અમર શહીદ ભગતસિંહ
" જીવન પથ પર ડગલું ભરતા થાક્યા કદમ ના તમારા
એ વિરલ વિભૂતિ તમને પ્રણામ મારા "
આજે પણ મારા દેશની માટીમાંથી દેશની આઝાદી માટે બલિદાન આપનારા વીરોના લોહીની મહેંક આવતી રહે છે. માત્ર ૨૩ વર્ષની યુવાન ઉંમરે ઘર-પરિવાર, વૈયક્તિક ઈચ્છા, આકાંક્ષા છોડીને દેશ માટે ફાંસીએ ચઢવાનું વધારે પ્રિય લાગ્યું. જે એવું માનતા હતા કે મારું જીવન મારી માતૃભૂમિ માટે છે અને તેના માટે શહીદ થયા સિવાય બીજી કોઈ વાત હોઈ શકે નહિ અને એ એટલે આપણા સૌના લાડીલા ભગતસિંહ.
જ્યારે સ્વાતંત્ર્ય સંગ્રામની લડાઈ ચરમસીમાએ પહોંચી હતી ત્યારે ૨૮/૦૯/૧૯૦૭ ના દિવસે પંજાબના લાયલાપુર જિલ્લાના બંગા ગામે થયો હતો. તેમના પિતાનું નામ કિશનસિંહ અને માતનું નામ વિદ્યાવતી હતું. ભગતસિંહનો પરિવાર આયૅ-સમાજી શીખ પરિવાર હતો. ભગતસિંહમાં નાનપણથી જ રાષ્ટ્ માટે ઉચ્ચ કતૅવ્યભાવના હતી. જેનું એક કારણ એ પણ છે કે તેમના પરિવારમાં એ સમજણ બહું સ્પષ્ટ હતી, તેમના પિતાજી અને દાદાજી બન્ને દેશની સ્વાતંત્ર્ય પ્રાપ્તિ માટે જેલમાં જઈ ચૂક્યા હતા તેમના એક કાકાને તો અંગ્રેજ સરકારે જેલમાં એટલી યાતના ને પીડા આપી કે ઘરે આવ્યા પછી થોડા દિવસોમાં તેમનું મૃત્યુ થઈ ગયું. તેમના પરિવારમાં રાષ્ટ્ર માટે ઉચ્ચતમ કતઁવ્ય ભાવના હતી.
ભગતસિંહ બાળપણમાં તેજસ્વી અને ચતુર હતા. તે હંમેશા કંઇક નવું વિચારવા અને તેના વિશે કંઈક નવું પૂછવાની ને જાણવાની કોશિશ કરતા હતા. એક વખતે ખેતરમાં ઉગેલા પાકને જોઈને બાળ ભગતસિંહ સાહજિક ભાવે તેમના પિતાજીને પૂછે છે કે, " પિતાજી આપણે પાકની જેમ બંદૂક ના વાવી શકીએ?" આવા ઉચ્ચતમ ભાવના વાળા વિચારો ભગતસિંહમાં બાળપણથી જ જોવા મળતા હતા. તે હંમેશા વિચારતા કે અલ્પ સંખ્ય અંગ્રેજ આટલા કરોડ ભારતીયો પર કેવી રીતે સામ્રાજ્ય ચલાવી શકે?
