Operation Abhimanyu - 12 in Gujarati Fiction Stories by Vihit Bhatt books and stories PDF | ઓપરેશન અભિમન્યુ - 12

Featured Books
Categories
Share

ઓપરેશન અભિમન્યુ - 12

ઓપરેશન અભિમન્યુ:

લેખકના બે શબ્દો...

જે નવલકથા મારા મનમાં ઘણા લાંબા સમયથી જીવંતરૂપે ચાલતી રહી હતી એને લાંબી દ્વિઘાના અંતે માતૃભારતી પર મૂકી રહ્યો છું. આ એક લાંબી નવલકથા છે જેમાં તમને એક્શન, સસ્પેન્સ અને રોમાન્સ એ બધા રસનો સ્વાદ ચાખવા મળશે. આ કહાની છે ગુજરાત પોલિસના એસપી સુભાષ કોહલી અને તેમના ભવ્ય ભૂતકાળની. આ કહાની છે ઓપરેશન અભિમન્યુની.

પ્રકરણ ૧૨

થોડીવારમાં જ હું તિલકમાર્ગ પોલિસચોકી પહોંચી ગયો. ત્યાં રાઘવ લોક-અપમાં એક કેદીની પૂછપરછ કરી રહ્યો હતો. રાઘવ ખુરશી પર બેઠો હતો અને કેદી નીચે જમીન પર. ત્યાં લોક-અપમાં એ બંને સિવાય બીજું કોઈ હાજર નહતું. લોક-અપની બહાર ત્રણ હવાલદાર ઉભા હતા. હું લોક-અપના દરવાજા પાસે ગયો એટલે એમાંના એક હવાલદારે લોક-અપનો દરવાજો ખોલી આપ્યો. મેં તેની અંદર પ્રવેશ કર્યો. લોક-અપમાં પ્રવેશ્યા બાદ નજીકથી જોતા કેદી ઓળખાઈ આવ્યો. તે એક ટેક્સી ડ્રાઈવર નામ શાંતારામ હતો. હજુ ગયા હફ્તે જ દારૂ પીને ટેક્સી ચલાવવા બદલ તેને અંદર કરી દેવામાં આવેલો હતો.

“એ... બીડી આપોને બીડી...!” શાંતારામે ટેક્સી ડ્રાઈવરનો મેલોઘેલો ખાખી યુનિફોર્મ પહેરેલો હતો. તેનો ચેહરો સખત મૂઢ માર વાગવાના લીધે સુજી ગયો હતો. તેના નાકમાંથી લોહી વહી રહ્યું હતું. તે છતાં તે સાવ શાંતિથી બેઠો હતો. લોક-અપમાં શાંતિ પ્રવર્તી રહી હતી. મચ્છરો બણબણાટ કરી રહ્યા હતા. નીચું માથું રાખીને શાંતારામ જમીન પર પોતાના જમણા હાથની તર્જની ફેરવીને ગોળ કુંડાળા બનાવી રહ્યો હતો. અંતે થોડીવારે શાંતિનો ભંગ કરતા તેણે કહ્યું.

“બીડી મળશે તો મારા પ્રશ્નોના જવાબ આપીશ ને.?” ઊંચા અવાજે રાઘવે પૂછ્યું. શરૂઆતમાં શાંતારામ ભડકી ગયો બાદમાં ઊંચું માથું કરીને રાઘવની જોડે આંખથી આંખ મેળવીને હકારમાં માથું ધુણાવ્યું. રાઘવે લોક-અપની બહારની તરફ દ્રષ્ટિ કરવા પાછળ જોયું એટલે તેની નજર મારા પર પડી. અત્યારે તેનો ચેહરો પહેલીવાર જોયો. તે ખાસ્સો ગુસ્સામાં હતો. તેનો ચેહરો અને આંખો લાલ હતી. મારા આવ્યા પહેલા શાંતારામની સરખી ધોલાઈ થઇ હોવી જોઈએ એવું મેં અનુમાન લગાવ્યું. મને અવગણીને રાઘવે હવાલદાર તરફ નજર કરી. હવાલદાર લક્ષ્મણપ્રસાદ સમજી ગયો એટલે અંદર આવ્યો. તેણે શાંતારામને બીડી અને માચીસ આપ્યા બાદ ફરીથી લોક-અપની બહાર નીકળી ગયો.

