Shayar - 7 in Gujarati Fiction Stories by Rekha Shukla books and stories PDF | શાયર - 7

Featured Books
Categories
Share

શાયર - 7

શાયર

શ્રી ગુણવંતરાય આચાર્ય ની "શાયર"

પુસ્તિકાનું પ્રકરણ - ૭.

કવિની કવિતા

એ આખી રાત ગૌતમને જરાય ઊંધ ન આવી. ધરતીકંપના એક જબરજસ્ત આંચકા પછી જેમ ધરતી ધ્રુજ્યા કરે એમ એનું માથું હજી ધ્રુજતું હતું. એની છાતીમાં, એના પેટમાં એને બળતરા

થયા કરતી હતી. એના પિતાએ એને એક અક્ષર પણ ન કહ્યો હતો, પણ

અબોલ હોવા છતાં પિતાની નિરાશા એને પ્રત્યક્ષ દેખાઈ ચૂકી હતી. એ જાણે દશ વર્ષ વધારે ઘરડા થઈ ગયા હતા.

ઘરમાં પગ મૂકતાં વેંત એ મેડી ઉપર ચડી ગયો હતો, ને પિતા નીચે ખાટ ઉપર હીંચતા હતા.

એને શું સૂઝ્યું હતું ? કયું ભૂત એના મનમાં ભરાઈ ગયું હતું ? રાવણની

જીભ ઉપર સરસ્વતીએ બેસીને એની પાસે અવળું વરદાન મંગાવ્યું તેમ

પોતાના મુખમાંથી અવળાં વેણ કાઢવાને

કઈ સરસ્વતી દેવી એની જીભ ઉપર બેઠી હતી ?

જીવનમાં એક તક એને મળી હતી. એના પિતાની કાળી ગરીબીમાં પણ

પિતાએ જાળવી રાખેલી સુજનતામાંથી એ સુગંધ નીકળી હતી. પિતાને એ પ્રસન્ન કરી શકત. જાતજાતનાં માનપાન મેળવી શકત, સરકારમાં પ્રતિષ્ઠ્ઠા મેળવી શકત. ને એને બદલે તો હવે એને કોઈ આંગણે ઊભો રાખશે નહિ. જલતો અંગાર સમજીને દૂર રહેશે. એની વાડી ગઈ. ગાડી ગઈ ને લાડીય ગઈ.

હવે આશા કેવી ને વાત કેવી ? શ્રીમંતાઈના બાગમાં ખીલેલું એ ગુલાબ હવે ગરીબીનો કાળઝાળ તાપ સહેવાને આવે જ કેમ ? શું કામ આવે? પગનાં ખાસડાની જેમ એને પરણનારા

ઉમેદવારોનો ક્યાં તોટો હતો ? -એવા ઉમેદવારો, જે આશાને સુખી કરે, આશાની બાપની પ્રતિષ્ઠા વધારે.

નીચેથી કાંઇક બોલચાલ સંભળાઈ.

' કાકા ! ઘોડાગાડી લાવ્યો છું. બહાર ઉભી છે અસલ અમલદારી ટમટમ. '

એના પિતાનો અવાજ સંભળાયો ઃ ' ભાઈ ! જવા દે. ગાડી બાડી ન જોઇએ હવે. '

' કાં કાકા ? જુઓ તો ખરા. જોવામાં શું જાય છે ? '

' રહેવા દે ભાઈ ! દાઝ્યા ઉપર ડામ ન દે. તને પાંચ પૈસા ખરચ થયું હોય તો મારી પાસેથી લઈ જજે !' ગૌતમ મેડીની ખાટ ઉપર બેસી ગયો. એ અવાજ કોનો હતો ? એના પિતાનો હતો ? આવો ઘોઘરો કેમ ? આવો તરડો કેમ ? માણસ મરવા પડ્યું હોય એવો ? મરવા તો પડે જ ને. એણે

જ એના પિતાને માર્યા હતા. ભલભલો દુશ્મન પણ ન મારે એવા. આ ઘરનો એક એક પથ્થર એને એના પિતાની યાદથી ભરેલો લાગ્યો. એનો પથ્થરે પથ્થર પિતાની માયાની માવજતની

ગવાહ આપતો હતો !

હજીયે એને યાદ આવે છે... સાત આઠ વરસનો બાળક પૂછે છે ! ' બાપુ ! બા ક્યાં ગઈ ? '

હજી એ અવાજ યાદ આવે છે !

