નવલકથા
અપૂર્ણવિરામ
શિશિર રામાવત
પ્રકરણ ૩૭
“તને ઘરે પહોંચવાની ઓચિંતા ઉતાવળ કેમ થઈ ગઈ છે, મોક્ષ? શું થવાનું છે આજે રાત્રે?”
આ વખતે અવાજ માયાનો હતો, જે નજીકથી રેલાયો હતો, સાવ પાસેથી, છતાંય મોક્ષને લાગ્યું કે તે લાખો પ્રકાશવર્ષ દૂરથી ઉડતો ઉડતો આવ્યો છે.
“આઈ રિઅલી ડોન્ટ નો! બસ, મધરાત પહેલાં ઘરે પહોંચી જવું જોઈએ.”
“પહોંચી જઈશું, ફકત હાઈવે પર ગંદો ટ્રાફિક નહીં મળવો જોઈએ,” રિતેશે ગરદન ઘુમાવીને કહૃાું, “રુપાલી, આપણે શું કરવું છે? સીધાં આપણા ઘરે નીકળી જવું છે કે રાત મોક્ષને ત્યાં રોકાઈ જવું છે?”
“જોઈએ. મુંબઈ પહોંચ્યાં પછી નક્કી કરીશું.”
સ્વરો કણ-કણ થઈને વેરાઈ જતા હતા.
એવું કેમ લાગે છે કે સૌના અવાજનાં મૂળિયાં વિરાટ અવકાશના કોઈ અજાણ્યા પદાર્થમાં દટાયેલાં છે...
એવો ભાસ શા માટે થાય છે કે કાન સુધી પહોેંચતા સુધીમાં શબ્દોનું વજન શૂન્ય થઈ જાય છે?
૦ ૦ ૦
બંગલાના કમ્પાઉન્ડમાં કાર પ્રવેશતાં જ જોસેફ અને મુકતાબેનની વાતો અટકી ગઈ. હળવા આંચકા સાથે કાર પોર્ચમાં ઊભી રહી. મિશેલે ઝપાટાભેર બહાર આવીને બીજી તરફથી દરવાજો ખોલ્યો, “કમ.”
તદ્ન નંખાયેલા ચહેરે સુમન બહાર આવી. પહેલું ડગલું ભરતાં જ ગડથોલિયું ખાઈ ગઈ. મિશેલે ખભેથી પકડી લીધી ન હોત ચોક્કસ ફસડાઈ પડી હોત.
“સુમન?” મુકતાબેન હાંફળાફાંફળાં થતાં નજીક ધસી ગયાં. પાછળ જોસેફ પણ ખેંચાયો. શું થઈ ગયું સુમનને?”
“શી ઈઝ ફાઈન. ડોન્ટ વરી,” મિશેલે કહૃાું, “ચાલ સુમન.”
સુમનની આંખો મીંચાઈ જતી હતી. માંડ માંડ હાલકડોલક ચાલતી લાગી. સંમોહનની અસરમાંથી એ હજુય પૂરેપૂરી બહાર આવી નહોતી. મિશેલ આખા રસ્તે એક જ વિચાર કરતી હતી કે વજ્રોલી વિધિ થઈ નથી તો પણ સુમનના આવા હાલ છે, તો ધારો કે એ અઘોરીના ઝપટમાં આવી ગઈ હોત તો શું હાલત થાત!
“આર્યમાન ઘરમાં છે?” મિશેલે પૂછ્યું.
“ના. રાતે મોડા આવશે એવું કહીને ગયા છે,” જોસેફે કહૃાું. એણે સુમનને બીજા હાથે બાવડેથી પકડી રાખી હતી.
“તારી દીકરી કેમ છે, જોસેફ? ઘણા દિવસથી દેખાઈ નથી?”
“રીની મજામાં છે,” જોસેફને આશ્ચર્ય થયંુ, “કેમ આજે ઓચિંતા યાદ આવી?”
“નહીં, સુમને એના માટે એક ગિફ્ટ લીધી છે. એેક કામ કર. ઘરે ફોન કરીને રીનીને બંગલે બોલાવી લે. ભલે બન્ને છોકરીઓ મોડે સુધી રમતી. શું કહે છે?”
