Antim Ichchha in Gujarati Short Stories by Dr. Pruthvi Gohel books and stories PDF | અંતિમ ઈચ્છા

Featured Books
Categories
Share

અંતિમ ઈચ્છા

અંતિમ ઈચ્છા

મહીન ના માનસપટ પર આજે અનેક પ્રસંગો તરવરી રહ્યા હતા. એની સામે એના મૃત્યુ પામેલા પિતાની તસ્વીર હતી જે કંઇક કહી રહી હોય એવું લાગતું હતું. અજબ નો સંતોષ હતો એ તસ્વીરમાં. હા આ દ્રશ્ય હતું એના પિતાના મૃત્યુ પછીના બીજા જ દિવસનું. ગઈ કાલે એના પિતાનું મૃત્યુ થયું હતું. પિતાનું મૃત્યુ થવાથી મહીન આજે ખૂબ જ દુઃખી હતો. મહીન આમ પણ તેના પિતાની વધુ નિકટ હતો એટલે સ્વાભાવિક છે કે તેનું દુઃખ પણ વધુ હોય. મહીન ના પિતાનું મૃત્યુ થવાથી હવે ઘરની બધી જ જવાબદારીઓ મહીનના શિરે આવી પડવાની હતી અને મહીન એ માટે પૂરો તૈયાર પણ હતો જ.

મહીન ના પિતા મહીન ને ખૂબ ચાહતા હતા. મહીન એમનો એક નો એક પુત્ર હતો. અને તેમને અત્યંત પ્રિય હતો. અને કેમ ન હોય? મહીન હતો પણ એટલો જ સરળ અને સુશીલ. ઉત્તમ કે શ્રેષ્ઠ પુત્ર કહી શકાય એવા બધા જ ગુણો મહિનમાં હતા.

મહીન ને બધું યાદ આવી રહ્યું હતું. પ્રસંગ હતો જ્યારે મહીન એ પોતાના માટે કન્યા પસંદ કરી હતી.

જ્યારે મહીન એ પોતાના માટે કન્યા જાતે પસન્દ કરી હતી ત્યારે ગામ ના લોકોએ તેનો ખૂબ જ વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે, આપણા ગામમાં આજ સુધી કદી પણ ક્યારેય કોઈએ પ્રેમ લગ્ન નથી કર્યા. દીકરા માટે કન્યા તો મા બાપ જ પસંદ કરેને? આમ કાંઈ થોડું હોય? આ કાલની આવેલી છોકરી તમારા દીકરાને ફસાવે છે. ગામના અનેક લોકો એના પિતાને એ જ વાત વારંવાર કહી રહ્યા હતા.

ગામમાં રહેતા કરસન કાકાએ મહીનના પિતાને કહ્યું, " તમે આ લગ્ન માટેની મંજૂરી આપીને બહુ મોટી ભૂલ કરો છો. યાદ કરજો એક દિવસ તમારે પસ્તાવાનો વારો આવશે."

ત્યારે મહીનના પિતાએ તેમને પ્રત્યુત્તર આપતા કહ્યું હતુ કે, "મહીન ને જો કન્યા પસંદ હોય તો હું એમા બાધા રૂપ બનવા માંગતો નથી. કારણ કે, જિંદગી તો એમણે બંનેએ સાથે વિતાવવાની છે. હું જો જબરદસ્તી મહીન ને કોઈ બીજી છોકરી જોડે પરણાવી દઉં તો એ લગ્ન ક્યારેય સફળ ન નીવડે. અને ત્રણ ત્રણ લોકોની જિંદગી બરબાદ કર્યા નું પાપ મને લાગે."

"હા, એ બરાબર છે પણ મહીન એ જે કન્યા પસંદ કરી છે એ તમારી જ્ઞાતિ ની તો નથી જ પણ એ ગુજરાતી પણ નથી. તમે વિચાર તો કરો કે, એક મરાઠી છોકરી આપણા આ ગુજરાતી સમાજમાં કેવી રીતે જીવશે? એ કેવી રીતે તમારા ઘરમાં સેટ થશે?" કરસન કાકાએ પૂછ્યું.

ત્યારે મહીન ના પિતાએ તેનો જવાબ આપ્યો, " હું આવનારી કન્યા પાસે ક્યારેય પણ એવો આગ્રહ તો નહીં જ રાખું કે, એ અમારી જેમ જ જીવે અને અમારી જ રૂઢિઓ ને અનુસરે. એની પોતાની પણ એક જિંદગી હોવી જોઈએ. કોઈ કન્યાની સ્વતંત્રતા લગ્ન પછી છીનવી તો ન જ લેવાય. એને શું કરવું છે એ તો એને જ નક્કી કરવા દેવું જોઈએને? હું કાંઈ એનું લગ્નજીવન જ એના માટે બંધનરૂપ બની જાય એવું ક્યારેય ઈચ્છતો નથી. હું એને પણ એટલી જ સ્વતંત્રતા આપીશ જેટલી મેં મહીન ને આપી છે. મારે માટે તો દીકરો અને વહુ બંને સમાન જ છે."

"ઠીક છે ત્યારે, જેવી તમારી ઈચ્છા." કહી કરસન કાકા એમના ઘેર જવા રવાના થયા.

એ પછી મહીન ના લગ્ન અર્ચના સાથે થઈ ગયા. બંને ખૂબ જ ખુશ હતા. અને ધીમે ધીમે અર્ચના એ પોતાના ઘરમાં તો જગ્યા બનાવી જ લીધી પણ ગામના લોકોના મનમાં પણ જગ્યા બનાવી લીધી.

