અગ્નિ તત્વ
પંચ મહાભૂતોમાં ત્રીજું તત્વ છે અગ્નિ તત્વ. સુર્ય એ અગ્નિનો સૌથી મોટો સ્રોત છે. સુર્ય બ્રહ્માંડનો આત્મા છે. પૃથ્વી ઉપરનું જીવન સૂર્યથી જ ચાલે છે જે અગ્નિનો બહુ મોટો ગોળો છે. સુર્ય શક્તિ અને પ્રકાશનો મોટો સ્રોત છે. સુર્ય વગરની સૃષ્ટિની કલ્પના કરવી મુશ્કેલ છે. સુર્ય અને પૃથ્વીના લીધે દિવસ-રાત અને ઋતુઓ બદલાય છે. માનવશરીરમાં અગ્નિ તત્વ ૪% ભાગ ધરાવે છે. આપણો અંગુઠો અગ્નિ તત્વ સાથે સંકળાયેલો છે. આપણાં શરીરના સાત ચક્રોમાંથી અગ્નિ તત્વ મણિપુર ચક્ર સાથે જોડાયેલું છે. અગ્નિ તત્વ શબ્દ, સ્પર્શ અને રૂપનો ગુણધર્મ ધરાવે છે. અગ્નિ તત્વ ખૂબ જ સંવેદનશીલ છે. આપણે અગ્નિને અડી શકતા નથી પરંતું હા, તેમાંથી ગરમી અને હૂંફ જરૂર મેળવી શકીએ છીએ. અગ્નિ એ પ્રકૃતિનું એવું તત્વ છે જેનાથી વસ્તુ એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં ફેરવાય છે. અગ્નિ ઘન સ્વરૂપને પ્રવાહી સ્વરૂપમાં અને પ્રવાહી સ્વરૂપને વાયુ સ્વરૂપમાં ફેરવે છે. અગ્નિ તત્વ વગર આપણે આપણું ભોજન બનાવી શકીએ નહીં. અગ્નિ તત્વને લીધે જ આપણે જુદા જુદા તાપમાને જુદા જુદા સ્વાદિષ્ટ વ્યંજનો બનાવી શકીએ છીએ. માનવશરીરમાં અગ્નિ તત્વ બહુ ઓછા પ્રમાણમાં છે પરંતું તેની અસર જબરદસ્ત છે. ઘણી રીતે આપણું જીવન એક અગ્નિ છે. અગ્નિ તત્વ વગર માનવ શરીર ઠંડું પડી જાય. માનવશરીરમાં તાપમાન અને જઠરાગ્નિ અગ્નિ તત્વને દર્શાવે છે. ભુખ, તરસ અને ઉંઘ અગ્નિ તત્વને આભારી છે.
હિન્દુ ધર્મમાં અગ્નિ પવિત્ર કરનારું તત્વ છે. અગ્નિ તત્વ શરીરની શુદ્ધિ કરનારું શક્તિશાળી તત્વ છે. તે શરીરની અશુદ્ધિઓ બાળે છે. હિન્દુ ધર્મમાં અગ્નિ તત્વને અગ્નિ દેવતા કહેવામાં આવે છે. હિન્દુ ધર્મની મોટા ભાગની ધાર્મિક વિધિઓ અગ્નિ તત્વ વગર અધૂરી છે. જેમ કે યજ્ઞ, હવન, લગ્ન વિધી, ભગવાનની પૂજા તેમજ આરતી વગેરે. અગ્નિ તત્વ શક્તિ પ્રદાન કરી પવિત્રતા બક્ષે છે. અગ્નિ તત્વ સાથે આપણો જુસ્સો, શ્રદ્ધા, આંતરિક સૂઝ અને માનસિક સંવેદના જોડાયેલી છે. જો કોઈ વ્યક્તિ કોઈ ક્ષેત્રમાં બહુ જુસ્સાવાળી એટલે કે પેશનેટ ( Passionate) હોય તો તેનામાં અગ્નિ તત્વ પ્રબળ માત્રામાં છે એમ કહેવાય. શરીરમાં અગ્નિ તત્વ અસંતુલિત હોય તો ચામડીના રોગો, શરીરનું ઠંડું કે ગરમ થઈ જવું, એસીડીટી , ડાયાબીટીસ, મગજની વિકૃતિઓ વગેરે પ્રશ્નો ઉભા થાય છે.
