Samayna Ovarana in Gujarati Short Stories by Parth Toroneel books and stories PDF | સમયના ઓવારણાં

Featured Books
Categories
Share

સમયના ઓવારણાં

સમયના ઓવારણાં

દિવાલ ઘડિયાળમાં સવા અગિયાર વાગ્યા. દિવ્યા સ્કૂલે મોડી ન પડે એની ઉતાવળમાં મમ્મીએ રસોડામાં જમવાની થાળી પીરસતા ટહુકો કર્યો, ‘દિવ્યા... જો આ સવા અગિયાર થઈ ગયા. સ્કૂલ જવા અમી તારી રાહ જોઇને ઊભી હશે. ચાલ તો જમવા બેસી જજે’

‘મમ્મી બસ બે જ મિનિટ, આટલું લેશન પૂરું કરીને આવું છું.’

દિવ્યાએ લેશન પૂરું કરીને નોટ-પેન્સિલ સ્કૂલબેગમાં મૂકી રસોડામાં દોડી.

‘જોજે આ કેટલા વાગ્યા, આપણાં માટે કોઈકને ખોટી કરીએ એ સારું લાગે...!’ મમ્મીના અવાજમાં હળવા ઠપકાનો રણકો ભળ્યો.

દિવ્યાએ જમવા બેસતા કહ્યું, ‘મમ્મી હજી અડધો કલાકની વાર છે, અને આમેય અમે દરરોજ દસ મિનિટ વહેલા જ પહોંચી જઈએ છીએ.’

મમ્મીએ દિવ્યાના લંચબોક્સમાં નાસ્તો ભરતા કહ્યું, ‘બેટા, તું અને અમી એકબીજા સાથે બેસીને જ નાસ્તો કરો છો ને !’

'હા મમ્મી, અમે સાથે બેસીને જ નાસ્તો કરીએ છીએ,'

મમ્મીએ દિવ્યાની સ્કૂલબેગમાં લંચ-બૉક્સ અને પાણીનો બાટલો મૂકી તૈયાર કરી દીધી. દિવ્યાએ હાથ-મોં ધોઈને બુટ-મોજા પહેરી લીધા. ઘોડિયામાં ઊંઘેલા યશના રતુંબડા ગાલ પર બચી ભરી સ્કૂલબેગ ખભે ચડાવી લીધી. યશની ઊંઘ તૂટતાં જ ગલગોટા જેવુ મોઢું બગાડી રડવા લાગ્યો.

‘દિવ્યા…’ મમ્મીએ ઠપકાભર્યા અવાજમાં ટપારતા બોલી ‘…શું કામ બિચારાને ઊંઘમાંથી ઉઠાડયો. એક તો માંડ માંડ ઊંઘ્યો હતો ને તું વળી...’ મમ્મીએ યશને ઘોડિયામાંથી તેડી લઈ પીઠ થાબડતા છાનો રાખવા લાગી.

નટખટ દિવ્યા મીઠું હાસ્ય વેરતી ‘બાય...મમ્મી...’ કહીને અમીના ઘર તરફ સ્કૂલે જવા ઝડપભેર પગ ઉપાડ્યા.

દિવ્યા એની બહેનપણી અમીના પપ્પા સાથે રોજ સ્કૂલે એમના સ્કૂટર પર સાથે જતી અને સાથે આવતી. સ્કૂલે જતાં દિવ્યાની નજર સ્કૂલની નજીક આવેલા આનંદ-મેળા પર પડી. મેળામાં દેખાતા ઊંચા ચકડોળને જોઈને ખુશ થતાં એણે કહ્યું, ‘અમી, જો આ બાજુ, આપણી સ્કૂલની નજીક જ કેટલો સરસ મેળો આવ્યો છે નઇ...!’

