Robots attack - 6 in Gujarati Fiction Stories by Kishor Chavda books and stories PDF | રોબોટ્સ એટેક 6

Featured Books
Categories
Share

રોબોટ્સ એટેક 6

રોબોટ્સ એટેક

ચેપ્ટર 6

રાતના લગભગ 10 વાગી ગયા હતા.ડૉ.વિષ્નુ તેમના સાથીઓ જોડે બેસીને પ્રાર્થના કરી રહ્યા હતા,તે જ વખતે યુદ્ધ મોરચાથી ડૉ.વિષ્નુને લેવા માટે આવેલી ટીમ તેમને શોધતા શોધતા ત્યાં આવી પહોંચી.ટીમના કેપ્ટન મિ.સ્મિથ સીધા જ ડૉ.વિષ્નુની પાસે પહોંચી ગયા.તેમને યુદ્ધની આખી પરિસ્થિતી વિસ્તારથી સમજાવી અને યુદ્ધમાં તેમની અનિવાર્યતા વિશે પણ જણાવ્યુ.તે તેમને અત્યારે જ ત્યાં લઇ જવા માટે આવ્યા છે તે પણ જણાવ્યુ.તેમને આશા હતી કે આટલી ગંભીર બાબત છે માટે ડૉ.વિષ્નુ તરત જ તેમની સાથે આવવા માટે તૈયાર થઇ જશે.પણ તેમની વાત સાંભળીને ડૉ.વિષ્નુ વિચારમાં પડી ગયા,તેથી તેમને પણ આશ્ચર્ય થયુ.તેમને ડૉ.વિષ્નુને પુછ્યુ,ડૉ પરિસ્થિતી આટલી ગંભીર છે અને તમે વિચાર કરો છો? શુ તમે યુદ્ધમાં આવવાથી ડરી રહ્યા છો?તેમનો પ્રશ્ન સાંભળીને ડૉ.વિષ્નુ ચમક્યા! અને કહ્યુ,હુ યુદ્ધથી કે મોતથી નથી ડરતો. પણ મારા ભરોસા પર આટલા માણસો અહીંયા આવ્યા છે.હુ જો આમ તેમને મુસીબતમાં એકલા છોડીને ચાલ્યો જાઉ તો પછી તેમનુ શુ? તેમની સુરક્ષાની અને તેમની બધી જ જવાબદારી મે લીધી છે.યુદ્ધનુ પરિણામ જે પણ આવે તેમના રહેવા માટેની સુરક્ષીત જગ્યા અને તે માટે જરુરી ખર્ચ પુરુ પાડવાનુ જો તમે વચન આપો તો હુ અત્યારે હાલ જ તમારી સાથે આવવા તૈયાર છુ.

ડૉ.વિષ્નુની શર્ત સાફ હતી.કાં તો આ બધા લોકો માટેની સુરક્ષીત વ્યવસ્થા અથવા યુદ્ધમાં હાર પછી જો મોત આવે તો,તે તેમના લોકો વચ્ચે જ મરવા માટે તૈયાર હતા.હવે વિચાર કરવાનો વારો મિ.સ્મિથનો હતો.તેમને તેમના હાઇકમાંડને ડૉ.વિષ્નુની શર્ત વિશે વાત કરી.અત્યારે યુદ્ધ નાજુક સ્થિતીમા હતુ,તેથી તેમને ડૉ.વિષ્નુની વાત માનવા સિવાય છુટકો જ ન હતો.તેથી હાઇકમાંડે ડૉ.વિષ્નુની શર્ત મંજુર રાખીને ડૉ.વિષ્નુના સાથીઓ માટે બધી જ વ્યવસ્થા કરી આપવાનુ કબુલ રાખ્યુ અને ડૉ.વિષ્નુને તાત્કાલિક યુદ્ધ મોરચે લઇ આવવા માટે કહ્યુ.સ્મિથે હાઇકમાંડના આદેશ અનુસાર ડૉ.વિષ્નુને એગ્રિમેંટ સાઇન કરી આપ્યા અને તેમને સાથે આવવા માટે તૈયાર કરી લીધા.

