આમન્યા
ભાગ ૨
બે રસ્તા માં અટવાતું જીવન...
આમન્યા એ પોતાના ઘરના એક રૂમ ને જ એની ઓફીસ બનાવી દીધી છે. બને ત્યાં સુધી બહાર ઓછી જ નીકળે છે. જે પણ ને કઈ કામકાજ હોય તે ઘરે આવી ને જ મળી જાય છે, ઉપરાંત સ્ત્રીઓ ને પગભર કરવા, એક સીવણકામના ક્લાસ પણ ચાલે છે, જેનો પગાર પણ દર મહીને બધા એની ઓફિસે થી-ઘરે થી જ લઇ જાય છે. આ ગોઠવણ એણે જ કરી હતી જેથી દર મહીને એને પોતાને ત્યાં કામ કરનારા ની જાણકારી મળતી રહે.
“સરલા, આ આરતી કેમ બે મહિના થી દેખાતી નથી ?”
“શી ખબર, બેન ? કદાચ એના માં બાપ ને મળવા ગઈ હશે. એ છેક સોલાપુર ની છે , એટલે જાય તો પછી તો એકાદ મહિનો તો રોકાય ને ?”
ગુજરાત ના અંતરિયાળ ગામડાઓ માં એવા ઘણા ઘર છે જ્યાં કોઈ ને કોઈ વહુ બહાર ની એટલે કે બીજા રાજ્યો ની હોય.ત્યાં દારૂ, જુગાર જેવી બદી ના કારણે ત્યાં ના માં બાપ પોતાની દીકરી ને, થોડા પૈસા ના લોભે કે એના સુખી જીવન ની કામના એ અહિયાં આપવાનું પસંદ કરે છે. આ ઉપરાંત ઘણી સ્ત્રીઓ અપહરણ કરીને વેચેલી પણ હોય છે પણ એનું પ્રમાણ અહી નહીવત જેવું છે.
“ના ના, બેન. એનું તો ઓપરેશન હતું.” મીના બોલી. “એનું ઘર મારે રસ્તા માં જ આવે છે. મેં એની સાસુ ને પૂછ્યું’ તુ. આરતી તો દવાખાને હતી.”
“લે, વળી એને શેનું ઓપરેશન ? સાજી નરવી તો હતી.” આમન્યા મીના નો પગાર ગણતા ગણતા બોલી.
“એપ્રેન્ડીક્સનું.”
“એપ્રેન્ડીક્સ નહી ગાંડી, એને એપેન્ડીસ્ક બોલાય. સારું સારું. તબિયત તો સારી છે ને એની હવે ?”
“હા.”
બીજા મહીને તો આરતી પગાર લેવા પણ આવી પહોંચી.
“આરતી તું બેસ. મારે તારું કામ છે.” કહી આમન્યા એ એને પોતાની બાજુ માં બેસાડી અને બીજા બધા ને પગાર કરી રવાના કર્યા. તેણે ઉભા થઇ પાણી નો ગ્લાસ આરતી ને આપ્યો.” લે, હું બહુ ખુશ છું કે તું કામે આવી ગઈ, બીજી સ્ત્રીઓ પણ તારી પાસે થી શીખશે. એપેન્ડીસ્ક મટી ગયું ?”
આરતી ને તો આ સાંભળી ઘૂંટડો જાણે ગળા માં જ ફસાઈ ગયો. “એપેન્ડીસ્ક ? મુજે કયો હોને લગા એપેન્ડીસ્ક ? મને તો કઈ નથી થયું.”
“શું ? તો પછી તારા સાસુ એ મીના ને કેમ એવું કીધું કે તારું ઓપરેશન હતું ?”
“ઓપરેશન તો હતું. પણ એપેન્ડીસ્ક કા નહી. મેં નસબંધી કરાવેલી હતી તેને ખોલવાનું .”
“નસબંધી ? કેમ ?કોઈ કુંવારી છોકરી નસબંધી કેમ કરાવે ?”
“પાગલ હું ક્યાં ? કુંવારી નસબંધી કેમ કરાવું ? મારા પહેલા પણ લગન થયા હતા,ત્યારે કરાવી દીધી હતી.”
“ઠીક. તો પછી તું અહિયાં ? કઈ રીતે ?”
