Ra navdhan in Gujarati Short Stories by Dhumketu books and stories PDF | રા નવઘણ

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

રા નવઘણ

રા’નવઘણ

જૂનાગઢના રા’ નવઘણ પાસેથી ઘોડો મેળવવો, એ કાંઈ જેવી તેવી વાત ન હતી. જૂનાગઢનું રાજ જીતવું સહેલું, પણ એનો ઘોડો મેળવવો અઘરું, દામોદરને જયપાલનો સંદેશો તો મળ્યો. વિશ્વાસ જન્માવવાની આ ખરેખર સાચી તરકીબ હતી, એ એ સમજ્યો. પણ એ વિચારમાં પડી ગયો. વખત ઘણો કીંમતી હતો. જે એક દિવસ જતો હતો, તે વધુ ભયંકરતાને જન્મ આપતો જતો હતો. બહુ મોડું થાય તે પહેલાં તાબેદારીના સમાધાનની માગણી મળી જાય, તો જ સુલતાન આંહીંથી ખસે. નહિતર જેમ એક ચોમાસું કાઢ્યું, તેમ બીજું પણ એ ખેંચી કાઢે. અને પછી તો વખતે સંભળાતું હતું તેમ રહી જ જાય તો ? કે એક શાહજાદાને આંહીંનું સોંપી દે તો ? એને ત્યાં એ રીતે ઘર્ષણ પણ ટળે. વખતે સુલતાનનો એ વિચાર દૃઢ થઈ જાય તો પછી એ ખસી રહ્યો. પણ રા’નવઘણ મહા હઠીલો, ગિરનારી ખડક જેવો, અચળ અને અડગ હતો. એ આ વાત સમજે ખરો ? એ તો જે કહેવા જાય તેનું માથું જ ધડ ઉપરથી પહેલું ઉતારી ન લે ?

એટલે દામોદરના દિલમાં અનેક વાતો ઊપડી અને શમી ગઈ. છેવટે એણે વરહોજીને કહ્યું : ‘વરહોજી ! એક ઝડપી સાંઢણી લાવો. મારે જવુ છે !’

‘ક્યાં જવું છે, પ્રભુ ? અત્યારે ? આવી અંધારી રાતે ? હું સાથે આવું ?’

‘સાંઢણીવાળો ને હું, બીજા કોઈનું કામ નથી. હું ગયો છું, એ વાત પણ કોઈને કરવાની નથી. કાલે સાંજે તો હું પાછો આંહીં હોઈશ. આજનો દી સંભાળી લેજો. મહારાજ પૂછે તો કહેજો, જંગલમાં શંકરનું એક જૂનું મંદિર જોવા માટે ગયા છે !’

બીજી જ ક્ષણે એક સાંઢણી આવી. દામોદર ઊપડી ગયો, અંધારી રાત, જંગલ, પોતે એકલો, એ કાંઈ વિચારવાનો વખત ન હતો.

રસ્તામાં એને અનેક વિચાર આવ્યા. એક પળે પોતાના પ્રયત્નોને એણે અફળ થતા જોય. ગુજરાતને રોળાતું દીઠું, દુર્લભ સરોવરમાં ગર્જનકોની હોડીઓ ફરતી જોઈ. પાટણમાં રજપૂતોને, સૂલતાનની લશ્કરી ભરતીમાં આવતા જોય.

સેવંતરાય ને તિલક જેવા અનેકોને રોટલો રળી લેવા ફાંફાં મારતા દીઠા. ગુજરાતમાં સુલતાનની હાક વાગતી સાંભળી.

એનું માથું ભમતું હતું, હૃદયમાં તીવ્ર વેદના જાગીહ તી. કોઈ જગ્યાએ એને આશા જણાતી ન હતી. બહારવટિયા, લડાઈઓથી છિન્નભિન્ન હતાશ થયેલા સરદાર-સામંતોને ભાગતા ને સંતાઈ જતા એણે જોયા.

પમ બીજી જ પળે આશાનું એક નાનકડું કિરણ એના હૃદયમાં પ્રગટતું એણે જોયું. ગર્જનકને પાટણથી સિંઘને માર્ગ ઊપડતો તેણે દીઠો. તેને રણમાં હેરાન હેરાન થતો જોયો. એની લૂંટને લૂંટાતી દીઠી.

