Pl મેડમ. આવો જોરદાર સતત મારી જિંદગીમાં પે'લી વાર જોયો છે. "
" ઓહ." કહેતાં ત્યાં ઊભી ઊભી બહાર જોવા લાગી. પેલા ભાઈ તમારી જોડે છે? આ સવાલ બહાર આવે તે પહેલાં પેલો પુરુષ પ્રવાસી તેની નજીક આવ્યો, ધીમેથી પૂછ્યું, " કેનટિન જેવું અહીં કશું નથી?ચા નો બંદોબસ્ત જેવું..'
" કોઈ આવ્યું નથી. રસ્તો બંધ છે."
"લાઈટ ક્યારે આવશે? આવશે કે નહીં!"
" વરસાદ પર આઘાર છે મેડમ! વરસાદ પોરો ખાય તો કદાચ આવે ."
" તમારી ડ્યૂટી ક્યારે પૂરી થાય છે? "
"ચાર તો થયા છે. બદલીવાળો આવે તો ખરો? શક્યતા ઓછી છે સાહેબ." આકાશ તરફ નજર માંડતાં કહ્યું.
" ઘરે ચિંતા કરવાવાળું છે કે નહીં?" પાણીની બોટલમાંનું પાણી પીતા પૂછ્યું.
" ઈ તો મારી જોડે ફાવ્યું નહીં એટલે બિસ્તરા પોટલાં લઈ હાલી નીકળી મેડમ! છૂટ્યાં રોજની કચકચથી.બૈરાંની જાત, વાતવાતમાં વાકું પડે!" કહી લેન્ડલાઈન ફોન ચેક કરવા લાગ્યો.
" યાદ આવતી હશે ક્યારેક "
" બિલકુલ નહીં સાહેબ. દારુ છોડ્યો તે દિ થી તે પણ છૂટી ગઈ છે.. સાંભળ્યું છે કે જ્યાં છે ત્યાં લીલાલહેર કરે છે. રાત ગઈ વાત ગઈ." કહી તે હસવા લાગ્યો.
" પણ મેડમ, તમારાં ચહેરાની રેખાં તંગ કેમ થઈ ગઈ? દુખતી નસ દબાઈ ગઈ કે?"
" ના, ખાસ કાંઈ નહીં. મને એમ કે તમે પેલીને બદનામ કરતાં પુષ્પો અર્પણ કરશો " કહી વેઈટીંગ કેબીન તરફ જવા લાગી.
" સાહેબ, તમે આ બાજુ ક્યાંથી ? "
" દોસ્ત કોર્ટમાંથી જરુરી પેપર લેવા આવ્યો હતો. કામ પાંચ મિનિટનું પણ આખો દિવસ બગડે.વિચિત્ર સિસ્ટમ છે આ દેશની."
" લો લાઈટ આવી ગઈ. ટી. વી ચાલુ કરું છું. "
" બસ આવશે કે"
"સાહેબ સાત થયા છે લાઈટ સાથે બસને સંબંધ ના હોય. પાણીનો નીકાલ થાય પછી ખબર પડે. "
ટી.વી.પર વરસાદ,પાણી, સરકારી માધ્યમની ટીકા નો વરસાદ વરસી રહ્યો હતો. " સાહેબ જોઈલો સાર વિનાનાં સમાચાર. પાડ માનો કે લાઈટ આવી ગઈ.નહીંતર આખી રાત અંધકારમાં વીતાવી પડત."
" બસ તો હવે સવારે જ આવશે કેમ?"
" સાહેબ,તમારું નામ જાણી શકું?"
" ધવલ."
" મારું નામ મંગળ રાઠોડ"
" તમારી રાતપાળી નક્કી."
" હા. પણ શું ફરક પડે? ઘર કે ઓફિસ બધું મારા માટે સરખું છે!"
ધવલે મોબાઈલ કાઢ્યો. બેટરી ઓફ હતી.
" મંગળ ભાઈ જરા મોબાઈલ ચાર્જ કરવા મૂકશો?"
" જરૂર સાહેબ. "
" તમારો સ્વભાવ મિલનસાર જોઈ આનંદ થયો.તમે ના હોત તો સમય પસાર કરવો ત્રાસદાયક થઈ જાત."
" આતો આજે આરામ છે. બાકી બોલબોલ કરવાથી હું ઊંચો નથી આવતો.એકની એક વાત વારંવાર બોલ્યા કરવાની.ધણીવાર ઊંધમાં પણ લવારો કર્યાં કરું! સાહેબ, મેં સાંભળ્યું છે કે અહીંની કોરટમાં ડાયવોર્સી કેસ વધુ હોય છે!"
" તમે જે સાંભળ્યું છે તે સાચું છે મંગળભાઈ. વધુ પડતી જિજ્ઞાસા સારી નહીં " કહેતા ધવલ પ્રવેશ દ્રાર તરફ સરકી ગયો.
મંગળ ખુશ હતો પોતાની જાત પર. એનું અનુમાન સાચું પડ્યું છે તે જોઈને. હવે વધુ એક દાવ ખેલવા એ તડફડી રહ્યો હતો. એ ખુદ સમજી શકતો નહીં કે એને શું મજા આવે છે! આદત એટલે પંચાતનો કાદવ ઉલેચવામાંથી ઊંચો આવતો નહીં.
