નવલકથા
અપૂર્ણવિરામ
શિશિર રામાવત
પ્રકરણ ૩૬
----------------------------------------------------------------------------
હોઠ પર ઝબકી ગયેલું વિજયી સ્મિત મિશેલે જાણી જોઈને ઓલવી નાખ્યું.
“આ તમે શું કહો છો, બાબા?”
સુમનને પૂજાના ઓરડામાં એકલી છોડીને એ અધ્ધર જીવે બાબા ગોરખનાથની પાછળ દોરવાઈ. બાબા ડ્રોઈંગરુમના સોફા પર ધૂંઆફૂંઆ થઈને બેસી પડ્યા હતા.
“ક્ષમા કરજો બાબા, મને તમારી વાત સમજાઈ નહીં,” મિશેલે મૂંઝાઈને પૂછ્યું, “સુમનના શરીરમાં ગર્ભાશય નથી એટલે? એવું કેવી રીતે બને?”
“તું મારી મંત્રશકિત અને સ્પર્શજ્ઞાન પર અવિશ્વાસ કરે છે, મૂરખ?” ગોરખનાથ ઓર ભડક્યા, “મેં હમણાં જ એનાં શરીરની આંતરિક ઝલક નિહાળી. છોકરી તો સદંતર રસહીન છે, એનું શરીર અંદરથી સૂકુંભઠ્ઠ થઈ ચૂક્યું છે. આની સાથે હું શું વજ્રોલી વિધિ કરીશ? આવી ગર્ભાશય વિનાની અધૂરી સ્ત્રીને મારી સામે ધરી દેવાની તારી હિંમત કેવી રીતે ચાલી?”
“આઈ એમ સો સોરી, બાબા! મને ખરેખર આ બધું....” મિશેલ ગુંચવાતી ગઈ, “આઈ રિઅલી ડોન્ટ નો... પણ આવું શી રીતે શક્ય છે? હું ખરેખર જાણતી નહોતી કે સુમન ફકત મેન્ટલી નહી, ફિઝીકલી પણ...”
“બસ!”
ગોરખનાથે હાથ ઊંચો કરીને ત્રાડ પાડી. વજ્રોલી વિધિ ન થઈ શકવાને એકલા ગોરખનાથના નહીં, એમના આખા ઘરના અણુએ અણુ અશાંત થઈ ગયા હતા.
“કોઈ ખુલાસા નહીં જોઈએ, મિશેલ. તેં મારી વિધિ બગાડી છે. તું મારી શિષ્યા છે ને મેં તને કંઠી પહેલાવી છે એટલે બંધાઈ ગયો છું, નહીંતર અત્યારે વજ્રોલી વિધિ તારી સાથે કરત... અને એ જ તારી સજા હોત!”
મિશેલ થથરી ઉઠી. ગોરખનાથનો ક્રોધ ઠંડો થવાનો નામ લેતો નહોતો, “હવે અંદર જા, પેલી છોકરી પર લોટામાંથી મંતરેલું પાણી છાંટ, એનું સંમોહન તોડ અને લઈ જા અહીંથી! મારે ફટાફટ બીજી કોઈ વ્યવસ્થા કરવી પડશે. રાતના ત્રણ વાગ્યા સુધીનું મુહૂર્ત મૂલ્યવાન છે, એના માટે મેં સાત વર્ષ રાહ જોઈ છે! આ સાલો ગણપત...”
ગોરખનાથે બબડતા બબડતા ડ્રોઅરમાંથી મોબાઈલ કાઢી નંબર જોડ્યો. સામે છેડે ફોન રણકતો રહૃાો.
“ફોન કેમ ઉપાડતો નથી હરામખોર....”
ગોરખનાથના ચહેરા પર તનાવ વધતો ગયો. મિશેલ ચુપચાપ જોઈ રહી હતી.
“ફોન ઉપાડ... ફોન ઉપાડ...”
“ગણપત ઈઝ ડેડ, બાબા!” મિશેલે આખરે કહી દીધું.
ગોરખનાથ ચોંક્યા, “શું બોલી તું?”