'ભાઈ ! બા જરા બે-ચાર દિવસ પરગામ ગઈ છે હો. લે તને હીંચકાવું !'

મા હાલરડાં ગાતી હતી એ હાલરડાં બાપ ગાવાની કોશિશ કરે છે ! પણ કેવો અવાજ !

'બાપુ ! બા ક્યાં ગઈ છે ? '

' ભાઈ ! તારી બા દેવધામમાં ગઈ છે. '

' તે પાછી નહિ આવે ?'

'આવે છે ને બેટા ! રોજ રોજ આવે છે. '

'તો હું કેમ દેખતો નથી ? '

' તું આંખો બંધ કર તો તને દેખાશે. હું આંખો બંધ કરું તો મને દેખાય. '

છોકરો આંખો બંધ કરે છે. ' હા બાપુ ! દેખાય છે હો. દેખાય છે મને બા ! દેખાય છે. ગોરુંગોરું મોઢું છે. મોટી મોટી આંખો છે. ધીમે ધીમે હસે છે. '

બાપની આંખ ભીની થાય છે. બસ ભાઈ, ' બહુ ન જોઈએ. હવે તમે નાહી લીધું. ભણવા બેસી જાઓ. મારો છોકરો ભણીગણીને બાલીસ્ટર થાશે. ઘેર વહુ આવશે. પછી બાની તને જરૂર નહિ

પડે. બા યાદ નહિ આવે. '

'તો બાપુ ! તમે શું કરશો ? '

' ગાંડા ! પછી તારી વહુ એ મારી બા. કેમ ખરું ને ? હવે ભણવા માંડો જોઇએ. હું રસોઈ કરી નાંખું હો ! '

ગૌતમની આંખો હૈયાની અંધારી કંદરમાંથી કંઈ કંઈ આવા દ્રશ્યો શોધી લાવે છે. ઓ ! આ કોણ આવ્યું ? આ તો ફઈબા ! મરજાદી મારાં બાપ. સગા ધણીને અડે તો અભડાઈ જાય એવાં.

આંખે ધોળા ં ચશ્માં, પહોળું મોઢું, ઝીણી લાંબી દાઢી, અસલ ઘુવડ જેવાં.

' ગૌતમીઆ ! જા ઉપર જા. ત્યાં વાંચ.' ફઈબાએ ગૌતમને ઉપર કાઢ્યો. નક્કી મારા બાપને સતાવવા આવ્યાં ! ફઇબા ઘણીવાર ઘેર આવે ને જ્યારે આવે ત્યારે બાપને સતાવે. ઊંચે સાદે

તુંકારે બોલ્યા વગર ના રહે એ.

ગૌતમને લાગ્યું , આજે કરીને એ સતાવવા આવ્યાં હશે. શું હશે ? ઉપર જઈને ખાટ ઉપર ચોપડા મૂકીને એણે ખાટને ધક્કો માર્યો તે નીચે બેઠેલાં ફોઈબાને લાગે કે ગૌતમ ખાટ ઉપર લેસના

કરવા બેઠો. પણ પોતે દાદર પાસે લપાઈને સૂતો ને નીચે કાન માંડ્યા.

' શોભા ! હવે આ છોકરાને તારે ક્યાં સુધી રઝળાવવો છે ? તારે ક્યાં સુધી રોટલા ટીપવા છે ?'

' છોકરાને હમણાં પરણાવાય ? હજી તો સાવ બાળ છે. '

' ગાંડો થા મા ગાંડો. મને તે કીકલી સમજે છે કે મને બનાવવા બેઠો ? હું છોકરાના લગ્નની ક્યાં વાત કરું છું ! હું તો તારી વાત કરું છું. મને તારી દયા આવે છે. જો મેં ધનારામને કહી

મૂક્યું છે. જાણે છે ને ધનારામ કોણ ? મારો દેર થાય . એની છોકરી છે મોટી. જશગવરી. મહિનો થયાં ઉથલી છે. સગાઈ કરી હતી તે નર મરી ગયો. હવે એને માંગા તો ઘણાં આવે છે,

પણ મારો દેર છે મારી મુઠીમાં, અમે એની પાસે પૈસા માંગીએ છીએ, સમજ્યો ! તે મારી સામે ચૂંચાં કરે એમ નથી. આ એની છોડી સાથે તારું નક્કી કર્યું છે, સમજયો ! ' ' બેન ! એ વાત જ રહેવા દો. મારા નસીબમાં કુટુંબનું સુખ જ નથી. આ એક છોકરો છે. ભગવાન એને જીવતો રાખે. '