અંધારી રાતે, ભયાનક માર્ગે, આવા આશા-નિરાશાનાં અનેક મોજાં ઉપર ચડતો-ઊતરતો, પાટણનો મહામંત્રી દામોદર મહેતો, ઝડપથી જૂનાગઢને પંથે પળી રહ્યો હતો.

રા’ નવઘણને કોઈ રીતે મનાવી લેવાની જરૂરિયાત હતી. બીજા કોઈને મોકલવો તે વખત કાઢવા જેવું હતું. એ રા’નવઘણને જાણતો હતો. એ ગિરનારના ભૈરવી ખડક સમો હતો. ભગવાન શંકરની પેઠે એ જો વળ્યો, તો વળ્યો, ને ન વળ્યો તો પછી આખું રાજ ભલે ડૂલ થાય, પણ એ નહિ જ વળવાનો.

રા’નો આખો વંશવેલો આવો સિંહપંથી હતો. અને એમાં ગુજરાતના રાજાઓ સાથે તો એમને બીયાબારું પણ હતું. રા’ ગ્રહરિપુ મૂલરાજ મહારાજ સાથે આથડ્યો હતો. દુર્લભસેન મહારાજને જૂનાગઢ પાસે જ રા’ના માણસોએ હેરાન કર્યા હતા. ને એમાંથી ભયંકર વેર જન્મ્યું હતું. રા’ નવઘણ એનો જાણકાર હતો. એટલે રા’ ન માને તો એક અતિ અગત્યની કડી પોતાની યોજનામાંથી ઊડી જતી હતી. પછી વળી બીજ તકની રાહ જોવી પડે અને દરમ્યાન તો થાય તે ખરું. આવતી કાલે કઈ વાત કેમ ઊભી હશે તે અત્યારે કળી શકાય તેવું જ રહ્યું ન હતું, અત્યારે તો કિમ્મત દિવસની નહિ, પળની હતી. હજી તો પ્રભાતનાં કિરણો આકાશમાં આવ્યાં ન આવ્યાં, ત્યાં દામોદરની સાંઢણીવાળાએ રા’ના ડુંગરી કિલ્લાના સોમનાથીદ રવાજે કડું ઠોક્યું.

‘કોણ છે ? અત્યારમાં એ ?’

‘એ તો હું છું ! ઉઘાડ !’ દામોદર મહેતાએ જવાબ વાળ્યો.

‘પણ હું એટલે ? એવો ‘હું’ વાળો આંહીં કોણ આવ્યો છે ? આંહીં તો ‘હું છું’ એમ એક અમારા રા’ બોલે છે. બીજો કોઈ તો એમ બોલતો નથી !’

‘કોણ છે દરવાજે અલ્યા ? રા’ને ખબર કર. દામોદર મહેતો આવ્યા છે !’

‘હેં !’ દરવાજામાં અંદર થોડી વાર ગુસપુસ થઈ. પછી તરત ભોગળ ઉઘાડવાનો અવાજ આવ્યો.

દામોદર મહેતો અંદર આવ્યો. દ્વારપાલોમાંથી એક જણો રા’ને ખબર કરવા દોડ્યો ગયો હતો. દામોદરની સાંઢણી દરબારગઢ તરફ આગળ વધી.

દામોદરને મળવા માટે રા’ પોતે જ દરબારગઢને દરવાજે સામે ઊભેલો નજરે પડ્યો. દામોદરને આશા પડી. એને લાગ્યું કે હજી રા’ના મનમાં એકલું પડી જવાની વાત કોઈએ ઉગાડી લાગતી નથી. પણ આ તો ગિરજંગલનો સિંહ હતો, ક્યારે એ આંખ ફેરવશે તે કહેવાય નહિ. ઊતરતાંવેંત જ દામોદર, બહુ જ પ્રેમથી રા’નો હાથ લઈને તેને ભેટી પડ્યો. ‘કેમ મારા રા’ ! કેસરી સિંહ ! કેમ છો ? તમને અમારો સંદેશો મળ્યો હતો ?’