જે લોકો એ અર્ચના સાથે મહીન ના લગ્ન કરવા માં વિરોધ દર્શાવ્યો હતો એ જ લોકો માટે અર્ચના આજે માનીતી બની ગઈ હતી.

મહીન ને એ બધું આજે યાદ આવી રહ્યું હતું.

મહીન ના લગ્ન પછીના લગભગ બે વર્ષ પછી એમને ત્યાં સુંદર કન્યા રત્ન નો જન્મ થયો હતો. એમને ત્યાં પુત્રી અવતરી એની ખુશીમાં મહીન ના પિતાએ આખા ગામમાં પેંડા વ્હેચ્યા હતા. આ એ સમયની વાત છે કે જ્યારે લોકો માત્ર પુત્રના જન્મ પર જ પેંડા વહેંચતા. એવા સમયે મહીન ના પિતાએ કન્યાના જન્મ પર પેંડા વહેંચ્યા હતા. મહીન મનોમન આવા પિતાને પામવા બદલ ઈશ્વરનો આભાર માની રહ્યો. એને થયું કે, મેં જરૂર કોઈ સારા કર્મો કર્યા હશે તેથી જ હું આટલા સારા અને પ્રેમાળ તેમ જ સમજદાર પિતાને પામ્યો છું.

એમ કરતાં કરતાં ઘણા વર્ષો વીતી ગયા. મહીન હવે મોટો થઈ ગયો હતો. મહીન ના પિતાનો મૃત્યુ નો સમય નિકટ આવી રહ્યો હતો.

અને એક દિવસ એ સમય આવી ગયો. મહીન ના પિતા જાણી ગયા કે, હોવી એમનું મૃત્યુ નિશ્ચિત જ છે. માટે એમને ઘરના બધા સભ્યોને પાસે બોલાવ્યા અને આ પ્રમાણે કહ્યું, "જુઓ, હવે મારે ઈશ્વર સમીપ જવાનો રસ્તો ખુલી ગયો છે. પણ એ પહેલાં હું તમને અમુક વાતો કરવા માંગુ છું."

"તો કહોને પપ્પા." મહીન એ કહ્યું.

"તો સાંભળો" તેના પિતા બોલી ઉઠ્યા.

"મારી એક જ ઈચ્છા છે કે, મારા મૃત્યુ પછી તમારે કોઈએ શોક પાળવો નહીં. જેમ તમારી જિંદગી ચાલે છે એમ જ ચાલવા દેજો. મૃત્યુ એ કોઈ દુઃખની બાબત નથી પણ એ તો ઈશ્વર સમીપ જવાનો રસ્તો છે. માટે હું ઈચ્છું છું કે, તમે ઈશ્વરનો આભાર માનજો. મેં મારી જિંદગી માં જે કાઈ પણ કાર્ય કર્યું છે એનો મને પુરેપુરો સંતોષ છે. સંતોષ સાથે હું આ દુનિયામાંથી વિદાય લેવા ઈચ્છું છું. અને તેમાં હું તમારા બધાનો સહકાર ઈચ્છું છું." પોતાની પત્નીને તેમને કહ્યું, મારા ગયા પછી વૈધવ્ય ના કોઈ પણ ચિહ્નો તું ધારણ કરીશ નહીં. અને હંમેશા સૌભાગ્યવતી સત્રી બનીને જ જીવજે. હું મૃત્યુ પછી પણ સદાય તારી સાથે જ રહીશ. મારી પાછળ કોઈ વિધિ કરશો નહીં. મારા દેહનું દાન કરી દેજો. જેથી હું એવા સંતોષપૂર્વક મરી શકું કે મર્યા પછી પણ હું કોઈકને કામ આવ્યો." આટલું બોલી રહ્યા પછી મહીન ના પિતા વધુ ન બોકી શક્યા. એનો અવાજ સદાને માટે બંધ થઇ ગયો. એ મૃત્યુ પામ્યા.

પિતાના મૃત્યુ બાદ મહીન એ નક્કી કર્યુ કે, હું મારા પિતાની અંતિમ ઈચ્છા જરૂર પૂર્ણ કરીશ. મહીન એ તેના બધા જ સગાઓ ને બોલાવ્યા અને પોતાની વાત બધા સમક્ષ મૂકી અને કહ્યું કે, હું મારા પિતાના અંતિમ સંસ્કાર કરવા ઈચ્છતો નથી પરંતુ એમની ઈચ્છા મુજબ હું એમના દેહનું દાન કરવા ઈચ્છું છું જેથી મને આત્મસંતોષ રહે કે, મેં મારા પિતાની અંતિમ ઈચ્છા પૂર્ણ કરી.

હંમેશની જેમ પહેલા તો બધાએ ખૂબ વિરોધ દર્શાવ્યો પણ પછી મહીન એ એમને પોતાની વાત સમજાવી અને એમાં એ સફળ થયો. મહીન એ તેમના પિતાનું હોસ્પિટલમાં દાન કર્યું જેથી ત્યાં ભણતા વિદ્યાર્થીઓને તે કામ આવી શકે. મહીન ના ચેહરા પર તૃપ્તિ જોવા મળતી હતી. પિતાના દેહનું દાન કર્યા પછી એણે પિતાની પાછળ કોઈ ધાર્મિક વિધિ ના કરી પણ ગરીબ લોકોને જમાડ્યા અને પોતાની શક્તિ મુજબ યથાયોગ્ય દાન કર્યું.

આમ મહીન એ પોતાના પિતાના અનોખા અંતિમસંસ્કાર કર્યા.