અહી શાંતારામ નામ પ્રમાણે જ શાંતિથી બીડી સળગાવીને લોક-અપમાં ધુમાડાના ગોટેગોટા ઉડાડવા લાગ્યો. રાઘવ થોડીવાર શાંત ચિતે આ બધું જોઈ રહ્યો. પાંચ મિનીટ વીતી ગઈ અને શાંતારામની બીડી પણ પૂરી થઇ ગઈ. ફરી એક વખત શાંતિ બની રહી. પણ આ તોફાન પહેલાની શાંતિ હતી કારણ કે રાઘવના મનનો રઘવાટ હું સારી રીતે સમજતો હતો.

“હજુ એક આપોને...બીડી.!” જમીન તરફ નજર રાખીને શાંતારામે કહ્યું.

“નહિ આ વખતે દંડો લાવો લક્ષ્મણપ્રસાદ.!” રાઘવે કહ્યું અને તે ખુરશી પરથી ઉભો થયો. તેણે શાંતારામની બોચી પકડી અને ઉચકીને બે-ત્રણ ફૂટ છેટ્ટો ફેંક્યો. ત્યાં લક્ષ્મણપ્રસાદ દંડો લઈને આવ્યો અને રાઘવના હાથમાં આપ્યો. દંડો હાથમાં આવતા જ રાઘવ શાંતારામના કુલે સટાસટ વાર કરવા લાગ્યો. યાતનાઓમાં પીડાતા શાંતારામ મરણચીસો પાડવા લાગ્યો.

“મારો નહિ મને, મારો નહિ.!” શાંતારામ બચવા માટે પોતાના હાથ પોતાના કુલા પર ધરવા લાગેલો. આખું દિલ્લી પોલિસ ડીપાર્ટમેન્ટ તેને ઓળખતું હતું. તેનું વર્તન હમેશા અજીબ રહેતું.

“આને કશી ખબરે નહિ હોય અને હશે તો પણ આપણને અવળા માર્ગે ચડાવશે.” શાંતારામ પાછળ ખોટો સમય બગાડવાનું ઉચિત ન લાગતા મેં રાઘવને કહ્યું.

“બીડી ચડી ગઈ હવે ડંડા ચડશે એટલે ફટફટ બોલવા લાગશે જોજે.” રાઘવે આટલું કહેતાં ફરી એક દંડો શાંતારામના સાથળ પર માર્યો.

“એ બોલું બધું માઈ બાપ બોલું છું.” શાંતારામ બંને હાથ જોડીને કરગરવા લાગ્યો એટલે રાઘવે તેને મારવાનું બંધ કર્યું અને ફરીથી ખુરશી પર પોતાની બેઠક ગ્રહણ કરી. લક્ષ્મણપ્રસાદ ફરીથી લોક-અપની અંદર આવ્યો અને રાઘવને પાણીની બોટલ આપી ગયો, રાઘવ તીક્ષણ આંખે શાંતારામને જોતા બોટલનું ઢાંકણું ખોલીને પાણી પીવા લાગ્યો.

“બોલ કેટલા માણસો હતા.?” રાઘવે ઊંચા અવાજે પૂછ્યું.

“સરદાર દો...દો થે સરદાર...

વો દો ઓર હમ તીન.

ફિર ભી વાપસ આ ગયે સરદાર.

ખાલી હાથ.

ક્યા સોચા કે સરદાર ખુશ હોગા.

શાબાશી દેગા.?” શાંતારામે નાટક ચાલુ કર્યું એટલે રાઘવ ફરી દંડો લઈને ઉભો થયો.

“એ સાહેબ મારતા નહિ મને. એ કુલ એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ...છ લોકો હતા માઈ બાપ. કાળા કલરની ગાડીમાં આવ્યા હતા. ગાડીમાંથી ઉતરી એકબીજાને ગળે મળ્યા. જાણે પાછા કદી ન મળવાના હોય એમ. અમુક રડતા પણ હતા.” આંગળીઓના વેઢે ગણતા શાંતારામે કહ્યું.