‘સંદેશો મળ્યો હતો. એ પ્રમાણે મંત્રીરાજ વિમલની સાથે માણસો પણ મોકલ્યા છે. પણ એ બધી કડાકૂટ મૂકો ને, પ્રભુ ! અમને અમારી રીતે કામ લેવા દો ને !’

‘તમારી બહારવટાની રીત, કાં ?’

‘ગીરની છાયામાં તો પ્રભુ ! એ ફળે છે. મારે મહારાજ ભીમદેવને એટલા માટે તો મળવા પણ આવવું છે !’

દામોદર ચમકી ગયો. તેને લાગ્યું કે રા’ અને ભીમદેવ મહારાજ એક રીતે એક હતા. લડાઈ કરવામાં ક્યાંય ભેગા થઈને ઊંધું વેતરે નહિ.

બંને જણા અંદર ગયા. રા’ના કોટકિલ્લામાં ઠેકાણે ઠેકાણે કામ ચાલી રહ્યાનાં કાંઈક નિશાન દામોદરે દીઠાં. રા’ શું કરી રહ્યો હતો એની એને કાંઈક ગમ પડી. આંહીં ભવિષ્યની તૈયારીઓ ચાલતી લાગી. પણ એ શા માટે હશે, તે તેને સમજાયું નહિ.

એણે સોમનાથના જુદ્ધ પછી, કોઈ જાતનો ખાસસાથ આપવાનો રસ બતાવ્યો ન હતો, એ ઘણું સૂચક હતું. એ પોતાની અનોખી તૈયારીમાં પડ્યો હોય તેમ દામોદરને લાગ્યું. કદાચ ગર્જનક રહી જવાનો છે, એ ઊડતા સમાચારે, એણે પોતાના કિલ્લાને અજિત બનાવવા માટે આ પ્રયત્ન આદર્યો હોય.

‘અમે એક પાતાળકૂવો આદર્યો છે. તેમાં પાણી નીકળ્યું. અને સૌ એની મોજમાં પડી ગયા ! આ બાજુ જ છે !’

રા’ આગળ ને દામોદર પાછળ એમ એક જબરદસ્ત કૂવાની દિશામાં તે ગયા.

નાખી નજર ન પહોંચે એટલા ઊંડાણમાં પાણી ચમકી રહ્યું હતું.

‘આમાં પાણી કોઈ દી ખૂટે તેમ નથી. અનાજના ભંડાર પણ ભર્યા છે. આ બેઠણું છે. આ અજિત ખડક ઊભા છે. ભલે ગર્જનક આંટા માર્યા કરે !’

દામોદર સમજી ગયો. રા’ને કાને ગર્જનક રહી જવાની વાત આવી ગયેલી હોવી જોઈએ. તેણે મોટેથી કહ્યું : ‘ત્યારે આનું નામ રાખો નવઘણ કૂવો.’ દામોદર બોલ્યો ને રા’ હસી પડ્યો. એને વાત ગમી ગઈ; પણ દામોદરને તો મનમાં પોતાની વાતની ચટપટી હતી. એને સાંજ પહેલાં કામ પતાવીને પાછું ફરી જવું હતું. એના મનમાં ઊંડે ઊંડે એક બીજી વાત પણ અત્યારે આવી ચડી હતી. રા’ની કુંવરી ુદયમતીના વિવાહ વિષે એક વખત પાટણ ુપર સંદેશો આવ્યો હતો. તે વખતે દુર્લભ મહારાજ હતા. દુર્લભ મહારાજને એ વાત કાંઈ ગળે ઊતરી નહિ. રા’ સાથે એનો મેળ નહિ. ત્યાં તો મહારાજે સંન્યાસ લીધો. લોકવાયકા પ્રમાણે લેવો પડ્યો. એ ગમે તેમ હોય. એ વાત ખોળંભે પડી ગઈ. હજી એ ઊડી ગઈ ન હતી. રા’ને મેળવી લેવાની આ એક ભારે તક હતી. દામોદર એ વિષે વિચાર કરી રહ્યો. એમાં એક મોટું વિઘ્ન હતું. હવામાં ભીમદેવ મહારાજના શૂરાતનની પેઠે એમની બીજી વાતો પણ ઊડતી રહેતી. એ પોતે લોકો માટે એક રોમાંચકારી િતિહાસકથા સમા બની ગયા હતા. એમાં સોમનાથની નર્તિકા ચૌલાનું નામ લેવાતું હતું. રા’ને કાને એ વાત આવી હોય તો રા’નું મન પાછું પડે. એ એક મોટું વિઘ્ન હતું. એટલે જે કામ માટે પોતે આવ્યો હતો તે વિષે જ પ્રથમ વાત કરવી રહી. વિચાર કરતો તે રા’ની સાથે અંદર ગયો ત્યાં એક વિશાળ ખંડમાં બંને જણા બેઠા. રા’ના ખંડમાં ચારે તરફ ભીંતો ઉપર શસ્ત્ર-અસ્ત્ર લટકી રહ્યાં હતાં. એ એની રણઘેલછાની સાક્ષી પૂરતાં હતાં. સામેની શિખરમાળા ઉપર ભગવાન શંકરની ધજા ફરકતી હતી. ગોખલામાંથી બહાર દૃષ્ટિ જતાં ડુંગરમાળાઓની લીલીછમ હરિયાળી સૃષ્ટિ ખડી થતી હતી. અડગતાના પ્રતીક સમા ભૈરવી ખડકો ચારે તરફ દેખાતા હતા.

