પૃથ્વી તત્વ
પંચ મહાભૂતોમાં પ્રથમ તત્વ છે, પૃથ્વી તત્વ. હિન્દૂ લોકો માટે પૃથ્વી માત્ર એક ગ્રહ નથી પરંતું પૃથ્વી માતા સમાન છે. હિન્દુ લોકો સવારે ઊઠીને પહેલા ધરતી માતાને પ્રણામ કરે છે, કેમ કે ધરતી માતાનાં આપણાં પર ઘણાં ઉપકારો છે. પૃથ્વીનાં લીધે જ તો આપણે જીવન જરુરી વસ્તુઓ પ્રાપ્ત કરી શકીએ છીએ. જેમ કે ધાન્ય, ફ્ળ, ફૂલ. પૃથ્વીનાં લીધે જ તો બધાં વૃક્ષો અને વનસ્પતિઓ જમીન પર ઉગી શકે છે. પૃથ્વી તેમજ તેનાં ગુરુત્વાકર્ષણ બળને લીધે જ તો આપણે જમીન ઉપર ઉભા રહી શકીએ છીએ. તમે સવારે ઊઠો અને જેવા જમીન પર પગ મૂકવા જાઓ અને જો નીચે જમીન જ નાં હોય તો...! આ વિચાર માત્ર આપણને ડરાવી દે છે. પૃથ્વી વગરના માનવજીવનની કલ્પના કરવી મુશ્કેલ છે.
પૃથ્વીએ માત્ર ગ્રહ નથી પરંતું જે પ્રાથમિક તત્વમાંથી આપણો દેહ ઘડાયો છે તે છે. તે જ તત્વથી પૃથ્વી પરની દરેક વસ્તુ બનેલી છે. જેમ કે વૃક્ષો, પર્વતો, પ્રાણીઓ વગેરે. માનવીને પૃથ્વી પ્રત્યે નૈસર્ગિક તેમજ લાગણીશીલ સંબંધ છે. આપણાં શરીરનો ૧૨% ભાગ પૃથ્વી તત્વથી બનેલો છે. પૃથ્વી તત્વથી આપણી બધી જ ઇન્દ્રિયો સંકળાયેલી છે. પૃથ્વી તત્વ શબ્દ, સ્પર્શ, રૂપ, ગંધ અને રસ એમ પાંચેય ગુણધર્મો ધરાવે છે. જેમ કે પૃથ્વી એટલે કે માટીને આપણે ચાખી શકીએ છીએ. તેને સૂંઘી શકીએ છીએ. તેને જોઈ શકીએ છીએ. તેનો સ્પર્શ કરી શકીએ છીએ તેમજ માટી અથવા પૃથ્વી તત્વથી બનેલ વસ્તુનો અવાજ પણ સાંભળી શકીએ છીએ. આપણી અનામિકા પૃથ્વી તત્વ સાથે જોડાયેલી છે. પૃથ્વી તત્વનો અર્થ થાય છે - ચુંબકીય બળ ધરાવતું ક્ષેત્ર. પૃથ્વી એક મોટો ચુંબકીય ગ્રહ છે, જે ઉત્તર ધ્રુવ તેમજ દક્ષિણ ધ્રુવ એમ બે ચુંબકીય ધ્રુવો ધરાવે છે. તેનાં ચુંબકીય અને ગુરુત્વાકર્ષણ બળની પૃથ્વી પરની દરેક વસ્તુ તેમજ વ્યક્તિ પર થાય છે. પૃથ્વી ઉપર થતી કુદરતી હોનારતો જેવી કે ભૂકંપ, ભૂ-સ્ખલન જેવી આપત્તિઓ પૃથ્વી તત્વ અસંતુલિત થવાથી જ થાય છે. એવી જ રીતે આપણી અમૂક શારિરીક બીમારીઓ પૃથ્વી તત્વ આપણાં શરીરમાં અસંતુલિત થાય ત્યારે જ થાય છે.
