Saundaryne sachavvani salaah in Gujarati Women Focused by Mital Thakkar books and stories PDF | સૌંદર્યને સાચવવાની સલાહ

Featured Books
Categories
Share

સૌંદર્યને સાચવવાની સલાહ

સૌંદર્યને સાચવવાની સલાહ

મિતલ ઠક્કર

* રબરબેન્ડ વાળને ખેંચે છે અને વાળ તૂટવા માટે કારણભૂત બને છે. સાદા રબરબેન્ડની જગ્યાએ વિવિધ રંગ અને સુશોભન સાથે મળતાં કોટેડ રબરબેન્ડ વાપરો. નાની બાળાઓના વાળમાં એ શોભી ઊઠશે.

* નિસ્તેજ ત્વચાને કાંતિવાન બનાવવા ચણાના લોટમાં ચપટી હળદર નાખી તેમાં લીંબુનો રસ અને કાચું દૂધ ઉમેરી પેસ્ટ બનાવો. આ પેસ્ટને ત્વચા પર લગાવી હળવા હાથે બે મિનિટ મસાજ કરી 15 મિનિટ પછી પેકને ધોઈ નાખો. આ ઉપરાંત મધ અને દૂધનો ઉપયોગ પણ તમે કરી શકો. મધ અને કાચા દૂધને સરખા પ્રમાણમાં લઈ ચહેરા પર લગાવો. પંદર મિનિટ પછી ચહેરો ધોઈ નાખો ત્વચા નિખરી ઊઠશે.

* બદામના તેલ અથવા તલના તેલ અથવા ક્રીમથી નખ અને હાથ પર માલિશ કરી હુંફાળા ગરમ પાણીમાં હાથને રાખવાથી હાથ તથા નખની સુંદરતા વધશે.

* જો વાળ વધુ ઘટાદાર હોય અને વારંવાર ગૂંચવાય જાય છે અથવા ગૂંચવાયને તૂટે છે તો નારિયેળ તેલ લગાવવું. વાળ નહી તૂટે.

* ત્વચાના ટોન સાથે શોભે તેવો હેર-કલર પસંદ કરો. તેનાથી તમારું રૂપ સહજ, સ્વાભાવિક લાગશે. કલરની ખોટી પસંદગી તમારા રૂપને વિચિત્ર બનાવી દેશે. બોલ્ડ કલર અપનાવો તો પણ તે તમારા દેખાવમાં સાહજિક લાગે તેનું ધ્યાન રાખો.

* ચહેરા પરની તૈલીયતાને નિયંત્રિત કરવા બરફના ઠંડા પાણીમાં લીંબુનો રસ ઉમેરી એ પાણી વડે ચહેરો ધોવો. એનાથી ત્વચા સાફ અને તાજગીભરી લાગશે. તત્કાળ રાહત મેળવવા માટે આ મિશ્રણને ફ્રીજમાં મૂકી રાખવું, પરંતુ દરરોજ આ મિશ્રણ તાજું જ બનાવવું. માર્કેટમાં પણ ચહેરાની તૈલીયતાને નિયંત્રિત કરતાં જેલ પણ પ્રાપ્ય છે. ક્યારેક તેનો પણ ઉપયોગ કરી શકો છો.

* નખની ઓલિવ-ઓઈલ અથવા ફટકડીવાળા પાણીથી માલિશ કરો. જેથી તે મજબૂત બને. બરડ નખને સુધારવા સરસિયાનું માલિશ કરો.

* વાળને નિયમિત રીતે કંડિશનિંગ કરવાથી મૂળ વાળ પર એક રક્ષણાત્મક પડ થઈ જાય છે અને એ રીતે વાળને નુકસાન થતું અટકાવવામાં મદદરૂપ થાય છે. કંડિશનિંગના લીધે વાળ ઉપર કોટ્સ થવાથી એનું રક્ષણ થાય છે. તેને કારણે વાળ મોઈશ્ચરાઈઝ પણ થાય છે. બીજું, સૂર્યના નુકસાનકર્તા કિરણો વાળને નુકસાન પહોંચાડે છે, પરંતુ કંડિશનિંગને લીધે આ નુકસાન પણ થતું અટકે છે. આથી અઠવાડિયે એક વાર કંડિશનિંગ કરવું સારું છે,

* સ્ટિકર ચાંદલામાં કેટલીક વાર તેનો ગુંદર ખરાબ આવવાથી અથવા તો સતત એક જ જગ્યાએ ચાંદલો લગાવેલો રહેવાથી ત્યાં ડાઘ પડી જાય છે. તેથી આ સમસ્યાથી બચવા બને ત્યાં સુધી લિક્વિડ કંકુનો અથવા તો કોરા કંકુનો ચાંદલો લગાવો.

