Speechless Words CH.29 in Gujarati Love Stories by Ravi Rajyaguru books and stories PDF | Speechless Words CH.29

Featured Books
Categories
Share

Speechless Words CH.29

|| 29 ||

પ્રકરણ 28 માં આપણે જોયું એમ અજીતભાઈ એટલે કે આદિત્ય પોતાના ભૂતકાળની વાત પોતાના દીકરા પ્રેમને જણાવી રહ્યા છે. જેમાં છેલ્લે આપણે જોયું તેમ આદિત્ય પોતાના મિત્ર કરણ જેને બધા ‘કરણ-અર્જુન’ કહેતા એને બામ્બૂ બિટ્સ દાંડિયાના પાસનો મેળ કરવા માટે કોલ કરે છે. કરણ કે દિયા આ ક્લબમાં રમવા આવવાની હોય છે. નવરાત્રિ આવી ગઈ છે. દિયા વિશે એક વાત જણાવવાની રહી ગઈ કે દિયા પાસે ગવર્નમેન્ટ જોબ પણ આવી ગઈ છે પણ સાથોસાથ દિયાનું ભણવાનું એમ. એસ. સી. ચાલુ છે. હવે આ પ્રકરણ લાંબુ છે તો મજા તો આવવાની છે અને પછી ? હવે, આ વાર્તામાં ઘણું બધુ નવું થવાનું છે પણ શું ? આદિત્ય અને દિયાની આ સ્ટોરી કેવી રીતે આગળ વધે છે ? આ બધુ જાણવા માટે... એક અનોખી... અલગ પ્રકારની પ્રેમકથા ‘સ્પીચલેસ વર્ડ્સ’ માં હવે આગળ...

***

નવરાત્રિ આવી ગઈ હતી અને સાથોસાથ દિયાને ગવર્નમેન્ટ જોબ પણ મળી ગઈ હતી અને હું ત્રણ મહિના એક પ્રાઈવેટ કંપનીમાં જોબ કરીને અત્યારે બીજી એક જોબ ગોતતો હતો. આજે પહેલી ઓક્ટોબર – 2016 મારો જન્મદિવસ અને સાથોસાથ પહેલું નોરતું હતું. સવારના પહોરમાં જ ઊઠીને મમ્મી-પપ્પાને પગે લાગીને પછી બ્રશ કરવાનું શરૂ કર્યું અને ત્યાં જ મારા ફોનની સેમસંગની નવી આવેલી રીંગટોન વાગી. મેં નામ જોયું ‘Diya’ અને કોલ રીસીવ કર્યો.

Me : Hello

Diya : Wish you many many returns of the day

Me : Thank You So Much

Diya : શું કરે ? આજે તો પાર્ટી ને ?

Me : કઈ સ્પેશલ નહીં બસ અમે ત્રણેય ફ્રેન્ડસ સાથે બર્થ ડે સેલિબ્રેટ કરીએ છીએ તો સાથે જઈશું ‘રાજમંદિર રેસ્ટોરન્ટ’માં અમારી પાર્ટી છે. કઈ તમારી જેવી તો હોય નહીં.

Diya : બસ હવે એટલું બધુ પણ નહીં. સરકારી નોકરી છે પણ પગાર ખાલી દસ હજાર છે એમાં કઈ વળે નહીં.

Me : કહેવાય તો સરકારીને ?

Diya : હશે હાલો, તારી સાથે મારે અત્યારે લપ કરવા નથી રેવું. હું મૂકું છું ફોન પછી વાત કરીએ.

