબ અને બધા લોકો પ્રેયની નજીક આવી ગયા. “અરે કાકા, કુંજના પિતાજીના મોઢે આ બધુ સાંભળી હજુ તમને વિશ્વાસ છે કે કુંજ મને મળશે???? હજુ તમારો વિશ્વાસ અકબંધ છે? હવે તો બસ કરો, બસ કરો પ્લીઝ મને મનાવવાનુ બંધ કરો.” પ્રવીણના વેણ ચોધાર આંસુઓમાં ફેરવાઇ ગયા. “હા કાકા, કુંજના પિતાજીની બધી વાત મે ઉપર રૂમના ફોનમાંથી સાંભળી લીધી છે. કાકા, હવે સમજી જાઓ અને માની લો કે મારી કુંજ મને ક્યારેય નહી મળે. એ બહુ દૂર નીકળી ગઇ મારાથી. હું જ બહાવરો બની મારા પરિવારમાં એટલો તે ડુબી ગયો કે કુંજ તરફ ધ્યાન જ ન દીધુ અને તે, હું તેની નજીક ન હતો છતા મારા માટે બધુ સહન કરતી રહી અને છેવટે પોતાની જાન સુધ્ધા હોમી દીધી. ધિક્કાર છે મને ધિક્કાર.” ખુદ પોતાને જ મારવા લાગ્યો પ્રેય. “બસ કર પ્રવીણ્યા બસ કર, બહાવરો બની બેઠો છે કે શું? જે થયુ તે થયુ. હવે કુંજની વાત પર પુર્ણવિરામ મુકી દે. અમે જ બધા એવા કે તને કુંજ સુધી પહોંચાડવા મથવા લાગ્યા. અમને શું ખબર હતી કે અમારી આ જીદ્દ તને દુઃખ અને હતાશાની ખાઇમાં ઊંડે ખેંચી જશે. મત્ત મારી ગઇ તી મારી મત્ત. ધુળ પડે મારા જીવનમાં.”

“ઓઝા, આ તારુ ઘર નથી. શાંત થા તુ. એક તો પ્રવીણ્યો આમ રડે છે તેને સમજાવવાને બદલે તુ પણ ધુણવા લાગ્યો? મારા યાર. ધિરજ રાખ. જે થયુ તે ભૂલવામાં જ આપણી ભલાઇ છે. કુંજ એક એવી ખુશ્બુ હતી જે પ્રવીણની જીંદગી મઘમઘાવી ગઇ અને પોતાનુ આયખુ ટુંકાવી નાખ્યુ. હવે આમ રોવાથી કે આક્રંદ કરવાથી શું કુંજ આપણે મળી જવાની કે શું પ્રવીણ્યાની વાત કુંજ સુધી પહોંચી જશે?” દાસભાઇએ ગુસ્સાથી ઓઝાસાહેબ પર શબ્દોના પ્રહાર કરતા કહ્યુ. “હા ઓઝા, દાસ સાચો છે. હવે બધુ અહી જ ભૂલી જામનગર જવામાં જ આપણી માણસાઇ છે. આમ રોવાથી ભલે આપણી નબળાઇ ન દેખાય પણ આપણી મક્કમતા પણ દેખાતી નથી.”

“પ્રવીણ, દિકરા અમે જાણીએ છીએ આ બધુ તારે સહન કરવાનુ જ છે. કળીએ કળીએ અને પળે પળૅ તારો આત્મા કકળવાનો છે પણ દિકરા શું આમ કરવાથી કુંજને રાજીપો મળે? તારુ મન કહેતુ હોય તેમ કરજે પણ એટલુ જરૂર કહીશ કે કુંજ સાથે આજ સુધી તો તું ન્યાય કરી શક્યો નથી પણ બને તો તેની આત્માની રૂહ સાથે ન્યાય કરવામાં પાછીપાની ન કરતો દિકરા. તુ સમજુ છે, વધુ શબ્દોની સાયદ તને જરૂર નથી.” હેમરાજભાઇએ કહ્યુ અને બધાને ઇશારો કરી રૂમ બહાર આવવા કહી દીધુ. સાંજ સુધી પ્રેય તે રૂમમાં જ એકલો રહ્યો. ન તે નીચે જમવા ઉતર્યો કે ન તેને કોઇએ જમવા બોલાવ્યો. સાંજે તે નીચે ઉતર્યો તે બધા તેને જ જોઇ રહ્યા.” “ચાલો કાકા, જઇએ આપણે.” બસ આટલુ બોલી ધ્વની સામે નજર નાખતો તે બહાર નીકળી ગયો અને કારમાં બેસી ગયો.