' લે કર વાત. તે તું કામધંધો કરીશ કે છોકરાં ઊછેરીશ ? ઘર સાચવવા બાયડી તો જોઈએ જ ને. છોકરો સાચવશે. ઘર સાચવશે. તુંય ક્યાંક સારા ધંધારોજગારે લાગી જઈશ. માટે ગાંડા

કાઢવા રેવા દેજે. '

' બેન ! ઓરમાન માને હાથે છોકરાની દશા કેવી થાય છે એ મેં જોયું છે, ને મારે મારા છોકરાની એવી દશા કરવી નથી. '

' કપડ રાખીએ તો કાંઇ ન થાય. આપણામાં મીઠું જોઈએ. મૂળ ભાઈમાં માલ ન હોય ને પછી દોષ બાયડીને દઈએ એવું છે. એમાં તારે ફિકર કરવી નહિ પડે. તારી નવીને તરવારની ધારે

રાખીશ.' ' ના બેન. એ વાત માંડી વાળો. હવે તો છોકરો મોટો થાય ને વહુ લાવે ત્યારે. ત્યાં સુધી એનો બાપ પણ હું ને મા પણ હું.'

ગૌતમ શું સાંભળી રહ્યો છે, એનો એને ખ્યાલ ન રહ્યો. એ વિચારી રહ્યો. કાળી બળતરા એને હૈયે ઊઠી ઃ

ભાગો ! ભાગો ! અરે ભાગી જાઓ ! જૂના કાળનાં પ્રેતો જરાક તો તમારી ભુલાયેલી કબરમાં પાછા પેસી જાઓ. શા આટે મારી બેવકૂફીની મને યાદ દેવા આવ્યા છો ? તમારા કહ્યા વગર જ

મને શું મારી બેવકૂફીની વાતો યાદ નથી?

બધુંજ ગયું. બાપનો ત્યાગ ગયો. માતાની બાપે કરેલી પ્રેમભક્તિ ગઈ. પોતાની પિતૄભક્તિ ગઈ. હવે એ બધું યાદ શા માટૅ આવે છે ?

એ સાહેબની માફી માગે ? માફી માગે તો ? ક્યાંય સુધી એ એમ ને એમ બેઠો રહ્યો. અંતે એને ઘર ગુંગળાવનારું લાગ્યું. એને લાગ્યું કે જો એ વધારે વખત આ ઘરમાં રહેશે તો એનો પ્રાણ નીકળી જશે. એને શું કરવું હતું એનો એને ખ્યાલ

ન હતો. કોઈ બિહામણાં સ્થળમાંથી વિકળ થઈને માણસ જેમ આંધળી નાસભાગ કરે એમ એ દાદર નીચે ઉતર્યો. નીચે ખાટ ઉપર એના પિતા બેઠાંબેઠાં ઝોલું આવ્યું હોય ને પડી ગયા હોય એમ

પડ્યા હતા. પિતાની સામે એક નજર સરખી નાંખ્યા વગર જ એ બહાર નીકળી ગયો.

બહાર મધરાત ગાજતી હતી. ક્યાંક ક્યાંક દાંડિયા ફરતા હતા અને એમના નિયમ પ્રમાણે બૂમ પાડતા હતા ઃ 'ચોર લોકો સાવધાન ! '

શેરીઓ સૂતી હતી ને ભસતાં કૂતરાં સિવાય બીજો કોઈ અવાજ ક્યાંય સંભળાતો ન હતો. એના પોતાનાં પગલાંનો અવાજ ઢોલ જેવો ગાજતો હતો. એમને એમ શેરીઓમાંથી એ આગળ અને

આગળ ચાલ્યો. એ ક્યાં જતો હતો એનું એને ભાન ના હતું. પોતાના હૈયાની અતળ કંદરામાંથી પોતાના ભૂતકાળના રૂહથી એ દૂરદૂર ભાગવા માગતો હતો. એ આપઘાત કરવા જતો હતો ?