“પહેલા મારા લગન અમારી જ્ઞાતિ માં થયા હતા.નાગપુર માં. મારે એક દીકરી અને એક દીકરો પણ થયા હતા.મોટી સોના અને નાનો દેવ.મારો પતિ દારૂ પીતો હતો પણ ક્યારેક જ ,પણ ખબર નહી કેમ થોડા વર્ષો પછી એનું વર્તન એકદમ બદલાઈ ગયું ? એ રોજ દારૂ પીવા લાગ્યો.રોજ મને મારવા લાગ્યો.
“પણ કેમ ?”આમન્યા એ આવા ઘણા કિસ્સાઓ જોયા-સાંભળ્યા હતા.આમપણ એના જીવનમાં જ એ જે સહન કરી રહી હતી એની આગળ એને બીજા કોઈનું દુઃખ ખાસ મોટું લાગતું નહોતું.
“મને ખબર નથી.બધા કહેતા એનું કોઈ બીજી સ્ત્રી સાથે હતું.એ વાત સાચી હોઈ શકે છે,પણ મેં ક્યારેય એની ઉલટ તપાસ કરી નહોતી.જેવો હતો એવો,આખરે મારો પતિ હતો.મારા બાળકો નો બાપ હતો. મેં એને ક્યારેય કોઈ વાત વિષે પૂછ્યું પણ નથી.”
“આ વાત જ માણસ ને નબળા બનાવે છે.કેન્સર પણ આપણા કોષો ને જ થાય છે,હવે એ જેવો છે તેવો પણ મારા શરીર નો જ ભાગ છે એમ કરી ને બેસી તો નથી રહેવાતું ને ? એને તો દુર કરવું જ પડે.એમ દરેક અસામાજિક પ્રવૃત્તિ ભલે પોતાના દ્વારા કે પારકા દ્વારા થાય એનો વિરોધ તો થવો જ જોઈએ.”
“પણ આંખ માં મોતિયો હોય તો આંખ કાઢી તો નથી નખાતી ને ? અને કદાચ હું કરવા ધારું તો પણ એ મને વિરોધ કરવા જેવી રહેવા દે તો ને ! પછી તો એના બસ બે જ કામ રહ્યા હતા,દારૂ પીવો અને મને મારવી.એ રાતે આવી ને મારી સામે બોટલ નો ઘા કરતો.મારા બાળકો તો બીક ના માર્યા ફફડી ઉઠતા.મારા ખોળા માં પોતાને સંતાડવાની મથામણ કરતા.ને ૩-૪ વર્ષ ના બાળકો બીજું કરે પણ શું ?હું તો એને પતિ માની લેતી ,પણ બાળકો ને તો એનામાં બાપ નહી પણ રાક્ષસ જ દેખાતો. ”આમન્યા એકીટશે એની સામે જોઈ રહી. “એણે બાળકો પર ક્યારેય હાથ નહોતો ઉપાડ્યો,પણ મારા શરીર નો કોઈ ભાગ બાકી નહોતો રાખ્યો. એને મારતો જોઇને ગલી માં તો એવી વાતો પણ થતી કે એના ઉપર કોઈ ખરાબ આત્મા નો ઓછાયો છે.એણે જ એને જાનવર બનાવી દીધો છે.અને એ મારતો પણ જાનવરની જેમ જ.છતાં હું સહી જતી. એના થાક્યા પછી મારા અંગો ને જેમતેમ કરી સમેટી લેતી અને તૈયારી કરી લેતી બીજા દિવસે માર ખાવાની.”
“પણ તારે માબાપ ના ઘરે જતું રહેવાય ને ! ગમે તેટલો ગરીબ બાપ હોય પણ દીકરીની આ દશા તો ન જ જોઈ શકે.”
“ખરેખર બેન ,મેં પણ એકદિવસ આ નિશ્ચય કરી જ લીધો.ભલે સવાલ ખાલી ગરીબી નો જ નહોતો ,સવાલ બાપ ની આબરૂ નો પણ હતો.પતિ ના ઘર થી પાછી આવેલી સ્ત્રી ની સામે સો આંગળી ચિંધાય.મારી સામે પણ ચિંધાત.તે છતાં એકદિવસ તો મેં એ નર્ક માંથી નીકળી જવાનો નિર્ણય કરી જ લીધો.”
