Tamara vina - 13 in Gujarati Fiction Stories by Gita Manek books and stories PDF | તમારા વિના - 13

Featured Books
Categories
Share

તમારા વિના - 13

તમારા વિના

ચેપ્ટર - 13

‘હાં, બોલા... કાય પ્રૉબ્લેમ આહે તુમચા’ (હા, બોલો... શું પ્રૉબ્લેમ છે તમારો?) કોલાબાના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટરે રિવૉલ્વિંગ ચૅરનું લગભગ પોણું રાઉન્ડ ફરી જતાં કહ્યું.

‘સાહેબ, નગરસેવક ગુલાબરાવે પરમ દિવસે તમને ફોન કર્યો હતોને! અમે એ દિવસે ત્યાંથી સીધાં અહીં આવ્યાં હતાં પણ તમે નીકળી ગયા હતા. ગઈ કાલે પણ આવ્યાં હતાં, પણ આપની સાથે મુલાકાત ન થઈ શકી.’ હસમુખભાઈએ કાન્તાબેનના હાથમાંથી ફાઇલ લઈ ઇન્સ્પેક્ટર સામે ધરી.

‘આમના પતિની હત્યા થઈ છે...’ હસમુખભાઈએ રજૂઆત કરતાં કહ્યું, પણ વાઘમારે ફાઇલ જોવામાં વ્યસ્ત છે એવું લાગતા ચૂપ થઈ ગયા.

‘આ તમારા કોણ થાય?’ વાઘમારેએ હાથમાં પેપરવેઇટ રમાડતાં પૂછ્યું.

‘તેમના પતિ એટલે કે જેમની હત્યા થઈ તે મારા ખાસ મિત્ર હતા.’ હસમુખભાઈએ સ્પષ્ટતા કરતાં કહ્યું.

‘ ઓહ, આઇ સી...’

ઇન્સ્પેક્ટર વાઘમારેએ ટીકવુડના અને જાડા કાચવાળા ટેબલ પર મૂકેલી જૂની ઘસાઈ ચૂકેલી સ્ટીલની બેલ પર બે વખત જોરથી હથેળી પછાડી. ઘંટડીના અવાજની થોડીક જ ક્ષણોમાં હવાલદાર આવીને ઊભો રહ્યો. વાઘમારેએ તેને નવીનચંદ્રનું નામ અને હત્યા થઈ હતી એ દિવસની તારીખ આપી કહ્યું, ‘મને આ કેસની વિગત આપો. આ કેસનો આઇ ઓ (ઇન્વેગસ્ટગેટિવ ઑફિસર એટલે કે તપાસઅધિકારી) કોણ છે?’

હવાલદાર આદેશ લઈને બહાર ગયો. થોડી જ વારમાં એક ખાખી યુનિફૉર્મ પહેરેલો ઇન્સ્પેક્ટર પરવાનગી લેતો અંદર દાખલ થયો. તેના હાથમાં મોટું રજિસ્ટર હતું.

‘‘સાહેબ, આ કેસનો આઇ ઓ સબ-ઇન્સ્પેક્ટર રાનડે છે.’ તે ઇન્સ્પેક્ટરે ચોપડો આગળ ધર્યો. વાઘમારેએ ઝડપથી તેના પર નજર ફેરવી લીધી.

‘રાનડે ક્યાં છે?’ વાઘમારેએ સત્તાધીશની કરડાકીથી પૂછ્યું.

‘તેમની નાઇટ ડ્યુટી હતી. થોડીક વાર પહેલાં જ ઘરે ગયા...’

‘ઠીક છે.’ વાઘમારેના આ શબ્દો સાંભળી ઇન્સ્પેક્ટર સલામ ઠોકી બહાર નીકળી ગયો.

‘કેટલો એરિયા છે તમારા ફ્લૅટનો?’ વાઘમારેએ અચાનક પૂછ્યું.

‘બે બેડરૂમ છે.’

‘કેટલા સ્ક્વેરફૂટ થાય?’

‘લગભગ ૧૭૫૦.’ કાન્તાબેનને સમજાતું નહોતું કે નવીનચંદ્રની હત્યાને અને ફ્લૅટના સ્ક્વેરફૂટને શું સંબંધ હતો?

‘ઘણો મોટો ફ્લૅટ કહેવાય નહીં? કોણ-કોણ રહે છે ત્યાં?’