અમીએ એ બાજુ નજર કરતાં કહ્યું, ‘અમે તો આજે જ એ મેળામાં જવાના છીએએ...’ અમી ખુશ થતાં ગાતી હોય એમ બોલી, ‘મારા પપ્પાએ તો અમારા માટે ટીકિટો પણ લઈ રાખી છેછેએ...નૈ પપ્પા.’ અમી એ મેળામાં જવાનો ઉત્સાહ લહેકામાં ગાઈને વ્યક્ત કર્યો. પપ્પાની પાછળ બેઠેલી અમીએ કસીને પપ્પાને ભેટી લઈ પ્રેમથી દબાઈ લીધા. દિવ્યાએ અમીને જોઈને અછડતું હાસ્ય ચહેરા પર ખેંચ્યું.

***

સ્કૂલથી છૂટીને દિવ્યા અમીના ઘરે ઉતરી ‘બાય અમી...’ કહી ઘરે દોડી જતી. દિવ્યા ઘરે જઈને સ્કૂલબેગ એની જગ્યાએ મૂકી દઈ હાથ-પગ મોઢું ધોઈ લેતી. યશ જાગતો હોય ન હોય તો સ્કૂલનું લેશન લઈને રસોડામાં બેસી જતી, ને મમ્મી એને ભણતી જોઈને રસોઈ બનાવતી. ઘોડિયામાં પોઢેલા યશને રૂમની એકલતાનો અંધકાર ઘેરી વળતાં ક્યારેક જાગી જતો. એના રડવાનો અવાજ આખા ઘરમાં ગુંજી ઊઠતો. દિવ્યા યશને ઘોડિયામાંથી તેડી લઈ ખોળામાં બેસાડી રમાડવામાં મશગુલ થઈ જતી. યશને બચીઓ ભરીને લાડ લડાવતી. પેટ પર ગલીપચી કરી, તાળીઓ પાડી હસાવતી. યશની કાળી પાણીદાર આંખો પણ હીરાની કણીની જેમ ચમકતી. દિવ્યાને ચકવકળ કીકીઓથી જોઈને તરત જ ખિલખિલાટ બોખલું હસી જતો. હાથ-પગ હવામાં ઉછાળી તાલમાં આવી જતો. સાંજે દિવ્યા જમી લઈ પપ્પા નવ વાગે કામેથી થાક્યા-પાક્યા આવે એ પહેલા તો ઊંઘી જતી. સવારે પપ્પા વહેલા કામ પર નીકળી જતાં. આમ આ દરરોજના કાર્યક્રમનું દિનચક્ર ચાલે જતું.

***

સ્કૂલની રિશેષ પડતાં અમી દિવ્યાના ક્લાસમાં નાસ્તો કરવા આવી જતી. અમીએ સ્કૂલેમાં રાખેલા પ્રવાસનું પૂછતાં બોલી, ‘દિવ્યા, તું પ્રવાસમાં આવવાની છે...?’

‘ખબર નઇ, ઘરે પૂછીને કહીશ... તું જવાની છે..?’

‘હંઅ... અમારા ક્લાસમાં તો બધા જ જાય છે એટલે હુંયે જવાની છું... તું પણ સાથે આવજે, બહુ મજા આવશે ફરવાની...’ અમીએ દિવ્યાનો નાસ્તો ચાખતાં પ્રવાસ જવાની ઉત્કંઠા બતાવી.

એ દિવસે દિવ્યા સ્કૂલેથી દરરોજ કરતાં વધુ થાકેલી ઘરે આવી. નંખાઈ ગયેલા શરીરે રસોડામાં આવી ઢીલીઢફ બની બેસી ગઈ. મમ્મીને રસોઈ બનાવતા જોયે જતી દિવ્યાને ઘરમાં પપ્પાનો દરરોજ ખાલીપો વર્તાતા થાકેલા અવાજમાં જાણે શોષ પડતો હોય એમ બોલી, ‘મમ્મી..., પપ્પા ક્યારે આવશે....?’

‘બેટા, પપ્પા દરરોજ નવ વાગે જ તો આવે છે... કેમ શું હતું...?’