પૃથ્વી તત્વ આપણને વ્યવહારકુશળતા, દૃઢ સ્વભાવ, પદ્ધતિસરનો અભિગમ, અનુકૂલનક્ષમતા બક્ષે છે. કુનેહ અને ડહાપણ હોય તેનામાં પૃથ્વી તત્વ સંતુલિત હોય છે. જ્યારે જિદ્દી સ્વભાવ, અભિમાની સ્વભાવવાળી વ્યક્તિમાં પૃથ્વી તત્વ અસંતુલિત હોય છે અથવા વઘુ પડતું હોય છે. પૃથ્વી તત્વ અસંતુલિત હોય તો તેનાથી શારિરીક નબળાઈ, જાડાપણું, વજન વધવું કે ઘટવું, હાડકાં તેમજ સ્નાયુઓ સંબંધિત બીમારીઓ થાય છે. પૃથ્વી તત્વથી ગળું, આંતરડા અને ઘૂંટણને અસર થાય છે. તમારામાં નિર્ણયશક્તિનો અભાવ હોય, આત્મવિશ્વાસ ઓછો હોય, તમે ચિંતાઓથી ઘેરાયેલા રહેતાં હોય તો તમારામાં પૃથ્વી તત્વ ઓછું છે.
પૃથ્વી તત્વને તેની પ્રાથમિકતાની દ્રષ્ટિએ સમજવું ખુબ જરૂરી છે. પૃથ્વી તત્વને આપણાં અંદરથી સમજવો એક યૌગિક ક્રિયાનો ભાગ છે. જ્યારે પણ આપણે કંઈક ખાઈએ છીએ ત્યારે આપણે પૃથ્વીનો એક ભાગ ગળે ઉતારીએ છીએ. ખરેખર આપણે પૃથ્વીનો એક ભાગ આપણું શરીર ટકાવી રાખવાં ખાઈએ છીએ. કેમ કે પૃથ્વી પર જે કંઈ પણ ઉગે છે, વનસ્પતિ, ફ્ળ કે અનાજ, એક યા બીજા સ્વરૂપે આપણે ખાઈએ છીએ. આપણે જેવા વ્યવહાર અથવા ભાવના સાથે પૃથ્વી સાથે વર્તીશું એવી જ રીતે પૃથ્વી આપણી સાથે વ્યવહાર રાખશે. તેથી જ્યારે પણ આપણે કંઈક ખાઈએ ત્યારે પુરી જાગૃતતાથી ખાવું જોઈએ. કેમ કે આ પૃથ્વી તત્વથી જ આપણું શરીર બન્યું છે તેમજ અન્ન પણ. પરંતું આજના જમાનામાં લોકો જમતાં - જમતાં પણ બીજી પ્રવૃતિઓ કરતાં હોય છે. જેમ કે ટી. વી જોવું, મોબાઇલમાં ધ્યાન હોવું કે બીજા કોઈ વિચારોમાં ખોવાયેલા હોવું. જમતાં સમયે માત્ર જમવા પર જ આપણું ધ્યાન કેન્દ્રિત હોવું જોઈએ. આપણે આપણાં ભોજન સાથે જેવો વ્યવહાર અથવા જેવી ભાવનાથી ભોજન કરીશું તેવો જ વ્યવહાર ભોજન આપણાં શરીર સાથે કરશે. તેથી જે પણ ખોરાક આપણે ગ્રહણ કરીએ તે પ્રેમથી તેમજ પૂરી જાગૃતતા સાથે ગ્રહણ કરવો જોઈએ. બીજી પણ એક વાત ધ્યાનમાં લેવાની છે કે જ્યારે પણ કોઈ ભોજન બનાવે કે આપણને આપે ત્યારે તે વ્યક્તિ કેવા ભાવ સાથે ભોજન બનાવે છે કે આપે