Tilak in Gujarati Short Stories by Dhumketu books and stories PDF | તિલક

Featured Books
Categories
Share

તિલક

તિલક

જયપાલ સાંજે આવ્યો ત્યારે તો ત્યાં બધે રોશની પ્રગટી ગઈ હતી. ઠેર ઠેર સૈનિકો મોજમજા કરતા હતા. પેલો ગુલામ તેને તિલકના તંબુ તરફ લઈ ગયો. જયપાલને બહાર ઊભો રાખીને તે અંદર ખબર આપવા ગયો.

જયપાલે નજર ફેરવી તો ત્યાં કેટલાયે ઘોડેસવારો આમતેમ ફરતા હતા. બધા હિંદુ જણાતા હતા. જયપાલની હાજરીની કોઈને નવાઈ જણાતી ન હતી. જયપાલને હૈયે ધરપત વળી. એને થયું કે છાવણીના આ વિભાગમાં હિંદુ હોવાને કારણે કોઈ ખાસ અવિશ્વાસ ધરાવતા ન હતા. એ પ્રતાપ તિલકનો અને સેવંતરાયનો હોવો જોઈએ. પોતાની વ્યવસ્થામાં રહેલી સુલતાનની આ આત્મશ્રદ્ધા જોઈને જયપાલ છક્ક થઈ ગયો. એને લાગ્યું કે એનામાં અજબ બળ હોવું જોઈએ. તે વિના માણસ આટલો બધો વિશ્વાસ રાખી શકે નહિ. તેને ખબર હતી કે તિલક હજામ હતો. એણે એને કોઈ દિવસ જોયો ન હતો. તે વિચાર કરી રહ્યો કે હજામ તે વળી કેવોક બહાદુર શક્તિશાળી હશે કે દુનિયાના મોટામાં મોટા બાદશાહનો વિશ્વાસુ સરદાર બની ગયો હશે ? એની આ વાત જેવી તેવી ન હતી. એની પાસે જવામાં એ એક પ્રકારનો છાનો ભય અનુભવી રહ્યો.

સોમનાથના જુદ્ધમાં એની સામે પ્રત્યક્ષ લડવા જવાનો એને મોકો મળ્યો ન હતો, પણ એણે સાંભળ્યું હતું કે જેટલું કામ સૈનિકોનાં શસ્ત્રઅસ્ત્રથી થતું હતું, તેના કરતાં એક હજારગણું વધારે કામ તિલકના શબ્દથી થતું હતું.

આ તિલક કાશ્મીરનો હજામ હતો.

એની પાસે અજબ જેવી વસ્તુઓ હતી, શબ્દની માયા એની પોતાની હતી. એના મનમાં એક હજાર તીક્ષ્ણ ખંજરો ભર્યાં હોય ત્યારે એના ચહેરા ઉપર એક હજાર ને એક સ્મિત રમતાં હોય ! એના જેવો પ્રેમશાસ્ત્રનો નિષ્ણાત એ વખતે ભાગ્યે જ કોઈ બીજો મળે ! એના જેવો જાદુનો જાણનારો પણ કોઈ નહિ હોય અને એની બહાદુરી તો જગજાહેર હતી. એ વિશ્વાસપાત્ર ને વફાદાર હતો.

આ માણસ જેમ આંખમાંથી કણું કાઢી લે તેમ સામા માણસમાંથી હૃદય કાઢી લેવાની શક્તિ ધરાવતો હતો. ગમે તેવાના દૃઢ નિશ્ચયને એ ડગાવી દેતો.

જયપાલને એની પાસે જતાં મનમાં હજાર જાતની શંકાઓ ઊભી થતી હતી. એની હાજરીમાં એણે પોતાનો ચહેરો, આંખ, હાથ, પગ બધા ઉપર કાબૂ રાખવાનો મનમાં નિશ્ચય કરી લીધો.

થોડી વારમાં જ તેને તિલક પાસે લઈ જવામાં આવ્યો. એણે કોઈ મહા પ્રતાપી, બળવાન, કદાવર, પડછંદ સરદાર જોવાની આશા રાખી હતી.

પણ એની સામે એણે, રેશમી ઝરિયાન ગાદીતકિયાને અઢેલીને બેઠેલો, એક તદ્દન સાદો, સીધો, સામાન્ય માણસ દીઠો. તે બે હાથ જોડીને એને નમ્યો. પણ એક પળભર એના ચહેરા ઉપર એની દૃષ્ટિ ગઈ અને એના મનમાં ભયનાં મોજાં ઊઠ્યાં !