“વધારે દિવસ થયા નથી,” મિશેલે કહેવા માંડ્યું, “એની વાઈફ મુકતાબેન સુમનની દેખભાળ કરે છે એટલે મને ખબર છે. ગણપત ઓચિંતા બીમાર પડી ગયો હતો ને કોઈ કૂપર હોસ્પિટલમાં જીવ છોડ્યો. છેલ્લી ઘડીએ મુકતાબેને એની પાસે હતા અને...”
“બસ!” ગોરખનાથ ધૂંધવાઈ ઉઠ્યા, “સાલાને અત્યારે જ મરવાનું સૂઝ્યું? હવે હું કેવી રીતે...”
એમના ચહેરા પર એકાએક ચિંતાની લકીરો ખેંચાઈ આવી હતી. અસ્વસ્થ થઈને એ કમરામાં આંટા મારવા લાગ્યા. મિશેલ પૂતળાની જેમ એક બાજુ ઊભી હતી.ગોરખનાથ પાછા ભડક્યા, “તું હજુ કેમ અહીં ખોડાયેલી છે? જતી કેમ નથી?”
“આઈ એમ ફીલિંગ ગિલ્ટી, બાબા. હું કઈ કરી શકું તમારા માટે?”
“તું કશું જ નહીં કરી શકે મારા માટે! તું બસ જા અહીંથી.”
“બાબા! પ્લીઝ ગુસ્સે ન થતા. હું ફકત એટલું જાણવા માગું છું કે તમારું મુહૂર્ત વીતે ત્યાં સુધીમાં વજ્રોલી સિવાય બીજી કોઈ વિધિ થઈ ન શકે?”
બાબા અકળાઈ ગયા. મહામુશ્કેલીથી સંયત રહીને તેમણે જવાબ આપ્યો, “આજના નક્ષત્રોની સ્થિતિ એટલી દુર્લભ છે કે એને હું મામૂલી વિધિમાં વેડફી ન શકું. આવા અમૂલ્ય ચોઘડિયાને લાયક બે જ વિધિ છે - વજ્રોલી અને શવસાધના! હું સાત વર્ષથી આજના યોગની રાહ એટલા માટે જોઈ રહૃાો હતો કે જો મેં અત્યારે અક્ષતયોનિ કન્યા સાથે વજ્રોલી વિધિ સંપન્ન કર્યું હોત તો મને બેવડું ફળ મળ્યું હોત.... પણ તેં ને તારી સુમને આખો ખેલ બગાડી નાખ્યો...”
“...અને ધારો કે હવે હું જ ખેલ સુધારી આપું તો?”
“તું કહેવા શું માગે છે?” ગોરખનાક તાકી રહૃાા.
“ધારો કે હું તમને શવસાધના માટે વ્યવસ્થા કરી આપું તો?”
“શવસાધના માટે તાજું મડદું જોઈએ, મૂરખ! અને તે પણ ચોક્કસ પ્રકારનું! આવું મડદું મેળવવા માટે આગોતરું પ્લાનિંગ કરવું પડે, મહેનત કરવી પડે!” ગોરખનાથ ઉકળી ઉઠ્યા હતા, “તંુ પોતે શવસાધના કરી ચુકી છે છતાંય જાણતી નથી આ વાત?”
“સારી રીતે જાણું છું બાબા. હું એ પણ જાણું છું કે શવસાધનામાં મડદું જેટલી નાની ઉંમરની વ્યકિતનું હોય એટલું વધારે સારું, કારણ કે સાધના દરમિયાન મડદું બેઠું થાય તો એને અંકુશમાં રાખવાનું વધારે સહેલું પડે,” મિશેલ શાંતિથી બોલતી ગઈ, “એટલે જ તમને કહું છું. માની લો કે હું તમને સાત-આઠ વર્ષની બાળકીના તાજા મડદાની વ્યવસ્થા કરી આપંુ તો?”
ગોરખનાથ સ્થિર થઈ ગયા, “તું વ્યવસ્થા કરી આપીશ?”
“હા!”
“કેવી રીતે?”
“એ બધું તમે મારા પર છોડી દો!”
“પૂરી વાત કર, છોકરી! તારા પર એક વાર ભરોસો કરીને હું પસ્તાયો છું. તારા પર મદાર રાખીને હું નવેસરથી આંધળૂકીયા ન કરી શકું. તું કઈ બાળકીની વાત કરે છે?”