જનરલી કેવું હોય કે કોઈ છોકરો પોતાની ગમતી છોકરીને પોતે રાત્રે તેને રમતા જોવા દાંડિયાના જે તે ક્લબમાં આવવાનો છે, એવી વાત કરે તો છોકરી હરખમાં આવી જાય પણ મારા કેસમાં ઊંધું હતું. આથી જો મારે દિયાને ગરબા રમતા જોવી હોય તો મારે તેને કઈ જ નહીં કહેવાનું. જો હું તેને કહી દઉં કે હું પણ ગરબા રમવા આવવાનો છું તો દિયા જ ના આવે અને જો આવે તો મને મળવા પણ ના આવે અને મારી સામું પણ ના જોવે અને મારો બધાની હાજરીમાં મારા મિત્રોની હાજરીમાં મારો પોપટ થઈ જાય અને આબરૂની પથારી ફરે. રાજકોટવાળાને આબરૂ બહુ વ્હાલી હોય. હવે, ગરબા જોવા જવાના પાસનો મેળ થઈ ગયો હતો અને અમે જઈ રહ્યા હતા ‘બામ્બૂ બીટ્સ દાંડીયા’માં, સ્વાભાવિક વાત છે કે દિયા જો ત્યાં રમવાની હોય તો હું ત્યાં જ જાવ ને ! હવે મને વધારે “ફિલિંગ રોમેન્ટીક” જેવુ થાય એના કરતાં આગળ વાત કરું. અમે ત્રણ મિત્રો હંમેશા સાથે જ બધી જગ્યાએ ગરબા જોવા જતાં. હા, મારા મિત્રોને ગરબા રમતા નથી આવડતું આથી જ્યારે હું જોવા જવાનો હોય ત્યારે જ હું તેમનો કોન્ટેકટ કરું અને બોલાવું બાકી મને તો ગરબા રમવાનો બહુ શોખ. શોખ એટલે રમતા આવડે છે એટલે જ નહીં પણ ખાસ તો કોઈ સારી છોકરી આપણને ગરબા રમવાના સમયે ખુરશી પર ગરબા જોતાં જુએ તો આપણાં વિશે કેવું વિચારે ? બસ, આ વિચારોમાં ને વિચારોમાં જ હું ગરબા રમતા શીખી ગયો અને અમારા આખા કુટુંબમાં બધાને આવડતું હોવાથી મને આવડી પણ ગયું. હવે, એ બધુ છોડી આપણે વિરાણી સ્કૂલ જઈએ આફ્ટર ઓલ ‘બામ્બૂ બીટ્સ દાંડીયા’ નું આયોજન ત્યાં જ થતું હતું. ‘બામ્બૂ બીટ્સ દાંડીયા’માં તમારે જવું હોય તો એની અમુક શરતો છે. જેમ કે તમારે ગરબા શરૂ થવાના ચાર થી પાંચ કલાક વહેલા આવીને પાર્કિંગ ક્યાં કરવું એ જગ્યા શોધવી પડે પણ અમુક ‘સેફ્ટી’ ના શોખીન લોકો અંદર પાર્કિંગ કરીને ખાલી ખોટા 20 રૂપિયા પાર્કિંગમાં વેસ્ટ કરે. હું તો પહેલા રાઉન્ડમાં રમવાનું જ માંડી વાળું. કારણ કે નવ વાગ્યાથી દસ વાગ્યા સુધી વિરાણી સ્કૂલના ‘બામ્બૂ બીટ્સ દાંડીયા’ ના ગ્રાઉન્ડથી લઈને હેમુગઢવી હૉલ અને બીજી તરફ બોમ્બે વડાપાંઉ સુધી એક દમ ટ્રાફીકજામ થઈ ગયો હોય. આજે પણ હું તો આવી ગયો પણ મને દિયા ક્યાંય જોવા નહોતી મળતી. કોઈ પણ દાંડિયામાં તમે જાવ તો તમને થોડા છોકરાઓ તો એવા જોવા મળે જ જે બહાર ઊભા ઊભા કોઈને ને કોઈને કોલ કરી રહ્યા હોય, એમાં અમુક પાસનું સેટિંગ કરવાવાળા હોય તો અમુક મારા જેવા સિક્રેટ લવર્સ.

અમે સિક્યુરિટી ગાર્ડ્સને પાસ બતાવીને બામ્બુ બિટ્સમાં એન્ટર થયા. હવે, જોવાના પાસમાં તમે એન્ટર થાવ અને જો રમવાના શોખીન હોય અને રમવાનું મન ના થાય તો તમે ખેલૈયા જ ના કહેવાય. મને રમવાનું બહુ મન હતું. પગ રમવા માટે થનગનતા હતા. મારો મૂડ મસ્ત હતો પણ આ જ સમયે મારા મિત્ર ઋષિએ મને એક સ્ટોરી પૂછી લીધી જે કદાચ તમને કહેવી પણ જરૂરી છે.

ઋષિ : યાર, આદિ ! દિયા શું કરે ?