એ સીધા સાદા સામાન્ય માણસનો ચહેરો ગજબનો રૂપાળો હતો. એની આંખમાં સામાને મોહ પમાડવાની શક્તિ હતી. એની અજબની મીઠાશમાં સામો માણસ ભાન ભૂલી બેસે એવી મોહિની હતી. એના હોઠ એવા પાતળા લાલ સુંદર હતા કે એ હોઠમાંથી આવનાર શબ્દો જાણે અત્તર મહેકતા આવશે, એવો એક હવાઈ ખ્યાલ મગજમાં ઘર કરી બેસે તેવું હતું. જયપાલને પોતાની જાતનો ભય લાગ્યો.

એટલામાં તિલકે તેની સામે જોયું. એણે એને પાસે આવવાની નિશાની કરી. એણે તંબુમાં એક દૃષ્ટિ કરી. ગુલામો તરત આઘા-પાછા થઈ ગયા.

જયપાલ તિલકની સામે જઈને બેઠો. એને એક વાત મળી હતી. ગર્જનક આંહીં રહી જાય તો સિપાહ સાલાર મસુદ પણ કદાચ આંહીં રહે. તો ઝાબિસ્તાન, કાબુલિસ્તાન, સિસ્તાન, ખુરાસાન, ખુતાન મુલતાન, એ મોટું રાજ, ગજનવીના મોટા શાહજહા મહમ્મદને ભાગે જાય. સુલતાનની કદાચ આ અંતરઇચ્છા હોય. તિલકને પોતાની જન્મભૂમિ કાશ્મીર, પંજાબ એ બધું છોડીને પછી આંહીં રહેવું પડે. એ વાત એને રુચતી ન હતી. પણ સુલતાનની ઇચ્છાને એણે જ ટેકો આપ્યો હતો. સેવંતરાય મહમ્મદના પક્ષનો હતો. અને તિલક મસુદનો જમણો હાથ બની ગયો હતો. એક જ દિવસે જન્મેલા પોતાના આ બે શાહજાદાઓ વિષે સુલતાનની ચિંતા હવે વધી હોય એ દેખીતી વાત હતી. એ બંને સામસામે ભટકાઈને છિન્નભિન્ન થઈ જાય, તેના કરતાં બે સ્વતંત્ર બાદશાહી સ્થાપે, એવો વિચાર પણ સુલતાનને આવ્યો હોય તો નવાઈ નહિ.*

પણ જયપાલે એ બધી વાત અત્યારે મનમાં ને મનમાં રોકી દીધી. અત્યારે પહેલાં તો એને સ્થાન ને વિશ્વાસ મેળવવાનાં હતાં. તિલકે એને તરત પૂછ્યું : ‘ક્યાંથી સોમનાથી આવો છો ?’

‘હા ખુદાવં ! સોમનાથથી આવું છું.’

‘રાજા ભીમદેવ ક્યાં છે ?’

જયપાલને વિચાર કરવા રોકાવામાં જેવો તેવો ભય ન લાગ્યો. તેણે તરત છાશીઓ, પણ વિશ્વાસજનક અને પોતાને વિચારવાનો વખત મળી જાય તેવો ઉત્તર વાળ્યો : ‘રાજા ભીમદેવ તો ત્યાં જ !’

‘ત્યાં જ ? એટલે ? સોમનાથમાં ?’

‘ના ના, ત્યાં જ એટલે આસપાસમાં. એ રા’ના કિલ્લા પાસે રહીને સેન ભેગું કરે છે !’

*મહમદૂ ગજનવીના મરણ (ઈ.સ. ૧૦૩૦) પછી તરત જ એના બંને શાહજાદાઓ વચ્ચે જુદ્ધ થયું હતું. તેમાં સેવંતરાય તેમ વઝીર હઝનક મોટા શાહજાદા મહમ્મદની પક્ષે હતા. અને સેવંતરાય પચાસ હજારની બળવાન અશ્વસેના સાથે બહાદુરીથી લડતાં રણમાં પડ્યો હતો. મહમ્મદને આંધળો કરીને મસુદ ગાદીએ બેઠો. પછી પંજાબનો બળવો શમાવવા માટે તિલક ગયો હતો. એથી ઘણા અમીરો નારાજ થયા હતા. પણ તિલક એ બળવો શમાવીને અને જાટ લોકોની મદદથી બળવાખોરને મારીને, વિજયી થઈ પાછો ફર્યો હતો.

