નગર-૩૫
( આગળનાં પ્રકરણમાં આપણે વાંચ્યુઃ- ઇશાન એન્ડ પાર્ટી નગરની લાઇબ્રેરીમાં પહોંચે છે જ્યાં પેલા પુસ્તકમાં તેઓ હોલમાર્કનાં ચિન્હો જોઇને આશ્વર્યચકિત થઇ જાય છે....હવામાન ખાતાનાં ચીફ પંચમદવેની ઓફિસમાં એકાએક તાંડવ સર્જાય છે....ગહેરા ધુમ્મસમાં સર્જાયેલો વિકરાળ ચહેરો પંચમ દવેને સળગાવીને રાખ કરી નાંખે છે....હવે આગળ વાંચો...)
પંચમ દવે સાથે ઘટેલી અમાનવીય ઘટનાથી બેખબર આંચલ અત્યારે ઇશાનની એકદમ લગોલગ ઉભી હતી. તેની આંખો ટેબલ ઉપર ખુલ્લી પથરાયેલી કિતાબનાં પાના ઉપર ચિત્રાયેલી વિચિત્ર પ્રકારની સંજ્ઞાઓ ઉપર સ્થિર હતી. આવીજ નિશાનીઓ તેણે મોન્ટુ જે અરીસો દરિયાકિનારેથી ઉંચકી લાવ્યો હતો તેનાં હાથા ઉપર અંકિત થયેલી જોઇ હતી. તે થડકી ઉઠી. થોડા સમયથી નગરમાં ઘટતી અસામાન્ય વારદાતો સાથે આ સંજ્ઞાઓને જરૂર કંઇક લેવા-દેવા છે એ તેની સમજમાં આવતું હતું. “ પરંતુ આ સંજ્ઞાઓનું રહસ્ય શું હોઇ શકે...? વિભૂતી નગર સાથે આ સંજ્ઞા શું સંબંધ છે ધરાવતી હશે....? ” હજારો સવાલો તેનાં મનમાં ઉઠતા હતા. તેનાં જેવીજ હાલત જયસીંહની હતી. તે પણ હૈરતભરી નજરોએ જોઇ રહયો હતો અને વિચારી રહયો હતો કે આ કેવી રીતે શક્ય બને....? એક વર્ષો જુની કિતાબમાં છપાયેલા કોઇ અજાણ્યા હોલમાર્કનાં નિશાનો એકાએક કેમ તેની પોલીસ ચોકીની દિવાલે ઉભરી આવ્યા.....? પેલી બોટમાં પણ કેમ આ નિશાનો છપાયેલા હતાં....? સૌથી વધુ હેરાનીની વાત તો એ હતી કે જ્યાં જ્યાં આ નિશાનો તેણે જોયા હતા ત્યાં-ત્યાં લોકોનાં ભયાનક રીતે મોત નિપજ્યા હતાં....ભારે તબાહી મચી હતી. કોઇ સામાન્ય વારદાતની આ એંધાણીઓ તો નથી જ, એ તેની સમજમાં ઉતરતું હતું.
એલીઝાબેથ એકદમ સ્થિર હતી. તેની નજરોમાં કોઇ ભાવ નહોતાં. જાણે એ નિશાનીઓને પોતાની આંખોથી જ શોષી જવાની હોય એવી આશક્તિથી તે તાકી રહી હતી. કદાચ તેનાં મનમાં શૂન્યાવકાશ છવાયો હતો અને નજરોમાં ખાલીપો. તેને પોતોને પણ ખ્યાલ નહોતો આવતો કે આવું તેની સાથે કેમ બની રહયું છે. તે બસ, એકીટશે પુસ્તકનાં ખુલ્લા પાનાને તાકી રહી હતી.