છે તે જોવું, કેમ કે જેની જેવી ભાવના એવું જ એનું અન્ન. પ્રેમ ભાવ સાથે બનાવેલું તેમજ આપેલું ભોજન અમૃત સમાન છે જ્યારે ખિન્ન ભાવ સાથે બનાવેલું તેમજ આપેલું ભોજન ઝેર સમાન છે. તેથી જ્યારે પણ ભોજન બનાવો કે કોઈને આપો ત્યારે પ્રેમ ભાવ સાથે આપો. હિન્દુ સંસ્કૃતિમાં ભોજન ગ્રહણ કરતા પહેલા બોલવાના મંત્રો પણ છે. મંત્રો બોલીને ભોજન કરીએ કે ના કરીએ, પરંતું ભોજન કરતા પહેલા આપણે મનથી પૃથ્વી તત્વ પ્રત્યે કૃતજ્ઞતા (Gratitude) વ્યકત કરીને જ ભોજન ગ્રહણ કરવું જોઈએ. સૌથી અગત્યની વાત છે, ' તમારાં ભોજનને પ્રેમ કરો'. (Love Your Food)
શરીરમાં પૃથ્વી તત્વ સંતુલિત કરવા જમીન પર ખુલ્લા પગે ચાલવું જોઈએ, શકય હોય તો લીલા ઘાસ પર. જમીન પર પલાંઠીવાળીને બેસવું જોઈએ. કેમ કે પલાંઠીવાળીને જમીન પર બેસવાથી આપણાં મૂલાધાર ચક્રને ઉર્જા મળે છે. કેમ કે મૂલાધાર ચક્ર પૃથ્વી તત્વ સાથે જોડાયેલું છે. જે વ્યક્તિઓને જમીન પર પલાંઠીવાળીને બેસવાની ટેવ હોય તેનામાં પૃથ્વી તત્વ સંતુલિત હોય છે. અમાસના બે-ત્રણ દિવસ પહેલા આ ક્રિયા વધુ કરવી જોઈએ, કેમ કે અમાસના દિવસે તેમજ તેનાં બે-ત્રણ દિવસ પહેલા પૃથ્વી પરનું ગુરુત્વાકર્ષણ બળ તેમજ ચુંબકીય બળ વધી જાય છે. પૃથ્વી તત્વની વધુ નજીક રહેવા આપણે પૃથ્વીનાં કોઈ એક ભાગ સાથે સંબંધ વિકસાવવો જોઈએ. જેમ કે કોઈ ચોક્કસ જગ્યા, પછી તે કોઈ નાની ટેકરી હોય કે આપણાં ઘરનાં બેકયાર્ડ ગાર્ડનની કોઈ ગમતી જગ્યા કે જયાં બેસીને આપણને શાંતિનો અનુભવ થતો હોય. કોઈ ગમતાં વૃક્ષ કે છોડ સાથે પણ આપણે પૃથ્વી તત્વ સાથેનો સંબંધ વિકસાવી શકીએ. કોઈ છોડ કે વૃક્ષ રોપીને પણ આપણે પૃથ્વી તત્વ સાથેનો સંબંધ વધું ગાઢ બનાવી શકીએ છીએ.
પૃથ્વી તત્વ એ આપણો અભિન્ન ભાગ છે. જેમ પૃથ્વી સિવાયના ગ્રહ પર માનવ જીવન શકય નથી તેમ પૃથ્વી તત્વ વગર આપણાં શરીરનું પણ અસ્તિત્વ શકય નથી. તેથી પૃથ્વી તત્વ સાથે આપણો વ્યવહાર સંતુલિત બનાવવાનો પ્રયાસ કરવો જોઈએ જેથી આપણું શારિરીક સ્વાસ્થ્ય તેમજ આત્મવિશ્વાસ જળવાઈ રહે.