ક્યાંય બેસવાની જગ્યા નહોતી. લોકો પોતાને દેખાતું ના હોય એટલે ત્રણ – ચાર ખુરશીઓનો ઢગલો કરીને એના પર બેસીને ગરબા જોતાં હતા અને મારૂ ધ્યાન ઋષિના પ્રશ્ન પર નહીં પરંતુ એક બેન પોતાની ખુરશી છોડીને ઊભા થઇ રહ્યા હતા, તેના પર જ હતું.

આદિત્ય : આવી

ઋષિ : હેં ?

આદિત્ય : એ ખુરશીની વાત કરું ડોબા લઈ લે આમ.

મેં ઋષિને ખુરશી લઈ આવવા કહ્યું અને તે જઈને લેતો પણ આવ્યો. હવે, કઈક બેસવાની જગ્યા થઈ.

ઋષિ : હવે બોલ ને શું કરે દિયા ?

આદિત્ય : મજા કરે. અહિયાં એને જોવા તો આવ્યો છું. હમણાં આ રાઉન્ડ પૂરો થવા દે. રાઉન્ડ પૂરો થાય એટલે કોલ કરું એને.

સદભાગ્યે ચાલુ રાઉન્ડ પૂરો થઈ ગયો અને મેં દિયાને કોલ કર્યો અને મને મળવા બહાર બોલાવી. હું એટલો લક્કી કે તે મને મળવા બહાર આવી. ત્યારબાદ અમે થોડી વાતો કરી અને બે સેલ્ફી ક્લિક કર્યા પણ બંને સેલ્ફીમાં એનું ધ્યાન જ નહોતું. આમ પરાણે તમે કઈક કરવો ને કેવું કામ થાય ? એના જેવુ લાગ્યું પણ પછી જે અમારા બંનેનો સાથે ફૂલ લેન્થ શૉટ ક્લિક કરવા એની એક ફ્રેન્ડને કહ્યું. તેણે અમારો સારો ફોટો ક્લિક કર્યો અને હા, થોડો બ્લર જરૂર આવ્યો પણ ચાલે આ મારો અને દિયાનો પહેલો ફોટો હતો.

દિયા : આમ અંદર રમવા નથી આવવાનું ?

આદિત્ય : ના, મારી પાસે ખાલી જોવાનો જ પાસ છે. રમવાનો પાસ નથી.

દિયા : વેરી ગુડ. હવે કદાચ આવતા વર્ષે તો મેરેજ પણ થઈ ગયા હશે તો કદાચ રમવા મળે ના મળે કોને ખબર ?

આદિત્ય : ના, નહીં થયા હોય.

દિયા : સારું હાલ હું જાવ છું અંદર.

આદિત્ય : કેમ ? રે ને યાર ઊભી. હજી તો વાર છે ને રાઉન્ડ શરૂ થવાને અને હું પછી ક્યારે આવી રીતે તને મળવા આવીશ ?

દિયા : ના, મારે જવું છે. બાઈ.

આદિત્ય : ઓકે થેન્ક યુ ફોર કમિંગ, બાઈ.

દિયા : હા

બસ, આટલું બોલીને દિયા તો ફરીવાર અંદર જતી રહી. મારો મૂડ ઓફ થઈ ગયો. કારણ કે હજી રાઉન્ડ શરૂ થવાને તો બહુ બધી વાર હતી. દિયાને ખબર નહીં શું કંટાળો આવતો હશે મારી સાથે તે અંદર જતી રહી ? આવા વિચારો મગજમાં આવવા પણ સ્વાભાવિક હતા. હું પણ પછી અંદર જતો રહ્યો અને ઋષિને અને જીતને મારા અને દિયાના ક્લિક કરેલા પિક્સ બતાવ્યા.

ઋષિ : વાહ, આદિડા મસ્ત ફોટોસ આવ્યા છે ભાઈ

આદિત્ય : શું યાર મસ્ત, ના મજા આવી

ઋષિ : કેમ ?

આદિત્ય : અરે ! તું જોવે છે ને ? આ એન્કર હજી બોલે છે અને બીજી બધી વાતો ચાલે છે. રાઉન્ડ શરૂ થવાને હજી કેટલી વાર હતી ? છતાં એ અંદર જતી રહી. મારૂ માન્યા વગર. ક્યારેય મારૂ આટલું પણ ના માને.

