નમસ્તે વાચક મિત્રો ..કબાટની અધૂરી યાત્રા પૂરી કરવા માટે હું આપની સમક્ષ રજૂ કરૂ છું કબાટ કહે છે ભાગ-૨. આશા રાખું છું કે ભાગ ૧-ની જેમ ભાગ-૨ પણ વાચક મિત્રોને પસંદ પડશે.પણ હા લેખનમાં રહેલી ખૂબીઓ અને ખામીઓ તરફ મારું ધ્યાન અવશ્ય દોરશો એવી વિનંતી સાથે આપની સમક્ષ કબાટને ફરી રાખું છું.
(વિતેલી ક્ષણો- નવા શો રૂમથી કબાટ નવા દંપતીના રૂમ સુધી પહોચે છે.ઘરના પ્રેમ,ઝઘડા જેવા ગુણોથી કબાટ વાકેફ થાય છે.સમય વિતતા કબાટ જુનો થઇને ભંગાર બજાર સુધી પહોચે છે,ત્યારબાદ એક મધ્યમ વર્ગીય યુવતીની નજરે ચડે છે.કબાટની બીજા એક નવા જ ઘર તરફ પહોચે છે.
કબાટ કહે છે...૨
આ ઘર પહેલા ઘર જેવું નહોતું. કુટુંબની આર્થિક પરિસ્થિતિ સામાન્ય હતી.અહી પણ મને પરિવારમાં પ્રેમ જોવા મળ્યો.આટલો બધો પ્રેમ હોય તો પછી નફરતની શું જરૂર છે?ક્યાંથી આવી જાય છે આ નફરતનું ઝેર? એ જ સમજાતું નથી.નવા ઘરમાં બે નાના બાળકો અને એક મોટી ઉમરના વડીલ દાદા તેમજ પતિ પત્ની મળી કુલ પાંચ સભ્યો રહેતા હતા.યુવાન મજુરી કામ કરતો જયારે દાદા પણ શાકભાજીની લારી ચલાવી લેતા.સ્ત્રી પણ જરૂર પડયે બહારના ઘરકામ કરી આવતી.મને દાદાનો અભિગમ ગમી ગયો નિવૃત જીવનમાં પણ તેઓ પ્રવૃત રહેતા.જયારે મેં પેલા ઘરમાં યુવા અવસ્થામાં પણ કેટલાકને નિવૃત જોયા હતા.
હવે મારી અંદર કિમતી ઘરેણા નહોતા,પણ સામાન્ય કપડા અને થોડી રોકડ રકમ હતી.કુટુંબની આર્થિક સ્થિતિ સામાન્ય હોવા છતાં દરરોજ દરેક ચહેરા પર નિર્દોષ સ્મિત હું જોતો. મારી સામે એક જૂનું ટીવી પણ હતું. અમે બંને એક બીજા સામે જોયા કરતા. કુટુંબમાં શાંતિ રહેતી પણ ક્યારેક ટીવી જોવાને લઈને કજીયો થઇ જતો. પેલો યુવાન પણ ક્યારેક કજિયાનું કારણ બનતો.કેવી કમનસીબી દરેક પરિસ્થિતિમાં પ્રેમથી રહેનારા ટીવીને લઈને ધીરજ ગુમાવી બેસે. એક વખત ક્રિકેટ મેચ ચાલતો હતો. ભારતની જીત થઇ હું પણ ખુશ થઇ ગયો કેમકે હું પણ ભારતીય કબાટ હતો. પણ મારી ખુશી લાંબો સમય ટકી નહિ કેમકે જીતથી જુસ્સે ભરાયેલો છોકરો બેટ લઈને ઘરમાંજ હવામાં વીંઝવા લાગ્યો અને ભૂલથી મારા અરીસા પર ફટકારી દીધું.બસ આવી રીતે મારા અરીસાનું પતન થયું પણ તે દિવસે છોકરાને ખુબજ મારા પડયો આખો ચહેરો આંસુથી ખરડાઈ ગયેલો.મને અરીસા તૂટવાના દુઃખ કરતા પેલા છોકરાને રડતો જોઇને વધારે દુઃખ થયું.હું હજી પણ ઉપયોગી હતો.