જ્યારે આપણું અગ્નિ તત્વ સંતુલિત હોય ત્યારે તે આપણી આત્માનું પોષણ કરે છે. આપણે બ્રહ્માંડના મૂળસ્રોત, ભગવાન સાથે બહુ મજબૂત જોડાણ અનુભવીએ છીએ. જ્યારે અગ્નિ તત્વ અસંતુલિત હોય ત્યારે આપણે આપણી જાતને ભાવનાશૂન્ય, હતાશ, ક્યાંક ખોવાયેલા, શ્રદ્ધા વગરના તેમજ આપણી અંત:સ્ફૂરણાથી દૂર થયાની લાગણી અનુભવીએ છીએ. તેથી જ તો હિન્દુ ધર્મમાં દીવો કરીને પ્રાર્થના કરીને શ્રદ્ધા દૃઢ કરવામાં આવે છે. દીવો કરવાથી અગ્નિ તત્વ આપણામાં પ્રજ્વલિત થાય છે જે આપણી શ્રદ્ધા અને ઈરાદો દૃઢ બનાવે છે. બાળકો, ગર્ભવતી મહિલાઓ તેમજ માંદા લોકો માટે ઘરમાં તેલનો દીવો પ્રજ્વલિત રાખવો તેમનાં સ્વાસ્થ્ય માટે લાભદાયી છે. ભગવાનને સવાર સાંજ ઘી કે તેલનો દીવો કરવો એ હિન્દુ સંસ્કૃતિનો અભિન્ન ભાગ છે. દીવો પ્રજ્વલિત કરવાથી વ્યક્તિની શ્રદ્ધા દૃઢ બને છે.
અગ્નિ તત્વના ત્રણ પ્રકાર છે. (૧). જઠરાગ્નિ (૨). ચિત્તાગ્નિ અને (૩). ભૂતાગ્નિ.
(૧). જઠરાગ્નિ :- જઠર મતલબ પેટ અથવા પાચનની પ્રક્રિયા. આપણાં પેટમાં જો થોડો પણ અગ્નિ ના હોય તો આપણે ખાધેલો ખોરાક પચાવી શકીએ નહીં. ખોરાક એ બળતણ રૂપે છે જેને ભાંગીને પચાવ્યાં પછી જ તેમાંથી આપણને જોઈતી શક્તિ મળે છે.
(૨). ચિત્તાગ્નિ :- ચિત્ત એ આપણામાં રહેલ બુદ્ધિનો વિસ્તાર કે આયામ છે જેનાથી તમે શારિરીક મર્યાદાઓ પાર કરી શકો છો. આપણાં શરીરની કેટલીક મર્યાદાઓ છે પરંતું મગજની કોઈ મર્યાદાઓ નથી. જો આપણામાં ચિત્તાગ્નિ જરૂર મુજબ પ્રજ્વલિત નહીં હોય તો આપણી બુદ્ધિ ધીમી અને બિનઅસરકારક થઈ જશે. જો આપણામાં ચિત્તાગ્નિ યોગ્ય માત્રામાં પ્રજ્વલિત હશે તો આપણી બુદ્ધિ તીક્ષ્ણ હશે.
(૩). ભૂતાગ્નિ :- ભૂતાગ્નિ એટલે પ્રકૃતિના મહાભૂતો સંબંધિત અગ્નિ. જો આપણામાં ભૂતાગ્નિ પ્રજ્વલિત હશે તો આપણો રસ શરીર અને મગજથી ઉપર જીવનના મુળસ્થાન એટલે કે સર્જનના મૂળભૂત સ્રોત તરફ જશે.
