Ek hati office in Gujarati Short Stories by Yashvant Thakkar books and stories PDF | એક હતી ઑફિસ

Featured Books
Categories
Share

એક હતી ઑફિસ

એક હતી ઑફિસ

યશવંત ઠક્કર

એક હતી ઑફિસ. એમાં અનેક કારકુનો અને એક સાહેબ. સાહેબ એટલે ભગવાનના માણસ જોઈલો. કોઈ દિવસ ખીજે પણ નહીં અને કોઈ દિવસ રીઝે પણ નહીં. ઑફિસ એટલે જિલ્લાપંચાયતની ધરમશાળા જ અસલ. બીડી પીવાય. તમાકુ ખવાય. ભજન ગવાય. વારતા પણ કહેવાય. તો વાતો કરવાની કોણ ના પાડે? અને વાતો પણ કેવી? ઘરના માણસ જોડે થઈ શકે એવી નિખાલસ. એવી સીધી. એવી ચોખ્ખી. દંભનો છાંટોય ન મળે.

‘વ્યાસ, યાર, થોડા પૈસા હોય તો આપજેને. હમણાં ભયંકર મંદી ચાલે છે.’

‘બધાને એવું જ છે 'લ્યા. જોને બજારમાં પણ ક્યાં ઘરાકી છે? બધા વેપારીઓ ગલ્લા પર બેઠાં બેઠાં ડોંગરે મહારાજની અમૃતવાણી વાંચે છે.’

‘તું નહીં માને. મારી પાસે ફિલમ જોવાના પૈસા નથી. હું કોઈ દિવસ બચ્ચનની ફિલ્મ છોડું? શું થાય બીજું? વીર ટૉકિઝવાળો ઓછો મારો સસરો થાય છે?’

‘આખા દેશમાં ભયંકર મંદીનું મોજું ફરી વળ્યું છે.’

‘મોજાં વાંકે મારા નવા બૂટ એમ જ પડી રહ્યા છે.’

‘મેં તો દાઢી કરાવવાનું બંધ કરી દીધું છે.’

‘મેં તો બ્રિસ્ટોલ છોડી તીસ નંબર ચાલુ કરી છે.’

‘મેં તો ઘરવાળીને છોકરાં સહિત એના પિયરમાં મોકલી દીધી છે.’

‘હું તો સાઇડબિઝનેસ કરવાનું વિચારી રહ્યો છું.’

‘કાપડનો કરજે. મારી સલાહ છે.’

‘પણ યાર વ્યાસ, પૈસા આપીશ કે નહીં?’

‘પૈસા? પૈસા ક્યાં છે યાર? પૈસા હોય તો તો માંદગીની રજા મૂકીને ફરવા ન ગયો હોઉં?’

આવી ઑફિસ! સાધુમહારાજની જટા જેવી. હિપ્પીની કોરી આંખો જેવી. ઉનાળાના તડકા જેવી. ઑફિસમાં બધા પોતપોતાની શક્તિ પ્રમાણે કામ કર્યા કરે. આ ઑફિસને કોઈ પૂછે એને માસ્ટર ભગવાન પૂછે. આ ઑફિસ પર કોઈ કુદૃષ્ટિ કરે તો એને રાત્રે સ્વપ્નામાં પ્રીતિ ગાંગુલી આવે. વા ફરી ગયા, વાદળ ફરી ગયાં, બેત્રણ સરકારો ફરી ગઈ. આ ઑફિસના માણસો એવા ને એવા જ રહ્યા. અડીખમ પાળિયા જેવા. એના સાહેબ પણ અડીખમ ઇજિપ્તના પિરામિડ જેવા. આ ઑફિસમાં યુનિયન હતું. પણ તેણે માત્ર એક પ્રવૃત્તિ કરવાની હતી. દર મહિને બબ્બે રૂપિયા ઉઘરાવી લેવાના. આ ઑફિસમાં એક લાયબ્રેરી હતી પણ તેમાં માત્ર ‘બાલસંદેશ’ અને ‘રમકડું’ આવતાં. લાયબ્રેરીમાં માણસો કરતાં કૂતરાંની હાજરી વધારે રહેતી.

... અને એક દિવસ આ ઑફિસમાં ન બનવાનું બની ગયું. વાત એકેએક ટેબલ પર ફરી વળી.

‘સાંભળ્યું છે કે આપણી ઑફિસમાં એક છોકરી પધારે છે?’

‘ના બને. અસંભવ. મિસઅન્ડરsTAસ્ટૅન્ડિંગ. મિસ્ટેક ઇન હિઅરિંગ.’

‘સો ટકા સાચી વાત છે. આવતા સોમવારે રીઝ્યૂમ કરે છે.’

‘કોણ છે? ક્યાંની છે? કેવી છે?’

‘જે હોય તે. આપણે શું?’