‘એને હજી લડવાના કોડ રહી ગયા છે ? તમે ક્યાંના છો ? શું કરો છો ?’

‘હું તો ખુદાવંદ ! મંગલોરનો છું. ત્યાંનો હું કિલ્લેદાર હતો. ખુદાવંદ સામે હું લડાઈમાં પણ હતો. બે વખત હાર્યો. નામોશી સહન થઈ નહિ. સાથીદારોનાં મેણાંટોણાં હથિયારથી પણ વધુ આકરો ઘા કરે છે, એ અનુભવ છે. મારા જેવા હારેલાને હવે ત્યાં સ્થાન નથી. ત્યાં મારા માટે શંકાનું રાજ છે, એટલે આ તરફ ભાગી આવ્યો છું !’

તિલક જયપાલના ચહેરા તરફ જોઈ રહ્યો. એના શબ્દોમાં એને એકદમ વિશ્વાસ આવ્યો નહિ. પણ પરાજિતો તરફના એ જમાનાનાં લક્ષણો એના ધ્યાનમાં હતાં. ભીમદેવે જે ઉગ્રતાથી યુદ્ધ કર્યું હતું તે જોતાં ભાગનારાઓ પ્રત્યે એને નફરત થાય તે સ્વાભાવિક હતું. એટલે એને લાગ્યું કે જો આ ઠીક અધિકાર ભોગવનારો માણસ ખરેખરો વખાનો માર્યો આવ્યો હોય, તો તો એની મારફત રાજા ભીમદેવને મેળવી લેવાનો આ એક મોકો સુલતાનને મળી જાય. ને પોતે તેમાં કારણરૂપ બને તો પોતાનું મહત્ત્વ વધે.

સુલતાનની છેલ્લી છેલ્લી લડાઈઓમાં એની ધનતૃષ્ણા તો જે હતી તે જ રહી હતી. પણ સહેલું સમાધાન મેળવી લેવાની એની ઇચ્છા તિલકે જોઈ લીધી હતી. કલંજરના રાયે નામની તાબેદારી સ્વીકારી જેવા તેવા ત્રણસો હાથી કિલ્લા બહાર કાઢી મૂક્યા, કે જે તુર્કોને ઠીક પડે તો ઉપાડી જાય... આવું સમાધાન પણ સુલતાને સ્વીકારી લીધું હતું. છતાં જયપાલને એ બતાવવાનો કાંઈ અર્થ ન હતો. તેણે કાંઈક કડક અવાજે કહ્યું : ‘સુલતાન તમારા ભીમદેવના માથા ઉપર એક કરોડ દિનારનું ઈનામ જાહેર કરશે ને ત્રીજે દિવસે આંહીં તંબુમાં ભીમદેવનું માથું આવી જશે, એ તમને ખબર છે ?’

જયપાલે બે હાથ જોડ્યા : ‘નામદાર ! સુલતાનની બેસુમાર દોલતની વાતો તો અમને ઘણી મળી છે. ને માન-અકરામ આપીને એણે કામ કરાવ્યાં હશે, પણ આંહીંની આ જમીનનો હું થોડોઘણો જાણકાર છું. આંહીંની જમીનનો પાક આંહીંનાં ઈંટોરી મકાન જેવો છે. એને તોડવા મથો એટલે એનો ભુક્કો જ હાથ લાગે. પથ્થરી દીવાલોના જેવું એમાં ગાબડું ન પડે. એક આખો પથ્થર હાથ ન આવે ! બાકી એટલું ખરું, થોડી વાત માટે થઈને ગુજરાતનો રાજા ઘણું ગુમાવી દે છે. પણ એ હઠીલો છે, એ નહિ માને.’

‘પણ ભીમદેવને હવે રાજની જરૂર નહિ રહે. સુલતાન આંહીં રહી જાય તેમ છે. એને આંહીં ગમી ગયું છે !’

‘રાજા ભીમદેવને શિખામણ આપનાર કોઈ નથી. ને અત્યારે તો એ બધા હવાઈ ખ્યાલો બાંધવામાં પડ્યા છે !’