જોસેફ વિચારમાં પડી ગયો. સુમનને જોતાં લાગતું નથી કે એ રમવાના મૂડમાં હોય.
“કોઈ પ્રોબ્લેમ?” મિશેલ વેધક નજરે જોઈ રહી.
“ના, ના... સારું, રીનીને બોલાવી લઉં છું.”
“ગુડ.”
“અરે હા, તમારાં દોસ્તો આવ્યા છે. ઉપર બેસાડ્યા છે.”
“એક કામ કરો. સુમનને એના રુમમાં લઈ જાવ. હું...”
આટલું કહીને સુમનનો હાથ મુકતાબેનને પકડાવી, વાક્ય પૂરું કર્યા વગર મિશેલ ઝપાટાબંધ ચક્રાકાર સીડીનાં બબ્બે પગથિયાં ચડતી પોતાના કમરામાં પહોંચી ગઈ. સામન્થા અને એલેકસ લેપટોપ ખોલીને સિગારેટ ફૂંકતાં બેઠાં હતાં. મિશેલને જોતાં જ એમની આંખોમાં ચમક આવી ગઈ.
“મિશેલ, ગુડ ન્યુઝ છે!” એલેકસ લેપટોપ સમેત ઊભો થઈ ગયો, “સ્ટીવનું સાત લોકોનું ગ્રુપ હેમ્પીથી નીકળી ગયું છે. મોડી સાંજ સુધીમાં મુંબઈ પહોંચી જશે!”
“અને ગોવાવાળું ગુ્રપ?”
“એ લોકોએ પનવેલ ઓલરેડી ક્રોસ કરી નાખ્યું છે. પાંચ જણા છે. સાત વત્તા પાંચ એટલેે બાર જણા! મતલબ કે રાત સુધીમાં એક ડઝન પેગન આપણી સાથે હશે!”
“એ બાર અને આપણે ત્રણ... કુલ પંદર પેગન! વન્ડરફુલ!” મિશેલની આંખો ઉત્તેજનાથી ચમકવા લાગી, “હું મુંબઈ આવી એ પહેલાંથી આ લોકોના કોન્ટેકટમાં હતી. મેં રિકવેસ્ટ કરી હતી કે તમારી ઈન્ડિયાની ટૂર ફ્લેકિસબલ રાખજો. ગમે તે ઘડીએ મને તમારી મુંબઈમાં જરુર પડશે... એન્ડ હીઅર ધે આર! આ સિવાય પણ એકાદ ગ્રુપ આવે એવા ચાન્સ છે.”
“તારા અઘોરીબાબાના ઘરે શું થયું, મિશેલ?” સામન્થાએ ધારદાર નજરે જોયું.
“આમ જોવા જાઓ તો કશું ન થયું ને આમ જુઓ તો ઘણું બધું થયું!”
“એટલે?”
“રાત સુધી થોભી જા. બધું સમજાઈ જશે!”
૦ ૦ ૦
કાર ઘાટ વટાવીને નીચે સમથળ જમીન પર ઉતરી ચુકી હતી. માથેરાનનો લીલો પહાડ પરાજિત દૈત્યની જેમ પાછળ હાંફી રહૃાો હતો. અત્યારે ગતિ ક્યાં થઈ રહી હતી? કદાચ મુંબઈ તરફ... અથવા કદાચ નગ્ન અવકાશમાં, અજાણ્યા ગંતવ્યસ્થાન તરફ! દિશાઓ ઓગળી ચુકી હતી. ગુરુત્વાકર્ષણવિહીન ઈલાકામાં આગળ-પાછળ-ઉપર-નીચે-ડાબે-જમણે કશું જ પકડાતું નહોતું.
- તને ડર લાગે છે, માયા?
- નહીં! તું મારી સાથે છે, મારી પાસે છે પછી ડર શાનો!
- અને તારી ફરિયાદો? તારી પીડાઓ?
- હવે કોઈ જ ફરિયાદ નથી. કોઈ જ પીડા નથી.
- ખરેખર?
માયાએ એની સામે જોયું. જાણે સમગ્ર બ્રહ્માંડનું કેન્દ્ર મોક્ષ હોય, એમ.