રાજકોટથી જામનગર સુધીની મુસાફરીમાં કોઇ કાંઇ બોલ્યુ નહી. વારેવારે ઓઝાસાહેબનું ડુંસકુ બધાને કુંજગલીમાં લઇ જતુ હતુ. જામનગર આવતા જ બધા સાત રસ્તે ઉતરી ગયા, પ્રવીણ પણ કાંઇ બોલ્યા વિના નીકળી ગયો. તેને એકલો છોડતા કોઇનો જીવ તો ચાલતો ન હતો પણ કાંઇ થઇ શકે તેમ પણ ન હતુ. ઊંચા આકાશ સામે નજરૂ કરતા બધા બાલા હનુમાન બાજુ ચાલતા થયા.

***

બે માસ બાદ:- પ્રવીણ્યા આ શું બાવા જેવો બનીને બેઠો છે? લાંબી દાઢી, જંગલી જેવા વાળ, ન તો પહેરવાના ઠેકાણા છે ન કાંઇ દેખાવમાં ઠેકાણું છે. આ તારા કોફીહાઉસના પણ હાલ હવાલ ફેરવીને બેઠો છે, કાંઇ ગતાગમ પડે છે કે નહી? આ જો તો ખરો, જામનગરમાં બહુ ભવ્ય મહોત્સવનું આયોજન થયુ છે અને તેમા આપણા ભારતના ખુણે ખુણેથી લોકો આવીને અહી વસ્યા છે, અરે ભારત નહી અમુક ગોરાઓને પણ મે જોયા છે. તે બધા તારા કોફીહાઉસની સામેની જ હોટેલ પ્રેસિડેન્ટમાં ઉતર્યા છે. આવનારી તક ઝડપી લે અને તારા કોફીહાઉસ પર લાગેલી તારા દુઃખની ધુળ ખંખેરી નાખ અને ધંધામાં ધ્યાન દે એમા વરશે કાંઇક.” ઓઝાસાહેબે આવતાવેત નજારો જોતા પ્રવીણને ખખડાવી નાખતા કહ્યુ.

“મને અને મારા કર્મચારીઓને જીવન નભે એટલુ મળી રહે છે કાકા. હવે શું કરું વધુ પૈસા કમાઇને? કોણ છે ખાવાવાળુ મારે તે હૈયાહોળી કરું? એક દિવસ હું પણ કુંજની.....” વાક્ય અધુરૂ રાખી દીધુ પ્રવીણે. “સોરી કાકા, માંફ કરી દ્યો મને. મને યાદ છે તમે બધાએ મને તમારી કસમ આપી છે હવે કુંજને યાદ ન કરવા માટે, પણ આ હૈયુ છે કે વારે તહેવારે કુંજની યાદમાં ઝંપલાવી જ દ્યે છે.” “વારે તહેવારે કે પછી અવારનવાર? આપણે આવ્યા તેને લગભગ બે મહિના થવા આવ્યા અને આ બે મહિનામાં અમે બધા દિવસમાં દસ વાર તારા કોફીહાઉસમાં આવીએ છીએ ત્યારે એક ટંક પણ અમે તારા મોઢે કુંજનું નામ સાંભળ્યુ ન હોય તેવુ યાદ આવતુ નથી અમને પ્રવીણ.” હેમરાજભાઇએ ટકોર મારતા કહ્યુ. “શું કરું કાકા, મન પર હવે મારો કાબુ નથી.” “તો એક કામ કર, જા ગાંડાની હોસ્પિટલમાં જતો રે.”