ડૉ.વિષ્નુના કહ્યા અનુસાર મિ.સ્મિથે તેમને એગ્રીમેંટ સાઇન કરી આપ્યા એટલે ડૉ.વિષ્નુ પણ તેમની સાથે જવા માટે તૈયાર થઇ ગયા.તેમને જતા પહેલા તેમના સાથીઓને બધી જ ભલામણ કરી દીધી.સાથે સાથે મેજરને પણ આ વાત જણાવવા માટે એક જણને કહી દીધુ.ત્યારબાદ આખી રાતની મુસાફરી કરીને છેક સવારના પાંચ વાગ્યાની આસપાસ તે યુદ્ધસ્થળ પર પહોંચ્યાં.ત્યારે ત્યાં હજુ પણ ઘમાસાણ યુદ્ધ ચાલી રહ્યુ હતુ. ડૉ.વિષ્નુએ પહોંચતાની સાથે જ કામ ચાલુ કરી દીધુ.તેમને એ તો અંદાજો હતો જ કે શાકાલ ખુદ ક્યારેય પણ આ લડાઇમાં આવશે નહી.તેમને માટે એ એક જ વાત કામની હતી.હવે બસ તેના મોકલેલા રોબોટ્સને કોઇપણ રીતે નિષ્ક્રિય કરવાના હતા.એ માટે તેમને એક સૈનિકને મોકલીને કોઇ એક ડેમેજ થયેલા રોબોટને લઇ આવવા માટે કહ્યુ.ઘડીવાર તો તે ડૉ. સામે જોઇ રહ્યો.તેને સમજમાં ન આવતુ હતુ કે ડેમેજ થયેલા રોબોટનુ ડૉક્ટર શુ કરશે? પણ તે કોઇ પણ પ્રશ્ન કર્યા વગર ગયો અને યુદ્ધમાંથી એક ડેમેજ થયેલા રોબોટને લઇ આવ્યો.તે રોબોટનો એક પગ કપાઇ ગયો હતો.હવે તે લડી શકે તેવી પોજીશનમાં ન હતો.તે યુદ્ધભુમિમાં નિષ્ક્રીય પડ્યો હતો,ત્યાંથી પેલો સૈનિક તેને ઉઠાવીને લઇ આવ્યો.

સૈનિક દ્વારા લાવેલા રોબોટને કોમ્પ્યુટર દ્વારા કનેક્ટ કરીને તેનો બધો જ ડેટા જોવામાં તે લાગી ગયા.તેને યુદ્ધમાં લડવા માટેની ટ્રેનિંગ આપવા માટે તેનામાં એક સોફ્ટવેર ઇંસ્ટોલ કરવામાં આવ્યુ હતુ.તે સોફ્ટવેરને અનઇંસ્ટોલ કરતા જ તેને એક સાદો રોબોટ બનાવી શકાય,જે ફક્ત રોજબરોજના કામોમાં આવે તે વાત ડૉ.વિષ્નુ જાણતા હતા.હવે તે જ્યારે એમ કરવામાં લાગ્યા હતા,ત્યાંજ અચાનક તેમના હાથમાં એક બીજી જ ઇમ્પોર્ટંટ માહીતી આવી.આ રોબોટની સાથે તેની ટીમના બીજા રોબોટને કનેક્ટ કરવા માટેનુ સોફ્ટવેર ઇંસ્ટોલ કરવામાં આવ્યુ હતુ,જેથી તેઓ મુસીબતમાં એકબીજાને આસાનીથી કોન્ટેક્ટ કરી શકે.અચાનક જ ડૉ.વિષ્નુના દિમાગમાં એક આઇડિયા આવ્યો.તુરત જ તેમને એ રોબોટને તેની ટીમના બધા રોબોટ જોડે કનેક્ટ કર્યો અને એક વાયરસ બધા જ રોબોટમાં ફોરવર્ડ કરી દીધો.તેના લીધે તેની સાથે જોડાયેલા બધા જ રોબોટ્સ એક સાથે નિષ્ક્રીય થઇ ગયા.ડૉ.વિષ્નુએ યુદ્ધમાં માનવોના પક્ષમાં આ પહેલી જીત અર્જીત કરી હતી.