જઠરાગ્નિની સાથે આપણો ચિત્તાગ્નિ પણ પ્રજ્વલિત હોવો જોઈએ. જો આપણામાં માત્ર શારિરીક અગ્નિ જ પ્રજ્વલિત હોય અને બૌદ્ધિક અગ્નિ પ્રજ્વલિત ના હોય તો આપણું જીવન દુઃખી અને કષ્ટદાયી બની જાય છે.
અગ્નિ તત્વ આકાશ તત્વથી ખૂબ નજીક છે. જયાં અગ્નિ પ્રજ્વલિત હોય ત્યાં આકાશ તત્વ વધુ સુલભ બને છે. જો આપણે આપણને સહાયભૂત વાતાવરણ ઉભું કરવું હોય તો તેલનો કે ઘીનો દીવો કરવો જોઈએ. અગ્નિ એટલે એવું વાતાવરણ બનાવવું કે જયાં વાતચીત થાય, ગ્રહણશીલતા વધે અને મર્યાદાઓથી ઉપર ઊઠીને એક બીજા આયામને સ્પર્શ કરવો કે જેને આપણે ઈશ્વર કે સૃષ્ટિના રચયિતા કહીએ છીએ. અગ્નિ તત્વને સંતુલિત કરવા આપણે જીવનમાં કોઈ પણ કાર્યક્ષેત્રને જુસ્સાથી વળગી રહેવું જોઈએ. આપણે હ્ર્દયથી એ વાત માનવી જોઈએ કે આપણી અંત:સ્ફૂરણા આપણી નૈસર્ગિક બક્ષિસ છે અને તેને અનુસરતા તે આપણને યથાર્થ માર્ગ બતાવશે. જો દીવો કરવો શકય ન હોય તો તમે યોગ, વોકિંગ, જોગિંગ કે પ્રાણાયામથી તમે અગ્નિ તત્વને અસરકારક બનાવી શકો છો.
વાયુ તત્વ
પંચ મહાભૂતોમાં ચોથું તત્વ છે, વાયુ તત્વ. વાયુ તત્વ શરીરનો પ્રાણ છે. શરીરનો મુખ્ય ચાલક. જીવન ટકાવી રાખવા વાયુ તત્વ ખૂબ જ મહત્વનું છે. વાયુ તત્વ શબ્દ અને સ્પર્શનો ગુણધર્મ ધરાવે છે. વાયુને આપણે જોઈ શકતા નથી પરંતું અનુભવી અને સાંભળી જરૂર શકીએ છીએ. શિયાળામાં ઠંડા પવનની લહેર કે ઉનાળામાં ગરમ પવનના સુસવાટા સાંભળી અને અનુભવી જરૂર શકીએ છીએ. પૃથ્વી પરના વાયુ તત્વમાં બીજા ઘણાં વાયુઓ રહેલા છે. જેમ કે ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ, હિલીયમ, હાઈડ્રોજન, નાઇટ્રોજન વગેરે. ઓક્સિજન માનવજીવન માટે ખૂબ અગત્યનો છે. વનસ્પતિ સૃષ્ટિ માટે કાર્બન ડાયોક્સાઇડ મહત્વનો છે, બદલામાં તે વાતાવરણને ઓક્સિજન પાછો આપે છે. દરેક વાયુઓ વાતાવરણમાં પૂરતા પ્રમાણમાં હોવાં જોઈએ . વાયુઓની અસમ્તુલા પૃથ્વી માટે તેમજ માનવસૃષ્ટિ માટે ખતરારૂપ છે.