- તું આવી રીતે મારી સામે જુએ છે ત્યારે અનહદ સંતોષ થાય છે, માયા. જાણે મુકિત મળી ગઈ!
- નહીં! મુકિત મળવાની હજુ બાકી છે. જ્યાં સુધી સંપૂર્ણ સ્પષ્ટતામાંથી પસાર નહીં થા અને સ્વીકાર નહીં કર ત્યાં સુધી મુકિત નહીં મળે!
- કઈ સ્પષ્ટતા? શાનો સ્વીકાર? એવું શું છે જે તું જાણે છે પણ હું જાણતો નથી?
૦ ૦ ૦
રિસોર્ટના રુમો કન્ફર્મ થઈ ગયા. જરુરી સૂચનાઓ અપાઈ ગઈ.
“હું માનતી હતી કે આજે જે પેગન આવવાના છે એ બધા જ ઓસ્ટ્રેલિયન છે,” રિસેપ્શન એરિયામાંથી બહાર આવતાં સામન્થા બોલી.
“ના. સાત ઓસ્ટ્રેલિયન છે, ત્રણ ન્યુઝીલેન્ડના છે, એક ફ્રેન્ચ છે અને એક જર્મન. બીજા જે ગ્રુપની વાત કરી રહી છું એ બધા બ્રિટિશ છે,” મિશેલે કહૃાું, “બધા સાથે મારંુ કમ્યુનિકેશન છે, પણ અમુકને આજે પહેલી વાર ફેસ-ટુ-ફેસ મળવાની છું.”
“આઈ હોપ કે એ લોકોને રિસોર્ટ પસંદ આવે.”
“આવશે જ. આ બધા અલગારી માણસો છે. ટિપિકલ બેગપેકર્સ. રફ-એન્ડ-ટફ માહોલમાં રહેવા ટેવાયેલા છે, પણ આપણા તરફથી કોઈ કસર રહેવી ન જોઈએ. નાઉ લિસન, હું હવે નીકળું છું. સૌની સાથે કો-ઓર્ડિનેટ કરવાની ને અહીં રીસીવ કરવાની જવાબદારી તમારી.”
“ડોન્ટ વરી. સૌને બરાબર સાચવીશું ને સરસ ખવડાવીશું-પીવડાવીશું,” એલેકસે કહૃાું.
“ફકત ખવડાવજો, પીવાનું નામ પણ લેવાનું નથી,” મિશેલના અવાજમાં સખ્તાઈ આવી ગઈ, “યાદ રહે, સૌએ હોશમાં રહેવાનું છે. એકાદ જણો પણ દારુ પીને ઊંઘી જશે તો બાજી બગડી જશે. બસ એક આજની રાત સાચવી લેવાની છે. આજે કાં તો આ પાર યા પેલે પાર!”
૦ ૦ ૦
પૂજાના ઓરડામાં સળગતી વેદી સામે મંત્રજાપ કરી રહેલા અઘોરી ગોરખનાથની એકાગ્રતા કોણ જાણે કેમ આજે વારંવાર તૂટ્યા કરતી હતી. એ આકળવિકળ થઈ રહૃાા હતા. અસ્વસ્થતા તીવ્ર બનતી જતી હતી. આજ જેવો ઉચાટ અગાઉ ક્યારેય નહોતો અનુભવ્યો. આખરે ઊભા થઈને એ બહાર આવી ગયા ને આમતેમ આંટા મારવા લાગ્યા. એમના મનમાં એક જ સવાલ ઘુમરાઈ રહૃાો હતોઃ
મિશેલ સમય પર તાજા મડદાની વ્યવસ્થા ન કરી શકી તો મારી સાત વર્ષની કઠોર પ્રતીક્ષા પર પાણી ફરી વળવાનું!
મઢ આઈલેન્ડમાં શું ચાલી રહૃાું છે એના વિશે ગોરખનાથને કશી જ જાણકારી નહોતી. ગણપત જીવતો હોત તો રજેરજની બાતમી મળ્યા કરત, પણ એ ખરા સમયે જ ટપકી ગયો એટલે ગોરખનાથ આંધળાભીંત થઈ ગયા હતા.
એમણે મોબાઈલ ઉઠાવી મિશેલનો નંબર જોડ્યો.