‘મમ્મી, પપ્પા થોડાક વહેલા જમવા આવતા હોય તો, દરરોજ કેટલા મોડા મોડા આવે છે.’ દિવ્યાના ઉતરેલા ચહેરા પર અણગમો તરી આવ્યો. પપ્પાની ફરિયાદ કરતાં દિવ્યાએ ઉમેર્યું, ‘મમ્મી, મારી બધી બહેનપણીના મમ્મી-પપ્પા એમને રોજ સ્કૂલે લેવા-મૂકવા આવે છે. રજા હોય ત્યારે એમને બહાર ફરવાયે લઈ જાય છે. મને તો પપ્પા ક્યારેય ફરવાયે લઈ જતાં નથી. સવારે ઉઠું એ પહેલા તો એ કામે જતાં રે છે, અને સ્કૂલેથી આવું ત્યારેય એતો કામે જ હોય છે, અને મારો ઊંઘવાનો સમય થાય ત્યારે છેક મોડા આવે છે. મારી સાથે વાતો કરવા કે ફરવા લઈ જવાનોયે એમની જોડે સમય જ નથી. ’ દિવ્યા રડમસ અવાજે પપ્પાના ગેરહાજર પ્રેમની ખોટ સાલતા મનમાં દબાયેલી વ્યથા ફરિયાદ સ્વરૂપે કહી દીધી.

‘તારી વાત હું સમજુ છું બેટા, પણ પપ્પા એમનું કામ પતે પછી આવે ને..,’ મમ્મીએ રોટલો તવી પર ઊથલાવતા બોલી.

થોડીક ક્ષણો ચુપકીદી છવાઈ ગઈ.

દિવ્યાનો ઉતરેલો ચહેરો અને શરીરે થાકી ગઈ હોય એમ શાંત ચૂપચાપ બેસી રહી. ગરમ તવી પર શેકાતા રોટલાને અધખુલ્લી આંખે બનતો જોયે જતી. રોજ દિવ્યા સ્કૂલેથી આવીને લેશન કરવા બેસી જતી. આજે એને શાંત, અને શૂન્યમનસ્ક ઢીલી બેઠેલી જોઈને મમ્મીએ એના મોઢા પરના ભાવ કળી લેતા બોલી, ‘શું થયું બેટા..? કેમ આજે આટલી શાંત બેઠી છે..? સ્કૂલમાં મેડમે કશું કહ્યું કે શું...?’

દિવ્યાએ નકારમાં માથું હલાવ્યું.

‘તો પછી કેમ આમ ઢીલી બેઠી છે...! સ્કૂલમાં શું ભણી આવી એ વાતો તો કર મમ્મી જોડે...’

‘મમ્મી, આજે સ્કૂલમાં ટીચરે ક્લાસમાં કહેતા હતા કે જેને ઈચ્છા હોય એ એક દિવસના પ્રવાસ માટે નામ નોંધાવી ફી ભરી દે.’

‘તો તારે જવું છે બેટા…?’

દિવ્યાએ જવાબમાં ખભા ઉછાળી ના પાડી.

‘કેમ..? અમી નથી જતી...?’

‘એ તો જવાની છે એમ કહેતી હતી,’

‘તો પછી... તારે કેમ નથી જવું..? ફીની ચિંતા કરે છે બેટા...!?!’

દિવ્યાની આંખોમાં આંસુ છલકાય એ પહેલા માથું નીચું ઢાળી દીધુ. નખ સાથે રમત કરતાં દડદડ આંસુ ટપકવા લાગ્યા. સાતેક વર્ષની દિવ્યા ઘરની સામાન્ય આર્થિક પરિસ્થિતિથી વચ્ચે રહીને જલ્દી સમજણી થઈ ગઈ હતી. મમ્મીના પ્રશ્નનો જવાબ એણે આસુંથી આપ્યો. મમ્મીએ દિવ્યાને રડતી જોઈને હૈયું વ્હાલથી ઉભરાઇ આવ્યું. મમ્મીએ લાગણીઓની લગામ ખેંચતા બોલી, ‘બેટા, તું ફીની ચિંતામાં રડે છે...! બોલ તો કેટલી ભરવાની કીધી છે...’