વાતાવરણમાં રહેલ વાયુઓની અસર જેવી રીતે પૃથ્વી પર થાય છે તેવી જ રીતે આપણાં શરીરમાં રહેલ વાયુની અસર શરીર તેમજ વ્યક્તિના વિચારો ઉપર પણ પડે છે. માનવશરીરમાં 6% ભાગ વાયુ તત્વનો હોય છે. શરીરના હલનચલન, વિસ્તરણ, વૃદ્ધિ અને સંતુલન વાયુ તત્વને આભારી છે. આપણાં હાથની તર્જની વાયુ તત્વ સાથે સંકળાયેલી છે. આપણાં શરીરના સાત ચક્રોમાંથી વાયુ તત્વ અનાહત ચક્ર સાથે જોડાયેલું છે. વાયુ તત્વની હકારાત્મક અસરવાળી વ્યક્તિ ખુશખુશાલ, સ્નેહાળ, નમ્ર, સૌમ્ય, સ્વચ્છ અને યથાર્થ અભિગમવાળી હોય છે. તે ખૂબ જ સર્જનશીલ તેમજ સંગીત અને કળા પ્રેમી હોય છે. શરીરમાં વાયુ તત્વ અસંતુલિત થવાથી ફેફસાના રોગો, બ્લડ પ્રેશરનાં પ્રશ્નો, જ્ઞાનતંતુઓની વિકૃતિઓ, શારિરીક દુઃખાવો, શારિરીક ખોડ, હતાશા જેવા પ્રશ્નો ઉભા થાય છે. વાયુ તત્વ શરીરના ઝેરી તત્વોને બહાર ફેંકવાનું સૌથી શક્તિશાળી તત્વ છે. જ્યારે શરીરમાં પ્રાણ એટલે કે વાયુનું શરીરના અંગોમાં પ્રસરણ થાય છે ત્યારે શરીર જાતે જ શુદ્ધ થાય છે.
વાયુ તત્વનું પ્રાણાયામમાં ખૂબ મહત્વ છે. પ્રાણાયામથી આપણા શ્વાસ-ઉચ્છવાસમાં યોગ્ય ગતિ આવે છે. તેનાથી આપણી આંતરિક શક્તિમાં વધારો થાય છે તેમજ જીવનમાં હળવાશ આવે છે. પ્રાણ એટલે કે વાયુ તત્વ આપણાં શરીરમાં ઉપરથી નીચે ગતિ કરે છે, પ્રાણની યોગ્ય ગતિથી આપણે શરીરના કેટલાંક ભાગોમાં ઉર્જા અને જાગૃતતા લાવી તેમાં સંતુલન લાવી શકીએ છીએ. આપણું મગજ આપણા શરીરની ઉર્જાથી કાર્ય કરે છે અને તે ઉર્જા આપણને વાયુ તત્વ પ્રદાન કરે છે. આપણાં વિચારોની શક્તિ વાયુ તત્વને આભારી છે. વાયુ તત્વની હકારાત્મક તેમજ નકારાત્મક અસરને લીધે જ આપણને પોઝિટિવ તેમજ નેગેટિવ વિચારો આવે છે. જેટલું આપણું વાયુ તત્વ સંતુલિત તેટલી આપણામાં વધુ પોઝિટિવિટી. જે વ્યક્તિઓને શ્વાસના રોગો હોય છે, જે વ્યક્તિઓ ચિંતા તેમજ વિચારોથી બહુ ઘેરાયેલી હોય, જે વ્યક્તિઓ બહુ ચંચળ હોય તે બધાં યોગ્ય રીતે શ્વાસ લેતા હોતા નથી તેથી જ તેમનામાં વાયુ તત્વ અસંતુલન પેદા કરે છે.