રોબોટ્સની આ યુદ્ધમાં આટલા મોટા પાયા પર પહેલી હાર હતી.શાકાલ માટે તેને જીરવવી મુશ્કેલ હતુ.તેને તરત જ આઇડિયા આવી ગયો કે તેના રોબોટ્સને કઇ રીતે નિષ્ક્રિય કરવામાં આવ્યા છે.પણ તે રોબોટ્સને હવે ફરીથી એક્ટીવેટ કરવામાં વધારે સમય લાગે તેમ હતુ.અને અત્યારે આ યુદ્ધમાં તેને તેમ કરવુ પોષાય તેમ ન હતુ.તે નિષ્ક્રિય થયેલા રોબોટ્સ પાછળ તે વધારે બગાડી શકે તેમ ન હતો,તેથી તેને એ પડતુ મુકીને બીજા રોબોટ્સ પણ આ રીતના બીજા હુમલાનો શિકાર ના થાય એ માટેની તૈયારી કરવામાં લાગી ગયો. શાકાલ ખરેખર જીનિયસ હતો.બીજા રોબોટ્સને આ પ્રકારના બીજા હુમલાથી બચાવવા માટેનુ એક સોફ્ટ્વેર તેને તાત્કાલિક ધોરણે બનાવી લીધુ અને તેને બધા જ રોબોટ્સમાં ટ્રાંસફર પણ કરી દીધુ.તેને કોઇપણ ભોગે આ લડાઇમાં જીતવુ હતુ.સામા પક્ષે ડૉ.વિષ્નુ પણ હાર માનીને બેસી જાય તેવા ન હતા.તેમને જ્યારે ખબર પડી કે આગળનો આઇડિયા હવે કામ લાગી શકે તેમ નથી,ત્યારે તેમને એક બીજી જ યુક્તિ શોધી કાઢી.એમાં રોબોટ્સને નિષ્ક્રિય કરવામાં થોડો વધારે ટાઇમ લાગી શકે તેમ હતો,પણ સાથે સાથે આ યુક્તિ અસરદાર હતી અને તેનો કોઇ જ તોડ શાકાલ પાસે પણ ન હતો.તેમને સૈનિકોને રોબોટ્સના માથાના પાછળના ભાગે હુમલો કરવા માટે કહ્યુ,જ્યાં રોબોટ્સનુ મેઇન કમાંડ વાયર્રીંગ આવેલુ હોય છે.તેના પર હુમલો કરવાથી રોબોટ કોઇ જ કામનો રહેતો ન હતો.તેમનો તે આઇડિયા તો કામ કરી રહ્યો હતો પણ રોબોટ્સને એ જ જગ્યાએ નિશાના પર લેવા મુશ્કેલ હતુ.એમાં ખુબ જ ટાઇમ લાગી રહ્યો હતો અને જેમ ટાઇમ જતો હતો તેમ રોબોટ્સની યુદ્ધ પર પકડ મજબુત થતી જતી હતી.

યુદ્ધનો બીજો દિવસ પણ પુરો થવા આવ્યો હતો.અંધારુ ધીરે ધીરે રોશની પર પોતાનો કબજો જમાવી રહ્યુ હતુ.પણ યુદ્ધ કરી રહેલા રોબોટ્સ અને માનવોને તેનાથી કોઇ જ ફરક પડતો ન હતો.રોબોટ્સ તેમની બેટરી ચાલે ત્યાં સુધી લડે જતા હતા અને પછી ચાર્જ થયેલા રોબોટ્સ તેમને રીપ્લેસ કરતા હતા.આ બાજુ માણસો પણ બે શિફ્ટ બનાવીને સતત લડાઇ આપે જતા હતા.ડૉ.વિષ્નુ પણ યુદ્ધમાં તેમનાંથી થતી મદદ કર્યે જતા હતા.તે સતત સૈનિકોનો જુસ્સો વધારતા હતા અને તેમને રોબોટ્સને જલદી ખતમ કરવાની તેમની પાસે હતી તે તમામ ટ્રીક્સ જણાવે જતા હતા.તેઓ પણ આગળની રાતથી સતત જાગી રહ્યા હતા એટલે તેમનુ શરીર થાકી ગયુ હતુ.તેમને ઉંધ પણ આવી રહી હતી એટલે તેઓ પણ થોડીવાર આરામ કરવા માટે કેમ્પમાં ગયા.