“હં,પછી ?”
“ઉપરવાળો જ જયારે તમારી સામે રમવા બેઠો હોય ને ત્યારે તમારી કોઈ ચાલ કામ નથી આવતી. હું જવાની હતી એની આગલી રાતે જ એ મને કઈક સુંઘાડી મારા બાળકોને લઇ ને ક્યાંક ભાગી ગયો.હું સવારે છેક જાગી,જોયું તો ઘરમાં કોઈ નહોતું. પહેલા મારું જીવન દુઃખો થી ભરેલું હતું,હવે એ મારું જીવન જ લઇ ગયો હતો.મેં બહુ દોડાદોડી કરી,બહુ ધમપછાડા કર્યા,બહુ શોધ્યો પણ એ ન મળ્યો.એનો માર તો મને ક્યારેય આટલો નહોતો વાગ્યો.આજ મને એટલી પીડા થતી હતી.”આમન્યા પાસે હવે બધી દલીલો ખૂટી ગઈ હતી.હવે તો આ દુ:ખ એના દુ:ખ માં જ ભળી ગયું હતું કે જેનાથી તો એ ઘણા સમય થી હારી રહી હતી.
“પછી શું થયું ?”આમન્યા હવે એ વહેણ માં જ વહી ગઈ.
“પછી હું એ ઘર માં ન રહી શકી.હું ઘર ની સામું જોતી તો મને મારા દેવ નો અવાજ સંભળાતો, ‘મમ્મી મને બચાવ ‘ મારી સોના ની ચીસો સંભળાતી.બેઠી હોવ તો એવું લાગતું જાણે મારા બાળકો હજી પણ મારા પાલવ માં સંતાવા માંગે છે.એ ઘર ની દરેક વસ્તુ માં ક્યાંક મારા બાળકોની યાદી તો ક્યાંક મારા ઉજરડા પડેલા હતા.ખૂણે ખૂણો એક દુર્ગંધ થી ભરેલો હતો.મારી માનસિક સ્થિતિ સાવ ખરાબ બની ગઈ હતી.હું મારા માં બાપ ના ઘરે રહી,મારી એક પિતરાઈ બહેન બાજુ ના ગામ માં જ છે.એણે અહિયાં મારું ગોઠવી દીધું.મારી ના હોવા છતાં મારા અહિયાં લગન કરી દેવામાં આવ્યા.એ કેવો એકતરફી માર્ગ છે નહી ! કે તમે એકવાર સમાજ સામે સાબિત કરી દો કે તમે ગાંડા છો પછી ક્યારે એમની નજરો માં સાજા નથી થઇ શકતા.”આરતી ના અવાજ માં એક પ્રકાર ની લાચારી હતી.
આમન્યા મનોમન વિચાર કરી રહી હતી કે ,’કોનું દુઃખ મોટું ગણાય ? મેં ક્યારેય મારા બાળકો ને જોયા નથી,એને નવ મહિના પેટ માં નથી રાખ્યા,ક્યારેય વ્હાલ નથી કર્યો,ક્યારેય એના માટે ઉજાગરા કે જાગરણ નથી કર્યા છતાં જો અત્યારે મારા પેટે બાળક મળી જાય તો એને માટે મારી જિંદગી પણ આપી દેવા તૈયાર છું.જયારે આ ‘માં’ એ તો એ બધું જ કર્યું છે,અરે જાનવરો જેવો માર સહન કર્યો છે.એ એના બાળકો માટે શું ન કરી શકે ?’ એના મન ઉપર અત્યારે શું વીતતી હશે એ આમન્યા બરાબર સમજી શકતી હતી.દુઃખ સહેવું અઘરું નથી ,પણ સુખ પછી તરત આવેલું દુઃખ સહન કરવું એ ખુબ કઠણ છે.
“તને ખબર છે અત્યારે તારો પતિ અને બાળકો ક્યાં છે ?