‘હું અને મારા પતિ જ રહેતાં હતાં...’ કાન્તાબેનને હવે સમજાઈ રહ્યું હતું કે વાઘમારે વાતને કઈ દિશામાં દોરી જઈ રહ્યો હતો.

અખબારોના અહેવાલોમાં અને પરિચિતોના મોંએ આ વાત તેઓ અગાઉ સાંભળી ચૂક્યા હતા. બધાની કહેવાની રીત જુદી-જુદી હતી, પણ વાત તો એ જ હતી.

‘ડોસા-ડોસીએ આવડા મોટા ફ્લૅટમાં એકલાં રહેવાની જરૂર શું હતી? દીકરાઓ સાથે રહ્યાં હોત તો આ દિવસ જોવાનો વારો ન આવતને!’

એક અખબારે તો એક પાનું ભરીને લેખ છાપી નાખ્યો હતો કે સંયુક્ત કુટુંબો તૂટી રહ્યાં છે. આધુનિક યુગમાં વડીલો અને સંતાનો વચ્ચે કેવાં કારણોસર મનદુઃખ થાય છે અને એમાં બન્ને પક્ષે કેવી રીતે વર્તવું એેનાં સલાહસૂચનો કરવામાં આવ્યાં હતાં. હરહંમેશ જે પાંચ-સાત માનસચિકિત્સકોનાં નામ અખબારના પાને દેખા દેતાં હતાં એવા નિષ્ણાતોએ પોતપોતાનું ડહાપણ ડહોળ્યું હતું. વડીલોએ શું કરવું અને શું ન કરવું તેમ જ સંતાનોએ શું કરવું એની યાદી આપવામાં આવી હતી. આ લેખમાં મા-બાપ અને સંતાનો વચ્ચેના સંબંધો પર છણાવટ કરી નાખવામાં આવી હતી.

‘તમને કોઈના પર શંકા છે. તેમની કોઈ સાથે દુશ્મનાવટ કે...’ વાઘમારેએ પોલીસની ઢબે પૂછપરછ કરતાં કહ્યું.

‘ના સાહેબ. આખી જિંદગીમાં તેમણે કોઈ સાથે ઝઘડો કર્યો હોય એવું મને યાદ નથી.’ કાન્તાબેને જ જવાબ આપી દીધો.

‘તમારા ફ્લૅટની કિંમત આજના બજારભાવે લગભગ એકાદ કરોડ રૂપિયા થાય નહીં?’ વાઘમારેએ પૂછ્યું.

‘આમ તો કોઈ દિવસ ભાવ કઢાવ્યો નથી, કારણ કે અમારે તે વેચવો જ નહોતો... પણ પહેલા માળે એક ફ્લૅટ છે એે એક કરોડ પંદર લાખમાં વેચાયો...’ કાન્તાબેને પોતાની પાસે હતી એટલી માહિતી આપી.

કાન્તાબેનનાં સંતાનો અને સગાંવહાલાંઓ વિશે વિગતો પૂછ્યા બાદ વાઘમારેએ કહ્યું, ‘જુઓ કાકા, અમે આ કેસમાં તપાસ ચલાવી રહ્યા છીએ. આજકાલ આવા કેસ શહેરમાં બહુ વધી ગયા છે. બુઢ્ઢા લોકોએ પણ સમજવું જાઈએ કે હવે આપણી ઉંમર થઈ. એકલા રહીને આમ જાન ગુમાવવો એના કરતાં છોકરાઓની સાથે સમાધાનથી રહેતા હોય તો આવો દિવસ જ ન આવેને! પણ આ લોકો તો સમજતા જ નથી. બચ્ચાલોગનો પણ વાંક હોય છે, પણ એ તો નાદાન કહેવાય. તમારે લોકોએ સમજવું જાઈએ...’ વાઘમારેએ કુટુંબમાં કોણે કેમ વર્તવું જાઈએથી માંડીને તેમની પાસે આવેલા અમુક કેસની વાતો કરી એક લાંબુંલચક ભાષણ ઝાડી નાખ્યું.

‘‘આ કેસ સબ-ઇન્સ્પેક્ટર રાનડેના હાથમાં છે. તેની સાથે વાત કરી લઈશ. કંઈ પણ સગડ મળશે કે તરત તમને જાણ કરીશ. તમારે પણ અમને સહકાર આપવો પડશે...’ વાઘમારેએ કહયું.