* ચારે તરફ અંધારુ ફેલાઇ ગયુ હતુ.ક્યાય કોઇને જોઇ પણ ના શકાય તેટલા અંધારામાં ડૉ.વિષ્નુ દોડે જતા હતા.તે જાણે કેટલાય સમયથી દોડી રહ્યા હોય તેવુ તેમને લાગતુ હતુ.તેમને ખુદને પણ એ ખબર ન હતી કે તે શેનાથી ભાગી રહ્યા છે,પણ તે શ્વાસ લેવા માટે પણ રોકાયા વગર સતત દોડ્યે જતા હતા.અંધારામાં તે કઇ તરફ જઇ રહ્યા હતા તેની તેમને પણ ખબર ન હતી.તેઓ બસ ભાગી રહ્યા હતા,ત્યાંજ અચાનક તેમને એક પ્રકાશ દેખાયો.જે તરફથી પ્રકાશ આવી રહ્યો હતો તે બાજુ તેમને ભાગવાનુ શરુ કર્યુ.ઘણીવાર સુધી તે એ પ્રકાશ તરફ ભાગતા રહ્યા,પણ તે નજીક જ ન આવતો હતો.તે થાકીને ઉભા રહેતા ત્યારે પ્રકાશ એટલા જ અંતરે દેખાતો જેટલો દુર તેમને પહેલા દેખાઇ રહ્યો હતો.હવે તેમને એકીશ્વાસે પ્રકાશની તરફ દોડ લગાવી અને નિશ્ચય કર્યો કે,જ્યાં સુધી તે પ્રકાશના કેન્દ્ર સુધી નહી પહોંચે ત્યાં સુધી રોકાશે નહી.ત્યારપછી તે પ્રકાશ તરફનુ તેમનુ અંતર ઘટતુ ગયુ અને આખરે તે પ્રકાશના એ કેન્દ્રની સાવ નજીક પહોચી ગયા.ત્યાં પહોંચીને તેમને જોયુ કે એ પ્રકાશ એક ઝુંપડીમાથી આવી રહ્યો છે.તે જેવા ઝુંપડીની અંદર ગયા કે તરત જ તે પ્રકાશથી તેમની આંખો અંજાઇ ગઇ.તેમને થોડીવાર સુધી કંઇજ દેખાયુ નહી.થોડીવાર પ્રકાશથી ટેવાયા પછી જ્યારે તેમની આંખો ખુલી ત્યારે તેમને જોયુ કે,તે પ્રકાશના કિરણો જેમાંથી આવી રહ્યા હતા તે બીજુ કોઇ નહિ પણ તેમનો પુત્ર હતો.ઘડીભર તો તે તેને જોઇ જ રહ્યા.તેઓ એક ચમત્કાર જોઇ રહ્યા હતા.સંપુર્ણ રીતે સાયન્સ પર આધારીત બની ચુકેલી દુનિયામાં સાયન્સથી પર એવો ચમત્કાર જોઇને તેઓને વિશ્વાસ આવી રહ્યો ન હતો.તેમને આંખો ચોળીને ફરીથી જોયુ,તે તેમનો પુત્ર જ હતો.સમગ્ર દુનિયામાં જ્યાં અંધકાર ફેલાઇ ગયો હતો,ત્યાં તેના શરીરમાંથી પ્રકાશ કઇ રીતે નિકળી રહ્યો છે તે વાત તેમની સમજની બહાર હતી.