‘ના મમ્મી, મારે પ્રવાસ નથી જવું...’

‘કેમ...? ક્લાસમાં તારા બધા મિત્રો જાય ને તું ન જાય એવું થોડું ચાલે બેટા... બોલ તો કેટલી ફી ભરવાની છે...? પપ્પા જોડે હું વાત કરી લઈશ...બસ’ મમ્મીએ દિવ્યાના કોરા માનસ પર ખોટી છાપ ન પડે એ માટે હસતાં ચહેરે દિવ્યાના મનમાં ગરીબીના ખ્યાલ દૂર કરતાં ફરીથી પૂછ્યું, ‘બોલ તો બેટા, કેટલી ફી કીધી છે...?’

‘એક્સોવીસ રૂપિયા, પણ મમ્મી...’

‘બસ… આટલી ફીમાં આટલા મોઘા આંસુ પાડી દીધા... કાલે સ્કૂલ જતાં યાદ કરીને ફી લઈ જજે...હો બેટા...’ બોલીને મમ્મીએ દિવ્યાને આસુંથી ખરડાયેલું મોઢું ધોઈને પાણી પી લેવા મોકલી.

દિવ્યા રસોડામાં આવી મમ્મીના શબ્દોની હૂંફ અનુભવતા મમ્મીની કમર ફરતે હાથ વીંટાળી વળગી પડી. દિવ્યાના પાતળા કુમળા હાથ મમ્મીની કમરે અડતા જ મમ્મીએ દિવ્યાનું ગરમ શરીર થરમૉમિટરની જેમ ભાંપી લીધું. મમ્મીના ચહેરા પર ચિંતાના ભાવ ખેંચાયા. મમ્મીએ રોટલાવાળા હાથ ધોઈ, દિવ્યાના ગળે, કપાળે, ગાલે હાથ અડાડી તપાસી જોઈ. દિવ્યા ચૂપચાપ કશું બોલ્યા વિના મૂંગી ઊભી રહી. મમ્મીએ દિવ્યાને આમ ભાગ્યે જ ઢીલી પડેલી જોઈને હૈયામાં મમતાભર્યું મોજું ઉમટી આવ્યું. ચહેરા પર ચિંતાની રેખાઓ તંગ થઈ ઊછળી. દિવ્યાને છાતીએ લગાવી લીધી.

‘બેટા, તને તાવ જેવુ લાગે છે..?’ મમ્મી દિવ્યાની શુષ્ક આંખમાં જોઈને બોલી.

‘થોડું થોડું લાગે છે...’ દિવ્યા મંદ મંદ ઓગળેલા અવાજમાં બોલી.

‘બેટા, તાવ હોય તો કેમ કશું બોલી નઇ...? મમ્મીને કહેવાય તો ખરું ને...! બોલ તો, ક્યારથી તાવ જેવુ લાગે છે...? ’ દિવ્યાને મૂંગી રડતાં જોઈને મમ્મી લાગણીભીની થઈ ગઈ. દિવ્યાના ગરમ ગાલે વાત્છલ્યભર્યો હાથ ફેરવી બચી ભરી બાથમાં લઈ લીધી.

‘મમ્મી…’ દિવ્યા આંસુ લૂછતાં અશક્ત સ્વરે બોલી ‘…મને ઊંઘ આવે છે... હું સૂઈ જઉં...?’