બાળપણથી જ ઘર અને પ્રદેશમાં અંગ્રેજોના લીધે ભય અને અન્યાયનું વાતાવરણ ઉભું થયું હતું. તેને તે અનુભવી રહ્યા હતા. તેવા સમયમાં એવી ઘટના ઘટી કે જેનાથી ભગતસિંહને અંગ્રેજો વિરુદ્ધ ઉગ્ર રુપ ધારણ કરવા મજબૂર કર્યા અને એ એટલે જલિયાવાલા બાગનો હત્યાકાંડ. તારીખ ૧૩ એપ્રિલે ૧૯૧૯ ના રોજ જલિયાવાલા બાગમાં ભીષણ હત્યાકાંડ થયો. એ સમયે ભગતસિંહની ઉંમર માત્ર ૧૨ વર્ષ હતી. આની સૂચના મળતા જ ભગતસિંહ તેમની સ્કૂલથી ૧૨ માઇલ ચાલીને જલિયાવાલા બાગ પહોંચ્યા હતા. આ ઘટનાને પોતાના હ્રદયમાં જીવંત રાખવા ભગતસિંહે ત્યાંની લોહીથી તરબોળ માટીને એક બોટલમાં ભરીને પોતાની પાસે રાખી હતી. આ ઉંમરમાં ભગતસિંહ પોતાના કાકાઓની પુસ્તકો વાંચીને વિચારતા હતા કે આંદોલન માટે ક્યો રસ્તો શ્રેષ્ઠ છે? આ ઘટના પહેલા ભગતસિંહ ગાંધીજીએ શરૂ કરેલા અસહકાર આંદોલનમાં જોડાયા હતા પણ જલિયાવાલા બાગકાંડ પછી તેમની શ્રધ્ધા અહિંસક આંદોલન પરથી ઉડી ગઈ. તેમણે ૯ મા ધોરણથી પોતાનો અભ્યાસ પણ છોડી દીધો અને તેમણે કાંતિકારી વિચારો વાળો રસ્તો પસંદ કર્યો. તે માટે વિવિધ જુલૂસોમાં ભાગ લેવાનું શરૂ કર્યું. અને કેટલાક કાંતિકારી દળોના સભ્ય પણ બન્યા.
કાંતિકારી વિચારો તેમના જીવનમાં આવ્યા બાદ તેમણે પોતાના જીવનને નવો વળાંક આપ્યો. તેમણે લાલા લજપતરાય દ્વારા શરૂ કરેલી કોલેજમાં પ્રવેશ મેળવ્યો. ત્યાં ભગતસિંહને કાંતિકારી વિચારો ધરાવતા મિત્રો અને શિક્ષકો મળ્યા. તે દિવસોમાં પોતાના વિવાહ માટે આવેલા પ્રસ્તાવને તેમણે સહજતાથી ના પાડી દીધી. વિદેશી કાંતિકારીઓના અભ્યાસ અને કાંતિકારીઓના સહવાસથી તેમને સમજાયું કે દેશ માટે કંઈક કરવું હશે તો જગતના પ્રત્યેક સંબંધીઓને છોડવા પડશે. તેવા જ સમયમાં ભગતસિંહ શાહપુર જઇને શિક્ષક બનીને શિક્ષા આપવાનું શરૂ કર્યું. પોતાના વિધાર્થીઓને પણ તેઓ નીડરતા, સ્વતંત્રતા અને કાંતિકારી વિચારોનો અભ્યાસ કરાવા લાગ્યા. શિક્ષાની સાથે સાથે તેઓ 'અજુઁન' નામક દૈનિકના સંપાદનમાં જોડાઇ ગયા. ભગતસિંહે કાંતિકારી દળો માટે લાહોર નજીક એક ગામમાં દૂધની ડેરી શરુ કરી, ત્યાં તેઓ સવારે ૪ વાગ્યે ઉઠીને ભેંસનું દૂધ કાઢતા, ઘોડાગાડીમાં તેને લાહોર પહોંચાડતા અને ગાય-ભેંસની વ્યવસ્થા કરતા આ બધા કામ તેઓ સહજતાથી કરતા.