પછી જેવા તે તેમના પુત્રને હાથમાં ઉઠાવવા ગયા,ત્યાંજ તેમને એક સૈનિકનો અવાજ આવ્યો. ડૉ.સાહેબ .......ડૉ.સાહેબ.અને અચાનક જ આવેલા અવાજથી તેમની આખો ખુલી ગઇ.તેમને આજુબાજુ જોયુ ત્યાં ન તો તેમનો પુત્ર હતો કે ન તો કોઇ પ્રકાશના કિરણો.તેઓ ઘડીભર વિચારમાં પડી ગયા.પછી તરત જ બહાર આવીને તેમને સૈનિકને પુછ્યુ શુ થયુ? સૈનિકે કહ્યુ,પ્રેસિડેંટ આપને બોલાવી રહ્યા છે,તેમને ખુબ જ અગત્યનુ કામ છે.ડૉ.વિષ્નુ પણ વિચારમાં પડી ગયા.......(મિ.પ્રેસિડેંટે તેમને બોલાવ્યા છે મતલબ સિચ્યુએશન ખુબ જ સિરીયસ લાગે છે.) તે તરત જ મો ધોઇને કપડા ચેંજ કરીને પ્રેસીડેંટને મળવા માટે નિકળ્યા એ વખતે લગભગ સવારના પાંચ વાગી રહ્યા હતા.તેઓ રસ્તામાં તેમને આવેલા સપના વિશે જ વિચારતા રહ્યા.તેના વિચારોમાં જ તે પ્રેસિડેંટના કેમ્પ સુધી ક્યારે પહોંચી ગયા તેની તેમને ખબર જ ના રહી.જેવા તેઓ પ્રેસિડેંટના કેમ્પમાં પહોચ્યા ત્યાં તેમને જોયુ એક લાંબા ટેબલની ચારે તરફ બધા જ દેશના પ્રતિનિધિઓ બેઠા હતા.કોઇ ગંભીર વિષય પર ચર્ચા ચાલી રહી હોય તેવુ લાગતુ હતુ.જેવા તે ત્યાં પહોચ્યાં પ્રેસિડેંટે તેમને આવકાર્યા અને કહ્યુ,ડૉ.વિષ્નુ આવો.. અમે તમારી જ રાહ જોઇ રહ્યા હતા.તમે ગઇકાલથી જ અહીંયા આવી ગયા હતા અને તમે ખુબજ ઉમદા કામગીરી કરી છે,તે બદલ માનવજાતિ સદાય તમારી ઋણી રહેશે. ડૉ.વિષ્નુએ પણ પ્રતિઉત્તરમાં કહ્યુ,એ તો મારી ફરજ હતી.પણ મને અત્યારે શેના માટે યાદ કર્યો છે શુ હુ જાણી શકુ? પ્રેસિડેંટે જવાબમાં કહ્યુ.હા બિલકુલ,અમે તમને એક મહત્વના મુદ્દા પર તમારી રાય લેવા માટે બોલાવ્યા છે.ડૉ.વિષ્નુએ કહ્યુ,હા બિલકુલ.હુ જો તમારા કાંઇ કામ આવી શકુ તો મને ઘણી ખુશી થશે. પ્રેસિડેંટે તેમને બેસવા માટે ઇશારો કર્યો.વાત આગળ વધારતા બધાને સંબોધીને કહ્યુ,મિત્રો જેમ કે આપણે બધા જ જાણીએ છીએ,આપણે યુદ્ધમાં ખુબ જ પીછળી રહ્યા છીએ.આપણી મોટાભાગની સેનાના જવાનો શહીદ થઇ ચુક્યા છે અને જે જીવીત છે તેમાંથી ઘણાખરા લડાઇ આપી શકે તેવી કંડીશનમાં નથી.જે સૈનિકો હજુ પણ સારી હાલતમાં આપણી પાસે વધ્યા છે તે પણ સતત બે દિવસના યુદ્ધને લીધે થાકી ચુક્યા છે. એટલે જો આ લડાઇ આમ જ ચાલુ રહી તો આપણે આપણા બધા જ સૈનિકો ગુમાવી દઇશુ અને યુદ્ધ હાર્યા પછી આપણે ફરી ક્યારેય લડાઇ આપી શકીએ તેવી કંડીશનમાં નહી રહીએ.આ હાલાતમાં મારી એક જ સલાહ છે કે આપણે યુદ્ધમાં વધારે નુકશાન વેઠી શકીએ તેમ નથી તેથી આપણી પાસે એક જ ઉપાય બચે છે.......થોડીવાર અટકીને તેમને આગળ કહ્યુ,અત્યારે આપણે રોબોટ્સ સામે હાર સ્વીકારી લેવી જોઇએ અને ફરીવાર મોકો અને સમય આપણા પક્ષમાં આવે ત્યાં સુધી રાહ જોવી જોઇએ.જેવુ તેમને આ વાક્ય પુરુ કર્યુ તેવી જ કેમ્પમાં ખડબડી મચી ગઇ.બધા જોરજોરથી પોતાની વાત કહેવા લાગ્યા.કોઇ પ્રેસિડેંટની વાતનો વિરોધ કરવા લાગ્યા,તો કેટલાક તેમની વાતનુ સમર્થન કરવા લાગ્યા.કોઇ કોઇની વાત સાંભળતુ ન હતુ, બધા એકીસાથે પોતાની રાય આપવા માટે ઉતાવળા થવા લાગ્યા.પ્રેસિડેંટે ઉભા થઇને બધાને શાંત પાડ્યા.

