Pincode -101 Chepter 55 in Gujarati Fiction Stories by Aashu Patel books and stories PDF | પિન કોડ - 101 - 55

Featured Books
Categories
Share

પિન કોડ - 101 - 55

પિન કોડ - 101

પ્રકરણ-55

આશુ પટેલ

‘અમે વૈજ્ઞાનિક મોહિની મેનનના સહાયક છીએ. મોહિની મેડમ ઘણા દિવસોથી પ્રયોગશાળામાં નથી આવ્યા. તેઓ કોઈ સાયન્સ એક્ઝિબિશનમાં હાજરી આપવા એક દિવસ માટે મુંબઈ ગયા હતા, પણ એ પછી અમારી સાથે તેમનો કોઈ સમ્પર્ક નથી. અમે તેમના માતા-પિતાને કોલ કરીએ છીએ તો તેઓ એમ જ કહે છે કે મોહિની સામાજિક કામથી મુંબઇ રોકાઈ ગઇ છે અને થોડા દિવસો પછી આવશે.’ મોહિનીની સહાયક જયા વાસુદેવન સિનિયર ઇન્સ્પેક્ટર કે. વેંકટરમનને કહી રહી હતી.
મોહિની રહસ્યમય રીતે ગાયબ થઈ ગઈ એ વિશે જાણ કરવા તે મોહિનીના બીજા સહાયક બાલક્રિષ્ના પિલ્લાઇ સાથે ચેન્નાઈના ડોક્ટર રાધાક્રિશ્ર્નન નગર પોલીસ સ્ટેશનમાં
પહોંચી ગઈ હતી. બાલક્રિષ્ના પિલ્લાઈના એક ફ્રેન્ડના પોલીસ અધિકારી પિતાને સિનિયર ઇન્સ્પેક્ટર વેંકટરમન સાથે સારો પરિચય હતો
એટલે તેણે તેમને કોલ કરીને ભલામણ કરી આપી હતી.
‘તો એમાં તમે મારી પાસે કેમ આવ્યા છો?’ સિનિયર ઇન્સ્પેક્ટર વેંકટરમને આશ્ર્ચર્ય સાથે પૂછ્યું. પછી તેમને યાદ આવી ગયું કે તે બન્ને માટે એક પોલીસ અધિકારીએ ભલામણ કરી છે એટલે તેમણે ઉમેર્યું: તેમના માતાપિતા કહે છે એમ તેઓ થોડા દિવસ મુંબઈ રોકાવાના હશે.’ મોહિનીના સહાયક બાલક્રિષ્ના પિલ્લાઇએ કહ્યું.
‘અમે પણ થોડા દિવસ એ વાત માની જ લીધી હતી. તેઓ મુંબઈ રોકાઈ ગયા હોય એમાં કશું ચિંતાજનક નથી લાગતું, પણ તેમણે અમારી સાથે એક વખત પણ વાત નથી કરી. નથી તેમણે અમારો સંપર્ક કર્યો કે નથી અમે તેમનો સંપર્ક કરી
શકતા.’
‘મોહિની મેડમ શહેરની બહાર જાય તો અમને કહીને જાય છે અને અમારી સાથે મોબાઇલ ફોનથી સંપર્કમાં રહે છે, પણ તેમનો મોબાઇલ ફોન સતત બંધ આવે છે. મોહિનીના માતા-પિતા કહે છે કે મોહિની મોબાઇલ ફોન ઘરે ભૂલી ગઇ છે. અમને કંઇક અજુગતું લાગે છે.’ મોહિનીની સહાયક જયા વાસુદેવને ટાપશી પૂરી.
‘તો મોહિનીના માતા-પિતા પાસેથી તે જ્યાં હોય ત્યાંનો નંબર લઇને વાત કરી લો.’ વેંકટરમને સલાહ આપી.