“નમસ્કાર, બાબા. મારો એસએમએસ મળી ગયોને?”
“હા.”
“સરનામું કલીઅર છે? જગ્યા મળી જશે?”
“મને જગ્યાની ચિંતા નથી, મિશેલ, મને મડદાની ચિંતા છે. હું તો ટાઈમ પર પહોંચી જઈશ, પણ તું સમયસર મડદું અરેન્જ કરી શકીશને?”
“તમે ફકત મઢ આઈલેન્ડ પહોંચી જાઓ. બાકી બધું મારા પર છોડી દો.”
૦ ૦ ૦
મિશેલે ધીરેથી બારણું ખોલ્યું. સુમન એના કમરામાં ઊંધમૂંધ સૂતી હતી. નીચે રમકડાંના ઢગલો કરીને બેઠેલી રીની વિડીયો ગેમમાં એવી ગૂંથાઈ ગઈ હતી કે મિશેલ ક્યારે ધીમા પગલે આવીને એની બાજુમાં ઊભી રહી ગઈ એનું પણ ધ્યાન ન રહૃાું. મુકતાબેન કિચનમાં હતાં.
“લે! સુમન હજુ જાગી નથી? તારી સાથે રમતી નથી? વેરી બેડ. લે, ચોકલેટ ખાઈશ?”
સાત વર્ષની રુપકડી રીની મોં ઊંચું કરીને નાસમજીથી મિશેલને તાકી રહી.
“એકલા એકલા રમવાની મજા નથી આવતી? ચાલ મારા કમરામાં,” મિશેલે ફોસલાવવા માંડ્યું, “ત્યાં પણ ખૂબ બધી ગેમ્સ છે, ટોય્ઝ છે...”
રીની જગ્યા પરથી હલી નહીં. મિશેલનો ચહેરો અને અવાજ એકાએક બદલાવા લાગ્યા.
“ ઊભી થા!” એણે રીનીને બાવડેથી પકડીને રીતસર ઊભી કરી દીધી. એની આંખોમાં કરડાકી આવી ગઈ, “ચાલ મારી સાથે ચુપચાપ!”
૦ ૦ ૦
મોક્ષને આછું આછું સમજાઈ રહૃાું હતું. હજુય કશાકમાંથી મુકિત મળવાની બાકી છે! પણ એને એ નહોતું સમજાઈ રહૃાું કે સમય અત્યારે વહી રહૃાો છે, સ્થગિત થઈ ગયો છે કે અપ્રસ્તુત બની ગયો છે? સમય માણસને બંદીવાન બનાવી દે છે. એવું શું છે જે સમયનો સંદર્ભ ઓગળી જાય પછીય માણસને મુકત થવા દેતું નથી?
- રિતેશ-રુપાલી ક્યાં છે, માયા? હું એમનો પણ ગુનેગાર છું...
- તેં કોઈ ગુનો કર્યો નથી. આપણે જે કંઈ કરતાં હોઈએ છીએ તે એ ક્ષણનું સત્ય હોય છે... અને જ્યાં સત્ય છે ત્યાં સઘળું માફ હોય છે.
- પણ...
- બસ, હવે કોઈ ગિલ્ટ નહીં જોઈએ,મોક્ષ! આ બધામાંથી બહાર આવી જા...
- આ કઈ જગ્યા છે? આ આપણી આસપાસ જે ઉછાળા મારી રહૃાું છે તે પ્રકાશ છે કે અંધકાર?
- ચેતન અને અચેતનની વચ્ચે એક વિરાટ જગત ફેલાયેલું છે. આપણે એની તિરાડોમાં કશેક ફસાઈ ગયાં છીએ.
- આઈ એમ સરપ્રાઈઝ્ડ! તું આ બધું કેવી રીતે સમજાય છે?
- તું પણ બધું જ જાણે છે. તું બધું જ સમજે છે. ફકત સ્વીકારતો નથી. તું ધાર સુધી આવીને પાછો વળી જાય છે. જો, હવે એવું ન કરતો. સત્યને સતત નકાર્યા કરીશ તો થાકીને તૂટી જઈશ, મોક્ષ!