કોઈને પણ ઈર્ષા ઉપજાવે તેવું રા’નું અદ્‌ભુત બેઠણું હતું.

સિંહરાજની અજિત બખોલ સમા દુર્ગને દામોદર નિહાળી રહ્યો. આંહીં બેસનારના મનમાં કોઈને નમવાની કલ્પના પણ ન આવે !

‘મહારાજ પાછા ફરીને જુદ્ધે ચડવાના છે કે પછી બધા સાંભરમાં ઓડો બાંધે છે, ત્યાં જવાના છે ? તમારો સંદેશો મળ્યો. એમાં એવી કોઈ વાત હતી નહિ. એટલે પછી અમે તો અમારી રીતે આદરી દીધું છે !’

દામોદર વિચારમાં પડી ગયો. રા’નો વંશવેલો રણઘેલછાનું લોહી લઈને જન્મતો એણે જાણ્યો હતો. રા’ પણ એવી કોઈ રણઘેલછાની વાતમાં પડ્યો લાગે છે. આ કિલ્લાની તૈયારી, જળાશયની તૈયારી એ બધી એને લગતી જ વાત છે. પણ એના મનમાં મોકો જોઈને ગુજરાતના ઉપર ઘા કરવાની કોઈ વાત તો આવી નહિ હોય ? પણ તો એ આટલો નિખાલસ ન હોય. દામોદરે પહેલાં એ દાણો દાબ્યો : ‘તમે આ નવી તૈયારી આદરી છે, નવઘણજી ! તો શું કોઈ મારણની વાત છે કે શું છે ? સંધ ઉપર ફરીને જવું છે ?’

‘એમ સાંભળ્યું છે પ્રભુ, કે ગર્જનક, વખતે આંહીં જ ધામા નાખે, એટલે કીધું, આપણે આપણી સાંઢણીઓ હવે તૈયાર કરો. આ તો લાંબું ચાલશે. આંહીં રહેવાનું એ નક્કી કરે, પછી એક દી પણ, જો પાટણમાં બેઠો એ, સુખે ધાનનો કોળિયો ભરે, તો તો જૂનાગઢની એકોતર પેઢી સૈરવ નરકમાં ન પડે ? રાતનું મારણ ને દી ઊગ્યે ભલી આ ડુંગરમાળા ! એવી ઘડિયાં જોજન પંદરસો સાંઢણીઓ તૈયાર કરી છે !’

‘પંદરસો ? પણ તમે ભૂલો છો, રા’ ! સુલતાન પાસે ત્રીસ હજાર છે !’

