ટીવી,મા અને હું
પ્રફુલ્લ આર શાહ.
ઘરમાં હું છું, બુઢી મા છે. તે ખાટલામાં પડી પડી મને જોયા કરે છે. હું પડ્યો પડ્યો પગ લાંબા કરી ટીવી જોઉં છું.
એક નજર ટીવી પર, બીજી નજર મા પર. બેસવાનો પ્રયત્ન કરે છે પરાણે પરાણે પણ શરીર હલતું નથી. હું જોયાકરું છું તેની લાચારી. હું પણ લાચાર છું. તેના શરીરનો સ્પર્શ કરી શકતો નથી. એનાં અંગેઅંગમાં ર્દદ,વેદનાં વ્યાપી ગયાં છે.એ મને જોયા કરે છે. મને દયા આવે છે. ઊભો થઈ ટીવી બંધ કરું છું. એકબીજાને જોયા કરીએ છીએ. પાષણ જેવું હ્દય કરી બે હાથે પરાણે પકડી પારા જેવું સરકતું એનું શરીર પકડીને તેને બેઠી કરું છું. વીજળીનાં કડાકા ભડાકા જેવી ચીસ પાડી ઊઠે છે.પસીનો મને વીંટળાઈ વળે છે અજગરની જેમ! હું હાંફી ગયો એનું જડ શરીર બેઠું કરતાં. અમે એકબીજાને જોઈ રહ્યાં છીએ. એ માંડ માંડ હસી .મને સંતોષ થયો. એ નજર અહીંતહીં ફેરવવા મથી રહી છે.અને હું એને સમજવા! એની નજર સ્વીચ બોર્ડ અને ટીવી તરફ ફરે છે. હું ટીવી ચાલું કરું છું. એના ચહેરા પર સંતોષનું હાસ્ય પથરાઈ જાય છે. એ ટીવી જોઈ રહી છે એકીટસે. હું માને જોઈ રહ્યો છું. બહુ શોખ છે ટી.વી જોવાનો માને!
કદાચ ટી.વી એનો શ્વાસોશ્વાસ છે. જ્યારથી કલમ ને બટકી નાખી છે. ધણું સમજાવ્યું મારા સહિત સૌએ પણ ના માની તે ના માની. એ પ્રસિધ્ધિનાં શિખર પર ઝોલાં ખાતી હતી. આ વખતનું પારિતોષિકની રેસમાં તે આગળ હતી. કાન સુધી વાત આવી હતી કે આ વખતે સાહિત્યનો સર્વોચ્ચ ઈલ્કાબ તેને મળવાનો હતો. પણ..
બાપુ મા માટે સરસ મઝાનો ડ્રેસ લઈને આવ્યાં હતાં. આમેય માને કપડા પહેરવાનો શોખ બહુ ઓછો. મેચિંગનો મ પણ ના જાણે! જે હાથમાં આવ્યું તે પહેરી લે. એટલે બાપુ ખાસ મા માટેનો સૌનો મનગમતો ડ્રેસ લઈ આવ્યાં હતાં.
સજી કરીને આવી.અમે જોતાં જ રહી ગયાં! એનું રૂપ ઘરમાં સમાતું ન હતું.ઊડીને આખી ચાલીમાં પ્રસરી ગયું. આડોસીપાડોસી મા ને જોઈને જડ્વત થઈ ગયાં. ઘરમાં વગર પ્રસંગે પ્રસંગ છવાઈ ગયો હતો. જાણે અમાસની અજવાળી રાત. આખી રાત શમણાંથી શણગારતાં રહ્યાં.નીંદરને પગ નીકળ્યાં હતાં કે અમે તેને શોધી ના શક્યાં
રાતનાં લગભગ બે વાગ્યાં હતાં. ઘરની લાઈટ ચાલુ હતી. ડોર બેલ રણકી. ઉત્સાહથી દરવાજો ખોલ્યો. પાડોસી મિલનભાઈ હતાં. ધીમેથી કહ્યું કે ટી.વી.ચાલુ કરી ન્યુઝ જોઈ લઉં. મેં કશું સમજ્યા વિચાર્યાં વગર દોડી ટી.વી ચાલું કર્યું. મા,બાપુ શું છે કહેતાં દોડી આવ્યાં. અમે સ્તબ્ધ થઈ ગયાં. મારું શરીર કંપી રહ્યું હતું. બાપુ તો જાણે પથ્થરની શીલા! પણ સ્વસ્થ હતી મારી મા! સાહિત્યનું સર્વોચ્ચ પારિતોષિક મારી માને મળ્યું ન હતું. " ચલો, ટી.વી બંધ કરી સૂઈ જાવ. અપેક્ષાનો ડોઝ પીને દુખી ન થાવ." કહી ટી.વી. બંધ કરી એનાં રૂમમાં સૂઈ ગઈ. હું અફસોસ કરી રહ્યો હતો અઠ્ઠાવન વર્ષ માના ધામધૂમથી નહીં ઉજવી શકાય.