“કરતારની વાત સાચી પડી શકે એમ છે. રણજીતે સીમાપારના જેહાદી તત્વોની આમાં મદદ લીધી હોય.” રાઘવે મને કહ્યું. “સામાન શું હતો એમની પાસે.?” ફરી શાંતારામ સામે ઘોઘરા અવાજે પૂછ્યું.

“બેગ હતા, બેગ. કોલેજના બચ્ચાઓ લટકાવે એવા પણ ભારે ભરખમ.!”

“બેગમાં શું હોઈ શકે.?” મને મનમાં પ્રશ્ન થયો જે તરત જીભ પરથી કુદીને હવામાં ઓગળી ગયો.

“બોમ્બ, બારૂદ અથવા બીજા કોઈ વિસ્ફોટકો.!” રાઘવે જવાબ આપ્યો.

“જેઓ ખુદ ચાલતા ફરતા બોમ્બ હોય એને વિસ્ફોટકોની શી જરૂર.?” મારો પ્રશ્ન આ વખતે પણ સહજ હતો.

“આખી મેટ્રોને ઉડાડવા વધુ વિસ્ફોટકોની જરૂર પડી હોય.” રાઘવે કહ્યું. આ દરમ્યાન શાંતારામ પોતાની જગ્યા પરથી ઉભો થયો અને રાઘવની નજીક આવ્યો.

“સાહેબ હજુ એક વાત બોલું.?” શાંતારામે કહ્યું. રાઘવ કઈ પણ બોલ્યા વગર તેની સામે ટગર ટગર જોવા લાગ્યો.

“પણ એના પહેલા હજુ એક બીડી પીવડાવો.!” તેણે કહ્યું. રાઘવે ફરી લક્ષ્મણપ્રસાદ સામે જોયું. ફરી લક્ષ્મણપ્રસાદ લોક-અપમા આવ્યો અને પેલાને બીડી અને માચીસ આપતો ગયો.

”તમે લંગડાને ઓળખો છો.?” શાંતારામે પાંચ મિનીટ ફરી બીડી પીવામાં બગાડી. આ માણસ એક જ કામ શાંતિથી કરતો અને એ હતું બીડી પીવાનું.

“શહેરમાં ઘણા લંગડાઓ છે શાંતારામ.! અને હવે જરાય આડી અવળી વાત કરી છે ને તો એવો હાલ કરીશ કે શહેરમાં તને એ બધા લંગડો તરીકે જ ઓળખશે.” સાવ શાંત ચિતે રાઘવે કહ્યું.

“પેલો રામ ચરણને.?” મેં કહ્યું.

“જી સાબ.” શાંતારામે કહ્યું. આશ્ચર્યચકિત થઈને રાઘવે પાછુ ફરી મારી સામે જોયું.

“સર એ આના જેવો જ નકામો ટેક્સી ડ્રાયવર હતો. પાછલા મહીને એને પણ આની સાથે જ દારૂ પીને ટેક્સી ચલાવવા બદલ અંદર કરેલો. બીજા દિવસે તેની ટેક્સી સહીત તે પુલ કુદીને યમુનાના પાણીમાં ખાબકી ગયો. કહેવાય છે કે એને સ્યુસાઈડ કરી લીધું.” રાઘવને જવાબ આપતા મેં કહ્યું.

“એ મર્યો નથી સાહબ. મેં એને જોયો છે. મેં એને કાર ચલાવતા જોયો છે.” આંખો ગોળ ગોળ બનાવી મારી નજીક આવીને શાંતારામે કહ્યું. તેના મોઢામાંથી દેસી દારૂની સ્મેલ આવતી હોવાથી હું દુર ખસી ગયો.

“એનો આ ઘટના સાથે શો સંબંધ છે. શાંતારામ મારું મગજ હટી ગયુંને તો તને અહિયાં જ પરલોક પહોચાડી દઈશ.” ગુસ્સામાં લાલચોળ થતા રાઘવે કહ્યું.

“સંબંધ છે સાહેબ સંબંધ છે એટલે જ આ શાંતારામ એની વાત કરે છે. એક તો એના મર્યાની અફવા પછી મેં એને જોયો છે અને બીજું એ કે મેં એને એ જ ગાડી ચલાવતા જોયેલો જે એ દિવસે પ્રગતિ મેદાન મેટ્રો સ્ટેશને આવેલી.” શાંતારામનું આ નિવેદન સાંભળીને કદાચ અમારા બંનેના પગ નીચેની જમીન સરકી ગઈ.