એમના દળોના પ્રમુખ કાંતિકારીઓમાં ચન્દ્ર શેખર આઝાદ, ભગવતીચરણ વ્હોરા, સુખદેવ, રાજગુરુ જેવા કાંતિકારીઓ હતા. કાકોરી કાંડમાં ૪ કાંતિકારીઓને ફાંસી તેમજ ૧૬ અન્યને કારાવાસની સજાથી ભગતસિંહ એટલા પરેશાન થયા કે તેમણે ૧૯૨૮ માં પોતાની પાટીઁ "નૌજવાન ભારત સભા" નું " હિન્દુસ્તાન રિપબ્લિકન એસોસિયેશન" માં બદલી નાખ્યું અને એને એક નવું નામ આપ્યું - " હિન્દુસ્તાન સોશલિસ્ટ રિપબ્લિકન એસોસિયેશન". તારીખ - ૦૮/૦૯/૧૯૨૮ ના રોજ સમગ્ર દેશના કાંતિકારીઓની બેઠકમાં ભગતસિંહને વિવિધ પ્રાંતના નેતાઓ વચ્ચે સંપર્ક રાખવાનું કામ સોંપ્યું. ભગતસિંહને કલકત્તાના કાંતિકારી આગેવાન શ્રી કમલનાથ તિવારીને બોંબ બનાવવાની પધ્ધતિ વિશે પૂછ્યું. ભગતસિંહની દેશભક્તિ અને તીવ્રતા જોઇને તેમણે બોંબ બનાવવાની પધ્ધતિ શીખવાડી દીધી. તે જ સમયગાળા દરમિયાન ૧૯૨૮ માં સાયમન કમિશનના બહિષ્કાર માટે ભયાનક પ્રદર્શનો થયા. એમાં અંગ્રેજોના લાઠીચાર્જથી ઘવાયેલા લાલા લજપતરાયનું મૃત્યુ થયું. એનાથી ભગતસિંહનું લોહી ઊકળી ઉઠ્યું. જેથી એમણે પોલીસ સુપ્રિટેન્ડન્ટ સ્કોટને મારવા માટેની યોજના ઘડી. પણ તેમણે ૧૭ સપ્ટેમ્બર ૧૯૨૮ ના રોજ સવા ૪ વાગ્યે એ.એસ.પી. સોન્ડસૅની હત્યા કરી. તેઓને પકડવા માટે પોલીસે પૂરે પૂરુ જોર લગાવી દીધુ. પરંતુ તેઓ લાહોરથી રાજગુરુ સાથે રેલવે દ્વારા પલાયન થવામાં સફળ રહ્યા.
ભગતસિંહ કાલૅ માકૅસના સિધ્ધાંતવાદી વિચારોથી પ્રભાવિત હતા. જેથી તેમણે મજૂરો પ્રત્યેની શોષણની નીતિ પસંદ નહોતી આવતી. એ સમયે અંગ્રેજોની સત્તા જ સર્વોપરી હતી તેથી ભારતના ઉધ્ધોગપતિઓ પ્રગતિ સાધી નહોતા શકતા. તેમજ મજૂરો પર જે અત્યાચાર ગુજારવામાં આવતો તેનો વિરોધ સ્વાભાવિક હતો. મજૂરો વિરુદ્ધની નીતિઓને બ્રિટિશ સંસદમાં પસાર ન થવા દેવાનો એમના દળનો નિર્ણય હતો. ભગતસિંહ ચાહતા હતા કે અંગ્રેજોને ખબર પડે કે બધા ભારતીયો હવે જાગી ગયા છે કે આવી નીતિઓ પ્રતિ આક્રોશ છે. જેથી તેમણે ભારતીય પ્રજાને જગાડવાના હેતુથી દિલ્હીની કેન્દ્રીય વિધાનસભામાં બોંબ ફેંકવા માટેની યોજના બનાવી. ભગતસિંહ ઇચ્છતા ન હતા કે ખૂન ખરાબો થાય પણ અંગ્રેજો સુધી તેમનો અવાજ પહોંચાડવાનો હતો. જેથી નિર્ધારિત સમય અનુસાર ૮ એપ્રિલ ૧૯૨૮ ના રોજ કેન્દ્રીય વિધાનસભામાં ભગતસિંહ અને બટુકેશ્વર દત્તે એવી જગાએ બોંબ ફેંક્યા કે જ્યાં કોઇ હાજર નહોતું. જેથી પૂરો હોલ ધૂળથી ભરાઈ ગયો. ભગતસિંહ ધારત તો ત્યાથી ભાગી શક્યા હોત પરંતુ ત્યાથી ભાગ્યા નહીં અને તેમણે બોંબ ફેંક્યા પછી " ઈંકલાબ જિંદાબાદ", "સામ્રાજ્યવાદ મુદૉબાદ "ના નારાઓ લગાવ્યા અને પોલીસે આવીને તેમને પકડી લીધા. સાયમન કમિશનના વિરોધને કારણે જલિયાવાલાબાગનો હત્યાકાંડ થયો તેમા કેટલાય નિર્દોષ લોકો માર્યા ગયા હતા. લાલા લજપતરાયનું મૃત્યુ થયું હતું તેમ છતાં નવા બે ખરડાઓ સરકારે પસાર કયૉ હતા. જેમાં જનતાની સુરક્ષા ખતરામાં હતી તેથી આ ખરડાઓમાં વિરોધ કરવો હતો અને અમારો ઉદ્દેશ જનતા સુધી પહોંચાડવાનો હતો પરંતુ અંગ્રેજ સરકારે તેમના પર ખટલો ચલાવ્યો અને ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને દોષી ઠરાવી ફાંસીની સજા આપી.
