Daud - 12 in Gujarati Fiction Stories by Harish Thanki books and stories PDF | દૌડ - 12

Featured Books
Categories
Share

દૌડ - 12

નવલકથા- દૌડ

પ્રકરણ-૧૨

બરાબર સાત વાગે લેન્ડલાઈન ફોન પર રીંગ વાગી. શેખરે સ્પિકર ઓન કરી ઝડપથી રિસિવર ઊપાડ્યું. જેથી શેફાલી પણ વાત સાંભળી શકે.

સામેથી અપહરણકર્તાએ મોન્ટુને છોડવા જે માંગણી મૂકી તે સાંભળી બન્ને જણા સ્તબ્ધ થઇ ગયા !

‘દેખો બ્રિન્દા સા’બ, આપકા લાડલા બેટા હમારી હિફાઝતમે હૈ ઔર અગર જૈસા હમ કહે વૈસા આપ કરોગે, તો વો ભલા ચંગા આપકે ઘર પહુંચ ભી જાયેગા. સમજે ? અબ મેરી બાત સૂનો, અબસે ઠીક એક ઘંટે બાદ આપકી હીરોઈન બીવી ઘર સે અકેલી નિકલેગી..ઉનકે સાથ કિસીકો આનેકી ઝરુરત નહિ હૈ. વો પૈદલ ચલકર સર્કલ તક જાયેગી. વહાં ઝીબ્રા ક્રોસિંગ કે પાસ ખડી રહેગી. એક મિનિટ કે બાદ એક મારુતી ગાડી ઉસકે પાસ આ કે ખડી રહેગી. વો ચૂપચાપ ઉસમેં બૈઠ જાએગી. ડ્રાઈવર ઉનકો હમ તક પહુંચા દેગા. આજ કી રાત વો હમારે સાથ ગુઝારેગી. ઔર સુબહ હમ આપકે બચ્ચે કો ઉનકે સાથ ભેજ દેંગે. સમજ ગયે ?’ અને પછી સૂસવાટા જેવો ધમકીભર્યો અવાજ સંભળાયો..’ અગર કોઈ ચાલાકી કરનેકી કોશીશ કી, યા પુલીસ કો ઈતલા દેને ગયે તો આપકે બેટે કે સાથ હમ ક્યા કરેંગે વો તો આપ સોચ ભી નહિ શકેંગે. યાદ રહે....આપકી બીવી અકેલી હી આયેગી.’

‘દેખો, યે ઠીક નહિ હૈ..તુમ જીતના પૈસા ચાહો માંગ લો..મગર યે બાત છોડ દો’ શેખરે કાકલૂદીભર્યા સ્વરે કહ્યું.

‘પૈસે તો હમારે પાસ બહોત હૈ..હમારા દિલ તો આપકી બીવી કી કમસીન જવાની પે આ ગયા હૈ સમજે?..ઉસકી ખૂબસુરતી અગર આજ આપકે બેટે કો બચાને કે કામ નહિ આયેંગી તો ફિર કબ કામ આયેંગી.! ઠીક આઠ બજે ગાડી ઉનકો લેને આ જાયેગી..ભૂલના મત.’ કહી સામેથી ફોન કપાઈ ગયો.

ફોન કપાયા પછી લગભગ પાંચ મિનિટ સુધી બંનેમાંથી કોઈ કશું બોલી જ ન શક્યું. આખરે શેફાલીએ મૌન તોડ્યું.

‘આ તો કોઈ વાસનાખોર માણસ લાગે છે. એકદમ સેક્સ મેનિયાક.મને લાગે છે કે આપણે જેમ બને તેમ જલ્દી પોલીસને જાણ કરી દેવી જોઈએ. મુંબઈની પોલીસ ખૂબ ચાલાક છે. તેની મદદ લઇએ. તું શું કહે છે?’

‘ના ના, આ ઉતાવળીઓ નિર્ણય છે. થોડું વિચારવું પડશે.’

‘આપણી પાસે સમય જ ક્યાં છે વિચારવા માટે..! ફક્ત એક કલાકમાં તો મારે એણે બતાવેલી જગ્યાએ પહોંચી જવાનું છે, તું જલ્દી પોલીસ સ્ટેશને ફોન લગાડ. વળી પોલીસને સ્ટ્રેટેજી ગોઠવવા માટે પણ ટાઈમ જોઈશે.’ કહી શેફાલીએ ફોનનું રિસિવર ઊઠાવ્યું.

શેખરે શેફાલીના હાથમાંથી રિસિવર ખેંચી લઇ ફરીથી ઠેકાણે મૂકી દીધું ‘નહિ..જો એ લોકોને ખબર પડશે કે પોલીસ આ મામલામાં સામેલ થઇ રહી છે તો એ લોકો મોન્ટુ પર વાર કરતા નહિ અચકાય. આમાં મોન્ટુની જિંદગી દાવ પર લાગેલી છે શેફાલી..આઈ ડોન્ટ વોન્ટ ટુ ટેઈક એની રિસ્ક..આઈ વોન્ટ માય મોન્ટુ સેઈફ એટ એની કોસ્ટ, અન્ડરસ્ટેન્ડ?’