" શું વાત છે મંગળભાઈ? મૂછમાં મલકાવ છો?"
" ઓહ તમને મારું નામ કેવી રીતે ખબર પડી?"
" અરે એમાં શી વાત છે. તમારા નામનો બીલ્લો જે લટકે છે! " કહી તે હસવા લાગી. " હવે તમને મારું નામ જાણવાની ઈચ્છા થઈ હશે કેમ ખરું ને? મારું નામ મીનળ."
મંગળ જોઈ રહ્યો. ગભરાઈ પણ ગયો. કશું ક કાચું તો નથી કપાઈ ગયું ને? સ્વસ્થતા પ્રાપ્ત કરી પૂછ્યું કે શું મદદ કરી શકે છે.
" ચાપાણીનો બંદોબસ્ત થશે કે નહીં? "
" મેમ સાહેબ, એક કપ ચા થશે.ગરમ પાણીમાં આ પાવડર નાખી દેવાથી.મજા આવશે.ગરમ પાણી થાય એટલે બનાવી આપુ છું."
" થેંક્સ, મંગળ ભાઈ."
" મોબાઈલ ચાલે છે "
" રેંજ નથી પકડાતી"
" તમે એકલા હશો"
" ના તમે તો છો.ડર શેનો!"
" ઓહ્.આ તો જસ્ટ .ઘરે ચિંતા થતી હશે."
" ના.ચિંતા કરવાળું કોઈ નથી. આજ જેવા માહોલથી ટેવાયેલી છું. પત્રકાર છું."
" વાહ!"
" કામે આવી હતી"
" કામ થઈ ગયું હશે?"
" થઈ ગયું.જાન છૂટી!"
" જાન છૂટી?"
મંગળે આચ્ર્યથી પૂછ્યું. પણ જવાબ ન મળ્યો. " લો તમારી ચા તૈયાર થઈ ગઈ.ઠંડી ઊડી જશે."
મીનળને જોઈ રહ્યો ટેસ્ટથી ચા પીતાં પીતાં.
" મંગળભાઈ, ચા ટેસ્ટી છે. મજા આવી ગઈ.પણ મને ટગરટગર શું જોઈ રહ્યાં હતાં?"
" મીનળબહેન સાચું કહું મારી ઘરવાળી યાદ આવી ગઈ તમને જોઈને! પહેલી વાર!"
" ઓહ્ સોરી." કહી તે ઊંડા વિચારોમાં ખોવાઈ ગઈ.
" ક્યાં ખોવાઈ ગયાં?"
" ના કશે નહીં.બસ આમ જ."
" પેલાં ધવલભાઈ તમારી .."
" શું બકવાશ કરો છો?"
" સોરી"
" ઠીક છે " કહી ટીવી જોવા લાગી. થાકીને તે કેબીન તરફ ગઈ.પગ લાંબા કરી આંખો મીચી દીધી.
વરસાદ બંધ થઈ ગયો હતો. ઠંડો પવન ફૂંકાઈ રહ્યો હતો. મંગળે બિસકીટ ખાઈને વધારાની લાઈટ બંધ કરી. એની આંખો ધેરાવા લાગી હતી. ધવલ બેઠો બેઠો શાલ ઓઢીને ચોપડી વાંચી રહ્યો હતો. મીનળ ઠુંઠીયુંવાળીને ઠંડીમાં ધ્રુજી રહી હતી આંખો બંધ કરીને.
અચાનક મંગળની આંખ ખૂલી ગઈ. ઘડિયાળમાં જોયું. સવારનાં ચાર વાગ્યાં હતાં. વેઈટીંગ રૂમની કેબીનમાં નજર ગઈ. દ્રશ્ય જોઈ મંગળ ચોંકી ઊઠ્યો. ધવલની શાલ મીનળ પર હતી. ઘવલ મોઢાં પર ચોપડી રાખી સૂતો હતો.મીનળ ધવલની શાલ ઓઢી સૂતી હતી અને મંગળ પ્રશ્નોનો ટોપલો ઓઢી જાગતો જાગતો ક્યારે સૂઈ ગયો તેની તેને ખબર જ ના પડી.
શોરબકોરમાં મંગળ ઊઠી ગયો. એનો મદદનીશ કામે લાગી ગયો હતો. ઘડિયાળમાં જોયું. આઠ વાગ્યાં હતાં. રાબેતા મુજબની ચહલપહલ મચી ગઈ હતી.વારેવારે તેની નજર ધવલ મીનળને ગોતી રહી હતી.આખરે ઘરે જતાં જતાં મંગળે બદલીમાં આવેલાં રામજીને પૂછ્યું, " પેલાં પ્રવાસી ગયાં કે?"
" ગયાં. અમદાવાદની પાંચની ગાડીમાં. બંને ખુશ હતાં."
" ખુશ હતાં?" મંગળથી પૂછાઈ ગયું. રામજી અચરજથી જોઈ રહ્યો પગથિયાં ઊતરતાં મંગળને!
પ્રફુલ્લ આર શાહ