“મતલબ કે એ પણ હવે તો મરી ગયોને કેમકે અમને છ લોકોના ડેડ બોડી મળેલા છે.” રાઘવે કહ્યું.

“શાંતારામ એ દિવસે કાળી ગાડીમાં છ લોકો જ હતાં ને.?” મેં પ્રશ્ન કર્યો.

“આ લંગડો આપણા કોઈ કામનો નથી સુભાષ. એ પેલા લોકો જોડે મરી ગયો.” રાઘવે કહ્યું.

“ના સરદાર ના. મેં એને ઘટનાના અગાઉના દિવસે કાળી ગાડી ચલાવતા જોયેલો અને ઘટનાના દિવસે એ છ લોકોમાં નહતો જોયો. મને એના પર શંકા છે. એ હજુ જીવતો જ છે. આટલું બધું કર્ઝ હોવા છતાં સાલો જીવી કેવી રીતે ગયો.?” આટલું સાંભળીને એકદમ ત્વરાથી રાઘવ ખુરશી પરથી ઉભો થયો.

“લક્ષ્મણપ્રસાદ, આ લંગડાનું સ્કેચ તૈયાર કરાવો અને દરેક જાહેર જગ્યાએ લગાડવો. સુભાષ તું મારી સાથે આવ. આ તણખલું આટલી જલ્દી મોટું પાટિયું બની જશે એવી મને કલ્પના નહતી.” આટલું બોલતા બોલતા રાઘવ લોક-અપની બહાર નીકળી ગયો. હું તેની પાછળ પાછળ જવા લાગ્યો.

***

“આવ સુભાષ, બેસ અહી.” અમે લોકો દિલ્લી પોલિસ હેડક્વાર્ટર પહોંચીને સીધા રાઘવની ચેમ્બરમાં દાખલ થયા. રાઘવે પોતે પોતાની સીટ પર બેઠક લીધી અને મને સામેની સીટ પર બેસવા માટે કહ્યું.

“પલ્લવીના શું સમાચાર છે.!” મે પણ ખુરશી પર બેઠક લીધી. રાઘવ પોતાના બંને હાથની કોણીઓને ટેબલ પર ટેકવીને બંને હાથની મુઠ્ઠીઓ વાળીને એક ખૂણામાં જોતાંજોતાં થોડીવાર શાંત બેસી રહ્યો. થોડીવાર બાદ શાંતિને પૂર્ણવિરામ આપતા તેણે કહ્યું.

“આઈ મીન તને હવે એવું લાગે છે કે એનો રણજીત સાથે કશોય કોન્ટેક હોય.?” મારા કપાળ પરની ઉપસેલી લીટીઓ જોઇને તેણે પોતાનું વિધાન સ્પષ્ટ કર્યું.

“સર મેં પહેલા પણ કહેલું કે એનો રણજીત સાથે કશોય કોન્ટેક નથી અને આજની મારી તપાસ બાદ પણ હું મારા વક્તવ્ય પર કાયમ છું.” મેં જવાબ આપ્યો.

“કોઈ પુરાવા.?” રાઘવે પૂછ્યું.

“રણજીત એક અમીરજાદાની ઓલાદ હતો. તે જો તેની પત્ની સાથે હોય તો તેને એવી પરિસ્થિતિમાં કદી આવવા જ ન દે જ્યાં તેની પત્ની એક સામાન્ય વન બીએચકે મકાનનું ભાડું પણ ન ભરી શકે.?” મેં કહ્યું. રાઘવ મારી સામે આશ્ચર્યથી જોઈ રહ્યો.

“તારે મદદ કરવી જોઈએ ને.?” થોડીવાર થોભીને રાઘવે કહ્યું.

“કયા હકથી.? અને બાય દ વે મેં મદદ કરી.” મેં કહ્યું.

“ફક્ત મકાનનું ભાડું ભરી લે એટલે તારી ફરજ પૂરી થઇ ગઈ.? એના દોસ્ત તરીકે તારી કોઈ ફરજ બનતી નથી.” રાઘવે કડક સ્વરમાં કહ્યું.