ઇશાન ખળભળી ઉઠયો હતો. અત્યાર સુધી જે હકીકતને તેનું મન સ્વીકારવા તૈયાર નહોતું એ હકીકત તેની સામે ટેબલ ઉપર પડેલી કિતાબનાં પાનાઓમાંથી ઉભરીને તેને ડરાવવા લાગી હતી. શંકર મહારાજે કહેલી વાતોનું અનુસંધાન અનાયાસે આ કિતાબ સાથે જોડાયું હતું. મહારાજે નગરનાં ભૂતકાળની જે કહાની તેને સંભળાવી હતી એ કહાની સાચી જ હશે એ બાબતે તે દુવિધા અનુભવતો હતો. એક તરફ તે મહારાજની વાતો સાચી માનવા પ્રેરાતો હતો તો બીજી બાજું એ બધુ સાવ હંબગ હોવાની માન્યતા તેનાં મનમાં ઉઠતી હતી. પરંતુ અત્યારે તે જે જોઇ રહયો હતો એને તે કોઇ કાળે જુઠલાવી શકે તેમ નહોતો. કિતાબનાં પાનાઓ ઉપર અંકિત થયેલા ત્રણ ચિન્હો ચીખી-ચીખીને શંકર મહારાજની કહાની સાચી હોવાની સાબીતી આપી રહયા હતાં. “ બટ હાઉ ઇઝ પોસીબલ....? ” ઇશાનનાં મનમાં પણ પ્રશ્નો ઉઠવા લાગ્યા.
પ્રશ્નો થવા સ્વાભાવીક હતા કારણકે શંકર મહારાજે તેની કહાનીમાં કોઇ અજાણ્યા જહાંજનો ઉલ્લેખ તો કર્યો હતો પરંતુ સોલોમન ટાપુ વિશે તેમણે હરફ સુધ્ધા ઉચ્ચાર્યો નહોતો. તો શંકર મહારાજ હજુ પણ કશુંક વધારે જાણતાં હોવા જોઇએ....? કે પછી તેમને પણ ખબર નહી હોય....? બંને શક્યતાઓ હતી કારણ કે તેમને પણ તેમનાં પિતાજીએ આ વાર્તા કહી હતી. આમ એક પેઢીથી બીજી પેઢીમાં ચાલી આવતી કહાનીમાં થોડો ભાગ બદલાઇ ગયો હોય એવી શક્યતા ઇશાન નકારી શકે તેમ નહોતો. “ મારે મહારાજને ફરીથી મળવું પડશે.” તેણે માથુ ધુણાવ્યું અને મનોમન નિર્ણય કર્યો. પરંતુ... આ બધા ઝમેલાથી એલીઝાબેથને કેવી રીતે બાકાત રાખવી એ તેની સમજમાં આવતું નહોતું. તેની લાખ કોશીષો છતાં એલીઝાબેથ તેનાં મનનું ધાર્યું જ કરતી હતી. તેને એલીઝાબેથની સખત ચિંતા થઇ આવી.
જયસીંહે મોબાઇલ કાઢયો હતો અને એ સંજ્ઞાઓનાં ફોટા પાડયાં. આંચલ અને ઇશાને પણ પોતાનાં ફોનમાં તેનાં ફોટા ખેંચ્યા હતાં.
“ ઓ.કે....તો....મને લાગે છે કે હવે આપણે જવું જોઇએ. બાકીની વાતો આપણે કાલ સવારે કરીએ તો બહેતર રહેશે....” ઇશાન આખરે બોલ્યો હતો અને બધાનાં ચહેરા નીરખ્યા. કોઇ પાસ કંઇ કહેવાનું હતું નહી એટલે ઇશાનનો પ્રસ્તાવ મંજૂર રખાયો. હોલોગ્રામ વાળી બુકને કબાટમાં તેની જગ્યાએ મુકવામાં આવી અને પછી લાઇબ્રેરીની લાઇટો બંધ કરી, દરવાજાને તાળું મારવામાં આવ્યું. તે ચારેય ત્યાંથી ફરી-વખત ટાઉનહોલનાં પરીસરમાં આવ્યા. આશ્ચર્ય એ વાતનું હતું કે સમગ્ર સમય દરમ્યાન એલીઝાબેથ એકપણ શબ્દ ઉચ્ચાર્યો ન હતો. તે કોઇ ચાવી દીધેલા પુતળાની જેમ ઇશાનની સાથે નીચે ઉતરી હતી. ઇશાનને તાજ્જૂબી થતી હતી પણ અત્યારે કંઇ બોલવુ યોગ્ય લાગતું નહોતુ. ટાઉન હોલનાં પરીસરમાં નવનીત ભાઇએ ટ્રકમાંની ચારેય મૂર્તીઓ ઉતરાવી લીધી હતી અને તેને વ્યવસ્થિત રીતે પરીસરમાં બનાવેલાં ઓટલા ઉપર મુકાવડાવી હતી. મૂર્તિઓને સફેદ કપડાનાં આવરણથી ઢાંકીને “ પેક ” કરાઇ હતી. તે મૂર્તિઓમાં નવનીતભાઇનાં ખાનદાનનાં વડવાઓમાંથી એકની મૂર્તિ હતી....અને સાથોસાથ ઇશાનનાં તપસ્વી પરીવારનાં એક વડવાની પણ મૂર્તિ હતી.