“ઓઝા શાંતિ રાખ ને બાપલીયા.” હરદાસભાઇએ આંખ કાઢતા કહ્યુ. “જો પ્રવીણ, આમ ને આમ દિન પ્રતિદિન તારી હાલત કથળતી જશે તો એક દિવસ આ કોફીહાઉસને તાળા દેવાનો વારો આવશે. તારે તો ઠીક છે અઢળક સંપતિ છે અને ખાવાવાળો તુ એક છે પણ અહી કામ કરનારા અમુક માણસો તો એવા પણ છે કે તેમની રોજીરોટી અહીથી મળતા પગાર પર જ નભે છે. તો બોલ, શું કુંજન કે જે હવે ક્યારેય તને મળવાની સુધ્ધા નથી તેના માટે થઇને શું તુ આ લોકોની પેટ પર લાત મારશે?” હરદાસભાઇએ પ્રેમથી પ્રવીણને સમજાવ્યો. “ના કાકા એવુ પાપ તો હું સ્વપ્ને પણ ન કરું. હું મારી બનતી કોશિષ કરીશ કે કુંજને યાદમાંથી પણ દૂર કરી શકું અને કોફીહાઉસ પર સંપુર્ણ ધ્યાન આપુ.” “દાહળા, આની વાતોમાં ન આવજે. આ તેની બનતી કોશિષ લગભગ મારા મસાણે ગયા પછી ચાલુ થાય તો સારૂ, ત્યાં સુધી તો કોઇ આશા દેખાતી નથી મને. ચાલ આપણે મોડુ થાય છે, ટ્રેઝરી ઓફિસે જવું છે કે નહી?” ઓઝાસાહેબ આગબબૂલા થઇ જતા બહાર નીકળી ગયા અને પાછળ દાસભાઇ હેમરાજભાઇ પ્રતાપભાઇ પણ ચાલતા થયા.

“કેમ કરીને આ નાદાન દિલને મનાવુ કે કુંજ હવે આવવાની નથી? કેમ હું ભૂલુ એ યાદોને કે જે યાદોના સહારે જ મારા શ્વાસ ચાલુ છે. તમે બધા કહો છો કે કુંજને ભૂલી જા, પણ મને લાગે છે જે દિવસે હું તેને યાદ કરતો બંધ થઇ જઇશ તે દિવસે તમે તમારા પ્રવીણ્યાને ખોઇ બેઠા હશો, કુંજની જેમ હું પણ આ દુનિયામાં હતો બની જઇશ.” બોલતા પ્રવીણ કાઉન્ટર પર માથુ ઢાળીને લગભગ રડવા જ લાગ્યો.

“શું ઓઝા તુ પણ છોકરમત જેવા કામ કરતો હોય છે? એક તો બીચાળો આમેય દુઃખી છે અને ઉપરથી તુ મન પડે એમ બોલી ગયો.” રસ્તામાં પ્રતાપભાઇ બોલ્યા. “પ્રતાપ આ પ્રેમનો પુજારી આમ ખીજાવાથી જ સુધરે એમ મને લાગે છે બાકી મને તો કોઇ અણસાર દેખાતા નથી પ્રવીણ્યાના સુધરવાના. હવે ચાલ ટ્રેઝરીએ જલ્દી નહી તો આપણા કામ પણ અટકી જશે. આપણે કાંઇ દેવદાસ નથી પ્રવીણ્યાની જેમ તે આપણા કામ ને પણ પડતા મુંકીએ.” “બસ હવે ગુસ્સો થુંક નહી તો આજે આખી ટ્રેઝરી તુ માથે લઇશ.” ટ્રેઝરી ઓફિસના પગથિયા ચડતા ઓઝાસાહેબને હેમરાજભાઇએ કહ્યુ.