‘તો તો શું કરીશું? આપણી પાસે બીજો કોઈ રસ્તો જ નથી ને?’ શેફાલી શેખર સામે તાકી રહી.

‘છે..રસ્તો છે...એ રસ્તો છે એમની માંગણી સ્વીકારી લેવાનો’

‘વ્હોટ..? તું ભાનમાં તો છો કે નહિ.? આવા નીચ કક્ષાના લોકોની આવી હલકટ માંગણી કેવી રીતે સ્વીકારી શકાય?’બોલતાં બોલતાં શેફાલીનો અવાજ ઊંચો થઇ ગયો. તે માની જ નહોતી શકતી કે શેખર..તેનો પતિ આમ પણ વિચારી શકે !

એકાએક શેખર શેફાલી પાસે આવી તેના બન્ને હાથ પોતાના હાથમાં લઇ બોલ્યો..’શેફાલી પ્લીઝ, તું મારે ખાતર પણ એમની વાત સ્વીકારી લે. મોન્ટુ મને જીવથી પણ વહાલો છે. રીવાની એક માત્ર નિશાની છે એ..! તેને કાંઈ થઇ જશે તો હું જિંદગીભર મારી જાતને કદી માફ નહિ કરી શકું. પ્લીઝ..! મને સમજવાની કોશીશ કર.’

શું કહેવું તે શેફાલીને સમજાતું નહોતું. આખરે પંદર મિનિટની શેખરની એકધારી વિનવણી, કાકલૂદી અને યાચનાને અંતે શેફાલી આંખમાં આંસુ સાથે ત્યાં જવા માટે તૈયાર થઇ.

.....એ આખી રાત શેખર માટે કયામતની રાત સાબિત થઇ.

બીજે દિવસે સવારે સાત વાગે શેફાલી ઘરે આવી ત્યારે તેની સાથે મોન્ટુને સાજોનરવો જોઈ શેખરની આંખોમાંથી અશ્રુધાર ચાલી નીકળી. એણે દોડીને મોન્ટુને તેડી લીધો. ખુશીના આવેશમાં આવી જઈ તેણે મોન્ટુના ચહેરાને ચૂંબનોથી નવડાવી દીધો. અને પછી શેફાલી સામું જોઈ ફક્ત એટલું જ બોલ્યો.’ જા, તું બાથરૂમમાં જઈને નાહી લે.’

શેફાલીને લાગ્યું કે કોઈએ તેને ઊભે ઊભી ચીરી નાંખી આખા શરીરમાં નમક ભરી દીધું છે. એક દાહ ઊઠ્યો તેના અંગેઅંગમાં. કોઈ ત્રાહિત વ્યક્તિ બહાર કાદવમાં આળોટીને ઘરે આવી હોય અને તેને સંબોધીને બોલતો હોય તેમ શેખર તેને બાથરૂમમાં જઈ નાહી લેવાનો આદેશ આપી રહ્યો હતો. જાણે કે પોતાના દેહ પર થયેલા પરપુરુષના સ્પર્શને ઘસીને ધોઈ કાઢવાનું કહેતો ન હોય ! શું પોતે તેના એક વહાલભર્યા આલિંગનની પણ હકદાર નહોતી ? આલિંગન તો ઠીક, બે પ્રેમભર્યા શબ્દોનું આશ્વાસન પણ નહિ ? પોતા પર આખી રાત શું વીત્યું, તે અંગે એક પ્રશ્ન પણ નહિ ? આ..આ તેનો પ્રિયતમ હતો?

ભયંકર પીડા સાથે શેફાલી ઝડપથી બાથરૂમ તરફ ભાગી.

એ ઘટના પછી શેખરના શેફાલી સાથેના સંબંધો શુષ્ક થવા લાગ્યા. કોઈ વાર શેફાલી ભાવુક બની શેખરને વળગતી તો શેખરને પક્ષે એક સુસ્તી અનુભવાતી. શેફાલીની મદમસ્ત કાયા પણ હવે શેખરના પુરુષત્વને જગાડવામાં નિષ્ફળ જતી..

‘તને થઇ શું ગયું છે શેખર..? હું તારી પત્ની છું.. તું મારાથી અળગો કેમ થતો જાય છે?’ શેફાલી પ્રયાસ કરતી શેખરમાં ઉષ્મા જગાડવાના.

‘ખબર નહિ પણ મને કાંઈ ઉત્સાહ જ નથી આવતો.’ કહી શેખર શેફાલીને પોતાનાથી દૂર કરી દેતો.

શેફાલી તેને પ્રયત્નપૂર્વક પોતાની તરફ ખેંચી અને પૂછતી. ‘મારો વાંક શો છે તે તું મને કહીશ? તારા કહેવાથી જ હું તે રાત્રે ત્યાં ગઈ હતી. તું જાણે છે કે ફક્ત મોન્ટુની જીન્દગી બચાવવા માટે મેં....’