ઋષિ : હાલે યાર, તું મને કઈક કહેવાનો હતો વરસાદ વાળી વાત.

આદિત્ય : હા, ઓગસ્ટ મહિનાની આ વાત છે. મને દિવસ યાદ નથી.

હું દિયાને સરપ્રાઈઝ આપવા માંગતો હતો અને પછી પ્લાનીંગ કર્યું મળવા માટેનું અને અમે ભક્તિનાગર સર્કલ પાસે પોસ્ટઓફિસ છે અને આ પોસ્ટઓફિસ પાછળ એક બગીચો છે, જેને ‘મિલન બગીચો’ એવા નામે ઓળખે છે. આ બગીચે મળવાનું પ્લાનીંગ થયું. હવે, દિયા ઓફિસથી મોડી આવે. આથી રાત્રે આંઠ તો વાગી જ જાય. મારા અને દિયાના પ્લાનીંગ પ્રમાણે દિયાએ મને મળવા માટે કોલ કર્યો અને હું ઘરેથી દૂધ લેવાના બહાને આવી ગયો દિયાને મળવા મિલન બગીચે. હા, જેવુ નામ એવું જ કામ આ બગીચો મિલન કરાવવા માટે જ તો હતો.

***

( એ રાત્રે આંઠ વાગ્યે બગીચામાં )

દિયા : હાં, બોલ હવે શું હતું સરપ્રાઈઝમાં..

આદિત્ય : સૌથી પહેલા તો મેં તારી પાસે તારી કઈક વસ્તુ જે તે વાપરેલી હોય એવી મારે જોઈએ છે. તે તું લાવી કે નહીં કે મને.

દિયા : હા, આ મારા આંખમાં જે હું કાજલ લાગવું ને તે છે. તને બહુ ગમે છે ને મારી આંખનું કાજલ ? આ એ જ કાજલ છે. ( કાજલ આપીને ) હવે, મને તારી સરપ્રાઈઝ આપ.

( હંમેશાની જેમ હું દિયાથી ઘણો બધો દૂર બેઠો હતો )

મેં મારી બેગમાંથી રિંગ કાઢી અને દિયાની સામે રાખતા કહ્યું.

આદિત્ય : Do You Love Me ? ( ડુ યુ લવ મી ? )

દિયા : તું મને આ જ ક્વેશચન શું કામ પૂછે છે ? હું તને આનો જવાબ ના આપી શકું. મારે લવમેરેજ કરવા જ નથી. મને ઘણી વાર ઘણા છોકરાઓ એવા મળ્યા છે જેને પ્રપોઝ કર્યું હોય. હજી કાલે જ ટ્રેનીંગમાં એક છોકરાએ મને પ્રપોઝ કર્યું અને એના સિવાય પણ કોઈ હોય જેને જોઈને એમ થાય કે હું એની સાથે મેરેજ કરી લવ પણ મારે એવું કરવું જ નથી. મને મારા મમ્મીએ પણ પૂછ્યું હતું કે તને કોઈ ગમે છે તો બોલ પણ મેં જ તેને ના પાડી કે મારે એમ મેરેજ જ નથી કરવા. મમ્મી પપ્પા જ્યાં બોલે ત્યાં જ હું મેરેજ કરીશ.

આદિત્ય : પણ મારા માટે એક વાર વિચાર તો ખરા. પ્રોબ્લેમ શું છે ?

દિયા : પણ લે, મારે કરવા જ નથી તો પછી વાત પૂરી થઈ ગઈ ને આદિત્ય ? આઈ એમ સોરી.

આદિત્ય : કઇં વાંધો નહીં. હું તને ફોર્સ નહીં કરું. ઇટ્સ ઓકે.

દિયા : ( બગીચા બહાર નીકળીને પોતાનું એક્ટિવા સ્ટાર્ટ કરતાં કરતાં ) હવે, આ લાસ્ટ ટાઈમ મળ્યા. હવે નહીં મળીએ બરાબર ? અને હા, મારે તને કઈક કહેવું હતું એ એજ કે હું પણ તને જ્યારે ફર્સ્ટ ટાઈમ મળી ત્યારે જ લવ કરતી હતી પણ પછી.. કઈ નહીં. હું નીક્ળુ ? જો આ વરસાદ પણ ચાલુ થઈ ગયો. ઓકે બાઈ.