જળ તત્વ
પંચ મહાભૂતોમાં બીજું તત્વ છે, જળ તત્વ. પૃથ્વી પર જળ તત્વ વરસાદ, નદી, સરોવર કે સમુદ્ર રૂપે હોય છે. જળ તત્વ બરફ રૂપે ઘન સ્વરૂપમાં તેમજ વરાળ રૂપે વાયુ સ્વરૂપમાં પણ જોવા મળે છે. જળ એટલે કે પાણી હાઇડ્રોજન અને ઓક્સિજનનું ૨:૧ ના પ્રમાણનું મિશ્રણ છે. પૃથ્વી પર ૭૨% ભાગ પાણીનો છે, તેમ આપણાં શરીરનો ૭૨% ભાગ પણ પાણી છે. આપણાં શરીરમાં લોહી, યુરિન તેમજ પરસેવો પણ પાણી સ્વરૂપે જ હોય છે. જે વ્યક્તિ જળ તત્વની અસર નીચે હોય છે તે જુદી-જુદી લાગણીઓથી ભરેલી હોય છે. જળ તત્વની હકારાત્મક અસર હેઠળનો વ્યક્તિ મળતાવળો, કલ્પનાશીલ, ઘર પ્રત્યે મમતાવાળો, પરિવર્તનશીલ અભિગમવાળો હોય છે. જળ તત્વની નકારાત્મક અસર હેઠળનો વ્યક્તિ ધીમો, આળસુ તેમજ બેદરકાર હોય છે. જળ તત્વ શબ્દ, સ્પર્શ, રૂપ અને રસ એમ ચાર ગુણધર્મો ધરાવે છે. પાણીને આપણે સૂંઘી શકતા નથી. આપણી કનિષ્કા આંગળી જળ તત્વ સાથે જોડાયેલી છે. આપણાં શરીરના સાત ચક્રોમાંથી જળ તત્વ સ્વાધિસ્થાન ચક્ર સાથે સંકળાયેલું છે. જો જળ તત્વ અસંતુલિત હોય તો વ્યક્તિને કફ, શરદી, સાઈનસ, દમ, સોજા, લોહી પાતળું થવું કે જાડું થવું, હાઈ બ્લડપ્રેશર, કમરમાં દુઃખાવો, માથું દુખવું, ચક્કર આવવા, કાનને લગતાં પ્રશ્નો, પેશાબના પ્રશ્નો તેમજ જનનાંગોને લગતાં પ્રશ્નો હોય છે.
જળ તત્વનું મુખ્ય કામ શરીરને સ્વચ્છ કરવાનું તેમજ શરીરનું પોષણ કરવાનું છે. જળ તત્વ આપણી કિડની, મૂત્રાશય, મગજ તેમજ જનનાંગો સાથે સંકળાયેલું છે. જ્યારે જળ તત્વ શરીરમાં સપ્રમાણ હોય ત્યારે તે બીજા તત્વો સાથે વઘુ સંવાદિતા સાધી શકે છે. જ્યારે જળ તત્વ સંતુલિત હોય ત્યારે વ્યક્તિ પોતાને મજબૂત, આત્મવિશ્વાસથી ભરપૂર તેમજ સ્ફૂર્તિલો અનુભવે છે અને વ્યક્તિ પોતાનાં જીવનના પ્રશ્નો ઝડપી સમજદારી અને ક્ષમતાથી સરળતાથી ઉકેલી શકે છે. શરીરમાં જળ તત્વ અસંતુલિત થાય ત્યારે વ્યક્તિ વધુ ભય અનુભવે છે.