* આંખ નીચેનાં કાળાં કૂંડાળાંમાંથી છુટકારો મેળવવા બટાટા અથવા દૂધીના રસમાં કોટન પલાળી આંખ ઉપર મૂકી શકો. બદામના તેલ વડે હળવે હાથે માલિશ કરવાથી પણ ફાયદો થાય છે. આ ઉપરાંત મેદામાં કાચું દૂધ અને થોડું પાણી ભેળવી પેસ્ટ બનાવી આંખની આસપાસ મૂકો. સુકાઈ જાય એટલે ધોઈ લો.

* વ્હાઇટહેડ્સને દબાવીને કાઢવાનો પ્રયત્ન ન કરો. તેનાથી ત્વચા પર ડાઘ પડી જશે. સામાન્ય રીતે ઓઇલી સ્કિન પર વ્હાઇટહેડ્સ વધારે થાય છે, તેથી ચહેરો ઓઇલી ન થઈ જાય તે માટે અઠવાડિયામાં એક વખત ચહેરા પર મુલતાની માટી લગાવો. ઓઇલી સ્કિનને બેલેન્સ કરતી ક્રીમ, ફેસવોશ વગેરે જેવી પ્રોડક્ટનો ઉપયોગ કરો. બહારથી આવો એટલે તરત ત્વચાને ફેસવોશથી ધોઈ લો.

* લિપસ્ટિકનો વધારે પડતો ઉપયોગ કરવાથી હોઠનો કુદરતી ભેજ ઘટવા લાગે છે અને તે ડ્રાય થવા લાગે છે. લિપસ્ટિકની ગરજ સારતા કલરફૂલ લિપબામ બજારમાં મળે છે. જેનો ઉપયોગ તમે કરી શકો. લિપબામમાં પણ અનેક કંપનીઓ ઉપલબ્ધ છે. એનાથી હોઠ કાળા પડતા નથી અને હોઠનો કુદરતી ભેજ જળવાઇ રહે છે.

* રોજબરોજના ઉપયોગમાં હોઠોની ઉપર ડાર્ક રંગની લિપસ્ટિક લગાવવી પસંદ હોતી નથી. ત્યારે રોજબરોજના વપરાશમાં લિપગ્લૉસનો ઉપયોગ કરો. જે હોઠને કાળા પડવા દેશે નહીં. બજારમાં કેટલીક બ્રાંડ એવી મળે છે જેનો ઉપયોગ કરવાથી હોઠ પળભરમાં આકર્ષક દેખાય છે. પાતળા હોઠ ઉપર લિપગ્લૉસ વધુ આકર્ષક લાગે છે. હોઠ ચમકીલા લાગે તે માટે ગ્લૉસનો ઉપયોગ કરતા હો તો પારદર્શક લિપ ગ્લૉસનો ઉપયોગ કરો.

* વાળના વિકાસ માટે ઓઈલને સહેજ હૂંફાળું કરીને હળવા હાથે સરક્યુલર મૂવમેન્ટમાં વાળ તથા સ્કાલ્પમાં પંદર મિનિટ સુધી માલિશ કરો. ટુવાલને ગરમ પાણીમાં ડીપ કરી માથે વીંટાળી દો. એક કલાક રાખ્યા બાદ વાળમાં શેમ્પૂ કરો. અઠવાડિયામાં એક વખત આ પ્રયોગ કરવાથી વાળનો સારો વિકાસ થાય છે.

* જો તમે તમારા વાળમાં જેલ, સ્પ્રે, મૂઝ વગેરે જેવા સ્ટાઈલિંગ-પ્રોડક્ટ્સ ઘણી વખત વાપરતા હોવ તો ક્યારેક શેમ્પૂનો ઉપયોગ કરો. જેથી વાળમાં રહી ગયેલા પ્રોડક્ટ્સના અવશેષ દૂર થઈ જાય.

* જો ગ્રે વાળને ઢાંકવા માટે વાળમાં કલર કરવો હોય તો એ માટે કલરમાં થોડો ગોલ્ડ મિક્સ કરવાની ટ્રાય કરો. આનાથી ગોલ્ડન બ્રાઉન ઇફેક્ટ મળશે. જો ગ્રે વાળ પર ટોટલી બ્લૅક શેડ લગાવશો તો એ ખરાબ લુક આપશે. એના કરતાં ગોલ્ડન બ્રાઉન ઇફેક્ટ નૅચરલ લાગશે.