‘હા બેટા, હું જમવાનું બનાવું ત્યાં સુધી સૂઈ જા હો..., પપ્પા આવશે એટલે સાથે જમવા ઉઠાડીશ. કશું ન થાય હો બેટા, એમાં રડાતું હશે. તાવ તો આવે ને જાય. થોડીક વાર સૂઈ જઈશ પછી સરસ લાગશે..હો બેટા. ’ બોલીને દિવ્યાને પલગમાં ધાબડો ઓઢાડી વાત્છલ્યભર્યો હાથ કપાળ પર ફેરવી સૂવડાવી. દિવ્યાના ગરમ કપાળે બચી કરી મમ્મી રસોડામાં અધૂરી રસોઈ કરવા ગઈ.

સાંજે પપ્પા કામ પરથી આખા દિવસના થાક્યા-પાક્યા ઘરે આવ્યા. મમ્મીએ દિવ્યાના કપાળ પર હાથ ફેરવ્યો. દિવ્યાનુ શરીર ગરમ હતું. દિવ્યાને ધીમાં અવાજે ઉઠાડતા બોલી ;

‘બેટા, પપ્પા આવી ગયા છે. ચલ તો જમવા, ભુખ લાગી હશે તને,’

‘ભૂખ નથી મમ્મી...’

‘બેટા થોડુક ખાઈ લઇ દૂધ પી સૂઈ જજે બસ...’

‘ના...’ બોલીને પાસું ફેરવી પાછી ઊંઘી ગઈ.

મમ્મીએ દિવ્યાના પાતળા હાથ પર હથેળી મૂકી ફરીથી શરીર તપાસી જોયું. દિવ્યાનું શરીર તાવથી તપતું હતું. મમ્મીના ચહેરા પર ચિંતાની ગંભીર રેખાઓ તંગ થઈ.

પપ્પાને જમવાનું પરોસતા મમ્મીએ કહ્યું, ‘સાંભળો છો, દિવ્યાને તાવ હોય એવું લાગે છે. આજે જમ્યા વગર જ વહેલા સૂઈ ગઈ.’

‘ચિંતા ના કર એતો વાતાવરણની અસરનો સામાન્ય તાવ તો રે.’ પપ્પાએ મમ્મીની વાતને સામાન્ય લઈ જમવામાં જોતરાઇ ગયા.

‘તો પણ, તમે બાજુમાં ડોક્ટર તુષારભાઈને બોલાવી જુઓને... અત્યારે એ ઘરે જ હશે...’

‘અરે આખો દિવસના કંટાળયા હોય ને અત્યારે એમને વળી જગાડવા જવાતું હશે...? તુયે સાવ છેને...? સવારે બોલાવીને તપાસાઇ દઇશું બસ...’

‘ના ના... સવારે નઇ... અને એમને કો’ક થોડું કહેવાય...! આપણાં પાડોશી તો છે.’

‘અરે આતો સામાન્ય તાવ કહેવાય, એમાં તું આટલું ટેંસન ના લઇશ...! વગર જોઈતી દવામાં ખાલીખોટા નિચોઈ લેશે...’

‘તમે દિવ્યાને અડી તો જુઓ પણ, બિચારીનું શરીર કેટલું ગરમ છે... ના, તમે ગમે તે કહેતા હોવ, દિવ્યાને તુષારભાઈ જોડે તપાસી નહિઁ જોવડાવો ત્યાં સુધી મારો તો જીવ હેઠે નઇ બેસે. બસ આ કહી દીધું તમને...’ મમ્મીના અવાજમાં ભળેલા અસ્વસ્થતાના રણકાએ વાતમાં ગંભીરતાની ધ્રુજારી ફેલાવી.

‘હા, ભાઈ સારું... જમીને પછી હોય તો બોલાવીને તપાસી જોવડાઈએ બસ... ’ મમ્મીને ધરપત કરાવતા બોલ્યા.

જમીને પપ્પાએ તુષારભાઈને દિવ્યાની તબિયત તપાસી લેવા જણાવ્યુ. તુષારભાઈ એમની બેગ અને સ્થેસ્થેસ્કોપ લઈને આવ્યા. મમ્મીએ દિવ્યાને ઉઠાડી પલંગમાં બેઠી કરી. તુષારભાઈને દિવ્યાના ગળે હાથ મૂકતાં બોલ્યા, ‘હમ્મ... તાવ તો છે.’ મમ્મીના ચહેરા પર પાછા ચિંતિત ભાવ સળવળ્યા.