કોણ જાણે ! એ નાસી જવા જતો હતો ? કોણ જાણે ! માત્ર એ જતો હતો, પૂરવેગથી ! હમણાં જ સુરતથી મુંબઈ સુધી એ પાટા ઉપર ચાલનારી અગનગાડી થઈ હતી. ને એ ઘોડા કરતાં

પણ વધારે વેગથી દોડતી માંગતું હતું. હજાર હજાર જોગણીઓ જાણે એના માથામાં કરાળ નાચ કરતી હતી. હજારહજાર ભૂતાવળ જાણે એના હૈયામાં નાચતી હતી. હજાર હરણાંનો વેગ જાણે એના પાયમાં આવ્યો હતો. એને ખૂબ જ થાક લાગ્યો. અને એને ખૂબ જ હાંફ ચડી ગઈ. શરીર પરસેવાથી રેબઝેબ થઈ ગયું. સભાન બનતાં એણે આંખો ઉઘાડી-- આસપાસના જોગાનુજોગ તરફ એનું ધ્યાન ખેંચાયું. એણે જોયું કે માથે મધરાત ગાજતી હતી. અમાવાસ્યાની અંધારી રાતમાં માથે તારા માત્ર ચમકતા હતા. અંધારા આકાશમાં આકાશગંગા પૂર્વથી પશ્ચિમ વહી રહી હતી ને એના તેજનો પટ ધરતી ઉપર પણ થોડુંક અજવાળું પાથરતો હતો. ને એની સામે તાપી નદી એના સ્વભાવ પ્રમાણે ઉતાવળી વહી જતી હતી. આસપાસ નદીનો રેતીનો પટ હતો. દૂર કિનારા ઉપર ઝાડી હતી. નદીની રેતમાં એ બેઠો. એને એટલો થાક લાગ્યો હતો કે એના મનમાં થાકના બોજ સિવાય કોઈ બોજ રહ્યો ન હતો. સંપૂર્ણ એકાંતમાં એને કોઈ બીજી દુનિયામાં આવ્યો હોય એવું લાગ્યું. મધરાતના અમાવાસ્યાના આકાશના તેજમાં અપાર્થિવ લાગતી નદી, પરમ સૌમ્ય લાગતાં વૄક્ષો, અભૂતભવ્ય લાગતો

નદીનો તીરપ્રાંત...... ખરે જ મધરાતે નદીના કાંઠા જેવી શાંતિ આ જગતમાં બીજે ક્યાંય નહિ હોય. એકાએક એના એકાન્ત ઉપર જાણે ઓછાયો આવતો હોય એમ દૂરથી કોઈક અસ્પષ્ટ

આકાર પોતાના તરફ આવતો દેખાયો. ક્ષણભર એને કોઈક પરચા જેવું લાગ્યું ને એની છાતી ઉપર જાણે કાંઈક ભાર આવ્યો. પરંતુ એ આકાર નજીક આવતાં માનુષી લાગ્યો ને એને ચીડ ચડી. કોણ વળી અત્યારે પોતાના એકાંતમાં વિક્ષેપ નાખવા આવ્યું ભલા ! પરંતુ એ આકાર એની તરફ આવતાં આવતાં થોડે દૂર

અટકી પડ્યો. અસ્પષ્ટ અજવાળામાં એને સાડી નો લહેરાટ દેખાતો લાગ્યો. નક્કી એ કોઈ સ્ત્રીનો આકાર હતો. એ આકાર હવે નદી તરફ જવા લાગ્યો. ભેખડ ઉપર ચડવા લાગ્યો. ભેખડ ઉપર

ચડ્યો.... એણે એક ધબાકો સાંભળ્યો. અરે, આ તો કોઈ આપઘાત કરવાને આવ્યું છે ને ..... એ ઊભો થયો, દોડ્યો. ભેખડ ઉપર ચડ્યો. જરા દૂર નદીના ઊંડા પાણીમાં કોઈ ડૂબતું લાગ્યું

એણે પાણીમાં ઝંપલાવ્યું. ને થોડીવારમાં એ ડૂબતા આકારને બહાર લાવ્યો. એ એક જુવાન સ્ત્રી હતી.