* કેટલાંક લોકો શેમ્પૂની પસંદગી ફીણના આધાર કરે છે, પરંતુ આ રીત ખોટી છે. હંમેશાં ધ્યાનમાં રાખો કે શેમ્પૂમાં થતા ફીણના આધારે શેમ્પૂની ગુણવત્તા નક્કી નથી થતી. ખરેખર તો ઓછું ફીણવાળું શેમ્પૂ સારું હોય છે, કારણ તેમના નાના કણ વધુ તેલ અને મેલને કાઢે છે.

* એક ચમચી બાફીને છુંદેલા જવ એક લીંબુનો રસ ભેળવીને ચહેરા પર લગાડવું. ૨૦ મિનીટ રહી ધોઇ નાખવું. સંવેદનશીલ ત્વચા હોય તો લીંબુના રસમા થોડું પાણી નાખવું. લીંબુ ત્વચા પર બ્લિચનું કામ કરે છે.

* નોર્મલ સ્કિન પર ગ્લોસી, મેટ મેકઅપ એમ દરેક પ્રકારનો મેકઅપ સૂટ થાય છે, તેથી તમે પ્રસંગ અનુસાર મેકઅપ કરી શકો છો. રાતનું ફંક્શન હોય તો ગ્લોસી મેકઅપ કરવો અને દિવસે મેટ મેકઅપ કરવો.

* ચહેરા પરના ડાઘ-ધબ્બા છુપાવવા માટે કન્સીલરનો ઉપયોગ કરવો જોઇએ. સ્કિન ટોન સાથે મેચ કરતા કન્સીલરને જ્યાં ડાઘ-ધબ્બા હોય તેની ઉપર લગાવો. એ પછી ફાઉન્ડેશનનો ઉપયોગ કરવો જોઇએ. ખીલના ડાઘ પર બરફ પણ ઘસી શકો. તેનાથી ફાયદો થશે.

* કોઇપણ વોટરબેઝ્ડ લોશન રૂના પૂમડા પર લઇને ત્વચા પર થપથપાવીને લગાવવું. મોટાભાગના લોકોને સાચી રીતે પ્રોડક્ટનો ઉપયોગ કરવાની પધ્ધતિની ખબર જ હોતી નથી. તેઓ મોટાભાગની પ્રોડક્ટ હાથમાં લઇને અને પછી ખોટી રીતે કોટનના પૂમડા પર લઇને બગાડે છે. સાચી રીત એ છે કે કોટનના પૂમડાને પાણીમાં બોળીને નિચોવી લો. પછી એને ચહેરા પર લગાવો. ત્યાર બાદ એના પર ત્રણથી ચાર ટીપાં ટોનરના મૂકો, જેથી ત્વચાને ટોનરનો ફાયદો થાય.

* પર્સમાં રખાતાં ક્લેન્ઝિંગ વાઇપ્સથી ઉતાવળમાં ચહેરો સાફ કરી લેવાનો ટ્રેન્ડ વધ્યો છે, પરંતુ એનાંથી સ્કિન પર બૅક્ટેરિયાનું પ્રમાણ વધે છે, જેનાથી સ્કિન પર ચીરા પડી શકે છે.

* જો ૨૪ કલાક અને વર્ષના ૩૬૫ દિવસ નેઇલ-પૉલિશ લગાવી રાખવામાં આવે તો એનાથી નખ પીળા પડી જાય છે. આનો એક ઇલાજ પણ છે. નેઇલ-પૉલિશ લગાવતાં પહેલાં બેઝ કોટ લગાવવાથી નખ નેઇલ-પૉલિશના રંગો અને કેમિકલથી પણ સુરક્ષિત રહેશે.

* હોઠને કુદરતી ઉભાર આપવા માટે કોઇ સર્જરી કરાવવાની જરૂર નથી. બંને હોઠ એકબીજા સાથે થોડી વાર ઘસવાથી પણ જોઇતું પરિણામ મળી શકે છે. હોઠને પરસ્પર ઘસવાથી હોઠની અંદર રહેલી લોહીની કોશિકાઓ સક્રિય થઇ જાય છે. જેના લીધે હોઠ પર કુદરતી ઉભાર આવે છે.

* હળદર, લીંબુનો રસ, ચણાનો લોટ અને દહીં મિક્સ કરીને એ પેસ્ટ અન્ડર-આર્મ્સની કાળી ત્વચા પર લગાવી શકાય. પેસ્ટ લગાવીને બેસી રહેવાનું અનુકૂળ ના હોય તો નાહવા જતી વખતે સાથે લઇ જવું અને બરાબર ઘસીને લગાવવું.