Aansude chitarya gagan - 5 in Gujarati Fiction Stories by Vijay Shah books and stories PDF | આંસુડે ચીતર્યા ગગન ૫

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

આંસુડે ચીતર્યા ગગન ૫

આંસુડે ચીતર્યા ગગન

(5)

શેષભાઈને માથે પડી હોય તેવી લાગે છે વાળી વાતથી ખરેખર ક્રોધિત થઈ ગઈ હતી. ખેર… જે હોય તે… અમદાવાદ આવ્યો છું તો મેડિકલ કૉલેજનું ઍડ્મિશનનું ફોર્મ લઈ જ જવું છે. વિચાર આવતાની સાથે જ વાડીલાલ સારાભાઈ હોસ્પિટલ તરફ પગને વાળી લીધા.

ટહેલતા ટહેલતા હોસ્પિટલ પર પહોંચ્યો. ક્લાર્ક પાસેથી ફોર્મ લીધું અને પાછો વળતો હતો ત્યાં પાછળથી અવાજ આવ્યો… ‘એક્સક્યુઝ મી !’

‘yes you are excused ’… રિફ્લેક્ટ ઍક્શનથી હું બોલી પડ્યો. ક્ષણાર્ધના ગુંચવણભર્યા મૌન પછી એ બોલી – ‘અહીં મેડિકલના ઍડ્મિશનનું ફોર્મ ક્યાં મળશે?’

‘આગળથી ડાબા હાથ ભણી ઇન્ક્વાયરી પછીનો ક્લાર્ક એ આપે છે.’

‘થેંક્સ’

‘યસ, મેંશન ઈટ ’ કહીને મેં ચાલતી પકડી. તો મારી સામે એ જોઈ રહી. ધાર્યા કરતા જરા જુદા જવાબો હું તેને આપતો હતો – તેથી.

‘તમે મને બતાવશો?’

મારા પગ થંભી ગયા બંદાની અજાણ્યા ગામમાં પણ મહત્તા તો છે જ… લાલ કમીઝ અને સલવારમાં સજ્જ યુવતી આપણી મદદ માગે છે.

‘ઓહ સ્યોર.’

ફોર્મ અપાવીને મેં મારી દિશા પકડી. બસ સ્ટૅન્ડ પર પહોંચીને લાઈનમાં બસની રાહ જોતો હતો ત્યાં પાછળ એ પણ આવી.

‘તમે અમદાવાદના લાગતા નથી.’

‘કેમ એમ?’

‘અમદાવાદના માણસો થેંક્સનો જવાબ મેન્શન નોટ કહે છે મેન્શન ઈટ નહીં.’

‘હં ! હું સિદ્ધપુરનો છું. અંશ ત્રિવેદી.’

‘સિદ્ધપુર તો મારું મોસાળ થાય… અર્ચના વ્યાસ મારું નામ. મારા પપ્પા અહીં જજ છે. ’

‘હં ! આપને મળીને આનંદ થયો.’

પાછું મૌન …

‘આ બસ આવતી નથી – ખરું છે બસતંત્ર.’

‘હં આવશે.’ મારો ટૂંકો જવાબ સાંભળીને છેડાઈ.

‘મેં તમને નથી પૂછ્યું.’

‘ઓ.કે. મેં તમને નથી કહ્યું એમ માની લો.’

‘ભલે.’

૧૦ નંબરની બસ આવતી દેખાઈ – અમે બંને સાથે ચડી ગયા. કંડક્ટર નજીક આવ્યો.

‘એક નવરંગપુરા’ – મેં મારી ટિકિટ કઢાવવા કહ્યું. ત્યાં એ બોલી ‘બે નવરંગપુરા’ મારા પૈસામાંથી એની ટિકિટ નીકળી – એણે પર્સ પણ ન ખોલી. મેં ટિકિટ ગજવામાં મૂકી.

એક હિતેચ્છુએ અમે બંને ઝગડેલા મિત્રો માનીને જગ્યા ખાલી કરી આપી.

હું કશું બોલ્યા વિના બેસી ગયો. એ પણ જોડે આવીને ગોઠવાઈ ગઈ. મારે માટે આ વિચિત્ર પરિસ્થિતિ હતી… પણ કોણ જાણે કેમ એને ઉદ્ધત જવાબો આપવા મને ગમતા પણ હતા.

‘અરે અંશ ! ફિઝિક્સનું પેપર ટફ હતું ને?’

‘ના રે ના – મારા તો સરસ માર્ક્સ આવશે.’

‘તમારો નંબર કહેશો?’

‘કેમ?’

‘બસ એમ જ ’

‘જવા દો ને’

‘ના નથી જવા દેવું.’

‘૪૦૨૨’

‘કેવો જોગાનુજોગ ? મારો નંબર ૪૨૨ છે.’

‘પાછળ બગડાની જગ્યા એ મારું મીંડું હોવું જોઇતું હતું’

‘એટલે?’

‘એટલે એમ કે મીંડું જે ખોવાઈ ગયું છે તે છેલ્લા બગડાની જગ્યાએ હોત તો સરસ નંબર હોત.’