વાયુ તત્વને સંતુલિત કરવા સૌ પહેલા તો વ્યક્તિએ પોતાના શ્વાચ્છોશ્વાસ પર કાબૂ મેળવવો જોઈએ. શ્વાસ લેવાની યોગ્ય પદ્ધતિ વિકસાવવી જોઈએ. મોટાભાગની વ્યક્તિઓની અયોગ્ય શ્વાચ્છોશ્વાસની રીત જ તેમની નેગેટીવિટી અને ચિંતાનું કારણ હોય છે. ઊંડા અને ધીમેથી શ્વાસ લેવાની પ્રેક્ટિસ કરવી જોઈએ. જેટલા ઊંડા શ્વાસ તમે લેશો એટલી જ ઉર્જા તમારા શરીર અને મગજને મળશે અને એટલી જ વધુ સ્ફૂર્તિ તમે અનુભવશો. તમારા વિચારો, વિચારશૈલી પોઝિટિવ થવા લાગશે. શરીરના અમુક રોગો અયોગ્ય શ્વાસ લેવાની પદ્ધતિથી જ થાય છે. જેવા કે દમ અને બ્લડ પ્રેશર. બની શકે તો દરરોજ પ્રાણાયામ કરો. પ્રાણાયામથી તમે ધીરે ધીરે તમારા શ્વાચ્છોશ્વાસ પર કાબૂ મેળવી શકશો તેમજ સમતોલ શારિરીક તેમજ માનસિક સ્વાસ્થ્ય પ્રાપ્ત કરી શકશો. બીજી એક જરૂરી વાત એ છે કે આપણે આખો દિવસ સમાચારો અને વાતોથી ઘેરાયેલા હોઈએ છીએ. આખો દિવસ ટી. વી ઉપરના સમાચારો આપણાં મગજને વિચારોથી વ્યસ્ત રાખે છે. મગજ વધુ વ્યસ્ત હોય ત્યારે આપણી શ્વાચ્છોશ્વાસની ગતિ અનિયમિત થઈ જાય છે. મોબાઈલ પરની સોશિયલ સાઇટ્સ આપણાં મગજને શાંત થવા દેતી નથી. તેથી ટી. વી અને મોબાઈલનો જરૂર પૂરતો જ ઉપયોગ કરો. મગજ જેટલું બિનજરૂરી વ્યસ્ત રહેશે એટલી જ એની કાર્યક્ષમતા ઘટશે. થોડી થોડી વારે તમારા શ્વાચ્છોશ્વાસની ગતિ તરફ ધ્યાન આપો. ઊંડા શ્વાસ તમારાં મગજ અને શરીરને ઉર્જા પૂરી પાડી તેની કાર્યક્ષમતા વધારે છે.
શરીરના વાયુ તત્વને સંતુલિત કરવા એક બીજી પણ થેરાપી છે. એ છે એરોમા થેરાપી. એરોમા નો અર્થ થાય છે મીઠી સુગંધ, સુવાસ. એરોમા થેરાપીમાં સુગંધિત દ્રવ્યોથી વ્યક્તિનો શારિરીક તેમજ માનસિક ઉપચાર કરવામાં આવે છે. એરોમા થેરાપી ૫૦૦૦ વર્ષ જૂની છે. આપણાં પુરાણોમાં પણ તેનો ઉલ્લેખ છે. પ્રાચીન જમાનામાં રાજાની રાણીઓ તેમની સ્નાનવિધીમાં સુગંધિત દ્રવ્યોનાં ઉપયોગ દ્રારા શારિરીક તેમજ માનસિક સ્વસ્થતા મેળવતી હતી. સુગંધિત દ્રવ્યો જેવા કે ચંદન, ધૂપ , સુગંધિત ફૂલો જેવા કે મોગરો, ગુલાબ તેમજ સુગંધિત વનસ્પતિની સુગંધથી આપણાં મગજને તરત જ અસર થાય છે. સુગંધથી આપણા વિચારો , લાગણીઓ, યાદો, ઈચ્છાઓ તેમજ આપણી સર્જનાત્મકતા ઉપર અસર થાય છે. ચંદનની, ગુલાબની તેમજ મોગરાની સુવાસ આપણી અંદર એક નવી જ લાગણી અને ઉર્જા જન્માવે છે. વરસાદ પડતાં ભીની માટીની સુગંધ આપણને તન- મનથી તાજા બનાવી દે છે. એરોમા થેરાપી મગજને એક તાજગી બક્ષે છે અને શરીરને નવી જ ઉર્જાથી ભરી દે છે.