બીજો દિવસ રોજની જેમ ઊગ્યો હતો. પ્રકૃતિ પાસે ખુદનો ક્યાં શણગાર છે, ખુદનો ક્યાં સૂર છે, ખુદનું ક્યાં સંગીત છે. બધું વહેંચીને સૌને આપી દીધું છે. પ્રકૃતિને જોઈ શકાય છે આપણી પાસે રહેલાં રંગો મુજબ. મારી મા રોજની જેમ સવારને એનાં સૂરીલા અવાજ વડે શણગારી રહી હતી.
આદત મુજબ બપ્પોરે સમાચાર પત્રો વાંચી રહી હતી. મેગેજીન માટે મોકલવાનાં લેખો તપાસી રહી હતી. ટેલિફોનની ઘંટડી રણકી. ઊભા થઈને રિસીવર લઈ વાત કરવા લાગી. હું એટલું સમજી શક્યો કે કોઈ સાહિત્ય ફંકશનમાં જવા માટે આમંત્રણ મળ્યું છે. ફોન મૂકી ખૂરશી પર બેઠી. વિચારોમાં હતી. બારી બહાર દેખાતું ખૂલ્લું આકાશ જોઈ રહી હતી.
" શું થયું? કોનો ફોન હતો?"
" કોના ફોન હોય? હવે દસ પંદર દિવસ સન્માનના પોગ્રામ ચાલશે! કાલે મારે જવાનું છે, પ્રમુખ પદ શોભાવાનું છે."
હસતાં હસતાં તેને કહ્યું.
" તારે ના પાડવી હતીને. મીડિયા પણ આવશે.ઊલટાસુલટા સવાલો પૂછી તને મૂંઝવી નાખશે. નાહકની બબાલ ઊભી તું કરી નાખીશ. ના પાડી દે."
" જો નહીં જાઉં તો પણ તેમને મસાલો મળી જશે. "
" પણ ઉશ્કેરાઈ કોઈ જવાબ ન આપજે"
" તારે મન હું નાની કીકલી છું કેમ?"
તે મારી સામે જોઈ રહી. નાની કીકલી નથી, પણ સત્ય કહેવું એ લાયમાં ગમતું બોલવું એ ભૂલી જાય છે.
" કાલે મારે ચૂપ રહેવાનું છે. તારા ખાતીર મોં પર પટ્ટી ચીટકાવીને જઈશ બસ. " કહેતાં એનાં કામમાં પરોવાઈ ગઈ.
ઓફિસ જતાં પહેલાં માને હાથ જોડીને સમજાવ્યું હતું કે બોલવા પર સંયમ રાખે. તે હસી રહી હતી. તેનું હસવું મને શૂળની જેમ ભોંકાતું હતું. " હવે જતો હોય તો જાને. નહીં તો ચૂપચાપ ઘરે બેસી રહે. આવજે મારી જોડે. " કહી મને એકીટશે જોઈ રહી. હું કશુ બોલ્યા વિના નીકળી ગયેલો. પણ કામમાં જીવ પરોવાતો નહીં. સતત નજર ઘડિયાળ તરફ બિલાડીની જેમ એનાં શિકાર તરફ એમ મંડાયેલી રહેલી. થાકીને વહેલા સર ઘરે પહોંચ્યો. ટી.વી પર લાઈવ પોગ્રામ આવવાનો હતો. ઉત્કંઠાનાં લાવાથી પરેશાન હતો.
આખરે પોગ્રામ ચાલું થયો. પ્રશંશા, તાળીઓના ગડગડાટ વચ્ચે પોગ્રામ પૂરો થયો. મારી માએ સંયમિત પ્રવચન આપેલું. મારા મનને શાંતિ હતી. કારણ વગર વિવાદ ઊભો કરવો, માની આદત હતી. એટલામાં મીડિયા વાળા મારી માને ધેરી વળ્યા.
" તમને નથી લાગતું કે આ એવોર્ડ આપવામાં વિલંબ થયો છે?"
" એ તો કમિટિ નક્કી કરે. મહત્વની વાત એમનું સન્નમાન થયું એ છે."