કાન્તાબેન કંઈક બોલવા જતાં હતાં, પણ હસમુખભાઈએ ‘થૅન્ક યુ સાહેબ’ કહીને કાન્તાબેનને અટકાવી દીધાં. હસમુખભાઈ ઊભા થયા અને તેમની સાથે જ કાન્તાબેન કમને ઊભાં થયાં.

‘આ પોલીસવાળા પોતાના મનમાં સમજે છે શું?’ પોલીસસ્ટેશનની બહાર નીકળતાં જ કાન્તાબેને બળાપો ઠાલવ્યો.

બન્ને જણ બાજુમાં આવેલી સાઉથ ઇન્ડિયન રેસ્ટોરાંમાં દાખલ થયા. હસમુખભાઈએ બે ફિલ્ટર કૉફીનો ઑર્ડર આપ્યો.

‘કાલે સવારે કોઈ ફરિયાદ લખાવવા જશે કે મારું મંગળસૂત્ર ખેંચાઈ ગયું તો આ લોકો કહેશે કે તમે મંગળસૂત્ર પહેર્યું જ શું કામ? તમે મંગળસૂત્ર પહેર્યું એટલે ચોરાયુંને?’

‘આ બધું આમ જ ચાલે છે કાન્તાભાભી...’

‘શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી એમની છેને? પોતાની ફરજ બજાવવાને બદલે આપણને સુફિયાણી સલાહ આપે છે પેલો વાઘમારે... તમે મને અટકાવી ન હોત તો મેં તો તેને કહી દીધું હોત કે ભાઈ, અમારે બુઢ્ઢાઓએ શું કરવું જાઈએ એે શીખવવાને બદલે તમે લોકો તમારું કામ કરોને! હેં હસમુખભાઈ, જેમને બાળકો ન હોય તેવાં ડોસા-ડોસીઓને આ લોકો શું કહેશે? તેમણે પણ એકલાં નહીં રહેવાનું? મરી જવાનું?’ કાન્તાબેનના અવાજમાં ગુસ્સો હતો.

હસમુખભાઈ પાસે તેમની વાતનો કોઈ જવાબ નહોતો. તેમને લાગ્યું કે કાન્તાબેનની વાત સાચી હતી. જે નવીન સાથે થયું એે તેમની સાથે પણ થઈ શકે. આમ તો તેઓ માળામાં રહેતા હતા, પણ હવે ક્યાં અગાઉ જેવું હતું? તેમના માળામાંનાં ઘરો હવે ઑફિસમાં ફેરવાઈ ગયાં હતાં અને એકાદ સોમવારે પોતે ઘરમાં એકલા હોય ત્યારે કોઈ તેમની છાતીમાં છરી ભોંકી જાય તો તેમની ચીસ સાંભળવા કોણ નવરું હતું?

તેમના તો બન્ને દીકરા અમેરિકામાં હતા. તો શું તેમણે પણ એકલા ન રહેવું પડે એ માટે મન મારીને અમેરિકા ચાલ્યા જવું અને ત્યાં આખો દિવસ ઘરમાં ગોîધાઈ રહેવાનું? અખબારના લેખમાં સલાહ આપતા સમાજશાસ્ત્રીઓ અને માનસશાસ્ત્રીઓની સલાહ અનુસાર તેમણે તમામ પ્રકારની બાંધછોડ કરી દીકરાઓ-વહુઓ સાથે હળીમળીને રહેવા તૈયાર હોય તો પણ શું તેઓ બધા અમેરિકામાં પોતાની કારકિર્દી મૂકીને અહીં આવે ખરાં?

‘શ્વેતા અને નીતિન રોકાવાનાં છે?’ હસમુખભાઈએ રકાબીમાં ઠારેલી કૉફીનો ઘૂંટડો ભરતાં પૂછ્યું.

‘હમણાં તો રોકાયાં છે...’ કાન્તાબેનના જવાબમાં અણગમાનો સૂર હસમુખભાઈ પારખી શક્યા.

‘નીતિનના કામ-ધંધાનું કંઈ ઠેકાણું પડ્યું?’