છેલ્લા ઘણા સમયથી ઉભા રહેવાથી મારા પગ દુખવા લાગ્યા હતા.એક સમયના કીમતી ઘરેણાને હું જેટલા ચોકસાઈથી સાચવતો હતો તેટલીજ ચોકસાઈથી હું અહી પણ બધું સાચવતો હતો મેં કોઈ ભેદભાવ નહોતો રાખ્યો.હું તો સર્વજન સમભાવમાં માનતો.ઘરમાં ત્રણ વખત મારી જગ્યા બદલવામાં આવી પણ મેં મારો સાચવવાનો ગુણ ન છોડયો તે ન જ છોડયો. ઉલટાનું અહી તો હું વધારાનું કામ પણ કરતો.જેમ કે મારા બે પગ વચ્ચે રહેલી જગ્યામાં હું સુપડી,દડો વગેરે સાચવતો.વળી મારા ઉપર પણ ડબા ગોઠવેલા હતા.પણ પેલી છોકરીએ મને સુંદર બનાવવા માટે મારા શરીર પર કેટલાક સ્ટીકર લગાડી દીધા.પણ તેનાથી ઉલટાનો હું કદરૂપો દેખાવા લાગ્યો.સુંદરતા મારી સાદગી માં જ હતી.સમય માત્ર માણસ પર જ અસર કરે એવું નથી મારા જેવા નીર્જીવોને પણ સમય બક્ષતો નથી.હવે હું સહેલાઈથી ઉભો પણ નહોતો રહી શકતો એના માટે પેલી સ્ત્રીએ મારા એક પગ નીચે તૂટેલા બેટનો લાકડાનો ટુકડો મૂકી દીધો. નસીબની કેવી બલિહારી એ જ લાકડાનું બેટ જેનાથી મારો અરીસો તૂટી ગયો અને એ જ બેટનો લાકડાનો ટુકડો જે મને હવે સીધો ઉભો રાખતો હતો. એ જ લાકડું જેના ઉપયોગને હું અત્યાર સુધી વ્યર્થ ગણતો હતો એ જ લાકડું આજે મને સાથ આપતું હતું.
હવે મારો રંગ પણ સાવ ઉડી ગયો હતો.મારા શરીરમાં ઘણી જગ્યાએ કાટ ચડી ગયો હતો.મારામાં પેલા જેવી સુંદરતા પણ નહોતી રહી.જેમ જેમ મારી પરિસ્થિતિ બગડતી ગઈ તેમ તેમ આ કુટુંબની પરિસ્થિતિ સુધરતી ગઈ.ધીમે ધીમે દિવસો પસાર થવા લાગ્યા.એક દિવસ પેલા યુવાનને એક સારી કંપનીમાં કામ મળી ગયુ.દાદાની લારી પણ દુકાનમાં પરિવર્તિત થઇ ગયી.એક વખત પતિ પત્નીએ મને ખાલી કરીને ઘરની બહાર કાઢયો.હું બધું સમજી ગયો હતો.મારી સફરનો અંત હવે નજીક હતો.
થોડી જ વારમાં મારી જગ્યાએ બીજા એક કબાટનું આગમન થયું જે મારાથી મોટો અને સુંદર હતો.મારા અંતનું મને જરા પણ દુઃખ નહોતું કેમકે જેની શરૂઆત થાય તેનો અંત થાય એ વાત અત્યાર સુધીમાં હું સમજી ગયો હતો.હવે હું ઘરની બહારનાં ફળિયામાં હતો. એક વખતનાં સુખના દિવસોમાં હું જેટલો ખુશ રહેતો. એટલો જ અંત સમયે ખુશ હતો.
ઘરની પરિસ્થિતિ હવે ખુબજ સારી હતી.કેવી રીતે બધા સભ્યોએ ધૈર્ય પૂર્વક મુશ્કેલીઓનો સામનો કર્યો અને ખરાબ દિવસો સામે લડયા.આજે ધૈર્ય અને મહેનતના સ્વરૂપ તેઓ મારી જગ્યાએ નવો કબાટ લાવી શક્યા.પણ મારે કેટલાય દિવસો સુધી બહાર રહેવું પડ્યું.
એક દિવસ ફરી ભંગાર શબ્દ મારા કાન પર અથડાયો.હું ધ્રુજી ઉઠ્યો,કેમકે હું પણ આ પરિવાર સાથે લાગણીના સંબંધથી બંધાઈ ગયો હતો.મને ઝડપથી બહાર કાઢવામાં આવ્યો.હું નિર્જીવ હતો છતાં જાણે દાદા મને રોકી રાખવા માંગતા હોય તેવું લાગ્યું.પણ છેવટે મને ભંગારવાળાને સોંપી દેવામાં આવ્યો.ભારી હૃદયેમેં વિદાય લીધી દુર સુધી મેં ભંગારની રેકડીમાં પડ્યા પડ્યા પેલા ઘરને જોયે રાખ્યું. થોડીવારમાં જ હું ભંગારના મોટી જગ્યામાં હતો. અહી મારા જેવા બીજા પણ કેટલાક કબાટો અને બીજી લોખંડની વસ્તુઓ હતી.બસ...આ હતી મારી દાસ્તાન... હું અહી પડ્યો છું. ઉભા ઉભા જ ઘણા રંગો જોયા છે મેં હવે મારું જીવન પૂરું થયું છે અહી બધી વસ્તુઓ ઓગાળવામાં આવશે મને પણ...સાંભળ્યું હતું કે મારો પણ નવો જન્મ થશે.પણ હું ક્યાં સ્વરૂપમાં નવો અવતાર ધારણ કરીશ એ તો મને પણ ખ્યાલ નથી.કારણ કે તમે આ વાંચતા હશો ત્યાં સુધીમાં તો મારો નવો અવતાર થઇ ચુક્યો હશે ...અને હા બની શકે કે તમારા જ ઘરની કોઈ વસ્તુમાં મારો થોડો અંશ હોય ...
મિત્રો,માણસ નિર્જીવ વસ્તુથી પણ ક્યારેક લાગણીના તાંતણે બંધાય જતો હોય છે.તેમ જ ક્યારેક આવી વસ્તુઓ પણ આપણને ઘણું શીખવી જાય છે.