આદિત્ય : હા, તું નીકળ પછી હું આવું. આપણાં સમાજમાં આજે પણ છોકરો છોકરી અલગ અલગ ગાડીમાં પણ સાથે તો આવી જ નથી શકતા. બાઈ.

રાતના સાડાં આંઠ વાગ્યા હતા અને મેં મારી આંખને કંટ્રોલ કરી પણ દિલ રડતું હતું. આંખ દિયાની સામે રડવા નહોતી દેવી તો આકાશમાથી વાદળોએ જાણે રડવાનું શરૂ કર્યું હોય એમ ટપક.. ટપક.. એમ ધીમે ધીમે વરસાદ શરૂ થઈ ગયો. સારું હતું ગાર્ડનમાં બેઠેલા બીજા કોઇ મારા આંસુ જોઈ ના શક્યા કારણ કે વરસાદ આવતો હતો અને હું મારો સાચો પ્રેમ ના મળવાને કારણે આજ ભરપૂર રડ્યો બોસ. છોકરો ક્યારેય ના રડે એવું લોકો ભલે કહેતા હોય પણ છોકરો રડે ખરા હો. હા, ક્યારે રડે એ તમને ક્યારેય ખબર નથી પડતી ? ક્યારેક તમારી સામે જ અંદરથી રડતો હોય તો ક્યારેક પોતાના હાલત પર ભગવાનની સામે જોઈને મારી જેમ કે યાર બધુ જ કર્યું પણ દિલથી પ્રેમ કર્યો અને એ પણ એક જ છોકરીને. હવે તો મારા દીલને પણ એની જ ટેવ પડી ગઈ છે. સાદી ભાષામાં કહું ને તો મને દિયાનું વ્યસન થઈ ગયું હતું. એવું વ્યસન જેને હું જ છોડવા નહોતો માંગતો. બસ, આ વાત હતી.

***

ઋષિ : ખરેખર ભાઈ તું મહાન છે હો.

આદિત્ય : કેમ ?

ઋષિ : આવી રીતે આમ કોઈ છોકરીને પ્રેમ કરવો અને પછી તે છોકરી તને ના પડે છતાં તું અહિયાં આવી રીતે આવીને તે જ છોકરી સાથે ફોટોસ ક્લિક કરાવે છે. તારા આત્મવિશ્વાસ પર માન થાય છે દોસ્ત.

આદિત્ય : અરે ગાંડા ! હું આ છોકરીની બસ એક ‘હા’ ની જ રાહ જોવ છું. તું જોયા કર. એક વાર બોસ દિયાએ હા પાડીને એને ખુદને કલ્પના નહીં હોય એવો લવ કરીશ હું એને.

ઋષિ : હમ્મ..

બસ, અમારે અમારું કામ પૂરું થઈ ગયું મારે દિયા સિવાય કઈ દાંડિયામાં ઊભા રહીને કોઈ ખાસ કામ નહોતું. ત્યારબાદ અમે ત્યાંથી નીકળી ગયા પણ મેં નક્કી કરેલું કે નવરાત્રિના નવ દિવસ સુધી દિયા જ્યાં સુધી મને સામેથી મને મેસેજ ના કરે ત્યાં સુધી હું તેને મેસેજ નહીં કરું અને જો કોલ કરીશ તો બહુ અગત્યનું કામ હશે તો જ કરીશ. આવું તો મેં આમ જુઓ તો કેટલી બધી વાર નક્કી કર્યું હશે પણ ક્યારેય આ નિયમ પાળી શક્યો નથી. હું દર વખતે સામેથી મેસેજ કરું અને તે રીપ્લાય પણ સરખી રીતે ના આપે અને સામેથી મેસેજ તો ક્યારેય ના જ કરે. ઓનલાઈન હોય પણ વાત ના કરે. કેવું દુ:ખ થાય ? આ દુ:ખ તો થયું હોય એ જ વ્યક્તિ સમજી શકે. ખેર બીજો દિવસ આવી ગયો એટલે કે બીજું નોરતું અને આજે તો મારે દિયા સાથે રમવું જ હતું પણ વરસાદના લીધે

સવારે ઊઠીને ફ્રેશ થઈને સૌથી પહેલું કામ રમવાના પાસનું કર્યું. સાંજ પડી અને વરસાદ શરૂ થયો મજા બગડી ગઈ. હવે, પાસનું શું ? પૈસા પાણીમાં ગયા. બીજા દિવસે પણ એવી જ પરિસ્થિતી હતી, આથી પાસ જ ના લીધો. હવે, ચોથું નોરતું આવ્યું. સરસ વાતાવરણ હતું આથી ફરીવાર પાસ ખરીદીને હું પહોંચી ગયો રમવા માટે બામ્બુ બિટ્સમાં.