‘અરે ! નવરંગપુરા આવી ગયું’

બસમાંથી ઉતર્યા પછી બેમાંથી કોઈ બોલ્યું નહીં.

‘અંશ મેડીકલમાં ઍડ્મિશન મળે તે માટે બેસ્ટલક’

‘તમને પણ.’

‘મારું તો નક્કી નહીં. કારણ કે ફિઝિક્સનું ડલ ગયું છે.’

‘સિદ્ધપુરમાં તમારા મામાનું નામ તો તમે કહ્યું નહીં.’

‘નરભેશંકર દીનાનાથ જોશી. જોશી ફળિયામાં છે.’

‘અચ્છા અચ્છા નરભેશંકરકાકા? એમને હું ઓળખું છું. હું સિદ્ધપુર જઈશ ત્યારે મળીશ. કંઈ સંદેશો કહેવો છે?’

‘ના રે ના. ચાલો આવજો.’

‘ભલે આવજો પણ કંઈક આડુ અવળું બોલ્યો હોઉં તો ક્ષમા. કારણ કે હું જરા મૂડી છું. ફેંકુ નહીં-’

‘અચ્છા’ – મોં વાંકું કરીને હસતા હસતા અર્ચના જતી રહી…

હોસ્ટેલ પર પહોંચ્યો. રાવજી અને મૃગાંગ બેઠા બેઠા ગપ્પા મારતા હતા. એમાં હું પણ ભળી ગયો.

સિદ્ધપુર પહોંચ્યા પછીના અઠવાડીયામાં શેષભાઈનો પત્ર આવ્યો. અશોક કંસ્ટ્રક્શનમાં નોકરી મળી ગઈ હતી. પેલા મૅડમ એટલે કે અનસૂયાબેન મહેતાના સ્ટ્રોંગ પરસ્યુએશનથી જ જોબ ફાઈનલ થઈ હતી. બિંદુની સાથે જઈને શેષભાઈ એમને ત્યાં પેંડા આપી આવ્યા હતા. અનસૂયાબેને શરૂઆતમાં પગાર વિશે બાંધ છોડ કરી નહોતી. પરંતુ શેષભાઈને વિશ્વાસ હતો એ ઘણું બધું કરી શકશે.

બાલુમામાને બિંદુ વિશે વાતચીત કરવી કે નહીં તેની દ્વિધામાં તેઓ હતા જ. પરંતુ હમણા શાંતિ રાખવાની હતી. મારા પરિણામની રાહ જોતા હતા. સાથે સાથે અમદાવાદના કોઈક શેઠિયાની સ્કૉલરશિપ માટે અરજી કરવાના ફોર્મ પણ મોકલ્યા હતા.

તે દિવસે બાલુમામાએ પત્રની પૃચ્છા કરી ત્યારે મેં અનસૂયાબેન મહેતાના વક્તવ્યને રમૂજી કોમીક કરીને મામા, મામી અને દિવ્યાને કરી બતાવ્યું… ત્યારે મામા ગર્વથી બોલ્યા – હોશિયાર છોકરો છે. વળી ચહેરો મહોરો અને બાંધો કરુણાશંકર જેવો છે તેથી પૂછવાનું જ શું?

મામા સહેજ ચિંતાતુર થઈને બોલ્યા – આ ખરું નોકરી જોઇતી હોય તો ઘર જમાઈ બનવું પડે.

હું તેમની ચિંતા સમજી શકતો હતો…

દિવ્યાબહેન બોલી – ‘ શેષભાઈને તો નોકરી અને છોકરી બંને સાથે જ મળશે જોજોને…’

હું બોલી ઉઠ્યો શેષભાઈ છોકરી લાવે જ નહીં ને નોકરી ન મળે તો કંઈ નહીં – પણ નોકરી માટે ઘરજમાઈ ન બને.

દિવ્યા ‘આપણે શું?’ કહીને છૂટી પડી.

તે દિવસે દિવ્યાને ભણાવવા બેઠો ત્યારે મનમાં ઘોળાયા કરતું હતું શેષભાઈનું પરાક્રમ ઘરવાળા કેવી રીતે સ્વીકારશે?

ગમે તે હોય પણ બિન્દુ સારી છોકરી છે. વળી અનાથ – તેથી શેષભાઈ પીગળી જાય તે સ્વાભાવિક છે. અને પરિસ્થિતિ બગડે તો એમની પડખે ઊભા રહેવું. નરભેશંકરકાકાની ઓળખાણ કાઢવા મન મથતું હતું. પણ કોણ જાણે કેમ આવી ઈંક્વાયરી કરવી ઠીક ન લાગી. થોડોક સમય રાહ જોઈ લઈએ પરિણામ આવ્યા બાદ અમદાવાદ જવાનું થશે તો…

તો… શું…

તો …વાળા વિચારોમાં અળવીતરું મન હૃદયને ચીડવતું હતું . અર્ચુ- અર્ચુ- નામ પણ મનમાં પડઘાતું હતું. નરભેશંકરકાકા અચાનક મગજમાં આવ્યું? પ્રશ્નાર્થ શમે ન શમે અને વિચારોમાં જ હું કેવીરીતે અર્ચના પાસે પહોંચી ગયો વાળી વાતમાં શરમાઈ ગયો.