“સર મારાથી બનતી કોશિશ મેં કરી.!” મેં જવાબ આપ્યો.

“આપણે તેને અહી બોલાવી લઈએ. કઈને કઈ કામ અપાવી દઈશું.” રાઘવે કહ્યું અને ટેબલ નીચેથી એક ફાઈલ કાઢી તેને ખોલીને તેમાં જોવા લાગ્યો.

“અહી.?” મોટા અવાજે બોલતા હું લગભગ ખુરશી પર ઉભો થઇ ગયો. “મતલબ અહી એનું વળી શું કામ હોઈ શકે.?” ત્યારબાદનું વિધાન મેં શાંતિથી પૂર્ણ કર્યું. ત્યાં ચેમ્બરનો દરવાજો ખુલ્યો અને કરતાર અને અસલમે પ્રવેશ કર્યો.

“સર,” બંને એ એકી સાથે પગ પછાડીને રાઘવને સલામ કર્યું. રાઘવે ફાઈલમાંથી માથું ઊંચું કરીને બંનેની સામે તીરછી નજરે જોયું અને ઇશારાથી બંનેને ખુરશી પર બેસી જવા કહ્યું. અસલમ અને કરતાર બંનેએ મારી બાજુની ખુરશીઓ પર બેઠક લીધી.

“હું શું કહેતો હતો કરતાર આ પેલી શું નામ.?” રાઘવે કહ્યું અને નામ યાદ કરતા પોતાનું કપાળ ઘસવા લાગ્યો.

“પલ્લવી...” અસલમે સુર પુરાવ્યો.

“હા, એને અહી બોલાવી લઈએ. આપણી ટીમમાં.! એની જરૂર પડશે.” રાઘવે કહ્યું.

“શું જરૂર પડશે.?” મેં પ્રશ્ન કર્યો.

“ભણેલી-ગણેલી છે ભાઈ. એટલીસ્ટ કમ્પ્યુટર પર કામ આવશે.” કરતારએ કહ્યું.

“બિંગો. સુભાષ તું આજે જ એને અહી લેતો આવ.” રાઘવે કહ્યું. મેં હકારમાં માથું ધુણાવ્યું.

“તો બોયસ હવે મુદ્દાની વાતો કરીએ. શું ખબર છે કરતારસિંગ.?” રાઘવે કહ્યું. મતલબ તેણે ગેર બદલ્યું. હવે મજાકમસ્તી ન થઇ શકે.

“સર આ પેલા રામચરણ ઉર્ફ લંગડાનું સ્કેચ છે જે આજુબાજુના મોટાભાગના વિસ્તારમાં લગાડી દેવામાં આવ્યું છે. આના વિષે માહિતી આપનારને એક લાખ રૂપિયા આપવાનું પણ જાહેર કર્યું છે.” કરતારે પેલા લંગડા રામચરણનું હાથે બનાવેલું સ્કેચ રાઘવને આપતા કહ્યું. રાઘવ તેને હાથમાં લઈને ઉપરથી નીચેની તરફ ચિત્રને જોવા લાગ્યો.

“એ એક અઠવાડિયા પહેલા દારૂ પીને ટેક્સી ચલાવવા બદલ તિલક માર્ગ પોલિસ થાણે બંધ કરવામાં આવ્યો હતો. બીજા જ દિવસે એને જામીન મળી ગયા અને તે પોતાની ટેક્સી સાથે સીધો યમુના નદી પરનો પુલ કુદીને નદીમાં ખાબકી ગયેલો.” અસલમે વધારાની માહિતી આપતા કહ્યું. રાઘવે ચિત્રમાંથી માથું ઊંચું કર્યું અને અસલમ સામે જોવા લાગ્યો.

“સુભાષ.!” ખુરશીમાં ટટ્ટાર થતા રાઘવે કહ્યું.

“જી સર.” હું પણ ખુરશી પર ટટ્ટાર થયો.

“તું પલ્લવીને આજે જ બલકે હમણાં જ અહી લઇ આવ. મને ફરી પુછતાછ કરવી છે.” રાઘવે કહ્યું.

“બટ સર...!”

