Shayar - 9 in Gujarati Fiction Stories by Rekha Shukla books and stories PDF | શાયર - ૯.

Featured Books
Categories
Share

શાયર - ૯.

શાયર

શ્રી ગુણવંતરાય આચાર્ય ની "શાયર" પુસ્તિકાનું

પ્રકરણ - ૯.

કલમને ખોળે

રાતે પતિપત્નીનાં એકાંત શયનખંડમાં આશાએ કહ્યું ઃ' ગૌતમ ? હવે તારે લખવાનું જ છે. ' ' પહેલાં ક્યાંય નોકરી તો શોધી લઉં. '

' નોકરી શા માટે શોધવી જોઈએ ? તું લખવાને જ નોકરી કેમ સમજતો નથી ? '

' લખવામાંથી કાંઈ પેટગુજારો નીકળે કે ? '

' તારે ને પેટગુજારાને શું ? હું ક્યાં બેઠી? તું તો લખ, લખ ને લખ. કોલેજમાં તું શું વાતો કરતો હતો ? લોકો અંધકારમાં પડ્યા છે. અગ્નાનમાં પડ્યા છે, એમને આ દેશ

ઉપર અંગ્રેજી શાસનની ચૂડ આવી છે એની ખબર નથી. '

' એ વાત તો સાચી છે, આશા. પરંતુ દુનિયામાં એક મોટી આપદા છે. જે સમજે છે તેને શિર છૂરી છે. નથી સમજતા એને મજા છે. અંગ્રેજો લોકોને લોખંડી રાજશાસન આપશે. ચોરીલૂંટ ટાળશે. પેટપૂરતું ખાવાનું આપશે. મધ્યમવર્ગને નોકરીઓ આપશે.

શ્રીમંતોને દલાલી આપશે. ગરીબોને પોલીસને લશ્કરથી દબાવશે. પેશવાઈનાં ભંગારમાંથી જે અરાજકતા જાગી છે, જે અરાજકતા ઊભી કરવામાં અંગ્રેજોનો ખુદનો મોટામાં મોટો હિસ્સો છે એ અરાજકતા તેઓ ટાળશે. તેઓ કેળવણીનાં મોટા કારખાનાં કાઢશે. એમાં કેટલાય ભણેલા ને સમજુઓને પણ નોકરીએ રાખશે. દેશમાં તેઓ કાયદારાજ સ્થાપશે. પણ કાયદા એવા ઘડશે કે લોકો

અંગ્રેજોની પગારદારીને દલાલીની ગુલામીની સામે અવાજ ન ઉઠાવી શકે. એ લોકો

કેળવણી આપશે, પણ કેળવણીનું તંત્ર એવું ગોઠવાશે કે દેશનું વિશાળ આમ વર્ગને

અને ભણેલાઓ વચ્ચે ભાષાનું, વિચારનું, સાહિત્યનું અને રહેણીકરણીનું અંતર વધશે.એ લોકો કવિઓને ઉત્તેજન આપશે, પણ જે કવિઓ એમનાં અમલના વખાણ કરે

તેને. એ લોકો ઇતિહાસ લખશે પરંતુ ઇતિહાસને ભયંકર રીતે વિકૃત કરશે. એ લોકો

સમાજસુધારાઓ કરશે, પરંતુ એવા સુધારાઓ એવી રીતે કરશે કે લોકોની હજારો વર્ષની રહેણીકરણીના મૂળમાં જ ઘા થાય. આ બધું હું દીવાની જેમ ચોખ્ખું જોઉં છું. પણ હું એકલો શું કરીશ? તને તો ખબર છે આશા ! કે મારાથી નોકરી વગર એક દિવસ પણ રહી શકાય એમ નથી. ' ' તું કવિ છો. તારા કંઠમાં દર્દ છે. તારી કલમમાં જીવ છે. તારી નજરમાં આવતીકાલ છે. મારા ગૌતમ, મને આજના કોઈક અમલદારની ભૂખ નથી. મને આજના કોઈ સુખી કે ઘરરખ્ખું માનવીની મહેતાજી નથી. મને તો એવો પુરૂષ જોઈએ છે કે જ્યારે પણ આ દેશ આઝાદ થાય, જ્યારે પણ આદેશમાં સ્વધર્મને સ્વરાજ્ય આવે, સ્વદેશાભિમાન આવે ને લોકો એની ગાથા ગાય ત્યારે હરકોઈ માનવી એમ કહે કે આ પ્રયાસના

સુખમાં ગૌતમ નામનો એક દ્ર્ષ્ટા હતો,--- જે અંગ્રેજી સલ્તનતની ઉપરથી અચ્છીના

ભીતરમાં રહેલા પાપને પારખી શક્યો હતો અને એની સામે એણે પોતાનો બુલંદ

અવાજ ઉઠાવ્યો હતો. એક ગામડાનો અબૂધ કવિ જો એક ગરાસિયા પાસેથી ગરાસ છોડાવી શકે, એક અંગ્રેજી ભણેલા પાસેથી અમલદારી છોડાવી શકે તો મારો ભણેલો

ગૌતમ શું ન કરી શકે ? ગૌતમ તું કવિ થા ! કવિ એટલો એવો કવિ કે જેનાં કાવ્યો

નવજીવન ને નવચેતનાનાં ગીત મનાય ઃ જેનાં કાવ્યો લોકોના ધર્મના, સમાજના, રાજ્યના અંધમોહથી ભરેલા