એને નદીના પટમાં સુવારી. આંખો એની બંધ હતી. પણ પાણી પીધું હો એવું એને ના લાગ્યું. એણે એનું મોં સરખું કર્યું. મોઢા ઉપર ઓછો પ્રકાશ પડ્યો ને એના મોઢામાંથી ચીસ નીકળી ગઈ ઃ

' કોણ આશા? '

આશાની આંખો ફરકી. ' કોણ ગૌતમ ? ' પોતાના ભીનાં વસ્ત્રોને સંકોરતી આશા બેઠી થવા ગઈ. ગૌતમે કહ્યું ઃ ' તમે જરાક સૂઈ રહો. કપડાં બીજાં બદલાવવાનાં તો નથી, પણ હમણાં પવન

માં સૂકાઈ જશે. '

'' અરે ક્યા બાત હૈ ભૈયા ! ' પાછળથી એક અવાજ આવ્યો. પાછળ બાવા મૂળભારથી ઊભા હતા. ' નદીમાં કાંઈ પડ્યું ? બાવાજી બાવા તરીકેની આબરૂ જાળવવાને થોડુંક હિંદુસ્તાનીમાં

બોલીને પાછા ગુજરાતીમાં સરી પડ્યા. ' ચાલો ભાઈ, બાઈને લઈ લેશો ? આરી મઢૂલી પાસે જ છે. '

આગળ બાવાજી ચાલ્યા.

ગૌતમ આશાને ઉપાડવા જતો હતો, પણ આશાએ કહ્યું ઃ 'હું ચાલી શકીશ. '

સીધા કાંઠા ઉપર ઝાડોનું ઝૂંડ હતું ને ત્યાં બાવાજીની મઢૂલી હતી. ' બાઈ, તમે અંદર જાઓ. અંદર દેવતા બળે છે. શરીરને ગરમ કરો. કપડાં સૂકવો. અમે આંહી બહાર બેઠા છીએ. આંહી કશી વાતનો ભો નથી હો. 'ગૌતમને બાવાજી મઢૂલી સામેના ચોકમાં ધૂણી ધખતી હતી ત્યાં બેઠા. બાવાજીને સમય તો બાર

કલાકનો જ માંડ મળ્યો હતો. પણ એમણે ઠીકઠીક પથારો જમાવી દીધો હતો. ચાર ઠૂંઠાં જમીનમાં ખોસી ઉપર ને ફરતાં ઘાસનાં છજાં બાંધી લીધાં હતાં, મઢૂલી સામેની જમીન ચોખ્ખી કરી હતી. વચમાં માટીનો ભઠ્ઠો બનાવીને ધૂણી બનાવી હતી ને ધૂણીની વચમાં મોટો

ચીપિયો ખોસ્યો હતો. ચીપિયા ઉપર કાળું ખપ્પર ઊંધું ભરાવ્યું હતું.

અસાધારણ તાકાતવાળો માણસ જ ખેસવી શકે એવો મોટો કાળો પથ્થર બાવાજી ક્યાંકથી ઉપાડી લાવ્યા હતા. પથ્થર્ને જમીનમાં ઊભો ખોસ્યો હતો. ઉપર સિન્દૂર ને તેલનો પાકો ચોપડ કરીને

એણે કાળમીંઢ પથ્થરમાંથી હનુમાન બનાવી દીધા હતા.

બાવાજીએ ધૂણીમાં જ્વાલા જલાવી, ને એના પ્રકાશમાં એમણે ગૌતમને જોયો. ' અરે કોણ તુમ '

' કોણ મૂળભારથીજી ? ' ગૌતમે બાવાજીને ઓળખ્યા. ' નમસ્કાર બાવાજી ! '

' આ શુ વાત છે ? આ છોકરી કોણ છે ? શું કામ આપધાત કરે છે ?'

હૈયાનો તમામે તમામ રંજ જાણે મૂળભારથીને જોતા વેંત જ ઊતરી ગયો. અરે, આ એક અબૂધ રજપૂત મૂળુ માણેકના નામ ઉપર બોતેર પેઢીનો ગરાસ ડૂલ કરીને બેઠો છે, તો પોતે ખોયું

શું છે ? આનો તો મળ્યું હતું ને એણે ગુમાવ્યું છે. મને તો મળ્યું જ ક્યાં હતું ? હજી તો મળવાનું હતું તે જ ગયું છે ને ? નિખાલસ રીતે ગૌતમ હસી પડ્યો. ખડખડાટ હસી પડ્યો.

'બાવાજી ! આ દુનિયા વિચિત્ર છે. હું જ આપઘાત કરવા આવ્યો હતો. ને એને આપઘાત કરતાં અટકાવવામાં હું મારું કામ તો ભૂલી જ ગયો. '

મૂળભારથીને લાગ્યું કે આ માણસનું કાંઈક ચસકી ગયું છે. એણે પૂછ્યું ઃ ' તમારે વળી આપઘાત કરવાની જરૂર શી પડી, ભાઈ ?'