ઇશાન દાદરો ઉતરી ટાઉનહોલનાં ખુલ્લા વિશાળ પરીસરમાં આવ્યો. તેની સાથે એલીઝાબેથ હતી. ઇન્સ.જયસીંહ અને આંચલ તે બંનેની પાછળ ચાલતા આવતા હતાં. ઇશાને સૌથી પહેલા મંડપમાં ઓટલા ઉપર સફેદ કપડામાં ઢંકાયેલી પ્રતિમાઓને જોઇ. તેનાં મનમાં એ મૂર્તિઓને જોઇને કશુંક અકથ્ય સંવેદન જાગ્યુ. કોણજાણે કેમ, પણ તેને અત્યારે જ એ મૂર્તિઓનાં ચહેરા જોવાનું મન થયું. તે ઝડપથી ચાલતો નવનીતભાઇ જ્યાં ઉભા હતાં ત્યાં પહોંચ્યો. નવનીતભાઇએ ખાલી કરાવેલી ટ્રકનો ડ્રાઇવર ત્યાં ઉભો હતો. નવનીતભાઇએ તેનાં હિસાબનાં રૂપિયા તેને આપ્યા એટલે તે તેની ટ્રકને અને મજૂરોને લઇને રવાના થયો. ઇશાન ત્યાં સુધી ખામોશીથી ઉભો રહયો.
“ હાશ... આખરે એક કામ પુરુ થયું. હવે આવતીકાલે રંગે-ચંગે પ્રતિમાઓનું પ્રાણ-પ્રતિષ્ઠાન કરીશું....” તેઓ જાણે પોતાની સાથે જ વાત કરતા હોય તેમ બોલ્યાં.
“ તમને નથી લાગતું કે એ થોડીક ઉતાવળ ગણાશે...? ” ઇશાને નવનીતભાઇનાં શબ્દો સાંભળ્યા એટલે તેણે તરત કહ્યું. નવનીતભાઇએ ડોક ફેરવી તેની નજીક આવીને ઉભેલા ઇશાન તરફ જોયું. “ નગરમાં જ્યારે આટલો માતમ ફેલાયેલો હોય, ચિત્ર-વિચિત્ર બનાવો બનતા હોય, અકલ્પનીય કુદરતી ઘટનાઓ ઘટતી હોય ત્યારે આવા ઉત્સવો ઉજવવાનું ભાગ્યે જ કોઇને સુઝે...! ”
“ રાઇટ યંગમેન....! પરંતુ મૂર્તિઓનાં પ્રાણ-પ્રતિષ્ઠાનનો કાર્યક્રમ અગાઉથી નક્કી થઇ ચુકયો છે. તેની આમંત્રણ પત્રિકાઓ વિદેશ સુધી વહેંચાઇ ગઇ છે. સૌથી મહત્વની બાબત એ છે કે આવતીકાલે જે મુર્હુત છે એવુ મુર્હુત આગામી બે વર્ષ સુધી પછી નહી આવે. જો આવતી કાલે આ કાર્યક્રમ નહી યોજી શકાય તો પછી આવનારા બે વર્ષ આ મૂર્તિઓને અહીં જ પડી રહેવા દેવી પડશે....! અનાવરણ કર્યા વિના જ....! ખરેખર તો એ આપણા બુઝુર્ગોનું અપમાન ગણાશે.” નવનીત ભાઇએ ઇશાનને સમજાવતા હોય તેમ બોલ્યા.