તુષારભાઈએ બેગમાંથી થરમૉમિટર કાઢી દિવ્યાની જીભ નીચે થોડીક વાર રાખ્યું. થરમોમીટરનો પારો 100.4 F ચડીને સ્થિર થયો. સ્થેથોસ્કોપથી છાતીના ધબકારા તપાસ્યા. આંખો, જીભ પર ટોર્ચ કરીને તપાસી.

‘કેટલા દિવસથી તાવ જેવુ છે...?’ દિવ્યા ઘેનાયેલી આંખે બેઠેલી હતી. મમ્મી જવાબ આપતા કહ્યું, ‘આજે સવારે તો એકદમ રમતી-કૂદતી હતી, ને સાંજે સ્કૂલેથી આવી ત્યારે ઢીલું ઢીલું બોલતી હતી એટલે મને લાગ્યું કે તાવ છે’

દિવ્યા પલંગમાં ઢીલીઢફ બેસી ઘેનાયેલી આંખે ઝોકા ખાતી જાગી રહેવા મથતી.

તુષારભાઈએ બેગમાંથી તાવની બાટલી અને ગોળીનું પત્તું આપી દવા લેવાનો સમય કહ્યો. દિવ્યાના ગાલ પર હાથ ફેરવી હસતાં કહ્યું ‘સરસ થઈ જશે હો બેટા...’

તુષાર ભાઈએ બેગ સંકેલી ઊભા થતાં બોલ્યા, ‘તમે વહેલા જાણ કરી એ સારું કર્યું. બાકી અમુક પેરેન્ટ્સ તો બાળકો માટે સમય કાઢે નહીં ને સામાન્ય તાવ છે એમ કહી અવગણતા હોય છે, ને બાળક બિચારું એકલું એકલું મુઝાયે જાય ને પછી સામાન્ય તાવમાંથી ડેન્ગ્યુ નિકડે એટલે ઘરવાળા ભરાઈ પડે...! આજકાલ છાપામાં જોતાં જ હશો તમે... ડેન્ગ્યુએ કેટકેટલા લોકોનો ભરડો લીધો છે...!’

‘એટલે સાહેબ, ડેન્ગ્યુનો તાવ તો નથી ને...?!! ’ પપ્પાના ચહેરા પર ચિંતાના ભાવ ડોકાયા.

‘ના ના, ડેન્ગ્યુનો તાવ નથી ભરતભાઇ.., ડેન્ગ્યુનો તાવ તો ત્રણ ત્રણ દિવસે પણ ન ઉતરે...’ આખી વાતચીત દરમ્યાન મમ્મીના ચહેરા પર ચિંતાનો ભાવ વધુ ઘૂંટાતો જોઈને તુષારભાઈએ હાશકારો આપતા બોલ્યા ‘…બેન, તમે જરાયે ચિંતા ના કરો. બસ આતો સામાન્ય તાવ છે. એને ખવડાવી દૂધ સાથે કીધી એ દવા યોગ્ય સમયે આપી દેજો. સવારમાં તો એકદમ સરસ થઈ જશે.’ આટલું સાંભળતા મમ્મીના ચહેરા પર ચિંતાના ભાવ વિખૂટા પડી વેરાવા લાગ્યા. દિલસાભર્યા શબ્દોએ હૈયે શાતા વળી.