ગૌતમે કહ્યુ ઃ ' મારેય થોડી ઘણી તમારા જેવી અધ્યારી આવી પડી. તમને તમારી તાકાતનું ગુમાન હતું. મને મારી કવિતાનું અભિમાન હતું. એમાં એક રામકહાણી થઈ ગઈ. '

' એવી શી ભીડ પડી ભાઈ તમને ?'

' વાત કરો મા, બાવાજી ! મેં મોટા ગોરા સાહેબ પાસે મૂળુ માણેકની મરદાનગીનાં વખાણ કર્યા.

' તો એમાં શું થઈ ગયું ? મરદ હોય એને મરદ કહેવો એમાં બીક શાની ? '

'એ જ વાત છે ને મરદ હતો ને એને મરદ કહેવામાં મારે કાયરનું મોત શોધવાની વેળા આવી.'

' જો તમે કાયર હો તો મરદાનગીને બિરદાવવાની તમને શી ભીડ પડી ? ને અગર જો મરદની મરદાનગીને તમે બિરદાવતા હો તો પછી તમારે કાયર થઈને જીવવાની શી જરૂર કે કાયર

થઈને મરવાની શી જરૂર ? 'ગૌતમ મૂળભારથી સામે તાકી રહ્યો.

' શું જુઓ છો મારા મોઢા સામે ?'

' હું ?' ગૌતમ હસ્યો ઃ ' હું તમારા મોઢા સામે જોઉં છું એટલા માતે કે તમે મને અત્યારે એક વાત કરી ને મારું ગુરૂપદ લીધું. મરદની મરદાનગી બિરદાવનાર જો થોડીક પણ મરદાનગી ન

બતાવે તો કામનું શું ? '

' એ તો દેખીતી વાત છે ને ભાઈ ? '

' હાસ્તો બાવાજી , એટલી બધી દેખીતી છે કે દેખાતી નથી. ઉપનિષદમાં કહ્યું છે ને કે; સુવર્ણના પાત્રથી સત્યનું મુખ બંધ છે. તે હે પુરુષ ! તારે ઉઘાડવું ઘટે. જગતનાં તમામ સત્યો બાવાજી

સુવર્ણના ઢાંકણાંથી ઢંકાયાં છે.'

આશા બહાર આવી, ને ધૂણી પાસે બેઠી.

' હવે તને સ્વસ્થતા છે બેટા !' બાવાજીએ પૂછ્યું.

' હા, બાવાજી ! '

ગૌતમે કહ્યુંઃ ' મને ખ્યાલ નહિ કે હું નદીમાંથી આત્મહત્યા કરતાં તમને બચાવું છું.'

' શું કરું? મારા પિતાજી .... '

'સમજ્યો. હવે ?'' હવે કાંઈ નહિ. હએ તો હું વતરણી પાર ઊતરી છું. બાવાજી કહે છે તમે મરદને બિરદાવનારે જાતે બહાદુરી બતાવવી જોઈએ. હવે હું થોડીક

બહાદુર થઈશ. મારા પિતાને ઘરે નહિ જાઊં.તમારે ત્યાં જ આવીશ. જ્યાં કવિ ત્યાં કવિતા. હવે મને કે તમને કોઈ છૂટાં પાડી શકશે નહિ. મોડી રાતે તેઓ પાછાં ઘેર પહોંચ્યાં. બેમાંથી કોઈ ઘેર એમનાં જવા અને આવવાનો અણસાર પડ્યો ન હતો. ગૌતમે ઘેર આવીને હીંચક્યા કર્યું ઃ પોતાની કલમ કાઢી. સામે ધરી. એને પ્રણિપાત કર્યા. ' સરસ્વતી ! હવે હું તારે ખોળે છું. મા ! તને હું કદી બેઈમાન નીવડીશ નહિ અને તું મને તારે દેવું હોય તે દેજે.

ચાહે તો અન્ન વસ્ત્ર આબરૂ દેજે. ચાહે તો ભૂખ, તરસ, થાક , દુઃખ જેઆપવું હોય તે આપજે. મા ! મને તારી પાસેથી બીજું કાંઇ નથી જોઈતું. જોઈએ છે એક, મારી બુધ્ધિ નિર્મળ રાખજે. મારા દેશને જાગ્રત કરવા તરફ ઉન્મુખ રાખજે. એટલું માગુ છું મા, તારી પાસે ! '

( ક્રમશ ઃ )