***

“એક્સક્યુઝ મી પ્લીઝ. કેન વી ગેટ અ કોલ્ડકોફી પ્લીઝ?” રાત્રીના અગિયારેક વાગ્યે જ્યારે કોફીહાઉસના બધા કર્મચારીઓ નીકળી ગયા હતા અને પ્રવીણ એકલો બેઠો હતો ત્યારે અમુક ટુરિસ્ટો કોફીહાઉસમાં આવતા જ તેણે માથુ ઢાળીને પડેલા પ્રવીણને પુછ્યુ. “હેલ્લો મિસ્ટર, વી આર ટોકીંગ વીથ યુ.” આ તો પ્રવીણ હતો, એ જો તેની યાદોમાથી બહાર આવી જાય તો એ પ્રેય થોડો કહેવાય. “જસ્ટ લીવ યાર. આઇ થીન્ક હી ઇઝ સ્લીપીંગ. લેટ્સ ગો.” કહેતા બધા બહાર નીકળતા હતા ત્યાં પ્રવીણે માથુ ઉંચક્યુ પણ ત્યાં સુધીમાં તો બધા બહાર નીકળી ચુક્યા હતા. પ્રવીણ બસ આવેલા પ્રવાસીઓને પાછળથી તાંકતો રહ્યો. “સાહેબ તમે ઉપર આરામ કરો. કામ બધુ થઇ ગયુ છે, હવે અમે પણ નીકળીએ છીએ. તમે કહો તો કોફીહાઉસ વધાવી લઇએ?” માલાકાકા અને બીજા સફાઇ કરનાર કામદારોએ આવતા કહ્યુ. “ના ના, આઇ એમ ઓ.કે.” કહેતો પ્રવીણ બહાર નીકળી પ્રેસિડેન્ટ હોટેલને નિહાળવા લાગ્યો. મંડપમાં આવનારી દુલ્હનની જેમ પ્રેસિડેન્ટ હોટેલને સજાવવામાં આવી હતી. અવનવી રોશનીથી સજ્જ બહારથી પ્રેસિડેન્ટ હોટેલ પર ચાર ચાંદ લાગ્યા હોય તેમ લાગતુ હતુ. બહારથી અંદર પ્રવેશદ્વાર સુધી રેડ કાર્પેટ બીછાવેલી હતી અને તેની બન્ને બાજુ રંગબેરંગી ફુલોની સજાવટ થયેલી હતી. પ્રવેશદ્વારની બન્ને બાજુ મ્યુઝીકલ ફાઉન્ટેનમાંથી ગીતના મ્યુઝીકના તાલે ફુવારા છુટી રહ્યા હતા. લગભગ આખુ જામનગર સજાવટ જોવા આવ્યુ હતુ. પ્રવીણનું મન પણ તે સજાવટને જોઇને આકર્ષિત થતા તે અંદરની સજાવટ અને માહોલ જોવા જવા લાગ્યો પણ પોતાના ચહેરાના કોઇ ઠેકાણા નથી તેવુ ભાન થતા તે બહાર જ ઉભો રહી નજારો જોવા લાગ્યો.

“ભાઇ, આ હોટેલને આટલી કેમ શણગારેલી છે? શું કાંઇ પ્રોગ્રામ છે?” પ્રવીણે હોટેલનો નજારો જોતા એક ભાઇને પુછ્યુ. “અરે ભાઇ, તમે જાણતા નથી કે શું? રાજ્ય કક્ષાના કલા મહોત્સવનુ આયોજન જામનગરમાં થયુ છે. મુખ્યમંત્રીશ્રી અને બીજા અનેક રાજ્ય કક્ષાના મંત્રીશ્રીઓના ઉતારા છે અત્યારે જામનગરમાં, એટલુ જ નહી આ કલા મહોત્સવને નીહાળવા વિદેશથી પણ અનેક ટુરીસ્ટો આવ્યા છે. આગલા પાંચ દિવસ જામનગર શહેર ઝગમગાવાનુ જ છે ભાઇ.” “આ મહોત્સવનુ સ્થળ ક્યાં છે?”

“ભાઇ નવા લાગો છો જામનગરમાં, ઠેર ઠેર મોટા મોટા બેનર્સ અને હોર્ડીંગ્સ મારેલા છે તમને દેખાતુ નથી? કલા મહોત્સવનુ સ્થળ જામનગર રાજકોટ હાઇ-વે ઉપર છે. ભવ્ય મંડાણ મંડાયા છે ત્યાં. છેલ્લા એકાદ મહિનાથી તૈયારીઓ ચાલુ છે. કાલથી જ કલા મહોત્સવનુ ઉદ્ઘાટન માનનિય મુખ્યમંત્રીશ્રીના હાથે થવાનુ છે.”