રા’એ મૂછે તાવ દીધો. જમણો હાથ સાથળ ઉપર ઠબકાર્યો. એની આંખમાં નવી જ ચમક પ્રગટી નીકળી. એ તાનમાં બોલી ઊઠ્યો : ‘હવે એ ત્રીસે હજાર ગધેડી થઈ ગઈ. મંત્રીશ્વરજી ! દેશભરમાંથી ખોળી ખોળીને આંહીં અમે જે ભેગી કરી છે, એક વખત એ તમે નજરે તો નિહાળો. એ જ્યારે મારણ ઉપર ચડે, પછી પવન પણ બિચારો પાછળ રહી જાય ! આંહીંથી સાંજે નીકળશે પંદરસો, અને વાળુ ટાણે પાટણને લૂંટીને ધરાર આ કિલ્લા ભેગી થી જાશે ! ને ગર્જનક જોતો રહેશે ! ત્રીસે હજારના ટાંટિયા એના ગળામાં ભરાઈ રહેશે !’

‘હા...’ દામોદર મનમાં ઘા ખાઈ ગયો. ત્યારે આ તો રા’ની રીતે રા’ની તૈયારી થતી હતી. એ સમજી ગયો, આને એકલી બહારવટા ુપર જ નિઃસીમ શ્રદ્ધા હતી. એ પોતાની રીતે જ લડવાનો. એ બીજાની પડખે ઊભો નહિ રહે.

પણ અત્યારે વાળવા જતાં, વખતે એ આડો ફાટે, દામોદરે ધીમેથી પોતાની વાત મૂકવા માંડી : ‘જુઓ રા’ નવઘણજી તમે જૂનાગઢનો અજિત કિલ્લો રાખી રહ્યા છો. સંઘનાં રણ પણ તમે જોયાં છે. તમે મહારાજ ભીમદેવનું શૂરાતન નજરોનજર નિહાળ્યું છે. તમે ગુજરાતના બહાદુરમાં બહાદુર મંડલેશ્વર છો. પણ અમે જે વાત અત્યારે ાદરી છે, એમાં એક નવી જ વાતની જરૂર છે. એટલા માટે હું પોતે આવ્યો છું. તમે જો સાથ આપો, તો ગર્જનક પાછો તો જાય, પણ એવો હેરાન થતો જાય, કે સો વરસ સુધી ત્યાંથી કોઈ ગુજરાતની દિશામાં પછી નજર પણ નાખે નહીં ! આ કરવું છે કે તમે, મહારાજ, સૌ છૂટા છૂટા એને હેરાન કરો, રંજાડો, એ કરવું છે ? આપણે આ વાતનો પહેલો નિર્ણય કરવાનો છે. બોલો, તમે સોમનાથના રખેવાળ છો. સોમનાથના ભગવાનનું ગગનને અડે એવું એક ભવ્ય મંદિર પાછું આપણે ઊભું કરવું છે કે નથી કરવું ? આપણે પાછું ગુજરાતને થાળે પાડવું છે કે નથી પાડવું ? આડખીલી આ એક સુલતાનની છે. એણે ભારતભરમાં કૈંક રાયને રોળી નાખ્યા છે. એની સેના અત્યારે પણ અપરંપાર છે. છતાં એ તમને નહિ પહોંચે એ સાચું, પણ એ જો આંહીં રહી ગયો, તો આપણા પાસા ઊંધા પડવાના છે !’

‘પણ એ તે આંહીં રહેશે કેમ ? એના દાંત ખાટા નહિ થઈ જાય ? આંહીં હજી તો રા’ના વંશવેલાનો દીવો, માતાને મંદિરે અખંડ બળી રહ્યો છે. મંત્રીજી !’

‘નવઘણજી ! રા’ ! તમારી વાત બહાદુર કેસરી જેવી છે. તમારી હાકે કોણ ધ્રૂજ્યું નથી તે આ નહિ ધ્રૂજે ? પણ આપણે સમો વરતવાનો છે. આપણે સૌ છૂટાછૂટા પડ્યા છીએ. એ એકલો ચક્રવર્તી છે. અત્યારે તો એને કોઈ જુક્તિથી કાઢીએ, તો રંગ રહી જાય. એને જાવું પણ છે. નથી જાવું તેમ પણ નથી, પણ આડે સાંભરમાં ઓડો બાંધવા સૌ ભેગા થયા છે, એટલે એ થોભી ગયો છે. પણ એમાંથી એ લાંબું થોભી જાય, તો નવું લાકડું ઊભું થાય. પછી બીજાનું તો જે થતું હોય તે થાય, પણ ગુજરાતનું તો આ ધરતી ઉપર નામનિશાન ન રહે. સોમનાથ ભગવાનનું મંદિર ન રહે. સોલંકી વેલો ન રહે, પાટણનું રાજ ન રહે. અને આ તમારો અજિત ગઢ પણ ન રહે !’