‘અમે તેમને કહ્યું કે અમારે મોહિની મેડમ સાથે વાત કરવી છે, પણ તેઓ કહે છે કે મોહિનીએ કહ્યું છે કે તે હમણાં થોડા દિવસ કોઇ સાથે વાત નહીં કરે. ગઈ કાલે મે મોહિની મેડમના ઘરના નંબર પર કોલ કરીને તેમના પિતાને વિનંતી કરી કે મોહિની મેડમ મુંબઈમાં જ્યાં રોકાયા છે ત્યાંનો નંબર આપો તો તેમણે કહ્યું કે મોહિની હમણા એક સામાજિક કામમાં વ્યસ્ત છે એટલે તે કોઈ સાથે સંપર્કમાં નથી. છતાં મેં તેમને કહ્યું કે મેડમ સાથે એક વાર વાત કરવાનું જરૂરી છે એટલે તમે તેમને કહેશો કે તેઓ સમય મળે ત્યારે મને કે બાલક્રિષ્નાને કોલ કરે? તો તેઓ ચીડાઈ ગયા. તેમણે કહ્યું: મેં એક વાર કહ્યું ને કે મોહિની થોડા દિવસ કોઈ સાથે સંપર્કમાં નથી રહેવા માગતી!’ મેડમના માતાપિતા એકદમ શાંત પ્રકૃતિના છે એટલે તેમના એવા વર્તનથી મને વધુ નવાઈ લાગી.’ મોહિનીની સહાયક જયા વાસુદેવને કહ્યું.
‘વૈજ્ઞાનિક લોકો થોડા ધૂની હોય છે.’ સિનિયર ઇન્સ્પેક્ટર વેંકટરમને કહ્યું.
‘પણ મોહિની મેડમનું એવું નથી, સર.’ મોહિનીના સહાયક બાલક્રિષ્ના પિલ્લાઇએ કહ્યું.
‘મને તેના માતા-પિતાના ફોન નંબર આપો. હું વાત કરી જોઉ છું.’ વેંકટરમને કહ્યું.
‘મેડમના માતા-પિતાના મોબાઇલ ફોન નંબર્સ પણ બંધ આવે છે, અમે તેમના ઘરના નંબર પર વાત કરી હતી.’ જયાએ કહ્યું. તેણે મોહિનીના ઘરનો નંબર લખાવ્યો.
પેલા અધિકારીએ પોતાના મોબાઇલ ફોનથી એ નંબર લગાવ્યો. થોડી રિંગ વાગ્યા પછી કોઇએ કોલ રિસિવ ર્ક્યો.
‘હલ્લો.’ કોલ રિસિવ કરનારી વ્યક્તિએ કહ્યું.
‘હું રાધાક્રિશ્ર્નન નગર પોલીસ સ્ટેશનમાંથી સિનિયર ઇન્સ્પેક્ટર કે. વેંકટરમન બોલું છું. મારે મિસ મોહિની સાથે વાત કરવી છે.’ વેંકટરમને કહ્યું.
સામે છેડેથી થોડી સેક્ન્ડ કોઇ જવાબ ના આવ્યો.
‘હલ્લો.’ વેંકટરમને કહ્યું.
‘સોરી, સર. મોહિની તો અમેરિકા ગઇ છે. એ થોડા દિવસ પછી આવશે.’ સામેથી કહેવાયું.
વેંકટરમનને લાગ્યું કે સામેની વ્યક્તિ કદાચ ફોનનું સ્પીકર ઓન કરીને વાત કરી રહી છે.
‘તમે કોણ બોલો છો?’ વેંકટરમને પૂછ્યું.
‘હું મોહિનીનો પિતા બોલું છું.’ સામેથી જવાબ મળ્યો.
‘મને તેમનો અમેરિકાનો નંબર આપી શકો? મારે થોડું અર્જન્ટ કામ છે.’ વેંકટરમને કહ્યું.
‘તેણે ત્યાંનો નંબર આપ્યો નથી. પણ તમે મને તમારું નામ અને નંબર આપી રાખો તો તેનો કોલ આવે ત્યારે હું તેને તમારો સંપર્ક કરવા કહીશ.’ મોહિનીના પિતાએ કહ્યું.