“ પણ તો નગરવાસીઓનું શું....? શું તેઓ હોંશભેર આ કાર્યક્મમાં ભાગ લઇ શકશે....? ”
“ મને લાગે છે કે નગરવાસીઓ ચોક્કસ તેમાં ભાગ લેશે. ઉલટાનું એમ કહી શકાય કે આ ઉત્સવ તેમનાં ઘાવ ઉપર મલમનું કામ કરશે. નગર ઉપર છવાયેલો માતમનો ઓછાયો ઉત્સવનાં બહાને થોડોક તો હટશે જ...” નવનીતભાઇ બોલ્યા. હોલનાં પટાંગણમાં ખોડેલા થાંભલા ઉપર લગાડેલા હેલોઝેન લેમ્પનું અજવાળું નવનીતભાઇનાં ચહેરા ઉપર પથરાતું હતું. ઇશાન તેમની સામે ઉભો હતો એટલે આ વાત કહેતી વખતે નવનીતભાઇનાં ચહેરા ઉપર આવતા-જતાં ભાવોને તે સ્પષ્ટ જોઇ શકતો હતો. તેમનાં સ્વરમાં ઉત્સાહ હતો, ઇશાનને એ ઉત્સાહ ઉપર પાણી ફેરવવું યોગ્ય લાગ્યું નહી. વધુ કંઇ દલીલ કર્યા વગર તે પાછળ ફર્યો અને ઓટલા ઉપર મુકાયેલી પ્રતિમાઓને તાકતો ઉભો રહયો. એ દરમ્યાન આંચલ તેનાં પપ્પાની નજીક પહોચી હતી.
“ થઇ ગયું તારું કામ...? ” આંચલે તેમનાં હાથમાં ચાવીનો ઝુડો મુકયો ત્યારે તેમણે આંચલને પુછયું.
“ જી પપ્પા....! ”
“ એવું તો શું ખાસ હતું એ પુસ્તકમાં કે તમને આટલી મોડી રાતે અહી આવવું પડયું..? ” તેમણે પુછયું. આંચલ અને જયસીંહ આ સવાલ સાંભળીને સાવધ થયાં.
“ અંહ...કંઇ નહી પાપા, આ મારી દોસ્તને અચાનક કંઇક યાદ આવ્યું હતું એટલે....! ” સંભાળી શબ્દો ગોઠવતા તે બોલી.
“ એ તો ઇશાનની મિત્ર છે ને....? ઓસ્ટ્રેલિયાથી આવેલી...?”
“ જી પાપા....”
“ અચ્છા, ઓ.કે....સમય ઘણો થયો છે. મારા ખ્યાલથી હવે બધાએ ઘરે જવું જોઇએ. તું કાર લાવી છો ને....? ”
“ જી પાપા....! ”
“ તો હું તારી સાથે કારમાં આવું છું. આ લોકો પાસે તો તેમનાં વાહન છે ને....? ”
“ જી...! મારી પાસે જીપ છે અને ઇશાન તેની કાર લઇને આવ્યો છે....” આ વખતે જયસીંહે જવાબ આપ્યો.
“ ઓ.કે. ગુડ. તો જઇશું હવે...! ” કહીને નવનીતભાઇએ પાર્કિંગ તરફ ચાલવા માંડયું. ન છૂટકે આંચલે પણ ત્યાંથી જવુ પડે તેમ હતું નહિતર હજુ થોડીવાર ત્યાં ઉભી રહેવા માંગતી હતી. કંઇક પુછવા, કંઇક કહેવા માંગતી હતી.
“ તું આવે છે ને ઇશાન....? ”જયસીંહે એકધારું મૂર્તિઓ તરફ જોઇ રહેલા ઇશાનને પુછયું.
“ હં...ઓહ.....યા...! જઇશું....” તે બોલ્યો, અને બધા ત્યાંથી રવાના થયા. આ સમય દરમ્યાન પણ એલીઝાબેથ તદ્દન ખામોશ રહી હતી.
***
પથારીમાં પડયા-પડયા ઇશાન પડખા ઘસી રહયો હતો. તેનાં મનમાં વિચારોનું ધમાસાણ મચ્યું હતું. લાઇબ્રેરીથી ઘરે આવ્યા બાદ એલીઝાબેથ તેનાં કમરામાં ચાલી ગઇ હતી અને તે પોતાના કમરામાં આવીને સૂવાની વ્યર્થ કોશીષમાં લાગ્યો હતો. કોઇક એવી વાત હતી જે તેને સમજાતી નહોતી અને તે વાત સતત તેને ખટકતી પણ હતી. એ શું હતું તેનો સ્પષ્ટ ખ્યાલ તેનાં જહેનમાં ઉભરતો નહોતો. તે બસ....મુંઝાઇ રહયો હતો. યાદ કરી-કરીને થાકયો ત્યારે તે ઉભો થયો અને કમરાની બારી પાસે આવ્યો.