જળ તત્વને સંતુલિત કરવા પહેલા તો આપણે બધાએ પૂરતાં પ્રમાણમાં પાણી પીવું જોઈએ. બહુ ઓછું પણ નહીં કે બહુ વધારે પણ નહીં. ભોજન પણ આપણે એવું ગ્રહણ કરવું જોઈએ કે જેમાં વધુ માત્રામાં પાણી હોય. ૭૦% થી વધુ પાણી હોય તેવો જ ખોરાક આપણે ખાવો જોઈએ. શાકભાજીમાં ૭૦% થી વધુ માત્રામાં પાણી હોય છે. ફળોમાં ૯૦% થી વધુ માત્રામાં પાણી હોય છે. તેથી જ તો ડૉક્ટર આપણને શાકભાજી અને ફળો ખાવાની સલાહ આપે છે. શુષ્ક એટલે કે જે ભોજનમાં પાણી ઓછું હોય તે શરીર માટે હાનિકારક છે. પશ્ચિમના લોકોનું ભોજન વઘુ શુષ્ક એટલે કે ડ્રાય હોય છે. જેમ કે બ્રેડ, પીઝા, ચિકન વગેરેમાં પાણી ઓછી માત્રામાં હોય છે. જે ખોરાક આપણે લઈએ છીએ એને પચાવવા પણ પાણી જોઈએ છીએ તેથી આપણે જેમાં વધુ માત્રામાં પાણી હોય તેવું જ ભોજન જ કરવું જોઈએ. ત્યારબાદ જ્યારે પણ તમે પાણી પીવો ત્યારે પૂરી કૃતજ્ઞતાથી ( Gratitude) પીવો. પાણીમાં બહુ સ્મરણશક્તિ હોય છે. જેવા વિચારોથી આપણે પાણી પીશુ તેવી જ અસર આપણાં શરીર પર થશે. પાણી આપણાં અસ્તિત્વનો અભિન્ન ભાગ છે. તમે ગમે તે ભગવાન કે દેવી- દેવતામાં માનતા હો પણ જો માત્ર એક જ દિવસ તમને પાણી ના મળે તો પાણી જ તમારો ભગવાન બની જશે. તમે તમારાં પ્રિયજન, મમ્મી, પપ્પા, પુત્ર કે પુત્રી વગર રહી શકો પણ પાણી વગર કોઈ એક દિવસ પણ રહી ના શકે. તેથી જ તો 'જળ એજ જીવન' કહેવાય છે. આપણે જેમાંથી બન્યા છીએ એ તત્વો જ સૌથી પહેલા આપણાં ભગવાન છે. પાણી પીતા પહેલા તેને મનથી પ્રણામ કરો પછી જ તેને ગ્રહણ કરો. આમ કરવાથી તેમાંની અણુ-પરમાણુંની ગતિ બદલાઈ જાય છે અને તેનામાં વધુ પોઝિટિવ ઉર્જા આવી જાય છે. આપણે ત્યાં જુના જમાનામાં લોકો તાંબાના પાત્રમાં જ પાણી રાખતાં. કેમ કે તાંબાનાં પાત્રમાં પાણી રાખવાથી તાંબુ પાણી સાથે પ્રક્રિયા કરી તેને વધુ ઉર્જાથી ભરી દે છે. જે આપણાં શરીર માટે લાભદાયી છે. તેથી જો શકય હોય તો પીવાનું પાણી તાંબાના પાત્રમાં રાખવું.
આપણાં શરીરમાં રહેલ પાણી સાથે આપણી લાગણીઓ જોડાયેલી છે. જો શરીરમાં સંતુલિત માત્રામાં પાણી હોય તો તે આપણી દુઃખી લાગણીઓ દૂર કરે છે તેમજ આનંદની લાગણીઓ વધારે છે. જો શરીરમાં પાણીનું પ્રમાણ વધું હોય તો તે વ્યક્તિમાં એક પ્રકારનું પાગલપણું લાવે છે. વધું પાણી ગમગીની ઉત્પન્ન કરે છે. શરીરમાં ઓછું પાણી હોય તો તે આપણી લાગણીઓને નિષ્ક્રિય બનાવી દે છે. આપણને આપણી લાગણીઓથી દૂર કરી દે છે. ચન્દ્રની કળાઓથી જેમ દરિયામાં ભરતી-ઓટ આવે છે તેમ આપણાં માનવ મગજ તેમજ લાગણીઓ ઉપર પણ ચંદ્રની અસર થાય છે. કેમ કે આપણાં મગજમાં પણ પાણી રહેલું હોય છે. પૂનમના દિવસે ચંદ્ર પુર્ણ કળાએ ખીલેલો હોય છે. ચંદ્રનું ગુરુત્વાકર્ષણ બળ દરિયાના મોજાઓને પોતાની તરફ ખેંચે છે. માનવ મગજ ઉપર પણ પૂનમના ચંદ્રની વધુ અસર થાય છે. પૂનમનાં દિવસે આપણે બધાં વધુ પડતાં લાગણીશીલ બની જઈએ છીએ. ચંદ્ર આપણને કોઈ પણ નવી લાગણીઓ આપતો નથી પરંતું આપણામાં જે પણ પ્રકારની લાગણી હોય તેને હજાર ગણી વધારી દે છે. જો આપણે ખુશ હોઈએ તો આપણી ખુશી હજાર ગણી વધારી દે છે અને જો આપણે ગમગીન હોઈએ તો આપણી ગમગીની હજાર ગણી વધારી દે છે. તેથી આપણી લાગણીઓ પર સંતુલન રાખવા આપણાં શરીરમાં રહેલ જળ તત્વને સંતુલિત રાખવું ખૂબ જરુરી છે.