‘જે હોય તે એમ નહીં. આપણી ઑફિસમાં છોકરી આવતી હોય એવો આ પ્રથમ બનાવ છે.’

‘ખલાસ. હવે નોકરી કરવાની મજા નહીં આવે. છૂટથી બોલાશે નહીં. બગાસાં ખવાશે નહીં.’

‘અરે! હવે જ લાગશે કે આ ઑફિસ છે. આ જિંદગી છે. જિંદગી જે આજસુધી એક ચિંતનપ્રધાન નિબંધ જેવી લાગતી હતી તે હવે એક ઊર્મિગીત જેવી લાગશે.’

‘વાહ! કવિરાજ, તમને તો કવિતા લખવા માટે પ્રેરણા મળશે પણ અમારી બે નંબરી જોક્સનું શું થશે?’

‘બે નંબરી જોક્સને દાટી દો. દફનાવી દો. સુધરી જાવ. છોકરી આવે છે.’

[૨]

અને સોમવારના શુભ દિવસે અગિયાર વાગ્યે કુમારી મીના મુનીમને આવકારો આપતાં આપતાં ઑફિસનાં કેટલાંય પ્રાણીઓનાં મોઢાંમાંથી લાળ પડી ગઈ. વિવેક, સહકાર અને શિસ્તનો મોટો ઢગલો થઈ ગયો. મદદરૂપ થવાની ઇચ્છાઓનો મોટો થપ્પો લાગી ગયો. આ બધાંથી ગૂંગળાયેલી મીનાએ ‘પાણી’નું નામ લીધું ત્યાં ‘ડબલ સેવન’ હાજર થઈ ગયું.

દિવસો જવા લાગ્યા. ઑફિસમાં કર્મચારીઓ હવે સુધારાના પંથે ગતિ કરવા લાગ્યા.

એ સુધારાયુગ પછી એ કર્મચારીઓની પત્નીઓ ભેગી થતી તો આવી વાતો કરતી...

‘અલી, તારા ભાઈ પહેલાં અઠવાડિયે કપડાં ધોવા કાઢતા, હવે એ રોજ કાઢે છે.’

‘અરે, ચાર ચાર દહાડે દાઢી કરનારા તારા ભાઈ તો હવે રોજ દાઢી કરવા લાગ્યા છે. ખબર નહીં એમને શું થયું છે?’

‘પણ અમારા એ તો હમણાં હમણાં રોજ કોકના ને કોકના નવી નવી ડિઝાઇનના બુશકોટ માંગી માંગીને પહેરે છે.’

‘કોણ જાણે મારો ઘરવાળોય હમણાં હમણાં સાવ બદલાઈ ગયો છે. મને કહે છે કે તું મેકસી પહેરતી હો તો? હવે આ જાતી જિંદગીએ સારું લાગે?’

તો ઑફિસના કુંવારાઓની તો વાત જ જવા દો. સી.એલ. નો રિપોર્ટ બીજા પાસે લખાવનારાઓ હાથમાં ઇંગ્લિશ ચોપડીઓ રાખવા માંડ્યા. ઑફિસમાં વક્તૃત્વ, વિચારો અને આદર્શોનાં ફીણ ઊડવા લાગ્યાં. અને આ બધું જોઈને મીના મુનીમ આછું આછું મલકતી તો સમગ્ર ઑફિસ ધન્ય ધન્ય થઈ જતી.

સૌથી મોટી અસર થઈ નગરની બજારમાં. તેજી આવી ગઈ. રૂમાલ, નહાવાના સાબુ, અત્તર, અવનવી બૉલપેન, બૂટ, મોજાં, ગુલાબનાં ફૂલ વગેરેની માંગમાં ઉછાળો આવ્યો. તેલ અને અત્તરના વેપારીઓએ તો માલ બહારથી મંગાવવો પડ્યો.

હવે ઑફિસમાંથી કંગાળ અને નિરસ વાતોએ વિદાય લીધી. લાખો અને કરોડોની વાતો થવા લાગી. ઍલિસ્ટર મૅક્લીન, જિમિ કાર્ટર, અમિતાભ બચ્ચન, જિન્નત અમાન, અટલબિહારી બાજપાઈ, ગાલિબ, કપિલદેવ, આચાર્ય રજનીશ વગેરેની વાતો થવા લાગી. કોણ વધારે સ્માર્ટ છે એ પૂરવાર કરવાની જબરદસ્ત હરીફાઈ જામી.

‘મીનાજી, ચા પીશો?’

‘ મીના બહેન, તમારો આજનો દેખાવ રોજ કરતાં અલગ છે. જમાવટ છે.’

‘મીનાબહેન, હમણાં કયું પિક્ચર જોયું?’

‘કેમ આજે ઉદાસ છો? તબિયત તો બરાબર છે ને?’