‘કહે છે કે દલાલીનું કામ કરે છે. ફ્લૅટની દલાલીનું. બાપ આ ઉંમરે કેડ ભાંગી જાય એટલું કામ કરે છે ને આ ભાઈ... હવે જમાઈ માણસને આપણે વધારે તો શું કહી શકાય?’ કાન્તાબેનને હસમુખભાઈથી કંઈ છુપાવવું જરૂરી ન લાગ્યું.

‘શ્વેતા કંઈ કહેતી નથી?’ હસમુખભાઈથી પુછાઈ જવાયું.

‘તેનામાં બુદ્ધિ હોત તો જાઈતું’તું જ શું? બે છોકરીઓની મા થઈ તોય તેની છોકરમત જતી નથી. તે તો તેનો વર પીવડાવે ને એટલું પાણી જ પીએ છે.’ કાન્તાબેનના ચહેરા પર દીકરી માટેની કાળજી સ્પષ્ટપણે જાઈ શકાતી હતી.

બન્ને જણ ચૂપચાપ કૉફી પીતા રહ્યાં.

‘તમારે દુકાન મૂકીને આ બધી દોડાદોડ....’ કાન્તાબેને સહેજ અપરાધભાવ સાથે કહ્યું.

‘ના-ના, દુકાનમાં તો પાંડુ છેને!’ પાંડુ હસમુખભાઈનો વર્ષો જૂનો અને વિશ્વાસુ નોકર હતો.

‘અને આમ પણ તમને તો ખબર છે કે હું તો કરવા ખાતર ધંધો કરું છું. ઘરે બેઠાં-બેઠાં કરું શું? દુકાનમાં બેઠા હોઈએ તો ચાર માણસનાં મોઢાં જાવા મળે ને સમય પસાર થાય. પ્રવૃતિની પ્રવૃતિ ને થોડીક આવક રહે. જતી જિંદગીએ સાજા-માંદા થઈએ તો છોકરાઓ પાસે હાથ ન લંબાવવો પડે. કામ થાય છે ત્યાં સુધી કરવાનું. બાકી અમને બે માણસને જાઈએ કેટલું ને વાત કેટલી? શરીર નહીં ચાલે ત્યારે દુકાન વેચીને પૈસા વ્યાજે મૂકી દઈશ.’

બિલ ચૂકવીને બન્ને રેસ્ટોરાંની બહાર નીકળ્યાં.

‘ઘરે આવો છોને? જમીને જજા.’ કાન્તાબેને કહ્નાં.

‘ના-ના, મોડું થશે. હું પહોંચીને પાંડુને જમવા માટે છોડાવીશ. મારું ટિફિન પણ દુકાને આવી ગયું હશે...’

‘તમારે ચર્ચગેટથી જ ટ્રેન પકડવી હશેને! તો બસમાં જ બેસી જઈએ.’ હસમુખભાઈ પાસે કારણ વિના ટૅક્સીનો ખર્ચ કરાવવો કાન્તાબેનને યોગ્ય નહોતો લાગતો એટલે તેમણે જ સૂચન કર્યું.

ફૂટપાથ પર બન્ને ધીમે-ધીમે બસસ્ટૉપ તરફ ચાલવા માંડ્યાં. ફૂટપાથ પર બન્ને બાજુ ફેરિયાઓ સ્ટૉલ લગાડીને બેઠા હતા. બપોરનો સમય હોવા છતાં ફેરિયાઓને લીધે ફૂટપાથ પર ગિરદી થઈ જતી હતી. એક ફેરિયા પાસે યુવાન છોકરા-છોકરીઓનું એક ટોળું ઊભું હતું અને તેમણે પસંદ કરેલા જીન્સનો ભાવ-તાલ કરાવી રહ્યું હતું. તે બધા રસ્તા પર એવી રીતે ઊભાં હતાં કે ત્યાંથી પસાર થવું મુશ્કેલ હતું. તેમની વચ્ચેથી જવાને બદલે હસમુખભાઈ ફૂટપાથ પરથી ઊતરી જઈ રસ્તા પર આવી ગયા. પગના દુખાવાને લીધે કાન્તાબેનની ચાલવાની ગતિ ધીમી પડી ગઈ હતી. તેઓ હજી ફૂટપાથ પર જ હતાં. તેમની નજર રસ્તા પર પડી અને તેમના મોંમાંથી ચીસ નીકળી ગઈ.

‘હસમુખભાઈ...’