બધા શાંત થઇ ગયા પછી મિ.જ્યોર્જે બધાને સંબોધીને કહ્યુ,જુઓ આપણે હાર નથી સ્વીકારી રહ્યા.આપણે લડાઇ માટે તૈયાર થવા માટે સમયની જરુર છે અને આપણા લોકો માટે આપણે આ કડવો ઘુંટ પીવો જ પડશે.કારણકે આપણે જો આમ જ લડતા રહીશુ તો અંતમાં આપણો પરાજય તો થશે જ,પણ પછી રોબોટ આપણા લોકો સાથે કંઇ પણ કરશે તો તેમને બચાવવા માટે આપણામાંથી કોઇ સશક્ત બચશે જ નહી,એટલે આપણા લોકોની રક્ષા માટે આપણે હાર સ્વીકારવી જ પડશે.આ વખતે મિ.જ્યોર્જની વાતની અસર વધારે થઇ.તેમની વાત સાંભળીને એકદમ શાંતિ પથરાઇ ગઇ.તેનો ફાયદો ઉઠાવીને મિ.જ્યોર્જે સીધુ ડૉ.વિષ્નુને જ પુછ્યુ,તમારુ શુ માનવુ છે ડૉ.વિષ્નુ? આપણે આ યુદ્ધ આમ જ ચાલુ રાખવુ જોઇએ? શુ આપણે આપણા માણસોને આમ જ આ રાક્ષસોની સામે મરવા દેવા જોઇએ? શુ તમને લાગે છે કે હાલની કંડીશન પ્રમાણે આપણે આ રોબોટ્સ સામે જીતી શકીશુ? ડૉ.વિષ્નુને પણ મિ.જ્યોર્જની વાત સાચી લાગી.તેમને કહ્યુ,હુ તમારી સાથે સહમત છુ.આપણે જો લડતા રહીશુ તો હજી પણ કેટલાક રોબોટ્સનો નાશ કરી શકીશુ.તે રોબોટ્સ તો ફરી બની જશે,પણ આપણા લોકો જે આ યુદ્ધમાં પોતાનુ બલિદાન આપી ચુક્યા છે અને હજી પણ આપવા માટે તત્પર છે તે તો ક્યારેય પાછા નહી આવે.માટે મારી પણ એજ રાય છે કે આપણે શાંતિપ્રસ્તાવ મોકલાવવો જોઇએ.શાકાલની જે પણ શરતો હોય આપણે આ યુદ્ધ અહીંયા જ રોકી દેવુ જોઇએ.

ડૉ.વિષ્નુની વાતની જાણે બધા પર જાદુઇ અસર થઇ.બધા જ દેશોના પ્રતિનિધિ યુદ્ધવિરામ માટે માની ગયા.પણ હવે યુદ્ધ રોકવુ શાકાલના હાથમાં હતુ. યુદ્ધ રોકવા માટે તે કઇ શરતો મુકશે તે પણ જોવાનુ હતુ.ત્યારબાદ મિ.જ્યોર્જે એક સંદેશ મેઇલ દ્વારા શાકલને મોકલ્યો અને યુદ્ધવિરામ માટેની વિનંતી કરી. ત્યારબાદ તેઓ શાકાલના જવાબની રાહ જોવા લાગ્યા. આ તરફ શાકાલે જેવો મિ.જ્યોર્જનો મેઇલ જોયો તેને પોતાની તાકાત પર ગર્વ થવા લાગ્યો.તે પણ માનવો પર રાજ કરવા માગતો હતો.તેને તેમને મારવા ન હતા,પણ તેમને ગુલામ બનાવીને રાખવા હતા.તે જ વખતે એના શાતિર મગજમાં એક વિચાર આવ્યો.તેને જરા પણ વિલંબ કર્યા વગર શાંતિવાર્તા માટેનો પ્રસ્તાવ સ્વીકાર કરતો અને સાથે જ યુદ્ધવિરામ માટેની તેની શરતો જણાવવા માટે એક મિટિંગ બોલાવવા માટેનો મેઇલ મિ.જ્યોર્જને મોકલી આપ્યો.મિટિંગમાં તેને બધા જ દેશોના પ્રતિનિધિઓને આવવા માટે કહ્યુ. સાથે સાથે ડૉ.વિષ્નુને પણ લઇ આવવા માટે જણાવ્યુ.