આકાશ તત્વ
પંચ મહાભૂતોમાં પાંચમું તત્વ છે, આકાશ તત્વ. સામાન્ય ખ્યાલ મુજબ આકાશ એટલે આછા વાદળી રંગનો એવો વિસ્તાર જેને આપણે પૃથ્વીની છત તરીકે ઓળખીએ છીએ જેમાં આપણે રોજ સૂર્યને ઉગતા તેમજ આથમતા જોઈએ છીએ, સફેદ તેમજ કાળા વાદળા આવતા જતા જોઈએ છે. એ જ આકાશમાં આપણે ચંદ્ર પણ જોઈએ છે અને તારા પણ. વરસાદ પડ્યાં પછીના ઈન્દ્રધનુષનું બેકગ્રાઉન્ડ આકાશ છે. એ જ આકાશમાં આપણે પક્ષીઓને ઉડતા જોઈએ છીએ તેમજ હવાઈજહાજ અને પતંગને પણ. આકાશનાં વિસ્તારનો ક્યાસ કાઢવો મુશ્કેલ જ નહીં પરંતું અશક્ય છે. આકાશ એક એવો અનંત વિસ્તાર છે કે જેમાં આપણી પૃથ્વી તેમજ સુર્યમંડળ જ નહીં પરંતું આખું બ્રહ્માંડ સમાયેલું છે. આકાશ બ્રહ્માંડીય કિરણો અને બ્રહ્માંડીય શક્તિનો અખૂટ સ્રોત છે. તેની અગત્યની ઉર્જા પ્રકાશ, ગરમી, ગુરુત્વાકર્ષણ બળ, મોજાઓ અને ચુંબકીય બળ છે. આકાશ આપણી કર્મેન્દ્રિય સાથે સંબંધ ધરાવે છે. જો આકાશ તત્વ ના હોય તો આપણે એકબીજાનો અવાજ સાંભળી શકીએ નહીં. આકાશ તત્વ વગર રેડિયો તેમજ મોબાઈલનું અસ્તિવ સંભવી શકે નહીં. આપણે આકાશને અવકાશ (સ્પેસ) તરીકે પણ ઓળખીએ છીએ. પરંતું સ્પેસ શબ્દ આકાશ તત્વનો અધુરો અર્થ દર્શાવે છે. આકાશ માત્ર સ્પેસ જ નહીં પરંતું બાકીના ચાર તત્વોની જેમ અલગ તત્વ છે. સ્પેસનો અર્થ થાય છે ખાલી જગ્યા. આકાશ માત્ર ખાલી જગ્યા જ નથી પરંતું તેનાથી આખું બ્રહ્માંડ બનેલું છે. આકાશ તત્વ વગર આપણે જે સ્પેસ શટલો અવકાશમાં મોકલીએ છીએ તેને મોકલવા શકય બને નહીં.
માનવશરીરમાં આકાશ તત્વનો ભાગ ૬% છે. આપણાં હાથની મધ્યમા એટલે કે વચલી આંગળી આકાશ તત્વ સાથે જોડાયેલી છે. આપણાં શરીરના સાત ચક્રોમાંથી આકાશ તત્વ વિશુધ્ધિ ચક્ર સાથે જોડાયેલું છે. જો આકાશ તત્વ ના હોય તો આપણે પૃથ્વી પર ટકી શકીએ નહીં. જો આકાશ ના હોય તો એક સેકન્ડમાં આપણે પૃથ્વી પરથી હવામાં ફંગોળાઈ જઈએ. બ્રહ્માંડીય બળને લીધે જ આપણે બધાં પૃથ્વી પર ટકેલા છીએ. આકાશ તત્વ આપણાં આત્મા સાથે સંબંધ ધરાવે છે. જો આપણાં શરીરમાં આત્મા ના હોય તો એકલા શરીરનું કંઈ મહત્વ નથી રહેતું તેમ બ્રહ્માંડમાં આકાશ તત્વ વગર બાકીના તત્વોનું કંઈ મહત્વ નથી. બાકીના ચારેય તત્વો ( પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ) આકાશ તત્વમાંથી ઉત્પન્ન થયા છે. આકાશ તત્વ અસંતુલિત થવાથી થાઈરોડ ગ્રંથિનાં રોગો, ગળાનાં રોગો, અવાજની વિકૃતિઓ, કાનનાં રોગો, વાઈ, ગાંડપણ વગેરે જેવા પ્રશ્નો ઉભા થાય છે. શારિરીક આકર્ષણ, અણગમો, ભય વગેરે આકાશ તત્વને આભારી છે. આપણાં મગજની જાગૃતતા ( Consciousness) આકાશ તત્વને આભારી છે. જે વ્યક્તિ તેની આજુબાજુ તેમજ તેનાં શરીર અને મગજમાં થતી દરેક બાબત પ્રત્યે જાગૃત હોય તો તેનામાં આકાશ તત્વ સંતુલિત હોય છે.