“તું એને લઇ આવ અને બાકીની ચિંતા છોડી દે એને હું સંભાળી લઈશ.”

“ઓકે સર.”

“એને સંભાળવા તમારી નહિ સુભાષની જરૂર છે.!” અસલમે કહ્યું. એ ત્રણે લોકો ખડખડાટ હસવા લાગ્યા.

“આપણે ખરેખર તો એના બાળકને સંભાળવાની જરૂર છે.” કરતારએ કહ્યું.

“એને પણ સાથે લેતો આવજે સુભાષ. નાનુ બાળક કેટલા સમય સુધી માતાથી દુર રહી શકે.” રાઘવે કહ્યું. “અને તમે લોકો આ લંગડા વિષે જેટલી માહિતી એકત્રિત થાય એટલી કરો.” કરતાર અને અસલમ સામે ફરીને રાઘવે કહ્યું.

“જી સર.” અસલમ અને કરતાર બંનેએ એકી સ્વરમાં કહ્યું. ત્યારબાદ તેઓ ખુરશી પરથી ઉભા થયા. પગ પછાડીને રાઘવને સલામ ભરીને ત્યાંથી ચાલતા થયા. તેમના ગયા બાદ હું અને રાઘવ પણ ખુરશી પરથી ઉભા થયા અને ચેમ્બરની બહાર જવા લાગ્યા.

“તો શું પ્લાનિંગ છે સુભાષ.?” રાઘવે મારા ખભે હાથ મુકતા કહ્યું.

“જી સર હમણાં તો પલ્લવીને લેતો આવું. દિવસ આથમે ત્યાં સુધીમાં એની વધુને વધુ પૂછપરછ થઇ શકે.”

“અરરે તું આજે પલ્લવીના ઘરેથી નીકળ્યો ત્યારે એના વિષે ઘણું બધું જણાવવાનો હતો.?”

“આમ તો કશું ખાસ નથી. એના ફાધર ઇન લોનો રમકડાનો કારોબાર હતો. રણજીત પણ એમાં જોડાયેલો હતો. એમના પર ભ્રષ્ટાચારના આરોપ લાગેલા ત્યારબાદ એમણે સ્યુસાઈડ કરી લીધું. તેમના ગયા બાદ રણજીત પાગલ જેવો થઇ ગયો અને અચાનકથી કોઈને કહ્યા વગર ગાયબ થઇ ગયો. છેલ્લા બે વર્ષથી એનો પલ્લવી સાથે કોન્ટેક રહ્યો નહતો.”

“બીજું કઈ.”

“એક ફોટો ફ્રેમ હતી ઘરમાં. એ ફ્રેમમાં રણજીત અને પલ્લવી તેના ફાધર સાથે હતા. કદાચ એ ફ્રેમ તેમના લગ્ન સમયની હોવી જોઈએ.” મેં કહ્યું.

“એક કમ્પ્યુટર એન્જીનીયર, રમકડાઓ બનાવતો સાલો. માનવબોમ્બ બનાવતા ક્યારે શીખી ગયો. એ વિષે તો પલ્લવી જ કહેશે હવે.” રાઘવે કહ્યું. ત્યારબાદ તેણે મારી પીઠ થાબડી અને લોબીમાં એકતરફ વળી ગયો. હું બેસમેન્ટમાં જવા માટે લીફ્ટ તરફ વળ્યો.

***

“નમસ્તે બેન, કેમ છો.?” હું પલ્લવીને ફરી એક વખત હેડક્વાર્ટર લઇ આવેલો. ત્યાં પહોંચ્યા બાદ પલ્લવીને કરતારએ પૂછ્યું. અયાન અત્યારે મારી સાથે હતો. મેં તેને તેડયો હતો.

“જી બિલકુલ સરસ.!” પલ્લવીએ જવાબ આપ્યો.

“ઓલે માલુ ગોલુ મોલુંને શું પસંદ છે.?” કાલીઘેલી ભાષામાં અસલમ અયાનને રમાડતાં કહેવા લાગ્યો.

“ગોલુ મોલુંને બે જ વસ્તુઓ પસંદ છે. એક તો ચોકલેટ અને બીજા તમારા એસીપી સાહેબ.!” પલ્લવીએ કહ્યું અને બધા ખડખડાટ હસવા લાગ્યા.