* ડૉ.વિષ્નુ પોતાના ટેંટમાં બેઠા હતા.હજી હમણા જ થોડીવાર પહેલા જ શાકાલનો મેઇલ આવ્યો હતો અને ત્યારબાદ તુરત જ યુદ્ધનો ખુની ખેલ રોકી દેવામાં આવ્યો હતો.તેઓ અત્યારે એ વિશે જ વિચારી રહ્યા હતા કે,તેમને યુદ્ધ રોકીને યોગ્ય પગલુ તો ભર્યુ છેને? માનવોનુ ભવિષ્યમાં શુ થશે તેની ચિંતા તેમને સતાવી રહી હતી.સાથે સાથે શાકાલે તેમને પણ મિટિંગમાં બોલાવ્યા હતા,તેમાં પણ તેમને તેની કોઇ ચાલ નજર આવી રહી હતી.તેઓ આ બધા વિચારોમાં હતા,ત્યાંજ અચાનક તેમને સવારે આવેલા સપનાનો પણ વિચાર આવી ગયો.તેમને એ સપનામાં કંઇક રહસ્ય છુપાયુ હોય અને નિયતી તેમને સંકેત દ્વારા તે જણાવવા માગતી હોય તેવુ લાગ્યુ.તેઓ સવારે આવેલા સપનાને ફરી યાદ કરી તેનુ અર્થઘટન કરવા લાગ્યા.તેના પર ખાસીવાર સુધી મનોમંથન કર્યા પછી તેમને લાગ્યુ કે આ કોઇ સપનુ નથી,પણ ઇશ્વરીય સંકેત છે.કારણકે યુદ્ધવિરામના થોડા સમય પહેલા જ નિયતી તેમને કોઇ સંકેત આપી રહી હતી.હવે તેમને પુરો વિશ્વાસ આવી ગયો કે તે ફક્ત એક સપનુ ન હતુ,પણ તે માનવજાતિનુ આવનારુ ભવિષ્ય હતુ.જેમાં માનવજાતની અંધારામાં લગાવેલી દોડમાં તેમનો પુત્ર પ્રકાશરુપે આશાનુ કિરણ બનીને સમગ્ર માનવજાતિના ઉધ્ધારનુ કારણ બનવાનો હતો.તેમને આ ઇશ્વરીય સંકેત પર પુરો વિશ્વાસ હતો.પણ પછી તેમને શાકાલની શર્ત યાદ આવી. તેને તેમને પણ મિટિંગમાં બોલાવ્યા હતા.ત્યાં ગયા પછી તે તેમની સાથે શુ કરશે તેનો તેમને થોડો અંદાજો તો આવી ગયો હતો.તેમને તુરત જ એક નિર્ણય લીધો અને એક કાગળ લીધો.એમાં તેમને આવેલા સ્વપ્નની,તેમાં છુપાયેલા ઇશ્વરીય સંકેત વિશે અને તેઓ જો પાછા ન આવે તો તેમના પુત્રને આવનારા સંકટો માટે અને શાકાલ સામે લડવા માટે તૈયાર કરવા માટે લખી દીધુ.તેમના પુત્રને આ વાત ખરો સમય આવે ત્યાં સુધી ન જણાવવા માટે અને સાથે સાથે લોકોને એ વાત જણાવીને કે તેમનો મસિહા ખરા સમયે તેમની મદદ માટે આવશે,તેમને બસ ઇશ્વર પર શ્રદ્ધા રાખવા માટે જણાવ્યુ.આ કાગળ મળતાની સાથે જ તેમને બધાને જંગલવાળી જગ્યા છોડીને ઉત્તર ભારતમાં આવેલ,હિન્દુઓમાં જેને મોક્ષની નગરી તરીકે ઓળખવામાં આવે છે તે,કાશીમાં જવા માટે કહ્યુ.તેમને તે વખતે બધાને ત્યાં જવા માટે શા માટે કહ્યુ,તે તો તે પણ જાણતા ન હતા.