‘મને ખ્યાલ છે શેફાલી કે તું એકદમ નિર્દોષ છે. પણ ..કોણ જાણે કેમ, હું મારી જાતને સમજાવી શકતો નથી. મારા મનમાંથી એ વાત કેમેય કરીને હટતી નથી કે તું..’

અને શેફાલી ભાંગી પડતી.

એ દિવસે શેખર સવારે જાગી અને શેફાલીના નામની બૂમ પાડવા જતો હતો ત્યાં તેની નજર શેફાલીના ઓશિકા પર પડી. ત્યાં એક બંધ કવર પડ્યું હતું. કવર પર પોતાનું નામ વાંચી તેણે કવર ખોલ્યું. અંદર શેફાલીએ તેને સંબોધીને લખેલો પત્ર હતો. તેણે વાંચવો શરૂ કર્યો.

શેખર,

આ પત્ર તું વાંચતો હઈશ ત્યારે હું તારાથી ઘણી દૂર જતી રહી હોઈશ. શા માટે જઈ રહી છું, એ તું ન સમજી શકે તેવો નાદાન તું નથી જ, તેની મને ખાતરી છે છતાં પણ આ પત્ર લખવા પાછળ એક ખાસ પ્રયોજન છે.

મોન્ટુના અપહરણની ઘટના પછી તારું મારા તરફ બદલાઈ ગયેલું વલણ અને વર્તન જોતાં મને લાગે છે કે હવે આપણે બન્ને એક છત નીચે નહિ રહી શકીએ. પોતાના બાળકની જિંદગી બચાવવા પોતાની પત્નીને અપહરણકારોને ત્યાં રાત ગાળવા દબાણ કરી શકતા પુરુષને કદાચ માફ કરી શકાય, પરંતુ ત્યાર પછી પોતાની પત્ની જાણે કે અભડાઈ ગઈ હોય તેમ તેનાથી દૂર ભાગતા પુરુષને તો હું કેમ સહન કરી શકું? એક પ્રશ્ન તું તારી જાતને પૂછજે શેખર, શું હું માત્ર એક શરીર જ હતી તારા માટે..? બીજું કશું જ નહી...? મારું મન, મારો પ્રાણ, મારો આત્મા, મારી લાગણીઓ, મારો પ્રેમ, આ બધાનું શું તારે મન કોઈ જ મૂલ્ય નહોતું ? મોન્ટુનો અપહરણકારે મારું શરીર માંગ્યું તે સમજી શકાય કારણ કે તેને માટે હું માત્ર એક સુંદર નારી દેહ હોઉં જેને ભોગવવાની એની ઈચ્છા હોય..પણ તું...? તું તો મારો પતિ હતો ને...? મારો પ્રેમી હતો ને..? તારા માટે પણ જો માત્ર મારું શરીર જ સર્વસ્વ હોય, તો પછી તારા અને એનામાં ફરક શો રહ્યો?

રાજન સાચું કહેતો હતો..તારી સાથે લગ્ન કર્યા ત્યારે એણે મને ચેતવી હતી. એણે મને કહ્યું હતું કે ‘શેખર માટે તેનો પહેલો પ્રેમ હમેંશા તેનું બાળક જ હોવાનું. તેના જીવનમાં તારું સ્થાન કાયમ બીજું જ રહેવાનું.’ એણે એમ પણ કહ્યું હતું કે ‘શેખર તારા માટે યોગ્ય વ્યક્તિ નથી..એ તને નહિ તારા સુંદર દેહને ચાહે છે.’

મને તેની વાત કરતા તારા પ્રેમ પર વધુ ભરોસો હતો એટલે મેં એને એ વાત સાબિત કરવા ચેલેન્જ આપી. અને તેણે સાબિત કરી આપ્યું કે તે સાચો હતો. તેણે પોતાના એક મિત્રની મદદથી મોન્ટુના અપહરણનો ડ્રામા ગોઠવ્યો. અને મોન્ટુની જિંદગીના બદલામાં મને માંગી. તેં મને મોકલી પણ ખરી. અપહરણકારના રૂપમાં આવેલા તેના મિત્રએ મને ઝીબ્રા ક્રોસિંગ પાસેથી લઇ રાજનના બંગલે ઊતારી દીધી. પછી તે મોન્ટુને મને સોંપી અને જતો રહ્યો. હકીકતે એ આખી રાત હું રાજનના બંગલે મોન્ટુની સાથે જ સૂતી હતી. રાજન તો એ વખતે દુબઈ હતો.

સ્ત્રીએ લગ્ન તેની સાથે જ કરવા જોઈએ, જે વ્યક્તિ એને ચાહતી હોય. નહિ કે એ વ્યક્તિ સાથે, જેને પોતે ચાહતી હોય- આ મને જડેલું સત્ય છે. હું તે સત્યને જીવવા જઈ રહી છું..અલવિદા.

શેફાલી

શેખરે બારી બહાર જોયું તો આજે ઊગી રહેલો સૂરજ રોજ કરતાં થોડો વધુ લાલચોળ દેખાતો હતો.

(સંપૂર્ણ)