" આપણે વિડીયો ક્લીપ જોઈ. તેઓ માનસિક તથા શારિરીક રીતે સ્વસ્થ નથી.તેમની યાદ શક્તિ પણ ક્ષીણ થઈ ગઈ છે, કોઈને ઓળખતાં પણ નથી, શરીર કંપે છે, આવી સ્થિતિ માં તેમને એવોર્ડ આપો તો તેમને શો આનંદ થાય?"
" નો કોમેન્ટ "
" તમે સારી રીતે જાણો છો કે તેમને જ કહ્યું હતું કે અવોર્ડ એવી ઉંમરે આપવો જોઈએ કે એવોર્ડ પામનાર એ અનુભવી શકે."
" એ એમનું વ્યક્તિગત નિવેદન હોઈ શકે."
" આપનું શું માનવું છે."
"કદાચ, તે સાચા હોઈ શકે તેમની રીતે"
" એવોર્ડ મેળવાની રેસમાં તમે પણ હતા?"
"તમને વધારે ખબર હોય. હું કશું જાણતી નથી."
" તમારી પાસે લોબી નથી?"
" જુઓ, આવી વાહિયાત વાત ન કરો તો સારું"
" તમારા આખા બોલા સ્વભાવના લીધે.."
વચ્ચેથી, " આ સવાલ કમિટીને કરો.;"
" પણ એવોર્ડની ઉંમર કઈ હોવી જોઈએ"
" મારી દષ્ટિએ એવોર્ડ હયાતીમાં અપાવો જરૂરી છે. જેની એ નોંધ લઈ શકે. આ દરેક ક્ષેત્રમાં જરૂરી છે."
" તો આ એવોર્ડ તમેને યોગ્ય નથી લાગતો?"
" તમે શું માનો છો?"
" આ તો એક આત્મસંતોષ જેવું છે."
વધારે કાંઈ પૂછાય એ પહેલાં પોગ્રામ સમાપ્ત થઈ ગયો. બીજે દિવસે તો મીડિયા એ રજનું ગજ કરી નાખ્યું. મારી મા આ એવોર્ડથી નાખુશ છે એવી હેડ લાઈન ચમકી ઊઠી.
પ્રેસનોટ જારી કરી પણ માનાં હૈયે એવી ચોંટ પહોંચીકે ખાનામાંથી પેન, કાગળ લઈ ક્યાંય સુધી જોઈ રહી. ધીમેથી પેન બટકી નાખી, કાગળો ફાડી દરિયામાં પધરાવી નાખ્યાં. મૌનવ્રત ધારણ કરી સાહિત્ય સાથેનો સંબંધ કાપી નાખ્યો. બંને જણા એકબીજાને ભૂલી ગયાં.
પછી તો એ અને ટી.વી. એકબીજાનાં પર્યાય બની ગયાં. જે મા પાસે સમયનો અભાવ હતો તે સમયનાં આંગણામાં રમવા લાગી. જોતજોતામાં ઉંમરે પણ એનો ભરડો લીધો. શારિરીક રીતે ધસાતી ગઈ. છેલ્લાં છ વરસથી પથારી પકડી લીધી છે. બાપુ પણ હાર્ટ એટેકમાં અવસાન પામ્યાં. ઘરમાં અમે બંને જણ. એકબીજાને જોયા કરીએ. ત્રીજો અમારો સાથી, જેનું નામ ટી.વી.
***
ઈશારાથી પુછું છું કે તને સુવાડું. નજર ના પાડે છે. જોયા કરે છે મા ટીવી. હું માને જોયા કરું છું. ઘડિયાળનાં કાંટા ચાલી રહ્યાં છે એક એક પગલું જાણે ભુલતાં ન હોય. દસ મિનિટ થઈ ગઈ પણ એકી નજરે જોતી માને હું જોઈ રહ્યો છું.
અચાનક ટી.વી પર સમાચાર આવે છે. માને સાહિત્યનો સર્વોચ્ચ એવોર્ડ મળ્યાનો . હું કુદકા સાથે ઊઠું છું, ઝડપથી, આનંદવિભોર થઈ માને સમાચાર સુણાવા મોં ખોલું છું પણ આ શું?
માની આંખમાં આંખ નાખી જોઉં છું. સ્થિર નજર જોતાં ચીસ પાડી ઊઠું છું ઓહ મા..ટીવીની સાથે સાથે માની આંખો બંધ કરી મોબાઈલમાં રડતાં રડતાં બોલાઈ જવાય છે " ડો.સાહેબ જલ્દી આવો.."
-- સમાપ્ત--