મીના સાથે વાત કરવી એ એક પ્રકારનું ગૌરવ ગણાવા લાગ્યું. પરિણામે એક સવાલ પ્રગટ થયો. એ સવાલ દિવસે ને દિવસે મોટો અને મજબૂત થવા લાગ્યો. એ સવાલે એક દિવસ મહાન રાક્ષસી કદ ધારણ કરી લીધું.

એ સવાલ હતો કે: ‘મીનાના દિલમાં કોનું સ્થાન છે?’

આ સવાલ પર યુનિયનના બે હોદ્દેદારો વચ્ચે ઝગડો થયો અને પરિણામે યુનિયન ભાંગી પડ્યું. ઑફિસમાં બે જૂથ પડી ગયાં. વિશ્વાસ,એકતા અને ભાઈચારાને બિનજરૂરી પત્રકોની માફક ફાડીને ફેંકી દેવામાં આવ્યાં.

આમ, ઑફિસના વાતાવરણમાં જબરો પલટો આવી ગયો.

આવા વાતાવરણમાં એક દિવસ મીના મુનીમ ઑફિસમાં આવી જ નહીં.

એ દિવસ જાણે કે, ઑફિસમાં કામ કરનારા બધાની જિંદગીનો લાંબામાં લાંબો દિવસ હતો.

બીજા દિવસે પણ સુખનો સૂરજ ન ઉગ્યો. તમામે તમાનું રોમ રોમ પીડાવા લાગ્યું. બધાને દિવસમાં કેટલીય વખત મીનાના અવાજના ભણકારા સંભળાતા ને તેઓ મીનાની ખુરશી તરફ નજર નાખતા તો એમને જોવા મળતી ખાલી ખાલી ખુરશી. આત્મા વગરના શરીર જેવી!

બધાએ આવા બે કપરા દિવસ તો માંડ માંડ પસાર કર્યા.

ત્રીજે દિવસે તો બધા ભેગા થઈને સાહેબની ચેમ્બરમાં પહોંચી ગયા.

‘સાહેબ, મીના મુનીમ?’

‘હવે એ નહીં આવે?’

‘કેમ એવું?’ આઘાતથી ભર્યા ભર્યા સામટા સવાલો!

‘એણે રાજીનામું આપ્યું છે.’

‘શી વાત કરો છો!’ કોઈ કોઈ જ બોલી શક્યું. એ પણ ફાટ્યા અવાજે.

‘બોલો, મીનાએ ક્યા કારણસર રાજીનામું આપ્યું હશે?’ સાહેબ ડોકું ડોકું હલાવતાં હલાવતાં સવાલ કર્યો.

‘એનાં લગ્ન થવાનાં હશે. અથવા તો એને બીજે સારી નોકરી મળી ગઈ હશે. અથવા તો એને આ ઑફિસનું વાતાવરણ ગમ્યું નહીં હોય.’

‘નહીં. એ નોકરી કરવા આવી જ નહોતી.’

‘તો શું કરવા આવી હતી?’

‘પીએચડી.’

‘શું કહો છો?’

‘સાચુ કહું છું. નોકરી તો માત્ર એનું બહાનું હતું. એ સંશોધન કરવા આવી હતી. સંશોધન કરીને નિબંધ તૈયાર કરતી હતી. ’

‘પણ સાહેબ, એનો સબ્જેક્ટ કયો હતો? તમે અમને કહ્યું હોત તો અમે એને મદદ કરત.’

‘મને પણ એ વાતની પછીથી ખબર પડી. પણ તમે લોકો અફસોસ ન કરતા. કારણ કે તમે લોકોએ એને મદદ કરી જ છે.’

‘અમે? કઈ રીતે?’

‘તમે જ નહીં, મેં પણ ક્યારેક ક્યારેક એને મદદ કરી હશે. એનો સબ્જેક્ટ જ એવો હતો.’

‘ કહો તો ખરા કે સબ્જેક્ટ કયો હતો?’

‘સબજેક્ટ હતો...’

બધાના જીવ અધ્ધર થઈ ગયા.

‘...ઑફિસમાં મહિલા કર્મચારીની હાજરીથી પુરુષ કર્મચારીઓ પર થતી અસર’

‘હેં....?’ કેટલાંયની તો રાડ ફાટી ગઈ.

પછી ઑફિસમાં વ્યાપી ગયું નર્યું મૌન!

‘માય ગૉડ, આપણને બધાને પ્રયોગનાં સાધન બનાવીને ગઈ!’ કળ વળ્યા પછી કોઈ બોલ્યું.

ખગ્રાસ સૂર્યગ્રહણ પછી ધરતી પર વ્યાપે એવી અસર તે દિવસે ઑફિસમાં વ્યાપી ગઈ.

તે, આજની ઘડી સુધી હજીય ઑફિસમાં ઘણાયને માથાનો દુખાવો રહ્યા કરે છે!

[સમાપ્ત]