રમવાના પાસ ખરીદ્યા અને પછી કોલ કર્યો દિયાને. આખા દિવસમાં કુલ દસથી બાર કોલ કર્યા હશે પણ સાહેબ એક પણ કોલ દિયાએ રીસીવ ના કર્યો. મૂડ ફરીવાર ખરાબ થઈ ગયો હતો અને હું ફરીવાર મૂડ ઓફ કરીને બધાને ગમે એવા જવાબ દેતો હતો. સામાન્ય રીતે આવું તમારી લાઈફમાં પણ બનતું હશે કે જ્યારે તમે કોઈના પ્રેમમાં હોય અને તે આખો દિવસ તમારા કોલ રીસીવ ના કરે અને એ પણ એવા સમયે જ્યારે તેણે તમને કીધું હોય કે તું રમવા આવજે. દિયાના કહેવાના લીધે જ પાસનું આયોજન કર્યું અને દિયા કોલ રીસીવ નહોતી કરતી. આગલા દિવસે મારી ફ્રેન્ડ જે ત્યાં જ રમતી હતી એ ભાવિશાએ પણ દિયાને કહ્યું હતું કે હું આજે રમવા આવવાનો છું. આમ છતાં આવું કેમ ? એ મને સમજાતું નહોતું. હું રમવા તો આવી ગયો હતો. બસ, રાહ હતી તો દિયાની અને તે આવી. સફેદ કલરની ચણિયાચોળી પહેરી હતી અને દેખાવમાં તો મને નથી લાગતું કે હવે મારે તમને એના દેખાવ વિશે કઈ કહેવું જોઈએ. હું નીચો ફેસ (ચહેરો) રાખીને મારા મિત્રો સાથે ઊભો રહી ગયો અને મેં એમને કહ્યું કે જો દિયા આવે તો માર્ક કરજે કે એ મારી સામે જોવે છે કે નહીં ?

ભાવિશા : આદિત્ય, દિયા આવી રહી છે.

આદિત્ય : ભલે આવે. આવવા દે, મારી સામે એનું ધ્યાન પડે છે કે નહીં એટલું જસ્ટ મને કે જે.

ભાવિશા : આદિ, યાર વ્હોટ્સ પ્રોબ્લેમ મેન ! એ તને જોવે છે તો પણ જતી રહી લાઈક ઓળખતી જ ના હોય. (ભાવિશાએ ગુસ્સે થઈને મને કહ્યું)

આદિત્ય : હવે, જો બોલાવી જ નથી મારે એને.

જિજ્ઞાશા : ભલે ને ગઈ હવે તું મારી સાથે રમજે એમાં શું ? મારી સાથે ફોટોસ ક્લિક કરાવજે.

આદિત્ય : જિગી, તને એવુ લાગે છે કે એને તારાથી જલસ ફીલ થાય એવું ? એને જ્યારથી જલસ ફીલ થશે ને મારી સાથે કોઈને જોવાથી તો એ દિવસ મારી લાઈફનો સૌથી મોટો દિવસ હશે. છોકરાઓને પઝેસીવ છોકરીઓ ગમતી ના હોય અને મને ગમે છે તે જરા પણ પઝેસીવ નથી થતી. આઈ રિયલી વીશ કે દિયા ક્યારેક એવું બોલે કે આદિ પર તો ખાલી મારો હક છે બીજી કોઈ છોકરીનો નહીં. ત્યારે મને એમ થશે કે હવે લવ પાક્કો.

ભાવિશા : હા, હાલ હવે અંદર કૂકડાં તારી બોલી સુધી પહોચી ગયા આ લોકો.