“હું સાચું કહું છું જયારે જયારે એસીપી સુભાષસરને એ જોએ એટલે એમની પાછળ પડી જાય જેમ એ ચોકલેટની પાછળ પડતો હોય.!” પલ્લવીએ આગળ કહ્યું.

“મારી પાસે આવો બબુ, અંકલ ચોકલેટ લેવા લઇ જાય.” અસલમે તેને પોતાની પાસે લેવા કોશિશ કરી જોઈ પરંતુ હંમેશાની માફક તે મોઢું ફેરવીને મને ગળે વળગી રહ્યો.

“સુભાષ તારી જોડે કોઈક જન્મનો નાતો તો છે જ આનો.!” પલ્લવીએ કહ્યું મેં જવાબમાં ફક્ત મારી આંખો પલકારી. ત્યાં રાઘવ આવી પહોંચ્યો અને પોતાની ચેમ્બરમાં જતો રહ્યો.

“તમે અંદર આવો.” કરતારએ કહ્યું.

“ખ્યાલ કરજે અયાનનો.” પલ્લવીએ અંદર જતા-જતા કહ્યું.

“એની ચિંતા ના કરશો, અમે બંને છીએ.”અસલમે કહ્યું.

“તું અહી છો એટલે જ એમને ચિંતા છે બાકી મારી પાસે તો શાંતિથી રમે છે.” મેં કહ્યું. પલ્લવી ત્યારબાદ કરતાર સાથે ચેમ્બરમાં અંદર જતી રહી. કાંચના દરવાજામાંથી આમ તો અંદરનું બધું દેખાતું હતું. બસ કશું સંભળાતું નહતું. રાઘવ પોતાની ખુરશી પર બેઠો હતો સામે પલ્લવી બેઠેલી હતી. ટેબલ પર એક સાઈડ કરતારએ બેઠક લીધી. રાઘવે વાતચીતનો સિલસિલો શરૂ કર્યો. અહી બહાર અસલમ મારી ગોદમાં બેસેલા અયાનને ચાળા પાડીને હસાવતો હતો ત્યાં મારું ધ્યાન સતત પલ્લવી પર જ હતું. ગણતરીની મિનિટોમાં તે ચોધાર આંસુઓએ રડવા લાગી હતી. કરતાર તેને પાણી આપીને શાંત કરવા લાગ્યો હતો. ચોક્કસ આ સમયે કેટલાક એવા મુદ્દાઓ ખુલ્ય હોવા જોઈએ જે અત્યંત સંવેદનશીલ હોય. થોડા વધુ સમયબાદ પૂછપરછ પૂર્ણ થઇ અને ત્રણે લોકો ચેમ્બરની બહાર આવી ગયા.

“હું આમને મુકીને આવું.” મેં કહ્યું.

“હું કરતારને મોકલું તું બેસ સુભાષ.” રાઘવે કહ્યું એટલે મેં અયાનને પલ્લવીને સોંપ્યો. કરતાર પલ્લવી અને અયાનને લઇ લોબીમાં લીફ્ટ તરફ ચાલવા લાગ્યો. આ તરફ હું, રાઘવ અને અસલમ ત્રણે ફરીથી રાઘવની ચેમ્બરમાં પ્રવેશ્યા.

“કશું નવું જાણવા મળ્યું.?” ઘણીવાર થઇ એટલે મેં રાઘવને પૂછ્યું.

“ઘણું બધું પરંતુ હજુ પેલા રામચરણ વિષે જાણવા ન મળે ત્યાં સુધી તપાસ અધુરી જ છે. ચાલો ભાઈ આજે બહુ થઇ ગયું, હવે ઘરે જઈએ.” રાઘવે આટલું કહેતાં ખુરશી છોડી અને ચેમ્બરની બહાર નીકળી ગયો. મારા મનમાં શંકાઓએ સ્થાન લીધું. રાઘવને કોઈ એવી વાત જાણવા મળી હોય જેને પલ્લવી પાસેથી જાણવામાં હું નિષ્ફળ રહ્યો હોઉં. ખેર સમય જ આનો જવાબ આપવા સક્ષમ હતો.