આપણી હિન્દુ સંસ્કૃતિમાં ૐ મંત્રનું ઘણું મહત્વ છે. ૐ મંત્ર આદિ મંત્ર કહેવાય છે. ૐ શબ્દનો ઉદ્ભવ બ્રહ્માંડની ઉત્પત્તિ થઈ ત્યારે જ થયો હતો. ૐ તેમજ એ સિવાય બીજા પવિત્ર મંત્રોના ઉચ્ચારણથી પણ વાતાવરણમાં એક પ્રકારની બ્રહ્માંડીય ઉર્જા ઉત્પન્ન ,થાય છે જે આપણને માનસિક શાંતિ તેમજ ઉર્જા બક્ષે છે. આપણાં મંદિરોમાં આરતી સમયે ઢોલ, નગારાં, મંજીરા અને શંખ વગાડવાની ક્રિયા પણ આ જ બ્રહ્માંડીય ઉર્જા મેળવવા માટેની ક્રિયા છે. સંગીત (Music) થેરાપી દ્રારા પણ આપણે આપણાં શરીરના આકાશ તત્વમાં સમતુલા લાવી શકીએ છીએ. સંગીતની માણસનાં મન તેમજ શરીર ઉપર ઘણી ઊંડી અસર થાય છે. આપણે જ્યારે પણ કંઈ બોલીએ કે સાંભળીએ ત્યારે પૂરી જાગૃતતાથી બોલવું તેમજ સાંભળવું જોઈએ. તેનાથી આપણી જાગૃતતા (Consciousness) વધે છે તેમજ આપણા આકાશ તત્વમાં સમતુલા આવે છે. આકાશ તત્વ આધ્યાત્મિકતા સાથે સંકળાયેલું છે. જે વ્યક્તિ ઉચ્ચ અધ્યાત્મિક અનુભવો મેળવવા માંગતી હોય તેનાં માટે આકાશ તત્વ મહત્વનું છે પરંતું સામાન્ય લોકો માટે બાકીના ચાર તત્વો એટલે કે પૃથ્વી, જળ, અગ્નિ અને વાયુ તત્વો જ મહત્વના છે. આ ચાર તત્વો પર વ્યક્તિ સંતુલન મેળવી શકે તે પછી જ આકાશ તત્વને જાણવા પ્રયત્ન કરવો જોઈએ. આકાશ તત્વને સમજવું તેમજ તેનો અનુભવ મેળવવો ખૂબ કઠીન છે, કેમ કે આપણે આકાશની ઉપર જઈ તેને જોઈ શકતા નથી કે ખરેખર તે કેવું છે. આપણે માત્ર આકાશનો અંદાજ લગાવી શકીએ છીએ. આકાશ તત્વ પર સંતુલન મેળવવું ઘણુ કઠીન છે, કેમ કે આકાશ તત્વ ઘણું ગૂઢ છે.
મને આશા છે મિત્રો કે તમને મારો આ પંચ મહાભૂતો વિશેનો લેખ ખૂબ ગમ્યો હશે.