‘ગઢબીટલી પાસે ભેગા થવાના છે તે ?’

‘હા. એ ભેગા થવાના છે એમ નહિ, ભેગા થયા પણ છે.’

તિલક વિચાર કરી રહ્યો. સેવંતરાય ને વઝીર ઇચ્છી રહ્યા હતા કે સિપાહ સાલાર મસુદ આંહીં થોભી જાય, તો મહમ્મદ ત્યાં ગજનીમાં સ્થિર થાય. તે વિના તો રૂસ્તમ જેવો પહેલવાન સિપાહ સાલાર મસુદ, ભાઈને ભાગ આપે એ વાતમાં માલ ન હતો. મહમ્મદને વિદ્યાનો શોખ હતો. કવિતા કરવી ગમતી. મસુદની ગદા ખુદ સૂલતાન મહમૂદ પોતે પણ ઉપાડી ન શકતો. વઝીરને મોટામાં મોટી ચિંતા હતી કે મસુદ આવશે તો પોતે દોરડે લટકશે ! એણે ભરસભામાં એક વખત એણે કહ્યું પણ હતું.

પણ તિલકને જયપાલનો હજી વિશ્વાસ પડ્યો ન હતો, એટલે એ વાત કરતાં ખંચાતો હતો. જયપાલ એ કળી ગયો. બહુ ઉત્સાહ બતાવવા જતાં શંકા પડે. તેણે તો બે હાથ જોડીને કહ્યું : ‘તમે જાતભાઈ છો એમ ધારીને હું તો આવ્યો છું. મને મારા લાયક કામ આપો. મારે તો શેર લોટનું કામ છે !’

‘તમે હમણાં આંહીં રહો. ક્યાં, ધર્મશાળામાં છો ?’

‘હા ખુદાવંદ !’

‘તો એમ કરો, આંહીં આવતા રહો. કોઈ કામ અચાનક નીકળી આવે.’

તિલકને એક વાત અચાનક સાંભરી. આ માણસને જ લાલચ આપી હોય તો ?

‘તમે એવા કોઈ રાજવંશીને જાણો છો, જેનો ગાદી ઉપર હક્ક હોય ?’

જયપાલનું મન ખુશખુશાલ થઈ ગયું. તે સમજી ગયો. તિલક જલદી જવા માગતો હતો. પણ તેણે મોટેથી કહ્યું : ‘હું તો નામવર ! વધુ સોરઠનો માહિતગાર છું. ત્યાં રા’ના દરબારમાં કામ હોય તો હું દોડ્યો જાઉં. આ તરફ મારી પિછાન ઓછી છે. પણ નામદારે કહ્યું છે તો હું તપાસ કરીશ. હોય તોપણ આંહીંના રીતરિવાજ પ્રમાણે એક વખતના એ રાજાઓ, સાધુબાવાના અખાડામાં પડ્યા હોય !’

‘એટલે સુધી ?’

‘નામદાર ! આંહીં તો છેવટનું શરણું બધું તજવું એ છે સંન્યાસ, ફકીરી. એવા સંન્યાસી મરણ પામ્યા ગણાય.’

તિલકે એને વિદાય આપતાં કહ્યું : ‘પછી મળજો. શું તમારું નામ ?’

‘જયપાલ !’

‘ત્યારે તો એક બહુ જ હઠીલો રણજોદ્ધો અમે સોમનાથમાં જોયો, સોમનાથનો કિલ્લેદાર... શું એનું નામ ?’

‘કુમારપાલ !’

‘હાં કુમારપાલ ! બહુ ઘા ઝીલીને પણ જેણે સ્થાન ન છોડ્યું તે ન છોડ્યું... એ તમારે કાંઈ થાય ?’

‘એ મારો સગો થાય !’

‘સગો ?’ તિલક વિચારમાં પડી ગયો લાગ્યો.

‘હા, સગો તો થાય છે.’ જયપાલે વધારે સ્પષ્ટતા બતાવી. પછી ઉમેર્યું, : ‘પણ એનું કામ જૂદું છે. મારું કામ જુદું છે ! મને લડાઈ તજી દેવા માટે તો એ પણ બચાવી ન શકે. સૌની સાથે થોડાં વધુ કડવાં સંભળાવે !’

તિલક તેની સામે જોઈ રહ્યો. પછી તેણે એને જવા દેવા માટે ગુલામને હાથની નિશાની આપી.