‘અરે ! ભાર છે કોઈનો, મહેતા ! કે આ જૂનાગઢ જીતે ? એ જીતવાવાળો તો હજી કોઈ જન્મ્યો નથી. અને જનમવાનો પણ નથી !’

‘રા’ નવઘણજી ! તમારી ચાલ કેસરીની છે, એ શું મારાથી અજાણ્યું છે ? પણ કેસરી ક્યારેક તો જાળા આડો આધાર લે છે નાં ? ત્યારે આપણે એવો થોડોક આધાર લઈ લેવો છે. સુલતાન તો જાય, જો કોઈક મહારાજ ભીમદેવનો ઘા આડો ઝીલી લે. અમે દુર્લભ મહારાજને તૈયાર કરવા ધાર્યા છે. એ રાજપાટ સંભાળે. સુલતાનને એ સાથ આપે. થોડો વખત બધેથી સુલતાનને ખંડણી મળે, તાબેદારી મળે, દુર્લભ મહારાજ ભીમદેવ મહારાજનો ઘા માથે લઈ લે !’

રા’ નવઘણ આ સાંભળતાં ઊંચોનીચો થઈ ગયો. તેણે સાથળ ઉપર હાથ ઠબકાર્યો :

‘અરે ! આ કોણ બોલે છે ? પાટણનો મંત્રીજાર ? આ તમે શું બોલો છો મહેતા ! આ તે હું તમારાં વેણ સાંભળું છું કે મારું મગજ ચસકી ગયું છે ? પાટણપતિને ત્યાં આવી વાત ? મહાઅધરમની ! ભગવાં છોડાવવાનું મહાપાપ, કોણ માથે લેવાનું છે ?’

દામોદરે શાંતિથી કાંઈ ન હોય તેમ કહ્યું : ‘જે કાંઈ પાપ થતું હોય તે મારા ઉપર ભગવાન સોમનાથ મૂકે, મારો વંશવેલો ભલે નિર્મૂળ થઈ જાઓ, પણ નવઘણજી ! તમે વાત સમજો. આ સુલતાન તો જ જશે. એટલા જ માટે જયપાલને ત્યાં મોકલ્યો છે એ કાંઈક કરશે તેમ જણાય છે. જયપાલનો આ સંદેશો છે. એને ત્યાં વિશ્વાસ મેળવવો છે. અને એક બીજી વાત છે. રા’ ! તમારા ઘોડાનો પણ ખપ પડ્યો છે !’

‘મારો ઘોડો ?’ રા’નો હાથ તરવાર ઉપર જ ગયો. ‘મારો ઘોડો હું આપું ? તમે ઘર ભૂલી ગયા લાગો છો, મહેતા ! રા’નું માથું મળે, રા’નો ઘોડો ન મળે !’