૦ ૦ ૦
સમજાતું નહોતું કે મિશેલના અંધારિયા કમરામાંથી ફેલાયેલી વાસ વધારે તીવ્ર હતી કે પછી ફર્શ પર વચ્ચોવચ્ચ પેટાવેલી અનિયમિત આકારની જાડી મીણબત્તીઓની જ્વાળા વધારે દાહક હતી. તમામ બારી-બારણાં-પડદા ચુસ્ત ભીડાયેલા હતા. મંત્રોચ્ચારણ એકધારું ચાલી રહૃાું હતું. પીગળેલું મીણ રેલાવાથી દરેક મીણબત્તીના નીચેના ભાગમાં ગઠ્ઠો જામવા માંડ્યો હતો. એક બાજુ મિશેલ કાળા રંગની ઢીલી મેકસી પહેરીને, છુટ્ટા વાળ ફેલાવીને પલાંઠી વાળીને બેેઠી હતી. એની આંખો સતત રીની પર તકાયેલી હતી. સામે રીની પૂતળાની માફક સ્થિર બેઠી હતી. એના ચહેરા પર થીજી ગયેલો ભય થીજી ગયો હતો. તે સંપૂર્ણપણે સંમોહિત થઈ ચુકી હતી.
પોણી કલાક પછી મિશેલ ઊભી થઈ. એણે ધીમેથી રીનીને ફર્શ પર સુવડાવી. પછી ફરતે તાજી સફેદ મીણબત્તીઓનું વર્તુળ બનાવી દીધું.
બસ! મિશેલના આંખોમાં સંતોષ છવાયો. હવે એક જ ક્રિયા બાકી રહી!
પણ એ ક્રિયા કરતાં પહેલાં ઘરનો માહોલ જાણી લેવો જરુરી હતો. એણે ધીમેથી ઓરડાનો દરવાજો ખોલ્યો. તે સાથે જ ધુમાડાનો એક ગુબ્બારો બહાર રેલાઈ આવ્યો. બંગલામાં સન્નાટો પ્રસરેલો હતો. આર્યમાનનો કમરો બંધ હતો. એ હજુ સુધી ઘરે આવ્યો નહોતો. મિશેલ પગથિયાં ઉતરીને નીચેના માળે હજુ તો પગ મૂકે ત્યાં સુમનના ઓરડાનું બારણું ધડામ કરતું બંધ થઈ ગયું. મિશેલે ટકોરા માર્યા.
“દરવાજો ખોલો!”
કોઈ પ્રતિક્રિયા નહીં. મિશેલની કમાન છટકી. એણે જોરથી બારણું ઠોક્યું,“ખોલો, કહું છું!”
થોડી પળોમાં દરવાજો ઉઘડ્યો. સામે મુકતાબેન ભયથી થરથર કાંપતા ઊભાં હતાં. તીવ્ર વાસ અને તિરાડમાંથી બહાર નીકળતા ધુમાડા પરથી એ પામી ગયાં હતાં કે મિશેલ પોતાના કમરામાં રીની સાથે કોઈક અગમનિગમની વિધિ કરી રહી છે. મિશેલે કરડી નજરે જોયું.
“જોસેફને મેસેજ આપી દીધો?”
“હા... એ પોતાના ઘરે જતો રહૃાોે...” મુકતાબેન ઈશારાથી અને ભાંગ્યાતૂટ્યા અંગ્રેજી શબ્દોથી સમજાવવા લાગ્યાં, “મેં એને કહી દીધું છે કે રીની આજે રાતે અહીં જ રોકાવાની છે, સુમન પાસે...”
“સુમનને કેમ છે?”
“આવી છે ત્યારની સૂતી છે.”
“હવે ધ્યાનથી સાંભળો!” મિશેલની આંખો સળગવા લાગી, “અડધા કલાક પછી હું ઘરમાંથી બહાર જઈશ. બરાબર સાડા દસે તમે આ રુમમાંથી બહાર નીકળજો. બંગલાનો ગેટ અને બધા મુખ્ય દરવાજા અંદરથી લાક કરી દેજો. પછી સુમન પાસે જાગતા બેસી રહેજો. ગેટ કોઈના મારે ખુલવો ન જોઈએ. આર્યમાન માટે પણ નહીં! સમજાય છે મારી વાત?”