“સારૂ ભાઇ, ખુબ આભાર તમારો.” બોલતો પ્રવીણ કોફીહાઉસ તરફ વળી ગયો. કોફીહાઉસ બંધ કરી તળાવની પાળે ટહેલવાના ઇરાદાથી પહોંચી ગયો . ત્યાં જતા તો તે ચકિત થઇ ગયો. રાત્રીના અગિયાર વાગ્યે પણ જાણે સુરજ ઉગ્યો હોય તેવી રોશની અને માણસોની ભીડ જામી હતી. તે તો સુકુન મેળવવાની આશાએ અહી આવ્યો હતો પણ માનવમેદની અને કિલ્લોલ વચ્ચે પ્રવીણ્યાના મનને ક્યાં સુકુન મળવાનુ હતુ. તેણે નિરાશ થતા પોતાના પગને તળાવની પાળ તરફ વાળ્યા ત્યાં જતા જ તેને થોડે દૂર બેઠેલા અમુક લોકોની ચીચીયારીનો અવાજ તેના કાને પડ્યા. ગૃપમાં પચીસેક લોકોમાં થોડા છોકરાઓ અને છોકરીઓ હતા. બધા તળાવની પાળે બેઠા મોજ-મસ્તી કરી રહ્યા હતા. તે બધાને જોઇને પ્રવીણને રાજકોટનુ પોતાનુ ગૃપ યાદ આવી ગયુ જે ગૃપનો પોતે હિરો કહેવાતો. તેણે ઘરે જવાને બદલે થોડી વાર તે ગૃપની ક્રિયાઓને માણવાનુ વિચાર્યુ અને તે ગૃપથી થોડે દૂર ઝાડ નીચે બેઠો રહ્યો. ગૃપના તમામ સભ્યો એકબીજાની મસ્તી કરતા હતા અને ફિલ્મના ગીતો ગાઇ રહ્યા હતા, સાથે સાથે ચાટ અને બીજી અનેક વાનગીઓની મિજબાની તો ચાલુ જ હતી. પ્રવીણ તો બસ તે લોકોમાં જાણે ખોવાઇ જ ગયો હતો. દૂર હોવા છતા પણ જાણે તે પોતે ગૃપમાં જ બેઠો ન હોય તેઓ તેને આભાસ થઇ રહ્યો હતો. એક પછી એક ગીતમાં અચાનક જ એક ગીતના શબ્દો પ્રવીણના કાને પડ્યા કે તે ચમકી ગયો..... “યે હંસી વાદીયા, યે ખુલા આસમાં, આ ગયે હમ કહાં એ મેરે સાજણા.....” રોઝા ફિલ્મનું આ ગીત કુંજને બહુ જ પ્રિય હતુ અને અવારનવાર તેના મુખે આ ગીત રમતુ. જ્યારે તે ખુશ હોય ત્યારે તો અચૂક તે આ ગીત ગુનગુનાવતી. જુની યાદોમાં ખોવાયેલા પ્રેયને જાણે હ્રદયે શુળ ચુંભી હોય તેવો અહેસાસ થયો અને ન ચાહવા છતા પણ તેને કુંજ યાદ આવી જ ગઇ. ગીતના એક એક શબ્દો જાણે તેના મોઢેથી નહી પણ તેના હ્રદયમાંથી જાણે એ ગીત નીકળતા ન હોય એટલી તલ્લીનતાથી તે ગીત ગાઇ રહી હતી.

એકવાર તો પ્રવીણના પગ તે ગૃપ તરફ ઉપડી પણ ગયા પરંતુ સમયસુચકતા કેળવી તે ત્યાં જ આંખ બંધ કરી તે ગીતની મધુરતાને માણવા લાગ્યો, જાણે તેની સામે બેઠી કુંજ ગીત ગાઇ રહી હોય અને આખી કાયનાતમાં તે એકલો જ બસ કુંજના સુમધુર કંઠનો આહલાદ માણી રહ્યો ન હોય!!!

થોડી વારે તે ગીતના શબ્દો બંધ થતા મીઠી તન્દ્રામાંથી પ્રેય બહાર આવ્યો, આટલી જનમેદનીમાં પણ જાણે તેને ભરપુર સુકુન મળ્યાનો અહેસાસ થઇ આવ્યો. તેણે આંખ ખોલી તે તરફ જોયુ તો બધા ઉભા થઇ જઇ રહ્યા હતા. પ્રવીણ પણ ઉભો થતો તેની પાછળ પાછળ ચાલતો થયો.

To be continued…

શું પ્રવીણના જીવનમાં કોઇ અન્ય પાત્રનો પ્રવેશ થવા જઇ રહ્યો છે??? શું વર્ષો સુધી જોગી બનેલા પ્રેયના જીવનમાં ઇન્દ્રધનુષી રંગોને ભરવા હવે કોની એન્ટ્રી થશે??? કુંજને ખોઇ બેઠાના દર્દને શું પ્રેય ભૂલી અને તેના જીવનને નવા વણાંક તરફ લઇ જશે???? જાણવા માટે જરૂરથી વાંચજો આગળનો પાર્ટ ત્યાં સુધી સર્વે વાંચકોને જય દ્વારીકાધીશ....... ફરી મળીએ આવતા અઠવાડિયે.