બારી બહાર ઘોર અંધકાર પ્રસરેલો હતો. અડધી રાતનો મઝલ વહી ગયો હોવા છતાં ચાંદ ઉગ્યો નહોતો. ઇશાને આંખો ચોળીને અંધકારમાં દુર લહેરાતાં નાળીયેરીઓનાં વૃક્ષોને જોવાની કોશીષ કરી. અચાનક તેને ઝબકારો થયો કે ચાંદો તો ઉગ્યો જ છે પરંતુ આકાશમાં છવાયેલા ધુમ્મસનાં ઘનઘોર કાળા વાદળો પાછળથી તેનો પ્રકાશ ધરતી સુધી પહોંચી શકતો નહોતો. ઇશાને એ કાળા વાદળો તરફ નજર નાંખી.
“ શંકર મહારાજની વાતોમાં કયાંય સોલોમન નામનાં ટાપુનો ઉલ્લેખ સુદ્ધા થયો નથી....! આ તમામ ઘટનાઓ સાથે એલીઝાબેથને શું સંબંધ હશે.....? નગર ઉપર કેમ વારે-વારે ધુમ્મસના ગાઢા વાદળો છવાઇ આવે છે....? પુસ્તકમાં છપાયેલી હોલમાર્કની નિશાનીઓનું શું રહસ્ય છે...? સમગ્ર નગર ઉપર મોતનો ઓછાયો શું કામ મંડરાઇ રહયો છે....? અને મને જે પ્રેતાત્માનો ઓછાયો નગરનાં ટાઉનહોલનાં પરીસરમાં દેખાયો તેનો ભેદ શું છે...? શું એ સચ્ચાઇ હતી કે મારો ભ્રમ....? ” હજ્જારો સવાલોનાં વમળમાં અટવાતો ઇશાન બારીએ ઉભો રહી પોતાની જાત સાથેજ વાત કરતો હતો. “ આખરે શું છે આ નગરનું રહસ્ય.....? મારે આ રહસ્ય ઉકેવું જ પડશે. ત્યાં સુધી મને ચેન નહી પડે. એલીઝાબેથ પણ ત્યાં સુધી સુરક્ષીત નથી. કમ સે કમ એલીઝાબેથ માટે તો મારે આ રહસ્ય સુલઝાવવું જ પડશે. “ તે બબડયો....અને ફરી વિચારોમાં ખવાયો. કોઇક એકાદ “ ક્લ્યૂ ” ની તલાશમાં તે અટવાયો હતો.
“ ઓહ યસ....ઓહ યસ...! આ મને કેમ ન સમજાયું....! ” અચાનક તેને કંઇક યાદ આવ્યુ અને તે ઉછળી પડયો. “ મારે વિચારવું જોઇતું હતું. આટલી મહત્વની બાબત મારા ધ્યાન બહાર કેમ રહી ગઇ....? ” અત્યારેજ ઉડીને ફરી તેને પાછું ટાઉનહોલ પહોંચી જવાનું મન થયુ. “ મહારાજ, તમે સાચા છો.....તમે બિલકુ સાચા છો.....! ” માંડ-માંડ પોતાના મન ઉપર કાબુ રાખતો ઇશાન ઉત્સાહથી છલકાઇ ઉઠયો. તેણે દિવાલ પર લટકતી ઘડીયાળમાં સમય જોયો. રાતનાં અઢી વાગ્યા હતાં. આટલી મોડી રાતે નગરનાં ટાઉનહોલ સુધી જવાની તેની હિંમત થઇ નહી. બારી પાસેથી હટીને તે પલંગ ઉપર લેટયો. કાલે સવારે વાત એવું વિચારતો-વિચારતો કયારે તે સૂઇ ગયો એની પણ તેને ખબર ન રહી.
પરંતુ... ઇશાનને ખબર નહોતી કે આવતીકાલ તેનાં જીવનમાં તોફાન સર્જવાની હતી. માત્ર તેના જીવનમાં જ નહી, સમગ્ર વિભૂતી નગર માટે આવતીકાલનો સૂર્ય આફતોનાં એંધાણ લઇને ઉગવાનો હતો.
( ક્રમશઃ )