તુષારભાઈએ બેગ સંકેલતા બોલ્યા, ‘…અને હા ભરત ભાઈ, કોઈપણ તકલીફ હોય તો અડધી રાત્રેય બેઝીજક કહેજો.’ ઊભા થઇને બહાર નિકડવા જતાં જ ભરતભાઈ એ પૂછ્યું, ‘સાહેબ, દવાના કેટલા આપવાના...’ આગળ બોલવા જાય એ પહેલા જ તુષારભાઈએ ભરતભાઈના ખભે હાથ મુક્તા કહ્યું, ‘ભરતભાઈ તમેય પાડોશી થઈને ખરું પૂછો છો હો... ચાલો ત્યારે...’ હળવું સ્મિત ફરકાવતાં તુષારભાઈ નિકડ્યા.

પપ્પાએ દરવાજો બંધ કર્યો ને તરત જ મમ્મીએ અદબવાળી ચહેરા પર કરડાકી ધારણ કરી પપ્પા તરફ ફરી.

‘જોયુંન, તમને કીધું હતુંને કે તાવ છે, તમે તો ભૈસાબ કોઈ વાતને ગંભીરતાથી લેતા જ નથી. તુષારભાઈએ શું કીધું સાંભળ્યુંન તમે...! સામાન્ય છે સામાન્ય છે કરીને તમે તો મારી દીકરીને માંદી પાડત...’ મમ્મીના ઉતાવળા અવાજમાં માતૃત્વની વેદના કકળી ઉઠી. ‘…અન કામમાંથી તમે થોડો સમય કાઢતા હોય તો... આખો દિવસ બળ્યું કામ કામ ને કામ જ, સાંજે દિવ્યા પણ કહેતી’તી કે, તમે તો એની સાથે વાતચીત કરવા કે ફરવા લઈ જવાનો જરાયે સમય જ નથી કાઢતા. શનિ-રવિયે કામ પર જ રહો છો. એકાદ વેળા રજા લઈને બગીચામાં ફરવા લઈ જતાં હોય તો કેટલી ખુશ થઈ જાય બિચારી...’ મમ્મીએ પપ્પાની બેકાળજી અને બેજવાબદારી પર ધ્યાન દોરતા થોડાક કડક શબ્દોમાં કહી નાખ્યું. મમ્મીના ઠપકામાં સત્યતાનો રણકો ખણકતો હતો એટલે પપ્પા વળતો જવાબ આપવા માટે કોઈ શબ્દો ન જડયા. માત્ર ભોંઠા પડી નિ:શબ્દે હકારમાં ડોકું હલાવે ગયા.

મમ્મીએ દિવ્યાને થોડુક જમાડીને દૂધ સાથે દવા આપી પાછી સુવડાવી. દિવ્યા સૂઈ ગઈ ત્યાં સુધી મમ્મી માથે મમતાભર્યો હાથ ફેરવતી ગઈ.

***

મમ્મી સવારે વહેલા ઉઠી પપ્પા માટે ગરમા-ગરમ ચા-નાસ્તો બનાવી આપ્યો. મમ્મીએ ગાઢ નિંદ્રામાં સૂતેલી દિવ્યાના કપાળ અને ગળા પર હાથ મૂકી તાવ છે કે નહિઁ એ તપાસી જોયુ. પપ્પાએ નાસ્તો કરતાં એમને પણ ચિંતા થાય છે એવો ભાવ વ્યક્ત કરવા મૂંગા સાંકેતિક ભાવમાં ભ્રમરો ઊંચી ઉછાળી મમ્મીને પૂછ્યું, ‘છે તાવ...!?!’

મમ્મીએ પણ સાંકેતિક જવાબમાં માથું હલાવી ‘ના’ કહી.

મમ્મીએ દિવ્યાને દરરોજ કરતાં થોડીક વધુ સુવા દીધી. પપ્પા ચા-નાસ્તો કરી ઊભા થયા.

‘સાંભળો છો, દિવ્યાને સ્કૂલમાંથી એક દિવસનો પ્રવાસ રાખ્યો છે, આ શનિવારે, અમી પણ સાથે જવાની છે. દિવ્યાને મોકલીએ તો...! ’ મમ્મી થોડાક ખચકાટ અનુભવતા બોલી.

ક્રમશ:

લેખક – Parth Toroneel

*****