“મારા વોચમેન જોસેફની દીકરી... રીની! ગણપતે કદાચ તમને રીની વિશે ક્યારેક વાત કરી હશે...”
ગોરખનાથ જોઈ રહૃાા. એમની આંખોમાં પાછી શંકા સળવળવા લાગી, “આ બહુ ગંભીર મામલો છે, મિશેલ. દુનિયાની નજરે બાળકનો વધ ભયંકર અપરાધ છે. તું આ કરી શકીશ એની ખાતરી છે તને?”
“મારા પર છેલ્લી વાર ભરોસો મૂકી જુઓ, બાબા! મારી તાકાતનો અંદાજ તમને મળી જશે!”
ગોરખનાથ વિચારમાં પડી ગયા હતા. આ સોળ કલાક કોઈ પણ રીતે સાચવી લેવાના છે. જો આ સમયગાળો કોરોકટ જશે તો બીજા સાત વર્ષ સુધી આવો યોગ ઊભો થવાનો નથી. ગણપત હોત તો તાત્કાલિક કંઈક જુગાડ થઈ શકવાની થોડીઘણી સંભાવના હતી, પણ હવે એ ય રહૃાો નથી એટલે...
“મારી વાત માનો, બાબા!” મિશેલ તીવ્રતાથી તાકી રહી હતી, “મને મારી જાતને પૂરવાર કરવાનો મોકો તો આપો.”
“ઠીક છે!”ગોરખનાથે મન બનાવી લીધું, “બોલ, શું કરવા ધારે છે?”
“તમે મઢ આઈલેન્ડ આવી જાઓ. આજે રાત્રે બરાબર એક વાગે. એકઝેકટલી ક્યાં આવવાનું છે તે હું તમને સમજાવી દઉં છું. એકથી ત્રણની વચ્ચે, તમારાં શુભ ચોઘડિયાં પૂરાં થાય તે પહેલાં તમારી શવસાધના સંપન્ન થઈ જશે!”
“ઠીક છે!” ગોરખનાથે વેધક દષ્ટિ કરી, “પણ ધ્યાન રહે, આ વખતે કોઈ ભુલચુક થઈ છે તો તને એટલી ભયાનક સજા મળશે જેની તેં કલ્પના પણ કરી નહીં હોય! અને હા...”
બાબા અટક્યા. આખરે એ વાત પૂછી જ નાખી જેનો મિશેલનો ડર હતો, “મેં તને આપેલું હતું તે યંત્ર તૈયાર રાખજે. યંત્ર હેમખેમ છેને?”
“હા!”
૦ ૦ ૦
મોક્ષ બગીચામાં હિંચકા પર સ્થિર થઈને એકીટશે હરિયાળીમાં શૂન્યમાં તાકી રહૃાો હતો.
લિઝા અને મુમતાઝ હજુ હમણાં સુધી આંખો સામે હતી, બોલતી-ચાલતી હતી, હરતી-ફરતી હતી... પણ હવે નથીડ્ડ
બસ! હવે સહન નથી થતું, માથેરાન!
તું અમારા માટે વિશ્રામસ્થળ હતું, તારા ગોદમાં અમે હળવાફુલ થવા આવતા હતા, તારા ખોળામાં અમે નિર્ભાર થઈ જતા હતા, પણ હવે તું મોતનંુ સરનામું બની ગયું છે, માથેરાન! તારા સકંજામાંથી હવે છુટવું છે, બસ!
“ક્યારનો શું વિચારે છે, મોક્ષ?”
માયાએ હળવેથી એના ખભે હાથ મૂક્યો. માયાના સ્પર્શથી એ એકાએક વર્તમાનમાં આવી ગયો.
“હં? કશું નહીં.”
એનાં મસ્તિષ્કનું પ્રવાહી ઝમ ઝમ ઝમ કરતું બંધ થઈ ગયું. માથા પર સમડીની જેમ ચકરાવા લઈ રહેલી જીવાયેલી ક્ષણો સંકેલાઈને, શાંત થઈને પાછી અતીતના પટારામાં બંધ થઈ ગઈ. મોક્ષ અચાનક એક ન સમજાય એવી હળવાશ અનુભવવા લાગ્યો.