વેંકટરમને પોતાનો નંબર અને નામ લખાવ્યા અને કોલ ડિસ્કનેક્ટ ર્ક્યો. પછી તેમણે જયા અને બાલક્રિષ્ના સામે જોઇને કહ્યું: રિયલી સ્ટ્રેન્જ! કંઇક તો ગરબડ છે.’
***
સાહિલની આંખો ખૂલી ત્યારે તેણે જોયું કે પોતે એક રૂમમાં પલંગ પર પડ્યો છે. એ રૂમમાં ઘોર અંધારું હતું. સાહિલને થોડી ક્ષણો માટે એમ થયું કે પોતે અહીં કઇ રીતે આવી ચઢ્યો. પણ પછી તેને યાદ આવ્યું કે તે એ માણસોનો કેદી બની ગયો છે જેમણે નતાશાનું અપહરણ ર્ક્યું છે. સાહિલને મૂંઝારો થઇ રહ્યો હતો પણ નતાશા યાદ આવી એટલે તેને પોતાના કરતા તેની વધુ ચિંતા થઇ આવી. તેને પોતાનું માથું ભારે લાગી રહ્યું હતું. તેણે ઊભા થવાની કોશિશ કરી ત્યારે તેને ખ્યાલ આવ્યો કે તેના હાથમાં સોય
ભરાવેલી હતી અને તેના પલંગની બાજુમાં સ્ટીલનું એક સ્ટેન્ડ હતું અને એમાં દર્દી માટે હોય એવો બાટલો લટકાવેલો હતો. તેને સમજાયું કે તેને એ બાટલાની મદદથી કોઈ પ્રવાહી અપાઇ રહ્યું
હતું.
તેને સમજાયું નહીં કે તેને શા માટે આ રીતે દર્દીની જેમ રખાયો હશે. તે મૂંઝવણ સાથે વિચારી રહ્યો હતો એ દરમિયાન તેના કાને કેટલાક માણસોના અવાજ પડ્યા. તેણે કાન સરવા કરીને સાંભળવાની કોશિશ કરી જોઇ, પણ તેને કંઇ સ્પષ્ટ સંભળાયું નહીં. તેણે પલંગ પરથી ઊભા થવાની કોશિશ કરી પણ તેને લાગ્યું કે તેના હાથ પગ અકડાઇ ગયા છે. થોડી મહેનત કરીને તે પલંગ પરથી ઊભો થયો. તેને પોતાના હાથમાં ભરાવેલી સિરિંજ ખેંચી કાઢવાની કોશિશ કરી, પણ પછી તેને કંઈક યાદ આવ્યું એટલે તેણે તરત જ એ પ્રયત્ન પડતો મૂક્યો. તે એક હાથે પેલું બાટલાવાળું સ્ટેન્ડ ઊંચકીને દરવાજા પાસે ગયો. તેણે દરવાજો ખોલવાની કોશિશ કરી પણ દરવાજો બહારથી બંધ હતો. આ દરમિયાન પેલા માણસોના અવાજ નજીક આવતા લાગ્યા એટલે સાહિલ ઉતાવળે પાછો પલંગ તરફ ગયો. તેણે સ્ટેન્ડ હતુ એ જ રીતે ગોઠવ્યું અને તે પલંગ પર પડીને ફરી બેહોશીનો ડોળ કરતો સૂઇ ગયો.
એ જ વખતે રૂમનો દરવાજો ખૂલ્યો. સાહિલની આંખો બંધ હતી તો પણ તેને અહેસાસ થયો કે દરવાજો ખૂલવાની સાથે રૂમમાં અજવાળું ફેલાયું છે. તે ધડકતા હૃદય સાથે ચૂપચાપ પડી રહ્યો. પેલા બંનેએ તેને જોઇને કંઇક વાત કરી. એ સાંભળીને સાહિલ જાણે થીજી ગયો.
(ક્રમશ:)