દિવ્યા પૂછતી હતી… ‘અંશભાઈ કેમ હસો છો?’ ‘માર્યા ઠાર.’ પકડાઈ ગયા દિવ્યા મને શરમાતો અને મલકાતો જોઈ ગઈ…

એક જોક મને યાદ આવી ગયો હતો એટલે… દિવ્યા કહે ‘મને જોક કહો ને.’

‘વાંચ વાંચ હવે જોક સાંભળીશ તો પરીક્ષામાં શું લખીશ?’

‘અંશભાઈ કહો ને…’

શેષભાઈ છે ને સરોજબેનનું વર્ણન કરતા હતા… ભેંસના પેટ જેવું મોટું કપાળ… શિંગડા જેવા ચોટલા… અને ગબ્બરની ખીણ જેવા મોટા મોટા નસકોરા… એટલે એ કલ્પના કરીને હસવું આવ્યુ.

દિવ્યા ખડખડાટ હસતી હતી.

દિવ્યાના ખડખડાટ હસવાથી મામી આવ્યા. કેમ અલી હસે છે? એટલે મેં આ વર્ણન ફરીથી મામીને કર્યું તો મામી પણ હસી હસીને બેવડ…

આ વાત તે કંઈ છાની રહેતી હશે? એક દિવસ એ વાત ઉડતી ઉડતી બાલુમામાને કાને આવી કે તમારા ભાણેજે લગ્ન કરવા છોકરી નક્કી કરી લીધી અને તે પણ બ્રાહ્મણ નહીં – પટેલ છોકરી – બસ થઈ રહ્યું. મામા આઘા પાછા . મામીનું તેમાં ઘી હોમવું – એમના ભાઈની છોકરી સાથે તેનું નકી કરવાની ઇચ્છા દાબીને બ્રાહ્મણ કુળ બોળ્યું… વગેરે વગેરે છમકલા થયા.

શેષભાઈને તાકીદે તેડું થયું. કાગળ ક્રોસ થયા. શેષભાઈ તાલીમ અર્થે કંસ્ટ્રક્શનની મુંબઈ શાખામાં ગયા હતા. મુંબઈનું પણ સરનામું, ઠેકાણું કંઈ હતું નહીં . તેથી મામાના ગુસ્સાના અંગારા ઉપર રાખ વળવા માંડી. આમ તો કોઈ ફૂંક મારે ને રાખ ઊડી જાય તેવો ભારેલો અંગાર હતો… પરંતુ આ વાતની ખબર મારે શેષભાઈને આપવી હતી. કેવી રીતે આપું તેની દ્વિધામાં હતો.

રહીરહીને એક જ આઈડીયા મનમાં આવતો હતો. અને તે આ વાત બિન્દુને કરું. કદાચ એની પાસે સરનામું હોય તો… પણ મનમાં ગૂંચવણ થતી હતી કે એને કારણે તો આ બખડ જંતર ઊભું થયું છે. આખરે હિમ્મત કરીને બિન્દુ ભાભી પર પત્ર બીડ્યો.

પૂ. બિંદુભાભી,

શેષભાઈને કાગળ લખવા સરનામું જોઇએ છે. સાથે સાથે સામેલ કવર તેમના સરનામે પોસ્ટ કરશો ? અંગત છે. તમારી વાત છે – તમે નહીં ફોડો એવી અપેક્ષા સાથે કાગળ બીડું છું.

બીજા કવરમાં શેષભાઈ ઉપર કાગળ લખવો શરુ કર્યો.

પૂ. શેષભાઈ,

એક ભારેલ અંગાર જેવા સમાચાર હતા. જેના ઉપર અજ્ઞાનનો પડદો હતો ત્યાં સુધી વાંધો નહોતો. પરંતુ હવે ધીમે ધીમે હવા આ તરફ આવવા માંડી છે. તમે કોઈક પટેલ જ્ઞાતિની છોકરી સાથે લગ્ન કર્યા છે. એવી વાત અમદાવાદથી આવી છે. અને એ વાતને મામી ચગાવે છે. કારણ તો સાફ છે. એમના ભાઈની છોકરી રહી જાય નહીં તેથી… મામાને ધૂંધવે છે. બ્રાહ્મણનું ખોળિયું બોળ્યું. નાત બહાર જવું પડશે. છોકરીએ ભોળવ્યો છે કે એણે ધમાલ કરી છે.. વગેરે વગેરે ઘણી બધી વાતો ચાલે છે. વળી એમાં ઘણા સમયથી પત્ર ન હોવાને કારણે કામાના લખેલ પત્રના જવાબમાં પણ મૌન છે. મારું રિઝલ્ટ આવવાની તૈયારી છે. બાબુ સુરતીના સરનામે પત્ર લખશો કે મામાને તમારા પત્રનો જવાબ આપશો…

મુંબઈનું કામકાજ કેવું ચાલે છે?

અંશના વંદન