“આવ, અહીં મારી બાજુમાં બેસ.”
માયા એને સ્પર્શીને બેઠી. મોક્ષ ક્યાંય સુધી એને ચહેરાને મૃદુતાથી જોતો રહૃાો.
“બહુ વિચારો ન કર, મોક્ષ. તું જે જુએ છે, જે ફીલ કરે છે તે જ સત્ય છે. તું છે, હું છું અને આપણે બન્ને એકબીજાની સાથે છીએ. બીજું શું જોઈએ?”
મોક્ષે એને આલિંગનમાં લઈને ચુમી લીધી. પછી આર્દ્રતાથી કહૃાું, “મેં તને અમેરિકા ન લઈ જઈને મોટી ભુલ કરી નાખી. આઈ એમ સોરી.”
“નો, આઈ એમ સોરી! સુમનની સર્જરી કરાવતાં પહેલાં મારે તને વિશ્વાસમાં લેવાની જરુર હતી. તારી જગ્યાએ હું હોત તો મને પણ આટલો જ આઘાત લાગ્યો હોત ને કદાચ મેં પણ કોઈ એકસટ્રીમ પગલું ભર્યું હોત.”
“પણ તું સાચી હતી, માયા. ગર્ભાશય દૂર થયું એટલે જ સુમન નિર્ભય બનીને, ગરિમા સાથે જીવી શકે છે. વધારે સલામત રહી શકે છે. આ વાત મને ત્યારે કેમ ન સમજાઈ?”
“બધી વાતો આદર્શ સમય પર સમજાઈ જાય એ જરુરી નથી હોતું, મોક્ષ! હું તો એ યાદ કરીને ખુશ થાઉં છું કે અમેરિકાથી પાછા આવ્યા પછી તેં મને કેવી પ્રેમમાં નવડાવી દીધી હતી! અહીં જ, માથેરાનના આ જ ઘરમાં...”
મોક્ષ કશું બોલી ન શક્યો. માત્ર એનો ચહેરો વેદનાથી તર-બ-તર થઈ ગયો. માયાએ એના કપાળ પર વાળ સરખા કર્યા, “બસ! દુખી ન થા. જેટલું દુખી થવાનું હતું એટલું આપણે થઈ લીધું છે. જો, રુપાલી ને રિતેશ તૈયાર થઈ ગયાં હશે. ચાલ, તું પણ તૈયાર થઈ જા. માથેરાનની વિદાય લેવાનો સમય થઈ ગયો છે...”
માથેરાનના પ્રવેશદ્વાર દસ્તૂરી પહોંચ્યાં સુધી ત્યાં સુધી ચારેય નિઃશબ્દ રહૃાાં. અલવિદા, માથેરાન! ખૂબ પ્રેમ કર્યો હતો તને... પણ તું આટલી ક્રૂરતાથી અમને વેદનાની અગ્નિમાં હોમી દઈશ એવી કલ્પના નહોતી કરી. તારી લાલ માટી નીચે આટલાં બધાં આશ્ચર્યો, અનિશ્ચિતતાઓ અને આઘાતો દબાઈને પડ્યા હશે એવો અંદાજ નહોતો...
દસ્તૂરી પર માથેરાનમાં પ્રવેશી રહેલા પ્રવાસીઓ, છોડી રહેલા ટુરિસ્ટો તેમજ પાર્ક થયેલા વાહનોની જમઘટ હતી. મોક્ષ-માયા છેલ્લે માથેરાન આવ્યાં હતાં ત્યારે દસેક દિવસ પછી રિતેશ-રુપાલી પણ અહીં આવ્યાં હતાં... અને ત્યારે પણ સૌ આ જ રીતે દસ્તૂરીથી કારમાં નીચે ઉતરવા રવાના થયાં હતાં.
“માયા, હજુય કહું છું, આપણે કારમાં જવાનું ટાળીએ...” રુપાલીએ ફફડાટથી કહૃાું, “કમ સે કમ આ વખતે તો ટ્રેનમાં જઈએ. તું વિરોધ કેમ કરે છે?”
“નહીં રુપાલી! ટ્રેન નહીં. કારમાં જ.”