“હા, એ ત્યાં જ આવી ગયો છે.પાછો નાગપુર.એજ ઘર માં.હું ગઈ હતી એકવાર.દુર થી મારા બાળકો ને જોઇને આવતી રહી.? તમે તમારા બાળકો વિના રહી શકો ?કોઈ ‘માં’ ન રહી શકે. મને થયું લાવ હું પણ આમને લઈને ભાગી જાઉં, પણ જાઉં ક્યાં ? અહિયાં મારો જ સ્વીકાર નથી થયો તો મારા બાળકો ને તો કોણ સ્વીકારે? મારું ઓપરેશન પણ નિષ્ફળ ગયું છે.હવે તો તમે જ એક બાળક પેદા કરો મારા માટે... ”
“શું ?”આમન્યા ને ઝટકો લાગ્યો.એની દુઃખતી રગ એ દબાવી રહી હતી.પણ એ બિચારી કઈ જાણતી નહોતી.
“હા,અહિયાં ની આ રીત ખુબ સરસ છે.અહિયાં હું એક વહુ છું,એક પત્ની છું,બસ એક સ્ત્રી નથી.દિવસે કામ કરવાનું મશીન,રાતે પથારી માં માણવાનું સાધન એથી વિશેષ કઈ નથી.હું જે છું એ બાબત એમના માટે શરમજનક છે ,હું જ્યાંથી આવી છું એ એમના માટે શરમજનક છે.મારી રહેણી કરણી,મારી ચાલઢાલ,મારી બોલી,મારા વિચાર દરેક વસ્તુ એ બદલાવા માંગે છે.મારી કોઈ વસ્તુ એમને પ્રિય નથી,સિવાય કે મારી કુખ.શું કામ ? મારે કુળદીપક આપવાનો છે.એટલે જ તો ઓપરેશન...હા, અહિયાં મારા શરીર ને મારતા નથી,પણ મારી ઓળખ ને મારે છે,મારા અસ્તિત્વ ને મારે છે.અહિયાં હું જ મને માણસ નથી લાગતી.અહિયાં કોઈ મને માણસ નથી લાગતું.”આરતી ના આંસુઓએ એની પાંપણ નો બંધ તોડી નાખ્યો.આમન્યા એ તેને પોતાના ખભે ઢાળી દીધી. આટલા બધા વર્ષો નું રુદન એકસાથે એ જાણે આમન્યા ના ખભે ઢોળવા લાગી.અમુક દરદ ની દવા સમય પાસે નથી હોતી,એનું નિવારણ તો એક ખભો જ કરી શકે છે.ખરેખર તો સમય સાથે કોઈ દરદ મટતું જ નથી, બસ એને સહન કરવાની શક્તિ આવી જાય છે. એતો જમા થતું જ રહે છે અને એક દિવસ આમ ઉભરાઈને આંખ માં આવી જાય છે.
આમન્યા વિચારે છે.’એકતરફ પોતે બાળકો ન થવાથી વાંઝણી છે અને બીજી તરફ આરતી બે બાળકો ની માતા હોવા છતાં વાંઝણી છે.ખરેખર દુઃખી કોણ છે ? કુદરત પણ ખરી નિર્દય છે.’
આરતી ની હાલત ખરાબ હોવાથી આમન્યા તેને પોતાની સ્કુટી પર ઘરે મૂકવા જતી હતી.હજી સ્કુટી સ્ટાર્ટ જ કરી રહી છે ,એટલા માં ત્યાંથી એક મેલોઘેલો માણસ બે નાના બાળકો સાથે નીકળ્યો.છોકરી મોટી હતી તે આરતી ને જોતા વેંત ‘માં... માં...’ કરતી એને વીંટળાઈ ગઈ.દીકરો પણ એની બહેન ની પાછળ પાછળ એને વળગી પડ્યો.આરતી એ એના પર ચૂમીઓ નો વરસાદ કરી દીધો.એનો પતિ દુર હાથ જોડી ઉભો રહ્યો. માં અને બાળકો ને આમ જોઇને આમન્યા ની આંખો માં પણ આંસુ આવી ગયા.
હવે આરતી પાસે બે રસ્તા હતા.એક પોતાના બાળકો અને જુના પતિ સાથે જતી રહે.એના પ્રથમ લગ્ન તૂટ્યા જ નહોતા એટલે બીજા લગ્ન આમપણ અમાન્ય હતા. બીજો પોતાનું વર્તમાન જીવન ચાલુ રાખે અને બાળકો ને ભૂલી જાય.
(ક્રમશ)
(આપ આરતી ની જગ્યા એ હોવ તો શું નિર્ણય લેશો ? કોમેન્ટ માં જણાવો. )