તેમના દિમાગમાં બસ એમ જ એ સ્થળનો વિચાર આવ્યો અને ભગવાન શિવના એ પરમ ભક્ત હતા,તેથી તેમને બધા માટે અત્યારે સૌથી સુરક્ષીત જગ્યા એ જ છે એવુ તેમને લાગ્યુ.તે કાગળ લઇને એક પ્લેન દ્વારા અરજંટ તેમના પરમ મિત્ર મેજરને આપવા માટે એક સૈનિકને દોડાવ્યો.તેમને વિશ્વાસ હતો કે આખી દુનિયા કદાચ તેમની વાતને ના માને,પણ તેમનો મિત્ર તેમની વાતને જરુર માનશે.અને તેનો અમલ જરુર કરશે.હવે તેમને આ જગ્યા જલદીથી જલદી છોડીને નિકળી જવાનુ હતુ.એ માટે તેમને તેમના એક વિશ્વાસુ સાથીને કહીને અહિંયાથી નિકળવા માટેની વ્યવસ્થા કરવાનુ કહી દીધુ હતુ.તેમને બસ મિટિંગ શરુ થાય અને તે માટે તેમની શોધખોળ શરુ થાય એ પહેલા આ જગ્યાથી દુર ચાલ્યા જવાનુ હતુ.તેઓ તેમના સાથીદારની રાહ જ જોઇ રહ્યા હતા.ત્યાંજ તે જેની રાહ જોઇ રહ્યા હતા તે તેમનો સાથી ગોપાલ ત્યાં આવી પહોચ્યો.તેને તેમના બન્નેના નિકળવા માટેની બધી જ વ્યવસ્થા કરી દીધી હતી.ત્યારબાદ કોઇને પણ શંકા ના પડે તે રીતે તે બન્ને છુપાઇને તે જગ્યાએથી નિકળી ગયા.યુદ્ધ રોકાઇ ગયુ હોવાથી બધા સૈનિકો તેમના કેમ્પની બહાર ટહેલતા હતા.તેથી તેમની વચ્ચેથી કોઇપણ પ્રતિનિધિની કે કોઇપણ રોબોટ્સની નજરમાં આવ્યા વગર તેઓ એ જગ્યાથી આરામથી નિકળી ગયા.કેમ્પથી થોડેદુર સુધી ચાલીને ગયા પછી ગોપાલે એક ગાડીની વ્યવસ્થા કરી રાખી હતી.તેમાં બેસીને તેઓ શાકાલના પંજાથી ખુબ જ દુર નિકળી ગયા.ત્યાંથી નિકળીને પહેલા તો કયાં જવુ તે વિશે તેઓ દ્વિધામાં હતા,કારણ કે જો તેઓ સીધા મેજર અને તેમના લોકો તરફ જાય અને જો શાકાલના રોબોટ્સ જો તેમની પાછળ લાગેલા હોય તો તેમની સાથે સાથે તેમના લોકો પણ મુશ્કેલીમાં આવી જાય.તે માટે એ સમયે તેમને કંઇજ નક્કી કર્યા વગર યુદ્ધ કેમ્પની વિરુધ્ધ દિશામાં જેટલા દુર જઇ શકાય તેટલા દુર નિકળવાનુ મુનાસીબ માન્યુ.

હવે ડૉ.વિષ્નુ શુ શાકાલથી બચી શકશે? અને તેમના સાથીઓ સુધી પહોચાડેલો સંદેશ તેમના સુધી પહોંચી શકશે? યુદ્ધવિરામ માટે શાકાલ શુ શરતો મુકશે?કે શુ શાકાલ ખરેખર યુદ્ધવિરામની વાત માન્ય રાખશે કે તે તેની કોઇ નવી જ ચાલ હશે? બધી જ વાતો જાણવા માટે મિત્રો જરુરથી વાંચજો રોબોટ્સ એટેકનુ આગળનુ ચેપ્ટર.