માયા કોઈની વાત માનવાની નથી તે સ્પષ્ટ હતું. ચારેય ગોઠવાયાં. કારનું એન્જિન થરથર્યું. ઘાટ ઊતરવાનું શરુ થયું. સર્પની જેમ ભયાનક વણાંક લેતી દગાબાજ સડકની એક તરફ કાળમીંઢ પથ્થરની ઊંચી દીવાલ હતી, બીજી બાજુ ખતરનાક ખીણ. છેલ્લે માથેરાન આવેલાં ત્યારે ઘાટ ઉતરતી વખતે મોક્ષ ડ્રાઈવ કરી રહૃાો હતો, માયા હેન્ડીકેમથી એકધારું શૂટિંગ કરી રહી હતી, રિતેશ સ્ટિલ કેમેરાથી તસવીરો ખેંચી રહૃાો હતો અને ચારેય ખુશખુશાલ ચહેરે મોટેથી ગીતો ગાતાં...
પણ આ વખતે ભાવસ્થિતિ જુદી છે!
પહેલો વણાંક, બીજો વણાંક, ત્રીજો તીવ્ર વણાંક અને હવે સૌથી ખતરનાક ચોથો વણાંક...
સૌને એકસમાન અનુભૂતિ થઈ રહી હતી. નહીં! અહીંથી આગળ નહીં જઈ શકાય! આ વળાંક પસાર થાય તે પહેલાં માથેરાન આપણને પાછા શોષી લેશે! આ હિલ સ્ટેશન એટલી આસાનીથી મુકિત નહીં આપે. હમણાં માથેરાનની લબકારા મારતી લોહિયાળ જીભ ત્રાટકશે, અજગરની જેમ ફરતે ભરડો લઈને ભીંસી નાખશે અને પછી પોતાનાં શરીરના કાળમીંઢ અંધકારમાં ઉતારી દેશેે...!
ચોથો વણાંક જેમ જેમ નિકટ આવી રહૃાો હતો તેમ પ્રત્યેક ક્ષણમાંથી જાણે સહસ્ત્ર રેષાં ખેંચાતા જતા હતા. ફકત એક જ ભુલ, વણાંકની ગોળાઈનો અંદાજ લેવામાં ભુલ, કારને કંટ્રોલ કરવામાં ભુલ અથવા બીજું કોઈ પણ કારણ અને...
માયાએ જોરથી આંખો મીંચી દીધી. મોક્ષનું શરીર તંગ થઈ ગયું. રિતેશ અને રુપાલીનો જીવ અધ્ધર થઈ ગયો...
પણ માથેરાને આ વખતે હાર માની લીધી. કાર સપાટામાં ચોથો વણાંક ઉતરી ગઈ!
માયાએ આંખો ખોલી. સૌએ આસપાસ નજર ફેરવી. કાર નિશ્ચિત ગતિથી આત્મવિશ્વાસપૂર્વક ઘાટ ઉતરી રહી હતી.
ઓહ!
ચારેયના ચહેરા હસુ હસુ થઈ ઉઠ્યા. ચોથો વણાંક પસાર થઈ ગયો!
માથેરાન ચીરાઈ ગયું હતું. પાછળ છૂટી ગયું. કોઈ સંઘાત નહીં, કોઈ વેદના નહીં. ફકત ગતિ...અને મુકિત. આ મુકિત પૂર્ણ નથી, આંશિક છે, છતાંય આહલાદક છે. મોક્ષના મસ્તિષ્કમાં મદહોશી છવાઈ ગઈ. આંખો સુખથી મીંચાઈ ગઈ. માથેરાનની ચુંગાલમાંથી આઝાદી મળી ગઈ...
“ઓહ માય ગોડ! આઈ ડોન્ટ બિલીવ ધિસ!” રુપાલી હરખથી રડી પડી.
“રડે છે શું કામ? વી આર સેફ! બસ હવે સીધા મુંબઈ!” રિતેશે કહૃાું.
“ઘર પહોંચતા કેટલાં વાગશે, રિતેશ?” મોક્ષ પૂછ્યું.
“રાતના બાર-એક તો ખરા. કેમ?”
“બસ, જલદી ઘરે પહોંચવું છે. આજે રાત્રે... આઈ ડોન્ટ નો, કશુંક થવાનું છે!”