દામોદર આ જવાબ માટે તૈયાર જ હતો. તે ધીમા, શાંત પણ મક્કમ અવાજે બોલ્યો : ‘તમે પણ ત્યારે ભૂલો છો રા’ ! આવું માગણું હજાર વર્ષે, કોઈક વખત કોઈક ને ત્યાં આવે છે ! આ કોઈ માણસ માગણ નથી. આ તો દેવ તમારે ત્યાં માગવા આવે છે. દામોદર મહેતો રા’નો ઘોડો માગવા આવ્યો નથી. એ તો જાણે છે કે, જૂનાગઢના રા’નો ઘોડો એ તો એની જિંદગી છે. એ તો એનો કિલ્લો છે. એનો એ ગર્વ છે. એની માગણી ન હોય. એ ન મળે, પાટણના ભીમદેવ મહારાજ પણ આ માગવા આવ્યા નથી. એ પણ વાત જાણે છે. ગુજરાતના લોક માગવા આવ્યા નથી. કવિ, બારોટ કે દસોંદી માગવા આવ્યા નથી. આ તો ખુદ ભગવાન સોમનાથ પોતે માગવા આવ્યા છે. હું તો એનો બોલાવ્યો બોલું છું. તમારો ઘોડો ભગવાન સોમનાથના મુક્તિ યજ્ઞમાં હોમવાની દેવાજ્ઞા છે. એ ઘોડો, જયપાલ ત્યાં આપવાનો છે. હોમી દેવાનો છે. હું કહું છું ને, આ તો એક અશ્વને હણવા મોકલવાનો છે. વાત મોટી ગણો તો મોટી છે. નાની ગણો તો નાની છે. પણ એનાપરિણામે, ભગવાન સોમનાથનું સુવર્ણ મંદિર ઊભું થાય, ત્યારે જૂનાગઢના રા’ ભલે, આવા સો ઘોડાનું દાન કરે. અત્યારે તો આ એક ઘોડો સોમનાથ ભગવાન પોતે માગે છે. બધું આવશે, આ વખત નહિ આવે નવઘણજી ! બીજું બધું આવશે. તમે જવાબ આપો, એટલે હું જાઉં. હું તો મારા મનમાં મોટી આશા લઈને આવ્યો હતો. ક્ષિતિજની પેલી મેર, પાટણના સોનેરી રૂપેરી સિંહાસન ઉપર તમારા જ કોઈ વંશવેલાને, ભારતવિખ્યાત વીર વિક્રમી છત્ર નીચે શોભાવવા માટે હું દોડ્યો હતો. આ સમો હતો. આ તક હતી. ભીમદેવ મહારાજની ને તમારી એક રાશ છે. બેયની ચાલ કેસરીની છે. જૂનાગઢ પાટણ મળે એવો આ સમો છે. મહારાજને સંઘ ગળે ચોટ્યું છે. તમે સંઘ સંઘ જપો છો. મહારાજને કેસરી નરની દોસ્તી ખપે છે. તમારી આંખમાં કેસરીની છાયા છે. દુર્લભ મહારાજ, એ જમાનો, એ વાત, એ જવાબ, ભૂલી જાઓ નવઘણજી ! હું સોમનાથનો ભક્ત છું, તમે સોમનાથના રક્ષણહાર છો, મહારાજ સોમનાથના દ્વારપતિ છે. કોને ખબર છે આટલી આ એક નાનકડી દેખાતી વાતે પાટણની રાજગાદી કોના વંશમાં જઈને ઠરવાની હશે ? તમારો જવાબ ભલે ગમે તે હો. પણ સોમનાથ ભગવાન જેવો દેવ માગવા આવે છે, એ વાત ન ભૂલતા. પ્રભુ ! હવે હું જાઉં !’

દામોદર ઊભો થવા જતો હતો. પણ ત્યાં રા’એ એનો હાથ પકડ્યો. એને દામોદરની વાતમાં કૈંક વાતોનાં સ્વપ્નાં રમી રહેલાં દેખાયાં.

‘મંત્રીજી ! તમે કહ્યું, દેવ જેવા દેવ માગે છે, તો તો થઈ રહ્યું. ઘોડો ભલે યજ્ઞમાં હોમાતો. ભગવાનની એવી ઇચ્છા હશે ! પણ અમારાં સપનાં ભા, તમે રોળી નાખો છો.’

‘ઇચ્છા હશે નહિ... છે, નવઘણજી ! ભગવાનના મઠપતિએ પોતે પણ એ ભવિષ્યવાણી કહી છે.’

‘શું ?’

‘આ મંદિરની ધજા રા’એ રક્ષી છે. રા’ રક્ષવાના છે. રા’ના વંશવેલાથી એ રક્ષાવાની છે. વંશવેલાથી, નવઘણજી ! આ વાત છે !’