આજે ઋષિ અને જીત મારી સાથે નહોતા આવ્યા કારણ કે મારે રમવું હતું. આથી મારી સાથે મારો ભાઈ રમવામાં હતો અને અમે રમવાના હતા મારા કોલેજ ફ્રેન્ડ્સ જેઓ ત્યાં સિઝન પાસમાં રમવા જતાં, ભાવિશા, જિજ્ઞાશા, ધવલ એન્ડ ફેમિલી સાથે. બહુ જ મજા આવી હું ખૂબ જ મન ભરીને ગરબા રમ્યો પણ ધ્યાન ક્યારેક દિયા પર જતું ત્યારે પણ દુ:ખ થતું હતું. કારણ એવું નહોતું કે દિયાને રમતા જોતો હતો. કારણ હતું કે હું એને જિગર સાથે રમતા જોઈ રહ્યો હતો. જિગર સાથે રમી શકે તો મારી સાથે કેમ નહીં ? જો એણે મને જોયો તો રાઉન્ડસ વચ્ચે પડેલા પાણી પીવાના થાક ખાવાના બ્રેકમાં મને મળવા કેમ ના આવી ? ફોટોસ ક્લિક થઈ રહ્યા હતા, બધુ જ થઈ રહ્યું હતું અને હું એણે જોવામાં જ બળી રહ્યો હતો. મારા ફ્રેન્ડસ તો મને કહી રહ્યા હતા કે તું શું કામ ખાલી ખોટો જીવ બાળે છે એક એવી છોકરી માટે જે ક્યારેય તારી હતી જ નહીં પણ આ દિલ છે ને સાહેબ. તમે ગમે એમ મનાવો. તમે જેને સાચો પ્રેમ કરો છો એના માટે રડવું તો આવે સાહેબ એ પણ ત્યારે જ્યારે એ તમને મહત્વ ના આપે. એક જ વિચાર આવે કે જો તે બધાને મહત્વ આપી શકે તો મને કેમ નહીં ? હું જ શું કામ નહીં ? મારા મગજમાં આ વિચાર ઘર કરી ગયો હતો. થોડીવાર ગરબા રમ્યા અને હું તો દિયાએ કીધું હતું આથી ટ્રેડિશનલમાં સ્પેશ્યલી એને બતાવવા જ તૈયાર થઈને આવેલો પણ એણે ના જોયો. શું થાય યાર ? તમે જેવુ વિચારો એવું જ દર વખતે થાય એ જરૂરી તો નથી ને ? હશે જવા દો. ધીમે ધીમે નવરાત્રીના બધા જ દિવસો વીતી ગયા અને દિયા ઓનલાઈન હોવા છતાં સામેથી એક પણ મેસેજ ક્યારેય ના કર્યો અને એટલું પૂછવા પણ મેસેજ ના કર્યો કે મેં એને તે દિવસે કોલ કરેલા તો મારે કામ શું હતું ? કાઇ જ નહીં. પેલું કહેવાય છે ને કે અહિયાં તમે જેના માટે દુ:ખી દિલે રડી રહ્યા હતા એ જ ક્યાંક કોઈ સાથે બિન્દાસ હસી રહી હતી, તમારી એક પણ મિનિટની ચિંતા કર્યા વગર. મને એક જ વાતની નહોતી ખબર અને જ્યારે મને એ વાત ખબર પડી ત્યારે....

(ક્રમશ:)

*****

હવે, અહીંયા સ્ટોરી ટ્વિસ્ટ થઈ રહી છે. કઈક એવું જે ખબર છે પણ ખબર નથી. આદિત્યને દિયાને એવી કઈ વાતની ખબર પડશે જેનાથી આદિત્યને સૌથી મોટો આઘાત લાગશે ? હવે, ફરીવાર બંને વચ્ચે મેસેજમાં એક બહુ જ અગત્યની વાત થવાની છે. શું થયું હતું તે દિવસે ? કઈ વાતની આદિત્યને ખબર પડી ? તે આવતા પ્રકરણમાં બધા જ પ્રશ્નોના જવાબ મળશે પરંતુ આવતા પ્રકરણમાં. સ્પીચલેસ વર્ડ્સ વિશેના ફિડબેક આપ રિવ્યુ દ્વારા આપો છો તેમ મને મેઈલ પણ કરી શકો છો. E-mail: rjravi3205@gmail.com. See you soon till then bye bye.