ભગતસિંહ લગભગ ૨ વર્ષ સુધી જેલમાં રહ્યા અને જેલ દરમિયાન પણ તેમનો અભ્યાસ ચાલુ રાખ્યો. જેલમાં પણ તેમણે મજૂરોના શોષણના વિરુદ્ધમાં ૬૪ દિવસની ભૂખ હડતાળ પણ કરી હતી. તેમના એક સાથી યતીન્દ્ધનાથ દાસ આ ભૂખ હડતાળમાં મૃત્યુ પણ પામ્યા હતા. ભગતસિંહને ફાંસીની સજા થયા બાદ તેમના પિતાજીએ ફાંસીની સજાને બદલે આજીવન કારાવાસ થાય તે માટે ટિબ્યુનલને અરજી પણ આપી હતી. પરંતુ ભગતસિંહ તેમના પિતાજીને કહેતા કે, " આજે હું ૨૩ વર્ષનો છું. આજીવન કારાવાસ મને ૪૩ વર્ષનો ઘરડો બનાવી દેશે પછી હું બહાર આવીને દેશનું શું દેશની સેવા કરીશ? તેનાથી તો સારું છે કે જલ્દીથી મારું મૃત્યુ થઈ જાય જેથી ફરી જન્મ લઇને હું માતૃભૂમિની સેવા કરી શકું. એટલા માટે મારે આજીવન કારાવાસ નહીં ફાંસી જોઈએ છે. આવા ઉત્કૃષ્ટ વિચારો ભગતસિંહ ધરાવતા હતા.
માકૅસ અને લેનિનના વિચારોથી તેઓ ખૂબ પ્રભાવિત હતા. એવું કહેવાય છે કે ફાંસીના થોડા દિવસો પહેલા પૂછવામાં આવ્યું કે, " તમારી અંતિમ ઈચ્છા શું છે? ત્યારે તેમણે કહ્યું કે," લેનિનનું આ પુસ્તક મારે પૂરૂં કરવું છે " ૨૩ માચઁ ૧૯૩૧ ના રોજ ૭ કલાક ૩૩ મિનિટે ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને ફાંસી આપવામાં આવી. એક તેજસ્વી જીવનનો ગૌરવપૂર્ણ અંત થયો. ભગતસિંહના જીવનમાં દેશસેવા માટે અગ્રીમતા જોવા મળે છે. તેમના જીવનમાંથી એક શીખામણ મળે છે કે જીવનમાં ધ્યેય ઉંચો હોવો જોઈએ. પોતાના માટે, પોતાના કુટુંબ માટે બધા જીવી રહ્યા છીએ પરંતુ જે દેશે, ભૂમિએ મને મારી ઓળખ આપી, વિચાર, સંસ્કાર આપીને માનવ્ય સમજાવ્યું તેના માટે જીવવું જોઇએ. ભગતસિંહનું ચરિત્ર આપણને સમજાવે છે કે ઉંમર ગમે તેટલી હોય અને પ્રતિકૂળતાઓ પણ ગમે તેટલી હોય પરંતુ સાચી લગન અને સમર્પણ હશે તો જીવનને નવો વળાંક આપી શકાય છે. આજે પણ દેશ તેમને " સરફરોશી કી તમન્ના અબ હમારે દિલમે હે...", "મેરા રંગ દે બસંતી ચોલા... " જેવા જોશીલા ગીતોથી યાદ કરે છે.