ખ્યાલો દૂર કરે અને સાચા મોહને બિરદાવે. અરે, દેશના ખૂણામાં પડેલો એક છોકરાભાઈડા જેવો વાધેર અરમાન કરે કે ' હત જો ત્રીજો હાથ તો નર અંગ્રેજ આગળ નમત. ' મારો ગૌતમ

એ વાધેરમાંથી તો ગયો તો ગયો પણ એ વાધેરનાં ગુણગાન ગાતી કવિતા લખનાર કવિમાંથી યે ગયો ? '

' આશા ! તું કહે છે એ સાચું. પરંતુ લોકોને જાગ્રત કરવા માટે જુઠ્ઠા વહેમો તજાવીને સ્વદેશ પ્રત્યે મમતા રાખવા માટે, ખોટા રિવાજો મૂકી દઈને સમાજને સુઘટ્ટ અને સુવ્યવસ્થિત કરવાને

પ્રેરવા માટે તો કાવ્યોનો પ્રચંડ ને સતત ધોધ વહેવો જોઈએ. એને માટે પિંગળનું પૂરું ગ્નાન જોઈએ. ગુજરાતી ભાષામાં લાંબા કાળ સુધી કવિતાઓ લખી શકાય એટલું શબ્દભંડોળ પણ ક્યાં

છે, ને એવું પિંગળ પણ ક્યાં છે ? '

' તો એવું પિંગળ તું લખ તો કવિ સાચો ! ' શયનખંડના બારણા પાછળથી અવાજ આવ્યો ઃ

એ અવાજ સાંભળીને ગૌતમને આશા બેય ચમક્યાં ઃ ' બાપુ !'

ગૌતમે ઊભા થઈ બારણું ઉઘાડ્યું ને આશા સંકોરાઈને એક ખૂણામાં ઊભી રહી. ઉઘાડાં બારણામાંથી શોભારામ અંદર આવ્યો. ખાટલા પર બેઠો. હસ્યો.

' તમને બેય્ને ઊંચે સાદે વાત કરતાં સાંભળીને મને થયું કે આ વળી ઝઘડો શું છે ? એટલે હું આવ્યો ને તમારી બેયની વાત સાંભળી. ભલા ગૌતમ ! જો ગુજરાતીમાં પિંગળ જ ન હોય તો

તું તારું કવિજીવન પિંગળથી શરૂ કર ને શબ્દભંડોળ ન હોય તો શબ્દ-કોશ એકઠો કર. '

' પિતાજી ! '

શોભારામે હસતાં હસતાં આશા સામે નજર કરી ઃ ને કહ્યું, ' કદાચ મારા નસીબમાં એક સુધારક પુત્રના પિતા થવાનું લખ્યું હશે. કદાચ બળવાખોર પુત્રના પિતા થવાનું

લખ્યું હશે. કદાચ......

પણ તને જે વ્યવસાયમાં પ્રીતિ છે એ વ્યવસાય તું કર. મને રંજ હોય તો શમી ગયો છે. ને મારી આશા દીકરી કહે છે તેમ ભવિષ્યની તવારીખમાં કદાચ તારું નામ

મહાકવિ તરીકે લખાશે.

દેશને નવચેતન આપનાર કવિ તરીકે તારું નામ લખાશે તો મારું નામ તારા બાપ

તરીકે અવશ્ય લખાશે. કેમ ખરું ને આશા ? '

' બાપુ... ! ' આશા બોલવા જતી હતી.

' બગાડીશ મા, બેટા ! આજની મંગળ રાત બગાડીશ નહિ. કોઈ માફી કે ક્ષમા કે એવા વેણથી ! હું ગાડાનો બેલ છું. ને મારી દયા ખાઇને તું મારી હોંશ ભાંગીશ મા. આ દેશમાં મારા જેવા તો હજારો લાખો ગાડાના બેલ છે. પરંતુ એ તમામની અપેક્ષાએ

મારા નસીબમાં મારા ગાડામાં મારે એક મહાન પુત્રને લઈ જવો સરજાયો હશે ! '

ગૌતમ એના પિતાને પગે પડ્યો. શોભારામે એને ઉઠાડ્યો. ' દીકરા, વિચાર કરવો હોય તો કરી લેજે. પણ જે કર તે એક રંગથી કરજે. સંસ્કૄતમાં લખ્યું છે કે द्र्ष्टिपॄतं व्यसेत पादं ડગલું

ભરતાં પહેલાં જોઈ લેવું. પણ ડગલું ભરવું તો પછી ના હઠવું . સમજ્યો ! '

'બાપુ ! મેં તો મારી કલમને કહ્યું છે કે આજથી હું તારે ખોળે છું. ભૂખ્યો રાખજે. જે કરવું હોય તે કરજે. પરંતુ મને કાયર બનાવીશ ના. '

' શાબાશ દીકરા ! કાયરો જીવતાં જીવતાં હજાર વાર મોતથી મરે છે. મરદ મૂવા પછીયે સો વરસ જીવતો રહે છે. '

ધીમે પગલે શોભારામ બહાર નીકળ્યો. ' લ્યો હવે સૂઈ જાઓ. ' એણે પોતાની પીઠ પાછળ કહ્યું ઃ ' વાતો કરવાને આખો દિવસ છે. '

( ક્રમશ ઃ )