આપણી હિન્દુ સંસ્કૃતિ મુજબ આપણે બધી નદીઓને પણ માતા સમાન ગણીએ છીએ. આપણે ત્યાં ગંગા માત્ર નદી જ નહીં પરંતું ગંગા માતા છે. નર્મદા માત્ર નદી જ નહીં પરંતું નર્મદા મૈયા છે. એક માતા જેમ પોતાના બાળકનું પાલન પોષણ કરે છે તેમ આ બધી નદીઓ પણ આપણાં બધાનું પાલન પોષણ કરે છે. ગંગાનું પાણી એટલું દિવ્ય છે કે આપણાં ઘરમાં આપણે બોટલમાં કેટલાય વર્ષો સુધી ગંગાનું પાણી રાખીએ તો પણ બગડતું નથી. એટલે જ તો હિન્દૂ સંસ્કૃતિમાં ગંગાજળ એટલું પવિત્ર માનવામાં આવે છે. ગંગા સ્નાનનું પણ એટલું જ મહત્વ છે આપણે ત્યાં. જે નદી આપણને તન - મનથી શુદ્ધ કરતી હોય તેની શુદ્ધતા પણ જળવાઈ રહે તે જોવાની જવાબદારી પણ આપણી જ છે.
આજકાલ એક નવી થેરાપી વિકસી છે, એ છે હાઈડ્રો થેરાપી. જે પાણીમાં રહીને લેવાની હોય છે. હાઈડ્રો થેરાપીમાં પાણીનો ઉપયોગ શરીરમાંથી દુઃખાવો દૂર કરી તેને ફરી સ્વસ્થ બનવવા કરવામાં આવે છે. હુંફાળા પાણીમાં દર્દીના શરીરના દુખતા ભાગને અમુક સમય રાખવામાં આવે છે. ઘણી વાર અમુક અંગ કસરતો પણ કરવાની હોય છે. પાણી શરીરના છીદ્રો દ્રારા કોષોમાં જઈ તેને રિપેર કરવામાં મદદરૂપ બને છે. ગરમ અને ઠંડા પાણીની પણ અલગ અલગ અસર થાય છે શરીર પર. લકવા તેમજ સંધિવાના દર્દીઓને આ થેરાપી ઉપયોગી છે.
આપણે અમુક સાદી સમજ તેમજ કાળજીથી આપણાં શરીરમાં જળ તત્વને સંતુલિત રાખી શકીએ છીએ. તેને માટે આપણે મગજ અને મનથી જાગૃત હોવાં જોઈએ. આપણી જાગૃતતા તેમ જ આપણો જળ તત્વ તરફનો ભાવ જળ તત્વને સંતુલિત રાખવામાં મહત્વનો ભાગ ભજવે છે.
આવતાં અંકમાં આપણે અગ્નિ, વાયુ તેમજ તેમજ આકાશ તત્વનું માનવજીવનમાં મહત્વ તેમજ તે ત્રણે તત્વોને સંતુલિત કરવા માટેના સરળ ઉપાયો વિશે જાણીશું.
Contact me @ Facebook/ pri19patel
Email @ patelpriyanka19@gmail.com