દામોદરના છેલ્લા શબ્દો સાંભળીને રા’ ઘડીભર ઊંડા વિચારમાં પડી ગયો લાગ્યો. એને એમાંથી જગાડવા માટે ઢંઢોળતો હોય તેમ દામોદર બોલ્યો. ‘અમે તમારી પાસે વેણ નાખ્યું છે. ભગવાનની આજ્ઞા છે. મહારાજની ઇચ્છા છે. કોને ખબર છે, આપણી આ એક નાનકડી વાતનાં કોણ જાણે કેવાં મહાન ફળ આવવાનાં હશે ? ‘અને એક બીજી વાત પણ છે હો, નવઘણજી ?’

‘બોલો !’

‘તમારી બે-ત્રણ સાંઢણી ! એ પણ જોઈશે. ભોમિયા જોઈશે. સાંઢણીવાળા જોઈશે. તમે રંગ રાખ્યો છે, તો હવે છેવટ સુધી રંગ રાખો. ભગવાનની કૃપાએ તો, આજે પંદરસો સાંઢણીથી મારણ કરવાની વાત કરો છો. પછી વખતે પંદર હજાર લઈને સિંઘ ઉપર જવાની વાત આવશે. ભગવાન સોમનાથ આપણને એ દી દેખાડે ! ને એ વખતે આપણે એકબીજાની પડખે હોઈએ !’

‘હા પ્રભુ ! એકબીજાની પડખે હોઈએ. મોટી વાત એ છે. પણ મારે આ માટે મહારાજને મળવા આવવું છે, પ્રભુ !’

‘તે ભલે આવો, પણ આ મેં તમને વાત કરી દીધી. હવે બહુ વખત કાઢવો નથી.’

રા’ મહારાજને મળવા આવે તો દામોદરને વાત વેડફાઈ જવાનો ભય લાગી ગયો. પણ રા’ને મહારાજ પ્રત્યે માન હતું, એટલે મહારાજને મળ્યા વિના એ પગલું નહિ ભરે. પાટણના ઇતિહાસમાં આ પહેલી જ વખત રા’ અને પાટણપતિ એકબીજાને પ્રેમથી સમજતા હોય તેમ બન્યું હતું. હજી થોડાં વર્ષો પહેલાં તો આ રા’નવઘણ પોતે જ દેવાયત આયરને ત્યાં ઊછરતો હતો. અને એને ખોળવા પાટણનાં માણસો ભમતાં હતાં. દેવાયતે અદ્‌ભુત વીરતા બતાવી હતી. એ વીરતાની વાત સાંભળતાં ભીમદેવ મહારાજ જેવા પણ ડોલી ઊઠ્યા હતા. દેવાયતે પાટણના માણસોને નવઘણને બદલે નવઘણના જેવો વેશ પહેરાવીને પોતાનો સગો દીકરો ઉગો સોંપી દીધો હતો. ઉગો મર્યો હતો.

આ ઉગાની બહેન જેસલ. તે સિંઘમાં ગયેલી. એના રૂપ ઉપર સિંધનો રાજા હમીર મોહ્યો. તે વખતે રા’નવઘણ, નવ સોરઠનો ધણી, સિંધમાં પહોંચ્યો, જેસલને છોડાવી. એ સિંધ સાથે ભરી માપવાની વાત. રા નવઘણની હજી પણ, બાકી હતી. અને ભીમદેવ મહારાજના દિલમાં તો ગુજરાતના ચારે તરફના વિસ્તારનું એક મહા સ્વપ્ન ક્યારનું ખડું થઈ ગયું હતું. એમાં સિંધ પણ આવતું હતું.

એટલે આ બંને કેસરી આજે પાસે પાસે આવી ગયા હતા.

પણ દામોદરને રા’ની બીજી બીક હતી. રા’ ને ભીમદેવ મહારાજ બે ભેગા થાય. તો કદાચ આ આખી વાત પાછી વેડફાઈ જવાનો ભય જાગે. રા’ની તૈયારી જોઈને એને એ વિચાર આવ્યો. બંને રણક્ષેત્રના અટંકી ઉપાસકો રહ્યા.

દામોદરે રા’ની વિદાય લીધી ત્યારે, રા’ પોતે, મહારાજની પાસે આવી જવાનો એમ નક્કી થયું.